રવિવાર, 18 જૂન, 2017

યશોધરાની રાહ જોતા બુધ્ધ–––(૨૫)


આપણા ભારત દેશની જેમ થાઈલૅન્ડ પણ મંદિરોથી ઊભરાતો–શોભતો દેશ છે. ફરક એટલો જ કે, બધે બુધ્ધનાં જ મંદિરો દેખાય. આપણા દેવો જેટલી ને મંદિરો જેટલી વિવિધતા અહીં જોવા ન મળે. આપણા હજારો નામધારી દેવો સાથે એમની દરેકની પોતાની વાર્તા પાછી જુદી. બુધ્ધની વાર્તા તો જગજાહેર. કદાચ એમની ઉચ્ચ ત્યાગભાવનાને કારણે જ થાઈલૅન્ડ જેવા દેશોમાં જ્યાં બૌધ્ધ ધર્મનો ફેલાવો થયો છે, ત્યાં બુધ્ધનાં  મંદિરો, વિહારો અને આશ્રમો જોવા મળે. (વર્ષોથી એક વાત પર કોઈએ પ્રકાશ ફેંક્યો હોવાનું જાણમાં નથી. બુધ્ધના ગૃહત્યાગમાં એમનો ક્રોધી સ્વભાવ જવાબદાર હતો કે પત્ની યશોધરાનો કર્કશા સ્વભાવ ? કોણ જાણે!)

અમને તો બૅંગકૉકના પ્રખ્યાત ‘રિક્લાઈનિંગ બુધ્ધા’ (બુધ્ધા?) જોવા લઈ ગયા એટલે અમારે તો તે જોવા સાથે કામ. વધારે પંચાત કરવામાં બધું જોવાનું રહી જાય તો ફેરો માથે પડે. મૂર્તિ જોતાં જ સૌ સ્તબ્ધ! આટલું બધું સોનું? દુનિયામાં રોજના તોલાના ભાવ વધઘટ થવાની સાથે લોકોના હ્રદયના ધબકારામાં વધઘટ થાય. તોય ભગવાનને સોનું ધરાવનારા કે ભગવાનને સોને મઢનારા પણ આ દુનિયામાં પડ્યા છે ખરા! સોનાનું વજન અને મહત્વ માણસના દિલોદિમાગ પર એટલું બધું છવાઈ ગયેલું કે, ભગવાનને પણ એણે એમાંથી બાકાત ન રાખ્યા. દેવોના શણગારને બહાને ભક્તો જાતજાતનાં ઘરેણાં, જેમાં સોના–ચાંદી અને હીરા–મોતીના દાગીનાના ઢગ ને ઢગ હોય તેને મંદિરોમાં ખડક્યે જ જાય. અહીં તો વળી સૂતેલા બુધ્ધ એટલે કે આડે પડખે થયેલા બુધ્ધ હતા. (જમણે પડખે આડા પડ્યા છે, બાકી તો વામકુક્ષિ કરતા બુધ્ધ એવું આપણે કહીશકીએ.)

આ મંદિર ‘વૅટ ફો’ તરીકે ઓળખાય છે. WAT એટલે મઠ, આશ્રમ, વિહાર કે મંદિર. આખું નામ બહુ લાંબું છે એટલે ટૂંકમાં વૅટ ફો. સોનાના પતરે મઢાયેલી છેતાલીસ ફૂટ લાંબી આ મૂર્તિના પગ ત્રણ મીટર લાંબા છે. આટલા લાંબા પગને અનુરૂપ બનેલા તળિયામાં બુદ્ધનાં લક્ષણો બહુ સુંદર રીતે કોતરેલાં છે. પગનાં તળિયાં તો જાણે મોતીની મોટી છીપ હોય એવું લાગે. કૉરિડોરમાં એકસો ને આઠ તાંબાની નાની કુંડીઓ ગોઠવેલી. તેમાં તમારે સિક્કા નાંખતાં નાંખતાં મૂર્તિની પ્રદક્ષિણા કરવાની, જેથી તમારું ભવિષ્ય ઊજળું બને, આશીર્વાદ મળે અને સાધુઓને મદદ થાય.

મંદિરની સાથે ભવિષ્ય, આશીર્વાદ અને મદદ જેવા શબ્દો જોડવાથી લોકોની આસ્થા બરકરાર રહે અને મંદિરનો નિભાવખર્ચ પણ નીકળ્યા કરે! શ્રધ્ધાની વાત છે ભાઈ. સ્વાભાવિક છે કે, અહીં ટુરિસ્ટો વધારે આવે એટલે એમને બધું જ્ઞાન આપવા ને બધું સમજાવવા અંગ્રેજી બોલતા ગાઈડ રાખવા પડે. અહીં મંદિરમાં અમને જ્યોતિષીઓ ફરતા પણ દેખાયા. હાથની રેખાઓ જોઈને તમારા ભવિષ્યની સાથે તમારી ચાલ પણ કહી આપે! માનસિક કે શારિરીક ચાલ તે જાણવાની જિજ્ઞાસા થઈ પણ સમય નહોતો. અમારે તો હાથ બતાવવો હોય કે, અમારા ભવિષ્યની ચાલ જાણવી હોય તો ખાસ્સો સમય જોઈએ. પાંચસોએ પાંચસો જિજ્ઞાસુઓ પલાંઠી લગાવીને, હાથ લંબાવીને બેસી ગઈ તો? અમારા પ્રવાસના ભવિષ્યનું શું? એટલે ભવિષ્યદર્શન પર ચોકડી મારી અમે મંદિરના પરિસરમાં ફર્યે રાખ્યું.

મૂળ જ્યારે આ મંદિર નહોતું, ત્યારે ‘અસલ થાઈ મસાજ’, જેમાં યોગનાં આસનો શીખવાતાં. રીતસરનું યોગનું શિક્ષણ જ અપાતું. પારંપરિક થાઈ દવાઓનું શિક્ષણ પણ અહીં અપાતું. પછી તો, ઈતિહાસમાં આવે તેવી ઘટનાઓ ઘટી. અહીં બર્મિઝોએ હુમલો કર્યો ને મૂળ મૂર્તિને નષ્ટ કરી. એમને મૂર્તિ શું નડી કોણ જાણે! પછી અયોધ્યાના રાજા રામ એક, બે ને ત્રણે અઢીસો વર્ષોમાં બાંધકામો ચાલુ રાખીને આખરે દુનિયાને આ મંદિરની ભેટ ધરી.(અયોધ્યાને અહીં ‘અયુથયા’ કહે છે.) આ બધા રાજા રામ ન હોત તો? એમની લગન અને ધીરજ ખૂટી ગઈ હોત તો? કેવી નવાઈની વાત કે, રાજા રામે બુદ્ધનું મંદિર બનાવ્યું? મંદિરની બહાર નાનકડા બગીચામાં જગપ્રસિધ્ધ ‘બોધિવૃક્ષ’ પણ છે, જ્યાં બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થયેલી. આપણે કેટલાં કમનસીબ! અહીંથી બુદ્ધને જવા દીધા અને  બુદ્ધ ત્યાં જઈને આડા પડ્યા, તેમાં આખો ઈતિહાસ બદલાઈ ગયો!

આ પરિસરમાં એક હજાર કરતાં પણ વધારે બુદ્ધની પ્રતિમાઓ છે. મંદિરની બહાર એકાણુ સ્તૂપ છે, ચાર વિહાર અને મધ્યસ્મારક છે. આ સ્તૂપોમાં, અમુકમાં રાજકીય પરિવારના સભ્યોના અંતિમ અવશેષો જેવી ભસ્મ અને અમુકમાં બુદ્ધના શરીરની ભસ્મ સંઘરાઈ છે. સોનાથી આકર્ષાયેલા ટુરિસ્ટો જાણે મૂર્તિને જોતાં ધરાતાં જ ન હોય એમ, દરેક દિશા અને દરેક ખૂણેથી વળીવળીને, આશ્ચર્યથી આંખો ફાડીને મૂર્તિને જોઈને આખરે નિરાશ થઈને બહાર નીકળી જતાં હતાં. ‘ત્યાગમૂર્તિ’ બુદ્ધની મૂર્તિ બનાવવામાં જ અધધધ સોનું અને જોનારના મણમણના નિ:સાસા!

‘વૅટ ટ્રાઈમિટ’ નામના બુદ્ધ મંદિરમાં તો વળી પાંચ ટન સોનાની ત્રણ મીટર ઊંચી બુદ્ધની મુર્તિ! જે રાજા પોતાના રાજપાટને અને પોતાના સંસારને એક ઘડીમાં છોડીને નીકળી ગયેલા તેની યાદમાં જ સોનાની મૂર્તિ? એ તો ભૂલમાં , ઊંઘતી પત્ની ને પુત્રને પણ છોડી ગયેલા. બાકી જો એમને સાથે રાખ્યા હોત તો આજે આપણને, ભગવાનની બીજી જોડીઓની જેમ કે ભગવાનના પરિવારોની જેમ કોઈક જુદું જ ચિત્ર જોવા મળત. સિધ્ધાર્થની એક બાજુ યશોધરા વટથી બેઠી હોત અને ચરણોમાં રાહુલ ગેલ કરતો હોત અથવા યશોધરા પતિના ચરણ ચાંપતી હોત અથવા રાહુલ પિતાની પ્રદક્ષિણા ફરતો હોત! કેટકેટલી જાતનાં મનોહર દ્રશ્યો આપણને જોવા મળત. અહીં આવીને આડા પડીને, પત્ની અને પુત્રની સદીઓથી રાહ તો ના જોતા હોત! ખેર, ઈતિહાસ આવી બધી ઘટનાઓ સમાવવા માટે તો રચાતો હોય.

6 ટિપ્પણીઓ:

  1. રાહુલને ગુજરાતી મીડીયમમા મૂકવો કે ઈગ્લીશ મા તે બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એટલે સિઘ્ઘાર્થ ઘર છોડી ગયેલા. 'જમણે પડખે' મસ્ત અલલોકન.

    જવાબ આપોકાઢી નાખો
  2. interesting !
    u have also developed an art of ' chainge of subject ' to enhanse the curiocity of readers which can make the pravas more interesting , excellent peace , a d aus

    જવાબ આપોકાઢી નાખો
  3. હું પાંચ વાર બેંગ્કોક અને થાઇલેન્ડના બીજાં શહરોમાં અને ત્યાંના બુધ્ધ મંદિરોમાં ગયો પણ મેં તમારા જેવું સુક્ષ્મ અવલોકન નહોતું કર્યું. બસ,બુધ્ધને જોઇને નીકળી જતો..! ચોથા અને પાંચમાં પ્રવાસમાં તો બુધ્ધ મંદિરે ગયો જ નહીં. તમે સારૂં નિરીક્ષણ કર્યું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. મને માહિતી માટે ગૂગલે સારી મદદ કરી છે. મારું નિરીક્ષણ આજુબાજુની ઘટના ને લોકો પૂરતું. ને કોઈ વાર્તા હોય તો રસ થોડો વધારે પડે. આભાર.

      કાઢી નાખો