રવિવાર, 26 જુલાઈ, 2015

અમારો ગંગારામ

એમ તો અમારો ગંગારામ મુંબઈના બીજા સખારામ, ગંગારામ કે શંકર, મહાદેવ જેવો જ. ઘરમાં હોય ત્યારે ટી–શર્ટ ને હાફ પૅંટમાં હોય અને ઘરની બહાર નીકળે એટલે ફુલસ્લીવ શર્ટ અને ફુલ પૅંટમાં આવી જાય. તબિયતે હટ્ટોકટ્ટો તો ન કહેવાય પણ સુકલકડી પણ ન કહેવાય તેવો. એ ભાગ્યે જ માંદો પડે એમ કહેવા કરતાં એવું કહેવું વધારે સારું કે, અમે એને માંદો પડવા જ નથી દેતાં ! તમારા માનવામાં નથી આવતું ? જુઓ, કઈ રીતે.

ગઈ કાલે જ ગંગારામે ઘરમાં દાખલ થતાંની વારમાં જ છીંક ખાધી. એની એક જ છીંકથી ઘરમાં હાજર સૌના કાન ઊંચા થઈ ગયા ! ‘ગંગારા.....મ ! શું ખાધું કાલે ?’
‘કંઈ નહીં, તમે આપેલું તે જ.’
‘તો પછી શરદી કેમ થઈ ગઈ ?’
‘એ તો જરા વરસાદમાં ભીંજાઈ ગયેલો.’
‘હજાર વાર કહ્યું છે, છત્રી લઈ જતાં શું થાય છે? ચાલ હવે, મસાલાવાળી ચા બનાવી દઉં છું. પીને પછી કામ કર. ને જો, ચા સાથે આ ગોળી ભૂલ્યા વગર લઈ લેજે. આજનો દિવસ કપડાં પલાળવાનું માંડી વાળજે. હું મશીનમાં નાંખી દઈશ.’

ગંગારામની બીજી છીંકે, ઘરના બીજા સભ્યે કેસ હાથમાં લીધો.
‘આ લે ગંગારામ, આ સૂંઠની ગોળી ગળી જા ને આ તારું, સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી. કલાકે કલાકે આ જ પાણી પીતો રહેજે. જો તારી શરદી આમ છૂ થઈ જશે.’ (પણ હજી મને શરદી તો થવા દો!)

ગંગારામની ત્રીજી છીંકે, ઘરનું ત્રીજું સદસ્ય કૂદી પડ્યું.
‘આ બધાથી ક્યારે તારી શરદી સારી થવાની ? લે આ બામ નાક પર, નાકમાં, ગળા પર(ને ગળામાં !) હમણાં જ લગાવી દે. ગૅસ પર મેં ગરમ પાણી પણ મૂક્યું છે, પછી માથે કપડું ઢાંકીને વરાળ લઈ લેજે. શરદી શું શરદીનો બાપ પણ નહીં આવે જોઈ લેજે.’ ગંગારામને નાકમાં સળવળાટ જેવું લાગ્યું પણ એણે નાકને ચીમટો ભરી લીધો.

પછી તો,આખો દિવસ ગંગારામને છીંક આવવાની જ સૌએ રાહ જોયા કરી ! હજી કોઈ પ્રયોગ બાકી હોય કે યાદ હોય તો અજમાવી જોવાય, બીજું કંઈ નહીં. પણ સાંજ સુધીમાં સૌના સારા નસીબે ગંગારામની શરદી તો છૂ થઈ ગઈ ! (કારણ તો બીજું કંઈ નહીં પણ, દર વખતે છીંક આવવા પહેલાં જ ગંગારામ જોરમાં નાક દબાવી દેતો. (પોતાનું !)

હવે આ ગંગારામની, દિવાળીના દિવસોમાં કેવી કાળજી રખાતી હશે ?

‘ગંગારામ....આપણે દિવાળીનું કામ ક્યારથી શરૂ કરીએ? તને ફાવે એ દિવસથી કરવા માંડીએ.’ (કાયમ પણ તું જ હોય છે ને દિવાળીમાં પણ તું જ બૉસ છે એટલે આમાં મારી મરજી ક્યાં ચાલે ?)
‘બેન, બે–ત્રણ દિવસ હું જરા મારે ગામ જઈ આવું પછી કરીએ.’ ( હાય હાય ! કામના ટાઈમે જ તને ગામ જવાનું સૂઝ્યું ? પહેલેથી કહેવા માંડેલું કે, આ વખતે દિવાળીનું કામ વહેલા કરી નાંખવાનું છે. પણ તને તો દર વખતે ઘરણ વખતે જ સાપ કાઢવાની ટેવ પડી ગયેલી તે એમ થોડી જાય ? હવે આવી રહ્યો તું !)
‘ચાલશે. જોજે હં પછી, ત્રણના તેર નહીં કરતો, દિવાળી તો આ આવી ગઈ જાણે.’
(મરી ગ્યો કામના ટાઈમે જ બેસી પડ્યો. હવે છેલ્લી ઘડીએ કોણ મળવાનું?)

‘બેન, જરા બે હજાર રૂપિયા આપજો ને. ઘરનાં લોકો માટે દિવાળીનું કંઈ લઈ જાઉં.’ (એ તો હું જાણતી જ હતી. મોકાનો ફાયદો તું નહીં ઉઠાવે તો કોણ ઉઠાવશે ? લે ભાઈ લે.)
‘આ લે બે હજાર ને મારા તરફથી પાંચસો તારા છોકરાંઓને ફટાકડાના, તારી ભાભી તરફથી સાડી ને હજાર રૂપિયા તારી ઘરવાળીને. એ તો ઘરની સ્ત્રી જ જાણે, ઘરમાં કેટલો ખર્ચો થાય તે. અને તારા સાહેબે બે હજાર આપ્યા છે. દિવાળીમાં બઘાંને મન થાય એ તો. જા હવે, વહેલો જા ને વહેલો આવજે પાછો.’ (તને જવા તો દઉં છું પણ તું આવે તો મારે ચોખ્ખા ઘીનો દીવો આ મોંઘવારીમાં કરવો પડશે. તને નફ્ફટને તો કંઈ પડી જ નથી. તે વગર તું આમ ખરા ટાઈમે અમારું નાક દબાવે ?)

અઠવાડિયું તો જેમતેમ, ભારે ઉચાટમાં નીકળ્યુ. ગંગારામનો મોબાઈલ પણ બંધ ! હવે ? દિવાળીની સાફસફાઈનું શું ? (બધાંને ના પાડેલી, બહુ મોટાભાઈ થઈને બધું લુંટાવવા નહી બેસી જતાં. પણ મારું કોણ સાંભળે ? થઈ રહી હવે સાફસફાઈ! )

અચાનક ઘરમાં ગંગારામની એન્ટ્રી થઈ અને સૌના જીવમાં જીવ આવ્યો.
‘આવી ગયો ભઈલા ? કેમ છે ઘરમાં બધા મજામાં ? હવે આજથી દિવાળીનું કામ શરૂ કરીએ ?’ (તું કહે તો હું તારી આરતીનો થાળ તૈયાર કરું પણ હવે કંઈ બોલતો નહીં. )
‘હા બેન, બે દિવસમાં બધું કામ પતાવી દઈએ. પછી મારા ભાઈ–ભાભી આવવાના છે, દિવાળી કરવા એટલે હું ચાર દિવસ આવવાનો નથી.’
‘દિવાળીમાં પણ રજા?’ (બહુ ફટવી માર્યો છે બધાંએ ભેગાં થઈને. લો હવે ભોગવો. કામના દિવસોમાં ને તહેવારના દિવસોમાં કામ નહીં આવે તે શું કામના ? હવે અમારે શું કરવું ?)

ગંગારામની મહેરબાનીને લીધે અમારે દિવાળીના ચાર દિવસ કશે જતાં રહેવું પડે, નહીં તો અહીં બધું કામ કોણ કરે ?

તમારે ત્યાં ગંગા કે ગંગારામની કહાણીમાં  કંઈ ફેર છે?

રવિવાર, 19 જુલાઈ, 2015

સાહેબની ફરિયાદપેટી

‘સાહેબ.’
‘શું છે સવાર સવારમાં ?’
‘સાહેબ, તમારી ફરિયાદ...’
‘કોણ છે મારી ફરિયાદ કરવાવાળું ?’
‘ના સાહેબ, તમારી એટલે કે લોકોની ફરિયાદ..’
‘લોકોની ફરિયાદ એટલે મારા માટે જ હશે ને ? કોણ છે મારી ફરિયાદ કરવાવાળું?’
‘ના સાહેબ, એટલે કે લોકોની ફરિયાદવાળી પેટી છે ને તે...’
‘તે શું ? એ પેટી કોઈ ઊઠાવી ગયું એમ ? છો ઊઠાવી ગયું તો. બધી પંચાત જ ગઈ. જ્યારે ફરિયાદપેટી જ નહીં રહે તો પછી કોની ફરિયાદ પર ધ્યાન આપવાનું ?’
‘ના સાહેબ, એમ નહીં. બહાર તમે જે ફરિયાદપેટી મુકાવી છે ને તેમાંથી..’
‘અલ્યા, તું ક્યારનો અડધી વાતે અટક્યા કરે છે, તે એક વારમાં જ બધું ભસી મર ને. શું છે મારી એટલે કે લોકોની ફરિયાદપેટીની વાત ? હવે જે હોય તે એક વારમાં જ બધું બકી દે. સવારથી મારી ફરિયાદ–તમારી ફરિયાદ કર્યા કરે છે તે, તું તો ગુંચવાય સાથે મને બી ગૂંચવે ! ચાલ જલદી કર, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો.’
‘સાહેબ, પેલી તમારી ફરિયાદપેટી છે ને, તે તો હવે ઉભરાવા માંડી છે. બધી ફરિયાદો નીચે પડી જાય છે કાં ઊડી જાય છે.’
‘એમ ? લોકોની ફરિયાદો ઊભરાઈ ઊભરાઈને ઊડી રહી છે ? લાવ જોઉં, હજી દસ મિનિટ છે મારી પાસે. જા પેલી ફરિયાદો લઈ આવ.’
‘સાહેબ, એટલે ફરિયાદપેટી જ ને ?’
‘અલા ડોબા, મારી પાસે એ બધી ફરિયાદો જોવાનો કે એમના પર ધ્યાન આપવાનો ટાઈમ છે ? તું જુએ છે ને, સવારથી મારે કેટલાં કામ છે તે ? પેલી બહાર પડેલી કે ઊડી ગયેલી ફરિયાદો લઈ આવ જા. જલદી કરજે પાછો.’
‘તો સાહેબ, પેટીમાંની ફરિયાદો ?’
‘પેટીમાં કોઈ નવી ફરિયાદો નહીં હોય. જે બધી બહાર ઊભરાઈને ઊડી છે તેમાંની જ કૉપીઓ હશે. તું જા તારી મેળે, કહું તેમ કર. વધારે ડહાપણ નહીં કર.’
‘લો સાહેબ, આ દસેક કાગળિયા મળ્યા છે. જોઈ લો.’
‘તું આજકાલ બહુ દોઢડાહ્યો થઈ ગયો છે. મેં કોઈ દા’ડો લોકોની ફરિયાદો વાંચી છે ? તું વાંચતો જા, હું સાંભળતા સાંભળતા નાસ્તો પતાવી દઉં.’
‘ભલે સાહેબ, પહેલી ફરિયાદ છે કે, તમે કોઈનું સાંભળતા નથી.’
‘ભલે, આગળ બોલ.’
‘આમાં બીજું કંઈ નથી લખ્યું સાહેબ. પણ તમારે આના જવાબમાં કંઈ નથી કહેવું ?’
‘મારે તને જવાબ નથી આપવાનો. તું તારે ફરિયાદ વાંચ.’
(સાહેબ, હું પણ પ્રજામાં જ ગણાઉં ને ? મારે પણ ફરિયાદો હોય ને ? મારું ક્યારે સાંભળશો ?)
‘સાહેબ, બીજી ફરિયાદ છે કે, તમે ઓફિસમાં કે ઘરે કોઈને મળતા નથી.’ (કે પછી, કોઈને દેખાતા નથી !)
‘તું વાંચતો રહે, હું સાંભળું છું.’
‘‘સાહેબ, મારે તો જોયા કરવું પડે ને ? તમને કંઈ જોઈતું કરતું હોય કે પછી તમારું ધ્યાન ફરિયાદો સાંભળવામાં તો છે ને ?’
‘તને છે ને, મારે બીજી કોઈ જગ્યાએ મૂકી દેવો પડશે. બહુ વધારે પડતા લવારા કરવા માંડ્યો છે. વધારે પડતા હોશિયાર લોકોને હું મારી આજુબાજુ ભટકવા નથી દેતો.’
‘ભૂલ થઈ ગઈ સાહેબ, હવે નહીં બોલું.’
‘ચાલ આગળ વાંચ બીજી ફરિયાદ.’
‘બીજી નહીં સાહેબ, ત્રીજી ફરિયાદ.’
‘જો પાછો. ફરિયાદ વાંચ. તારી પાસે આ સ્માર્ટફોન આવ્યા પછી તું વધારે પડતો સ્માર્ટ થઈ ગયો છે તે મારા ધ્યાનમાં છે.’
‘ના સાહેબ એવું કંઈ નથી. આજકાલ તો સ્માર્ટ લોકોનો જ જમાનો છે.’
‘તું ફરિયાદ વાંચે છે કે ? મારો નાસ્તો થઈ ગયો છે. મારી બૅગ લાવ ને ડ્રાઈવરને ગાડી લાવવા ફોન કર જા. બાકીની ફરિયાદ હવે કાલે આવીને.’
‘સાહેબ, તમારે તો બે દિવસ પછી કૉન્ફરન્સમાં જવાનું છે.’
‘હા, પણ મારે આજે અરજન્ટ મિટિંગ છે તો જવું જ પડશે. કાલે રાતે આવી જઈશ.’
‘સાહેબ, ગાડી આવે એટલી વારમાં બાકીની ફરિયાદો ફટાફટ વાંચી લઉં ?’
‘આજે તું મને નહીં છોડે કે ? ચાલ વાંચ જલદી.’
‘સાહેબ, તમે ફકત વચનો આપો છો, અમલદારો પાસે પણ એનો અમલ નથી કરાવતા.’
‘આ તું કહે છે કે કાગળમાં લખ્યું છે ? ચાલ વાંચ, આગળ શું લખ્યું છે ?’
‘સાહેબ, મારાથી કેમ કંઈ બોલાય ? નોકરીનો સવાલ છે. આ તો હું આમાં લખેલું જ વાંચું છું.’
‘ચાલ બોલ ભાઈ બોલ, તું તો આજે મારું માથું ખાઈ જવાનો.’
‘સાહેબ, હજી તો ત્રણ જ ફરિયાદો થઈ છે એટલામાં જ કંટાળી ગયા ?’
‘તું બોલે છે કે હું જાઉં ? ગાડી આવી ગઈ હશે. મને જવા દે એના કરતાં.’
‘સાહેબ, હવે વચ્ચે કંઈ નહીં બોલું. આટલી ફરિયાદો સાંભળી લો. ફરી ક્યારે તમને ટાઈમ મળે– ન મળે.’
‘હંઅઅ.. એ બરાબર. ચાલ હવે ફરિયાદવાળું પતાવ વહેલું.’
‘સાહેબ, (એમ કંઈ વહેલું નહીં પતે) તમને કોઈ કહેવાવાળું નથી એટલે તમે તમારી મનમાની કરો છો.’
‘ઉહ્હુ.ઉહ્હુ...પાણી લાવ.’
‘સાહેબ ઉધરસ થઈ ગઈ ? કે કોઈ યાદ કરે છે ?’
‘ચાલ તું વાંચ ભાઈ વાંચ. ઉહ્હુ.. ઉહ્હુ..મારું માથું ભારે થવા માંડ્યું છે.’
‘સાહેબ, માંડી વાળું ?’
‘ના વાંચ, તું પણ પ્રજાનો પ્રતિનિધી છે. તારો હક છે બોલવાનો–લખવાનો–ફરિયાદ કરવાનો ને વિરોધ કરવાનો. હું તો પ્રજાનો નોકર છું–સેવક છું. તું તારે બોલતો રહે. કેટલું સાંભળવું ને કેટલી ફરિયાદો પર ધ્યાન આપવાનું તે મારે નક્કી કરવાનું છે. તું બોલ હું સાંભળું છું.’
‘સાહેબ, પતી ગયું.’
‘હેં ? શું પતી ગયું ?’
‘કંઈ નહીં સાહેબ, મારું બોલવાનું પતી ગયું એમ. ચાલો, ગાડી આવી ગઈ. ફરિયાદોની વાત બીજી કોઈ વાર.’
‘હા...શ છૂટ્યો !’

રવિવાર, 5 જુલાઈ, 2015

બોલો, સિંગાપોર નામ કઈ રીતે પડ્યું ?

નાનપણમાં સાંભળેલી પેલા ગીતની કડીને હું વર્ષો સુધી લલકારતી રહેલી ‘જીવનમેં એક બાર આના સિંગાપો..ર’, તોય કોઈને એમ નો’તું સૂઝ્યું કે, આને બે–ચાર દિવસ સિંગાપોર રવાના કરી દઈએ. માથું ખાતી તો બંધ થાય. આખરે મારા દીકરાને એના પપ્પાની દયા આવતાં, એણે વહેલી તકે સિંગાપોરની નોકરીની તક ઝડપી લીધી ને મને ત્યાં બોલાવી લીધી. ‘મમ્મી, હવે પ્લીઝ આ ગીત નહીં ગાતી.’ મેં કહ્યું, ‘ના રે, હું કંઈ ગાંડી છું ? સિંગાપોર જોવાઈ જતાં વાર. બીજાં ગીતો મેં શોધી જ રાખ્યાં છે. તું તારે નોકરીઓ બદલ્યા કરજે.’ જવાબમાં વહુએ રેકોર્ડેડ મેસેજ સંભળાવી દીધો, ‘યહ સેવા ઉપલબ્ધ નહીં હૈ.’ મેં કહ્યું, ‘કંઈ વાંધો નહીં. હજી મારી એવી કોઈ ઉંમર નથી થઈ ગઈ ને મને ચાર ધામની જાત્રાની ઉતાવળેય નથી. આપણે નિરાંતે જઈશું.’ એ લોકોના મોં પર આવેલા આશ્ચર્યના ભાવોની મને ક્યાં પરવા હતી ?

મેં તો બીજે દિવસથી ફરી ફરીને સિંગાપોર વિશેની મળે એટલી માહિતી મેળવવા માંડી. પહેલાં તો રસ્તામાં જે સામે દેખાય તેને ઊભા રાખીને પૂછું, ‘વ્હાય નેઈમ સિંગાપોર ?’ (જેવું એ લોકોનું ઈંગ્લિશ તેવું જ મારું ઈંગ્લિશ.) ‘સિંગાપોર ! વ્હોટ સિંગાપોર ? દિસ ઈઝ સિંગાપોર. નો અધર નેમ.’ બીજાએ વળી થોડું વિસ્તારીને કહ્યું, ‘નો વ્હાય. સિંગાપોર ઈઝ સિંગાપોર. નો સ્તોરી અબાઉત સિંગાપોર.’ ભીંત સાથે માથું અફાળવા કરતાં હું અહીંની ફેમસ નૅશનલ લાઈબ્રેરીમાં જઈ સિંગાપોરની હિસ્ટરીના ચાર–પાંચ થોથાં ઊંચકી લાવી. નામનું ચૅપ્ટર કાઢતાં કાઢતાં તો મેં બીજું બધું વાંચવામાં ને ફોટા જોવામાં અઠવાડિયું કાઢી નાંખ્યું !

દીકરાને મારી દયા આવતાં ને મારો સ્વભાવ જાણતાં એણે પાંચ મિનિટમાં જ  સિંગાપોરની સાઈટ ખોલી ને સિંગાપોરના નામની કથા મારી સામે ધરી દીધી. ‘ઓહ્હો ! એમ વાત છે ત્યારે !’ વાંચતાં વાંચતાં મારા મોંમાંથી ઉદ્ગારો સરતા રહ્યા. આવું તો આપણે પણ કરી શકીએ. નામ પાડવાનું તેમાં શી મોટી ધાડ મારવાની ? હું તો કોઈ પણ બાળકની રાશિ જાણતાંવેંત એના સંભવિત નામોનું લાંબું લિસ્ટ ધરી શકું એટલાં નામો મારી પાસે હાજર સ્ટૉકમાં હોય છે. એ તો કોઈ મારી સેવા લેવા માટે એટલે તૈયાર નથી થતું કે, એમને મારા પાડેલા નામમાં ભલીવાર નથી લાગતો. જૂનાં લાગે છે. એમને તો, સંક્રાંતપ્રિયા, દીપશિખામાલા, અમાસવતી, ગંધવતી, અગ્રદંતાવલિ કે સાર્થ, સૂસૂમાકર, ભયહીન કે ગંધમર્દન જેવાં અલ્ટ્રામોડર્ન નામો પસંદ હોવાથી મારી પસંદ મેં મારી પાસે જ રાખી મૂકી.

હં... તો સિંગાપોરનું નામ કઈ રીતે પડ્યું ? કોલંબસે અમેરિકાની શોધ કરી પછી ઘણાને થયું હશે કે, એમાં શું ? કોલંબસની પહેલાં આપણે પહોંચ્યાં હોત, તો અમેરિકા સાથે આપણું નામ જોડાત ! તેવું જ, સફરજનને ઝાડ પરથી પડતાં તો આપણા જેવા ઘણા નવરા લોકોએ જોયું હશે. ફરક એટલો કે, આપણે કેરી, ચીકુ, બોર કે જમરૂખ પડતાં જોયું હોય પણ નવરા બેસવા છતાં આપણને વિચારવાની ટેવ નહીં પરિણામે ગુરુત્વાકર્ષણનો મહાન ને વિશ્વપ્રસિધ્ધ નિયમ ન્યૂટનના નામે ચડી ગયો ! સિંગાપોરના નામનું પણ એવું જ થયું.

સંસ્કૃતના કોઈ મહાન, વિદ્વાન પંડિત એક સમયે ભારત દેશના કોઈ રાજાના કહેવાથી સંસ્કૃતના પ્રચારાર્થે ફૉરેન ટૂર પર નીકળ્યા. એશિયા ખંડના જુદા જુદા ટાપુઓને જોતાં જોતાં એમના મોંમાંથી સંસ્કૃતના જાતજાતના શબ્દો નીકળવા માંડ્યા. સિંગાપોર(તે વખતે નામ વગરની જગ્યા)માં ફરતી વખતે અચાનક જ એમની પાછળ સિંહોના ટોળાએ દોટ મૂકી ને જેમ તેમ જીવ બચાવવામાં એમના મોંમાંથી એક જ શબ્દ નીકળ્યા કરતો હતો, ‘સિંહપુર– સિંહપુર.’ હવે તે સમયે એમને લાગ્યું કે, સિંહોનું પૂર આવ્યું થવા તો આ સિંહોનો દેશ છે સમજીને મણે દોટ મૂકી હશે. સાંભળવાવાળાએ અપભ્રંશ કરીને સિંગાપોર કરી નાંખ્યુ. દુ:ખ એક જ વાતનું છે કે, પેલા વિદ્વાન પંડિતનું નામ સિંગાપોરની સાથે લાગતાં જરાક માટે જ રહી ગયું ! બાકી, દુનિયામાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે લખાત. ખેર, સંસ્કૃત ભાષા પોતાની છાપ છોડવામાં કામિયાબ રહી એટલું આશ્વાસન.

બીજી એક વાર્તા એવી પણ છે કે, આપણા બિહારીબાબુઓ શિંગચણાનો પ્રચાર કરવા એશિયાખંડમાં નીકળી પડેલા. એક એક બાબુ દસ દસ જણાને બોલાવતો થયો ને ધંધાનો ખાસ્સો એવો વિસ્તાર થવાથી, એમણે શિંગ ને ચણાને અલગ અલગ પુડીઓમાં ભરીને વેચવા માંડ્યા. બોલતી વખતે એ લોકો લાંબા લહેકાથી બોલતા, ‘શિંગપુડી....ચનાપુડી....’. હવે એમાં ‘ચનાપુડી’ કદાચ ચીના શબ્દની બહુ નજીક લાગવાથી કે બીજા કોઈ અંગત કારણથી, પેલા નામ વગરના એરિયામાં શિંગપુડી બધાંને ગમી ગઈ ને એમણે અપનાવી લીધી. બોલવાની પ્રેક્ટિસ કરતાં કરતાં એ સિંગાપોર બની ગયું એવું જાણકારોનું કહેવું છે ! આમ સિંગાપોરના નામકરણમાં ભારતીયોનો સિંહફાળો હોવાથી મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું.

પછી તો, ત્યાંના બાળકોને મેં આ નામકહાણી કહેવાની જ્યારે જ્યારે શરૂ કરેલી, ત્યારે ત્યારે એ લોકોએ મારાથી મોં ફેરવીને એકબીજા સામે જોઈ જાતજાતના ચાળા કરેલા. કોઈ વિદેશી એમના દેશનું નામ પણ લે તે એમને ગમતું નહીં હોય ? કે પછી એમને પણ એમના દેશના ભવ્ય ભૂતકાળમાં રસ નહીં હોય ? કોણ જાણે !

એક વાતે મને આનંદ થયો કે, ભાષાની મસાલેદાર ખીચડી તો ત્યાં પણ છે. જેવું આપણું ગુજલિશ ને હિંગ્લિશ, તેવું ત્યાંનું સિંગ્લિશ !

kalpanadesai.in@gmail.com