બૅંગકૉકમાં આવ્યાને હજી અમને એક જ દિવસ થયો હતો.
બીજે દિવસે બપોરે ઝૂ જોઈને, જમીને હૉટેલ પર પાછા ફરતી વખતે બસમાં જાહેરાત થઈ કે,
‘લિસન યંગ ગર્લ્સ, બીજી બધી બસની માતાઓ, બહેનો, આન્ટીઓની શોપિંગ મૉલમાં જવાની
અધીરાઈ વધી ગઈ હોવાથી, એ લોકો અહીંના ફેમસ MBK મૉલમાં જાય છે. આ બસમાંથી જેની જવાની ઈચ્છા હોય તે હાથ ઊંચો કરે.’ ફટાક કરતાં
બધાના બન્ને હાથ ઊંચા થઈ ગયા! ગાઈડથી હસી પડાયું. ‘ઓ કે, ડ્રાઈવર....ગાડી MBK જાને દો.’ અને અચાનક જ બસ ખુશીના માર્યાં ઊછળવા માંડી.
સ્ત્રીઓની શૉપિંગની ઘેલછાને સલામ કરવી પડે. બધાં
કામ છોડીને એ શૉપિંગને પહેલાં પસંદ કરે! જાણે કે, અહીં આવવાનું કારણ જ શૉપિંગ હોય
એમ બાકીનું બૅંગકૉક જોવામાં કોઈને રસ નહોતો કે શું? ટૂરવાળા પણ આ વાત સારી રીતે
જાણતાં હતાં. એમણે તો એમના ટાઈમટેબલ મુજબ શૉપિંગનો દિવસ નક્કી જ રાખેલો પણ
સ્ત્રીઓની ધીરજને સલામ કરવી પડે. ખૂટી ગઈ! સવારથી ઊઠીને અહીં દોડો, ત્યાં દોડો ને
આ જુઓ ને પેલું જુઓ શું કર્યા કરવાનું? પછી શૉપિંગ ક્યારે કરવાનું? એમ પણ હૉટેલ પર
જઈને સમય જ બગાડવાનો છે. જવામાં કેટલો સમય જાય? પાછું કલાક બગાડીને આવવાનું! બપોરે
આરામ કરવાનો કે ગપ્પાં મારવાનાં. રાતે તો પાછી ડિનર ને પછી ડાન્સની ધમાલ જ કરવાની
છે ને? નકામો સમય બગાડવાનો એના કરતાં સમયનો સદુપયોગ કરો ને શૉપિંગ કરો! આરામ કેવો
ને વાત કેવી? પૈસા વસૂલ પણ કરવાના છે ને વાપરવાના પણ છે. પૈસા કંઈ પાછા લઈ જવા
થોડા ઊંચકી લાવ્યાં છીએ? આ લોકો જો આમ જ જવા–આવવામાં દિવસ પૂરો કરી નાંખે તો પછી
પૈસા ક્યારે વપરાય? જ્યાં ને ત્યાં બધે મૉલ જ દેખાય છે તે અમસ્તાં? ભાઈ આપણે તો
મૉલમાં જ ચાલો. ત્યાં થશે એવો ટાઈમ પાસ તો બીજે કશે નહીં થાય.
બૅંગકૉકના પ્રખ્યાત મૉલ્સમાં MBK સેન્ટર, સિયામ ડિસ્કવરી, સિયામ પૅરૅગૉન,
સેન્ટ્રલ વર્લ્ડ અને સેન્ટ્રલ ચિટલોમનો સમાવેશ થાય. આ બધા મૉલ્સ તો જાણે કે
જાદુઈનગરી! એક દિવસમાં એક મૉલ પણ નિરાંતે જોઈ ન શકાય તો આટલા બધા મૉલ્સ તો ક્યારે
જોવાય? મનમાં જ અફસોસ કરીને રહી જવાનું ને એક મૉલ જોઈ સંતોષ માની લેવાનો. જ્યાં
ટુરિસ્ટોને બધું આરામથી મળી રહે, ભાવની રકઝક પણ કરવાની મજા આવે ને જ્યાં ટૂરવાળાની
સાંઠગાંઠ હોય તેવા મૉલમાં MBK મૉલનું નામપહેલાં આવે.
(જોકે, બધા જ મૉલ્સમાં સાંઠગાંઠ તો હશે જ. તે વગર આ શહેર રાત ને દિવસ આટલું
ધમધમતું દેખાય? શૉપિંગ માટે અમસ્તું તો નહીં વખણાતું હોય ને? મૉલમાં ફરતાં તો એવું
લાગતું હતું, જાણે કે બધાંનાં ઘરેથી લાંબાં લાંબાં લિસ્ટ અપાયાં છે ને કોઈને સમજ નથી
પડતી કે શું લે ને શું ન લે?
સોના ગુણાકારમાં સ્ત્રીઓ અહીં દાખલ થયેલી, પણ
અમારા આશ્ચર્ય વચ્ચે અમે જ્યાં જ્યાં ને જે જે માળ પર ગયાં, ત્યાં બહુ ઓછી સ્ત્રીઓ
અમને ભટકાતી. ક્યાં અલોપ થઈ ગઈ બધી? જેમ પુરાણોમાં લખ્યા મુજબ, શ્રી હરિએ ત્રણ
ડગલાંમાં ધરતી માપી લીધી હતી તેમ બધી શૉપિંગઘેલીઓને ફક્ત ત્રણ કલાકમાં જ આખો મૉલ
ખૂંદી વળવાનો સમય અપાયો હતો! બહુ અન્યાય કહેવાય! પલ્લવીબહેન સાથે ફરીને અમે થોડું
આમતેમ જોઈ ફ્લાઈંગ વિઝિટ જેવું ચક્કર બે–ચાર માળ પર મારી લીધું. કંઈક નજરે પડે ને
ગમી જાય તો લેવા રોકાવું નહીં તો સર સર સર કરતાં પસાર થઈ જવું. ઢગલાબંધ વસ્તુઓ ને
પાછી દરેને પોસાય તેવી કિંમતમાં! બ્રાન્ડેડ વસ્તુઓ પણ સસ્તી લાગે એવા ભાવ! મૉલની
બહાર તો પાછી ફૂટપાથિયા માર્કેટ પણ ખરી અને તેની ભીડ પણ જોવા જેવી. ટુરિસ્ટ તરીકે
બધા અનુભવો લેવા અમે મૉલની માયા છોડી ફૂટપાથ પર નીકળી પડ્યાં.
બૅંગકૉક માટે એવું કહેવાય છે કે પછી એની એવી છાપ
પડી છે, પણ અગાઉથી સૌ ટુરિસ્ટોને ખાસ ચેતવણી અપાય છે, ‘ચોરોથી ને ખિસ્સાકાતરુઓથી
સાવધાન! સસ્તું આપનાર કે અપાવનારથી પણ સાવધાન! કોઈ અજાણ્યા સાથે વાતમાં ફસાઈને કોઈ
જાતની લેવડદેવડ કરવી નહીં.’ લગભગ બધે આવી ચેતવણી પણ નજરે પડે. સ્વાભાવિક છે, જ્યાં
આટલી જબરદસ્ત દુનિયાભરની ભીડ જમા થતી હોય અને ટુરિસ્ટો ફરવા, આનંદ માણવા આવતાં હોય
ત્યાં સાવચેતી રાખવી જરૂરી બને છે. અમે તો અમારી પર્સ અને થેલી સકૂલબૅગની જેમ
ગળામાં ભેરવી દીધી અને સજ્જડ પકડી રાખી વિન્ડો શૉપિંગ કરવા માંડ્યું. હવે ભૂખ અને
તરસે અમને શૉપિંગમાંથી ધ્યાન હટાવવા મજબૂર કર્યા. ખાવાપીવામાં બીજું શું હોય? એ જ
સલામત ફ્રૂટ ડિશ! સ્ફૂર્તિનો અહેસાસ થતાં વળી દુકાને દુકાને સરસરી નજર.
મેં એટલું જોયું કે, જ્યારે જ્યારે રમકડાંની કોઈ
દુકાન દેખાતી કે, પલ્વીબહેન નાના બાળકની જેમ મારો સાથ છોડીને દુકાનમાં ભરાઈ જતાં.
એમના દોહિત્ર અભિરાજને સતત યાદ કરતાં રહેતાં પલ્લવીબહેન રમકડાં ન લે તે કેમ ચાલે?
એ રમકડાં લેવામાં તલ્લીન હતાં ત્યારે હું સામેની સ્કાર્ફની દુકાનમાં લલચાઈને ગઈ.
બહુ વર્ષો થઈ ગયાં સ્કાર્ફ વાપર્યાને! જોવામાં શું જાય છે? કદાચ ગમી જાય તો પાંચ છ
લઈ પણ લઉં. કંઈ નહીં તો ગિફ્ટ આપવા ચાલશે. હું સ્કાર્ફ જોઈને ભાવ જાણતી હતી કે,
અમારા ગ્રૂપની એક બહેન, શૉપિંગમાં એને મદદ કરવા મને વિનંતી કરવા લાગી. દયા કે
મદદને ધર્મનું મૂળ સમજીને હું એની સાથે દુકાનમાં ગઈ. એણે કંઈ પાંચ– છ ડ્રેસ પસંદ
કરેલા એની દીકરી માટે. મને કહે કે, ‘તમે આ દુકાનવાળી પાસે થોડા ભાવ ઓછા કરાવી
આપો.’
મને મારી કાબેલિયત પર અને આવડત પર પહેલેથી જ
ભરોસો, ભલે ઘરનાંને મારી કદર ના હોય. નવાઈ મને એ લાગી કે, ફક્ત મારું મોં જોઈને જ
કેવી રીતે કોઈ જાણી જતું હશે? એ તો હીરાની કદર કોઈ ઝવેરી જ કરી જાણે તેમ આ બહેને
મને બરાબર ઓળખી કાઢી. મનોમન ખુશ થઈ મેં જાતે જ મને શાબાશી આપી દીધી. ફુલણશી
દેડકાની જેમ થોડું ફુલાઈ પણ લીધું. ‘ચાલો, કોઈએ તો કદર કરી.’ થોડો ભાવ ખાઈને, થોડી
અકડીને મેં દુકાનદાર સામે જોયું. બધા ડ્રેસના વારાફરતી ભાવ પૂછ્યા. એને સમજાય એવા
ઈંગ્લિશમાં ભાવ ઓછા કરવા કહ્યું. પણ એને ક્યાં ઈંગ્લિશ સમજાતું હતું? વાંધો નહીં.
મેં ફક્ત આંકડાની ભાષામાં વાત કરવા માંડી. હજી તો રકઝક ચાલુ જ કરી કે, પેલી
દુકાનવાળી છોકરીએ તો તરત જ ભાવ ઓછા કરી નાંખ્યા! ઓહો! આપણો આટલો બધો વટ? કે બોલતાંની
સાથે જ નમતું જોખી દીધું? વાહ! આ બહેન તો બધાંની આગળ મારાં વખાણ કરશે અને ઘરે જઈને
પણ દિવસો સુધી મને યાદ કરશે. હવે મને ખાતરી થઈ ગઈ કે, મને શૉપિંગ કરતાં ને રકઝક
કરતાં બરાબર આવડે છે. હવે સામેથી બધાંને ઓફર કરવામાં પણ વાંધો નહીં. ભલે ને હું
મારા માટે કંઈ ન ખરીદું, ભલે ને ઘરનાં મને બબડતાં પણ બીજાંઓને તો હું મદદ કરી જ
શકીશ. ચાલો, આ બહેને તો મને મારી જ ઓળખાણ કરાવી દીધી. મારે એનો પણ આભાર માનવો
પડશે.
હું આ બધા વિચારોમાં ખુશ થતી હતી અને પેલી
બહેનના મનપસંદ ભાવે દુકાનવાળી છોકરીએ તો પાંચ ડ્રેસ પૅક પણ કરી દીધા. બહેન તો
ખુશખુશાલ ! મારો આભાર માનવા જતી હતી, એટલે મેં
કહ્યું, ‘એમાં શું ? બીજું પણ કંઈ લેવું હોય તો કહેજો. મને આનંદ થશે.’ પૈસા
આપતાં થોડી વાર લાગી એટલે મેં જોયું તો એ બહેન પર્સમાં કંઈ ખાંખાખોળા કરતી
લાગી.(પોતાના પર્સમાં!) મને જરા ઢીલા અવાજે કહે કે, ‘તમારી પાસે પચાસ ડૉલર્સ છે?
હું તમને હૉટેલ પર જઈને આપી દઈશ. થોડાકને માટે ઘટી પડ્યા.’ હું અવઢવમાં પડી. આપું
કે ન આપું? બિચારીએ કેટલી હોંશથી ખાસ મારી પાસે ભાવ કરાવીને, દીકરી માટે ડ્રેસ
લીધા ને હવે થોડા ડૉલર્સ માટે નિરાશ થાય તે બરાબર નહીં. હૉટેલ પર આપી જ દેશે ને?
જઈ જઈને ક્યાં જવાની?’ હું આપવાની તૈયારીમાં હતી એવામાં પલ્લવીબહેનનો ફોન આવી ગયો,
‘ચાલો, ક્યાં છો? બસનો ટાઈમ થઈ ગયો ને બધાંને બોલાવે છે. હું બહાર દરવાજા પાસે
છું.’
મદદ કરવાનો એક સુંદર મોકો હાથમાંથી સરી ગયો.
પેલી બહેનની સામે સૉરી કહેતી હું દરવાજા તરફ ભાગી. મને ક્યાંય સુધી મનમાં ચચરાટ
થયા કર્યો. અફસોસ થયો કે, બે મિનિટમાં કંઈ મોડું નહોતું થવાનું. પૈસા તો ફટાફટ
આપીને આવી જ શકાત. ખેર, અમે લોકો બસમાં ગોઠવાયાં કે, મેં પલ્લવીબહેન આગળ બડાઈ
હાંકવાની શરૂ કરી. એવામાં અમારી પાછળ બેઠલી બહેનો કોઈકની વાત કરતી સંભળાઈ.
ગ્રૂપમાં કોઈક એવી ચતુરા હતી જે ઓછા પૈસાનું બહાનું કાઢીને બધા પાસેથી ડૉલર્સ
કઢાવતી ફરે છે.
ઓ બાપ રે! પલ્લવીબહેનનો ફોન ના આવ્યો હોત તો?
હું પણ પેલી બદમાશની વાતમાં આવીને કુપાત્રને દાન કરી જ નાંખત ને? ભાવ ઓછા કરાવવાને
બહાને મને જ ફસાવી? હું શેની હોશિયાર? મારી બધી હોશિયારી આજે નીકળી જાત. રકઝક
કરીને શૉપિંગ કરવાનું ને આવા ધુતારાને દાન કરવાનું? બહુ પસ્તાવો કરત જો પલ્લવીબહેન
મને અટકાવત નહીં તો. ‘ભઈ, તમે બચી ગયાં તે કહો ને. મૂકો પૂળો એ વાતને હવે. ને લો,
મસ્ત ચૉકલેટ લાવી છું તે ખાઓ એના કરતાં.’ મેં ચૉકલેટ ચગળતાં ચગળતાં બધી ચેતવણીઓને
પણ ફરી એક વાર ચગળી લીધી. ‘ચોરથી સાવધાન. ધુતારાથી બચો. અજાણ્યા પર વિશ્વાસ ન
કરો.’
સૌ સારુ જેનું છેવટ સારુ.
જવાબ આપોકાઢી નાખોવારુ.
જવાબ આપોકાઢી નાખોઆભાર.
જવાબ આપોકાઢી નાખોબેંગ્કોકની સફર દરમિયાન મૉલમાં અમારા મિત્રનું એક લાખ રૂપિયા હતા એ પાકીટ પાસપોર્ટ સાથે ચોરાયું હતું એની યાદ આવી.
જવાબ આપોકાઢી નાખોઓહો! બિચારા માટે તો કાયમની યાદગીરી.
જવાબ આપોકાઢી નાખો