રવિવાર, 28 ફેબ્રુઆરી, 2016

ટર્કીમાં ટિપ મૂકવાની ટિપ મળી

Bahsis એ ટર્કિશ શબ્દ છે જેનો ઉચ્ચાર બહસિસ થાય જે આપણા બક્ષિસ શબ્દને મળતો આવે. બક્ષિસ શબ્દ પણ આપણો છે કે કેમ ? કારણકે અંગ્રેજો પણ બક્ષિસ બોલે ! હશે, આપણને તો બક્ષિસના અર્થ સાથે કામ. કયો શબ્દ ક્યાંથી આવ્યો તે નિરાંતે જોઈશું, હમણાં તો ફરવાની વાત. પણ બક્ષિસની યાદ કેમ આવી ? તો ભાગતી ગાડીમાં બેઠાં બેઠાં અંજુને અચાનક જ અમારી ટૂર કંડક્ટરની ટિપ યાદ આવી ગઈ.

‘ટર્કીમાં જ્યાં જાઓ ત્યાં તમારે બધાંને ટિપ આપવી પડશે. બધાંને એટલે ધારો કે, તમે એરપોર્ટ પર તમારો સામાન જાતે ન ઊંચકો ને ત્યાંના પોર્ટર પાસે ઊંચકાવો તો એને ટિપ આપજો. એમ તો બૅગ દીઠ તમારે અમુક નક્કી રકમ આપી દેવાની. પછી ટૅક્સીમાં જાઓ તો ટૅક્સીના ભાડા સિવાય પણ તમારે ડ્રાઈવરને ટિપ આપવાની. હૉટેલમાં રહો ત્યારે દરેક બિલ સિવાય વધારાની ટિપ તમારે વેઈટરને આપવાની. જો તમે બિલ સાથે ટિપ મૂકી દેશો તો એ માલિકને જશે, એટલે દરેકની ટિપ તેના હાથમાં જ આપજો. આખો દિવસ હૉટેલમાં રહો તો એક દિવસના પૈસા ત્યાંના અટેન્ડન્ટને આપવાના. દસ દિવસ રહો તો તે મુજબ ગણીને આપી દેવાના. બહાર ફરવા નીકળો ત્યારે ગાડી કે ટૅક્સીના ડ્રાઈવરને સાંજે અમુક ટિપ આપવાની ને જો ગાઈડ સાથે હોય તો તેના અલગ આપવાના.’

‘આ હિસાબે તો આપણે  રોજના કેટલા પૈહા કા’ડવા પડહે ?’
‘આપણે દરેકે અલગ આપ્પાના કે તણ્ણેવના હાથે જ આપી દેવાના ?’
‘એ તો અ’વે કંઈ ક’યલુ નીં. પણ કઈ નીં, આપી દેહું આપણી રીતે. હારુ આ તો કેટલુ મોંઘુ પડે ફરવાનું ? આપણને હું ખબર, નીં તો બીજે કેથે ફરવા જતે.’
‘અ’વે કઈ નીં, આવી ગીયા ને ? થોડા પૈહા જહે તો જહે પણ ફરવાની મજા કેટલી આવહે તે જોવાની.’
‘હારો એટલો બધો ગરીબ દેસ છે કે, વાતે વાતે ટિપ ઉઘરાવવાની વાત કરે ?’
‘એમ જોવા જઈએ તો આપણે તાં સામાન ઉંચકવાવારાને આપણે પૈહા આપતા જ છે ને ? ઓ’ટલમાં હો વેઈટરને ટિપ નથી આપતા ? ને કેથે રી’યા ઓ’ય તો હો જતી વખતે આપણે બક્સિસ આપતા જ છે ને ? હા, ટૅક્સીવારાને આપણે ભાડા સિવાય ટિપ નથી આપતા. બાકી તો, બધે હરખુ જ છે. બો કંઈ ફિકર કરવા જેવુ નથી. ને અ’વે તો ફરવા નીકઈરા પછી બે વાત નીં ચાલે.’
‘બધી વાત હાચી પણ આપણે અં’ઈયા ટર્કિસ પૈહા કા’ડવાના છે ને તે એક લીરો હો આપીએ ને તો તે’વી રૂપિયા થાય. તોણ જણના તોણ લીરા આપીએ તો હો હિત્તેર રૂપિયા થઈ જાય. આપણે તાં તો દહ કે વીહ રૂપિયા ટિપના બો થઈ ગીયા.’
‘અ’વે બધુ ગણવા બણવાનું ચક્કર છોડો ને સાંતિથી ફરવાની વાત કરો. નવ્વાણું ભઈરા તો હો હો ભરી દેહું.’

અમારી ટિપની ચર્ચા કદાચ ચાલ્યા જ કરત પણ બધાંએ મોટું મન કરીને વાત જવા દીધી ને ગાડીની બહાર જોવા માંડ્યું. વરસાદ તો ચાલુ જ હતો. શહેરના મકાનો ને દુકાનો થરથર ધ્રૂજ્યા વગર નીતરતાં ઊભેલાં. વરસાદની એમને નવાઈ નહોતી. એમ પણ વરસાદના આગમનના દિવસો નજીક જ હતા ને ઠંડા પવનોનો માર પણ એમણે સહેવાનો હતો. નજીકથી જાતજાતની સુંદર ગાડીઓ પાણીના રેલાની માફર સરસર સરી રહી હતી. આપણને પણ હવે જોકે ગાડીઓની બહુ નવાઈ ન રહે એવી ગાડીઓ શહેરોના રસ્તાઓ પર જોવા મળ્યા કરે છે ખરી. નહીં તો અમારે બાઘાની જેમ જ ગાડીઓ જોવી પડત. આહાહા ! કેવા સરસ રસ્તા ને કેવી સુંદર ગાડીઓ બોલવાના દિવસો હવે ગયા. તોય નવા શહેરનું અચરજ તો અકબંધ જ હોય ને ?

અન્તાલ્યા એટલે દુનિયાભરના ટુરિસ્ટોથી ધમધમતું શહેર. જેમ ડુંગરા પરની જગ્યાઓ હવા ખાવાની જગ્યા ગણાય તેમ દરિયાકિનારાની જગ્યાઓ ખારી હવા લેવા સાથે મોજ માણવાની જગ્યા ગણાય. આરામ કરવાથી માંડીને દરિયામાં નહાવા તેમ જ ખાસ ચામડીનો રંગ તાંબા જેવો કરવા આવનારાઓની પણ અહીં ભારે ભીડ રહે. ટર્કીનો લાંબામાં લાંબો દરિયાકિનારો હોવાના કારણે અહીં વરસ દરમિયાન લાખોની સંખ્યામાં ટુરિસ્ટોની આવનજાવન રહે છે. દરિયાઈ રમતો ને દરિયાઈ પ્રાણીઓની વાનગીઓ પણ મશહૂર છે.

આ તો પાછું ઐતિહાસિક શહેર હોવાને કારણે જાતજાતની તૂટેલી ઈમારતો કે વિશાળ બાંધકામો જોવાનું પણ લોકોને એટલું જ આકર્ષણ. અમે હાના હારુ આવેલા ? ફરવા ? તૂટેલી ઈમારતો જોવા ? સી ફૂડ ખાવા ? કે થેપલાં ખાવા ? કંઈ નીં, બસ રખડવાનો ને હાથે રે’વાનો ને નવી જગ્યા જોવાનો ને ફરવાનો આનંદ માણવા ને ટિપ આપ્પા ?

પાછી ટિપ યાદ આવી ? એ તો અમારી ઓ’ટલ આવી ગયલી ને ચાલુ વરહાદે ગાડીમાંથી વે’લ્લા વે’લ્લા ઊતરીને ઓ’ટલમાં ભરાઈ ગીયા પછી જોયું તો અમારો સામાન હો પી’લ્લાઈને ઓ’ટલમાં આવતો ઊતો.. ને પેલા બુઢ્ઢાકાકા બિચારા ગાડી લઈને જવાની તીયારીમાં ઊતા.–ટિપ માઈગા વગર ! એ જોઈ અમે બધાએ હાથે જ શીસ્ શીસ્ ઈસારા કરીને એમને બોલાઈવા ને એમને તણ લીરા આપી દીધા. એ અમારી પે’લ્લી ટિપ !

ટિપ લેતી વખતના એમના ચહેરાના એ હાવભાવ હજીય બરાબર યાદ છે. ત્યારે અમને સમજાયું ટિપનું રહસ્ય. હવે વાંધો નહીં. દિલ ખોલીને ટિપ આપશું. ચાલો હૉટેલમાં બધી વિધી પતાવી રૂમમાં ભાગો ને ફ્રેશ થઈ પહેલાં ગરમ ગરમ ચાની વ્યવસ્થા કરો. હવે ગુજરાતી બોલવા ને સમજવાવાળા અમે ત્રણ જ હતાં. ને અહીં રિસેપ્શનિસ્ટ સિવાય કોઈ ગુજરાતી તો શું ઈંગ્લિશ પણ નહોતું બોલતું ! હવે ? જોકે, રૂમની ચાવી લેતી વખતે અમે પેલી સુંદર રિસેપ્શનિટથી પૂરેપૂરા અંજાઈ ચૂકેલાં. એ છોકરી જેટલી સુંદર હતી એટલી જ એ મીઠા અવાજની માલકિન હતી. કોઈ અદેખાઈથી નહીં પણ કવિ ન હોવાના અફસોસ સાથે મને એ છોકરીની સુંદરતાનું વર્ણન ન કરી શકવાનો અફસોસ રહેશે. બસ, અમે ત્રણેએ એકબીજાને એટલું જ કહ્યું કે, ‘કેટલી મસ્ત દેખાય છે ને ? ખાલી સિરિયસ રે’તી છે એટલું જ. બાકી, જરા સ્માઈલ હો આઈપા કરે તો વધારે હારી દેખાય. મેક અપ હો હું કરવા કઈરો ઓહે ? આમ જ કેટલી ફાઈન દેખાતી છે.’ પછી અમે જ એના તરફથી વકીલાત હો કરી ! ‘એ તો એને સરદી થયલી ઊતી તે જોયુ કે નીં ? આખો ટાઈમ ટિસ્યૂ લઈને નાક પકઈડા કરતી ઊતી.’

પારૂલે અમારા જ્ઞાનમાં પૂર્તિ કરી. ‘અરે, ટર્કિસ લોકો તો બો મસ્ત દેખાય. એ લોકો તો મધ્ય એસિયા ને ગ્રીક ને રોમના લોકોની અસરવારા એટલે બધા બો મસ્ત જ દેખાય. આપણે તાંના હીરો ને હીરોઈનો હું દેખાતા ઉતા! અમથી જ ઉસિયારી માઈરા કરે કે, ફલાણી હીરોઈન દુનિયામાં આટલા નંબરે આવી ને તેટલા નંબરે આવી. અં’ઈ તો એકએકથી ચ’ડે એવી મિસ વર્લ્ડ જ દેખાયા કરહે જોજો નીં.’ અમે આજુબાજુ નજર દોડાવી તો ત્યાં હૉટેલના યુનિફોર્મમાં ફરતા ટર્કિશ છોકરાઓ ને દરવાજે ઊભેલો દરવાન પણ અમને તો કપૂર ખાનદાનનો લાગ્યો ! કરીના કપૂર જો અહીં હોત તો એ પણ પેલી છોકરીને સામેથી સ્માઈલ આપવા જાત !

‘આપણે જતી વખતે આને હો ટિપ આપ્પી પડહે ?’ મેં પૂઈછુ.
‘ના રે, આને હું કરવા ? કોઈ દા’ડો કોઈ રિસેપ્શનિસ્ટને ટિપ આપે કે ? બો હારી દેખાય એટલે ફેહલાઈ નીં જવાનુ હું ?’ 
મને એ નીં હમજાયુ કે, એમાં મેં હું ક’ઈ લાઈખુ જે, કે મારી બેનો મારા પર તૂટી પડી ? ઓહે, જવા દેઓ.
અમે રૂમમાં પોં’ઈચા.

વિનંતી : આના પછીનો લેખ, ‘ટર્કીમાં બત્રીસ ભોજન ને તેત્રીસ પકવાન’ અગાઉ બ્લૉગ પર મૂક્યો હોવાથી, સાઈડ બારમાં ૧૭ જાન્યુઆરીનો લેખ જોઈ લેશો. ખાન હૉટેલમાં અમને પહેલા જ દિવસે મળેલા અફલાતૂન ભોજનની એમાં રસભરી કહાણી છે. 
                                                                                                                                                     



રવિવાર, 21 ફેબ્રુઆરી, 2016

અન્તાલ્યા એરપોર્ટ પર ગરબડ

વેજ નૉનવેજનું ચક્કર તો હજી શરૂ થયું હતું ને અમે પહેલા જ ચક્કરમાં ફસાઈ ગયેલાં. આવી ડોમેસ્ટિક ફ્લાઈટમાં તો ભાઈ ચોવીસ કલાક આગળથી જણાવી દેવાનું કે, અમે વી આઈ પી છીએ ને અમને તો શાકાહારી નાસ્તો જ મળવો જોઈએ. (એવું પેલી એર હૉસ્ટેસે કહેલું.) અમે દોઢ કલાકની ફ્લાઈટમાં શું ખાઈએ ? એરપોર્ટ પર બે કલ્લાક બેઠેલા ત્યારે થેપલાં ને ખજૂરપાક આરોગીને બેઠેલાં એટલે ભૂખ તો નહોતી પણ પ્લેનનો નાસ્તો એમ જ જવા દેવાનો ? મન મનાવીને  અમે બ્રેડ–બટર ને કૉફીનો આનંદ લીધો. ‘મને તો બ્રેડ બો ભાવે’, એવા ભાવથી ખાહું તો બ્રેડ હો ઘીમાં બોરેલી રોટલી જેવી જ લાગહે એવું અમે અંદરઅંદર હમજી લીધું. મને તો, ગાલિબસાહેબની યાદ આવી ગઈ, ‘દિલકો બહેલાનેકે લિયે ગાલિબ યે ખયાલ અચ્છા હૈ...’ સફરમાં તો એવું કે, જાતજાતનું સફર કરતાં કરતાં ક્યારે કોની યાદ આવી જાય તે કંઈ કે’વાય નીં.


ખેર, દોઢ કલાકની જ મુસાફરી ઉતી એટલે ચલાવી લીધું બાકી તો, એ પ્લેનમાં બો હાંકડ લાગતી ઉતી ! પેલા પ્લેન જેવી આરામથી અ’રાય ફરાય તેવી જગા નીં ! જોકે, આપણે પ્લેનમાં કંઈ ફરવા કે રમ્મા થોડા આવેલા ઉતા ? બધે આરામથી પો’રા થઈને બેહવાનું જોઈએ તે આવી પાંહે પાંહે સીટ ને નાલ્લા પ્લેનમાં હો બધી હગવડ હોધવા બેઠા. આપણો સભલો જ નીં હારો. બસ ને ટ્રેનની લાઈન ને ધક્કામુક્કી કેમ ભૂલી ગીયા ? ઓહે, ચાલો જવા દેઓ. વરી અન્તાલ્યા તરફ ગતિ કરો. અન્તાલ્યા આવવાની જાહેરાતે બધાના તો ખબર નીં પણ અમારા જીવમાં જીવ આઈવો ને અમે હાદાહીધા ને નાલ્લા એરપોર્ટની વિધિ પતાવ્વા લાઈનમાં ગોઠવાયા.

આ એરપોર્ટ પર હો કસ્ટમની બધી વિધીઓ પતાવતા થોડો ટાઈમનો ભોગ આપ્પો પઈડો. આમ તો તાં કોઈએ કોઈ ધાડ મારવાની નીં ઉતી પણ મુસાફરીથી થાકેલા ને ઓ’ટલ કે ઘેરે પોં’ચવાની ઉતાવરવારા પેસેન્જરોને છેલ્લા છેલ્લા ચેકિંગનો કંટારો આવે તે સ્વાભાવિક છે. અમારો સામાન ચેક થઈ ગીયો ને મારી બે બે’નો હો એ’મખેમ સિગ્નલ ક્રોસ કરી ગઈ પણ મારી હાથે જ કોને ખબર કસ્ટમવારાને હું વેર કે, જ્યારે જ્યારે મારું ચેકિંગ થાય કે મારો સામાન સ્કેનરમાંથી નીકરે કે એક વાર તો ટીટ્ ટીટ્ કે પીપ્ પીપ્ અવાજ આવવો જ જોઈએ. મને ઓછામાં ઓછી તણ વાર સિગ્નલના દરવાજાની આરપાર કરાવીને આખરે છોડી ત્યારે જવા દીધી. એ લોકોને મસીન પર વિશ્વાસ એટલો માણહ પર નીં મલે ! તેમાં હો, પરદેસીઓ પર તો બિલકુલ નીં. બાકી અમારા તણ્ણેવમાંથી એકુનો હો ચે’રો ખૂંખાર કે આતંકવાદી કે ચોર જેવો નીં લાગતો ઉતો તેની અમને ખબર ઉતી. જોકે, દરેક સજ્જન દેખાતા ચે’રા સાહુકાર નીં ઓ’ય તે જગજાહેર વાત છે એટલે મારી જગ્યાએ બીજા કોઈને હો એ લોકો ચાહે તો દહ વાર સિગ્નલની આરપાર દોડાવી હકે. અમે તણ્ણેવ એકબીજાની હામે જોઈ ઓહતા ઓહતા સામાન લઈ ચાલતા થીયા.

હૅન્ડબૅગને ટ્રોલીમાં મૂકી એક વાર પર્સ ને પાસપોર્ટ તરફથી સબ સલામતનું સિગ્નલ મલતા અમે દરવાજા તરફ વઈરા. કાચની પેલે પાર પવનનું જોર ને વરહાદના ઝાપટાની અસર દેખાતી ઉતી. બાપ રે ! અન્તાલ્યા આવતાની હાથે જ ગરમાગરમ સ્વાગતને બદલે અમારું ઠંડુ, થથરાવતું ને ગભરાવતું સ્વાગત ? ગરમ કપડા ને છત્રી તો બધાની બૅગમાં ગોઠવાયલા, અ’વે ? અમારા તો અ’લકાફુલકા ગરમ કપડાં ઉતા જેનાથી આ પવનના સુસવાટાનો સામનો થવાનો નીં ઉતો. જોકે, અમને લેવા તો ગાડી આવ્વાની જ ઉતી ને તે તો દરવાજાની હામે આવે ત્યારે જ બા’ર નીકરીને ગાડીમાં ભરાઈ જવાનું ઉતુ, એટલે બો ચિંતા કરવા જેવી નીં ઉતી. પણ એના હારુ બા’ર જવુ તો જરૂરી ઉતું. ખબર કેમ પડે કે, અમને લેવા કોણ આઈવુ છે ? આખરે અમે ઠંડીનો સામનો કરતા, થોડું ઘણું ધ્રૂજતા ને બા’ર થોડે દૂર બધાના નામના પાટિયા લઈને ઊભેલા લોકો તરફ જોઈ, નામ વાંચતાં વાંચતાં ફરવા માઈન્ડુ. અફસોસ ! કોઈના આ’થમાં અમારા નામનું પાટિયું જ નીં મલે ! અ’વે ?

અમારી પાછળ તો ટુરિસ્ટોનો ધસારો બા’ર નીકરવો ચાલુ જ ઉતો એટલે અમે એક તરફ ઊભા ર’ઈ ગીયા. અમારી આજુબાજુ ટૅક્સીવારા ને પ્રાયવેટ કારવારા હો થોડા લોકો ઊભેલા. અમારે તો એ લોકો હાથે વાતચીત કરવી ઉતી ને પૂછવું ઉતુ કે, તમે કોઈએ અમારી ગાડીના ડ્રાઈવરને જોયો ? અથવા તો, અમને તણ બે’નોને લેવા કોઈ આઈવુ ઓ’ય એવું ધ્યાનમાં છે ? પણ એ લોકોને ઈંગ્લિસના ફાંફાં ઉતા. કોને પૂછીએ ? એવામાં યાદ આઈવુ કે, અમારી પાંહે તો કાગળમાં બધા નંબર છે તેના પર ફોન કરીને જાણી લેઓ, સિમ્પલ. આ ધ્રુજાવતી ઠંડીમાં તો વિચારો હો ઠૂંઠવાઈ જાય કે હું? કંપનીની ઓફિસે ફોન કઈરો તો એમણે જણાઈવુ કે, ડ્રાઈવર તો ક્યારનો તાં જ છે. અમારી ના હાંભરીને એ ભાઈએ ડ્રાઈવરને ફોન લગાઈવો કે ડ્રાઈવર પાંચ મિનિટમાં દોડતો દોડતો અમારી પાંહે આવી ઊભો. બિચારો બુઢ્ઢો ડ્રાઈવર ક્યારનો છેલ્લા દરવાજે અમારી રાહ જોતો ઉતો ને અમે પે’લ્લા દરવાજે એની રાહમાં ઊભેલા! ઝરમર વરસાદ ને ઠંડા પવનની મજા લેતાં અમે વે’લ્લા વે’લ્લા ચાલવા માઈન્ડુ ગાડી તરફ. ઓહો ! ગાડી હો કેટલી દૂર પાર્ક કરેલી ! ભઈ, આ એરપોર્ટ ઉતું કંઈ બસસ્ટૉપ કે ટ્રેનનું સ્ટેસન થોડું ઉતું કે, દરવાજાની હામે જ પાર્કિંગની સગવડ મલે ?

એક મોટી મર્સિડિસ વૅનમાં અમે સામાન હાથે ગોઠવાયા ને બીજા હાથેવારા પ્રવાસીઓની રાહ જોવા માંડી પણ પેલા કાકાએ તો બેહતાની હાથે જ ગાડી ચલાવી મૂકી ને એરપોર્ટની બા’ર નીકરતા જ ભગાવવા માઈન્ડી ત્યારે ખબર પડી કે, અમે તણ સાહી મે’માન ઉતા આટલી મોટી વૅનમાં ! વાહ ભઈ, સરૂઆત તો હારી થઈ. ભાસાની દરિદ્રતાને કારણે ડ્રાઈવરદાદા હાથે અમારી કોઈ વાત નીં થઈ–એક અક્સરની હો નીં. હું આખા ટર્કીમાં આવી રીતે ફરવાનું છે ? લોકો હાથે વાત કઈરા વગર કેમ ચાલહે ? ને તે હો અમને તણ તણ જણને ? જોઈએ તો ખરા આગળ હું ખેલ થતા છે !

રવિવાર, 14 ફેબ્રુઆરી, 2016

બ્રેડ ખાવાની શરૂઆત થઈ ગઈ !

ઓછા ભારતીયો અને વધુ પરદેશી મુસાફરોને સાથે લઈને નીકળેલા ટર્કિશ એરલાઈન્સના પ્લેનમાં સમ ખાવા પૂરતો એક પણ ભારતીય કર્મચારી નહીં ! ટર્કિશ લોકો કેવા આવે તેની ઝલક અમને તો પ્લેનમાં જ મળી ગઈ. સુંદર ! અરે ફક્ત સુંદર નહીં, અતિ સુંદર ! એમના નાક–નકશા તો જાણે કુદરતે રવિવારની રજામાં નિરાંતે ઘડેલા ને ગાલનો ગુલાબી રંગ ખાસ એમના માટે જ રાખી મૂકેલો ! કવિઓને કવિતા ને વાર્તા લખનારને નાયક કે નાયિકા મળી રહે એવો નઝારો ત્યાં ઘડી ઘડી હરતોફરતો રહેતો હતો. બે ઘડી તો એવો વિચાર પણ આવી ગયો કે, એ લોકો જો કહેતે તો અમે જાતે ઊઠીને અમારાં નાસ્તા–પાણી લઈ આવતે.


ખેર, પ્લેનમાં ગમે તે સમયે બેસીએ પણ નાસ્તાની ટ્રોલી ફરવા માંડે એટલે એની મેળે જ ભૂખ લાગવા માંડે ! અમારો આખા દિવસનો થાક ને આખી રાતનો ઉજાગરો, ભૂખ આગળ હારી ગયો. બધાંને વેજ કે નૉનવેજ તે પૂછી પૂછીને આપતી જતી એર હૉસ્ટેસ અમને પણ ટ્રે આપી ગઈ. દર વખતે તો વેજ ભોજનમાં રોટલી ને મટર પનીર ને થોડો ભાત, દહીં, કચુંબર ને એકાદ મીઠાઈ હોય. સાથે આદત હોય તો ચા, કૉફી કે કોલ્ડ ડ્રિંક પણ આપી જાય. મુંબઈથી બેઠાં છીએ એટલે એટલું તો હશે જ એમ સમજીને અમે ટ્રેમાંથી એક એક પેકેટ ખોલીને જોવા માંડ્યું. એક ગોળ પૅકેટમાં લાડવા જેવું કંઈક હશે એમ સમજીને હોંશે હોંશે રૅપર ખોલ્યું તો બ્રેડ નીકળ્યું ! એ લાડવાના તાજા હોવાની તો કોઈ શક્યતા જ નહોતી એટલે એકબીજા સામે જોઈ, અમે એ લાડવાનો એક ટૂકડો દાંતોમાં દબાવી, ખેંચીને તોડી મોંમાં ઓર્યો. કોરા લાડવાને સાથ આપવા, એક ડબ્બીમાં વેંગણના ભડથાંનો સ્વાદ ધરાવતી વાનગી ઊતી તે પધરાવી. આપણને તો એવી ટેવ કે, ખાવાનું જોઈને મો’ડામાં પાણી છૂટવું જોઈએ, જોવામાં દમ નીં ઓ’ય તો સુગંધ જોરદાર ઓ’વી જોઈએ ને સુગંધ હો નીં હારી ઓ’ય, તો હવાદ તો હારો ઓ’વો જ જોઈએ કે નીં ? નીં તો મો’ડામાં પાણી કાંથી છૂટે ? ને મો’ડામાં પાણી છૂટે તો જ ખાવાનું ગરા નીચે ઊતરે કે નીં ?

એ તો હારુ કે, હાથે પાણીની નાલ્લી બાટલી આપેલી તો અમે બ્રેડ ને અમારા અરમાનોનું ભડથું ખાઈ હઈકા. જોકે, દહીં ઉતું તેમાં થોડો ભાત ને ભડથું ભેગું કરીને પેટમાં ઓરી દીધું. એક મીઠાઈનો ટૂકડો હો ઉતો, નામ કોને પૂછીએ ? ખાઈ ગીયા. હારુ લાઈગુ, કંઈક તો ખાધુંનો સંતોસ થીયો. છેલ્લે ઊંઘ નીં આવે એટલે બધાએ કૉફી પીધી. પ્લેન કંઈ ટર્કીથી આગળ તો નીકરી જવાનું નીં ઊતુ કે અમને મૂકીને હો જતું રે’વાનું નીં ઊતુ તો હો, ફરવાની પૂરેપૂરી મજા માણવાનું નક્કી કરેલુ એટલે ઊંઘને બાજુ પર ખહેડી અમે વાતે વરઈગા. બારીની બા’ર તો ખાલી વાદર જ જોવા મલવાના ઓ’વાથી ડોકા દુ:ખવવાનો કોઈ અર્થ જ નીં ઊતો. એક વાર, બે વાર કે પાંચ–દહ મિનિટ હુધી તમે વાદરને જોઈ હકો, પછી ? કંઈ નીં. ટીવીના સ્ક્રીન પર હિન્દી ફિલ્મો બતાવવાનો હો એ લોકોને કોઈ સોખ નીં ઊતો એટલે અમે નવરા જ ઊતા. તો હો થોડી થોડી વારે બતાવાતા નકસા પર નજર અટકી જતી. ‘ચાર કલાક થીયા, આટલા કિ.મી કાઈપા ને અ’વે આટલા કિ.મી. બાકી. અ’વે બે જ કલાકમાં ટર્કી !’

ખરેખર તો, ટર્કીનો પહેલો મુકામ હતો ઈસ્તન્બુલ. કોઈ એને ઈસ્તાનબુલ પણ કહે. ઓહો ! આજ સુધી જેને ઈસ્તમ્બુલથી ઓળખ્યું તે ? હવે નામની રામાયણ બધે ક્યાં માંડવી ? જેને જે કહેવું હોય તે કહે. આપણે તો સાચી જગ્યાએ પહોંચાવું જોઈએ. અમે સૌએ અમને આપવામાં આવેલા પેપર્સને ફરી તપાસ્યાં. પહેલું સ્ટૉપ ઈસ્તન્બુલ ખરું પણ ત્યાંથી અન્તાલિયાની ડોમેસ્ટિક ફ્લાઈટ પકડીને અન્તાલિયા જવાનું. પહેલો રાત્રિ મુકામ તો અન્તાલિયામાં છે ને સફરની ખરી શરૂઆત તો ત્યાંથી થવાની છે. તો પછી ઈસ્તન્બુલ ક્યારે ? અમે સૌએ સાંભળેલો ફક્ત આ એક જ જાણીતો શબ્દ હતો. બાકી તો, અન્તાલિયા સાંભળીને, અંતે લિયા દિયા જેવું મનમાં કંઈક યાદ આવવા માંડેલું. (ખરો ઉચ્ચાર તો અન્તાલ્યા હતો તે પછીથી ખબર પડેલી. આપણે તો જે હાંભઈરુ તે ભચઈડુ.)

કોને ખબર કેમ પણ દરેક એરપોર્ટવાળા પ્લેનની બહાર નીકળીને ચાલવાનો રસ્તો ખૂ....બ લાંબો બનાવે. ચાલી ચાલીને દમ નીકળી જાય કે ઠૂસ નીકળી જાય. તેમાંય જો હૅન્ડ લગેજમાં, આરામથી મોટી બૅગની જેમ સામાન ભર્યો હોય(આપણી આદત મુજબ), તો પછી એનેય ખેંચવો ભારે પડી જાય. અમે તો પ્લેનમાંથી નીકળીને ચાલતાં... ચાલતાં... ચાલતાં...બહાર નીકળ્યાં.

મોટા પ્લેનમાંથી નીકળીને નાના પ્લેનમાં જવા માટે, મોટા એરપોર્ટથી નાના ડોમેસ્ટિક એરપોર્ટ પર અમને એક બસે પહોંચાડી દીધા. એટલી વારમાં શું બેસવાનું ? એટલે લગભગ બધાંએ ઊભા ઊભા જ નવા લોકોને જોતાં ને હૅન્ડ લગેજ સાચવતાં વાતો કર્યે રાખી. અહીં તો બધાં એકદમ અંગ્રેજ ! દુનિયાના ખૂણે ખૂણેથી આવેલા જાતજાતના ટુરિસ્ટો, જાતજાતના નાકનકશા ને હેરસ્ટાઈલવાળા, પણ પહેરવેશ ? બધાં સરસ મજાનાં ગરમ કપડાંમાં સજ્જ. ગરમ કપડાંની અઢળક વૅરાયટી તો ત્યાં જ જોવા મળી ગઈ. અમને અફસોસ થયો. સાલું, આપણને જરા હો અંદાજ ઓ’તે કે, આ લોકો આટલા મસ્ત મસ્ત ગરમ કપડાં પે’રીને ફરતા છે તો આપણે હો થોડો ખર્ચો કરી લાખતે. પછી (દર વખતની જેમ)થીયું, જવા દો, થોડા દા’ડાને ખાતર કંઈ એટલા બધા પૈહા લખાતા ઓહે ? એટલા પૈહા એના કરતાં ફરવામાં કે સૉપિંગમાં નીં વાપરીએ ? બે સ્વેટર વધારે પે’રી લેહું કે બે સાલ વધારે ઓ’ડી લેહુ. પણ હું આપણે બધા બે બે સાલ ને બે બે સ્વટર લાવેલા છે ખરા ? મને ફાળ પડી ! શું ખરેખર આ લોકોએ પહેર્યાં છે એટલાં ગરમ કપડાંની જરૂર પડશે ? કે ફક્ત વટ મારવા, દેખાદેખી કે ચડસાચડસીમાં આ લોકો ફેશનેબલ હોવાનો દેખાવ કરે છે ?

બસમાંથી ઊતરી થોડાં જ ડગલાં ચાલી ઈસ્તન્બુલના એરપોર્ટ પર પહોંચી જવાનું હતું પણ ઠંડા પવનના સૂસવાટાએ અમારાં રૂંવાડાં ઊભા કરી દીધા ને ઠુંઠવાતાં અમે વહેલાં વહેલાં એરપોર્ટના મકાનમાં ભરાઈ ગયાં. અહીં દોઢ કલાકનું રોકાણ હતું ને પછી બીજા પ્લેનમાં અન્તાલિયા ! દોઢ કલાક પછી ફરીથી એ જ, સામાન ને ટિકિટ ને અમારું પર્સનલ ચેકિંગ ને પછી પ્લેન તરફ પ્રયાણ.
ફરી એ જ લાંબો રસ્તો ને ફરી એ જ લાઈન ને ફરી...ફરી...ફરી...પ્લેનમાં બેઠક. ફરી એ જ નાસ્તો ને કૉફી ને નાનકડા પ્લેનમાં હવાઈ સવારી. સફરનો પહેલો દિવસ ને સવારથી સાંજ હજી પ્લેનમાં જ ફરવાનું છે ! શું અન્તાલિયાના એરપોર્ટ પર પણ લાં...બું ચાલવાનું હશે ? હે ભગવાન !

રવિવાર, 7 ફેબ્રુઆરી, 2016

એરપોર્ટ સુધી કેમ પહોંચવું ?

મુંબઈ અંજુને ત્યાં ગુરુવારે સાંજ સુધીમાં પહોંચવું જરૂરી હતું કારણકે બરાબર અર્ધી રાત્રે અમારે અમારા પ્રવાસસ્થળ ટર્કીને ખાતર ઘર છોડવાનું હતું. મળસ્કે સાડા પાંચે તો અમે ટર્કી માટે હવામાં ઊડવાનાં હતાં. અમે સુરતથી નીકળ્યાં કે અંજુનો ફોન આવ્યો, ‘હાંજના પિક્ચરની આપણી ટિકિટ બુક કરાવું ?’

‘પિક્ચર ?’ અમારા બંનેના મોંમાંથી આશ્ચર્ય ડોકાયું.
‘અરે, બો મસ્ત પિક્ચર છે. મારું જોવાનું બાકી જ છે. ને કાલે સુક્કરવારે તો નવું પિક્ચર પડહે, તો ઉં તો જોવાની જ ર’ઈ જવા. તમે આવતા જ છે તો આપણે હાથે જ જોઈ લાખીએ.’
‘ખરી છે આ તો ! કંઈ થાક બાક લાગે કે નીં ? આપણે ક્યારે પોં’ચહું તે કઈ નક્કી નીં ને મોડા બોડા પઈડા તો ટિકિટના પૈહા જહે. પાછું આખી રાતનો હો ઉજાગરો જ થવાનો છે, તાં વરી પિક્ચર જોઈને વધારે થાકવાના ? એના કરતા ઘેરે જ આરામ કરહું.’ મેં ને પારૂલે સરખો અભિપ્રાય દર્શાવ્યો પણ અંજુના આગ્રહ આગળ અમે હારી ગયાં. દર સુક્કરવારે પિક્ચર જોય તો જ કંઈ સુક્કરવાર વરે એવું ? કોણ જાણે. શોખની વાત છે ભાઈ.

પ્રવાસના મૂળ સ્થળે પહોંચવા પહેલાં દર વખતે નાના નાના બે ત્રણ પ્રવાસો મારે કરવા પડે. ઉચ્છલથી સુરત કે ઉચ્છલથી મુંબઈ જવા માટે ટ્રેન, બસ કે ટૅક્સીમાં ને ત્યાંથી એરપોર્ટ ને પછી જેની આતુરતાથી રાહ જોઈ હોય કે જ્યાં પહોંચવા માટેની બધી તૈયારીઓ કરી હોય તે દેશ કે શહેર. જેટલું બોલવાનું કે વિચારવાનું સહેલું લાગે એવું કદીય મારે તો હોતું નથી કે બનતું નથી. તેમાંય મારે તો એરપોર્ટ સાથે પહેલેથી જ કોઈ અજબ લેણાદેણી છે, તે નાના મોટા ગોટાળા કર્યા સિવાય મને એરપોર્ટ છોડવાનું ગમે નહીં. જો સામાન ને હું પોતે સિક્યોરિટી ચેકિંગમાંથી હેમખેમ બહાર નીકળી ગયાં તો મને પોતાને નવાઈ લાગે. ના ના, આ લોકોની કંઈક ભૂલ થાય છે. મારા સ્વભાવ મુજબ જરૂર મારા પર્સમાં કે મારી બૅગમાં નક્કી કંઈક તો રહી જ ગયું હશે. મારી સાથેવાળાં પણ હવે તો મારો ઈતિહાસ જાણતાં થઈ ગયેલાં, એટલે મને પૂછે, ‘કંઈ ના નીકળ્યું ? એવું કઈ રીતે બને ?’

જોકે, આ સારી કહેવાતી વાતમાં મારાથી પેલા સિક્યોરિટીવાળાને જઈને એમ થોડું કહેવાય કે, ‘મૅડમ /સર, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. મારી બૅગ ને પર્સ બરાબર તપાસો. કંઈક તો મળી જ જશે.’ આ વખતે તો બંને બહેનોએ મને દસ વાર યાદ કરાવેલું, ‘મે’રબાની કરીને તું કાતર કે સોય કે સેફ્ટીપિન હો નો લેતી. અમે બધું જ લીધું છે. મહેરબાની કરીને તું કસ્ટમમાંથી હેમખેમ નીકરી જજે. પછી ટર્કી તો આરામથી પોં’ચી જહું.’ મેં બહુ સાવધાની રાખીને બૅગ ને પર્સ તૈયાર કરેલાં. સાંજે અમે મુંબઈ પહોંચી ચા નાસ્તો કર્યો કે, પિક્ચરનો ટાઈમ થઈ ગયો ! એ દરમિયાન સતત દરેક ઘરનાં બધાંના ફોન ચાલુ જ હતા. ‘પોં’ચી ગીયા ? અ’વે આરામ કરીને તમારો સામાન, ટિકિટ, પૈહા ને પ્લેનનો ટાઈમ વગેરે એક વાર ચેક કરી લેઓ. પછી સાંતિથી નીકરો ને થોડી ઊંઘ કા’ડી લેજો બધા એટલે બો થાક નીં લાગે.’
‘અમે તો પિક્ચર જોવા ચાઈલા.’ અમે ધડાકો કર્યો.
‘ખરા ભઈ ! તમે લોકો હો પિક્ચર જોયા વગર હું ર’ઈ ગયલા જે ? કંઈ તમારા બધાની ઉંમર બુંમર જોવાની કે નીં ? થાકહો બરાબરના. અ’જુ હો માંડી વારો ને હૂઈ જાઓ જરા વાર.’

અમે તો હા હા કહીને ફોન મૂકી દીધો ને પિક્ચર જોઈને બહાર જમીને નિરાંતે ઘરે પહોંચ્યાં. ‘આ લોકોને કંઈ હમજ જ નીં પડે. આપણી ઉંમર થઈ ગઈ ? હંહ ! આપણા કરતા હો કેટલી ડોહી ડોહી, કાં કાં જાય ને એખલી એખલી ફરે તેની એ લોકો જ આપણને વાત કરતા ઑય ને આજે આ લોકો જ આપણને સલાહ આપ્પા બેઠા. આવી આઝાદી, આવી મોજમસ્તી આપણે કાં ઘડી ઘડી માણવાનાં ? તણ બહેનો ભેગી થયલી છે તો અમારી મરજી થાય તેમ કરીએ. અ’વે આવી બધી સલાહ આપ્પા ફોન નીં કરતા બાપા.’ અમે ત્રણે બબડાટ કર્યો.

‘આપણે હૂવુ નથી હં. ભૂલમાં જો બધા જ હૂઈ ગીયા ને તો જઈ રી’યા ટર્કી.’ અમે જાગવાનું જ રાખ્યું ને ફરી એક વાર બધાં બૅગ ખોલીને બેઠાં. મૂળ વાત હતી પૈસાની વહેંચણીની. ટર્કી જઈને રૂપિયા પૈસાને ભૂલી જવાનાં હતાં. ત્યાં તો યુરો ને લીરા ચાલે. બધાંએ પર્સમાં ખપ પૂરતું ને હૅન્ડબૅગમાં નવું ચલણ ગણીને મૂકી દીધું. હવે પાછાં ફરીએ ત્યાં સુધી જીવની જેમ આ બે વસ્તુ સાચવવાની હતી. એક યુરો જો ખોવાયો તો સિત્તેર રૂપિયા ખોવાયાનો અફસોસ કરવો પડે ! ના ના, બહુ ગણી ગણીને યુરો વાપરવા પડશે નહીં તો, આપણા લીરેલીરા ઊડી જશે.

અચાનક મારું ઘડિયાળ પર ધ્યાન ગયું, ‘ઓ..અઢી વાગી ગીયા ! ને અ’જુ ડ્રાઈવર હો નીં આઈવો.’ અઢી ત્રણ વાગ્યે ઘરેથી નીકળવાનું હતું પણ ડ્રાઈવરનો પત્તો ન હતો. ઘરે જઈ આવું, કહીને ગયેલો તે નક્કી સૂઈ જ ગયો હશે. હવે ? એનો ફોન પણ બંધ. અમારી હાહાઠીઠીમાં સોપો પડી ગયો. હવે ? ટૅક્સીમાં આ ટાઈમે એકલાં નીકળવાનું જોખમ લેવાનું ? બધાંની બૅગમાં જોખમ ને જાય તો બધાના પાસપોર્ટની સાથે જીવ પણ જાય ! હવે ?
‘ડ્રાઈવરને જવા જ નીં દેવાનો ઉતો.’ મેં સલાહ ચાલુ કરી.
‘હં ને, તે જ ને.’ પારૂલની ટાપસી આવી.
‘હા, મને હો થતુ છે અ’વે કે નીં જવા દેતે તો ચાલતે. અં’ઈ જ હૂઈ રે’તે તે હો ચાલતે. એણે કીધુ કે, બેન ચિંતા નો કરો, ઉં આવી રે’વા. એટલે મેં વરી એને જવા દીધો.’
અંજુ નર્વસ થઈ ગઈ. થોડી વાર પહેલાંની બધી મજાકમસ્તી પર રાહ જોવાની ઘડીઓ પથરાઈ વળી. એવામાં બારણે બેલ વાગી ને પાટિલભાઈ પધાર્યા. હાશ !

‘ચાલ ભાઈ ચાલ, આપણો ટાઈમ થઈ ગ્યો.’ અમે પાટિલને ગભરાવ્યો.
‘બેન, ટૅક્સી નહીં મિલા તો મૈં તો ચલકે આયા.’ ઓહ ! બિચારાએ કેવી રીતે ફરજ નિભાવી ? ધન્ય છે.
‘અરેરે ! સૉરી ભાઈ, લેકિન અબ જલ્દી ચલો. અપના ટાઈમ હો ગયા હૈ હં !’
અમારો સંઘ ઉપડ્યો એરપોર્ટ તરફ. એરપોર્ટ પર વહેલાં વહેલાં સામાન સરકાવતાં પહોંચ્યાં લાઈનમાં. કોઈ ખાસ માથાકૂટ વગર સૌનો સામાન ને અમે સૌ, બધા અંતરાયો વટાવીને હેમખેમ બધી પરીક્ષાઓમાંથી પાસ થઈને નીકળી ગયાં. હા....શ ! મનોમન ગંગાસ્નાન.

ત્રણેય એકલાં જ ને પહેલી જ વાર આ રીતે વિદેશપ્રવાસે નીકળેલાં ! અજાણી ભૂમિ ને અજાણ્યાં લોકો ! ત્યાં કોણ મળશે ? લોકો કેવાં હશે ? વાતાવરણ કેવું હશે ? ઠંડી વધારે હશે ? વરસાદ તો અમારી મજા નહીં બગાડે ને ? હજી થોડા દિવસ પહેલાં જ ત્યાંના એક શહેર પર બૉંબમારો થયેલો. અમને તો કંઈ નહીં થાય ને ? બીજું તો ઠીક, ફરવાનું રહી જશે ને આટલા દિવસોની બધી તૈયારીઓ ફોગટ જશે. પૈસા પડી જશે ને ઘરનાં બધાં મશ્કરી કરશે તે અલગ !

ચાલો જવા દો, બધી ચિંતા છોડો ને જે થવાનું હોય તે થવા દો. આમેય પ્રવાસે જ નીકળ્યાં છીએ ને ? તો પછી જોખમથી કેમ ડરવાનું ? બધા અનુભવો લેવાના. આરામથી તો ઘરમાં બેસીએ જ છીએ ને ? ટરકી જવાનું ટર્કીમાં લખેલું ઓહે તો ભલે તેમ થતું પણ ઊંચા જીવે નથી જવું. જસ્ટ રિલેક્સ !
ને અમારું પ્લેન ઉપડ્યું ટર્કી તરફ, વ્હૂઉઉઉઉઉ...