રવિવાર, 15 નવેમ્બર, 2015

થાઈ ફૂડની કરકરાટી/કકડાટી

આપણે ભારતીયો એમ સમજીએ છીએ કે, ભારતીય ખાણું જ શ્રેષ્ઠ છે અને જેટલી વિવિધતા આપણા ભોજનમાં છે એટલી બીજે ક્યાંય નથી. આપણો આ ભ્રમ બીજા દેશોમાં ફરીએ ત્યારે ચકનાચૂર થઈ જાય, ભાંગીને ભુક્કો થઈ જાય. આપણી એક પણ વાનગી ત્યાં ન મળે કે ન બને એનો શો અર્થ કાઢવો ? જાહેર જગ્યાઓએ દાળ–ભાત કે ઈડલી–સાંભાર સહેલાઈથી ન મળે–એ ખાવા ખાસ ભારતીય રેસ્ટોરાંમાં જવું પડે, ત્યારે સમજાય કે, દુનિયામાં ભોજનની વિવિધતાઓનો તો ભંડાર ભર્યો છે. કદાચ અહીં પણ આપણે એ જ ચીલાચાલુ ભોજનથી કંટાળ્યા છીએ કે શું ? જ્યાં ને ત્યાં ચાઈનીઝ વાનગીઓની લારી અને હૉટેલોમાં આરામથી મળી રહેતી વિદેશી વાનગીઓ જોઈને લાગે કે, ખાવાને મામલે આપણે પણ કોઈથી ઊતરતાં નથી.

ચાઈનીઝ વાનગીઓએ, એમ જોવા જઈએ તો ઘણાં વર્ષો આપણા પેટ પર રાજ કર્યું, ઈટાલિયન વાનગીઓને પણ કોઈ જાતના ભેદભાવ વગર આપણે પસંદ કરી, પણ આજકાલ બોલબાલા છે થાઈ ફૂડની. કોઈ પણ દેશની કોઈ પણ વાનગીમાં મોટે ભાગે તો આપણે ગુજરાતીઓ, શાકાહારી વાનગીઓ જ પસંદ કરતાં હોઈએ છીએ. એ જુદી વાત છે કે, પછીથી આપણે આપણા સ્વાદ મુજબ મસાલા ઉમેરીને એ વાનગીઓને ભારતીય ટચ આપી દઈએ ! ચાઈનીઝ ભેળ અને જૈન ચાઈનીઝ જોઈને તો ચીનાઓ પણ છક્કડ ખાઈ ગયા હશે ! થાઈ વાનગીઓ પણ લારીમાં પહોંચતાં વાર ! થાઈ ઢોસા ને થાઈ રોટલા કે જૈન થાઈ આવતાં વાર નહીં લાગે. જોકે, માંસાહારી લોકો તો મૂળ ડિશની જ લિજ્જત માણે છે, સિવાય કે એમને અમુક વસ્તુઓની સૂગ હોય ! મેં તો જોયું છે કે, માંસાહારીઓમાં પણ પાછા જુદા જુદા વર્ગ આવે. દરેકની પસંદની ડિશ અલગ હોય. એ તો ભઈ, જેવો જેનો ટેસ્ટ !

કદાચ ભારતીયો તો હજીય સાપ, દેડકાં કે જીવડાં નહીં ખાતાં હોય. ખાનારની માહિતી મારી પાસે નથી પણ અમે બે–ત્રણ કલાક બૅંગકૉકની સડકો પર ફર્યાં અને બજારમાં આંટો માર્યો, ત્યારે વગર ખાધે તળેલાં જીવડાંની કકરાટી અનુભવી ! દુકાનોમાં ટોપલા ભરીને ને લારીઓમાં મોટા મોટા થાળ ભરીને જાતજાતનાં, તળેલાં તીડીયાં વેચાતાં હતાં ! વાંદા ને જાતજાતની માછલી સિવાય, બીજા દરિયાઈ જીવો પણ તળેલા (કે બળેલા ? કોણ જાણે.) ખાનારને લલચાવતાં હતાં ! જેમ ભેળ કે પાણીપૂરી જોઈને આપણાં મોંમાં પાણી છૂટે એમ ! કોઈ દિવસ આવું જોયું ન હોવાને લીધે અમને ઊલટી કે ચક્કરની તકલીફ તો ન થઈ પણ બુધ્ધિ બહેર મારવા માંડેલી ખરી. અમારી નજર સ્થિર થઈ ગઈ–બાપ રે ! આ બધું જોવાય નહીં તો ખવાય કેમ કરતાં ? આપણાં ઘરોમાં માખી, મચ્છર કે ગરોળી દેખાય કે આપણે એમનાથી છૂટકારો મેળવવાના પ્રયત્નમાં લાગી જઈએ, બૂમાબૂમ કરીને ઘરને માથે લઈએ, જ્યારે અહીં એમના નામનો ભોજનસમારંભ ઉજવાય ? મને ખાતરી છે કે, આ લોકોને કોઈ દિવસ કોઈએ શીંગચણા, ધાણી, વેફર્સ કે ચેવડા ચખાડ્યા નહીં હોય. બાકી તો, એ લોકોને ત્યાં પણ લારીએ લારીએ કે દુકાને દુકાને રંગીન હારડા લટકતા હોત.

ખેર, શું ખાવું કે ન ખાવું એ દરેકની મરજીની વાત છે, તોય વાંદરા, કૂતરા, બિલાડાં કે ડુક્કર સિવાય પણ પશુ–પક્ષી ને જીવડાંની જમાતમાંથી જે મળ્યું તેને, બાફીને, તળીને કે જાતજાતની વાનગીઓમાં સૉસ બનાવીને .....બાપ રે... ! અક્કલ કામ ન કરે. (ભઈ, નૉનવેજ ખાવાવાળા માફ કરે પણ આ બધું નજરે જોયા પછી તો અશાંત મનનો ઊભરો નીકળી જ જાય.) આમાં ઈંડાંને તો શાકાહારી જ ગણી લેવાનાં ને ?

વાનગીઓનાં નામ પણ પાછાં કેવાં ?

ટૉમ યમ ગંગ( ખાઈને, યમને દરબાર થઈને ગંગામાં સમાઈ જવાનું ?)
ગમ સોમ પાક રુઆમ( ગમને દૂર કરવા સોમરસ ? ને પાક એટલે પવિત્ર કે રુઆમપાક ?)
ગંગ ક્યૂ વાન(ગંગાનો વાન કેમ આવો? તમે જુઓ, આ લોકો બધું ખાતાંપીતાં પણ આપણી પવિત્ર નદીને સતત યાદ કરે છે !
પેનાન્ગ ગાઈ, ગાઈ પેડ પોંગાલી, ગાઈ યાન્ગ જેવાં નામોમાં કંઈ ગાવાનું મહત્વ લાગે છે.
જિમ જમ એટલે જમવાનું પણ જિમ જવાનું નહીં ભૂલવાનું.
કાઓ ના ફેટ, કાઓ કા મૂ, કાઓ મોક ગાઈ, કાઓ માન ગઈ, કાઓ ન્યુ મૂ યાંગ, કાઓ મૂ ડાન્ગ વગેરે કા કા કરતાં નામોમાં આપણા ખાઓ શબ્દનો અપભ્રંશ નથી લાગતો ? કોઈ વાનગીમાં ફૅટ નથી, કોઈ વાનગી ગાતાં ગાતાં ખાવાની છે, કોઈમાં કોઈને મનાવવાની વાત છે ને પછી માન ગઈની ખુશીમાં એ વાનગી ઓર્ડર કરવાની છે. મૂ એટલે હુંના અર્થમાં વપરાયું હશે ?
કાઈ જ્યુ મૂ સાપ, મૂ ડેડ ડ્યૂ, નામ ટોક મૂ, ગાઈ પેડ મેટ મા મુઆન્ગ, યેમ પ્લાહ ડક ફૂ, સોમ ટેમ, પેડ પાક બંગ નામ માન હોય........ બાપ રે ! થાકી જવાય.

આ બધી વાનગીઓમાં ગ, ક, મ ને આન્ગ વારંવાર આવે છે. કા એટલે કેમ ? એવું હશે ? ધારીને નામ જોતાં ખ્યાલ આવે કે, આ વાનગીઓમાં જાતજાતનાં નામ સિવાય પણ મા છે, સોમ છે, માન, ફૂ, ડેડ, ગાઈ, ડાન્ગ, બંગ, હોય, સાપ, ન્યૂ જેવા કેટલાય અંગ્રેજી અને ગુજરાતી શબ્દોનું મિશ્રણ પણ છે ! લાગે છે કે, જરૂર આ ભાષા ઉપર આપણી ગુજરાતીની વધતી ઓછી અસર રહી હશે. અંગ્રેજીની અસર તો બધા પર જ હોય એમાં શું નવું છે ?

મોટામાં મોટો ફરક એ જ કે, આપણી જેમ અહીં કોઈ વાનગી પર કોથમીર કે કોપરું કે ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવેલી દેખાઈ નહીં. ! વાનગીનો સ્વાદ કે દેખાવ બદલવાનો કોઈ પ્રયાસ આ લોકો કરતા નથી તે સારી વાત છે. ધારો કે, એ લોકો આપણી વાનગીઓનાં નામ સાંભળે તો એ લોકો પણ એમની ભાષામાં આવી કોઈ સરખામણી શોધવા બેસે ? કદાચ.

8 ટિપ્પણીઓ:

  1. એ લોકો આપણી વાનગીઓનાં નામ સાંભળે તો એ લોકો પણ એમની ભાષામાં આવી કોઈ સરખામણી શોધવા બેસે ? કદાચ.
    હા કલ્પનાબેન એવું જ બને . મજાનો લેખ . આપને નુતન વર્ષાભિનંદન. સાલ મુબારક

    જવાબ આપોકાઢી નાખો

  2. બહુ સુંદર લેખ.લખવાની ઢબ ગમી. અમેરિકાાં અમે થાઈ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ ફુડ ખાઈએ છીએ. તેમાં ખાસ કરીને રાઈસ ાને વેજીટેબલ્સ પર તેમનો સોશ નાખીએ છીએ તો ખૂબ સ્વાદિષ્ટ બને છે..જરા ચેન્જ રહે છે. તેમ છતાં આપણાં લોકો મેક્ષિકન ફુડનો આગ્રહ રાખે છે. લેખ બદલ અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  3. આભાર હરનિશભાઇ.
    મને હતું જ કે, એન આર આઇ વાચકો વધુ માહિતી આપશે. લેખ ગમ્યો તે ગમ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  4. ઘણું સરસ વર્ણન થયું છે....ગમ્યું..
    મેંય આવું અમેરીકાના બૉસ્ટનમાં ‘ચાઈના ખાઉધર ગલી’માં જોયેલું; પણ છેક આવું બધું નહીં.

    મઝા આવી..
    ધન્યવાદ..
    ..ઉ.મ..

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. લેખ ગમ્યો તે બદલ આભાર ઉત્તમભાઈ. છેક આવું તો અમને પણ ધારીને જોયા પછી જ ખબર પડેલી !

      કાઢી નાખો
  5. પ્રિય કલ્પનાબેન,
    નવા નિશાળીયાને બદ્ધું ન આવડે! તેથી તમારા બ્લોગ પર ગુજરાતીમાં ટાઈપ કેવી રીતે કરવાનું, એ સોફ્ટવેર ત્યાં કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું એવું કાંઈ આવડ્યું નહીં.
    સાલ મુબારક. સાથે લાભ પાંચમ કે જ્ઞાન પંચમીની શુભેચ્છાઓ. અમારા એક ડોક્ટર મિત્ર વર્ષો પહેલાં કહેતા કે દિવાળીની રજામાં ફરવા જવાની વાત , નવી ગાડી , નવા સાધનો વસાવવાની વાત વગેરે ઘરમાં કેક્ટસ(થોવેરિયા) ઉગાડવા જેવી ફેશન છે! પરંપરા બદલાઇ ગઈ એટલે દીવાદિવેટ, ઘૂઘરા-મઠિયાની વાત નીકળી ગઈ પણ ત્યાં જઈને પણ અંતે તો હેમનું હેમ હોયે તેમ છેવટે શું?
    જોકે લેખ તો ખૂબ ગમ્યો. ખાસ તો ભાષાના અર્થઘટન! મને તો ફરવા જવાની તક ઓછી મળે છે એટલે તમારા કે અન્યના પ્રવાસલેખ, નેશનલ જ્યોગ્રાફી કે એવી ચેનલો જ ફરવા લઈ જાય છે. એવું ફરવાનો આનંદ પણ ખૂબ છે. ઘર બેઠાં ગંગા! બાકી કુશળ?
    લિ:બકુલા ઘાસવાલા

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પ્રિય બકુલાબેન,
      ઘેર બેઠાં પ્રવાસમાં જોડાયાં અને લેખ ગમ્યો તેનો આનંદ જ હોય. ખરી વાત છે, આપણી પેઢી બધી વાતો યાદ કરીને દિવાળીનો અફસોસ કરે છે. નવી પેઢી શું યાદ કરશે ? ‘હવે તો કોઈના મેસેજ પણ નથી આવતા ? ’ એમ ? કોણ જાણે ! ખેર, પ્રવાસ તો જ્યારે મોકો મળે ત્યારે એક કે અગિયાર દિવસનો પણ કરવામાં હું આનંદ માણું છું. દર વખતે નવા અનુભવોથી મન ખુશ થઈ જાય. બાકી દિવાળીએ કોઈ આવતું જ ન હોય તો રાહ જોઈને નિરાશ થવું એના કરતાં પરિવાર સાથે ફરી આવવું વધુ સારું. મજામાં હશો.
      કલ્પના

      કાઢી નાખો