રવિવાર, 27 સપ્ટેમ્બર, 2015

ટિકિટ ખોવાઈ જાય તો ?

કોચીનની બજારમાં છેલ્લો દિવસ અને બજારમાં શૉપિંગ માટે ફક્ત બે કલાક ! મારી સાથે આવેલાં પલ્લવીબેન તો પિત્તળની માયામાં અટવાયાં અને મેં કૅશ કાઉન્ટર પાસે રાખેલા શોકેસમાં અમસ્તી નજર ફેરવવા માંડી. અચાનક મારી નજરે લાઈટર ચડ્યું. ‘અરે લાઈટર ! મારે લેવાનું જ છે. દહ વખત ટક ટક કરે કોઈની જેમ ત્યારે હળગે. લાવ, લઈ જ લેવા દે. પાછું ઘેરે ગીયા પછી બજાર જવાનો મેળ પડહે કે હું ખબર ?’ ને મેં લાઈટર લઈ લીધું. ત્યાં નાનકડી કાતર હતી પણ અઠવાડિયા પહેલાંનો જ અનુભવ યાદ કરીને લેવાનું માંડી વાળ્યું. હવે કામ પણ શું ? મેં ઘડિયાળમાં જોયું. હવે અમારી પાસે એક જ કલાક હતો. મેં પલ્લવીબેનને સાડી લેવાની છે તે યાદ કરાવ્યું એટલે આખરે એમણે અક દીવો ને એક નાની પિત્તળની કુંડી ખરીદી લીધી. ત્યાંથી અમે રિક્ષા ભગાવી એમ જી રોડ.

એમ જી રોડ સાડી, કપડાં ને ઘરેણાંની ભવ્ય દુકાનોથી ભર્યો ભર્યો હતો. પણ ઘડિયાળનો કાંટો અમને ‘કલ્યાણ’ સાડીસમંદરમાં લઈ ગયો. ‘જયલક્ષ્મી‘ સાડીભંડાર કરતાં ઘણો વિશાળ અને ભવ્ય લાગ્યો. આ એક મુશ્કેલ કામ હતું. હજી તો સાડીઓને જોઈએ, આંખોમાં ભરીએ ને હાથમાં પસવારી પસંદ કરીએ ને બાજુએ મૂકીએ ત્યાં જરા વારમાં એના પર બીજી દસ સાડીઓનો ઢગલો ખડકાઈ જાય ! વળી પેલી પસંદ કરેલી સાડી જેમતેમ ખેંચીને બહાર કાઢી બાસ્કેટમાં મૂકીએ કે એટલામાં દસ મિનિટ તો નીકળી ગઈ હોય ! આવા ગભરાટ ને રઘવાટમાં, જેવી મળી તેવીના અસંતોષ સાથે  બે ત્રણ સાડી અમે બન્નેએ લીધી. અમને તો સાડી લેવાઈ ગયા પછી એવું લાગ્યું, જાણે મંદિરની ધક્કામુક્કીમાં ભગવાનની ઝલક જોઈને અમે બહુ ખરાબ રીતે ગબડી પડ્યાં. ખેર, કંઈક તો શૉપિંગ કર્યુંના સંતોષ સાથે અમે હૉટેલ પર પાછા ફર્યાં.

રિક્ષામાંથી ઉતરતાં રિક્ષાવાળાએ કંઈક ગુણગુણ કર્યું ને ચારસો રૂપિયા લેવાની ના પાડી. અમે તો ખુશ થયાં. આખા કેરાલામાં આ પહેલો ઈમાનદાર ને મહેમાનને ભગવાન ગણવાવાળો માણસ નીકળ્યો. વાહ ! કે’વું પડે. જોકે, અમારી દાનત ખોરી નહોતી એટલે અમે પેલા વૉચમૅનને બોલાવ્યો ને સમજાવ્યું કે, ‘આ રિક્ષાવાળો પૈસા લેવાની ના પાડે છે.’
‘એને છસો રૂપિયા જોઈએ છે. વેઈટિંગ વધારે થઈ ગયું એમ કહે છે.’
અમારાં મોં ખુલ્લાં થઈ ગયાં ને આંખોમાં ગુસ્સો, મજબૂરી ને પસ્તાવાનું મિશ્રણ રેલાઈ ગયું. ઠીક છે, કહીને અમે છસો આપ્યા. સાંભળેલું કે, અહીંના રિક્ષાવાળાઓ લૂંટે છે. તે હવે સાબિત થઈ ગયું. હશે, નવ્વાણુંમાં સો ભરવાવાળાએ જ એ કહેવત શોધી કાઢી હશે.

અમે સામાન મૂકી જમવા ગયાં. હાથમાં ડિશ લઈને બધી વાનગીઓ લેતાં લેતાં અમે એ દુનિયાને ભૂલી ગયાં જેનો અમને ખરાબ અનુભવ થયો હતો. જેમ જેમ મોંમાં પાણી આવતું ગયું તેમ તેમ બધો ઉચાટ ને ગભરાટ ગાયબ થતો ગયો. અમે નિરાંતે આ ટૂરનું ને કેરાલાનું છેલ્લું ભોજન ટેસથી જમ્યાં. શું હતું વિદાયસમારંભમાં ?

શક્કરિયા જેવા કોઈ કંદનું રસાવાળું શાક, પનીરવાળું પંજાબી શાક, સૂપ, દાળ, ભાત, રોટલી, પૂરી, ગાજરનો હલવો, પાયસમ, બે જાતનાં આઈસક્રીમ, પેસ્ટ્રી અને ચૉકલેટ કેક. (હેમખેમ પહોંચશું ખરાં ને ?) અમે વારાફરતી આઈસક્રીમ ને પાયસમનું લેયર કરતાં રહ્યાં ને વધારાના બસો રૂપિયાને ભૂલવાની કોશિશ કરતાં રહ્યાં.

અમે જમીને રૂમ પર ગયાં, જરાતરા આરામ કર્યો ન કર્યો કે, હૉટેલ છોડવાનો સમય થઈ ગયો. અમારું મન થોડું નહીં પણ ઘણું નારાજ હતું. કાલથી ફરી એ જ ઘોંઘાટ ને એ જ ભીડ, એ જ જાણીતા ચહેરા ને એ જ બોરિંગ, એકધારી જિંદગી ! હરિયાળી તો ફોટામાં ને મનમાં સંઘરી લીધી તો સારું, બાકી તો આવા બગીચા ક્યાં જોવા મળવાના ? ખેર, રૂમમાં સામાન પર એક નજર ફેરવી લીધી–બધું ઠીક છે ને ? સવારે સાડી લીધી તે ને બીજી પરચુરણ ખરીદીની હલકી થેલીઓ હતી. મોટી બૅગ તો બસમાં ગોઠવાઈ ગયેલી એટલે ચિંતા નહોતી. બે વાગ્યે અમારી બસ ઉપડી એરપોર્ટને રસ્તે. બસમાં સૌ શાંત ! ધીમી વાતચીતના અવાજો સિવાય કોઈને કંઈ મસ્તી કે તોફાન કરવાનું સૂઝતું નહોતું. વળી અડધી બસ ખાલી હતી ને શ્રોતાઓ ઓછા હતા એટલે પણ કોઈને ગાવાનું કે હોહા કરવાનું જોશ નહોતું ચડતું. જાણે પોલીસની ગાડી જતી હોય ને એમાં બધા ગુનેગારો જતા હોય એવા સૌના ચહેરા ઉતરેલા–વગર કોઈ ગુનાએ !

એરપોર્ટ આવતાં જ બધામાં અચાનક જોશ આવી ગયું ! પહેલા પહોંચવાનું ! પહેલા ચેક ઈન થવાનું ! ને જો પ્લેન ઊડવા તૈયાર હોય તો પહેલા મુંબઈ પહોંચી જવાનું. પણ, બસમાંથી બધો સામાન ઉતાર્યા વગર જવાય એમ જ ક્યાં હતું ? પોતપોતાનો સામાન લઈ બધાં ચાલતાં થયાં. એરપોર્ટ પર એક વસ્તુની મને કાયમ નવાઈ લાગે. ટ્રેનમાં કે બસમાં બેઠાં પછી ટિકિટચેકર આપણી ટિકિટ ચેક કરવા આવે. કોઈ દિવસ પ્લૅટફૉર્મ પર કે બસ–સ્ટૅન્ડ પર કોઈ ટિકિટ ચેક નથી કરતું. જ્યારે એરપોર્ટ પર તો દાખલ થવા પહેલાં જ ટિકિટ ચેક કરે. ને પ્લેનમાં કોઈ ટિકિટ ચેક ન કરે ! ખેર, અમે તો વારાફરતી ટ્રોલી લઈ લાઈનમાં જવા માંડ્યાં. દર વખતની જેમ હું બસમાંથી આરામથી છેલ્લે ઊતરેલી એટલે દરવાજે લાઈનમાં પણ છેલ્લી !

‘પલ્લવીબેન, મારી ટિકિટ તમારી પાંહે છે ને ?’
‘નંઈ, મારી પાંહે નીં મલે. મેં તો તમને પેલ્લે જ દા’ડે આપી દીધેલી.’
‘હા કંઈ નીં, જોઈ લઉં.’ કહેતાં મેં મારા પર્સના બધા ખાનાં જોઈ લીધા. એટલામાં પલ્લવીબેનનો નંબર આવતાં એ તો દરવાજાની બીજી તરફ પહોંચી ગયાં. અંદર ઊભા રહી કાચમાંથી મને ચિંતિત નજરે જોઈ રહ્યાં. ટિકિટ નીં ઓહે તો કલ્પનાબેન અંઈ કોચીનમાં એખલાં હું કરહે ?

મારી હાલત તો વર્ણવી જ ન શકાય. પર્સ પછી જેટલી થેલી હતી તે બધી ફેંદી વળી. ફરી પર્સ ને ફરી થેલી, એમ રમત રમતાં રમતાં મારા ગભરાટનો પાર નહીં. જો રડવા બેસું તો ટિકિટ કોણ શોધે ? બાપ રે ! બધાં જતાં રહ્યાં ને હું બહાર ટિકિટની શોધાશોધમાં મંડેલી. એટલામાં દૂર ઊભા રહી વાતો કરતા અમારા ટૂર ગાઈડ ત્યાં આવ્યા. ‘મૅડમ, એની પ્રોબ્લેમ ?’
‘મેરી ટિકિટ નહીં મિલ રહી.’ મારો અવાજ અત્યંત ગળગળો, ભેંકડો તાણવાની તૈયારી !


રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

દાંત પડાવવાનો લહાવો

આંખ, કાન કે નાકના ડૉક્ટરને ત્યાં આપણે જઈએ તો ડૉક્ટર આપણી આંખ નથી કાઢી લેતા કે કાન–નાક કાપી નથી લેતા. પણ જો દાંતના ડૉક્ટરને ત્યાં દાંત બતાવવા જઈએ તો મોટે ભાગે ડૉક્ટર આપણા દાંત તોડી નાંખે છે ! વર્ષોથી મને સાથ આપનાર દાંતની કિલ્લેબંધીમાંથી એક કાંકરી પણ ખરે તે મને મંજૂર ન હોવા છતાં કુદરતે ન્યાય કરી જ નાંખ્યો. મારામાં ડહાપણ કે ડહાપણની દાઢ રહે તે વધારે પડતું લાગવાથી, સોજા અને સણકાના સતત હુમલા વડે મારી માનસિક તંદુરસ્તી ખોરવી નાંખી. આખરે વીલે મોંએ મારે ડૉક્ટરને ત્યાં “‘દાંત બતાવવા’ જવું જ પડ્યું.

ડૉક્ટરને ત્યાં પેશન્ટ ઘણા હતા. બધાના દાંત ગણવાની એમને ફુરસદ નહોતી ને જરૂર પણ નહોતી. સીધું પૂછી જ લેતા, ‘શું થાય છે ?’ ડૉક્ટર પર દયા કરતા હોય કે એમની પાસે દયાની ભીખ માગતા હોય એમ દરેક જણ વાંકુંચૂકું મોં કરી– મોં ફાડી, ડૉક્ટર મોં બંધ કરવાનું કહે તેની રાહ જોઈને બેસી રહેતા. મને થયું કે વારાફરતી બધાને અંદર બોલાવે એના કરતાં બહાર આવીને એક સાથે જ બધાનાં મોં ખોલાવી દે ને ટૉર્ચ લઈને ફરી વળે તો વહેલું પતે ! પણ એમાં એમના ધંધાને અસર પહોંચવાની શક્યતા વધુ હોવાથી ડૉક્ટરે પણ પોતાના મોભ્ભા મુજબ જુદા જુદા રૂમની વ્યવસ્થા રાખવી પડે.

મારો વારો આવ્યો. ડૉક્ટરે પૂછ્યું, ‘શું થાય છે ?’‘ખબર નહીં પણ બહુ દિવસથી ખવાતું નથી ને અશક્તિ બહુ લાગે છે. કોઈ વાર ચક્કર પણ આવી જાય છે. જમણા કાનમાં સણકા મારે છે. ઘણી વાર માથું દુ:ખે છે. ગળામાં પણ દુખાવો ચાલુ જ છે. વાતે વાતે રડવું પણ આવી જાય છે.’

ડૉક્ટર ભાવુક બની ગયા ને વીસરી ગયા કે, પોતે દાંતના ડૉક્ટર છે ! હજી ઘણાનાં દાંત ને ખિસ્સાં ખંખેરવાનાં બાકી છે. જે ડૉક્ટર ભલભલાના મોંમાંથી નીકળતા લોહીના રેલાને જોઈ પીગળ્યા નહીં હોય તે મારી દુ:ખભરી દાસ્તાન સાંભળીને પીગળી ગયા ! ‘તમે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું કે નહીં ? બધી ટેસ્ટ, એક્સ–રે વગેરે કરાવ્યાં કે નહીં ?’

‘એટલે જ તો અહીં આવી છું. બહુ દિવસોથી આ દાઢ બહુ દુ:ખે છે ને આ બધી તકલીફો થાય છે. ડૉક્ટર પણ અસ્સલ પેશો યાદ આવવાથી ટટાર થઈ ગયા ! મારું મોં જે ક્યારનું ચાલતું હતું તેને અટકાવીને ખોલવા કહ્યું. કોઈની સામે  આશ્ચર્યથી મોં ફાડીને જોયાનું યાદ છે, ખડખડાટ હસતી વખતે મારું મોં ખૂલી જાય છે પણ દુ:ખને લીધે મોં આખું ફાડીને દુ:ખભરી ને વળી સવાલી નજરે જોવાનો તો આ મારો પહેલો જ પ્રસંગ જ હતો !

ડહાપણ કે દોઢ ડહાપણ જ્યારે ને ત્યારે કોઈની પણ સામે વગર પૂછ્યે તરત જ બતાવી દેવાનું હોય છે પણ ડહાપણની દાઢ ખબર નહીં કેમ ઠે...ઠ નાકે (ખૂણામાં) રહેતી હશે ? જેને જોતાં, જતાં ને આવતાં ને હવે કાઢતાં પણ આટલી તકલીફ પડતી હશે ? ખેર, ડૉક્ટરને તો ખ્યાલ આવી જ ગયો. કદાચ નહીં પાડવાની હોય તો પણ ‘દાઢ કાઢવી પડશે’ એમ કહી એક ઈંજેક્શન દાંતના પારામાં લગાવી દીધું ! ‘શું આનો બીજો કોઈ ઉપાય નથી ?’ એમ પૂછવાનું મન થયું પણ ધીરે ધીરે મોંમાં ગાદી જેવું લાગવા માંડ્યું અને જીભ–ગાલ–દાંત બધું એકમેકમાં વિલીન થઈ જશે કે શું એ બીકમાં શબ્દો ગળી ગઈ. (પુરૂષોએ આ ઈંજેક્શન ઘરમાં રાખવું એવું મારું નમ્ર સૂચન છે).

બહાર દસેક મિનિટ એવી જ સ્થિતિમાં બબૂચકની જેમ બેસી રહી જ્યાં બીજા બબૂચકો પણ બેઠાં બેઠાં એકબીજાને જોઈને નજર ફેરવી લેતા હતા. મારા નામનો પોકાર થાય ત્યાં સુધીમાં તો અંદરના રૂમમાંથી આવતી હૃદયવિદારક ચીસો સાંભળ્યે રાખી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કર્યા. દર્દીઓની હિંમત ભલે ભાંગી જાય પણ ત્યાંથી કોઈથી ભાગી ન શકાય એવી સૌની હાલત હતી. મને કમને બધા ટીવી જોયે રાખતા હતા. તે સમયે એક હીરો દસ ગુંડાઓને ભારે પડતો હોય એવું ચવાઈ ગયેલું દ્રશ્ય આવતું હતું. વારાફરતી બધાનાં હાડકાં ખોખરાં કરીને તેમ જ કોઈ કોઈની તો બત્રીસી પણ હાથમાં આપીને એમને રવાના કર્યા.

પછી તો, ડૉક્ટરે હાથ ખંખેરી બાવડાં ફુલાવ્યાં ને મૂછો આમળી. મને થયું કે, અહીં આવનારા તો બધા જ શરીફ લોકો હતા ને છતાંય સામે ચાલીને પૈસા આપીને પોતાના દાંત પડાવી જતા હતા. જોકે, ડૉક્ટરને તેનું કોઈ અભિમાન નહોતું. મૂછો આમળવાનો કે બાવડાં ફુલાવવાનો પીક અવર્સમાં એમની પાસે સમય જ ક્યાં હતો ? તોય, કોઈ વાર એમને પણ મન થઈ જતું હશે.

થોડી વારે મારું નામ કોઈ લેતું હોય એવો મને ભાસ થયો. શૂળીએ ચડવા જતી હોઉં એમ મોં લટકાવી મેં અંદરના રૂમમાં પ્રવેશ કર્યો. દાંત પડાવતી વખતે ઊંઘ આવી જવાની કોઈ જ શક્યતા નહોતી છતાંય ત્યાં એક સરસ, લાંબી ને આરામદાયક ખુરશી મોજૂદ હતી, જેના પર આરામ ફરમાવતાં મારે મારો દાંત પડાવવાનો હતો ! કટોકટીના સમયે સજ્જડ પકડી રખાય એવા બે હાથા પણ ખુરશીને હતા.

હું ખુરશીમાં બેઠી તો ખરી પણ મારી નજર સતત બધે ચકળવકળ ફર્યા કરતી હતી. ઘડીકમાં આંખોને આંજી દેતી લાઈટ દેખાતી તો ઘડીકમાં સામે જ ટેબલ પર ગોઠવેલાં દાંતલેણ કે જીવલેણ શસ્ત્રો દેખાતાં. કાતર, પક્કડ, છરી વગેરે. શું ખબર કદાચ ખાનામાં રિવૉલ્વર પણ હોય ! અહીં આવવા બદલ હવે મને પસ્તાવો થવા માંડ્યો. નક્કામી આવી. ફસાઈ ગઈ. ઘરમાં એક જ અડબોથમાં કામ પતી જાત. પૈસા બચી જાત ને મામલો ઘરમાં જ પતી જાત. (એ બહાને પતિને જાત બતાવવાનો મોકો મળી જાત )!

પણ, ફક્ત દાંત દુ:ખવાને કારણે ને મારા કોઈ વાંક વગર એમ અડબોથ ખાવાની મારી જરાય ઈચ્છા નહોતી. વળી, એમાં કોને બદલે કોના દાંત પડી જાત તે કંઈ કહેવાત નહીં ને જાહેરમાં તમાશો થાત. એમ ઘણી બધી શક્યતાઓ ટાળીને અહીં આવી તે જ ઠીક છે, સમજી મન મનાવ્યું. જોકે, ક્યાંક વાંચેલું કે, દાંત પડાવતી વખતે આંખ ફાંગી થવાનો, બહેરા બનવાનો (ને મારા કેસમાં તો પતિને વિધુર બનાવવાનો ૧૦૦%) ચાન્સ સંભવી શકે એમ હતું. ડૉક્ટર વિશે મેં પૂરેપૂરી તપાસ કરી હતી. બોગસ તો નહોતા જ ને મારા દૂરના કે નજીકના દુશ્મન પણ નહોતા. તેથી ડૉક્ટરને ભગવાન ગણીને એમની ઉપર શ્રધ્ધા રાખવાની હતી. બંનેમાં ફેર એટલો જ કે, એક ઝોળી ખાલી કરે ને એક ભરે !

આખરે કટોકટીની ઘડી આવી પહોંચી. મેં ડૉક્ટરને પૂછ્યું, ‘તમને હાર્ટની તકલીફ તો નથી ને ?’ ડૉક્ટર આશ્ચર્યથી , મારા દિમાગના હોવા વિશે શંકા થવાથી–મારી સામે જોઈ રહ્યા ! ‘કેમ એમ પૂછો છો ?’ ‘ના, આ તો એવું છે કે, મને ગગનભેદી ચીસો પાડવાનો શોખ છે. માઈલો સુધી મારી ચીસ ભલભલાને ધ્રુજાવી શકે છે. દાંત પડાવતી વખતે મારાથી એ ચીસનો પ્રયોગ થઈ ગયો તો તમે ખમી શકશો ?’ ડૉક્ટરને થયું હશે કે, આનો દાંત પાડું ત્યારે નર્સને કહીશ કે, આનું ગળું દાબી રાખે ! એ જ સમયે જોકે મને પણ વિચાર આવેલો કે, ડૉક્ટર જો આસાનીથી દાંત નહીં પાડે તો ? તો હું એમનું ગળું ? (નહીં–નહીં), એમના બંને હાથ જોરમાં પકડીને એમને ધક્કો મારી દઈશ. ડૉક્ટર મારા પગની લાઈનમાં  નહોતા આવતા, જમણી બાજુએ ઊભા હતા. મારે મારો વિરોધ ચીસ વડે કે હાથ વડે જ દર્શાવવાનો હતો. (જરા વિચારો કે, દાંતની પીડા કેટલી ભયંકર હોય છે કે, દાંત તોડનારના જ દાંત ખાટા કરી નાંખવાનું મન થઈ જાય)! શું થાય ? મજબૂરીનું બીજું નામ અહિંસા હશે ?

મને તો પેલી ખુરશી જ જાદુઈ ખુરશી જેવી લાગી. એમાં બેસતાં જ ઉટપટાંગ વિચારો ચાલુ થઈ ગયા હતા. હવે મને ટુચકા યાદ આવવા માંડ્યા ! ડૉક્ટરને ખાતરી છે કે, મારો જ દાંત પાડવાનો છે ? શું ડૉક્ટર મારા મોંમાં બ્રહ્માંડદર્શન કરશે ? આટલું પહોળું મોં કરાવીને અંદર સંતરા કે મોસંબી મૂકવાના હશે ? શું એમને એટલી ખબર નહીં હોય કે, કોઈ પણ સ્ત્રીનું મોં વધારે (સમય) ખુલ્લું રાખવામાં જોખમ છે? મારું મોં ખુલ્લું રખાવીને  ફોન લેવા કે ટીવી પર મૅચ જોવા જતા રહ્યા તો ? પણ હવે શું ?

એટલામાં ડૉક્ટરે ગ્લવ્ઝ પહેર્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે, કદાચ મારું ખૂન થઈ જાય તો પણ એમના પર શક ના જાય એટલે જ ડૉક્ટરે બધી પૂર્વ તૈયારી કરી મૂકી છે. મેં આંખો મીંચી દીધી. ડૉક્ટરે કહ્યું, ‘ગભરાઓ નહીં. જસ્ટ રિલેક્સ!’ (ડૉક્ટર, તમે આવી ઘડીએ રિલેક્સ થાઓ?) મેં ખુરશીના બંને હાથા પર સજ્જડ પક્કડ જમાવી. મોંની ચામડી અંદરથી બહેરી (ખોટી) કરી હોવાથી દર્દનું નામોનિશાન નહોતું. કાન બહેરા ખબર પણ મોં બહેરું, તે તો આજે જ જાણ્યું. ડૉક્ટરે છરી ને પક્કડની મદદથી મારી દાઢને હલો કર્યું. (હલાવી)! શસ્ત્રો વાગ્યાં તો નહીં પણ દાંત સાથે ઠોકાવાના અવાજોના એટલા પ્રચંડ પડઘા પડતા હતા કે, મોટી મોટી શિલાઓ ટકરાઈને ગબડતી હોય એવો અનુભવ થયો.

મેં શરીરને અક્કડ કરીને લાકડા જેવું કરી દીધું. (પછી થઈ જાય તોય વાંધો નહીં).પણ ડૉક્ટરે જેવી પક્કડની મદદથી દાઢને પકડીને જોરમાં ખેંચી કાઢી કે, તે જ સમયે ક્યારે મારાથી ડૉક્ટરના બંને હાથો પર સખ્ખત ભીંસ અપાઈ ગઈ ને મોંમાંથી જોરદા....ર ચીસ નીકળી ગઈ તે ડૉક્ટરને પણ ખબર ના પડી. ગભરાટમાં એમના હાથમાંના ઓજારો નીચે પડી ગયાં અને મારી દાઢ તો ક્યાંય દૂર ફેંકાઈ ગઈ ! ડૉક્ટર તો એક સેકંડ પૂરતા મૂઢમતિ, બીજી સેકંડે મંદમતિ અને પછી તો સ્વસ્થ થઈને ગતિમાં આવી ગયા. તરત જ એમણે નર્સને કહ્યું, (‘આના માથામાં એક ફટકો મારો.’) ‘આમને કોગળા કરાવીને ડટ્ટો મારો.’ મને તો બધું વિચિત્ર લાગતું હતું. હું તો ઘરેથી બ્રશ કરીને આવી હતી ને કોગળા પણ કરેલા તો પણ? પછી તો, નર્સે ના ન કહી ત્યાં સુધી મેં બેસિનમાં લોહીના કોગળા ચાલુ જ રાખ્યા. નર્સ ગભરાઈ ગઈ. જો આ મરી જશે તો દાઢના ખાડાને બદલે, મારે એના નાકમાં દટ્ટા મારવા પડશે. મારી એક જ હરકતથી ડૉક્ટર ને નર્સ બંને ગભરાઈ ગયાં. મને વહેલી રવાના કરવા ડૉક્ટરે મને એમની સામે ખુરશી પર બેસવા કહ્યું.

હું સો રૂપિયાની દાઢને બદલે પાંચ પૈસાનું રૂ મોંમાં લઈને ડૉક્ટરની સામે બેઠી. ‘સૉરી ડૉક્ટર! પણ મેં તમને પહેલાં જ પૂછેલું.’ ડૉક્ટરે મને જવાબ આપ્યો નહીં પણ બધાંને પૂછતા હશે એટલે મને પણ પૂછ્યું, ‘દાંત ઘરે લઈ જવો છે ?’
‘ડૉક્ટર! એ તો ડહાપણની દાઢ હતી. નીકળતી વખતે જ પરચો બતાવી ગઈ તો હવે રાખીને પણ શું કરું ? જેટલું ડહાપણ બચ્યું છે એનાથી ચલાવી લઈશ.’

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

એક તારી ઝંખના

પ્રિય.....,
‘ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તારા વિના સવાર/સાંજ ડૂસકે ચડી છે.’
આજે બરાબર દસ દિવસ થયા, તારા ઘર છોડ્યાને ! હજી સુધી મારા મોબાઈલ પર તારો એકાદ મેસેજ સુધ્ધાં નથી આવ્યો કે મિસ્ડ કૉલ પણ નહીં. તું આમ ઘર છોડીને અચાનક જ જતી રહેશે એવું તો મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. બે વાસણ કોના ઘરમાં નથી ખખડતાં ? ને કપરકાબી કોના ઘરમાં નથી ફૂટતાં ? તેનું આમ, મન પર લઈને, રિસાઈને જતાં રે’વાનું ? તને તો મેં પહેલી મુલાકાતમાં જ ચેતવી દીધેલી કે, મારા ઘરમાં બધાંને જ અવારનવાર લૂમ ને ટેટા ફોડવાની ટેવ છે. જો તું એ બધાંને સૂરસૂરિયાં સમજી લેશે તો પછી તને કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તેમાંય મારા તરફથી તો તને કોઈ દિવસ ફરિયાદનું કોઈ કારણ જ નહીં મળે.

મારો સ્વભાવ તો વર્ષોથી ટિચાઈ ટિચાઈને સુંવાળી ને મઠિયા જેવો બની ગયેલો તે મારા વગર તો કોઈને ચાલે નહીં, પણ તને મારા વગર કેમ ચાલ્યું ? તે પણ આટલા દિવસ ? મેં જોયું છે કે, તું જ્યારથી આવી છે, બે ઘડી ઠરીને બેઠી નથી. સતત કોઈ ને કોઈ કામમાં તારા હાથ રોકાયેલા જ હોય. આટલું સુઘડ ને સુંદર ઘર પહેલાં ક્યારેય નહોતું. દરેક વસ્તુ સામે ચાલીને મળી જાય ! કોઈની રાડારાડ નહીં કે કોઈની ફરિયાદ નહીં. મારું તો જીવન જ તારા આવવાથી બદલાઈ ગયું. કદાચ સ્વભાવ પણ હમણાંનો બદલાયો લાગે છે. તારા વગર ઘરમાં કોઈને ગમતું નથી, બધાં એક બીજા પર દાંતિયા કરે છે. મારું તો એમાં કંઈ ચાલતું નથી ને તારા વગર કોઈ વાતનો પત્તો પડવાનો નથી.

‘સાંજ સઘળી ડૂબી જાયે છતાંય
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.’
તારામાં મારા જેટલી ધીરજ નહીં, બીજું શું ? તે વગર તું આમ એક વર્ષમાં ચોથી વાર ઘર છોડીને જતી રહે ?
‘સાંજ પડતાં તને પિયર સાંભરે
ખૂણે બેસીને રડે છે ગુર્જરી.’
આજે તારા જતાંની સાથે રડવાનો વારો તો મારો આવ્યો છે. તું સારી રીતે જાણે છે કે, તને મારા સિવાય કોઈ બોલાવવાનું પણ નથી. અહીં નવરું જ કોણ છે ? તારી તો જાણે કે કોઈને કંઈ પડી જ નથી પણ મને એમ થાય કે, તને કેમ મારી જરાય પડી નથી ? તેં મારી લાગણીની જરાય પરવા ન કરી ? તને શું કોઈએ કંઈ કહ્યું’તું ? તને શું વાંકું પડ્યું તે જ મને આજ સુધી સમજાયું નથી. જરા સરખો મને ઈશારો પણ કરત, તો હું કોઈ પણ રસ્તો કાઢત. જોકે, તારી આ જ આદત મને પસંદ નથી. કહ્યા વગર ચાલવા માંડવાનું બસ. ધીરે ધીરે તારા માથે કામનો બોજો વધી રહયો હતો તે મારા ધ્યાનમાં જ હતું અને તારા માટે એક હેલ્પર લાવવાનું પણ મેં વિચારી લીધેલું, બીજું તો કોણ વિચારે ? તેં જોકે ઉતાવળ કરી નાંખી. મને તારી આ વાત પર ઘણી વાર બહુ ગુસ્સો આવી જાય છે પણ તરત જ એમ વિચારી લઉં કે, આખરે કોઈ કેટલું સહન કરે ? એમ પણ ઘરનાંને તો મારાથી કંઈ કે’વાય નહીં એટલે તને જ સમજાવવી–પટાવવી પડે ને ?

‘તારા જવાની સાંજ મને યાદ તો હશે, (હશે શું ? છે જ)
આંગણાનો લીમડો એ ગઝલ ગૂંજતો હશે.’
તારા સ્વભાવની તો શું વાત કરું ? હસમુખી, લાગણીશીલ, સમજદાર ને વળી આજના જમાનામાં તો આટલી સુલક્ષણા સ્ત્રી જ મળવી મુશ્કેલ ! એ તો નસીબદારને જ મળે. તને ખબર નહીં હોય પણ સગાંવહાલાંથી માંડીને અમને ઓળખતાં સૌ કાયમ તારાં જ વખાણ કરતાં હોય. તારાં ઝાંઝરના ઝણકારની તો કાનને એવી ટેવ પડેલી ને કે, સવારથી જ ભણકારા થવા માંડે કે જાણે હમણાં તું આવી. છેલ્લા દસ દિવસથી એ ભણકારા પણ ગાયબ થઈ ગયા છે. દરેક રૂમમાં સવારથી તારું ઝપાટાબંધ ફરી વળવું, મીઠા–મધુર સ્વરે સૌને જગાડવાં, બધાંને જોઈતી વસ્તુઓ હાથમાં ને હાથમાં આપવી વગેરે વગેરેનું લાંબું લિસ્ટ યાદ આવે છે. ઘરનાં નગુણા લોકો સાથે ઝઘડવાનું ખૂબ મન થઈ જાય છે.

નક્કી તારી એકાદ નાનકડી ભૂલ પર જ ઘરમાંથી કોઈએ તારું અપમાન કરીને તને દુ:ખી કરી હશે. પણ એમાં મારું તને વિનંતી કરવા સિવાય બીજું ક્યાં કંઈ ચાલે છે ?
‘કેટલામી સાંજના(સવારના) સોગંદ દઈને કહું તને ?
એક તારી ઝંખના જેવી હતી તેવી જ છે.’
જોકે, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ ગુસ્સો ચડે, રીસ લાગે પણ આમ તારી જેમ હું ઘર છોડીને તો હરગીઝ ન જાઉં. આ ઘરને તું તારું ઘર નથી ગણતી ? એટલે જ આમ વારંવાર જતી રહે છે ? આમાં મને કેટલો ત્રાસ થાય છે તેનું તને કંઈ ભાન છે ? તને ભલે અમારા વગર ચાલતું હશે પણ અમને કોઈને તારા વગર નથી ચાલતું તે જાણી લે. તેમાં પણ મને તો નહીં જ કારણકે,
મને તો તારા જ કામની આદત પડી ગઈ છે તે બીજા કોઈના હાથનું કામ ફાવતું જ નથી.
મને તો લાગે છે કે, મારો તો છૂટકો નથી એટલે તને બોલાવવા હવે તો મારે જ આવવું પડશે.
તારી બધી શરતો મને મંજૂર છે એટલે મહેરબાની કરીને કાલથી કામ પર આવવા માંડ જેથી મારી સાથે ઘરમાં પણ બધાંને શાંતિ. મારાથી એકલીથી હવે બધે પહોંચી નથી વળાતું તેથી જ વારંવાર કહું છું, ‘હવે તો આવ ઓ રૂપલી...સોમલી...દેવલી...છની...ધની...’
‘સવારે સૂરજ ઊગે ને ખૂલી જાય બારણું,
તુજ આગમનની શક્યતાને ક્યાં અવગણું ?’
અને છેલ્લે,
‘સાવ ખાલી હાથ આવતી નહીં,
સવારની વેળા ટ્રેન, બસ કે રિક્ષા પકડતી આવજે.’

(કવિમિત્રોની ક્ષમા સાથે...આ બધી દોડાદોડીમાં કોઈ કવિનું નામ પણ ન લખાયું. જેમને યાદ હોય તે લખી મોકલશે તો હું એમની આભારી રહીશ.)