રવિવાર, 29 નવેમ્બર, 2015

મારી કેફિયત

ભૂતકાળની કેટલીક મહાન વિભૂતીઓમાંથી પ્રેરણા મેળવીને મેં પણ અમુક વાતોમાં જ ખોટું લગાડવાનું કે રિસાવાનું રાખેલું, જેથી પ્રસિધ્ધિ અને સફળતા બેય મળે. જેમ કે, લેખક બનવા બાબતે મારે ઘરમાં અને ઘરની બહાર ઘણી વક્રોક્તિઓ સાંભળવી પડેલી, પરિણામે નાછૂટકે મારે લેખક બનવું જ પડ્યું. બાકી તો, મોટું મન રાખીને હું રોજ ગાઈ શકી હોત કે, ‘સુખદુ:ખ મનમાં ન આણીએ.’ હોય કોઈનો સ્વભાવ એવો, આપણે ખોટું નહીં લગાડવાનું.

ધારો કે, આજનાં સંતાનોની જેમ હું મારા માબાપનું એક માત્ર લાડકું સંતાન હોત તો હું ચોક્કસ જ એક અચ્છી ગાયિકા હોત, નૃત્યાંગના હોત, ચિત્રકાર, કલાકાર કે વાર્તાકાર પણ હોત એમાં કોઈ શંકા નથી. (કારણકે આ બધી ટ્રેઈનિંગ તો મેં નાનપણથી જ લેવા માંડી હોત ને ?) પણ હાસ્યલેખિકા ? ખાતરીથી કહી ના શકું. કદાચ ઉચ્છલમાં ના રહેતી હોત તો આજે પણ આમાંથી કંઈક તો બની જ હોત. મારામાં લેખક બનવાના ગુણ કે અવગુણ પહેલેથી જ હશે, તો જ સોળમે વર્ષે લખેલી વાર્તા ‘અંત બદલો’ની નોંધ સાથે જાણીતાં વાર્તામાસિક ‘સવિતા’માંથી સાભાર પરત થયેલી. મતલબ કે વાર્તા તો સારી જ હતી પણ સાભાર પરતની ટેવ પહેલેથી જ પડવા માંડે તો ભવિષ્યમાં કામ આવે ! જેવી આજે બાળકોની ટેલન્ટ પારણાંમાંથી પરખાઈ જાય(ભલે કહેવત જૂની હોય) તેવી ત્યારે નહીં પરખાતી હોય. કદાચ એટલે જ એક ઊભરતી લેખિકા ભણવાનાં થોથાંઓમાં ખોવાઈ ગઈ. (બિચ્ચારી...!) પછી તો જમાનાના નિયમ મુજાબ સંસારચક્રમાં ઘુમતી થઈ ગઈ તે લખવાનું યાદ જ ન આવ્યું. કદાચ લખવા માટે વનમાં જવું પડતું હશે એટલે વનપ્રવેશના દરવાજેથી મારી લેખનયાત્રા શરૂ થઈ. એ તો વાંચનનો શોખ હતો તો લેખકનો આત્મા પણ જીવતો રહ્યો બાકી તો...
ભલું થજો એ શોખનું.

લગભગ વીસ વર્ષે ફરી લખવાનું શરૂ કર્યું. એમાં વાર્તા, જીવનપ્રસંગો, ધાર્મિક લેખો, વાનગીની રીતો અને મહેંદીની ડિઝાઈન પણ આવી ગઈ! મને પેપરમાં–મૅગેઝિનમાં નામ જોઈતું હતું. નાનકડા પુરસ્કારની ખુશી જોઈતી હતી. ‘નવનીત’માં પહેલો હાસ્યલેખ છપાયેલો ૧૯૮૨માં. ત્યારે ખબર નહોતી કે આને હાસ્યલેખ કહેવાય ! જેવા હાસ્યલેખો મેં જોયા હશે તેવું લખી મોકલ્યું હશે. જો નિયમીત લખે તો હાસ્યલેખક બની શકાય એવી સમજ કે એવું કહેવાવાળું કોઈ હતું ? ના, કોઈ નહીં. એ પછી થોડાં વરસે ‘સંદેશ’માં હાસ્યલેખનની સ્પર્ધામાં મેં ઘણાં ઈનામો મેળવ્યાં. પરિણામ ? કંઈ નહીં. કોઈને એમ ના થયું કે, આ બહેનને હાસ્યલેખિકા બનવાનો મોકો આપવો જોઈએ. તે જમાનામાં લોકોને એક જ પેપર વાંચવાની સારી ટેવ હતી. પણ અખબારોની અંદર અંદરની સ્પર્ધાએ મારું કામ આસાન બનાવ્યું. મને ગુજરાત સમાચારમાં રોજ રોજ હાસ્યલેખો વાંચવા મળવા માંડયા.

વળી અળવીતરા સ્વભાવે ખોંખારો ખાધો. ‘એમાં શું ? આવું તો મારાથી પણ લખાય.’ ને લખવા પહેલાં મેં બધા ગુજરાતી જાણીતા હાસ્યલેખકોને ધમકી આપી, ‘હું તમને હાસ્યલેખિકા બનીને બતાવીશ.’ આ તો મજાક થઈ પણ મેં હાસ્યલેખિકા બનવાની ઈચ્છા દર્શાવી. પછી તો, સામાન્ય નિયમ મુજબ કોઈ સ્ત્રીની અદેખાઈ એના પતિ સિવાય બીજો કોઈ પુરુષ કરે નહીં એટલે સૌએ રાજી થઈ, વાયા વાયા મા સરસ્વતીની કૃપા મારા તરફ મોકલી–હાસ્યલેખનની ગુરુચાવીઓ અને શુભેચ્છાઓ સહિત. અવારનવાર સૌનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ મળતું રહ્યું.

એક સલાહ તો એવી પણ મળી કે, ‘હાસ્યલેખિકાઓની સંખ્યા ઓછી છે–બનશો તો ફાયદામાં રહેશો.’ મેં ઓછી સંખ્યા ને ફાયદો બે શબ્દો જ યાદ રાખ્યા ને ઝંપલાવી દીધું. હું કબૂલ કરું છું કે, મેં ત્યારે તદ્દન ઢંગધડા વગરના જ લેખો લખ્યા હશે, તો જ બધા તંત્રીઓ દિલગીરી દર્શાવીને લેખો સાભાર પરત કરી દેતા. આભાર તો મારે એમનો માનવાનો હતો ને માનું છું.

પછી તો લખવાનું, લખેલું વાંચવાનું, વાંચેલું ફાડવાનું, ફરી લખવાનું ને કવર રવાના કરવાનું એ જ મારો જીવનમંત્ર બની ગયેલો. છે...ક ૨૦૦૦ની સાલમાં ‘અખંડ આનંદ’માંથી પહેલા લેખ સ્વીકારનો જવાબ આવ્યો. મારી ખુશીનો તો પાર નહીં. જોકે, એ ખુશી અઠવાડિયું જ ટકી. એક પત્ર આવ્યો, ‘તમારો લેખ બીજા તંત્રીઓને પસંદ ન પડવાથી એનો સખેદ અસ્વીકાર કરીએ છીએ.’ (આવું લખતાં તો એમને પણ દુ:ખ થયું.) હવે ? અઠવાડિયાનો શોક પાળ્યો ત્યાં ફરી એક પત્ર આવ્યો, ‘અભિનંદન. તમારો લેખ સર્વસંમતિથી સ્વીકાર્યો છે. તમને પડેલી અગવડ બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.’ આ કોઈ અજબ જ પરીક્ષા હતી જેમાં હું પહેલાં નાપાસ જાહેર થઈ ને પછી ડિસ્ટિંક્શન મળ્યું ! જે હોય તે, લેખ છપાવાનો ને તે પણ ‘અખંડ આનંદ’માં ! વાહ ! એ લેખ તો મેં મારા બધા ઓળખીતા ગુજરાતી વાંચતાં લોકોને માથે મારેલો. એમાં પેંડા થોડા જ વહેંચાય કે, ‘હું લેખક બની, લો પેંડા ખાઓ.’ ખેર, એક વરસ સુધી મેં કંઈ જ ન લખ્યું. લેખક તો બની ગઈ ને ? હવે શું ? પણ મનમાં ફરી થયું કે, એક લેખ છપાયો એટલે હવે બીજો પણ છપાવો જોઈએ ને બીજે પણ. મેં બધે લેખો મોકલવા માંડ્યા. પણ એમ કંઈ લેખક બનાતું હશે ? સતત સાભાર પરતે મને પોઝિટિવ એટિટ્યૂડ શીખવ્યો. ટૂંકમાં, આવું બધું તો થયા કરે ને ચાલ્યા કરે. આપણે મગજ ગુમાવવાનું નહીં કે દુ:ખી થવાનું નહીં. આ અભિગમે જ મને હિંમત આપ્યે રાખી ને આખરે લેખક બનીને રહી.

લેખક બનવાનું ભૂત શું ભરાયું કે, હું તો રાત્રે મોડે સુધી જાગવા માંડી, સવારે કે મળસ્કે ચમકીને ઊઠી જતી ને દિવસ આખો પણ લેખના વિચારોમાં જ ખોવાયેલી રહેતી. પતિએ તો જ્યોતિષ કે ભૂવાને બોલાવવાનું વિચારેલું ! પણ બાળકો ? કહેવું પડે ! ‘મમ્મી, ફોરેનના મોટા મોટા લેખકોના તો પાંચસો–સાતસો વાર લેખ પાછા આવેલા. તું ચિંતા નહીં કર.’ હું ખુશ થતી. હાશ, મારો આંકડો તો હજી બહુ નાનો છે. જેમ જેમ લેખ પાછા આવતા, તેમ તેમ હું વધુ ઝનૂનથી હાસ્યલેખોનો અભ્યાસ કરતી. લેખની માંડણી, ગૂંથણી ને અંતનો તંત મૂકતી નહીં.

પરિણામ જે આવવું જોઈતું હતું તે જ આવ્યું. ‘કુમાર’ના હાસ્યાંકમાં અને ‘શબ્દસૃષ્ટિ’ના નારીલેખન વિશેષાંકમાં એક સાથે મેળ પડ્યો. બંને લેખ સાસુના ! ‘શબ્દસૃષ્ટિ’માં તો વાર્તા પણ સ્વીકારેલી તોય એને પરત કરતાં તંત્રીએ કહ્યું, ‘હાસ્યલેખ વધારે સારો છે.’ ‘રસોડાની રાણી’ એ લેખે મને સાહિત્યજગતમાં જાણીતી કરી. જોકે, મારી પહેલી પસંદ તો વાર્તાલેખિકા બનવાની જ હતી. હાસ્યલેખિકા તો કૉલમ વાંચતાં હુંસાતુસીમાં બની બેઠી. મેં વાર્તાને દુ:ખી મને અલવિદા કરી. હશે, ચાલો. એમ તો એમ. એમ પણ સાભાર સ્વીકારનો દૌર તો શરૂ થઈ ચૂક્યો હતો.

બસ, ફક્ત ‘નવનીત’માં મેળ નહોતો પડતો. મેં તો દર મહિને બે લેખ ત્યાં મોકલવા માંડ્યા. સાભાર પરત થાય કે બીજા બે લેખનું કવર તૈયાર જ રાખતી, તે મોકલી દેતી. એ રમત બે વરસ ચાલી. આખરે લેખને ખાતર મારી દાઢે એનું બલિદાન આપ્યું ને મારો લેખ ‘દાંત પડાવવાનો લહાવો.’ તંત્રીના સુંદર પત્ર સાથે સ્વીકારાયો, તંત્રી પણ ખુશ. પછી તો, આંખ, પેટ અને દિલના ડૉક્ટર વિશે પણ લેખો લખ્યા. એવા જ બીજા લેખો પરથી તંત્રીએ શ્રેણી તૈયાર કરવા કહ્યું પણ જાત વગરની જાત્રા ખોટી. દર વખતે કોણ ડૉક્ટરના બિલ ભરે ? વાત ત્યાં જ અટકી.

વાંચને મારું ઘડતર કર્યું તો લેખને ઢગલાબંધ ઓળખાણો ઘેર બેઠાં કરાવી. એમાંથી સહૃદયી મિત્રો પણ મળ્યા. વાંચને મને વિચારતી કરી તો મારા લેખને લોકોને વિચારતાં કર્યાં. શરૂઆતમાં હું બીજા લેખકોના પુસ્તકોમાંથી લેખના વિષયો શોધતી. હવે લોકો સાથેની વાતચીતમાંથી જ શબ્દો કે વાક્યો લેખની પ્રેરણા બની રહે છે. સાહિત્ય પરિષદ દ્વારા ઈનામ મેળવનાર લેખ ‘પંજો’ની વાત કરું તો, મનમાંથી સ્પર્ધાની ભૂલાઈ ગયેલી વાત સ્પર્ધાના બે દિવસ પહેલાં જ યાદ આવી. ગભરાટ શરૂ ! ભાગ તો લેવો જ છે પણ શું લખું ? હાથના પંજા પર અનાયાસે જ નજર પડતાં હાથને ફેરવી ફેરવીને જોવા માંડ્યો. પંજો ! બસ, પંજા પર જ લખું. ને શરૂ થઈ પંજાકહાણી. પંજાનાં કામ, ખામી, ખૂબી ને રચના. શબ્દકોશમાં પણ પંજાને લગતી કહેવતો ને અર્થો ને જે મળ્યું તે બધું ભેગું કરીને પંજાને જીતાડી દીધો. મહેનત રંગ લાવી. (ત્યારે ગૂગલને જાણતી નહોતી.) પ્રભાતે નહીં પણ આ બે દિવસના કલાકોનું કર દર્શનમ્ ફળ્યું.

ઘણા લેખકો વિશે વાંચેલું કે, અમુક જગ્યા કે અમુક સગવડો હોય તો જ એ લોકો લખી શકે. કદાચ સ્ત્રીઓને એવી સગવડો મળે નહીં એટલે મેં પહેલેથી જ એવો કોઈ આગ્રહ રાખ્યો નથી. ઘરની બહાર હોઉં તો, ફક્ત કાગળ, પેન અને ચા કે કૉફી મળી જાય તો લેખ લખી શકાય. જોકે, ભૂખ્યા પેટે કે ઝોકાં આવે ત્યારે નથી લખાતું. ટેબલ–ખુરશી હોય તો ઠીક નહીં તો મોટી કડક પૂંઠાવાળી ચોપડી પણ ચાલે. ઘરમાં હોઉં તો કમ્પ્યુટર પર જ હવે લખું છું.

૨૦૦૦થી ચાલુ થયેલી આ યાત્રામાં મને લગભગ દરેક અખબાર અને મૅગેઝિનમાં લખવા મળ્યું. સૌ તંત્રીઓની દિલથી આભારી છું. ઘણી વાર તો નિયમોની બહાર જઈને પણ મને એમણે માર્ગદર્શન આપ્યું છે. અખબારોમાં કૉલમો મળી. અમદાવાદ–વડોદરાના લોકસત્તામાં ‘લપ્પન છપ્પન’ નામે કૉલમ ૨૦૦૫થી ચાલે છે. ગુજરાતમિત્રમાં ‘જિંદગી તડકા મારકે’ સાત વર્ષ અને ગુજરાત ગાર્ડિયનમાં સિંગાપોર તેમ જ કેરળ પ્રવાસકથા હપ્તાવાર રજુ થઈ તેમ જ હાસ્યની કૉલમ પણ થોડો વખત ચાલી. આ કૉલમોમાંથી પાંચ પુસ્તકો થયાં અને બે પ્રવાસનાં તૈયાર છે, (કોઈ છાપે તેની રાહમાં છું.) સિંગાપોર પ્રવાસના પુસ્તકની બે આવૃત્તિ થઈ ને એને જ્યોતીન્દ્ર દવે પારિતોષક પણ મળ્યું. એ પુસ્તક પર એક વિદ્યાર્થી શોધનિબંધ પણ લખે છે. મારાં પુસ્તકો વિશે જાણીતા વિવેચકો–લેખકોએ પ્રતિભાવરૂપે લેખો લખ્યા. ગુજરાત સરકાર તરફથી સન્માન થયું. આ બધું ક્યારેય નહોતું વિચાર્યું કે ક્યારેય નહોતું માગ્યું. આ બધી જાહેરાતનો હેતુ ફક્ત આનંદ વહેંચવાનો જ છે. (ભવિષ્યમાં કદાચ કોઈ પૂછે કે, લેખક બનવા કેટલા કિલો પાપડ વણેલા ? તો આ હિસાબ આપવા ચાલે, કે ભાઈ મહેનત કરે તો આ બધું પણ મળે. બીજું કંઈ નહીં. એમ પણ આનાથી વધારે બીજું શું જોઈએ ?)

જોકે, વાર્તા લખવાની ઈચ્છા આખરે પૂરી થઈને રહી. khabarchhe.com નામે ઑનલાઈન મૅગેઝિન શરૂ થયું તેમાં મને દર બુધવારે વાર્તા લખવાનું આમંત્રણ મળ્યું.

લેખક બનવાનો મોટામાં મોટો ફાયદો થયો હોય તો, જાત સાથે એકલાં રહેવાની મજા કોને કહેવાય તે ની ખબર પડી. મારા અંતર્યામી (સૉરી, અંતર્મુખી) સ્વભાવમાં પરિવર્તન આવ્યું. મારી જીભ જે પહેલાં મોંમાં રહેતી હતી તે છૂટી થઈ ગઈ ને કોઈ સામે બોલતાં કે સ્ટેજ પર ચડતાં ગભરાટ થતો તે હવે નથી થતો એમ નહીં કહું પણ ઓછો થાય છે. સૌથી પહેલી વાર સુરતના હાસ્યસંમેલનમાં લેખ વાંચવાનો મોકો મળેલો. સાહિત્ય સંગમના ભરચક હૉલમાં મોટા મોટા સાહિત્યકારોની હાજરી અને સ્ટેજ પર બકુલભાઈ, રતિલાલભાઈ, નિરંજનભાઈ અને બીજા લેખકોની સાથે મને બેસવા ને બોલવા મળ્યું તે મારા જીવનનો યાદગાર પ્રસંગ છે. ખૂબ જ ગભરાટ અને હાથપગ ઠંડા થઈ જવા છતાં મેં ધ્રૂજતાં ધ્રૂજતાં લેખ વાંચેલો ખરો. નવાઈની વાત કે, લોકોને ખૂબ ગમેલું ને તાળીઓ પણ પડેલી ! તે લેખની કમાલ જ હશે. (ભાષણના તો આવા દરેક પ્રસંગો યાદગાર જ છે.)

વર્ષો પહેલાં હું ખૂબ જ અંધશ્રધ્ધાળુ હતી. વાંચને મારા જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. લોકો સાથે સદ્ભાવ અને શાંતિથી રહેવામાં માનું છું. દેવસેવા કરતાં માનવસેવામાં વધારે વિશ્વાસ છે. સલાહ ન આપવા બાબતે મેં જ હાસ્યલેખો લખ્યા છે એટલે બને ત્યાં સુધી કોઈને સલાહ આપવામાં સંયમ રાખું છું. ભૂલમાં જો સલાહ અપાઈ જાય તો સામેનાની માફી માગી લઉં છું, ‘સૉરી ભૂલમાં સલાહ અપાઈ ગઈ.’ સૉરી શબ્દ લોકોને બહુ ગમે એટલે ચાલી જાય.

આજ સુધી લોકો કહેતાં કે, ‘તમારા લેખો વાંચવાની મજા આવે છે. આજે હસવાનું ક્યાં મળે ?’ વગેરે. હું બહુ હળવાશથી એ વાતને લેતી કે એમાં હું કંઈ ધાડ નથી મારતી. કોઈ કવિતા લખે તો કોઈ વાર્તા. જેને જે આવડે તે લખે. મને બીજું કંઈ નથી આવડતું એટલે મેં હાસ્યલેખો લખવાનું ચાલુ  રાખ્યું તેનો ફાયદો તો મને પણ થાય જ છે ને ?

6 ટિપ્પણીઓ:

  1. એકદમ નિખાલસતાપૂર્વક અંદરકી બાત કહી દીધી.તમે એટલી સહજતાથી લેખો પરત આવવાની વાત કરી જાણે એ તમારી નહીં પણ બીજા કોઈની વાત હોય.કહેવાય છે ને કે પોતાની જાત પર હસી શકે એ સાચો-તમારી બાબતમાં સાચી હાસ્ય લેખિકા.અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  2. હાશ! આજે મને લાગ્યું કે, મારી કોઈએ કદર કરી. આભાર.

    જવાબ આપોકાઢી નાખો