રવિવાર, 19 જુલાઈ, 2015

સાહેબની ફરિયાદપેટી

‘સાહેબ.’
‘શું છે સવાર સવારમાં ?’
‘સાહેબ, તમારી ફરિયાદ...’
‘કોણ છે મારી ફરિયાદ કરવાવાળું ?’
‘ના સાહેબ, તમારી એટલે કે લોકોની ફરિયાદ..’
‘લોકોની ફરિયાદ એટલે મારા માટે જ હશે ને ? કોણ છે મારી ફરિયાદ કરવાવાળું?’
‘ના સાહેબ, એટલે કે લોકોની ફરિયાદવાળી પેટી છે ને તે...’
‘તે શું ? એ પેટી કોઈ ઊઠાવી ગયું એમ ? છો ઊઠાવી ગયું તો. બધી પંચાત જ ગઈ. જ્યારે ફરિયાદપેટી જ નહીં રહે તો પછી કોની ફરિયાદ પર ધ્યાન આપવાનું ?’
‘ના સાહેબ, એમ નહીં. બહાર તમે જે ફરિયાદપેટી મુકાવી છે ને તેમાંથી..’
‘અલ્યા, તું ક્યારનો અડધી વાતે અટક્યા કરે છે, તે એક વારમાં જ બધું ભસી મર ને. શું છે મારી એટલે કે લોકોની ફરિયાદપેટીની વાત ? હવે જે હોય તે એક વારમાં જ બધું બકી દે. સવારથી મારી ફરિયાદ–તમારી ફરિયાદ કર્યા કરે છે તે, તું તો ગુંચવાય સાથે મને બી ગૂંચવે ! ચાલ જલદી કર, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો.’
‘સાહેબ, પેલી તમારી ફરિયાદપેટી છે ને, તે તો હવે ઉભરાવા માંડી છે. બધી ફરિયાદો નીચે પડી જાય છે કાં ઊડી જાય છે.’
‘એમ ? લોકોની ફરિયાદો ઊભરાઈ ઊભરાઈને ઊડી રહી છે ? લાવ જોઉં, હજી દસ મિનિટ છે મારી પાસે. જા પેલી ફરિયાદો લઈ આવ.’
‘સાહેબ, એટલે ફરિયાદપેટી જ ને ?’
‘અલા ડોબા, મારી પાસે એ બધી ફરિયાદો જોવાનો કે એમના પર ધ્યાન આપવાનો ટાઈમ છે ? તું જુએ છે ને, સવારથી મારે કેટલાં કામ છે તે ? પેલી બહાર પડેલી કે ઊડી ગયેલી ફરિયાદો લઈ આવ જા. જલદી કરજે પાછો.’
‘તો સાહેબ, પેટીમાંની ફરિયાદો ?’
‘પેટીમાં કોઈ નવી ફરિયાદો નહીં હોય. જે બધી બહાર ઊભરાઈને ઊડી છે તેમાંની જ કૉપીઓ હશે. તું જા તારી મેળે, કહું તેમ કર. વધારે ડહાપણ નહીં કર.’
‘લો સાહેબ, આ દસેક કાગળિયા મળ્યા છે. જોઈ લો.’
‘તું આજકાલ બહુ દોઢડાહ્યો થઈ ગયો છે. મેં કોઈ દા’ડો લોકોની ફરિયાદો વાંચી છે ? તું વાંચતો જા, હું સાંભળતા સાંભળતા નાસ્તો પતાવી દઉં.’
‘ભલે સાહેબ, પહેલી ફરિયાદ છે કે, તમે કોઈનું સાંભળતા નથી.’
‘ભલે, આગળ બોલ.’
‘આમાં બીજું કંઈ નથી લખ્યું સાહેબ. પણ તમારે આના જવાબમાં કંઈ નથી કહેવું ?’
‘મારે તને જવાબ નથી આપવાનો. તું તારે ફરિયાદ વાંચ.’
(સાહેબ, હું પણ પ્રજામાં જ ગણાઉં ને ? મારે પણ ફરિયાદો હોય ને ? મારું ક્યારે સાંભળશો ?)
‘સાહેબ, બીજી ફરિયાદ છે કે, તમે ઓફિસમાં કે ઘરે કોઈને મળતા નથી.’ (કે પછી, કોઈને દેખાતા નથી !)
‘તું વાંચતો રહે, હું સાંભળું છું.’
‘‘સાહેબ, મારે તો જોયા કરવું પડે ને ? તમને કંઈ જોઈતું કરતું હોય કે પછી તમારું ધ્યાન ફરિયાદો સાંભળવામાં તો છે ને ?’
‘તને છે ને, મારે બીજી કોઈ જગ્યાએ મૂકી દેવો પડશે. બહુ વધારે પડતા લવારા કરવા માંડ્યો છે. વધારે પડતા હોશિયાર લોકોને હું મારી આજુબાજુ ભટકવા નથી દેતો.’
‘ભૂલ થઈ ગઈ સાહેબ, હવે નહીં બોલું.’
‘ચાલ આગળ વાંચ બીજી ફરિયાદ.’
‘બીજી નહીં સાહેબ, ત્રીજી ફરિયાદ.’
‘જો પાછો. ફરિયાદ વાંચ. તારી પાસે આ સ્માર્ટફોન આવ્યા પછી તું વધારે પડતો સ્માર્ટ થઈ ગયો છે તે મારા ધ્યાનમાં છે.’
‘ના સાહેબ એવું કંઈ નથી. આજકાલ તો સ્માર્ટ લોકોનો જ જમાનો છે.’
‘તું ફરિયાદ વાંચે છે કે ? મારો નાસ્તો થઈ ગયો છે. મારી બૅગ લાવ ને ડ્રાઈવરને ગાડી લાવવા ફોન કર જા. બાકીની ફરિયાદ હવે કાલે આવીને.’
‘સાહેબ, તમારે તો બે દિવસ પછી કૉન્ફરન્સમાં જવાનું છે.’
‘હા, પણ મારે આજે અરજન્ટ મિટિંગ છે તો જવું જ પડશે. કાલે રાતે આવી જઈશ.’
‘સાહેબ, ગાડી આવે એટલી વારમાં બાકીની ફરિયાદો ફટાફટ વાંચી લઉં ?’
‘આજે તું મને નહીં છોડે કે ? ચાલ વાંચ જલદી.’
‘સાહેબ, તમે ફકત વચનો આપો છો, અમલદારો પાસે પણ એનો અમલ નથી કરાવતા.’
‘આ તું કહે છે કે કાગળમાં લખ્યું છે ? ચાલ વાંચ, આગળ શું લખ્યું છે ?’
‘સાહેબ, મારાથી કેમ કંઈ બોલાય ? નોકરીનો સવાલ છે. આ તો હું આમાં લખેલું જ વાંચું છું.’
‘ચાલ બોલ ભાઈ બોલ, તું તો આજે મારું માથું ખાઈ જવાનો.’
‘સાહેબ, હજી તો ત્રણ જ ફરિયાદો થઈ છે એટલામાં જ કંટાળી ગયા ?’
‘તું બોલે છે કે હું જાઉં ? ગાડી આવી ગઈ હશે. મને જવા દે એના કરતાં.’
‘સાહેબ, હવે વચ્ચે કંઈ નહીં બોલું. આટલી ફરિયાદો સાંભળી લો. ફરી ક્યારે તમને ટાઈમ મળે– ન મળે.’
‘હંઅઅ.. એ બરાબર. ચાલ હવે ફરિયાદવાળું પતાવ વહેલું.’
‘સાહેબ, (એમ કંઈ વહેલું નહીં પતે) તમને કોઈ કહેવાવાળું નથી એટલે તમે તમારી મનમાની કરો છો.’
‘ઉહ્હુ.ઉહ્હુ...પાણી લાવ.’
‘સાહેબ ઉધરસ થઈ ગઈ ? કે કોઈ યાદ કરે છે ?’
‘ચાલ તું વાંચ ભાઈ વાંચ. ઉહ્હુ.. ઉહ્હુ..મારું માથું ભારે થવા માંડ્યું છે.’
‘સાહેબ, માંડી વાળું ?’
‘ના વાંચ, તું પણ પ્રજાનો પ્રતિનિધી છે. તારો હક છે બોલવાનો–લખવાનો–ફરિયાદ કરવાનો ને વિરોધ કરવાનો. હું તો પ્રજાનો નોકર છું–સેવક છું. તું તારે બોલતો રહે. કેટલું સાંભળવું ને કેટલી ફરિયાદો પર ધ્યાન આપવાનું તે મારે નક્કી કરવાનું છે. તું બોલ હું સાંભળું છું.’
‘સાહેબ, પતી ગયું.’
‘હેં ? શું પતી ગયું ?’
‘કંઈ નહીં સાહેબ, મારું બોલવાનું પતી ગયું એમ. ચાલો, ગાડી આવી ગઈ. ફરિયાદોની વાત બીજી કોઈ વાર.’
‘હા...શ છૂટ્યો !’

8 ટિપ્પણીઓ:

  1. લો, બસ! અમે હવે કોઈ ફરિયાદ નહીં કરીએ !!

    જવાબ આપોકાઢી નાખો
  2. સાહેબ સારા કહેવાય, બધી ફરિયાદ સાંભળી. સરસ લેખ.

    જવાબ આપોકાઢી નાખો