સોમવાર, 12 જૂન, 2017

બાય બાય બૅંગકૉક–––(૨૪)


જ્યારે સરસ મજાનો પવન નીકળ્યો હોય અને પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે...હજીય ઊંચે પહોંચી ગયો હોય, ત્યારે અચાનક જ ફિરકી ખલાસ થઈ જાય કે ભરદોરીએ પતંગ કપાઈ જાય ને જેવી પતંગની હાલત થાય, તેવી હાલત અમારા સૌની થઈ ગઈ હતી. બૅંગકૉક પ્રવાસના છેલ્લા દિવસની છેલ્લી સવાર પડી ચૂકી હતી. સાડા નવ વાગ્યે હૉટેલ છોડી દેવાની હતી અને રાત્રે નવ વાગ્યે તો બૅંગકૉક એરપોર્ટ પહોંચી જવાનું હતું. હાથમાં હતા ફક્ત બાર કલાક! હવે તો જેટલું બાકી રહી ગયું હોય તેટલું બૅંગકૉક જોઈને પૂરું કરવાનું હતું. ભલે ને, બધી સ્ત્રીઓ– બહેનો, દીકરીઓ, માતાઓ– સરસ મજાનો સમય લઈને સુંદરતમ દેખાવાની અંતિમ કોશિશો કરી ચૂકી હોય પણ નિરાશાની વારંવાર ડોકાઈ જતી લકીરો સૌની આંખોમાં ઝળઝળિયાંની જેમ ચમકી જતી હતી.

કેવી નવાઈની વાત કહેવાય? મારું ઘર–મારું ઘર કહેતાં જેનું મોં થાકતું ન હોય કે જેની જીભ અચકાતી ન હોય તે જ સ્ત્રીઓ આજે પોતાને ઘેર જ પાછું ફરવાનું હોવા છતાં દુ:ખી દેખાતી હતી! જાણે કે, આવા બીજા કોઈ પ્રવાસના દિવસ સુધી એને તડીપાર કરી હોય કે પછી જેલમાં મોકલી દીધી હોય! ખેર, સવારે વહેલાં ઊઠવાની કોઈ ઉતાવળ નહોતી. શાંતિથી તૈયાર થઈને, નાસ્તો (છેલ્લી વારનો) કરીને નવ વાગ્યે તો હૉટેલની બહાર નીકળી જવાનું હતું. ત્યાંથી સીધા બસમાં જ બેસી જવાનું હતું, પણ માયા બડી અજબ ચીજ છે. લાગતું હતું કે, અમને સૌને તો આ હૉટેલની પણ માયા લાગી ગયેલી! તો જ નીકળતી વખતે સૌ ફરી ફરીને દુ:ખી નજરે હૉટેલને જોઈ રહી હતી ને? એ તો સારું કે, કોઈ ભૂખ્યે પેટે કે બળતા જીવે ના જાય એટલે હૉટેલવાળાએ નાસ્તો કરીને જવાનો સમય ને આગ્રહ રાખેલો.(બધું ભાડામાં સામેલ હોય પણ આપણે લાગણીઘેલાં તે હૉટેલવાળાનાં ગુણ ગાઈએ!) એ તો બહુ જાણીતી વાત છે કે, મન નિરાશ હોય ત્યારે જો કંઈ મનને–જીભને ભાવે તેવું ખાઈ લઈએ તો મૂડ તરત ફેરવાઈ જાય. આનાથી સાબિત થાય કે, ભઈ, આપણે તો બહુ ખાઉધરાં! દરેક વાત કે પ્રસંગ સાથે ખાવાપીવાની વાત જોડી દઈને જ પરમ સંતોષ અનુભવીએ.

‘હવે તો જવાના....છૂટા પડવાના.....કંઈ ગમશે નહીં....આટલા દિવસ તો કેટલી મજા આવી....બધું ને બધાં બહુ યાદ આવશે....’ વગેરે વગેરે વાતોનાં રોદણાં રડતી બહેનો બ્રેકફાસ્ટ માટે તો સમયસર હાજર હતી. બધી વાતોને બાજુએ મૂકીને પેટમાં જેટલો સીંચાય તેટલો નાસ્તો સીંચવાનો પ્રયત્ન કરી રહી હતી. અમે કંઈ સાધ્વીઓ પણ નહોતી, ને બૅંગકૉકમાં અગિયારસ કે પૂનમનો ઉપવાસ કરવાની નેમ લઈને પણ નહોતી ગઈ એટલે અમે બન્નેએ પણ શરમ રાખ્યા વગર(જોકે, અહીં કોની શરમ રાખવાની?), બને તેટલી વાનગીઓને સંપૂર્ણ ન્યાય આપ્યો. મને થયું કે, હૉટેલ તરફથી દરેકને વિદાય ભેટ તરીકે એક ટિફિનમાં નાસ્તો ભરી આપત તો એ લોકોનું શું જાત? એમ પણ અમારા ગયા પછી આ બધું દેશી–ભારતીય ખાણું એ લોકો ઓછા ખાવાના હતાં? છોલેપૂરી ને બ્રેડપકોડામાં એમને શું સમજ પડે? મગની દાળનો શીરો એમને ભાવે કે? બાકી તો, રોજ જે જે વાનગીઓની સજાવટ રહેતી હતી તે તે વાનગીઓ એમને તો ચાલી રહેશે, પણ અમે તો દુ:ખી હ્રદયે કેક–બ્રેડ–બિસ્કીટ–જ્યૂસ–ચા–કૉફી–કૉર્નફ્લેક્સ અને ફ્રૂટ્સના ભરેલા ટેબલોને છોડી આવ્યાં ને? બધી નસીબની વાત છે! તે દિવસે તો ખાવામાં ને ખાવામાં કોઈનો વાત કરવાનો પણ મૂડ નહોતો.

હૉટેલના દરવાજાની બહાર બધાનો સામાન ગ્રૂપના નામ મુજબ ખડકાઈ ગયો હતો અને બધાએ પોતાનો સામાન ચેક કરી લીધો હોવાથી, એક બાજુ ફોટોસેશન ચાલી રહ્યું હતું. છેલ્લી છેલ્લી યાદગીરી રૂપે સૌ જાતજાતના પોઝ આપી, નવી નવી બનેલી સખીને યાદ કરી કરીને બોલાવી રહી
હતી. સરસ મજાનો ડ્રેસ પહેરેલા દરવાનના, રિસેપ્શનિસ્ટના, હૉટેલના મૅનેજર ને વૅઈટરના પણ ફોટા ક્લિક થતા રહ્યા. બસમાં બેસતાં પહેલાં બસના, ગાઈડના ને ડ્રાઈવરના પણ ફોટા સેવ થયા. કોઈ બાકી ના રહેવું જોઈએ ને કોઈ યાદ બાકી ના રહેવી જોઈએ. બસમાં બેસતાં બેસતાં પણ ક્લિક ક્લિક ને વિદાયની ઘડીઓ શરૂ– ટીકટીક ટીકટીક.

બસ બૅંગકૉકના રસ્તાઓ પર દોડતી રહી ને સ્વર્ગને અલવિદા કહેતાં હોય એમ બધાં બારીની બહાર નજર દોડાવી રહ્યાં. હવે આ બધું ફરી ક્યારે જોવા મળશે? એ તો સારું કે, આખો દિવસ રખડપટ્ટીમાં પસાર થવાનો હતો, નહીં તો સમય કેમ કરીને પૂરો કરત? તે પણ એરપોર્ટ પર? સૌથી પહેલાં MBK મૉલ જવાનું હતું. શૉપિંગ માટે નહીં પણ ત્યાંના ઉપલા માળેથી, અમારે લોકલ ટ્રેનમાં સ્કાયરાઈડ લેવા જવાનું હતું તેના સ્ટેશનનો દરવાજો નીકળતો હતો! સ્ટેશનનું નામ ‘નૅશનલ સ્ટૅડિયમ’ અને ટ્રેન હતી છ ડબ્બાની એ સી ટ્રેન! આપણને સ્વચ્છ ટ્રેન કે બસ જોવાની ટેવ નહીં એટલે પરદેશમાં, ચોખ્ખી ટ્રેન જોઈને જરા અંજાઈ જવાય, બીજું કંઈ નહીં. મૉલમાંથી બધાં સ્ટેશન પર નીકળ્યાં કે સૌને પોતપોતાની ટિકિટ અપાઈ. લાઈનમાં ચાલવાની શિસ્ત સૌ પૂરી નિષ્ઠાથી નિભાવતાં હતાં!

અર્ધો કલાક તો જાણે હવાઈ સફર કરતાં હોઈએ એવું જ લાગે. ફ્લાયઓવર કરતાં પણ ઊંચા ફ્લાયઓવર પર બંધાયેલા બ્રિજ પર દોડતી ટ્રેન તો અમને જાદુઈ ચટાઈ પર ફરવા લઈ જતી હોય એવું લાગ્યું. ઊંચા ઊંચા મકાનોને તો જાણે હાથ લંબાવતાં જ અડકી લેવાશે કે શું? નીચે નજર નાંખતાં રસ્તાઓ રિબનની પટી જેવા, દુકાનો મોબાઈલના કવર જેવી (માચીસની ડબ્બીને હવે કોણ ઓળખે ?) ને રમકડાંની મોટરો ને બસોની લાંબી હારનું રંગીન ચિત્ર મગજમાં પલાંઠી લગાવીને બેસી ન જાય તો જ નવાઈ. નાના બાળકની અનુભૂતિ કરાવતો આ પ્રવાસ ખૂબ આનંદદાયક રહ્યો.

આ ટ્રેનમાં જ બેસી મૉલમાં પાછા ફરવાનું હતું. મૉલમાં દાખલ થતાં જ સૌ શૉપિંગના મૂડમાં આવવાની તૈયારી કરતાં હતાં કે, ગાઈડે સૌને મૉલની બહાર ભેગાં થવાનું કહ્યું ! હજી તો બૅંગકૉકના જગપ્રસિધ્ધ ‘રીક્લાઈનિંગ બુધ્ધા’(!) –આડે પડખે આરામ ફરમાવતા બુધ્ધ ભગવાનની વિશા....ળ મૂર્તિ જોવાની બાકી હતી. ચાલો, ફરી પાછા બધા બસમાં ગોઠવાઈ જાઓ. ઊપડો પ્રભુદર્શને, શુભયાત્રાના આશીર્વાદ લેવા. 

10 ટિપ્પણીઓ:

  1. सरस सफ़र करावी.
    खूब सुंदर वर्णन.
    आभार अने अभिनंदन .
    रमेश सवाणी

    જવાબ આપોકાઢી નાખો
  2. તમારા જેવા સૌ વાચકોની સાથે સફર મજાની રહી. આભાર.
    હજી ચાર પાંચ હપ્તા બાકી છે, કારણકે હાથમાં બાર કલાક છે અને છેલ્લી જગ્યાઓ જોવાની બાકી છે.

    જવાબ આપોકાઢી નાખો

  3. આપનું ભાષા લાલિત્ય અદભૂત છે જાણે વાંચ્યા જ કરીઐ. અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  4. ખૂબ આભાર. આવું વાંચીને લખતાં રહેવાની ચાનક ચડે? કદાચ હા.

    જવાબ આપોકાઢી નાખો
  5. 'હજી ચાર પાંચ હપ્તા બાકી છે, કારણકે હાથમાં બાર કલાક છે અને છેલ્લી જગ્યાઓ જોવાની બાકી છે.' કલ્પનાબેન, તમારી પ્રવાસ વર્ણન લખવાની કળા અદભુત છે, બાર કલાકમાં ચાર પાંચ હપ્તા ! અને તે પણ રસમય. સરસ.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હાહ્હાહા. પકડી પાડી. ભઈ, સાત દિવસમાં ચોંત્રીસ હપ્તા થાય તો બાર કલાકનો મેળ પાડવો પડે ને? આભાર.

      કાઢી નાખો
  6. excellent winding up of an excellent ' pravas' !
    i was touched by ' maru ghar maru ghar karti baheno ,,,,'
    u r very frank and open hearted lady writer we luckily have !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અશ્વિનભાઈ, તમે પણ હાસ્યલેખક છો. માણસના સ્વભાવની બારીકીઓમાં ગુણ ને દોષ બધું જ આવી જાય. પ્રવાસમાં નિરંતર સાથ આપવા બદલ આભાર.

      કાઢી નાખો
  7. it was our privilage to enjoy bangkok pravas for free !
    looking forward to enjoy 5 more episodes ,,,
    thanks a lot for everything ,

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ચાલો ત્યારે, આવતી કાલે ફરી બુધ્ધપ્રતિમાનાં દર્શને.

      કાઢી નાખો