રવિવાર, 24 મે, 2015

મારી સંપેતરા કહાણી

ભારતીયો જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં સંપેતરા–પ્રથાને જીવંત રાખવાના યથાયોગ્ય પ્રયાસો ચાલુ રાખે છે. પરિણામે જમાનાજૂની આ પ્રથા આજે પણ એટલો જ માન–મરતબો ધરાવે છે. જેમ દસમા–બારમાના રિઝલ્ટની જાહેરાત થતાં જ, નિર્દોષોને એમના ઉજ્જવળ ભવિષ્યની ટિપ્સ આપનારા ફૂટી નીકળે છે, તેમ જ કોઈના પરદેશ જવાની જાહેરાત થતાં જ, બાપડા–બિચારાનાં સગાં ને વહાલાં ઊંચાંનીચાં થવા માંડે છે.

મારા સિંગાપોર જવાના એક દિવસ અગાઉ અમે મુંબઈ પહોંચવાનાં હતાં. એટલે ઉચ્છલ છોડવાના આગલા દિવસે છેલ્લી છેલ્લી તૈયારીના ભાગ રૂપે ઘરનાં સૌએ મને બાનમાં લીધી. મારા માથા પર સવાર થઈને મારી ઉલટતપાસ ચાલુ કરી, ‘પાસપોર્ટ બરાબર મૂક્યો છે ? ટિકિટ ને વિઝા ક્યાં મૂક્યા જરા જોવા દે તો ! બધો સામાન હજી એક વાર ચેક કરી લે. કંઈ રહી તો નથી જતું ને ? જ્યાં જાય ત્યાં સામાનનું બરાબર ધ્યાન રાખજે.  જરા સ્માર્ટ બન. બધે આમતેમ ફાંફાં નહીં માર્યા કરતી.’ મને આજ કાર્યક્રમની બીક હતી એટલે મેં તો બાબાનું નામ લઈને ઊંડા ઊંડા શ્વાસ લેવાના ચાલુ કરી દીધા હતા. એવામાં બારણે બેલ વાગી. જોયું તો પાડોશીઓ અને સગાંઓ ! મને છેલ્લી વારનું મળવા આવેલા. વિમાનપ્રવાસનું ઠેકાણું નહીં. ઉપર ગમી ગયું તો પાછાં ન પણ આવે ! મેં તો બધાનાં હાથમાં પાર્સલ જોઈને ઊંડા શ્વાસ લેવાની સ્પીડ વધારી દીધી.

આ લોકોએ સિંગાપોરમાં પણ પોતાનાં સગાં શોધી કાઢ્યાં ? સૌને આવકારી મેં સૌનું પાણીથી સ્વાગત કર્યું. સામાન વધવાની બીકે મેં આવકારનું બીજું પગથિયું ટાળ્યું. અંદરખાને મને ગભરાટ શરૂ થઈ ગયો હતો, બધો સામાન પૅક થઈ ગયો છે ને વજન પણ બરાબર જ થઈ રહ્યું છે, ત્યારે  બધું ક્યાં મૂકીશ? વધારાના પૈસા ભરવા પડશે તે અલગ. મારી ચિંતાના જવાબ રૂપે સૌએ વારાફરતી, પોતપોતાના પાર્સલ મને આપતાં કહ્યું, ‘લ્યો, તમારા દીકરાને મારા હાથના નાસ્તા ખવડાવજો. મારે ત્યાં આવતો ત્યારે કાયમ ડબ્બા ખોલીને નાસ્તા ખાઈ જતો.’ આજે ખબર પડી કે, દીકરો ઘરમાં કેમ વરણાગી કરતો ? એકે તો, ઘરનું ચોખ્ખું ઘી અને દેશી ગોળનું પૅકેટ આપતાં કહ્યું, ‘તમારા દીકરાને ગરમ ગરમ ભાખરી બનાવીને ખવડાવો તયારે આ ઘી ખાસ ચોપડજો. ત્યાં ક્યાં આવું ઘી મળવાનું ? કોઈ વાર ગોળપાપડી બનાવો ત્યારે મને યાદ કરજો.’ આવી લસલસતી ને મીઠી મીઠી લાગણીઓની અવગણના કેવી રીતે થાય ? જે વસ્તુઓ મેં લેવાની ટાળેલી, આખરે તે જ મારે લેવી પડી. મેં બધાંને આઈસક્રીમ ખવડાવવાનું નક્કી કર્યું.

એટલું સારું કે, જમાનાઓથી ગુજરાતીઓ ઈંગ્લૅન્ડ, અમેરિકા ને દુબઈ કે કૅનેડા જઈ વસેલા એટલે સિંગાપોર વિશે ખાસ કોઈને માહિતી ન હતી. અઠવાડિયાની ટૂર કરી આવેલાંઓને પણ ગુજરાતી ભોજન ને શૉપિંગ સિવાય વિશેષ જાણકારી નહોતી. છતાંય, એક સલાહપ્રેમીથી બોલાઈ ગયું, ‘ત્યાં ગરમ પહેરવા–ઓઢવાનું સરખું લઈ જજો. નકામું હેરાન થવાનું.’ મેં મનમાં હસતાં કહ્યું, ‘સિંગાપોરમાં તો વાદળ ને વરસાદ ને તડકો ને એવું બધું. એટલે ધાબળા કે શાલ ઓઢીને ફરીએ તે સારું ન દેખાય. છત્રી જ ઓઢવી પડે ને છત્રી તો ફોરેનની જ સારી એટલે ત્યાંથી જ લઈ લઈશ.’

બધાંની વિદાય બાદ અમે નાસ્તાની અલગ બૅગ બનાવી વજન કર્યું. દસ કિલો વજન વધી ગયું. હવે ? નક્કી થયું કે, બૅગ લઈ લેવી. એરપોર્ટ પર વહેલા પહોંચી જવું. કસ્ટમના અધિકારીઓ શરૂઆતના પેસેન્જરોને ખાસ હેરાન નથી કરતા. જેમ ભીડ વધતી જાય તેમ એમનું દિમાગ છટકતું જાય, પછી એ લોકો એક એક ગ્રામનું વજન ગણતા થઈ જાય. ચાલો ત્યારે, રસ્તો નીકળતાં અમે નિરાંતે બીજે દિવસે ઉચ્છલથી રવાના થયાં.

પહેલાં તો એવો રિવાજ હતો કે, પરદેશ જનારાનો વટ પડતો. એને દહીં–જીરું, કંકુ–ચોખા નાળિયેર ને હારતોરાનાં દર્શન કરાવાતાં. શુકનના રૂપિયા પણ અપાતા. અહીં તો, કોઈને કંઈ યાદ જ નહોતું. મેં પણ મનમાં જ બધું માંડી વાળ્યું. બધી ઘડી શુભ ઘડી જ છે. આટલી બધી શુભેચ્છાઓથી તો હેમખેમ જ પહોંચી જઈશ ને ? આખરે એરપોર્ટ પર જવાનો સમય આવી ગયો અને મેં સૌની હસતાં હસતાં વિદાય લીધી. એ સૌ પણ ખુશ દેખાયાં ! આખરે સામાન ટ્રોલી પર ગોઠવી હું કસ્ટમની વિધિઓ પતાવવા ચાલતી થઈ.

એક પછી એક કોઠા પાર કરવાના હોવાથી મેં અધિકારીને ચોક્સાઈથી સામાન બતાવીને કહ્યું, ‘જોઈ લો. બધું બરાબર જ છે. હું તો મારા દીકરાને ત્યાં જાઉં છું એટલે મારી પાસે, તમે ધારો એવો કોઈ સામાન છે જ નહીં. નકામી મહેનત ના કરશો.’ મને અવગણી એમણે તો એમની ફરજના ભાગ રૂપે બૅગ ખોલાવી ને તપાસવા માંડી. આ બધા કાર્યક્રમ દરમિયાન મારા મોબાઈલ પર, પાંચથી છ ફોન આવી ગયા, ‘પેલી બૅગ ગઈ ?’ સૌને મારા કરતાં ‘પેલી બૅગ’ની ચિંતા વધારે હતી ! ઘડી ઘડી ફોન લેવામાં, ઘડીકમાં મારું પર્સ લસરી જતું તો ઘડીકમાં પાસપોર્ટ લસરી જતો. કંટાળીને મેં બૅગ તરફ જોયું. કસ્ટમ અધિકારી પેલું ઘીનું પૅકેટ નાક પાસે ધરીને ઊંડા શ્વાસ લઈ બોલ્યો, ‘જુઓ મૅડમ, આ અસલી દેશી ઘીનું પૅકેટ તમે ભૂલી જાઓ. બહુ વરસો થઈ ગયાં આવું ઘી જોયાને.’

મેં તો દેશી ઘીની ગોળપાપડીનું સપનું પેલા અધિકારીની આંખમાં જોઈ, બૅગ લગેજમાં જવા દઈ ત્યાંથી ચાલતી પકડી. ઘીના દાણા પર પણ ચાટવાવાળાનું નામ લખ્યું હશે ? ચાલો હવે, મોટું મન રાખી પ્લેનમાં પ્રવેશો, બીજું શું ?

જ્યારથી મારી ટિકિટ આવી હતી, ત્યારથી મારા મનમાં એક સવાલ ઘુમરાતો હતો, મારો સહપ્રવાસી કોણ હશે ? આજે બીજો સવાલ ઉમેરાયો, કસ્ટમ અધિકારી ઘરેથી રોજ દહીં–જીરું ખાઈને નીકળતા હશે ? મને યાદ આવી વિવેક મનહર ટેલરની આ પંક્તિઓ,

                        ‘જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
                         મને કંઈક મારામાં જડતું રહે છે.’

4 ટિપ્પણીઓ: