રવિવાર, 14 ફેબ્રુઆરી, 2016

બ્રેડ ખાવાની શરૂઆત થઈ ગઈ !

ઓછા ભારતીયો અને વધુ પરદેશી મુસાફરોને સાથે લઈને નીકળેલા ટર્કિશ એરલાઈન્સના પ્લેનમાં સમ ખાવા પૂરતો એક પણ ભારતીય કર્મચારી નહીં ! ટર્કિશ લોકો કેવા આવે તેની ઝલક અમને તો પ્લેનમાં જ મળી ગઈ. સુંદર ! અરે ફક્ત સુંદર નહીં, અતિ સુંદર ! એમના નાક–નકશા તો જાણે કુદરતે રવિવારની રજામાં નિરાંતે ઘડેલા ને ગાલનો ગુલાબી રંગ ખાસ એમના માટે જ રાખી મૂકેલો ! કવિઓને કવિતા ને વાર્તા લખનારને નાયક કે નાયિકા મળી રહે એવો નઝારો ત્યાં ઘડી ઘડી હરતોફરતો રહેતો હતો. બે ઘડી તો એવો વિચાર પણ આવી ગયો કે, એ લોકો જો કહેતે તો અમે જાતે ઊઠીને અમારાં નાસ્તા–પાણી લઈ આવતે.


ખેર, પ્લેનમાં ગમે તે સમયે બેસીએ પણ નાસ્તાની ટ્રોલી ફરવા માંડે એટલે એની મેળે જ ભૂખ લાગવા માંડે ! અમારો આખા દિવસનો થાક ને આખી રાતનો ઉજાગરો, ભૂખ આગળ હારી ગયો. બધાંને વેજ કે નૉનવેજ તે પૂછી પૂછીને આપતી જતી એર હૉસ્ટેસ અમને પણ ટ્રે આપી ગઈ. દર વખતે તો વેજ ભોજનમાં રોટલી ને મટર પનીર ને થોડો ભાત, દહીં, કચુંબર ને એકાદ મીઠાઈ હોય. સાથે આદત હોય તો ચા, કૉફી કે કોલ્ડ ડ્રિંક પણ આપી જાય. મુંબઈથી બેઠાં છીએ એટલે એટલું તો હશે જ એમ સમજીને અમે ટ્રેમાંથી એક એક પેકેટ ખોલીને જોવા માંડ્યું. એક ગોળ પૅકેટમાં લાડવા જેવું કંઈક હશે એમ સમજીને હોંશે હોંશે રૅપર ખોલ્યું તો બ્રેડ નીકળ્યું ! એ લાડવાના તાજા હોવાની તો કોઈ શક્યતા જ નહોતી એટલે એકબીજા સામે જોઈ, અમે એ લાડવાનો એક ટૂકડો દાંતોમાં દબાવી, ખેંચીને તોડી મોંમાં ઓર્યો. કોરા લાડવાને સાથ આપવા, એક ડબ્બીમાં વેંગણના ભડથાંનો સ્વાદ ધરાવતી વાનગી ઊતી તે પધરાવી. આપણને તો એવી ટેવ કે, ખાવાનું જોઈને મો’ડામાં પાણી છૂટવું જોઈએ, જોવામાં દમ નીં ઓ’ય તો સુગંધ જોરદાર ઓ’વી જોઈએ ને સુગંધ હો નીં હારી ઓ’ય, તો હવાદ તો હારો ઓ’વો જ જોઈએ કે નીં ? નીં તો મો’ડામાં પાણી કાંથી છૂટે ? ને મો’ડામાં પાણી છૂટે તો જ ખાવાનું ગરા નીચે ઊતરે કે નીં ?

એ તો હારુ કે, હાથે પાણીની નાલ્લી બાટલી આપેલી તો અમે બ્રેડ ને અમારા અરમાનોનું ભડથું ખાઈ હઈકા. જોકે, દહીં ઉતું તેમાં થોડો ભાત ને ભડથું ભેગું કરીને પેટમાં ઓરી દીધું. એક મીઠાઈનો ટૂકડો હો ઉતો, નામ કોને પૂછીએ ? ખાઈ ગીયા. હારુ લાઈગુ, કંઈક તો ખાધુંનો સંતોસ થીયો. છેલ્લે ઊંઘ નીં આવે એટલે બધાએ કૉફી પીધી. પ્લેન કંઈ ટર્કીથી આગળ તો નીકરી જવાનું નીં ઊતુ કે અમને મૂકીને હો જતું રે’વાનું નીં ઊતુ તો હો, ફરવાની પૂરેપૂરી મજા માણવાનું નક્કી કરેલુ એટલે ઊંઘને બાજુ પર ખહેડી અમે વાતે વરઈગા. બારીની બા’ર તો ખાલી વાદર જ જોવા મલવાના ઓ’વાથી ડોકા દુ:ખવવાનો કોઈ અર્થ જ નીં ઊતો. એક વાર, બે વાર કે પાંચ–દહ મિનિટ હુધી તમે વાદરને જોઈ હકો, પછી ? કંઈ નીં. ટીવીના સ્ક્રીન પર હિન્દી ફિલ્મો બતાવવાનો હો એ લોકોને કોઈ સોખ નીં ઊતો એટલે અમે નવરા જ ઊતા. તો હો થોડી થોડી વારે બતાવાતા નકસા પર નજર અટકી જતી. ‘ચાર કલાક થીયા, આટલા કિ.મી કાઈપા ને અ’વે આટલા કિ.મી. બાકી. અ’વે બે જ કલાકમાં ટર્કી !’

ખરેખર તો, ટર્કીનો પહેલો મુકામ હતો ઈસ્તન્બુલ. કોઈ એને ઈસ્તાનબુલ પણ કહે. ઓહો ! આજ સુધી જેને ઈસ્તમ્બુલથી ઓળખ્યું તે ? હવે નામની રામાયણ બધે ક્યાં માંડવી ? જેને જે કહેવું હોય તે કહે. આપણે તો સાચી જગ્યાએ પહોંચાવું જોઈએ. અમે સૌએ અમને આપવામાં આવેલા પેપર્સને ફરી તપાસ્યાં. પહેલું સ્ટૉપ ઈસ્તન્બુલ ખરું પણ ત્યાંથી અન્તાલિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ પકડીને અન્તાલિયા જવાનું. પહેલો રાત્રિ મુકામ તો અન્તાલિયામાં છે ને સફરની ખરી શરૂઆત તો ત્યાંથી થવાની છે. તો પછી ઈસ્તન્બુલ ક્યારે ? અમે સૌએ સાંભળેલો ફક્ત આ એક જ જાણીતો શબ્દ હતો. બાકી તો, અન્તાલિયા સાંભળીને, અંતે લિયા દિયા જેવું મનમાં કંઈક યાદ આવવા માંડેલું. (ખરો ઉચ્ચાર તો અન્તાલ્યા હતો તે પછીથી ખબર પડેલી. આપણે તો જે હાંભઈરુ તે ભચઈડુ.)

કોને ખબર કેમ પણ દરેક એરપોર્ટવાળા પ્લેનની બહાર નીકળીને ચાલવાનો રસ્તો ખૂ....બ લાંબો બનાવે. ચાલી ચાલીને દમ નીકળી જાય કે ઠૂસ નીકળી જાય. તેમાંય જો હૅન્ડ લગેજમાં, આરામથી મોટી બૅગની જેમ સામાન ભર્યો હોય(આપણી આદત મુજબ), તો પછી એનેય ખેંચવો ભારે પડી જાય. અમે તો પ્લેનમાંથી નીકળીને ચાલતાં... ચાલતાં... ચાલતાં...બહાર નીકળ્યાં.

મોટા પ્લેનમાંથી નીકળીને નાના પ્લેનમાં જવા માટે, મોટા એરપોર્ટથી નાના ડોમેસ્ટિક એરપોર્ટ પર અમને એક બસે પહોંચાડી દીધા. એટલી વારમાં શું બેસવાનું ? એટલે લગભગ બધાંએ ઊભા ઊભા જ નવા લોકોને જોતાં ને હૅન્ડ લગેજ સાચવતાં વાતો કર્યે રાખી. અહીં તો બધાં એકદમ અંગ્રેજ ! દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા જાતજાતના ટુરિસ્ટો, જાતજાતના નાકનકશા ને હેરસ્ટાઈલવાળા, પણ પહેરવેશ ? બધાં સરસ મજાનાં ગરમ કપડાંમાં સજ્જ. ગરમ કપડાંની અઢળક વૅરાયટી તો ત્યાં જ જોવા મળી ગઈ. અમને અફસોસ થયો. સાલું, આપણને જરા હો અંદાજ ઓ’તે કે, આ લોકો આટલા મસ્ત મસ્ત ગરમ કપડાં પે’રીને ફરતા છે તો આપણે હો થોડો ખર્ચો કરી લાખતે. પછી (દર વખતની જેમ)થીયું, જવા દો, થોડા દા’ડાને ખાતર કંઈ એટલા બધા પૈહા લખાતા ઓહે ? એટલા પૈહા એના કરતાં ફરવામાં કે સૉપિંગમાં નીં વાપરીએ ? બે સ્વેટર વધારે પે’રી લેહું કે બે સાલ વધારે ઓ’ડી લેહુ. પણ હું આપણે બધા બે બે સાલ ને બે બે સ્વટર લાવેલા છે ખરા ? મને ફાળ પડી ! શું ખરેખર આ લોકોએ પહેર્યાં છે એટલાં ગરમ કપડાંની જરૂર પડશે ? કે ફક્ત વટ મારવા, દેખાદેખી કે ચડસાચડસીમાં આ લોકો ફેશનેબલ હોવાનો દેખાવ કરે છે ?

બસમાંથી ઊતરી થોડાં જ ડગલાં ચાલી ઈસ્તન્બુલના એરપોર્ટ પર પહોંચી જવાનું હતું પણ ઠંડા પવનના સૂસવાટાએ અમારાં રૂંવાડાં ઊભા કરી દીધા ને ઠુંઠવાતાં અમે વહેલાં વહેલાં એરપોર્ટના મકાનમાં ભરાઈ ગયાં. અહીં દોઢ કલાકનું રોકાણ હતું ને પછી બીજા પ્લેનમાં અન્તાલિયા ! દોઢ કલાક પછી ફરીથી એ જ, સામાન ને ટિકિટ ને અમારું પર્સનલ ચેકિંગ ને પછી પ્લેન તરફ પ્રયાણ.
ફરી એ જ લાંબો રસ્તો ને ફરી એ જ લાઈન ને ફરી...ફરી...ફરી...પ્લેનમાં બેઠક. ફરી એ જ નાસ્તો ને કૉફી ને નાનકડા પ્લેનમાં હવાઈ સવારી. સફરનો પહેલો દિવસ ને સવારથી સાંજ હજી પ્લેનમાં જ ફરવાનું છે ! શું અન્તાલિયાના એરપોર્ટ પર પણ લાં...બું ચાલવાનું હશે ? હે ભગવાન !

12 ટિપ્પણીઓ:

  1. તમારો લેખ વાંચી પેલો શ્લોક યાદ આવી ગયો.પુન:રપિ જનનમ્, પુન:રપિ મરણમ્, પુન:રપિ જનની જઠરે શયનમ્........!એવી રીતે જાણે વિમાનની મુસાફરી!
    -બકુલા ઘાસવાલા

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. તમારી વાત એકદમ સાચી. ઘરની બા’ર નીકરીને તો જાણે ભુખાવરા થઈ જઈએ !
      આભાર.

      કાઢી નાખો
  2. excellent style of presenting very very realistic turkey travel
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  3. ટર્કી ગયા, બ્રેડ ખાતા થયા.... એ ગમ્યું.
    પણ...
    ટર્કી ના ખાવા માંડતા !!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અમારે ટર્કી ના ખાવી પડે એટલી ભાજીપાલાની વ્યવસ્થા તો એ લોકોએ રાખેલી.

      કાઢી નાખો

  4. ફરીથી ભાસા બહુ ગમી. તમે હજુ કારણ નથી આપ્યું કે ટર્કી જ કેમ ગયા હતા?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર. તમે અગાઉ વાંચ્યું હશે કે, બહેન અંજુના ગ્રૂપમાં કોઈ બહેન ટર્કી જઈ આવેલાં ને ટર્કીની જ વાતો કર્યા કરતાં હતાં ! એટલે કાં તો સ્ત્રીસહજ સ્વભાવે અથવા તો ટર્કીની વાતો સાંભળીને રહેવાયું નહીં હોય !

      કાઢી નાખો
  5. સારુ થયુ ને કલ્પનાબેન ટર્કી ગયા, આપણને એક નવી જગ્યા વિશે જાણવા મલવાનું. મજા આવે છે.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હં તે જ. અમને હો તાં ગીયા પછી જ થીયુ કે, ફેરો ફોગટ નથી થીયો.
      આભાર.

      કાઢી નાખો
  6. સડસડાટ લેખ વંચાઈ ગયો....જાતભાતના સ્વાદ સાથે...

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. વાહ સંધ્યાબેન, તમને હો આવુ ભાવે જાણી હારુ લાઈગુ.

      કાઢી નાખો