શનિવાર, 12 ઑગસ્ટ, 2017

એક ડૉક્ટરની ડાયરીમાં ડોકિયું

 

આ પ્રવાસમાં મેં એટલું જોયું કે, મોટા ભાગની સ્ત્રીઓ કોઈનો ને કોઈનો સંગાથ કરીને જ આવેલી. એક તો, રૂમમાં કોઈ અજાણી સ્ત્રી સાથે રહેવાનું ફાવે કે નહીં તે સવાલ. બીજું કે, એના પર કેટલો ભરોસો મૂકી શકાય તે કેમ ખબર પડે? આખો વખત કંઈ પર્સને સાથે ને સાથે તો ન જ રખાય. કંઈ દર વખતે બાથરૂમ જાય ત્યારે સાથે રાખવાનું કે રાતે સૂતી વખતે પથારીમાં સાથે લઈને સૂવાનું ને તે પણ પાછું ચમકી ચમકીને–ઝબકી ઝબકીને! એ કેમ ફાવે? ક્યાંક પેલી પર્સ લેવા તો નથી આવી ને એ બીકમાં ઊંઘ બગાડવાની? અને દિવસે, એની સાથે જ કંઈ થયું નથી એમ હસી હસીને રહેવાનું? જો એના પર શક કરે તો પોતાની જ ઈમેજ ખરાબ થાય! કરવું શું? એના કરતાં કોઈ જાણીતાંનો સંગાથ હોય તો નિરાંત.

સ્ત્રીઓ પ્રવાસમાં એકલી નથી જતી એનું બીજું પણ કારણ છે કે, ઘરનાંનો એના પર વિશ્વાસ જરા (કે ઘણો) ઓછો. ન માનતાં હો તો જરા યાદ કરી જોજો આ સંવાદોને જે કદાચ દરેક ઘરમાં બોલાયા હશે.
‘ભઈ, તારી ટિકિટ ને પૈસા જરા સાચવીને રાખજે. જ્યારે જ્યારે રૂમની બહાર નીકળે કે, બૅગને લૉક કરીને નીકળજે. અજાણ્યા પર વિશ્વાસ નહીં મૂકતી. રાતે અઘોરીની જેમ (કે પાડાની જેમ!) ઊંઘતી નહીં.(ભેંસની જેમ કેમ નહીં? ખેર, એ તો એ લોકોને જે ગમે તે ઉપમા આપે.) જરા હોશિયાર રહેજે. આમ બાઘાની જેમ બધે ડાંફરિયાં મારવા નહીં બેસી જતી. તારા શૉપિંગ પર જરા કંટ્રોલ રાખજે. એમ નહીં કે, જે મન થયું તે બસ ગમી ગયું એટલે લઈ લીધું. કોઈના માટે પણ કંઈ લાવવાની જરૂર નથી. બધા પાસે બધું જ છે ને અહીં ક્યાં નથી મળતું  જ્યાં જાય ત્યાં બધે વાતે નહીં લાગી જતી પાછી. તેમાંય આપણા ઘરની કે ઘરનાં કોઈની વાત તો કરતી જ નહીં. બે દિવસની ઓળખાણમાં કોણ કેવું છે ને કેવું નહીં તે કેમ ખબર પડે? ચેતેલાં સારા. ખાવાપીવામાં કાળજી રાખજે. ગમે તેમ ડગર ડગર નહીં કર્યા કરતી. ત્યાં માંદી પડીને બધાંની મજા નહીં બગાડતી. આપણે લીધે કોઈને નકામા હેરાન કરવાના. પાછી અહીં આવીને માંદી પડી જાય તોય ઉપાધિ. તું જાય છે ભઈ, પણ અમારા જીવ તો અહીં ઊંચા જ રે’વાના ને? સાચવીને જજે ને સાચવીને રે’જે, બીજું તો શું?’

‘બાપ રે.....! આટલું લાંબું લેક્ચર વગર ગોખ્યે ને વગર અટક્યે આપ્યું તે સામેવાળાનો કોઈ વિચાર કરવાનો કે નહીં? જીવ લેવાનો આવી રીતે? હવે જવામાં શું મજા રહે? સતત આ બધી વાતો ગભરાવતી જ રહેશે ને? જવા દો નથી જવું.’ તે ઘડીનો જુસ્સો તો એવો જ હોય પણ વર્ષોથી સ્ત્રીઓ પણ ટેવાઈ ગઈ હોય એટલે બધું માથા પરથી જવા દઈને હળવી ફૂલ થઈને જ જાય. જો હોગા દેખા જાયેગા. કંઈ આ બધી વાતોનો ભાર લઈને ફરાતું હશે? એવા ફરવામાં પછી શું મજા?
ઘણી વાર આ બધું સાંભળવાની ઈચ્છા ન હોય અથવા પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી મૂકી હોય તો કામ ઘણું આસાન થઈ જાય છે. પહેલેથી જ કોઈ સારા સંગાથને શોધી કાઢવાથી બન્ને ઘરનાં લોકો નિશ્ચિંત રહે છે અને પેલી અણગમતી (ને કોઈને મનગમતી!) સલાહોમાંથી ખાસ્સું મોટું ડિસ્કાઉન્ટ મળી જાય છે. (વણમાગી સલાહોની પાછળ કારણ એવું અપાય કે, ઘરનાંને સ્ત્રીઓની બહુ કાળજી હોય છે ને ચિંતા હોય છે.)

શું આ વાત માનવામાં આવે છે? જે સ્ત્રી આખું ને આખું ઘર સંભાળે, બધા નાના મોટા વ્યવહાર સાચવે ને દુનિયાભરના વહેવાર કરી શકે તે પોતાની જાતને ના સાચવી શકે? ગુંડા કે મવાલીઓથી તો પુરૂષો પણ દૂર રહે છે! (કે ગભરાય છે?) શું એક સ્ત્રી સાચા કે ખોટાની ઓળખ ના કરી શકે? સ્ત્રીઓની કિંમત ઘરમાં કેટલી ઓછી અંકાય છે નહીં? ખેર, મેં ને પલ્લવીબહેને પણ આ બધાં કારણોસર જ પહેલાં એકબીજાને પૂછી લીધું, ‘સાથે જવું છે?’ પહેલી વાર જ સાથે જતાં હતાં પણ એકબીજા પર વિશ્વાસ ન કરવાનું તો કોઈ કારણ જ નહોતું. ઘણા સમયથી અમે એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં. ઉલટું આ રીતે સાથે જવાની તો બહુ મજા આવશે એ વિચારે જ અમે ખુશ હતાં. રોજ રોજ ફોન પર જ બધી તૈયારીઓ શરૂ કરવા માંડેલી. ‘તમે ફલાણું લેજો ને હું ઢીંકણું લઈશ, તમે આ વસ્તુ તો ભૂલ્યા વગર લેજો ને મેં પેલી વસ્તુ લઈ રાખી છે, તમે નહીં લેતાં.’ વગેરે વાતો ચાલતી રહેતી. પછી તો મારા ઘરનાં લોકોને રમકડું મળી ગયું હોય તેમ, ફોન રણકે એટલે બૂમ પડે, ‘ચાલો ભાઈ ફોન લેજો, બૅ‘ગકૉકથી ફોન આવ્યો છે.’

પલ્લવીબહેને તો આવી બધી વાતોને પણ યાદ રાખીને ડાયરીમાં ટપકાવી લીધેલી! અરે વાહ! આ તો વાંચવાની મજા પડે એવું. પલ્લવીબહેનને ડાયરી લખવાનો શોખ તે તો મને ખબર જ નહીં. જોકે એ શોખે તો આ આખી યાત્રા લખવાનાં મંડાણ થયેલાં. નહીં તો, મને કંઈ રોજેરોજની ઝીણી ઝીણી વાતો યાદ રહેત નહીં અને આટલી બધી યાદો ફરી ફરીને મારા દિમાગમાં ઘુમરાત નહીં. મેં યાદ રાખીને છેલ્લે દિવસે ડાયરી એમની પાસેથી માંગી લીધેલી. હવે નિરાંતે ઘેર જઈને જોઈશ અને કૉલમ માટેના છૂટક લેખો તૈયાર કરતી રહીશ. (ત્યારે પુસ્તક વિશે વિચાર્યું જ નહોતું. છ દિવસના પ્રવાસમાં કેટલુંક લખાય? તે પણ એક પુસ્તક થાય એટલું તો કોઈ કાળે નહીં. ઈ બુક બની પણ કાગળના પાને ન ઊતરી!) પણ આ ડાયરીએ તો જાદુ કર્યું અને બીજું જાદુ બૅંગકૉકના એક સુંદર પુસ્તકે કર્યું. પલ્લવીબહેનના સુરતના એક પેશન્ટે એમને બૅંગકૉકનું પુસ્તક વાંચવા આપ્યું. તરત જ મારા પર પલ્લવીબહેનનો ફોન આવ્યો, ‘કલ્પનાબહેન, આપણે બૅંગકૉક ફરી આવ્યાં પણ કેટલું બધું જોવાનું રહી ગયું! ત્યાં તો કેટલી બધી મસ્ત મસ્ત જગ્યાઓ છે તે આ ચોપડીમાં જોઈને મારો તો જીવ બળી ગયો.’ એમના અવાજ પરથી લાગ્યું કે, જો હું બાજુમાં હોઉં તો એ મારા ખભે માથું મૂકીને એમનું મન થોડું હળવું કરી લે. મને દૂર હોવાનો અફસોસ થયો.

અરેરે! પલ્લવીબહેન આમ જીવ બાળીને રહેશે તો અમે જે બૅંગકૉકને જોઈ આવ્યાં કે ફરી આવ્યાં તેની યાદો વાગોળવાની મજા લેવાનું પણ ચૂકી જશે. મેં કહ્યું, ‘છ દિવસમાં આપણે બહુ જોયું ને બહુ મજા કરી. આખું બૅંગકૉક તો એમ પણ આપણાથી જોવાત નહીં. જેટલું જોયું એટલું બહુ છે એમ વિચારી લો ને પછી બધી યાદોને મમળાવતાં રહો, મજા પડશે. હજી તો આપણી શરૂઆત થઈ. આપણે હજી ઘણી જગ્યાએ સાથે ફરવા જઈશું.’

મારા શબ્દોએ એમના મન પર દુ:ખદબાવ લેપનું કામ કર્યું. ‘તો પછી આપણે બીજી ટૂરનું અત્યારથી જ વિચારવા માંડીએ.’ એમના શબ્દોએ મારા મન પર હથોડાનું કામ કર્યું. મેં ગભરાઈને કહ્યું, ‘ના ના, હજી ઘરનાંને એક આઘાત પચાવવા દો, પછી બીજાની તૈયારી કરશું.’ પલ્લવીબહેને હસીને ફોન મૂકી દીધો. મેં ફરી પેલી ડાયરી હાથમાં લીધી.                                

6 ટિપ્પણીઓ:


  1. બહુ સરસ ભાષા અને વિષય. ગમ્યાં. જો કે અમેરિકાન ગુજરાતી છોકરીઓના ુદા જ અનુભવ હોય છે. પેલા પીતિ સેનગુપ્તા તો એકલા સોથી વધુ ેશોમાં ફરી આવ્યા.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ખૂબ આભાર. પ્રીતિબેન તો કદાચ એક માત્ર ગુજરાતી અને એકલાં ફરનારા મહિલા પ્રવાસી છે. અહીં તો લગભગ દરેક ઘરમાં લેખ મુજબની જ પરિસ્થિતિ હોવાની.

      કાઢી નાખો
  2. પલ્લવીબેન ને ડાયરી લખવા અમારા તરફથી આભાર કહેજો. પ્રવાસ વર્ણન ના લેખો આટલા રસમય હોય એ તમારા લેખો વાંચ્યા પછી સમજાયું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર. તમારો સંદેશો પહોંચાડી દીધો. એમના તરફથી પણ આભાર.

      કાઢી નાખો
  3. Aapnu discriptive Lakhaan -Shuddh Mother Tongue Ma Vanchvani Khub Majja Aavi! J badhi Advice...lakheli - Pravaas ma su kerwu ne su nahi...Te Ma.ne Yogyaa lagi. Aapni Dosti nu vernon khub j GamU! Aap banaav - hudwa lekho Lakhta rahesho Avi Abhilasha.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આખી પ્રવાસકથા માણવા બદલ આભાર. તમારા સૌના પ્રતિભાવોથી જ આ બ્લૉગમાં લખવાનું ચાલુ છે.

      કાઢી નાખો