કોણ જાણ કેમ પણ આપણને ઘરમાં સ્વર્ગ દેખાતું નથી,
કે પછી ઘરને સ્વર્ગ બનાવતાં આપણને આવડતું નથી. જે હોય તે, આપણી એક માત્ર ઈચ્છા મર્યા પછી સ્વર્ગ
મેળવવાની(!) અને સ્વર્ગનાં સુખો ભોગવવાની જ હોય છે. દુનિયાના દરેક માનવીની આ ઈચ્છા
રહી હોવાથી, એ સ્વર્ગે પહોંચવાની વ્યર્થ કોશિશોમાં ઊંચી, ઊંચી અને હજીય ઊંચી
ઈમારતો બનાવ્યે જ જાય છે. જાણે કે, સ્વર્ગ હાથવેંતમાં. ફાયદો એમાં આપણા જેવા સૌને
એ થાય કે, વગર મહેનતે અને ઓછા ખર્ચે આપણે સ્વર્ગની સીડી પર જઈ શકીએ છીએ. બે–પાંચ મિનિટ માટે
આભાસી સ્વર્ગ મેળવ્યાનો કે જોયાનો આનંદ માણી શકીએ.
જે મકાન કે ટાવરને જોવા કદાચ ભોંય પર જ આડા પડી
જવું પડે, એટલી મોટી અને ઊંચી ‘બૅયોક સ્કાય હૉટેલ’ને, રસ્તા પર ઊભા રહી, અમે ડોકની સાથે શરીરને પણ રસ્તા તરફ ઢળતું
મૂકતાં મૂકતાં કમાન જેવી હાલતમાં ખૂબ અચરજથી જોઈ. પંચ્યાસી માળની હૉટેલ! લાઈટ ન
હોય ત્યારે? જે જ્યાં હોય ત્યાં જ અટકી જાય? એવે સમયે ઉપલા માળવાળાને કેવી મજા? કે
નીચલા માળે હોય તેને? હું તો દસ માળથી વધારે ઊંચા મકાનમાં કોઈને ત્યાં જવાની હિંમત
ન કરું. એક કપ ચા કે નાસ્તાની એકાદ ડિશના બદલામાં દસ માળ કોણ ચડ–ઉતર કરે? તેમાંય
જ્યારથી હેલ્થ ટિપ્સમાં વાંચ્યું છે કે, લિફ્ટમાં જવાને બદલે દાદર વાપરવો ત્યારથી
તો મહેમાન બનવાનુંય ટાળવા માંડ્યું છે. મોટા ગ્રૂપને કારણે અમારું કામ તો બહુ
ઝપાટામાં ચાલતું કે ચલાવવું પડતું. એમ લળીલળીને કે વળીવળીને મકાનો, હૉટેલો ને
મંદિરો જોવા મંડી પડીએ તો અમને કેટલા દિવસ જોઈએ?
ટૂરવાળા તો કોઈને ખોટું ન લાગે, સૌનો ઉત્સાહ
અકબંધ રહે અને સાથે સાથે સૌને પાનો પણ ચડતો રહે, એટલે ખોટુંખોટું પણ કહેતા રહેતા,
‘કમ ઓન ગર્લ્સ, મૂવ ફાસ્ટ. વી આર ગેટિંગ લેઈટ.’ સાંભળીને તો બધી ગર્લ્સ તો એ..ય ને
દોડવા જ માંડે હીહીહીના રણકાર સાથે. આ વિશાળ હૉટેલમાં છસો તોંતેર તો ઓરડા!
સિત્તોતરમા માળે વેધશાળા. ત્ર્યાંસીમા માળે મ્યુઝિકની સાથે રુફ ટૉપ બારની સગવડ ને
ચોર્યાસીમા માળે ત્રણસો સાંઠ ડીગ્રીનું રિવોલ્વિંગ રુફ ડેક. મોટી પારદર્શક
લિફ્ટમાં દાખલ થાઓ એટલે જાણે પ્લેન ટેઈક ઓફ કરે તેવી પેટમાં ઘરઘરાટી અને મગજમાં
રોમાંચની સાથે હર્ષનાં મોજાં ઊછળવા માંડે. આંખો તો અચરજથી પહોળી થઈ નીચે જઈ રહેલા
શહેરને જોયા જ કરે.
આંખના પલકારા ને ઝબકારામાં તો સિત્તોતેરમો માળ
હાજર! બહાર નીકળી વેધશાળામાંથી આકાશદર્શન! રાત્રે તો વળી નીચે શહેર અને ઉપર
આકાશદર્શનની અનેરી મજા માણી, અમે વળી છુકછુકગાડી રમતાં બીજી લિફ્ટમાં ચોર્યાસીમા
માળે પહોંચ્યાં. અહીં ખુલ્લી બાલ્કની જેવી જગ્યામાં ચાલતાં ચાલતાં આખા બૅંગકૉક
શહેરની ઉપર વટથી એક ચક્કર મારી લેવાનું. બસ, સ્વર્ગ અહીં નહીં તો બીજે ક્યાં
હોવાનું? મને તો ત્યાં રહી પડવાનો કોઈ વાંધો નહોતો પણ એવાં નસીબ ક્યાં? ખેર, એક
આખું ચક્કર મારીએ એમાં તો, ફ્લાય ઓવરના જાળામાં ગૂંચવાયેલા બૅંગકૉકમાં ફરતા
કરોળિયા રૂપી ટ્રાફિકને, મકાનોને, વિમાનોને, નદી ને બગીચાઓ તથા હોડીઓને જોતાં જ
રહીએ....જોતાં જ રહીએ એમ થાય. મારા મનમાં ત્યારે રહી રહીને એક જ વાત ખૂંચતી હતી.
આટલી સુંદર જગ્યાને, લોકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવાની ઉતાવળમાં આ રિવોલ્વિંગ
ડેકને આટલી ભંગારમાં નાંખવા જેવી કેમ બનાવી? કોઈક પડતર અગાસી પર ચાલતાં હોઈએ એવો
પતરાંનો ખખડાટ, કાચની/પ્લાસ્ટિકની પારદર્ષક પણ સાફસફાઈ વગરની દિવાલને નજરઅંદાઝ
કરીએ તો ફરી ભેજું ઠેકાણે આવી જાય. (હારી, ખામી જોવાની ટેવ એમ કેમ કરતાં જાય?)
એક માળનો દાદર ઊતરી અમને ફ્રી ડ્રિંક માટે લઈ
ગયા બારમાં! જ્યાં અમને પ્યોર કોલ્ડ ડ્રિંક(!) અને જેને જોઈએ તેને હૉટ ડ્રિંકમાં
કૉફી અપાઈ. ફ્રી એટલે પેલી સ્વર્ગની ટિકિટમાં સામેલ ખર્ચ! ફરીથી લિફ્ટમાં એ જ ઝૂ....મ
અને કાનના પડદા બંધ. ફટાક દઈને ભોંયતળિયે અને બે જ મિનિટમાં તો સૌ કાંઉકાંઉવાળી
હોલસેલ માર્કેટમાં ખાબકી. અચાનક જ શૉક ટ્રીટમેન્ટ અપાઈ હોય એમ સૌને શૉપિંગનો આદેશ
થયો ને સૌના જીવમાં જીવ આવ્યો. હા...શ! શૉપિંગ કરવાનું. ચાલો મંડી પડો.
દુનિયાભરના શૉપિંગરસિયાઓના સ્વર્ગ ગણાતા
બૅંગકૉકમાં હવે અમારું આ છેલ્લું શૉપિંગ હતું. પર્સમાંના ખણખણતા સિક્કા કે કડકડતી
ડૉલર્સની નોટોને અહીં દાન કરી જવાની હતી. સસ્તામાં સસ્તી માર્કેટ અને અધધધ દુકાનો!
આવી જગ્યાએ તો બે–ચાર દિવસ ધામો નાંખવો જોઈએ. બે–ચાર કલાકમાં શું? ન તો નિરાંતે
પસંદગી થાય કે ન તો ભાવતાલની મજા આવે. બહાર તો પાછી આનાથીય સસ્તી સ્ટ્રીટ માર્કેટ!
કોઈ રાખી રાખીને દિલ પર કેટલોક કાબૂ રાખે? સામાન વધી જવાની પરવા કર્યા વગર સૌ
ઘેલીઓ શોપિંગની હોડમાં જાણે દોડવા જ માંડી. એ...ક, દો....તીન. ભાગો......
મેં પલ્લવીબહેન સામે જોયું. ‘શું કરીએ? કંઈ
શૉપવું છે?’ એમની પણ ખાસ ઈચ્છા નહોતી. જો રસ્તામાં જ અધવચ્ચે બૅગ તૂટી ગઈ તો? સામાન
વધી ગયો ને દંડ ભરવો પડે તો? ના બાબા. એના કરતાં બધે ફરીએ ને માર્કેટ જોઈએ. અમે તો
બધે ફરી ફરીને જાતજાતની રંગબેરંગી દુકાનો જોઈ. ગ્રાહકોને ત્રુટક ભાષામાં રકઝક કરતા
જોયા અને થાઈ છોકરીઓને ગૂસપૂસ કરતાં ને ટિફિનમાંથી ભોજન કરતાં પણ જોઈ. છેલ્લે બહાર
નીકળીને સ્ટ્રીટ માર્કેટ પણ જોઈ લીધી. ભીડમાંથી સાચવીને રસ્તો કાઢતાં થોડે સુધી
ચક્કર લગાવી આવ્યાં. સમયનું સતત ધ્યાન રાખવાનું હતું નહીં તો અહીં અમારું કોણ? આખા
દિવસની રઝળપાટે ટાંટિયા જવાબ આપવા માંડેલા કે પછી પ્રવાસ પૂરો થયાના અફસોસે અમે
ઢીલા પડવા માંડેલાં કોણ જાણે.
આખરે બૅંગકૉકના છેલ્લા વિદાયભોજનની પળ આવી
પહોંચી. હૉટેલ અશોકા! ભારતીય વાદ્યસંગીત અને સ્વાદિષ્ટ ભોજન, પણ ઉત્સાહના અભાવે
કોઈને ભોજનમાં રોજના જેવો સ્વાદ ન આવ્યો. જમીને સૌ પોતાના શૉપિંગના થેલા સાચવતા
બસમાં બેઠાં. થેલાઓથી ઊભરાતી બસમાં પાછળ બેઠેલી લલનાઓ તો દેખાતી પણ નહોતી. ગાઈડે
પોતાની છેલ્લી, વિદાયની વાત માંડી. ‘તમને સૌને આ ટૂરમાં ખૂબ મજા આવી હશે એવી આશા.
અમારા તરફથી તમારી બધી સગવડો સાચવવામાં અને સફરનો સંતોષ આપવામાં કોઈ ભૂલચૂક થઈ હોય
તો માફ કરશો. જોકે, પ્રવાસમાં થોડી પણ અગવડ ન પડે તો એ પ્રવાસ ન કહેવાય, એવું જો
માનતાં હો તો આવા પ્રવાસ કરતાં રહેજો અને અમને યાદ કરતાં રહેજો. (જાહેરાત કરવાની
કળા !) અમને સૌને પણ તમારી સાથે ખૂબ મજા આવી. તમારા સૌની યાદ આવશે. મને પણ યાદ કરી
કોઈ વાર ફોન કરી લેશો તો મને આનંદ થશે. (આવાં ગપ્પાં આ લોકો દરેક ટૂરમાં મારતાં
હશે ને? હશે, અમને મજા પડી તેમાં આ લોકોનો પૂરો સહયોગ હતો તેની કેમ ના કહેવાય?)
હવે એરપોર્ટ પર મળશું. તમારા સામાન અને પર્સ–પાસપોર્ટનું ધ્યાન રાખશો. શુભેચ્છા
અને શુભયાત્રા.’
ગૌરી ખૂબ જ મળતાવડી અને હસમુખી હોઈ અમારા સૌની
પ્રિય બની ગયેલી. એક છોકરીએ એને પૂછ્યું પણ ખરું, ‘ગૌરી તું કાયમ દોડતી ને હસતી જ
દેખાઈ છે. તું થાકતી નથી? આરામ ક્યારે કરે છે?’ ગૌરીએ જરાય અભિમાન બતાવ્યા વગર
કહ્યું, ‘અમારી નોકરીની પહેલી શરત જ એ છે કે, થાક ને ભૂખ તરફ ધ્યાન નહીં આપવાનું.’
બાપ રે! આ બધી ઝાકઝમાળની પાછળ તો ખાસ્સું બલિદાન છે. અમે બધાં તો કોઈ પણ જવાબદારી
વગરના પ્રવાસમાં, સરસ મજાનું ઝાપટીને, આરામ કરીને, શૉપિંગ કરીને ને મજા કરીને પણ
થાકીને ઠૂસ થવાની ફરિયાદ કરતાં હતાં અને આ વીસ જ વરસની, માબાપથી દૂર અને ઘરથી દૂર
આવેલી છોકરી! વાહ!
ગૌરી અલકમલકની વાતો કરીને સૌને ખુશ કરવાની કોશિશ
કરી રહી હતી અને બસ સુવર્ણભૂમિ એરપોર્ટ તરફ સડસડાટ દોડી રહી હતી. રાતનું રોશનીથી
ઝગમગતું બૅંગકૉક અને એરપોર્ટનું વિશાળ, ભવ્ય પાર્કિંગ જોઈ સૌ સ્તબ્ધ! બસમાંથી
નીકળી સૌએ પોતાનો સામાન ટ્રોલી પર લઈ લીધો અને ફરી સૌ સ્કૂલની લાઈનમાં! એરપોર્ટમાં
દાખલ થઈ ફરી એ જ સામાન અને પાસપોર્ટ ચેકિંગની કંટાળાજનક લાઈનો અને બૅગ પર બેસી
ગયેલી થાકેલી તરુણીઓ! ચાલો ભઈ, હવે વહેલા પહોંચીએ ઘેર. ન તો કોઈનામાં રોજની જેમ
અંતકડી રમવાના હોશ હતા કે ન કોઈ મજાકમસ્તી કરવાના મૂડમાં હતું. ઘરે પાછા ફરવાનો
કોઈને ઉત્સાહ જ નહોતો! ફરી એ જ ગૅસના ચૂલા, એ જ ઓફિસની દોડાદોડી, પરિવારના પ્રશ્નો
અને ઓહ! રે’વા દો. એ તો એવું જ હોય. વેકેશન કોને કહ્યું છે? આ છ–સાત દિવસોને યાદ
કરીને ખુશ નહીં રે’વાનું? તો પછી...