રવિવાર, 27 ઑગસ્ટ, 2017
રવિવાર, 20 ઑગસ્ટ, 2017
એક ફોટો વાઈરલ થયો!
જે સફરજનના ઝાડ નીચે ન્યુટન આરામખુરશીમાં, માથા
નીચે બે હાથ ટેકવીને એય ત્યારે ઝોકું મારવા બેઠેલો, તે જ ઝાડ પર કંઈક સળવાળટ થતાં
એણે ઉપર જોયું, તો છેક ઉપરની ડાળનું એક લાલ સફરજન, એને ધરતી પોકારી રહી હોવાથી
ઝડપથી નીચે તરફ ગતિ કરી રહ્યું હતું. ન્યુટને માથું ઝાટકી બેઠા થઈ જતાં, સફરજનને
પળવારમાં ધરતી પર પછડાતું જોયું અને એણે ફટાફટ મોબાઈલમાં સફરજનના ઝાડનો અને નીચે
પડેલા સફરજનનો ફોટો પાડીને સોશિયલ મિડીયા પર અપલોડ કરી દીધો. સાથે સાથે ન્યુટન, એ
ફોટા પર પોતાનું નામ લખવાનું ન ભૂલ્યો. કદાચ એ ત્યારનો જ જાણતો હતો, કે એક વાર આ
ફોટો જો વાઈરલ થયો, તો પછી એને પોતાને નામે ચડાવીને ફેરવવામાં કરોડો હોંશીલા લોકો
રાતે ઊંઘશે પણ નહીં. એટલે જ, આજ સુધી તો, ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યુટનના નામે બોલે
છે, ભવિષ્યમાં કંઈ કહેવાય નહીં.
એમ તો એક ગોપીએ પાડેલો કૃષ્ણનો ફોટો, તદ્દન
નિર્દોષ ભાવે પોતાના ગ્રૂપમાં જ શેર કર્યો, પણ ગામેગામની ગોપીઓને એ ફોટો ગમી જતાં,
આખરે એ ફોટો વાઈરલ થઈને જ રહ્યો. પછી તો, એ ફોટા સાથે કૃષ્ણના હજાર નામ અને રાધા
ને રુકમણીનાં નામ સાથેની ગઝલો અને કવિતાઓ, જે વાઈરલ થઈ છે...જે વાઈરલ થઈ છે...વાહ!
માળું, આ ફોટાવાળું વાઈરલ પણ જબરું હં! જો મને કોઈ ફોટો ગમ્યો, તો તમેય ગમાડો અને તરત
જ બીજાને ખો આપીને જેમ બને એમ વહેલો પહોંચાડી દો. બહુ વિચાર કરવા રોકાતાં નહીં,
નહીં તો બીજાઓ લહાવા લઈ જશે ને તમે રહી જશો. ફોટા કે સમાચાર કે સલાહો કે સુવાક્યો
કે પછી મા, બાપ, દીકરી કે દીકરા–વહુને લગતી કોઈ રડાવી દેતી બે જ લાઈન કેમ ન હોય,
એને વાંચતાંની સાથે જ, રડવાનું બાજુએ રાખીને પહેલાં એને વાઈરલની રેસમાં દોડાવી દો.
પાંચ જ મિનિટમાં તમે જોશો, તો એ ફોટો કે જે હોય તે તમારા મોબાઈલમાં દસ જણે આંસુ
સારીને કે તાળી પાડીને કે અંગુઠા બતાવીને તમને મોકલી જ આપ્યું હોય. આપણી લાગણીના આમ
પડઘા પડે, આમ લાગણી વાઈરલ થાય એ જેવી તેવી વાત છે? કહેવું પડે.
જો કોઈ હીરોઈનને ઠોકર વાગી તો એને ઊભી કરવા કે
એની ખબર પૂછવા પછી કોઈ જજો, પહેલાં એનો કપાળે ઘા બતાવતો ફોટો પાડીને મોકલવા માંડો
ને વાઈરલ કરવામાં મદદ કરો. હવે હીરોઈનનું
શું થશે? જે થાય તેની ચિંતા નથી. લોકો કામમાં રહેવા જોઈએ, બસ કોઈ નવરું બેસવું ન
જોઈએ એ આ વાઈરલ મંત્ર છે. કોઈ સેલિબ્રિટીની મશ્કરી કરવી છે? ફટાફટ એનું કાર્ટૂન
બનાવી વહેતી ગંગામાં પધરાવી દો, બધા હાથ ધોવા તૈયાર જ બેઠાં છે. સેલિબ્રિટીને શું
થશે કે એના પર શું વીતશે તે થોડું વિચારવાનું હોય? કોઈ માંદું છે? તો એને મારી
નાંખતા સમાચાર જ વાઈરલ કરી દો. બાકીનું કામ મિડીયાવાળા સાચવી લેશે. આપણે તો સોશિયલ
મિડીયાવાળા. આપણે તો, વાઈરલ વાઈરલ રમવાનું અને સસ્તું કે મફતિયા મનોરંજન
મેળવવાનું.
આમેય આપણને ક્યાં કંઈ કામ હોય જ છે? ટાંપીને
બેસી રહેવાનું, કે આજે કયા સમાચાર કે કયા ફોટા વાઈરલ થાય એમ છે! કોઈએ ધર્મના નામે
કોઈને ગાળ આપી? ખલાસ! એમાં મીઠું–મરચું ઉમેરવાનું કે કોઈ છેડછાડ કરવાનું કામ આપણું
કામ નથી, આપણે તો વાઈરલ યજ્ઞમાં આહુતિ આપવાની છે. કોઈ નેતાએ કંઈ બાફ્યું? ચાલો
લાગી જાઓ ધંધે ત્યાં સુધી, જ્યાં સુધી નેતાનો માફી માગતો ફોટો વાઈરલ ન થાય! કોઈ
અમ્પાયરે કોઈ બેટ્સમેનને ખોટો આઉટ આપ્યો? ફટાફટ ચોથા કે પાંચમા અમ્પાયર બની જાઓ.
ફોટો જ વાઈરલ કરવાનો છે ને? કહેવાય નહીં, કદાચ એની એટલી જલદી અસર થાય ને પેલો
બૅટ્સમૅન નૉટ આઉટ પણ જાહેર થઈ જાય!
એમ તો, અમુક આઈડિયાઝ પડ્યા છે આપણી પાસે પણ. બસ
એક પછી એક વાઈરલ કરવાનો વિચાર છે. રસ્તે ચાલતાં કે ડ્રાઈવિંગ કરતાં લોકોના હાથમાં
મોબાઈલ ચાલુ જ નહીં થાય, મહેમાન ઘરમાં દાખલ થાય એટલે બધાના મોબાઈલ જામ થઈ જાય,
એજ્યુકેશન વિધાઉટ ડોનેશનનો કડક કાયદો બન્યો હોય, કાશ્મીરીઓના હાથે આપણા લશ્કરના જવાનોનું
ફુલો વડે સ્વાગત થતું હોય, કાશ્મીરના દરેક ઘર પર તિરંગો લહેરાતો હોય, પાકિસ્તાનના
લશ્કરની પોતાના ઘરે ઘરવાપસી થતી હોય, ડોનાલ્ડ ટ્રમ્પ યોગાસન કરતા હોય, શાહરુખ,
સલમાન અને આમીર ખાને હિમાલયની ગોદમાં ડેરા તંબૂ નાંખી દીધા હોય, ઓસ્ટ્રેલિયાની
ટીમના કૅપ્ટનને મકાઈના પરાઠા ખાવાથી મરડો થઈ ગયો હોય અને બાકીના પ્લેયરોએ પણ
રમવાની ના પાડી હોય!
અને છેલ્લે, હવેથી સોશિયલ મિડિયા પર ખોટા સમાચાર
કે ખોટો વિડીયો વાઈરલ કરનાર પર કેસ ચલાવવામાં આવશે એવું સરકારી ફરમાન બહાર પડ્યું
હોય!
બીજા બધા આઈડિયાઝ તો ઠીક છે પણ કેસવાળી વાત
વાંચીને, સાચું સમજીને બધાનો ‘વાઈરલ ફિવર’ વાઈરલ થશે કે જતો રહેશે?
શનિવાર, 12 ઑગસ્ટ, 2017
એક ડૉક્ટરની ડાયરીમાં ડોકિયું
આ પ્રવાસમાં મેં એટલું જોયું કે, મોટા ભાગની
સ્ત્રીઓ કોઈનો ને કોઈનો સંગાથ કરીને જ આવેલી. એક તો, રૂમમાં કોઈ અજાણી સ્ત્રી સાથે
રહેવાનું ફાવે કે નહીં તે સવાલ. બીજું કે, એના પર કેટલો ભરોસો મૂકી શકાય તે કેમ
ખબર પડે? આખો વખત કંઈ પર્સને સાથે ને સાથે તો ન જ રખાય. કંઈ દર વખતે બાથરૂમ જાય
ત્યારે સાથે રાખવાનું કે રાતે સૂતી વખતે પથારીમાં સાથે લઈને સૂવાનું ને તે પણ
પાછું ચમકી ચમકીને–ઝબકી ઝબકીને! એ કેમ ફાવે? ક્યાંક પેલી પર્સ લેવા તો નથી આવી ને
એ બીકમાં ઊંઘ બગાડવાની? અને દિવસે, એની સાથે જ કંઈ થયું નથી એમ હસી હસીને રહેવાનું?
જો એના પર શક કરે તો પોતાની જ ઈમેજ ખરાબ થાય! કરવું શું? એના કરતાં કોઈ જાણીતાંનો સંગાથ
હોય તો નિરાંત.
સ્ત્રીઓ પ્રવાસમાં એકલી નથી જતી એનું બીજું પણ
કારણ છે કે, ઘરનાંનો એના પર વિશ્વાસ જરા (કે ઘણો) ઓછો. ન માનતાં હો તો જરા યાદ કરી
જોજો આ સંવાદોને જે કદાચ દરેક ઘરમાં બોલાયા હશે.
‘ભઈ, તારી ટિકિટ ને પૈસા જરા સાચવીને રાખજે.
જ્યારે જ્યારે રૂમની બહાર નીકળે કે, બૅગને લૉક કરીને નીકળજે. અજાણ્યા પર વિશ્વાસ
નહીં મૂકતી. રાતે અઘોરીની જેમ (કે પાડાની જેમ!) ઊંઘતી નહીં.(ભેંસની જેમ કેમ નહીં?
ખેર, એ તો એ લોકોને જે ગમે તે ઉપમા આપે.) જરા હોશિયાર રહેજે. આમ બાઘાની જેમ બધે
ડાંફરિયાં મારવા નહીં બેસી જતી. તારા શૉપિંગ પર જરા કંટ્રોલ રાખજે. એમ નહીં કે, જે
મન થયું તે બસ ગમી ગયું એટલે લઈ લીધું. કોઈના માટે પણ કંઈ લાવવાની જરૂર નથી. બધા
પાસે બધું જ છે ને અહીં ક્યાં નથી મળતું જ્યાં જાય ત્યાં બધે વાતે નહીં લાગી જતી પાછી.
તેમાંય આપણા ઘરની કે ઘરનાં કોઈની વાત તો કરતી જ નહીં. બે દિવસની ઓળખાણમાં કોણ
કેવું છે ને કેવું નહીં તે કેમ ખબર પડે? ચેતેલાં સારા. ખાવાપીવામાં કાળજી રાખજે.
ગમે તેમ ડગર ડગર નહીં કર્યા કરતી. ત્યાં માંદી પડીને બધાંની મજા નહીં બગાડતી. આપણે
લીધે કોઈને નકામા હેરાન કરવાના. પાછી અહીં આવીને માંદી પડી જાય તોય ઉપાધિ. તું જાય
છે ભઈ, પણ અમારા જીવ તો અહીં ઊંચા જ રે’વાના ને? સાચવીને જજે ને સાચવીને રે’જે,
બીજું તો શું?’
‘બાપ રે.....! આટલું લાંબું લેક્ચર વગર ગોખ્યે
ને વગર અટક્યે આપ્યું તે સામેવાળાનો કોઈ વિચાર કરવાનો કે નહીં? જીવ લેવાનો આવી
રીતે? હવે જવામાં શું મજા રહે? સતત આ બધી વાતો ગભરાવતી જ રહેશે ને? જવા દો નથી
જવું.’ તે ઘડીનો જુસ્સો તો એવો જ હોય પણ વર્ષોથી સ્ત્રીઓ પણ ટેવાઈ ગઈ હોય એટલે બધું
માથા પરથી જવા દઈને હળવી ફૂલ થઈને જ જાય. જો હોગા દેખા જાયેગા. કંઈ આ બધી વાતોનો
ભાર લઈને ફરાતું હશે? એવા ફરવામાં પછી શું મજા?
ઘણી વાર આ બધું સાંભળવાની ઈચ્છા ન હોય અથવા પાણી
પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી મૂકી હોય તો કામ ઘણું આસાન થઈ જાય છે. પહેલેથી જ
કોઈ સારા સંગાથને શોધી કાઢવાથી બન્ને ઘરનાં લોકો નિશ્ચિંત રહે છે અને પેલી અણગમતી
(ને કોઈને મનગમતી!) સલાહોમાંથી ખાસ્સું મોટું ડિસ્કાઉન્ટ મળી જાય છે. (વણમાગી
સલાહોની પાછળ કારણ એવું અપાય કે, ઘરનાંને સ્ત્રીઓની બહુ કાળજી હોય છે ને ચિંતા હોય
છે.)
શું આ વાત માનવામાં આવે છે? જે સ્ત્રી આખું ને
આખું ઘર સંભાળે, બધા નાના મોટા વ્યવહાર સાચવે ને દુનિયાભરના વહેવાર કરી શકે તે
પોતાની જાતને ના સાચવી શકે? ગુંડા કે મવાલીઓથી તો પુરૂષો પણ દૂર રહે છે! (કે ગભરાય
છે?) શું એક સ્ત્રી સાચા કે ખોટાની ઓળખ ના કરી શકે? સ્ત્રીઓની કિંમત ઘરમાં કેટલી
ઓછી અંકાય છે નહીં? ખેર, મેં ને પલ્લવીબહેને પણ આ બધાં કારણોસર જ પહેલાં એકબીજાને
પૂછી લીધું, ‘સાથે જવું છે?’ પહેલી વાર જ સાથે જતાં હતાં પણ એકબીજા પર વિશ્વાસ ન
કરવાનું તો કોઈ કારણ જ નહોતું. ઘણા સમયથી અમે એકબીજાને સારી રીતે ઓળખતાં હતાં.
ઉલટું આ રીતે સાથે જવાની તો બહુ મજા આવશે એ વિચારે જ અમે ખુશ હતાં. રોજ રોજ ફોન પર
જ બધી તૈયારીઓ શરૂ કરવા માંડેલી. ‘તમે ફલાણું લેજો ને હું ઢીંકણું લઈશ, તમે આ
વસ્તુ તો ભૂલ્યા વગર લેજો ને મેં પેલી વસ્તુ લઈ રાખી છે, તમે નહીં લેતાં.’ વગેરે
વાતો ચાલતી રહેતી. પછી તો મારા ઘરનાં લોકોને રમકડું મળી ગયું હોય તેમ, ફોન રણકે
એટલે બૂમ પડે, ‘ચાલો ભાઈ ફોન લેજો, બૅ‘ગકૉકથી ફોન આવ્યો છે.’
પલ્લવીબહેને તો આવી બધી વાતોને પણ યાદ રાખીને
ડાયરીમાં ટપકાવી લીધેલી! અરે વાહ! આ તો વાંચવાની મજા પડે એવું. પલ્લવીબહેનને ડાયરી
લખવાનો શોખ તે તો મને ખબર જ નહીં. જોકે એ શોખે તો આ આખી યાત્રા લખવાનાં મંડાણ
થયેલાં. નહીં તો, મને કંઈ રોજેરોજની ઝીણી ઝીણી વાતો યાદ રહેત નહીં અને આટલી બધી
યાદો ફરી ફરીને મારા દિમાગમાં ઘુમરાત નહીં. મેં યાદ રાખીને છેલ્લે દિવસે ડાયરી
એમની પાસેથી માંગી લીધેલી. હવે નિરાંતે ઘેર જઈને જોઈશ અને કૉલમ માટેના છૂટક લેખો
તૈયાર કરતી રહીશ. (ત્યારે પુસ્તક વિશે વિચાર્યું જ નહોતું. છ દિવસના પ્રવાસમાં
કેટલુંક લખાય? તે પણ એક પુસ્તક થાય એટલું તો કોઈ કાળે નહીં. ઈ બુક બની પણ કાગળના
પાને ન ઊતરી!) પણ આ ડાયરીએ તો જાદુ કર્યું અને બીજું જાદુ બૅંગકૉકના એક સુંદર
પુસ્તકે કર્યું. પલ્લવીબહેનના સુરતના એક પેશન્ટે એમને બૅંગકૉકનું પુસ્તક વાંચવા
આપ્યું. તરત જ મારા પર પલ્લવીબહેનનો ફોન આવ્યો, ‘કલ્પનાબહેન, આપણે બૅંગકૉક ફરી
આવ્યાં પણ કેટલું બધું જોવાનું રહી ગયું! ત્યાં તો કેટલી બધી મસ્ત મસ્ત જગ્યાઓ છે
તે આ ચોપડીમાં જોઈને મારો તો જીવ બળી ગયો.’ એમના અવાજ પરથી લાગ્યું કે, જો હું
બાજુમાં હોઉં તો એ મારા ખભે માથું મૂકીને એમનું મન થોડું હળવું કરી લે. મને દૂર
હોવાનો અફસોસ થયો.
અરેરે! પલ્લવીબહેન આમ જીવ બાળીને રહેશે તો અમે
જે બૅંગકૉકને જોઈ આવ્યાં કે ફરી આવ્યાં તેની યાદો વાગોળવાની મજા લેવાનું પણ ચૂકી
જશે. મેં કહ્યું, ‘છ દિવસમાં આપણે બહુ જોયું ને બહુ મજા કરી. આખું બૅંગકૉક તો એમ
પણ આપણાથી જોવાત નહીં. જેટલું જોયું એટલું બહુ છે એમ વિચારી લો ને પછી બધી યાદોને
મમળાવતાં રહો, મજા પડશે. હજી તો આપણી શરૂઆત થઈ. આપણે હજી ઘણી જગ્યાએ સાથે ફરવા
જઈશું.’
રવિવાર, 6 ઑગસ્ટ, 2017
સવાદી ખા.......(૩૧)
દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં આદિવાસી બોલી
સાંભળવા મળે છે. એમાંના અમુક શબ્દોએ મારા મન પર કાયમી છાપ છોડી છે. કોઈ પુરુષ સામે
મળે ને જો પૂછવું હોય કે, ‘કેમ છો?’ ‘શું છે?’ (હાય–હલો જેવું.) તો બોલાય, ‘કાય
રા?’ અને કોઈ સ્ત્રી સામે મળે તો? ‘કાય વા?’
મને તો અહીં બૅંગકૉકમાં પણ, પહેલી વાર બસમાં
બેસતી વખતે જ આ વાતનો અનુભવ થઈ ગયેલો. અમારા સ્વાગતમાં બોલાયેલા પહેલા શબ્દો હતા,
‘સવાદી કા...’ એ તો પછીથી ખબર પડી કે, જ્યારે જ્યારે કોઈ થાઈ છોકરી બસમાં કે
હૉટેલમાં અમને વેલ કમ કરતી, ત્યારે એની ઝીણી આંખોને જોરમાં મીંચીને, પૂરી બત્રીસી
બતાવતાં દિલથી ખુશ થઈને બોલતી, ‘સવાદી કા...’ (થાઈ ભાષા પણ ઈંગ્લિશ જેવી જ ફન્ની
લૅંગ્વેજ છે, એટલે ઉચ્ચાર બાબતે ચર્ચાનો કોઈ અર્થ ના રહે. ઘણી વાર ‘કા’ને બદલે
‘ખા’ પણ બોલે!) મને તો બહુ ગમ્મત પડેલી. ‘સવાદ લઈ લઈને ખા.’ વાહ વાહ! અહીં તો બધું સવાદ લઈ લઈને જ ખાવાનું છે. પછીથી
એ વાત કેટલી સાચી પણ પડેલી. જો કોઈ છોકરો ગાઈડ આવે તો સ્વાગતમાં બોલે, ‘સવાદી
ક્રાપ.’(સવાદમાં કાપ મૂકવાનો?) કોઈ વળી “ક્રાપને’ બદલે ‘ખાપ’ પણ બોલે.(ખાપ
પંચાયત!)
જો છોકરી આભાર માને તો, ‘કોપ કૂન કા.’ અને છોકરો
આભાર માને તો? ‘કોપ કૂન ક્રાપ’. આનું એક મહારાષ્ટ્રીયન છોકરીએ બનાવી કાઢેલું,
‘કાપૂન ખા.’ એટલે કે, કાપીને ખા. એને કદાચ નૉન વેજ યાદ આવ્યું હશે કે રસોડું યાદ
આવ્યું હશે, ખબર નહીં. કોઈ પણ નવી બોલી કે ભાષામાંથી, આપણી બોલી કે ભાષાના કેવા
મજાના અર્થો ને ઉચ્ચારો મળી આવે! એ તો સારું કે દરેક બસમાં એક થાઈ ગાઈડ પણ
રહેતો/રહેતી. એ લોકોના મજાકિયા સ્વભાવને કારણે કે પછી એમની ટ્રેઈનિંગના ભાગ રૂપે
અમને આવા નાના નાના મજાના વાક્યો જાણવાના મળ્યા. જેવા કે,
‘હું મજામાં છું’ એટલે ‘સબાઈ દી’. દૂરથી અથવા
બરાબર ન સંભળાય તો ‘સગાઈ કી’ જેવું જ સંભળાય!
‘તમે મજામાં છો?’ એટલે ‘સબાઈ દી માઈ?’ માઈ
સાંભળીને આપણે તો ચોંકીએ. અહીં કોઈ માઈ–બાપ નથી તો આ કોને કહે છે? કોઈકની માની
વાત લાગે છે.
જો ‘માઈ સબાઈ’ બોલે તો ‘હું મજામાં નથી.’ જોયું? શબ્દોની જરાક જ હેરાફેરી કરવાથી આખો અર્થ જ બદલાઈ જાય.
‘ગુડ લક’ કહેવું હોય તો? ‘ચોક દી ખા’. ભઈ, અહીં
તો કોઈને ચૉક પણ નથી દેખાયો ને ડસ્ટર પણ નથી દેખાયું. શું કરીએ?
‘તમે ક્યાં જાઓ છો?’ એટલે ‘પાઈ નાઈ’. કેટલું
અર્થસભર વાક્ય છે? જવાની વાત આવી એટલે સિફતથી ટૂંકમાં ટાળી દીધું કે જણાવી દીધું,
‘પાઈ નાઈ’. મની વગર ક્યાં જવું?
‘જોઈએ છે?’ તો શું કહેવાનું? ‘આઉ..’
(વાઉ....!’) કેટલી ટૂંકમાં વાતો
પતાવવાની? આપણે પણ, શું? કોણ? કેમ? ક્યારે? માં પતાવી દઈએ છીએ ને?
નથી જોઈતું? તો શું
કહેવાનું? ‘માઈ આઉ’. ‘માઈ જા’, જેવું ગુસ્સામાં બોલાય છે ને?
‘ધીસ’નું ‘ની’ અને
‘ધેટ’નું ‘નન’. ‘ની’ એટલે તો ના થાય, અંગ્રેજીમાં ઘુંટણ થાય! ‘નન’ એટલે સાધ્વી પણ
થાય અને એક પણ નહીં જેવો અર્થ પણ થાય–અંગ્રેજીમાં!
જ્યાં ને ત્યાં ખાવાની ને
ખાવાની વાત ચાલતી એટલે ખાવા બાબતે પણ મસ્ત મજાના શબ્દોએ રંગ રાખેલો.
ખાવાનું (ફુડ) એટલે
‘આહાં’. (આહ્હા!)
તીખું એટલે ‘પેટ’! (પટમાં લ્હાય બળે એવું!)
ખાટું એટલે ‘બ્રીઓહ’. (ઓહ! ખાટું!)
ખારું એટલે ‘કેમ’. (કેમ
ખારું છે? દરેક ઘરમાં ડાઈનિંગ ટેબલ પર પુછાતો પ્રશ્ન.)
મીઠું એટલે ‘વાહ’!
(મીઠું–ગળ્યું બધે જ વાહ!)
કડવું તો ‘કોમ’. (કઈ
કોમના લોકો કડવું ખાય ? રોગવાળા કે જબાનવાળા?)
હવે ખાવાનું ઓર્ડર કરવું
છે પણ તીખું નથી જોઈતું, તો?
‘માઈ આઉ પેટ.’
(મા....પેટમાં આઉ...થઈ જાય.)
અને તીખું જોઈએ તો?
ચટાકા કરવાવાળાએ કહેવાનું, ‘આઉ પેટ!’ (માઈને આઉટ કરી દેવાની!)
ભાત જોઈએ છે? ‘કાઓ’ કે
‘ખાઓ’. (ખાઓ ખાઓ.)
બૉઈલ્ડ રાઈસ જોઈએ? ‘ખાઓ
સ્વે.’ (ખાવો સે?)
ફ્રાઈડ રાઈસ? ‘ખાઓ પેટ.’
(પેટ ભરીને ખાઓ. ભાત જ છે ને?)
ઈંડું એટલે ડાઈ. (મરઘી
મરી જાય એટલે ડાઈ?)
ને મરઘી એટલે ‘ગાઈ’. (ગાય?) છે ને અજબગજબની રમત?
હવે ડ્રિંક્સમાં ડૂબકી
મારીએ.
પાણી એટલે ‘નામ’! આપણે
ત્યાં પણ પાણી સાથે કેટલાં બધાં નામ ને અર્થ જોડાયેલાં છે!
બરફ એટલે ‘નામ કૈરંગ’! (બરફનો
બીજો રંગ કે બરફનું બીજું રૂપ પાણી!)
ઓરેન્જ જ્યૂસ એટલે ‘નામ
સોમ’. (તો સોમરસ એટલે?)
કૉફી એટલે ‘ગાહ ફેર’. (ગા
આગળ નિ લગાવી દઈએ તો? ચા પીવાવાળા જરા આ બાજુ નિગાહ ફેર.)
અને આપણી ચા એટલે?
‘ચાહ.’! (વાહ! ચાનું નામ તો આખી દુનિયામાં ચા કે ચાહ જ હોવું જોઈએ.)
પ્લેનમાં અડધી રાતે
જાગતાં–ઊંઘતાં ને થાઈ એર હૉસ્ટેસોને આંટા મારતી જોતાં જોતાં મને આ બધા શબ્દોની યાદ
આવી રહી હતી. રોજ રોજ કેટલીય વાર સંભળાતું
‘સવાદી ખા.....’ હવે કાલથી બંધ? હવે? ગુડ બાય? ‘લા ગોન’ કહેવાનો સમય આવી
ગયો?
‘લા ગોન’ કહેતી વખતે એર
હૉસ્ટેસ બોલેલી, ‘કોર હાઈ ચોક દી’.? (ગુડ લક.) મને તો એમ કે, ‘ચોકડી આણી કોર છે’
એવું કંઈક બોલી કે શું?
નિરાશ વદને સૌને બાય બાય
કરતાં અમે, આપણા ઈન્ડિયાના મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યાં.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)