રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

દાંત પડાવવાનો લહાવો

આંખ, કાન કે નાકના ડૉક્ટરને ત્યાં આપણે જઈએ તો ડૉક્ટર આપણી આંખ નથી કાઢી લેતા કે કાન–નાક કાપી નથી લેતા. પણ જો દાંતના ડૉક્ટરને ત્યાં દાંત બતાવવા જઈએ તો મોટે ભાગે ડૉક્ટર આપણા દાંત તોડી નાંખે છે ! વર્ષોથી મને સાથ આપનાર દાંતની કિલ્લેબંધીમાંથી એક કાંકરી પણ ખરે તે મને મંજૂર ન હોવા છતાં કુદરતે ન્યાય કરી જ નાંખ્યો. મારામાં ડહાપણ કે ડહાપણની દાઢ રહે તે વધારે પડતું લાગવાથી, સોજા અને સણકાના સતત હુમલા વડે મારી માનસિક તંદુરસ્તી ખોરવી નાંખી. આખરે વીલે મોંએ મારે ડૉક્ટરને ત્યાં “‘દાંત બતાવવા’ જવું જ પડ્યું.

ડૉક્ટરને ત્યાં પેશન્ટ ઘણા હતા. બધાના દાંત ગણવાની એમને ફુરસદ નહોતી ને જરૂર પણ નહોતી. સીધું પૂછી જ લેતા, ‘શું થાય છે ?’ ડૉક્ટર પર દયા કરતા હોય કે એમની પાસે દયાની ભીખ માગતા હોય એમ દરેક જણ વાંકુંચૂકું મોં કરી– મોં ફાડી, ડૉક્ટર મોં બંધ કરવાનું કહે તેની રાહ જોઈને બેસી રહેતા. મને થયું કે વારાફરતી બધાને અંદર બોલાવે એના કરતાં બહાર આવીને એક સાથે જ બધાનાં મોં ખોલાવી દે ને ટૉર્ચ લઈને ફરી વળે તો વહેલું પતે ! પણ એમાં એમના ધંધાને અસર પહોંચવાની શક્યતા વધુ હોવાથી ડૉક્ટરે પણ પોતાના મોભ્ભા મુજબ જુદા જુદા રૂમની વ્યવસ્થા રાખવી પડે.

મારો વારો આવ્યો. ડૉક્ટરે પૂછ્યું, ‘શું થાય છે ?’‘ખબર નહીં પણ બહુ દિવસથી ખવાતું નથી ને અશક્તિ બહુ લાગે છે. કોઈ વાર ચક્કર પણ આવી જાય છે. જમણા કાનમાં સણકા મારે છે. ઘણી વાર માથું દુ:ખે છે. ગળામાં પણ દુખાવો ચાલુ જ છે. વાતે વાતે રડવું પણ આવી જાય છે.’

ડૉક્ટર ભાવુક બની ગયા ને વીસરી ગયા કે, પોતે દાંતના ડૉક્ટર છે ! હજી ઘણાનાં દાંત ને ખિસ્સાં ખંખેરવાનાં બાકી છે. જે ડૉક્ટર ભલભલાના મોંમાંથી નીકળતા લોહીના રેલાને જોઈ પીગળ્યા નહીં હોય તે મારી દુ:ખભરી દાસ્તાન સાંભળીને પીગળી ગયા ! ‘તમે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું કે નહીં ? બધી ટેસ્ટ, એક્સ–રે વગેરે કરાવ્યાં કે નહીં ?’

‘એટલે જ તો અહીં આવી છું. બહુ દિવસોથી આ દાઢ બહુ દુ:ખે છે ને આ બધી તકલીફો થાય છે. ડૉક્ટર પણ અસ્સલ પેશો યાદ આવવાથી ટટાર થઈ ગયા ! મારું મોં જે ક્યારનું ચાલતું હતું તેને અટકાવીને ખોલવા કહ્યું. કોઈની સામે  આશ્ચર્યથી મોં ફાડીને જોયાનું યાદ છે, ખડખડાટ હસતી વખતે મારું મોં ખૂલી જાય છે પણ દુ:ખને લીધે મોં આખું ફાડીને દુ:ખભરી ને વળી સવાલી નજરે જોવાનો તો આ મારો પહેલો જ પ્રસંગ જ હતો !

ડહાપણ કે દોઢ ડહાપણ જ્યારે ને ત્યારે કોઈની પણ સામે વગર પૂછ્યે તરત જ બતાવી દેવાનું હોય છે પણ ડહાપણની દાઢ ખબર નહીં કેમ ઠે...ઠ નાકે (ખૂણામાં) રહેતી હશે ? જેને જોતાં, જતાં ને આવતાં ને હવે કાઢતાં પણ આટલી તકલીફ પડતી હશે ? ખેર, ડૉક્ટરને તો ખ્યાલ આવી જ ગયો. કદાચ નહીં પાડવાની હોય તો પણ ‘દાઢ કાઢવી પડશે’ એમ કહી એક ઈંજેક્શન દાંતના પારામાં લગાવી દીધું ! ‘શું આનો બીજો કોઈ ઉપાય નથી ?’ એમ પૂછવાનું મન થયું પણ ધીરે ધીરે મોંમાં ગાદી જેવું લાગવા માંડ્યું અને જીભ–ગાલ–દાંત બધું એકમેકમાં વિલીન થઈ જશે કે શું એ બીકમાં શબ્દો ગળી ગઈ. (પુરૂષોએ આ ઈંજેક્શન ઘરમાં રાખવું એવું મારું નમ્ર સૂચન છે).

બહાર દસેક મિનિટ એવી જ સ્થિતિમાં બબૂચકની જેમ બેસી રહી જ્યાં બીજા બબૂચકો પણ બેઠાં બેઠાં એકબીજાને જોઈને નજર ફેરવી લેતા હતા. મારા નામનો પોકાર થાય ત્યાં સુધીમાં તો અંદરના રૂમમાંથી આવતી હૃદયવિદારક ચીસો સાંભળ્યે રાખી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કર્યા. દર્દીઓની હિંમત ભલે ભાંગી જાય પણ ત્યાંથી કોઈથી ભાગી ન શકાય એવી સૌની હાલત હતી. મને કમને બધા ટીવી જોયે રાખતા હતા. તે સમયે એક હીરો દસ ગુંડાઓને ભારે પડતો હોય એવું ચવાઈ ગયેલું દ્રશ્ય આવતું હતું. વારાફરતી બધાનાં હાડકાં ખોખરાં કરીને તેમ જ કોઈ કોઈની તો બત્રીસી પણ હાથમાં આપીને એમને રવાના કર્યા.

પછી તો, ડૉક્ટરે હાથ ખંખેરી બાવડાં ફુલાવ્યાં ને મૂછો આમળી. મને થયું કે, અહીં આવનારા તો બધા જ શરીફ લોકો હતા ને છતાંય સામે ચાલીને પૈસા આપીને પોતાના દાંત પડાવી જતા હતા. જોકે, ડૉક્ટરને તેનું કોઈ અભિમાન નહોતું. મૂછો આમળવાનો કે બાવડાં ફુલાવવાનો પીક અવર્સમાં એમની પાસે સમય જ ક્યાં હતો ? તોય, કોઈ વાર એમને પણ મન થઈ જતું હશે.

થોડી વારે મારું નામ કોઈ લેતું હોય એવો મને ભાસ થયો. શૂળીએ ચડવા જતી હોઉં એમ મોં લટકાવી મેં અંદરના રૂમમાં પ્રવેશ કર્યો. દાંત પડાવતી વખતે ઊંઘ આવી જવાની કોઈ જ શક્યતા નહોતી છતાંય ત્યાં એક સરસ, લાંબી ને આરામદાયક ખુરશી મોજૂદ હતી, જેના પર આરામ ફરમાવતાં મારે મારો દાંત પડાવવાનો હતો ! કટોકટીના સમયે સજ્જડ પકડી રખાય એવા બે હાથા પણ ખુરશીને હતા.

હું ખુરશીમાં બેઠી તો ખરી પણ મારી નજર સતત બધે ચકળવકળ ફર્યા કરતી હતી. ઘડીકમાં આંખોને આંજી દેતી લાઈટ દેખાતી તો ઘડીકમાં સામે જ ટેબલ પર ગોઠવેલાં દાંતલેણ કે જીવલેણ શસ્ત્રો દેખાતાં. કાતર, પક્કડ, છરી વગેરે. શું ખબર કદાચ ખાનામાં રિવૉલ્વર પણ હોય ! અહીં આવવા બદલ હવે મને પસ્તાવો થવા માંડ્યો. નક્કામી આવી. ફસાઈ ગઈ. ઘરમાં એક જ અડબોથમાં કામ પતી જાત. પૈસા બચી જાત ને મામલો ઘરમાં જ પતી જાત. (એ બહાને પતિને જાત બતાવવાનો મોકો મળી જાત )!

પણ, ફક્ત દાંત દુ:ખવાને કારણે ને મારા કોઈ વાંક વગર એમ અડબોથ ખાવાની મારી જરાય ઈચ્છા નહોતી. વળી, એમાં કોને બદલે કોના દાંત પડી જાત તે કંઈ કહેવાત નહીં ને જાહેરમાં તમાશો થાત. એમ ઘણી બધી શક્યતાઓ ટાળીને અહીં આવી તે જ ઠીક છે, સમજી મન મનાવ્યું. જોકે, ક્યાંક વાંચેલું કે, દાંત પડાવતી વખતે આંખ ફાંગી થવાનો, બહેરા બનવાનો (ને મારા કેસમાં તો પતિને વિધુર બનાવવાનો ૧૦૦%) ચાન્સ સંભવી શકે એમ હતું. ડૉક્ટર વિશે મેં પૂરેપૂરી તપાસ કરી હતી. બોગસ તો નહોતા જ ને મારા દૂરના કે નજીકના દુશ્મન પણ નહોતા. તેથી ડૉક્ટરને ભગવાન ગણીને એમની ઉપર શ્રધ્ધા રાખવાની હતી. બંનેમાં ફેર એટલો જ કે, એક ઝોળી ખાલી કરે ને એક ભરે !

આખરે કટોકટીની ઘડી આવી પહોંચી. મેં ડૉક્ટરને પૂછ્યું, ‘તમને હાર્ટની તકલીફ તો નથી ને ?’ ડૉક્ટર આશ્ચર્યથી , મારા દિમાગના હોવા વિશે શંકા થવાથી–મારી સામે જોઈ રહ્યા ! ‘કેમ એમ પૂછો છો ?’ ‘ના, આ તો એવું છે કે, મને ગગનભેદી ચીસો પાડવાનો શોખ છે. માઈલો સુધી મારી ચીસ ભલભલાને ધ્રુજાવી શકે છે. દાંત પડાવતી વખતે મારાથી એ ચીસનો પ્રયોગ થઈ ગયો તો તમે ખમી શકશો ?’ ડૉક્ટરને થયું હશે કે, આનો દાંત પાડું ત્યારે નર્સને કહીશ કે, આનું ગળું દાબી રાખે ! એ જ સમયે જોકે મને પણ વિચાર આવેલો કે, ડૉક્ટર જો આસાનીથી દાંત નહીં પાડે તો ? તો હું એમનું ગળું ? (નહીં–નહીં), એમના બંને હાથ જોરમાં પકડીને એમને ધક્કો મારી દઈશ. ડૉક્ટર મારા પગની લાઈનમાં  નહોતા આવતા, જમણી બાજુએ ઊભા હતા. મારે મારો વિરોધ ચીસ વડે કે હાથ વડે જ દર્શાવવાનો હતો. (જરા વિચારો કે, દાંતની પીડા કેટલી ભયંકર હોય છે કે, દાંત તોડનારના જ દાંત ખાટા કરી નાંખવાનું મન થઈ જાય)! શું થાય ? મજબૂરીનું બીજું નામ અહિંસા હશે ?

મને તો પેલી ખુરશી જ જાદુઈ ખુરશી જેવી લાગી. એમાં બેસતાં જ ઉટપટાંગ વિચારો ચાલુ થઈ ગયા હતા. હવે મને ટુચકા યાદ આવવા માંડ્યા ! ડૉક્ટરને ખાતરી છે કે, મારો જ દાંત પાડવાનો છે ? શું ડૉક્ટર મારા મોંમાં બ્રહ્માંડદર્શન કરશે ? આટલું પહોળું મોં કરાવીને અંદર સંતરા કે મોસંબી મૂકવાના હશે ? શું એમને એટલી ખબર નહીં હોય કે, કોઈ પણ સ્ત્રીનું મોં વધારે (સમય) ખુલ્લું રાખવામાં જોખમ છે? મારું મોં ખુલ્લું રખાવીને  ફોન લેવા કે ટીવી પર મૅચ જોવા જતા રહ્યા તો ? પણ હવે શું ?

એટલામાં ડૉક્ટરે ગ્લવ્ઝ પહેર્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે, કદાચ મારું ખૂન થઈ જાય તો પણ એમના પર શક ના જાય એટલે જ ડૉક્ટરે બધી પૂર્વ તૈયારી કરી મૂકી છે. મેં આંખો મીંચી દીધી. ડૉક્ટરે કહ્યું, ‘ગભરાઓ નહીં. જસ્ટ રિલેક્સ!’ (ડૉક્ટર, તમે આવી ઘડીએ રિલેક્સ થાઓ?) મેં ખુરશીના બંને હાથા પર સજ્જડ પક્કડ જમાવી. મોંની ચામડી અંદરથી બહેરી (ખોટી) કરી હોવાથી દર્દનું નામોનિશાન નહોતું. કાન બહેરા ખબર પણ મોં બહેરું, તે તો આજે જ જાણ્યું. ડૉક્ટરે છરી ને પક્કડની મદદથી મારી દાઢને હલો કર્યું. (હલાવી)! શસ્ત્રો વાગ્યાં તો નહીં પણ દાંત સાથે ઠોકાવાના અવાજોના એટલા પ્રચંડ પડઘા પડતા હતા કે, મોટી મોટી શિલાઓ ટકરાઈને ગબડતી હોય એવો અનુભવ થયો.

મેં શરીરને અક્કડ કરીને લાકડા જેવું કરી દીધું. (પછી થઈ જાય તોય વાંધો નહીં).પણ ડૉક્ટરે જેવી પક્કડની મદદથી દાઢને પકડીને જોરમાં ખેંચી કાઢી કે, તે જ સમયે ક્યારે મારાથી ડૉક્ટરના બંને હાથો પર સખ્ખત ભીંસ અપાઈ ગઈ ને મોંમાંથી જોરદા....ર ચીસ નીકળી ગઈ તે ડૉક્ટરને પણ ખબર ના પડી. ગભરાટમાં એમના હાથમાંના ઓજારો નીચે પડી ગયાં અને મારી દાઢ તો ક્યાંય દૂર ફેંકાઈ ગઈ ! ડૉક્ટર તો એક સેકંડ પૂરતા મૂઢમતિ, બીજી સેકંડે મંદમતિ અને પછી તો સ્વસ્થ થઈને ગતિમાં આવી ગયા. તરત જ એમણે નર્સને કહ્યું, (‘આના માથામાં એક ફટકો મારો.’) ‘આમને કોગળા કરાવીને ડટ્ટો મારો.’ મને તો બધું વિચિત્ર લાગતું હતું. હું તો ઘરેથી બ્રશ કરીને આવી હતી ને કોગળા પણ કરેલા તો પણ? પછી તો, નર્સે ના ન કહી ત્યાં સુધી મેં બેસિનમાં લોહીના કોગળા ચાલુ જ રાખ્યા. નર્સ ગભરાઈ ગઈ. જો આ મરી જશે તો દાઢના ખાડાને બદલે, મારે એના નાકમાં દટ્ટા મારવા પડશે. મારી એક જ હરકતથી ડૉક્ટર ને નર્સ બંને ગભરાઈ ગયાં. મને વહેલી રવાના કરવા ડૉક્ટરે મને એમની સામે ખુરશી પર બેસવા કહ્યું.

હું સો રૂપિયાની દાઢને બદલે પાંચ પૈસાનું રૂ મોંમાં લઈને ડૉક્ટરની સામે બેઠી. ‘સૉરી ડૉક્ટર! પણ મેં તમને પહેલાં જ પૂછેલું.’ ડૉક્ટરે મને જવાબ આપ્યો નહીં પણ બધાંને પૂછતા હશે એટલે મને પણ પૂછ્યું, ‘દાંત ઘરે લઈ જવો છે ?’
‘ડૉક્ટર! એ તો ડહાપણની દાઢ હતી. નીકળતી વખતે જ પરચો બતાવી ગઈ તો હવે રાખીને પણ શું કરું ? જેટલું ડહાપણ બચ્યું છે એનાથી ચલાવી લઈશ.’

13 ટિપ્પણીઓ:

  1. બંનેમાં ફેર એટલો જ કે, એક ઝોળી ખાલી કરે ને એક ભરે ! Wah Wah !!!

    જવાબ આપોકાઢી નાખો

  2. લભખ પુરો થતામાં –મરક મરક થતાં, વાહ બોલાય ગયું રવિવારની સવાર સુધરી ગઈ. આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  3. મજા આવી ગઈ. અમે ય આ લ્હાવો લીધો છે. અને પછી પૂલ ( Bridge) અને ટોપી (Cap) લગાડવાનો પણ !
    મારું 'આંખનું ઓપરેશન' યાદ કરાવી દીધું.
    તમારા અને તમારા વાચકોના લાભાર્થે......

    આંખનું ઓપરેશન કરાવવાની જરુર ઉભી થઈ. જીંદગીનું પહેલ વહેલું ઓપરેશન. ગભરાટ તો પાર વગરનો. મીત્રોના અભીપ્રાય લીધા. જેમણે ઓપરેશન કરાવ્યું હોય તેવા સંબંધીઓ અથવા મીત્રોના સંબંધીઓ કે મીત્રોને રુબરુ મળી આવ્યો. ત્રણ ડોક્ટરોના અભીપ્રાય પણ લીધા. અને છેવટે હૃદય પર પથ્થર મુકીને ઓપરેશન કરાવવું એમ નક્કી કર્યું.

    નક્કી કરેલો દીવસ આવી ગયો. પણ એ દીવસે સખત ઠંડી પડી. રસ્તાઓ બરફથી છવાઈ ગયા. તાપમાન 20 ડીગ્રી ફે. થઈ ગયું . અને ઓપરેશન મુલતવી રાખવું પડ્યું. હૈયામાં તો જે ટાઢક થઈ છે! ભલું થજો , એ આર્કટીક પવનનું !

    પણ એ રાહત કેટલા દી? ફરી પાછી નવી મુદત નજીક આવતી ગઈ. અને ફરી રાબેતા મુજબ ગભરાટ વધતો ગયો. અને છેવટે એ સપ્પરમો દીવસ આવીને ઉભો જ રહ્યો.

    અને ખળભળાટવાળું મન વીચારે ચઢ્યું.
    ---
    અને માળું બધુંય બરાબર દેખાણું હોં! અને એ સાથે જીવનના એકમાત્ર એ ઓપરેશનનો રુવાબ ગયો; ખબર કાઢવા આવનારનાં એ ટોળાં ગયાં; એ ફળોના કરંડીયા ગયા, એ ગુલદસ્તો ગયો; એ રંગ ગયો; એ રાગ ગયો; એ સપ્સેન્સ ગયો; એ કલ્પનાની લીજ્જત ગઈ. એ લ્હાવો ગયો.

    હત્તારીની! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર !

    આખું ઓપરેશન અહીં ...
    https://dhavalrajgeera.wordpress.com/2009/02/25/eye-operation/

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. વાહ ! ડૉક્ટરની દરેક મુલાકાત એક નવો જ અનુભવ કરાવવાની સાથે કોઈક સંદેશ પણ આપી જાય ! સરસ અનુભવ. આભાર.

      કાઢી નાખો
  4. આ લેખ ઘણો જ ગમ્યો. અભિનંદન પલ્લવીબેન

    જવાબ આપોકાઢી નાખો
  5. માફ કરશો, પલ્લવીબેન નઠીં કલ્પનાબેન

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર. નામ કોઈ પણ હો, દાઢનો દુખાવો બધાનો સરખો જ હોય.

      કાઢી નાખો
  6. ‘ડૉક્ટર! એ તો ડહાપણની દાઢ હતી. નીકળતી વખતે જ પરચો બતાવી ગઈ તો હવે રાખીને પણ શું કરું ? જેટલું ડહાપણ બચ્યું છે એનાથી ચલાવી લઈશ.’
    દાંત નો દુ:ખાવો જેને થયો હોય તેને જ ખબર. સરસ લેખ, કલ્પનાબેન.

    જવાબ આપોકાઢી નાખો
  7. આભાર. મને હતું જ કે, તમે પણ ડૉક્ટરને ત્યાં ડહાપણ મૂકી આવ્યાં હશો.

    જવાબ આપોકાઢી નાખો
  8. khub j saras kataaxkatha , sunder balancing - vishay - maavajat aadhunik
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  9. નવનીત–સમર્પણમાં પ્રકાશિત થયેલો પહેલો હાસ્યલેખ. એટલે ઘણાં વર્ષો થયાં પણ વિષય તો સદાય નવો જ રે’વાનો, જ્યાં સુધી દાંત રે’વાના. આભાર.

    જવાબ આપોકાઢી નાખો