સોમવાર, 7 ડિસેમ્બર, 2015

૧૫ મિનિટમાં કરવાનાં કામ

૧૫ મિનિટમાં તમે શું શું કરી શકો ?

આમ જોવા જાઓ તો આ પ્રશ્ન ઘણો વિકટ છે અને તેમ જોવા જાઓ તો આના જેવો સહેલો પ્રશ્ન કોઈ નથી. વિકટ એટલા માટે કે, ૧૫ મિનિટમાં કયાં કામ કરી શકાય તેનું જુદું લિસ્ટ બનાવવાનું ને તે બધાં કામ પંદર મિનિટમાં જ થાય છે કે નહીં તે જોવાનું અને ન થાય તો અફસોસ કરવાનો...અને એમાં જ પંદરના ગુણાકારમાં મિનિટો બગાડવી એ આપણને પાલવે ? નહીં જ વળી. એકાદ કામ કરવાનો કોઈ વાર નિર્ણય તો લઈ જુઓ–ફક્ત પંદર જ મિનિટમાં !

આ પ્રશ્ન સરળ એટલા માટે છે કે, આપણા મનમાં તરત જ સામે સવાલ ઊઠે કે, ‘ઓહો ! એમાં શું ? પંદર જ મિનિટમાં ને ? તમે ધારો તે કામ આપણે કરી આપીએ, બોલો.’ જાણે કે, પંદર જ મિનિટમાં ટ્રેન પકડી લઈએ, ધારેલા સ્થળે પહોંચી જઈએ, રાતે આકાશના તારા તોડી લાવીએ ને દિવસે હવામાંથી પ્રદુષણ ઝીરો કરી નાંખીએ ! કદાચ પંદર મિનિટમાં સરકારને ઉથલાવી નાંખવાની તાકાત પણ આવી જાય ! કરનારા તો પંદર મિનિટમાંય ઘણાં કામ કરી નાંખે પણ પણ માન્યામાં ન આવે, એટલે ચર્ચા કરીને ખાતરી કરવામાં પંદર મિનિટ બગાડવી પડે.

મારા વાંચવામાં હાલમાં જ એક આવું, પંદર મિનિટમાં શું શું કરી શકાય તેનું લિસ્ટ આવ્યું. લખનારે કે વિકટ પ્રશ્નનો ઉત્તર શોધનારે કેટલી શાં...તિથી સમય કાઢીને આ લિસ્ટ તૈયાર કર્યું હશે ?

ફક્ત પંદર મિનિટમાં....

સામાન્ય ઝડપે સવા કિ.મી. ચલાય. પેલા સવા રૂપિયાની જેમ શુકનનું સવા કિ.મી. ચાલવું ? એના કરતાં આખા આંકડા ગણવા સહેલા પડે કે નહીં ? દર પંદર મિનિટે સવા કિ.મી. ઉમેરતાં જવાનું કેટલું અઘરું પડે ? ચાલવામાં ધયાન આપવું કે સવા ને દોઢના સરવાળામાં ?

સામાન્ય ઝડપે ન ચાલવું હોય ને કંટાળો આવતો હોય તો, સાઈકલ ચલાવો. પંદર મિનિટમાં તમે ત્રણ કિ. મી. સુધી સાઈકલ પર ફરી શકો. જોકે, સાઈકલ ચલાવતાં પહેલાં તેમાં હવા ભરવી, સાઈકલને ઝાપટવી ને બબડતાં–કંટાળતાં તેની ચેઈન ને ઓઈલ ચેક કરવામાં કેટલો સમય જાય ? ફક્ત પંદર મિનિટ માટે આ મજૂરી કરવા કોઈ નવરું છે ?

ચાલવું નથી ? સાઈકલ પણ નથી ચલાવવી ? તો પછી વાંચવા બેસી જાઓ. પંદર મિનિટમાં તમે પાંચ પાનાં વાંચી શકશો. શા માટે પંદર મિનિટમાં પાંચ પાનાંની દાદાગીરી ? આજે વાંચવાનો ટાઈમ જ કોની પાસે છે ? એટલે જ તો આ લેખ બે જ મિનિટમાં વંચાઈ જાય એટલો જ લખ્યો છે. એટલી બે મિનિટ તો તમારી પાસે...

વાંચવાનું બિલકુલ નથી ગમતું ? તો પછી, ફક્ત પંદર મિનિટમાં તમે થોડી કસરત કરી શકો, પ્રાર્થના કરી શકો, કોઈનું ધ્યાન પણ ધરી શકો ! આ બધાં કામ પંદર જ મિનિટમાં કરવાં એટલે દેખીતી વેઠ ઉતારવી. જો તમે આ બધા પ્રયોગોમાંથી એકાદ પણ કરી ચૂકયા હો અથવા કરવાના હો તો, પંદર મિનિટ પર ધ્યાન રાખીને કરી જોજો. એકેયમાં તમને ધારી સફળતા નહીં મળે, બાકી તો જેવી તમારી મરજી.

આ બધાં વિચિત્ર કે નવાં કામને હાથ લગાવવાની બિલકુલ ઈચ્છા ન હોય તો તમને આવડતાં ને હાથે ચડી ગયેલાં કામ પંદર તો શું પચાસ મિનિટ સુધી પણ તમે કરી શકો છો. એ છે, ઘરની સાફસફાઈ, વાસણ માંજવાં, કપડાં ધોવાં, રસોડામાં કે ઘરકામમાં મદદ કરવી. તમે ચાહો તો, દરેક કામને પંદર પંદર મિનિટ પણ ફાળવી શકો અથવા ફક્ત પંદર જ મિનિટ મદદ કરવાનું નાટક કરીને ઘરનાંને ઈમ્પ્રેસ કરી શકો. ન કરવું હોય તો, પંદર જ મિનિટમાં બધું ઉથલપાથલ કરીને કાયમ માટેની કામકાજની મદદ પર ચોકડી મુકાવી શકો. જેવી તમારી આવડત !

છેલ્લું એક જ કામ બાકી રહે છે. તમે પંદર મિનિટમાં ડાયરીનું એક પાનું લખી શકો જો શોખ કે ડાયરી બચ્યાં હોય તો. એમાં પછી રોજના ખર્ચનો હિસાબ લખી શકો અથવા ભૂલાઈ ગયેલા પત્રલેખનની શરૂઆત ફરીથી કરી શકો. આ બધું લખ્યા પછી તેને વાંચવામાં બીજી પંદર મિનિટ બગાડી શકો. ચાલો, આ બધાંમાંથી કોઈ કામ નથી કરવું ? તો કરવું શું ?


મોબાઈલ, ટીવી અથવા પંચાતની સ્વિચ ઑન કરી દો. ‘પંદર મિનિટ’ શબ્દો જ તમે ભૂલી જશો એની ગૅરન્ટી.

14 ટિપ્પણીઓ:

  1. a retired man would spend a day for પંદર મિનિટમાં કરી શકાતાં કામ !!! :):):)
    Rajnikant Shah

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હં, એ વિચારવા જેવું ખરું. પણ એમાંય આનંદ લઈ શકાય તો કેવું ?
      આભાર.

      કાઢી નાખો
  2. ચાલો, પંદર મીનીટમાં જ પતાવવાનાં કામોની યાદી મારી લાંબી છે.. આ વાંચ્યા પછી જોઉં કે બધું સમુસુતરું પંદર મીનીટમાં પતે છે કે કેમ !
    જરા ઉતાવળમાં છું, હં કે ! જુઓ ને ! પંદરમાંથી બે મીનીટ તો આ લખવામાં જ ગઈ !! હવે તેર વધી !!! બાપ રે, ઉતાવળ કરો !!!

    જવાબ આપોકાઢી નાખો
  3. આદરણીય ઉત્તમભાઈ,
    તમારાં કામ આમેય પંદર મિનિટના મોહતાજ નથી. યાદી તો લંબાયા જ કરે.
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  4. કલ્પનાબેન તમને આ લેખ લખતાં પંદરથી ઓછી મિનીટ થઇ હતી કે વધારે ?

    મીનીટો ગણવામાં જ કલાકો વહી જાય છે એનું શું કરવું ?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પંદરના ગુણાકારમાં કેટલીક મિનિટો ! કલાકોને પંદર વડે ભાગતા રહો.
      આભાર.

      કાઢી નાખો
  5. કલ્પનાબેન,
    મને તો બધાં કામો કરવામાં વીસ મિનિટ જોઈએ. ૨૦ મિ. યોગાસન, ૨૦ મિનિટ પ્રાણાયામ, ૨૦ મિનિટ મેડિટેશન, ૨૦ સફાઈ(ઘરની) વગેરે....:) સરસ લેખ. લખતા રહેજો. પલ્લવી

    જવાબ આપોકાઢી નાખો

  6. આમ તો મને આજકાલ કોઇપણ કામ 'પંદર મિનિટ'માં થઇ શકે એ વાત ભૂતકાળ જેવી લાગે છે, સોમવારની સવારના અપવાદ સિવાય.

    You may like to read this observation.'આપણી એક અનોખી જરુરિયાત? એક બાળકની દ્રષ્ટિએ'

    https://hirals.wordpress.com/2015/12/07/kidsinnocence24-3/

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હિરલ,
      એકદમ સાચી વાત. નાનું બાળક પણ મનગમતી કંપની મળે તો દુનિયાનાં બધાં સુખને બાજુએ મૂકી દે. પંદર મિનિટનું મહત્વ ત્યારે કેવું વધી જાય ?
      થૅંક્સ.

      કાઢી નાખો

  7. પતિ પત્નીની પ્રેમ ગોષ્ટી તો નથી આવતીને!

    જવાબ આપોકાઢી નાખો
  8. પ્રેમ કેટલો ટક્યો છે કે કઈ ઉંમરની વાત છે તેના પર આધાર.

    જવાબ આપોકાઢી નાખો