આમજનતા હંમેશાં લૂંટાવા માટે જ સર્જાઈ છે એવો
આપણને ભ્રમ છે. આપણે તો કાયમ કુપાત્રને દાન જ કરવાનું હોય એવી હતાશામાં જ આપણે રિક્ષા
કે ટૅક્સીમાં સફર કરીએ છીએ. ઘરની બહાર નીકળીએ એટલે બધા લૂટારુઓ બંદૂક લઈને જ ઊભા
હોય અને આપણને પાંચ પૈસાની(સૉરી, હવે પાંચ પૈસા ક્યાં?) પાંચ રૂપિયાની વસ્તુ
પચાસના ભાવે જ આપવાના હોય, એમ આપણે શરૂઆતથી જ
રકઝક શરૂ કરી દઈએ. જાણે કે, આપણને દરેક શહેરની કે સ્થળની દરેક વસ્તુના ભાવ
મોઢે હોય! આપણી વાત સાચી ઠેરવવા તો, આપણે આપણા બ્લડ પ્રેશરને પણ આગળ વધવાની છૂટ
આપી દઈએ! સામેવાળાને જૂઠા સાબિત કરવાના આપણી પાસે કેટલાય બહાના હોય અને કેટલાય
સાચા કે જૂઠા સબૂતો પણ હોય! સામે પક્ષે એમની પાસે છાપેલા ભાવપત્રકો હોય અને તેય
પાછા સરકારમાન્ય. પછી આપણે છોભીલા પડીને અને મોં બગાડીને એના પર રહેમ કરતાં હોઈએ
એમ પૈસા આપીએ. છેલ્લે ભાવની ચકાસણી કરીએ, જે પહેલાં કરવી જોઈતી હતી!
ખેર, બૅંગકૉકમાં જ્યારથી રિક્ષા જોઈ હતી, મનમાં
જ અમે બન્નેએ નક્કી કરેલું કે, એક વાર આ રિક્ષામાં કશેક ચક્કર મારી આવશું. બસ, હવે
બસમાં ને બસમાં ફરીને પણ કંટાળ્યાં. અહીં તો રસ્તા પર દોડતી રિક્ષા પણ ખરેખર લોહચુંબક
ધરાવતી હતી. રંગીલા શહેર બૅંગકૉકમાં ટુરિસ્ટોનું મન મોહી લે તેવી રિક્ષા ને ટૅક્સી
હોવી જોઈએ એવો વિચાર જેને પણ આવ્યો હશે, તેનું ભલું થજો. ખુલ્લી, મોટી રંગીન રિક્ષાને
સરસ શણગારેલી હોય. ગાઈડે જોકે અમને સૌને અગાઉથી ચેતવેલાં, ‘અહીંના રિક્ષાવાળાથી
ચેતીને રહેજો ને એની સાથે પહેલેથી જ ભાવ નક્કી કરજો નહીં તો પછી ગમે તેટલું બબડશો
તોય એ સમજવાનો નથી.’ ઓહ! અહીંના રિક્ષાવાળા પણ ઠગ? મને તો એમ કે......! ઉલટાના મહેમાનને
તો એમણે માથે બેસાડવા જોઈએ. ખરેખર તો ભાડું પણ ના લેવાય! ઠીક છે હવે, ભાડું લઈ જ
લે તો પછી વ્યાજબી રાખવું જોઈએ ને? અરે, આ લોકોની શું વાત કરવી? આપણા જ દેશમાં
રિક્ષાવાળા બધા આપણને મહેમાન સમજીને જવા દે છે? કેમ આપણે દર વખતે સરસ મજાની,
ભાડાની રકઝક કરવી પડે? મને ત્યારે દિલ્હીના રિક્ષાવાળા યાદ આવી ગયેલા.
હાલમાં જ દિલ્હી(કે ડે’લ્લી કે દિલ્લી જે હોય
તે) ફરવા જતાં પહેલાં ત્યાંની રિક્ષાનું અને ટૅક્સીનું મીટર, કેટલા રૂપિયાથી શરૂ
થાય તે જાણવાનું અમારે રહી ગયેલું. પહેલે જ દિવસે અમને એનો પરચો મળી ગયો.
રિક્ષામાં બેસતાં વાર ડ્રાઈવરે મીટર ફેરવ્યું. ‘ઓગણીસ રૂપિયા’! હેં! ઓગણીસ રૂપિયા?
મીટરનો આંચકો લાગતાં જ મેં તો રિક્ષાવાળાને ઝપટમાં લીધો.
‘ક્યોં ભાઈ? લૂટને હી બૈઠે હો?’
‘ક્યા હુઆ બહનજી ?’
‘સીધી ઉન્નીસ રુપયેસે હી શુરુઆત કી? બીસ હી કર
દેને થે.’ મેં જરા ઊંચા ટોનમાં કહ્યું.
‘મેહરબાની કરકે આપ રિક્ષા ખાલી કિજીએ, પ્લીઝ.
આપકો દૂસરી રિક્ષા મિલ જાએગી. જાઈએ, સુબહ સુબહ હમારા ટાઈમ ઔર દિમાગ મત ખરાબ કિજીએ.’
રિક્ષાવાળાના અવાજમાં એકદમ જ બદલાવ આવી ગયો! મારું આવું અપમાન તો કોઈએ ક્યારેય
કર્યું નથી! હું રિક્ષામાંથી ઊતરવા જ જતી હતી કે, જેમતેમ મળેલી રિક્ષાને જવા ન
દેવાના લોભમાં મારી સાથેનાં બહેને કહ્યું, ‘ઠીક હૈ, ચલો ભાઈ. યે બહનજી પહલી બાર
દિલ્લી આઈ હૈં, ઔર ઉનકો કુછ માલૂમ નહીં.’ (ઓયે, રિક્ષાવાળાને સારું લગાડવા ગપ્પું
કેમ મારો છો? હું આની સાથે પાંચમી વાર દિલ્લી આવી છું. કંઈ નવાઈની નથી આવી ને મને
ખબર છે આ લોકો કેટલા બદમાશ હોય છે તે.) મેં એમની સામે ડોળા કાઢ્યા પણ એમણે નજર
ફેરવી લીધી. અમારા ઉચ્છલમાં તો પાંચ પાંચ રૂપિયામાં, રિક્ષા ભરી ભરીને લોકોને
બેસાડી જાય ને છકડામાં તો ઉપર પણ બેસાડે! સુરતમાં પણ ટૂંકા ટૂંકા અંતરે શૅરિંગ
રિક્ષામાં, ટપ્પો ખાતાં ખાતાં જવાની કેટલી મજા આવે? વીસ રૂપિયામાં તો અમે ક્યાંના
કયાં પહોંચી જઈએ! જ્યારે આ લોકો તો જમાનાઓથી બદનામ છે. જવા દો હવે.
પછી તો, હું મોં ફુલાવીને બેસી રહી ને
રિક્ષાવાળો પણ ગમે તેમ રિક્ષા ભગાવતો રહ્યો. આખરે અમારે જ્યાં જવાનું હતું ત્યાં
પહોંચીને રિક્ષાવાળાએ જોરમાં બ્રેક મારીને રિક્ષા ઊભી રાખી. મેં બબડવા માટે મોં
ખોલ્યું પણ પેલાં બહેને મારો હાથ દાબીને મને અટકાવી. આ નવાઈ કહેવાય ને? કોનો વાંક
ને કોનો અવાજ દબાવાય? આખો દિવસ મારો મૂડ ખરાબ રહ્યો, કારણકે જ્યાં ને ત્યાં અમારે
રિક્ષામાં જ જવાનું હતું ને દરેક વખતે મીટરની શરૂઆત ઓગણીસ રૂપિયાથી જ થતી.
બીજે દિવસે અમે સાઈકલ રિક્ષા લેવાનું નક્કી
કર્યું. મોટે ભાગે દરેક બસ સ્ટેન્ડ પર અને સ્ટેશનની બહાર સાઈકલ રિક્ષાની લાઈન
લાગેલી જોવા મળી. આ રિક્ષાવાળાઓનો ભાવ નક્કી જ રહેતો. શરૂઆત જ ત્રીસ રૂપિયાથી કરે.
જોકે, ત્યાંના જાણકારો તો પહેલેથી જ ભાવતાલ કરવા માંડે અને એક જણના દસ રૂપિયાના
હિસાબે ભાડું ચૂકવે. એમાં વાંક અમારો કે, આ વાત અમે દિલ્લી છોડવાના દિવસે જાણી!
ખેર, રિક્ષામાં દર વખતે બેસતી વખતે મને પેલી જૂની ફિલ્મ ‘દો બીઘા જમીન’નો બલરાજ સાહની
જ યાદ આવી જતો. ફરક એટલો હતો કે, એ ઘોડાની જગ્યાએ જાતે જોડાઈને દોડીને, હાંફીને રિક્ષા
ખેંચતો! જ્યારે આ રિક્ષાવાળા સાઈકલ ચલાવીને પેસેન્જરોનો ભાર ખેંચતા. જોર તો પડે જ
ને? મને તો રિક્ષામાં બેસવાનો ભાર લાગતો, કોઈ ગુનો કરતી હોઉં એવું લાગતું પણ ત્યાં
બીજો કોઈ વિકલ્પ નહોતો. ક્યાં આ રિક્ષાવાળા ને ક્યાં પેલા મીટરની રિક્ષાવાળા?
અમે બે જણ રિક્ષામાંથી ઊતર્યાં કે રિક્ષાવાળાએ
ત્રીસ રૂપિયા માંગ્યા. અમે દયા ખાઈને એને ચાલીસ આપ્યા.(મનમાં આવે તે કરીએ, કેમ?)
આવા ચાલીસ ચાલીસ તો અમે જેટલી વાર સાઈકલ–રિક્ષામાં બેઠાં, તેટલી વાર ખુશી ખુશી
આપ્યા. છો બિચારા! આવા લોકોને ખરેખર તો આપવા જોઈએ, પેલા....જવા દો. છેલ્લે દિવસે
અમારી સાથે યજમાન બહેન આવ્યાં. એમણે તો પહેલેથી જ રિક્ષાના વીસ રૂપિયા ઠરાવી દીધા.
મને ફરી વાર બલરાજ સાહની દેખાયો. અમે એ બહેનને કહ્યું જ નહીં કે, અમે તો
રિક્ષાવાળાને દર વખતે ચાલીસ આપ્યા. નકામો કોઈનો જીવ બાળવાનો. જોકે, ટુરિસ્ટો જો
સામે ચાલીને લૂંટાવા તૈયાર હોય તો રિક્ષાવાળા કે કોઈ પણ કેમ ના પાડે? પણ અમને આ
રિક્ષાવાળા આગળ લૂંટાવાનો કોઈ અફસોસ નહોતો. પેલા રિક્ષાવાળાએ બેસતાંની સાથે જ
ઓગણીસ રૂપિયા લઈ જ લીધા હતા ને? તેમાંય છેલ્લે, જ્યારે અમે સ્ટેશન જવા નીકળ્યા અને
ટૅક્સીનું મીટર વાંચ્યું ત્યારે તો અમે બેભાન થતાં બચ્યાં. એ લોકોનો લૂંટવાનો
શરૂઆતનો ભાવ હતો– પચાસ રૂપિયા! દુનિયા લૂટતી હૈ, લૂટાનેવાલા ચાહિએ!
અહીં તો, ગાઈડે તો અમને કહી દીધું કે, ભાડાની
રકઝક પહેલેથી જ કરજો પણ બીક એ વાતની હતી કે, એ લોકોને ઈંગ્લિશ ન આવડે ને અમને થાઈ
ભાષાના વાંધા! રકઝકની મજા તો સામસામે સમજાતી ને બોલાતી ભાષામાં જ આવે ને? તેમાંય
કોઈ વાર ઈશારામાં રકઝક કરેલી નહીં તો હવે કેમ કરવું? ને અજાણ્યા દેશમાં અમને બેને
એકલાં જાણીને રિક્ષાવાળો ગમે ત્યાં લઈ ગયો તો? અમારાં પર્સ ને કૅમેરા લઈ લીધા તો?
ના ભઈ ના. નથી જવું કશે રિક્ષામાં. આપણે તો બધાંની સાથે જ રહો ને ફરો. બહુ મન થાય
તો રસ્તા પર કલાક ઊભા રહીને જતી–આવતી રિક્ષાને જોઈને મજા લઈ લો! પલ્લવીબહેને એક
રસ્તો કાઢ્યો. નજીકમાં ખાલી ઊભેલી એક રિક્ષા પાસે જઈ રિક્ષાવાળાને વિનંતી કરી કે,
‘અમારે તારી રિક્ષામાં બેસી ફોટો પડાવવો છે.’ રિક્ષાવાળો તો ફોટાના નામથી જ ખુશ થઈ
ગયો. પહેલાં અમે એનો ને એની રિક્ષાનો ફોટો પાડ્યો ને એને બતાવ્યો. એ તો એટલો બધો
ખુશ થઈ ગયો કે, અમને રિક્ષામાં બેસવા આગ્રહ કરવા લાગ્યો. અમે બન્ને રિક્ષામાં
બેઠાં કે એણે અમને એક નાનકડું ચક્કર મરાવી લીધું ને પૈસા લેવાની પણ ના પાડી! અમારી
રિક્ષામાં બેસવાની ઈચ્છા આ રીતે પૂરી થવાની હતી? કોણ જાણે. હવે આભાર માનવાનો અમારો
વારો હતો. અમારી પાસે પર્સમાં નાસ્તાના બે પૅકેટ હતા તે એને આપીને અમે હૉટેલ પર
પાછા આવ્યાં. વિચાર આવ્યો, ક્યાં આ રિક્ષાવાળો ને ક્યાં પેલો દિલ્લીનો રિક્ષાવાળો?
એન્જૉઈડ..
જવાબ આપોકાઢી નાખોપણ અમે તો ઘરબહાર નીકળીએ, એટલે સ્વેચ્છાએ અને સ–હર્ષ લુંટાવાની
માનસીક તૈયારી સાથે જ નીકળીએ !!
તેથી અમને તો પાંચપચાસ વધારે પધરાવવામાંયે આનંદ જ મળે !
છેવટે
ઘરમાં પ્રવેશીએ ત્યારે, ઓટલા સુધી મુકી જનાર રીક્સાવાળાને
ઠરાવેલા ભાડા કરતાં દસ રુપીયા સ્નેહથી ને આશીર્વાદ સાથે
આપીએ..
ત્યારે તે તો પ્રસન્ન થાય જ મારા જેવા ગાંડા ડોસાને મળી;
પણ તેનાથી બેવડી પ્રસન્નતા અમે અનુભવીએ..
લો. આ તો જેવી તમે ગમ્મત કરી તેવી જ મેં પણ કરી;
પણ છેલ્લાં વીસ વરસથી આમે સાચેસાચ આમ જ વરતીએ છીએ
રીક્સાવાળા, સાથે....
..ઉ.મ..
આભાર ઉત્તમભાઈ,
કાઢી નાખોતમારી વાત સાચી છે. બંને બાજુ ખુશી મળે.
મેં જોયું છે કે ગુજરાતીઓ ખાસ કરીને અમદાવાદીઓ ટીપ આપવામાં મરવા પડે છે. એર લાઈન્સની ટિકીટમાં રકઝક નથી કરતા પણ બે પૈસા ગરીબ માણસને મળે તે નથી ગમતું. અમેરિકામાં ઈન્ડિચન રેસ્ટોરાં વેઈટરની ટીપ ઉમેરીને ફુડ બિલ અઅપે છે. પાછળથી વેટરને ટીપ અઅપ્યા વિના નાશી જાય છે. લેખ સરસ લખાયો છે. અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોસાવ સાચી વાત. ઘણી વાર તો વેઈટરે શરમાવું પડે એવી ટિપ મૂકે.
જવાબ આપોકાઢી નાખો, excellent very very interasting subject
જવાબ આપોકાઢી નાખોઆભાર. આ વિષય તો સદાય રસપ્રદ.
જવાબ આપોકાઢી નાખો