પ્રિય.....,
‘ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તારા વિના સવાર/સાંજ ડૂસકે ચડી છે.’
આજે બરાબર દસ દિવસ થયા, તારા ઘર છોડ્યાને ! હજી
સુધી મારા મોબાઈલ પર તારો એકાદ મેસેજ સુધ્ધાં નથી આવ્યો કે મિસ્ડ કૉલ પણ નહીં. તું
આમ ઘર છોડીને અચાનક જ જતી રહેશે એવું તો મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. બે વાસણ
કોના ઘરમાં નથી ખખડતાં ? ને કપરકાબી કોના ઘરમાં નથી ફૂટતાં ? તેનું આમ, મન પર
લઈને, રિસાઈને જતાં રે’વાનું ? તને તો મેં પહેલી મુલાકાતમાં જ ચેતવી દીધેલી કે,
મારા ઘરમાં બધાંને જ અવારનવાર લૂમ ને ટેટા ફોડવાની ટેવ છે. જો તું એ બધાંને
સૂરસૂરિયાં સમજી લેશે તો પછી તને કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તેમાંય મારા તરફથી તો
તને કોઈ દિવસ ફરિયાદનું કોઈ કારણ જ નહીં મળે.
મારો સ્વભાવ તો વર્ષોથી ટિચાઈ ટિચાઈને સુંવાળી
ને મઠિયા જેવો બની ગયેલો તે મારા વગર તો કોઈને ચાલે નહીં, પણ તને મારા વગર કેમ
ચાલ્યું ? તે પણ આટલા દિવસ ? મેં જોયું છે કે, તું જ્યારથી આવી છે, બે ઘડી ઠરીને
બેઠી નથી. સતત કોઈ ને કોઈ કામમાં તારા હાથ રોકાયેલા જ હોય. આટલું સુઘડ ને સુંદર ઘર
પહેલાં ક્યારેય નહોતું. દરેક વસ્તુ સામે ચાલીને મળી જાય ! કોઈની રાડારાડ નહીં કે
કોઈની ફરિયાદ નહીં. મારું તો જીવન જ તારા આવવાથી બદલાઈ ગયું. કદાચ સ્વભાવ પણ
હમણાંનો બદલાયો લાગે છે. તારા વગર ઘરમાં કોઈને ગમતું નથી, બધાં એક બીજા પર દાંતિયા
કરે છે. મારું તો એમાં કંઈ ચાલતું નથી ને તારા વગર કોઈ વાતનો પત્તો પડવાનો નથી.
‘સાંજ સઘળી ડૂબી જાયે છતાંય
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.’
તારામાં મારા જેટલી ધીરજ નહીં, બીજું શું ? તે
વગર તું આમ એક વર્ષમાં ચોથી વાર ઘર છોડીને જતી રહે ?
‘સાંજ પડતાં તને પિયર સાંભરે
ખૂણે બેસીને રડે છે ગુર્જરી.’
આજે તારા જતાંની સાથે રડવાનો વારો તો મારો આવ્યો
છે. તું સારી રીતે જાણે છે કે, તને મારા સિવાય કોઈ બોલાવવાનું પણ નથી. અહીં નવરું
જ કોણ છે ? તારી તો જાણે કે કોઈને કંઈ પડી જ નથી પણ મને એમ થાય કે, તને કેમ મારી
જરાય પડી નથી ? તેં મારી લાગણીની જરાય પરવા ન કરી ? તને શું કોઈએ કંઈ કહ્યું’તું ?
તને શું વાંકું પડ્યું તે જ મને આજ સુધી સમજાયું નથી. જરા સરખો મને ઈશારો પણ કરત,
તો હું કોઈ પણ રસ્તો કાઢત. જોકે, તારી આ જ આદત મને પસંદ નથી. કહ્યા વગર ચાલવા
માંડવાનું બસ. ધીરે ધીરે તારા માથે કામનો બોજો વધી રહયો હતો તે મારા ધ્યાનમાં જ
હતું અને તારા માટે એક હેલ્પર લાવવાનું પણ મેં વિચારી લીધેલું, બીજું તો કોણ
વિચારે ? તેં જોકે ઉતાવળ કરી નાંખી. મને તારી આ વાત પર ઘણી વાર બહુ ગુસ્સો આવી જાય
છે પણ તરત જ એમ વિચારી લઉં કે, આખરે કોઈ કેટલું સહન કરે ? એમ પણ ઘરનાંને તો મારાથી
કંઈ કે’વાય નહીં એટલે તને જ સમજાવવી–પટાવવી પડે ને ?
‘તારા જવાની સાંજ મને યાદ તો હશે, (હશે શું ? છે
જ)
આંગણાનો લીમડો એ ગઝલ ગૂંજતો હશે.’
તારા સ્વભાવની તો શું વાત કરું ? હસમુખી,
લાગણીશીલ, સમજદાર ને વળી આજના જમાનામાં તો આટલી સુલક્ષણા સ્ત્રી જ મળવી મુશ્કેલ !
એ તો નસીબદારને જ મળે. તને ખબર નહીં હોય પણ સગાંવહાલાંથી માંડીને અમને ઓળખતાં સૌ
કાયમ તારાં જ વખાણ કરતાં હોય. તારાં ઝાંઝરના ઝણકારની તો કાનને એવી ટેવ પડેલી ને
કે, સવારથી જ ભણકારા થવા માંડે કે જાણે હમણાં તું આવી. છેલ્લા દસ દિવસથી એ ભણકારા
પણ ગાયબ થઈ ગયા છે. દરેક રૂમમાં સવારથી તારું ઝપાટાબંધ ફરી વળવું, મીઠા–મધુર સ્વરે
સૌને જગાડવાં, બધાંને જોઈતી વસ્તુઓ હાથમાં ને હાથમાં આપવી વગેરે વગેરેનું લાંબું
લિસ્ટ યાદ આવે છે. ઘરનાં નગુણા લોકો સાથે ઝઘડવાનું ખૂબ મન થઈ જાય છે.
નક્કી તારી એકાદ નાનકડી ભૂલ પર જ ઘરમાંથી કોઈએ
તારું અપમાન કરીને તને દુ:ખી કરી હશે. પણ એમાં મારું તને વિનંતી કરવા સિવાય બીજું
ક્યાં કંઈ ચાલે છે ?
‘કેટલામી સાંજના(સવારના) સોગંદ દઈને કહું તને ?
એક તારી ઝંખના જેવી હતી તેવી જ છે.’
જોકે, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ ગુસ્સો
ચડે, રીસ લાગે પણ આમ તારી જેમ હું ઘર છોડીને તો હરગીઝ ન જાઉં. આ ઘરને તું તારું ઘર
નથી ગણતી ? એટલે જ આમ વારંવાર જતી રહે છે ? આમાં મને કેટલો ત્રાસ થાય છે તેનું તને
કંઈ ભાન છે ? તને ભલે અમારા વગર ચાલતું હશે પણ અમને કોઈને તારા વગર નથી ચાલતું તે
જાણી લે. તેમાં પણ મને તો નહીં જ કારણકે,
મને તો તારા જ કામની આદત પડી ગઈ છે તે બીજા
કોઈના હાથનું કામ ફાવતું જ નથી.
મને તો લાગે છે કે, મારો તો છૂટકો નથી એટલે તને
બોલાવવા હવે તો મારે જ આવવું પડશે.
તારી બધી શરતો મને મંજૂર છે એટલે મહેરબાની કરીને
કાલથી કામ પર આવવા માંડ જેથી મારી સાથે ઘરમાં પણ બધાંને શાંતિ. મારાથી એકલીથી હવે
બધે પહોંચી નથી વળાતું તેથી જ વારંવાર કહું છું, ‘હવે તો આવ ઓ
રૂપલી...સોમલી...દેવલી...છની...ધની...’
‘સવારે સૂરજ ઊગે ને ખૂલી જાય બારણું,
તુજ આગમનની શક્યતાને ક્યાં અવગણું ?’
અને છેલ્લે,
‘સાવ ખાલી હાથ આવતી નહીં,
સવારની વેળા ટ્રેન, બસ કે રિક્ષા પકડતી આવજે.’
(કવિમિત્રોની ક્ષમા સાથે...આ બધી દોડાદોડીમાં
કોઈ કવિનું નામ પણ ન લખાયું. જેમને યાદ હોય તે લખી મોકલશે તો હું એમની આભારી
રહીશ.)
બધાં જ હોય ઘરમાં છતાં કશું ખૂટે એવી વાત છે આ કેવડી, એના વગર ન ચાલે સાચે જ રૂપલી, સોમલી, દેવલી, છની., ધની. પોએટીક ટચ વાળો લેખ વાંચી મજ્જા આઇવી.
જવાબ આપોકાઢી નાખોઆ બહાને સૌની કથા–વ્યથાને જરા ટચ કરી લીધી. આભાર.
જવાબ આપોકાઢી નાખોVERY EXPRESSIVE!!!! :))
જવાબ આપોકાઢી નાખોBhupendra Jesrani
આભાર.
કાઢી નાખોએક કવીતાનું, સ્વાનુભવથી, આટલું સરસ અને વળી સોદાહરણ રસદર્શન કરાવવા બદલ આભાર..
જવાબ આપોકાઢી નાખોહવે તો કવીઓ કદાચ તમને, પોતાની વહાલી રચના આમ, રસદર્શન માટે મોકલશે..
આ લખાણ તમને સમીક્ષકની કક્ષામાં મુકશે..
મઝા આવી.. ગમ્યું..
..ઉ.મ..
આભાર.
જવાબ આપોકાઢી નાખોમને ખાત્રી છે કે અત્યાર સુધીમાં તમારો આ કવિતા નીતરતો લેખ વાંચીને તમારી રુપલી, સોમલી છની જે કોઈ હોય એ પાછી આવી ગઈ હશે વળી હવે તો એને હેલ્પર પણ મળશે એટલે એને અને તમને બંનેને નિરાંત.ખરેખર,સુંદર લેખ.
જવાબ આપોકાઢી નાખોતમારા સૌની શુભેચ્છા હંમેશા ફળો. જોકે, એની આવજાવ તો હેલ્પર પણ શીખી જાય ને એ તો ચાલુ જ રે’વાની.
જવાબ આપોકાઢી નાખોઆભાર.
ek navo aadhunik prayog jemaa chhelle sudhi rahasy jaalvine ante chamatkriti
જવાબ આપોકાઢી નાખોpan saadhi tethi ek kataax - vaartaanu nirmaan anaayaas thayu te maate
abhinandan - ashvin desai australia
આભાર.
જવાબ આપોકાઢી નાખો