રવિવાર, 28 મે, 2017

બૅંગકૉકની ટૂક ટૂક ને દિલ્લીની ટકટક–––(૨૨)


આમજનતા હંમેશાં લૂંટાવા માટે જ સર્જાઈ છે એવો આપણને ભ્રમ છે. આપણે તો કાયમ કુપાત્રને દાન જ કરવાનું હોય એવી હતાશામાં જ આપણે રિક્ષા કે ટૅક્સીમાં સફર કરીએ છીએ. ઘરની બહાર નીકળીએ એટલે બધા લૂટારુઓ બંદૂક લઈને જ ઊભા હોય અને આપણને પાંચ પૈસાની(સૉરી, હવે પાંચ પૈસા ક્યાં?) પાંચ રૂપિયાની વસ્તુ પચાસના ભાવે જ આપવાના હોય, એમ આપણે શરૂઆતથી જ  રકઝક શરૂ કરી દઈએ. જાણે કે, આપણને દરેક શહેરની કે સ્થળની દરેક વસ્તુના ભાવ મોઢે હોય! આપણી વાત સાચી ઠેરવવા તો, આપણે આપણા બ્લડ પ્રેશરને પણ આગળ વધવાની છૂટ આપી દઈએ! સામેવાળાને જૂઠા સાબિત કરવાના આપણી પાસે કેટલાય બહાના હોય અને કેટલાય સાચા કે જૂઠા સબૂતો પણ હોય! સામે પક્ષે એમની પાસે છાપેલા ભાવપત્રકો હોય અને તેય પાછા સરકારમાન્ય. પછી આપણે છોભીલા પડીને અને મોં બગાડીને એના પર રહેમ કરતાં હોઈએ એમ પૈસા આપીએ. છેલ્લે ભાવની ચકાસણી કરીએ, જે પહેલાં કરવી જોઈતી હતી!

ખેર, બૅંગકૉકમાં જ્યારથી રિક્ષા જોઈ હતી, મનમાં જ અમે બન્નેએ નક્કી કરેલું કે, એક વાર આ રિક્ષામાં કશેક ચક્કર મારી આવશું. બસ, હવે બસમાં ને બસમાં ફરીને પણ કંટાળ્યાં. અહીં તો રસ્તા પર દોડતી રિક્ષા પણ ખરેખર લોહચુંબક ધરાવતી હતી. રંગીલા શહેર બૅંગકૉકમાં ટુરિસ્ટોનું મન મોહી લે તેવી રિક્ષા ને ટૅક્સી હોવી જોઈએ એવો વિચાર જેને પણ આવ્યો હશે, તેનું ભલું થજો. ખુલ્લી, મોટી રંગીન રિક્ષાને સરસ શણગારેલી હોય. ગાઈડે જોકે અમને સૌને અગાઉથી ચેતવેલાં, ‘અહીંના રિક્ષાવાળાથી ચેતીને રહેજો ને એની સાથે પહેલેથી જ ભાવ નક્કી કરજો નહીં તો પછી ગમે તેટલું બબડશો તોય એ સમજવાનો નથી.’ ઓહ! અહીંના રિક્ષાવાળા પણ ઠગ? મને તો એમ કે......! ઉલટાના મહેમાનને તો એમણે માથે બેસાડવા જોઈએ. ખરેખર તો ભાડું પણ ના લેવાય! ઠીક છે હવે, ભાડું લઈ જ લે તો પછી વ્યાજબી રાખવું જોઈએ ને? અરે, આ લોકોની શું વાત કરવી? આપણા જ દેશમાં રિક્ષાવાળા બધા આપણને મહેમાન સમજીને જવા દે છે? કેમ આપણે દર વખતે સરસ મજાની, ભાડાની રકઝક કરવી પડે? મને ત્યારે દિલ્હીના રિક્ષાવાળા યાદ આવી ગયેલા.

હાલમાં જ દિલ્હી(કે ડે’લ્લી કે દિલ્લી જે હોય તે) ફરવા જતાં પહેલાં ત્યાંની રિક્ષાનું અને ટૅક્સીનું મીટર, કેટલા રૂપિયાથી શરૂ થાય તે જાણવાનું અમારે રહી ગયેલું. પહેલે જ દિવસે અમને એનો પરચો મળી ગયો. રિક્ષામાં બેસતાં વાર ડ્રાઈવરે મીટર ફેરવ્યું. ‘ઓગણીસ રૂપિયા’! હેં! ઓગણીસ રૂપિયા? મીટરનો આંચકો લાગતાં જ મેં તો રિક્ષાવાળાને ઝપટમાં લીધો.
‘ક્યોં ભાઈ? લૂટને હી બૈઠે હો?’
‘ક્યા હુઆ બહનજી ?’
‘સીધી ઉન્નીસ રુપયેસે હી શુરુઆત કી? બીસ હી કર દેને થે.’ મેં જરા ઊંચા ટોનમાં કહ્યું.
‘મેહરબાની કરકે આપ રિક્ષા ખાલી કિજીએ, પ્લીઝ. આપકો દૂસરી રિક્ષા મિલ જાએગી. જાઈએ, સુબહ સુબહ હમારા ટાઈમ ઔર દિમાગ મત ખરાબ કિજીએ.’ રિક્ષાવાળાના અવાજમાં એકદમ જ બદલાવ આવી ગયો! મારું આવું અપમાન તો કોઈએ ક્યારેય કર્યું નથી! હું રિક્ષામાંથી ઊતરવા જ જતી હતી કે, જેમતેમ મળેલી રિક્ષાને જવા ન દેવાના લોભમાં મારી સાથેનાં બહેને કહ્યું, ‘ઠીક હૈ, ચલો ભાઈ. યે બહનજી પહલી બાર દિલ્લી આઈ હૈં, ઔર ઉનકો કુછ માલૂમ નહીં.’ (ઓયે, રિક્ષાવાળાને સારું લગાડવા ગપ્પું કેમ મારો છો? હું આની સાથે પાંચમી વાર દિલ્લી આવી છું. કંઈ નવાઈની નથી આવી ને મને ખબર છે આ લોકો કેટલા બદમાશ હોય છે તે.) મેં એમની સામે ડોળા કાઢ્યા પણ એમણે નજર ફેરવી લીધી. અમારા ઉચ્છલમાં તો પાંચ પાંચ રૂપિયામાં, રિક્ષા ભરી ભરીને લોકોને બેસાડી જાય ને છકડામાં તો ઉપર પણ બેસાડે! સુરતમાં પણ ટૂંકા ટૂંકા અંતરે શૅરિંગ રિક્ષામાં, ટપ્પો ખાતાં ખાતાં જવાની કેટલી મજા આવે? વીસ રૂપિયામાં તો અમે ક્યાંના કયાં પહોંચી જઈએ! જ્યારે આ લોકો તો જમાનાઓથી બદનામ છે. જવા દો હવે.

પછી તો, હું મોં ફુલાવીને બેસી રહી ને રિક્ષાવાળો પણ ગમે તેમ રિક્ષા ભગાવતો રહ્યો. આખરે અમારે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચીને રિક્ષાવાળાએ જોરમાં બ્રેક મારીને રિક્ષા ઊભી રાખી. મેં બબડવા માટે મોં ખોલ્યું પણ પેલાં બહેને મારો હાથ દાબીને મને અટકાવી. આ નવાઈ કહેવાય ને? કોનો વાંક ને કોનો અવાજ દબાવાય? આખો દિવસ મારો મૂડ ખરાબ રહ્યો, કારણકે જ્યાં ને ત્યાં અમારે રિક્ષામાં જ જવાનું હતું ને દરેક વખતે મીટરની શરૂઆત ઓગણીસ રૂપિયાથી જ થતી.

બીજે દિવસે અમે સાઈકલ રિક્ષા લેવાનું નક્કી કર્યું. મોટે ભાગે દરેક બસ સ્ટેન્ડ પર અને સ્ટેશનની બહાર સાઈકલ રિક્ષાની લાઈન લાગેલી જોવા મળી. આ રિક્ષાવાળાઓનો ભાવ નક્કી જ રહેતો. શરૂઆત જ ત્રીસ રૂપિયાથી કરે. જોકે, ત્યાંના જાણકારો તો પહેલેથી જ ભાવતાલ કરવા માંડે અને એક જણના દસ રૂપિયાના હિસાબે ભાડું ચૂકવે. એમાં વાંક અમારો કે, આ વાત અમે દિલ્લી છોડવાના દિવસે જાણી! ખેર, રિક્ષામાં દર વખતે બેસતી વખતે મને પેલી જૂની ફિલ્મ ‘દો બીઘા જમીન’નો બલરાજ સાહની જ યાદ આવી જતો. ફરક એટલો હતો કે, એ ઘોડાની જગ્યાએ જાતે જોડાઈને દોડીને, હાંફીને રિક્ષા ખેંચતો! જ્યારે આ રિક્ષાવાળા સાઈકલ ચલાવીને પેસેન્જરોનો ભાર ખેંચતા. જોર તો પડે જ ને? મને તો રિક્ષામાં બેસવાનો ભાર લાગતો, કોઈ ગુનો કરતી હોઉં એવું લાગતું પણ ત્યાં બીજો કોઈ વિકલ્પ નહોતો. ક્યાં આ રિક્ષાવાળા ને ક્યાં પેલા મીટરની રિક્ષાવાળા?

અમે બે જણ રિક્ષામાંથી ઊતર્યાં કે રિક્ષાવાળાએ ત્રીસ રૂપિયા માંગ્યા. અમે દયા ખાઈને એને ચાલીસ આપ્યા.(મનમાં આવે તે કરીએ, કેમ?) આવા ચાલીસ ચાલીસ તો અમે જેટલી વાર સાઈકલ–રિક્ષામાં બેઠાં, તેટલી વાર ખુશી ખુશી આપ્યા. છો બિચારા! આવા લોકોને ખરેખર તો આપવા જોઈએ, પેલા....જવા દો. છેલ્લે દિવસે અમારી સાથે યજમાન બહેન આવ્યાં. એમણે તો પહેલેથી જ રિક્ષાના વીસ રૂપિયા ઠરાવી દીધા. મને ફરી વાર બલરાજ સાહની દેખાયો. અમે એ બહેનને કહ્યું જ નહીં કે, અમે તો રિક્ષાવાળાને દર વખતે ચાલીસ આપ્યા. નકામો કોઈનો જીવ બાળવાનો. જોકે, ટુરિસ્ટો જો સામે ચાલીને લૂંટાવા તૈયાર હોય તો રિક્ષાવાળા કે કોઈ પણ કેમ ના પાડે? પણ અમને આ રિક્ષાવાળા આગળ લૂંટાવાનો કોઈ અફસોસ નહોતો. પેલા રિક્ષાવાળાએ બેસતાંની સાથે જ ઓગણીસ રૂપિયા લઈ જ લીધા હતા ને? તેમાંય છેલ્લે, જ્યારે અમે સ્ટેશન જવા નીકળ્યા અને ટૅક્સીનું મીટર વાંચ્યું ત્યારે તો અમે બેભાન થતાં બચ્યાં. એ લોકોનો લૂંટવાનો શરૂઆતનો ભાવ હતો– પચાસ રૂપિયા! દુનિયા લૂટતી હૈ, લૂટાનેવાલા ચાહિએ!

અહીં તો, ગાઈડે તો અમને કહી દીધું કે, ભાડાની રકઝક પહેલેથી જ કરજો પણ બીક એ વાતની હતી કે, એ લોકોને ઈંગ્લિશ ન આવડે ને અમને થાઈ ભાષાના વાંધા! રકઝકની મજા તો સામસામે સમજાતી ને બોલાતી ભાષામાં જ આવે ને? તેમાંય કોઈ વાર ઈશારામાં રકઝક કરેલી નહીં તો હવે કેમ કરવું? ને અજાણ્યા દેશમાં અમને બેને એકલાં જાણીને રિક્ષાવાળો ગમે ત્યાં લઈ ગયો તો? અમારાં પર્સ ને કૅમેરા લઈ લીધા તો? ના ભઈ ના. નથી જવું કશે રિક્ષામાં. આપણે તો બધાંની સાથે જ રહો ને ફરો. બહુ મન થાય તો રસ્તા પર કલાક ઊભા રહીને જતી–આવતી રિક્ષાને જોઈને મજા લઈ લો! પલ્લવીબહેને એક રસ્તો કાઢ્યો. નજીકમાં ખાલી ઊભેલી એક રિક્ષા પાસે જઈ રિક્ષાવાળાને વિનંતી કરી કે, ‘અમારે તારી રિક્ષામાં બેસી ફોટો પડાવવો છે.’ રિક્ષાવાળો તો ફોટાના નામથી જ ખુશ થઈ ગયો. પહેલાં અમે એનો ને એની રિક્ષાનો ફોટો પાડ્યો ને એને બતાવ્યો. એ તો એટલો બધો ખુશ થઈ ગયો કે, અમને રિક્ષામાં બેસવા આગ્રહ કરવા લાગ્યો. અમે બન્ને રિક્ષામાં બેઠાં કે એણે અમને એક નાનકડું ચક્કર મરાવી લીધું ને પૈસા લેવાની પણ ના પાડી! અમારી રિક્ષામાં બેસવાની ઈચ્છા આ રીતે પૂરી થવાની હતી? કોણ જાણે. હવે આભાર માનવાનો અમારો વારો હતો. અમારી પાસે પર્સમાં નાસ્તાના બે પૅકેટ હતા તે એને આપીને અમે હૉટેલ પર પાછા આવ્યાં. વિચાર આવ્યો, ક્યાં આ રિક્ષાવાળો ને ક્યાં પેલો દિલ્લીનો રિક્ષાવાળો?

રવિવાર, 21 મે, 2017

બૅંગકૉકમાં લૂટ–––(૨૧)


બૅંગકૉકમાં આવ્યાને હજી અમને એક જ દિવસ થયો હતો. બીજે દિવસે બપોરે ઝૂ જોઈને, જમીને હૉટેલ પર પાછા ફરતી વખતે બસમાં જાહેરાત થઈ કે, ‘લિસન યંગ ગર્લ્સ, બીજી બધી બસની માતાઓ, બહેનો, આન્ટીઓની શોપિંગ મૉલમાં જવાની અધીરાઈ વધી ગઈ હોવાથી, એ લોકો અહીંના ફેમસ MBK મૉલમાં જાય છે. આ બસમાંથી જેની જવાની ઈચ્છા હોય તે હાથ ઊંચો કરે.’ ફટાક કરતાં બધાના બન્ને હાથ ઊંચા થઈ ગયા! ગાઈડથી હસી પડાયું. ‘ઓ કે, ડ્રાઈવર....ગાડી MBK જાને દો.’ અને અચાનક જ બસ ખુશીના માર્યાં ઊછળવા માંડી.

સ્ત્રીઓની શૉપિંગની ઘેલછાને સલામ કરવી પડે. બધાં કામ છોડીને એ શૉપિંગને પહેલાં પસંદ કરે! જાણે કે, અહીં આવવાનું કારણ જ શૉપિંગ હોય એમ બાકીનું બૅંગકૉક જોવામાં કોઈને રસ નહોતો કે શું? ટૂરવાળા પણ આ વાત સારી રીતે જાણતાં હતાં. એમણે તો એમના ટાઈમટેબલ મુજબ શૉપિંગનો દિવસ નક્કી જ રાખેલો પણ સ્ત્રીઓની ધીરજને સલામ કરવી પડે. ખૂટી ગઈ! સવારથી ઊઠીને અહીં દોડો, ત્યાં દોડો ને આ જુઓ ને પેલું જુઓ શું કર્યા કરવાનું? પછી શૉપિંગ ક્યારે કરવાનું? એમ પણ હૉટેલ પર જઈને સમય જ બગાડવાનો છે. જવામાં કેટલો સમય જાય? પાછું કલાક બગાડીને આવવાનું! બપોરે આરામ કરવાનો કે ગપ્પાં મારવાનાં. રાતે તો પાછી ડિનર ને પછી ડાન્સની ધમાલ જ કરવાની છે ને? નકામો સમય બગાડવાનો એના કરતાં સમયનો સદુપયોગ કરો ને શૉપિંગ કરો! આરામ કેવો ને વાત કેવી? પૈસા વસૂલ પણ કરવાના છે ને વાપરવાના પણ છે. પૈસા કંઈ પાછા લઈ જવા થોડા ઊંચકી લાવ્યાં છીએ? આ લોકો જો આમ જ જવા–આવવામાં દિવસ પૂરો કરી નાંખે તો પછી પૈસા ક્યારે વપરાય? જ્યાં ને ત્યાં બધે મૉલ જ દેખાય છે તે અમસ્તાં? ભાઈ આપણે તો મૉલમાં જ ચાલો. ત્યાં થશે એવો ટાઈમ પાસ તો બીજે કશે નહીં થાય.

બૅંગકૉકના પ્રખ્યાત મૉલ્સમાં MBK સેન્ટર, સિયામ ડિસ્કવરી, સિયામ પૅરૅગૉન, સેન્ટ્રલ વર્લ્ડ અને સેન્ટ્રલ ચિટલોમનો સમાવેશ થાય. આ બધા મૉલ્સ તો જાણે કે જાદુઈનગરી! એક દિવસમાં એક મૉલ પણ નિરાંતે જોઈ ન શકાય તો આટલા બધા મૉલ્સ તો ક્યારે જોવાય? મનમાં જ અફસોસ કરીને રહી જવાનું ને એક મૉલ જોઈ સંતોષ માની લેવાનો. જ્યાં ટુરિસ્ટોને બધું આરામથી મળી રહે, ભાવની રકઝક પણ કરવાની મજા આવે ને જ્યાં ટૂરવાળાની સાંઠગાંઠ હોય તેવા મૉલમાં MBK મૉલનું નામપહેલાં આવે. (જોકે, બધા જ મૉલ્સમાં સાંઠગાંઠ તો હશે જ. તે વગર આ શહેર રાત ને દિવસ આટલું ધમધમતું દેખાય? શૉપિંગ માટે અમસ્તું તો નહીં વખણાતું હોય ને? મૉલમાં ફરતાં તો એવું લાગતું હતું, જાણે કે બધાંનાં ઘરેથી લાંબાં લાંબાં લિસ્ટ અપાયાં છે ને કોઈને સમજ નથી પડતી કે શું લે ને શું ન લે?

સોના ગુણાકારમાં સ્ત્રીઓ અહીં દાખલ થયેલી, પણ અમારા આશ્ચર્ય વચ્ચે અમે જ્યાં જ્યાં ને જે જે માળ પર ગયાં, ત્યાં બહુ ઓછી સ્ત્રીઓ અમને ભટકાતી. ક્યાં અલોપ થઈ ગઈ બધી? જેમ પુરાણોમાં લખ્યા મુજબ, શ્રી હરિએ ત્રણ ડગલાંમાં ધરતી માપી લીધી હતી તેમ બધી શૉપિંગઘેલીઓને ફક્ત ત્રણ કલાકમાં જ આખો મૉલ ખૂંદી વળવાનો સમય અપાયો હતો! બહુ અન્યાય કહેવાય! પલ્લવીબહેન સાથે ફરીને અમે થોડું આમતેમ જોઈ ફ્લાઈંગ વિઝિટ જેવું ચક્કર બે–ચાર માળ પર મારી લીધું. કંઈક નજરે પડે ને ગમી જાય તો લેવા રોકાવું નહીં તો સર સર સર કરતાં પસાર થઈ જવું. ઢગલાબંધ વસ્તુઓ ને પાછી દરેને પોસાય તેવી કિંમતમાં! બ્રાન્ડેડ વસ્તુઓ પણ સસ્તી લાગે એવા ભાવ! મૉલની બહાર તો પાછી ફૂટપાથિયા માર્કેટ પણ ખરી અને તેની ભીડ પણ જોવા જેવી. ટુરિસ્ટ તરીકે બધા અનુભવો લેવા અમે મૉલની માયા છોડી ફૂટપાથ પર નીકળી પડ્યાં.

બૅંગકૉક માટે એવું કહેવાય છે કે પછી એની એવી છાપ પડી છે, પણ અગાઉથી સૌ ટુરિસ્ટોને ખાસ ચેતવણી અપાય છે, ‘ચોરોથી ને ખિસ્સાકાતરુઓથી સાવધાન! સસ્તું આપનાર કે અપાવનારથી પણ સાવધાન! કોઈ અજાણ્યા સાથે વાતમાં ફસાઈને કોઈ જાતની લેવડદેવડ કરવી નહીં.’ લગભગ બધે આવી ચેતવણી પણ નજરે પડે. સ્વાભાવિક છે, જ્યાં આટલી જબરદસ્ત દુનિયાભરની ભીડ જમા થતી હોય અને ટુરિસ્ટો ફરવા, આનંદ માણવા આવતાં હોય ત્યાં સાવચેતી રાખવી જરૂરી બને છે. અમે તો અમારી પર્સ અને થેલી સકૂલબૅગની જેમ ગળામાં ભેરવી દીધી અને સજ્જડ પકડી રાખી વિન્ડો શૉપિંગ કરવા માંડ્યું. હવે ભૂખ અને તરસે અમને શૉપિંગમાંથી ધ્યાન હટાવવા મજબૂર કર્યા. ખાવાપીવામાં બીજું શું હોય? એ જ સલામત ફ્રૂટ ડિશ! સ્ફૂર્તિનો અહેસાસ થતાં વળી દુકાને દુકાને સરસરી નજર.

મેં એટલું જોયું કે, જ્યારે જ્યારે રમકડાંની કોઈ દુકાન દેખાતી કે, પલ્વીબહેન નાના બાળકની જેમ મારો સાથ છોડીને દુકાનમાં ભરાઈ જતાં. એમના દોહિત્ર અભિરાજને સતત યાદ કરતાં રહેતાં પલ્લવીબહેન રમકડાં ન લે તે કેમ ચાલે? એ રમકડાં લેવામાં તલ્લીન હતાં ત્યારે હું સામેની સ્કાર્ફની દુકાનમાં લલચાઈને ગઈ. બહુ વર્ષો થઈ ગયાં સ્કાર્ફ વાપર્યાને! જોવામાં શું જાય છે? કદાચ ગમી જાય તો પાંચ છ લઈ પણ લઉં. કંઈ નહીં તો ગિફ્ટ આપવા ચાલશે. હું સ્કાર્ફ જોઈને ભાવ જાણતી હતી કે, અમારા ગ્રૂપની એક બહેન, શૉપિંગમાં એને મદદ કરવા મને વિનંતી કરવા લાગી. દયા કે મદદને ધર્મનું મૂળ સમજીને હું એની સાથે દુકાનમાં ગઈ. એણે કંઈ પાંચ– છ ડ્રેસ પસંદ કરેલા એની દીકરી માટે. મને કહે કે, ‘તમે આ દુકાનવાળી પાસે થોડા ભાવ ઓછા કરાવી આપો.’

મને મારી કાબેલિયત પર અને આવડત પર પહેલેથી જ ભરોસો, ભલે ઘરનાંને મારી કદર ના હોય. નવાઈ મને એ લાગી કે, ફક્ત મારું મોં જોઈને જ કેવી રીતે કોઈ જાણી જતું હશે? એ તો હીરાની કદર કોઈ ઝવેરી જ કરી જાણે તેમ આ બહેને મને બરાબર ઓળખી કાઢી. મનોમન ખુશ થઈ મેં જાતે જ મને શાબાશી આપી દીધી. ફુલણશી દેડકાની જેમ થોડું ફુલાઈ પણ લીધું. ‘ચાલો, કોઈએ તો કદર કરી.’ થોડો ભાવ ખાઈને, થોડી અકડીને મેં દુકાનદાર સામે જોયું. બધા ડ્રેસના વારાફરતી ભાવ પૂછ્યા. એને સમજાય એવા ઈંગ્લિશમાં ભાવ ઓછા કરવા કહ્યું. પણ એને ક્યાં ઈંગ્લિશ સમજાતું હતું? વાંધો નહીં. મેં ફક્ત આંકડાની ભાષામાં વાત કરવા માંડી. હજી તો રકઝક ચાલુ જ કરી કે, પેલી દુકાનવાળી છોકરીએ તો તરત જ ભાવ ઓછા કરી નાંખ્યા! ઓહો! આપણો આટલો બધો વટ? કે બોલતાંની સાથે જ નમતું જોખી દીધું? વાહ! આ બહેન તો બધાંની આગળ મારાં વખાણ કરશે અને ઘરે જઈને પણ દિવસો સુધી મને યાદ કરશે. હવે મને ખાતરી થઈ ગઈ કે, મને શૉપિંગ કરતાં ને રકઝક કરતાં બરાબર આવડે છે. હવે સામેથી બધાંને ઓફર કરવામાં પણ વાંધો નહીં. ભલે ને હું મારા માટે કંઈ ન ખરીદું, ભલે ને ઘરનાં મને બબડતાં પણ બીજાંઓને તો હું મદદ કરી જ શકીશ. ચાલો, આ બહેને તો મને મારી જ ઓળખાણ કરાવી દીધી. મારે એનો પણ આભાર માનવો પડશે.

હું આ બધા વિચારોમાં ખુશ થતી હતી અને પેલી બહેનના મનપસંદ ભાવે દુકાનવાળી છોકરીએ તો પાંચ ડ્રેસ પૅક પણ કરી દીધા. બહેન તો ખુશખુશાલ ! મારો આભાર માનવા જતી હતી, એટલે મેં  કહ્યું, ‘એમાં શું ? બીજું પણ કંઈ લેવું હોય તો કહેજો. મને આનંદ થશે.’ પૈસા આપતાં થોડી વાર લાગી એટલે મેં જોયું તો એ બહેન પર્સમાં કંઈ ખાંખાખોળા કરતી લાગી.(પોતાના પર્સમાં!) મને જરા ઢીલા અવાજે કહે કે, ‘તમારી પાસે પચાસ ડૉલર્સ છે? હું તમને હૉટેલ પર જઈને આપી દઈશ. થોડાકને માટે ઘટી પડ્યા.’ હું અવઢવમાં પડી. આપું કે ન આપું? બિચારીએ કેટલી હોંશથી ખાસ મારી પાસે ભાવ કરાવીને, દીકરી માટે ડ્રેસ લીધા ને હવે થોડા ડૉલર્સ માટે નિરાશ થાય તે બરાબર નહીં. હૉટેલ પર આપી જ દેશે ને? જઈ જઈને ક્યાં જવાની?’ હું આપવાની તૈયારીમાં હતી એવામાં પલ્લવીબહેનનો ફોન આવી ગયો, ‘ચાલો, ક્યાં છો? બસનો ટાઈમ થઈ ગયો ને બધાંને બોલાવે છે. હું બહાર દરવાજા પાસે છું.’

મદદ કરવાનો એક સુંદર મોકો હાથમાંથી સરી ગયો. પેલી બહેનની સામે સૉરી કહેતી હું દરવાજા તરફ ભાગી. મને ક્યાંય સુધી મનમાં ચચરાટ થયા કર્યો. અફસોસ થયો કે, બે મિનિટમાં કંઈ મોડું નહોતું થવાનું. પૈસા તો ફટાફટ આપીને આવી જ શકાત. ખેર, અમે લોકો બસમાં ગોઠવાયાં કે, મેં પલ્લવીબહેન આગળ બડાઈ હાંકવાની શરૂ કરી. એવામાં અમારી પાછળ બેઠલી બહેનો કોઈકની વાત કરતી સંભળાઈ. ગ્રૂપમાં કોઈક એવી ચતુરા હતી જે ઓછા પૈસાનું બહાનું કાઢીને બધા પાસેથી ડૉલર્સ કઢાવતી ફરે છે.

ઓ બાપ રે! પલ્લવીબહેનનો ફોન ના આવ્યો હોત તો? હું પણ પેલી બદમાશની વાતમાં આવીને કુપાત્રને દાન કરી જ નાંખત ને? ભાવ ઓછા કરાવવાને બહાને મને જ ફસાવી? હું શેની હોશિયાર? મારી બધી હોશિયારી આજે નીકળી જાત. રકઝક કરીને શૉપિંગ કરવાનું ને આવા ધુતારાને દાન કરવાનું? બહુ પસ્તાવો કરત જો પલ્લવીબહેન મને અટકાવત નહીં તો. ‘ભઈ, તમે બચી ગયાં તે કહો ને. મૂકો પૂળો એ વાતને હવે. ને લો, મસ્ત ચૉકલેટ લાવી છું તે ખાઓ એના કરતાં.’ મેં ચૉકલેટ ચગળતાં ચગળતાં બધી ચેતવણીઓને પણ ફરી એક વાર ચગળી લીધી. ‘ચોરથી સાવધાન. ધુતારાથી બચો. અજાણ્યા પર વિશ્વાસ ન કરો.’     

રવિવાર, 14 મે, 2017

‘વેગન એટલે શુધ્ધ શાકાહારી?’–(૧૯)––––‘છુટ્ટા જાનવરોની વચ્ચે પિંજરામાં!’–(૨૦)


દુનિયામાં શાકાહાર અને બિનશાકાહારને લઈને વર્ષોથી ચર્ચાઓ ચાલ્યે રાખે છે. એમાં આપણા જેવા કહેવાતા શાકાહારીઓ ગૂંચવાઈ જાય. શાકાહાર શબ્દનો અર્થ લઈને ફક્ત શાક અને ભાજી જ ખવાય? ને બિનશાકાહારનો અર્થ લઈએ, તો શાકભાજી સિવાયનો બધો આહાર બિનશાકાહારી ગણાય? દૂધ અને ઈંડાં આ ચર્ચાના મુખ્ય ચલણી સિક્કા છે. ઈંડાંને દૂરથી જોઈને લલચાનારા એને બિનશાકાહારી ગણાવીને, ‘નિર્જીવ ઈંડાં’ કહીને આરામથી આરોગી જાય છે. જ્યારે દૂધ અને દૂધની બનાવટો ના હોય તો આપણે ટકી ના શકીએ, એવું માનનારા સૌ આંખ મીંચીને એને પચાવી જાય છે. ફક્ત આ ‘વેગન’ કહેવાતા શાકાહારીઓ (કહેવાતા શાકાહારીઓ નહીં), ફક્ત અને ફક્ત શાકભાજી અને અનાજનો જ ઉપયોગ કરે છે. એ લોકો તો એટલી બધી કડક પરેજી પાળે કે, પ્રાણીમાત્રના નામની આજુબાજુ ફરતી કોઈ પણ વસ્તુ એમને ન ખપે! એમાં મધ પણ આવી જાય ને રેશમ પણ આવી જાય. સ્વાભાવિક છે કે, ચામડાની ચંપલ કે પર્સ તો એ લોકો અડકે જ નહીં. પ્રસાધનમાં કે દવામાં વપરાતી અથવા પ્રાણીઓ પર અજમાવાયેલી ચીજો એમને વર્જ્ય છે! સલામ છે એમને.

આપણા સમાજમાં હજીય એવા રૂઢિચુસ્ત લોકો છે ખરાં, જેઓ બહારનું કે હૉટેલનું ખાવાનું નથી ખાતાં. (પાર્સલ મંગાવીને ઘરમાં પણ નહીં.) ઘરનાં માટે ઘણી વાર એ લોકો માથાનો દુ:ખાવો બની રહે છે. બહારગામ જવાનું થાય તો ફક્ત આ લોકોના માટે જ નાસ્તાના ડબ્બા લેવા પડે. વળી, સતત ધ્યાન રાખવું પડે કે એ લોકો ભૂલમાં કંઈ બહારનું ખાઈ ન લે. નાસ્તો જો બગડી જાય, કે ખોવાઈ જાય, કે ઘટી પડે તો અપરાધીના પાંજરામાં ઊભા રહવું પડે. આ લોકોથી થોડા સ્વતંત્ર વિચારો ધરાવતા, પણ શુધ્ધ શાકાહારી ગણાતા લોકો જ્યાં શાકાહાર અને માંસાહાર બન્ને મળતો હોય એવી જગ્યાએ ખાતાં નથી. ‘કોણ જાણે, અંદર કોણ જોવા ગયું? બધે એક જ ચમચો વાપરતાં હશે. આપણે તો કાઠિયાવાડી ધાબે કે હિંદુ લૉજમાં જ ચાલો.’ બાકીના, બહુ માથાપચ્ચી ન કરનારા ને જ્યાં ભૂખ લાગે ત્યાં ગાડું નહીં પણ ગાડી છોડનારા જે મળે તે ખાઈ લે, માંસાહાર ન કરવાની શરતે.

હવે જો ભારતમાં આપણે આવી બધી ચોક્સાઈ કરતાં ફરીએ તો પછી, પરદેશમાં તો કરીએ જ એમાં શી નવાઈ? અને વાત પણ ખોટી નથી. જ્યાં જ્યાં અમે વેજિટેરીયન ખાણાંની તપાસ કરી, ત્યાં ત્યાં દરેક જગ્યાએ નવી નવી વાનગીઓ જાણવા મળી. ઈંડાં કે માછલી કે પ્રાણીઓને રાંધતાં જે પાણી વધે તેને એ લોકો ‘સ્ટૉક’ કહે, અને આપણે એને રસો કહીએ! તો આ પાણીમાં જુદા જુદા શાક કે નૂડલ્સ કે ભાત બનાવેલા હોય અને એને એ લોકો વેજ.માં ખપાવે! શુધ્ધ એટલે એકદમ શુધ્ધ શાકાહાર માટે તો, આપણે ભારતીય રેસ્ટોરાંઓની અગાઉથી માહિતી મેળવી લેવી પડે અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાઈવ સ્ટાર હૉટેલોમાં, જ્યાં બધા દેશોનું ભોજન મળીરહે ત્યાં ખાવા જવું પડે! હવે ખબર પડી કે, રોમમાં રસપૂરી ને પૅરિસમાં પાતરાં કેમ ખવડાવાય છે અને અમને કેમ અહીં રોજ ખાવાપીવાના જલસા છે! જોકે, ભૂખ્યા પેટે કંઈ ફરવાની મજા આવે? નહીં જ વળી.

આ ટુરિસ્ટોની માનીતી જગ્યા હોવાથી અને દેશવિદેશનું ખાણું સૌને મળી રહે એવી વ્યવસ્થા હોવાથી આ દેશમાં કોઈ ટુરિસ્ટ ભૂખે નથી ટળવળતું. અહીંનું લારી કલ્ચર પણ ખાસ્સું લોકપ્રિય છે. એક તો ચોખ્ખાઈ અને ખૂબ જ ઓછા ભાવે મળતી વાનીઓને કારણે વહેલી સવારથી અહીં લારીઓ ગોઠવાઈ જાય છે. છેક મોડી રાત સુધી આ ગલીઓમાં અવરજવર ને કોલાહલ રહે છે. આપણે ત્યાં પણ લારી કલ્ચરનો વિકાસ કોને આભારી છે? ફરક એટલો જ કે, આપણે ચોખ્ખાઈને મહત્વ નથી આપતા પછી લારીવાળાને પણ શું પડી હોય? જાતજાતની થાઈ વાનીઓ અને જુદા જુદા દેશોની અવનવી ચટપટી વાની અહીં જોવા મળે. સહેલાણીના મેળા માટે વાનગીઓનો મેળો!

અલગ અલગ પ્રકારની કરી ને ભાત અહીંની ખાસ વાનગી ગણાય. ચાઈનાથી આ લોકોએ નૂડલ્સ ને મોટા તાપે વઘારાતા ને ફટાફટ મિક્સ કરાતા શાકભાજી અપનાવ્યા. ચટપટા સેલડ્સ, ચટણીઓ તેમ જ સાથે ઠંડું નાળિયેરપાણી અને રસાદાર ફળોની બહાર તો ખરી જ ખરી. બસ, પછી તો વાનગીઓની ભેળંભેળમાં ક્યારેય કોઈને પહોંચાય? જ્યારે મન થાય ત્યારે અગણિત વિવિધતાઓ માણો.

બૅંગકૉક પહોંચ્યાની રાતે તો, અમારા સૌ માટે એક જોરદાર સરપ્રાઈઝ પાર્ટી ગોઠવાઈ ચૂકેલી! બૅંગકૉકની ખૂબ જ પ્રખ્યાત નદી ‘ચાઓ ફ્રાયા’માં ફરતી ક્રૂઝમાં શાહી સવારીની ગોઠવણ કરાઈ હતી. એ તો ક્રૂઝમાં ગયા પછી ખબર પડી કે, અહીં તો અમારા માટે ડિનર ને ડાન્સની સાથે ધીંગામસ્તી ને ધમાલની પૂરી તૈયારીઓ થઈ ચૂકેલી! નદીના શાંત પાણીમાં, જામતી રાતના અંધકારમાં અને ચળકતી–ઝબૂકતી રંગીન લાઈટોની રોશનીમાં હળવે હળવે સરકતી ક્રૂઝમાં સવાર પાંચસો લલનાઓ! અધૂરામાં પૂરું, આવા સુંદર નઝારામાં હાજરી પૂરાવવા અચાનક આવી ચડેલું વરસાદી ઝાપટું! ઝાપટાની દાદાગીરીથી ક્રૂઝ તો કંઈ હાલકડોલક ન થઈ પણ નદીના પાણી પર રાતના અંધકારમાં ચમકતી લાઈટોના પ્રતિબિંબો અને તેને સતત મિટાવી દેવા મથી રહેલા વરસાદના ઝાપટા વચ્ચે જાણે હોડ લાગી. પવન તો પાણી પર સરકતો સરકતો ક્યાંય દૂર નીકળી જતો લાગતો ને વળી ક્યાંકથી ફરી પાછો આવી પાણીને ગભરાવી નાસી જતો. બારી પાસે બેઠેલાં લોકોના ભોજનમાં પાણીની વાંછટ લાગતી હતી બાકી તો, વાંછટની મજા લેવાની સૌની તૈયારી હતી.

થોડી જ વારમાં આખી ક્રૂઝને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાઈ! જેવું પેલું વરસાદી ઝાપટું પોતાનો મિજાજ બતાવીને નાસી ગયું, તેવું જ પેલું પ્લાસ્ટિકનું આવરણ પણ દૂર થઈ ગયું. ફરી સરકતી ક્રૂઝમાંથી દેખાતું રાત્રીનું એ જ મનોહર દ્રશ્ય સૌ માણી રહ્યાં. નદીને બન્ને કિનારે આવેલાં ઊંચાં, ઝગમગતાં મકાનો, રોશનીથી ચમકતાં મંદિરો–ગુંબજો અને સૌને આવકારતી વિશાળ હૉટેલોનો રમ્ય નઝારો માણવાની મજા સૌ ભોજનની સાથે લેતાં રહ્યાં.

એક તરફ એક થાઈ સુંદરી હિન્દી ફિલ્મી ગીતો ગાઈ સૌને અચંબામાં નાંખતી હતી ને તેને સાથ આપવા અમારી નૃત્યાંગનાઓ એમની મસ્તીમાં ઝૂમતી હતી. નૃત્ય ને સંગીતનો આનંદ માણવા કેટલીય બહેનો સામે જ ઊભી રહીને પોતાની ખુશી પગનાં ઠેકાથી જણાવી રહી હતી. બાકીનાં સૌ પોતપોતાની વાતોમાં ને ભોજનના આનંદમાં મગન! ફરી વાર ક્યાં ને ક્યારે આવું ભોજન ને નૃત્ય ને સંગીત ને સુખ? કોણ જાણે.
*****************************************************************************

છુટ્ટા જાનવરોની વચ્ચે પિંજરામાં!–––(૨૦)

જેમને પોતાના દેશમાં વિદેશીઓને આકર્ષી વિદેશી હુંડિયામણ કમાવું હોય, તેઓ પોતાના દેશની શાન ગણાતાં પ્રાણીઓને ભેગાં કરે, બીજાં પણ વિદેશી પ્રાણીઓને આમંત્રે અને એક વિશાળ, સુંદર ઝૂ બનાવી કાઢે. પછી એમાં વિવિધ મસાલા શોના નામે પ્રાણીઓના જાતજાતના ખેલ બતાવે. એમાં પ્રેક્ષકોને પણ સામેલ કરે એટલે આનંદની સાથે રોમાંચ અનુભવતા લોકો શોમાં ભીડ કરે. સ્વાભાવિક છે કે, ટુરિસ્ટો તો આ શો જોવાના જ. બાળકો પણ જોવાના. બસ, એક વાર દુનિયાભરમાં પ્રચાર થઈ ગયો પછી જોવાલાયક જગ્યાઓના લિસ્ટમાં આ ઝૂ કે સફારી પાર્ક કે મરીન વર્લ્ડ અચૂક ગોઠવાઈ જ જાય. અમે તો કંઈમાં બાકી રહેવા ન જોઈએ એ નિયમ અનુસાર સફારી વર્લ્ડ જોવાને બહાને બૅંગકૉકની તિજોરીમાં થોડા ડૉલર જમા કરાવી આવ્યા.

સફારી વર્લ્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. સફારી પાર્ક અને મરીન પાર્ક. મરીન પાર્કમાં જાતજાતના શો જોઈ આનંદ મેળવવાનો અને હા, મન થાય તો જાનવરો સાથે ફોટા પણ પડાવી શકાય, પૈસા ખર્ચીને! ભઈ, એમને મળવા તો ગયાં હોઈએ પછી ભાવ ના ખાય? જોકે આ જાનવરો માટે આપણને માન થઈ આવે. કારણ? કોઈ પણ દેશના કે નાતજાતના ભેદભાવ વગર આ લોકો, એમના માલિક જેની સાથે કહે તેની સાથે ફોટા પડાવવા તૈયાર થઈ જાય! તે પણ જરાય નખરાં કર્યા વગર! માણસો તો પોતાનો ફોટો આવતો હોય તો જાનવરો સાથે પણ હોંશે હોંશે ફોટા પડાવે.  અહીં તો બે ઘડી મનોરંજન હતું અને બધા ફોટા પડાવે તો આપણે કંઈમાં રહી જવા ન જોઈએ, એ પણ ખરું. સામાન્ય દિવસોમાં આપણે કશે જતાં હોઈએ અને જો રસ્તામાં આપણને રીંછ કે હાથી કે ઘોડો દેખાઈ જાય તો કંઈ આપણે ફોટો પડાવવા ઊભા નથી રહી જતાં. કશેક ફરવા ગયાં હોઈએ તેનો આટલો ફેર પડે! ઘણી વાર તો સાથે ઊભેલું જાનવર વધારે સંદર ને વ્યવસ્થિત દેખાતું હોય!

દર વખતે હૉટેલ છોડતાં પહેલાં કરાતા નાસ્તાનું વર્ણન કરીને હવે હું કોઈને નિરાશ કરવા નથી માંગતી. એ તો ગયાં હોઈએ એટલે પેટ ભરીને ખાઈ જ લેવાનું હોય ને? ને મન ભરીને ફરવાનું જ હોય ને? એકની એક વાત શું કોઈને માથે મારવી? ‘સફારી વર્લ્ડ’ જોવા અમારી જેમ ટુરિસ્ટો બસોમાં ભરાઈ ભરાઈને આવતા હતા. તેમાં બુરખાવાળી પણ કેટલીય સ્ત્રીઓ આવેલી, એકદમ મોડર્ન! એમના સૅંડલ્સ અને હાઈ હીલના ચંપલ પરથી તેમ જ બુરખામાંથી દેખાઈ જતા જીન્સના પૅંટ પરથી જ અમે અંદાજ લગાવ્યો કે, બુરખો તો ફક્ત લોકોની નજરથી બચવાનું બહાનું છે. બાકી મોડર્ન પરિધાન તો આ લોકો પણ ઈચ્છે છે અને પહેરે પણ છે.

આ સ્ત્રીઓ પણ અમારી જેમ જ ફરવા નીકળી પડી છે. ફરક એટલો છે કે, એ લોકો અમારી જેમ વરને ઘરે મૂકીને નથી આવી. કદાચ વરને જ બીક હશે કે, બે જાતના જાનવર ભેગા થાય ત્યાં બીવીની સલામતી કેટલી ? ધારો કે, એકલી બુરખાનશીનો જ આવી હોત તો? ગાડીમાં જ બુરખા મૂકીને આવી હોત કે નહીં? ખેર, એ તો દરેક ધર્મ કે રિવાજની વાત છે પણ જ્યારે અમે સ્વતંત્રતા ભોગવીએ ત્યારે અમારી જ જાતબહેન આવા બંધનમાં રહે? પેલી અમારી સાથે આવેલી ઘુમટાવાળી અને આમનામાં કોઈ ફરક હતો? કદાચ નહીં. અમારી આગળ કોઈ સ્કૂલની પણ પાંચ–છ બસો આવેલી. તેમાંથી નાનાં નાનાં ટાબરિયાંની ટોળી ઊતરતી જોવાની મજા પડી. સુંદર ને સુઘડ ટાબરિયાંઓની શિસ્ત ને એમની નિર્દોષ ચેષ્ટાઓએ સૌનાં મન હરી લીધાં.

મરીન પાર્કમાં જાતજાતનાં પક્ષીઓ ને પ્રાણીઓનાં મળીને સાતેક શો થાય છે. શો જોવાનો આનંદ લેતાં લેતાં એમને અપાતી ટ્રેઈનિંગ જોઈને પણ મોંમાં આંગળાં નંખાઈ જાય. આપણે ત્યાં તો અસલ, બારણે ગાય કે કૂતરાં સમયસર જો રોટલો ખાવા આવી જતાં તોય આપણે હરખાતાં કે, ‘સાત વાગે એટલે આ ગાય અચૂક આવી જ જાય’ કે પછી, ‘સવારે મંદિરમાં ઘંટ વાગે કે આ કાળિયો પૂંછડી પટપટાવતો ઊભો જ હોય!’ જોકે, અંદરખાને એક વાત કઠે કે, ફક્ત પૈસા કમાવા ખાતર આ મૂંગાં, નિર્દોષ જાનવરોને ભૂખ્યાં પણ રખાતાં હશે અને એમના ઉપર જુલમ પણ થતો હશે. ઘણા લોકો આ શો નથી જોતાં–જીવદયાવાળા. વાત તો સાચી પણ હજારો ને લાખો લોકોમાં આ અવાજ ક્યાંય દબાઈ જાય. વળી, આ તો વિશ્વવ્યાપી સમસ્યા. છૂટક અવાજો ઊઠે, સંસ્થાઓ વિરોધ કરે, કામ કરે ને બધું ચાલ્યા કરે.

સફારી પાર્કમાં જાનવરોની જેમ કે સાથે કોઈથી છુટ્ટા ફરી શકાય નહીં. ફરજિયાતપણે બસમાં બેસીને જ આ પાર્કમાં ફરવાનું અને દૂરથી પ્રાણીઓને જોઈને ખુશ થવાનું. અહીં બધા પ્રાણીઓ, બાપાના બગીચામાં ફરતાં હોય એમ આરામથી ફરતાં ને ચરતાં કે આરામ કરતાં જોવા મળે. એમને તો રોજ એવા કેટલાય લોકો જોવા આવતાં હોય, બધાંને ક્યાં ભાવ આપવા જાય? આપણને જોઈને કોઈ ખુશી ખુશી દોડી આવે કે ગભરાઈને અથવા શરમાઈને ભાગી જાય એવું બધું કંઈ નહીં. આ જ એ લોકોનો મિજાજ મને ગમી ગયો. સૌ સૌની મસ્તીમાં! આપણાથી ક્યાં આટલી છૂટથી રહેવાય છે? કોઈ આવે તો પણ ઠીક ને ન આવે તો પણ ઠીક! કોઈ બોલાવે તો એની મરજી ને ન બોલાવે તો પણ કોઈ કજિયો નહીં! જ્યારે મન થાય ત્યારે ખાવાનું ને જ્યારે મન થાય ત્યારે ઊંઘવાનું! ખુલ્લા પિંજરામાં રહીને સ્વતંત્રતા ભોગવવાની!

અમારી બસ રોજ રોજ બદલાતી રહેતી. ક્યારેક કાજોલ તો ક્યારેક માધુરી, ક્યારેક કરિશ્મા તો ક્યારેક પ્રિયંકા! હૉટેલમાંથી નીકળતાં નક્કી કરેલી બસમાં જ બધાં બેસતાં પણ પાછાં ફરતી વખતે તો જે બસ સામે દેખાય તેમાં બધાં બેસી જતાં. સમયની બચત કરવી પડતી ને બધાં થાકેલાં હોય એ પણ કારણ ખરું. ફાયદો એ થતો કે, દર વખતે નવા નવા ગાઈડ સાથે ઓળખાણ થતી ને મજાકમસ્તી તો ખરી જ. પાર્કની મુલાકાત વખતે ગાઈડે ગમ્મત કરી, ‘કોઈને ટૉયલેટ જવું હોય તો બસ ઊભી રાખીએ.’ સામે જ સિંહોનું ટોળું મૂછ મરડતું હતું! કેશવાળી સંવારવાની સાથે મૂછમાં મલકતું પણ હશે!

એ ગાઈડે બસ ઊપડતી વખતે પોતાની ઓળખાણ આપતાં કહેલું, ‘હા..ય ! મારું નામ ટિફિન છે.’
બોલ્યા પછી એ ક્યાંય સુધી અમારા આશ્ચર્ય પર મલકતી રહેલી. મને થયું, આ લોકોના નામ શું ખરેખર આવાં જ છે કે, ટુરિસ્ટોને ગમ્મત કરાવવા આવા તુક્કા છોડ્યે રાખે છે ? જાણવું પડશે. કાલ ઊઠીને જાણવા મળે કે, કોઈનું નામ થાળી કે વાટકી કે તપેલી છે તો ? ચમચી,ચમચા ને કડછી કે કડછા તો આપણે ત્યાં પણ ક્યાં નથી?

રવિવાર, 7 મે, 2017

યહાં હીરા હૈ સભીકે લિયે !–––(૧૭)..........થાઈ ફૂડની કરકરાટી/કકડાટી–––(૧૮)


પટાયામાં ત્રણ દિવસ તો જાણે ખાઈ–પીને ધમાલમસ્તીમાં ને રખડપટ્ટીમાં ક્યાંય પૂરા પણ થઈ ગયા. માનવામાં નહોતું આવતું કે, ફક્ત ત્રણ જ દિવસમાં અમે આટલી બધી જગ્યાએ ફરી શકશું, મજા કરી શકશું ને આટલું બધું જાતજાતનું ખાઈ પણ શકશું! અમે જાણે સ્વર્ગમાં વિહરતાં હતાં! હજી બૅંગકૉક જોવાનું તો બાકી જ હતું ને એનું પણ એટલું જ આકર્ષણ હતું. હવે કોઈને કહેવું પણ નહોતું પડતું કે, ‘આપણને જમતાં મોડું થશે તો નાસ્તો બરાબર પેટ ભરીને કરી લેજો.’ (સૌ ખાઉધરી હોય તેમ) પોતપોતાની રીતે ડિશ ભરી ભરીને, ચાર રાઉન્ડ નાસ્તો કરી જ લેતી. જવાના દિવસે સવારમાં જ હૉટેલના રિસેપ્શન કાઉન્ટર આગળ બધા રૂમની ચાવીઓ જમા થતી ગઈ અને સામાનનો ડુંગર ખડકાતો ગયો. બધાએ પોતાની બૅગ, બધામાં અલગ તરી આવે એટલે બૅગ ઉપર જાતજાતની નિશાનીઓ કરી હતી. કોઈએ મોટા અક્ષરે નામ ચીતરેલું, તો કોઈએ નામ–સરનામાવાળું મોટું કાગળ ચોંટાડેલું. મોટા ભાગની બૅગો પર રંગીન રિબનના ફૂમતાં ફરફરતાં હતાં. કોઈએ તો વળી સ્ટિકરવાળા ચાંદલાથી ડિઝાઈન બનાવેલી! બૅગ જેવી જડ વસ્તુને પણ સ્ત્રી જોવાલાયક બનાવી શકે!

વારંવાર બધાંને પોતાનો સામાન, પાસપોર્ટ અને પૈસા ચકાસી લેવાની તાકીદ કરાઈ. ‘જે આખા ઘરનો કારભાર સંભાળતી હોય એને પણ આ બધું કહેવું પડે?’ ‘હા, કહેવું પડે. ’ એવું ટૂર ઓપરેટરોનું એમના અનુભવોને કારણે કહેવું હતું. ‘એક વાર ઘરની બહાર નીકળ્યા પછી ને તેમાંય આવા પ્રવાસોમાં તો સ્ત્રીઓ વધુ બિન્દાસ અને વધુ પડતી ઉત્સાહી બની જાય છે. એમાં ને એમાં એ ઘણી વાર પોતાનો કિમતી સામાન કે પર્સ કે પાસપોર્ટ પણ ગુમાવી બેસે છે. પછી બહાવરી બનીને આખી ટુરને માથે લઈ લે અને બધાંનો મૂડ બગાડે. એટલે જ વારંવાર અને હૉટેલ કે બસ છોડતી વખતે તો ખાસ બધાંને યાદ કરાવવું પડે છે.’ મેં પણ તે જ ઘડીએ મારી પર્સમાં હાથ નાંખીને પાસપોર્ટ ને ડોલર પર હાથ ફેરવી લીધો. હાશ, સલામત છે. આ બે વગર તો મારે બૅંગકૉકમાં ભજન ગાવાં પડશે ને ભજન કોને સમજાશે?

પટાયાથી બૅંગકૉક જતાં, રસ્તામાં ત્રણ કલાકમાં કોઈ કંટાળે નહીં એટલે અડધે રસ્તે એક એવી ખાસ જગ્યાએ મુકામ કર્યો, જ્યાં સ્ત્રીઓના મોં હીરા–મોતીની પેઠે ઝગારા મારવા માંડ્યા! ‘જેમ્સ એન્ડ જ્વેલરી’ પાર્ક! વિશાળ જગ્યામાં ને સરસ વાતાવરણમાં બધી બસ ઊભી રહેતાં જ સ્ત્રીઓ પોતાની સૂધબૂધ ખોઈ બેઠી. હીરામોતીના શૉપિંગમાં પ્રવૃત્ત કે લીન થઈ જાય તે પહેલાં સૌને હીરા વિશેની પૂરેપૂરી માહિતી અપાઈ. એક નાનકડી ટૉય–ટ્રેનમાં મજેથી ચક્કર મરાવી, હીરા ખાણમાંથી નીકળે ત્યારથી માંડીને ગળામાં, કાનમાં કે આંગળીઓમાં શોભતાં પહેલાં કઈ કઈ મુસીબતોનો એ સામનો કરે છે તેનું સુંદર નિદર્શન કરાયું. જેમને અગાઉથી જાણ હતી અને ખરીદી કરવામાં જે કોઈ કચાશ છોડવા નહોતી માંગતી, તેવી હરખઘેલીઓ તો આ વિશાળ પ્રદર્શનના ખૂણે ખૂણે ફરી વળી. સૌને પાંચ ટકા ડિસ્કાઉન્ટની કૂપન પણ મળેલી એટલે દસ ટકા શૉપિંગ વધારે થવાની આ પાર્કના માલિકને ખાતરી હતી. સમયની પાબંદી આવી જગ્યાએ રખાય જ નહીં. એમ પણ સ્ત્રીઓને બીજું શું જોઈએ? કોઈ રોકટોક વગરનું નિરાંતે શૉપિંગ બીજે ક્યાં મળવાનું? ઘરનાં સાથે હોય તો હજાર જાતના સવાલ ને હજાર જાતની કચકચ!

સૌને પોસાય તેવા હીરાના દાગીનાઓની સાથે મોતીના દાગીના પણ મળતા હતા. મને તો કોઈ બહેન થાકેલી ન જણાઈ, છતાં ત્યાં આરામકક્ષ પણ હતો અને નાસ્તા–પાણીની સગવડ તો ખરી જ. શૉપિંગનું પાછું એવું કે, જે વસ્તુ લીધી હોય તે વાપરવા કે પહેરવા પહેલાં દસેક જણને બતાવાય તો લીધેલું વસૂલ ગણાય! હવે અહીં તો હીરા કાઢીને કોઈને બતાવાય એમ ન હોવાથી મોટી મોટી ડિંગો હાંકવા સિવાય છૂટકો નહોતો. વારે વારે બધાંની આંખો પહોળી થઈ થઈને હવે થાકવા માંડી હતી. મારી સહપ્રવાસી–પેલી બૅંક મૅનેજર, જાણે મને જ શોધતી હોય તેમ મારી સામે હસતી હસતી આવી ને બોલી, ‘કેમ, વહુ માટે કંઈ લીધું કે નહીં?’ મેં ના પાડી એટલે એણે તો રોજના કરોડોના વહેવાર કરતી હોવાને કારણે બહુ આરામથી ને અલગ જ લહેકાથી મને જણાવ્યું કે, ‘મેં તો દોઢ લાખનો ખર્ચો કરી નાંખ્યો.’(!) મારું દિલ દોઢ ઈંચ સંકોચાઈ ગયું ને કદાચ મગજ પણ. ત્યારે જ નક્કી કર્યું કે, ભૂલમાંય આને શોપિંગને લગતા કોઈ સવાલો નહીં કરું. હજી તો બૅંગકૉક બાકી છે ને જતી વખતે જો મારી જ બાજુમાં પાછી આવશે તો, હું કઈ અવસ્થામાં ઘરે પહોંચીશ કોણ જાણે!

શૉપિંગની બાબતમાં મારા વિચારો થોડા જુદા પડે. ઘરે ગયા પછી લીધેલી વસ્તુ મને ગમે નહીં, અથવા જે વસ્તુ દુકાનમાં મને બંધબેસતી આવી હોય–દા.ત. ચંપલ, તો ઘરે આવીને બેમાંથી એક ચંપલ નાની લાગે ને બીજી મોટી! અથવા ચાલતાં જ ન ફાવે, અથવા દુકાનના ને ઘરના અજવાળાના ફરકને કારણે ચંપલનો રંગ જોઈને મારું મોં કટાણું થઈ જાય. અરેરે! મેં આવી ચંપલ લીધી? મારા શોપિંગમાં જ જો આવા ગોટાળા થતા હોય તો બીજા માટે કેવીક વસ્તુ લેતી હોઈશ? એટલે મને ઓળખનારા, મને ફક્ત ફરવાની જ સલાહ આપે, ‘જે વસ્તુમાં આપણને સમજ ના પડે તેમાં માથાં નહીં મારવાનાં.’ કહીને મને પણ ચિંતામુક્ત કરે ને પોતે પણ નિશ્ચિંત બને.

પલ્લવીબહેનની દીકરીની વર્ષગાંઠ નજીક આવતી હોઈ, એમણે તો મોતીની એક સુંદર સેર ખરીદી. અમારું શૉપિંગ મારે કારણે વહેલું પત્યું. ફરી બસમાં ગોઠવાઈ અંતાક્ષરી રમતાં રમતાં સૌ ચાલ્યાં બૅંગકૉક–શૉપિંગનગરી! અચાનક જ બસમાં થોડી હલચલ મચી ગઈ. કોઈ બહેનનું પર્સ ચોરાયું હતું. હાલમાં જ ખરીદેલી માળા ને આઠસો ડૉલર્સ! અફસોસ ને આશ્વાસનના ધીમા સૂરો વચ્ચે બસ એની ગતિએ ચાલતી રહી.

ખેર, પટાયાના શાંત વાતાવરણમાંથી એકદમ જ ભીડભાડવાળા અને ભરચક ટ્રાફિકવાળા વાતાવરણમાં અમારી બસ પ્રવેશી, કે ફરી બધા ઊંચાંનીચાં થઈ બારીમાંથી બહાર જોવા માંડ્યાં. ઊંચા ઊંચા મકાનો ને દેશવિદેશના ટુરિસ્ટો. એશિયાના ‘વેટિકન સિટી’ ગણાતા શહેરમાંથી મારી બસ પાણીના રેલાની જેમ અમારી હૉટેલ તરફ સરકી રહી હતી, સડસડાટ! રસ્તા પર સ્પીડબ્રેકર જ નહોતાં! ગયે વર્ષે આ જ બૅંગકૉકમાં ભયંકર રેલ આવેલી ને આજે?
*********************************************************************************

.થાઈ ફૂડની કરકરાટી/કકડાટી–––(૧૮)


આપણે ભારતીયો એમ સમજીએ છીએ કે, ભારતીય ખાણું જ શ્રેષ્ઠ છે અને જેટલી વિવિધતા આપણા ભોજનમાં છે એટલી બીજે ક્યાંય નથી. આપણો આ ભ્રમ બીજા દેશોમાં ફરીએ ત્યારે ચકનાચૂર થઈ જાય, ભાંગીને ભુક્કો થઈ જાય. આપણી એક પણ વાનગી ત્યાં ન મળે કે ન બને એનો શો અર્થ કાઢવો? જાહેર જગ્યાઓએ દાળ–ભાત કે ઈડલી–સાંભાર સહેલાઈથી ન મળે–એ ખાવા ખાસ ભારતીય રેસ્ટોરાંમાં જવું પડે, ત્યારે સમજાય કે, દુનિયામાં ભોજનની વિવિધતાઓનો તો ભંડાર ભર્યો છે. કદાચ અહીં પણ આપણે એ જ ચીલાચાલુ ભોજનથી કંટાળ્યા છીએ કે શું? જ્યાં ને ત્યાં ચાઈનીઝ વાનગીઓની લારી અને હૉટેલોમાં આરામથી મળી રહેતી વિદેશી વાનગીઓ જોઈને લાગે કે, ખાવાને મામલે આપણે પણ કોઈથી ઊતરતાં નથી.

ચાઈનીઝ વાનગીઓએ, એમ જોવા જઈએ તો ઘણાં વર્ષો આપણા પેટ પર રાજ કર્યું, ઈટાલિયન વાનગીઓને પણ કોઈ જાતના ભેદભાવ વગર આપણે પસંદ કરી, પણ આજકાલ બોલબાલા છે થાઈ ફૂડની. કોઈ પણ દેશની કોઈ પણ વાનગીમાં મોટે ભાગે તો આપણે ગુજરાતીઓ, શાકાહારી વાનગીઓ જ પસંદ કરતાં હોઈએ છીએ. એ જુદી વાત છે કે, પછીથી આપણે આપણા સ્વાદ મુજબ મસાલા ઉમેરીને એ વાનગીઓને ભારતીય ટચ આપી દઈએ! ચાઈનીઝ ભેળ અને જૈન ચાઈનીઝ જોઈને તો ચીનાઓ પણ છક્કડ ખાઈ ગયા હશે! થાઈ વાનગીઓ પણ લારીમાં પહોંચતાં વાર! થાઈ ઢોસા ને થાઈ રોટલા કે જૈન થાઈ આવતાં વાર નહીં લાગે. જોકે, માંસાહારી લોકો તો મૂળ ડિશની જ લિજ્જત માણે છે, સિવાય કે એમને અમુક વસ્તુઓની સૂગ હોય! મેં તો જોયું છે કે, માંસાહારીઓમાં પણ પાછા જુદા જુદા વર્ગ આવે. દરેકની પસંદની ડિશ અલગ હોય. એ તો ભઈ, જેવો જેનો ટેસ્ટ!

કદાચ ભારતીયો તો હજીય સાપ, દેડકાં કે જીવડાં નહીં ખાતાં હોય. ખાનારની માહિતી મારી પાસે નથી પણ અમે બે–ત્રણ કલાક બૅંગકૉકની સડકો પર ફર્યાં અને બજારમાં આંટો માર્યો, ત્યારે વગર ખાધે તળેલાં જીવડાંની કકરાટી અનુભવી! દુકાનોમાં ટોપલા ભરીને ને લારીઓમાં મોટા મોટા થાળ ભરીને જાતજાતનાં, તળેલાં તીડીયાં વેચાતાં હતાં! વાંદા ને જાતજાતની માછલી સિવાય, બીજા દરિયાઈ જીવો પણ તળેલા(કે બળેલા? કોણ જાણે) ખાનારને લલચાવતાં હતાં! જેમ ભેળ કે પાણીપૂરી જોઈને આપણાં મોંમાં પાણી છૂટે એમ! કોઈ દિવસ આવું જોયું ન હોવાને લીધે અમને ઊલટી કે ચક્કરની તકલીફ તો ન થઈ પણ બુધ્ધિ બહેર મારવા માંડેલી ખરી. અમારી નજર સ્થિર થઈ ગઈ–બાપ રે! આ બધું જોવાય નહીં તો ખવાય કેમ કરતાં? આપણાં ઘરોમાં માખી, મચ્છર કે ગરોળી દેખાય કે આપણે એમનાથી છૂટકારો મેળવવાના પ્રયત્નમાં લાગી જઈએ, બૂમાબૂમ કરીને ઘરને માથે લઈએ, જ્યારે અહીં એમના નામનો ભોજનસમારંભ ઉજવાય? મને ખાતરી છે કે, આ લોકોને કોઈ દિવસ કોઈએ શીંગચણા, ધાણી, વેફર્સ કે ચેવડા ચખાડ્યા નહીં હોય. બાકી તો, એ લોકોને ત્યાં પણ લારીએ લારીએ કે દુકાને દુકાને રંગીન હારડા લટકતા હોત.

ખેર, શું ખાવું કે ન ખાવું એ દરેકની મરજીની વાત છે, તોય વાંદરા, કૂતરા, બિલાડાં કે ડુક્કર સિવાય પણ પશુ–પક્ષી ને જીવડાંની જમાતમાંથી જે મળ્યું તેને, બાફીને, તળીને કે જાતજાતની વાનગીઓમાં સૉસ બનાવીને...બાપ રે...! અક્કલ કામ ન કરે. (ભઈ, નૉનવેજ ખાવાવાળા માફ કરે પણ આ બધું નજરે જોયા પછી તો અશાંત મનનો ઊભરો નીકળી જ જાય.) આમાં ઈંડાંને તો શાકાહારી જ ગણી લેવાનાં ને?

વાનગીઓનાં નામ પણ પાછાં કેવાં?

ટૉમ યમ ગંગ( ટૉમ, તારે ખાઈને, યમને દરબાર થઈને ગંગામાં સમાઈ જવાનું.)
ગમ સોમ પાક રુઆમ( ગમને દૂર કરવા સોમરસ ? ને પાક એટલે પવિત્ર કે રુઆમપાક?)
ગંગ ક્યૂ વાન(ગંગાનો વાન કેમ આવો? તમે જુઓ, આ લોકો બધું ખાતાંપીતાં પણ આપણી પવિત્ર નદીને સતત યાદ કરે છે!
પેનાન્ગ ગાઈ, ગાઈ પેડ પોંગાલી, ગાઈ યાન્ગ જેવાં નામોમાં કંઈ ગાવાનું મહત્વ લાગે છે.
જિમ જમ એટલે જમવાનું પણ જિમ જવાનું નહીં ભૂલવાનું.
કાઓ ના ફેટ, કાઓ કા મૂ, કાઓ મોક ગાઈ, કાઓ માન ગઈ, કાઓ ન્યુ મૂ યાંગ, કાઓ મૂ ડાન્ગ વગેરે કા કા કરતાં નામોમાં આપણા ખાઓ શબ્દનો અપભ્રંશ નથી લાગતો? કોઈ વાનગીમાં ફૅટ નથી, કોઈ વાનગી ગાતાં ગાતાં ખાવાની છે, કોઈમાં કોઈને મનાવવાની વાત છે ને પછી માન ગઈની ખુશીમાં એ વાનગી ઓર્ડર કરવાની છે. મૂ એટલે હુંના અર્થમાં વપરાયું હશે?
કાઈ જ્યુ મૂ સાપ, મૂ ડેડ ડ્યૂ, નામ ટોક મૂ, ગાઈ પેડ મેટ મા મુઆન્ગ, યેમ પ્લાહ ડક ફૂ, સોમ ટેમ, પેડ પાક બંગ નામ માન હોય...બાપ રે! થાકી જવાય.

આ બધી વાનગીઓમાં ગ, ક, મ ને આન્ગ વારંવાર આવે છે. કા એટલે કેમ? એવું હશે? ધારીને નામ જોતાં ખ્યાલ આવે કે, આ વાનગીઓમાં જાતજાતનાં નામ સિવાય પણ મા છે, સોમ છે, માન, ફૂ, ડેડ, ગાઈ, ડાન્ગ, બંગ, હોય, સાપ, ન્યૂ જેવા કેટલાય અંગ્રેજી અને ગુજરાતી શબ્દોનું મિશ્રણ પણ છે! લાગે છે કે, જરૂર આ ભાષા ઉપર આપણી ગુજરાતીની વધતી ઓછી અસર રહી હશે. અંગ્રેજીની અસર તો બધા પર જ હોય એમાં શું નવું છે?

મોટામાં મોટો ફરક એ જ કે, આપણી જેમ અહીં કોઈ વાનગી પર કોથમીર કે કોપરું કે ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવેલી દેખાઈ નહીં! વાનગીનો સ્વાદ કે દેખાવ બદલવાનો કોઈ પ્રયાસ આ લોકો કરતા નથી તે સારી વાત છે. ધારો કે, એ લોકો આપણી વાનગીઓનાં નામ સાંભળે તો એ લોકો પણ એમની ભાષામાં આવી કોઈ સરખામણી શોધવા બેસે ? કદાચ.