રવિવાર, 17 મે, 2015

એક ડોસી ડોસાને હજીય સવાલ કરે છે

ગુજરાતીના બહુ મોટા કવિ સુરેશ દલાલની બહુ જાણીતી રચના છે, ‘એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે.’ સાચી વાત છે. સ્ત્રીઓના સ્વભાવના મૂળમાં જ દયા, માયા, કરુણા, પ્રેમ ને લાગણીનો ધોધ વહેતો હોય છે. આખી જિંદગી તો ઘરનાં સૌને એ ધોધનો લાભ એણે આપ્યો હોય પછી ઘડપણમાં બાકી કોણ રહે ? તો અલો કે ડોસો જે ગણો તે. પછી ડોસીએ પેલા પ્રેમ ને લાગણી ઠાલવવાના ક્યાં ? ઘરની બહાર પણ જવાય એવું ખાસ રહ્યું ન હોય ત્યારે ડોસી ડોસાને વહાલ જ કરવાની ને ? ડોસાને પણ નિવૃત્તિમાં ઘરમાં બેસીને માખી મારવાનું સૂઝે નહીં એટલે એ પણ ડોસીને સાચવ્યા કરે. નહીં તો એનાં નખરાં કોણ ઊઠાવે ? લોકો કહે કે, કેવાં એકબીજાંને સાચવીને રહે છે ? એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે !

હકીકત એ છે કે, પરિસ્થિતિ જેવી દેખાય તેવી હોતી નથી. ડોસીનો સવાલ પૂછવાનો સ્વભાવ એમ કંઈ ઘડપણમાં બદલાઈ જતો હશે ? ભલે ને બધી વાતે હા એ હા કરે ને બધાં કામેય ડગુમગુ કરે પણ સવાલ તો પૂછવાના જ. સવાલ વગર ખાવાનું હજમ ન થાય.

જો ડોસા મોડે સુધી ઊંઘે તો સવાલ, ‘કેમ આજે ઊઠવું નથી ?’
ડોસા સવાર બગાડવા ન માગતા હોય એટલે હંમેશની જેમ મનમાં જ બબડી લે, ‘ઊઠે છે ભાઈ ઊઠે છે, બે ઘડી સૂવા દે શાંતિથી.’
ને જો વહેલા ઊઠી ગયા તો, ‘કેમ આજે કંઈ વહેલા ઊઠી ગયા ?’
‘ભૂલ થઈ ગઈ બાપા. તું કહેતી હોય તો સૂઈ રહું આખો દિવસ.’ આ તો બધું મનમાં જ હોય ને ? એ તોર–તમાશાના દિવસો તો ક્યારનાય ગયા.

વર્ષોથી ડોસા ઊઠીને પહેલાં ચા જ પીતા હોય તોય સવાલ ! ‘ચા મૂકી દઉં ?’
‘હવે ભઈ, તેમાં પણ શું પૂછવાનું ? ઊઠે એટલે ચા મૂકી જ દેવાની હોય ને ? મરવાને દા’ડે પણ જતાં પહેલાં પૂછશે કે, ‘ચા મૂકી દઉં ? કે જવાના જ ?’
અને પહેલી ચા ખાંડવાળી પીતા હોય તોય સવાલ, ‘ચામાં ખાંડ નાંખું કે ટીકડી ?’
‘આ આટલાં વરસોથી રોજ જ નવી કેમ થતી હશે ?’ ઉંમર થતાં મનમાં બબડવાની ટેવ ઘરમાં શાંતિ રાખવામાં મદદ કરે, એ ડોસાને સારી રીતે ખબર એટલે આ રમત ચાલ્યે રાખે. જવાબમાં ફક્ત હા ને ના અથવા એકાક્ષરી જવાબ આપ્યા કરવાના બસ.

આખો દિવસ આમ જ, ‘હવે કેટલી વાર ચા પીશો ? હમણાં તો પીધી.’ ને નાસ્તો મૂક્યા પછી ‘નાસ્તો હમણાં કરવાના કે નાહીને ?’ બેમાંથી જે જવાબ મળે તેનાથી ડોસીને સંતોષ કેમ થાય ભલા ? એ તો  એમ જ કહેવાનીને કે, ‘પહેલેથી કહેવું જોઈએ ને !’ વળી, જમવાનું બને એટલે જમી લેવાનું જ હોય ને ? તોય સવાલ વગર કેમ ચાલે ? ‘જમવાનું ઠંડું પડે આ ક્યારનું. હવે મેચ પછી જોયા કરજો. ચાલો તો, પછી હું પણ પરવારીને ઘડીક આડી પડું. આવો છો ને ?’ જવાબમાં ડોસા મનમાં બબડતા બબડતા હાજર થઈ જાય. ‘બરાબર વિકેટ પડવાના ટાઈમે જ બૂમાબૂમ કરે. બોલાય નહીં પાછું નહીં તો મારા ડાંડિયા ડૂલ કરી નાંખે.’ આમ જ, સવાલોથી ઘેરાયેલા કે ટેવાયેલા ડોસા ને ડોસી એકબીજાને સાચવ્યા કરે ને એકબીજાનું ધ્યાન રાખતાં રહે.

આ બધામાં વચ્ચે ક્યારેક ડોસાને એકાદ સવાલ પૂછવાનો ગભરાતા ગભરાતા મોકો મળી જાય ખરો ! ‘મારું ચોકઠું કશે જોયું ?’ મનમાં ફફડાટ ચાલુ, ‘હવે આવી બન્યું પણ ચોકઠા વગર ચાલશે નહીં ને પૂછ્યા વગર મળશે નહીં. ગુજારે જે શિરે તારે ડોસીનો સાદ તે સહેજે.’

‘હાય હાય ! આજે પાછું ચોકઠું કશે મુકાઈ ગયું ? કેટલી વાર કહ્યું કે, ચોકઠું ને ચશ્માં જ્યાં જાઓ ત્યાં સાથે ને સાથે રાખો પણ મારું સાભળે છે કોણ ? (ઘરમાં બીજું કોઈ છે ?) હવે ક્યાં મૂકી દીધું ચોકઠું ?’
‘મને ખબર હોત તો તને શું કામ પૂછત ? બે સાંભળવા ?’ મનમાં રે ભાઈ મનમાં !
‘હવે શોધવા લાગો, એમ મારા ભરોસે શું બેસી ગયા ? નાસ્તો કર્યા પછી ક્યાં મૂકેલું ? ક્યાંક ડિશ  સાથે ધોવા તો નહોતું મૂકી દીધું ને ? તો ગયું એંઠવાડમાં સમજી લો. હે ભગવાન ! આટલાં વરસથી ચોકઠું પહેરે છે પણ દિવસમાં દસ વાર એને શોધવાનું. મોઢામાં જ રાખી મૂકતા હો તો ? ચાલો હવે, એમ મારી સામે શું જોયા કરો છો ?’
‘એ તો, ગુસ્સેમેં તુમ કિતની હસીન લગતી હો તે જોતો ’તો.’ આ તો મોટેથી જ બોલાય ને ?
‘હવે આ ઉંમરે ગાંડાં કાઢતાં શરમાઓ જરા.’
‘લે મળી ગયું જો. ભૂલમાં તારા ચોકઠાની ડબ્બીમાં મૂકી દીધેલું પછી ક્યાંથી મળે ? ડબ્બી ખાલી જોઈ તે હું સમજ્યો કે મારી છે. તારું ચોકઠું તો તારા મોંની ડબ્બીમાં છે ને ? નહીં તો પાછું એને શોધવાનું.’
‘બહુ મોટી જોક મારી હં. તમારી ડબ્બી પર લાલ ચોકડી કરી છે એટલું યાદ નથી રહેતું ?’
‘ચાલો હવે મળી ગયું ને ? જમવાનું આપી દો, બહુ ભૂખ લાગી છે.’

આમ જ ક્યારેક ચોકઠું ને ક્યારેક ચશ્માં, ક્યારેક ચંપલ તો ક્યારેક લાકડી, ક્યારેક દવા તો ક્યારેક ચૂરણની ફાકીમાં દિવસો વહેતા રહે. ડોસાને ક્રિકેટ ને ન્યૂઝ જોવા હોય પણ ડોસી રૂમમાં દાખલ થાય કે, મહાભારત કે હનુમાનની સિરિયલ ચાલુ થઈ ગઈ હોય ! ડોસી ટીવી જોતાં જોતાં ઝોકાંય મારી લે કે નસકોરાંય બોલાવી લે, તોય ડોસાથી મોટેથી હસાય નહીં. ક્યાંથી હસે ? સાથે હસવાવાળું પણ કોઈ જોઈએ ને ?

ખેર, ડોસા–ડોસીનું જીવન તો આમ જ પૂરું થાય પણ કેટલાક સવાલો આપણને પણ થાય કે, ડોસીને સવાલ પૂછવાનો પહેલેથી જ શોખ હશે ? કે વારસામાં આવ્યો હશે ? સવાલ પૂછવાનો એને કંટાળો નહીં આવતો હોય ? ડોસાને તો બેથી વધારે સવાલના જવાબ આપતાં તો કંટાળો આવવા માંડે ને ગુસ્સો પણ આવું–આવું કરવા માંડે ત્યારે ડોસીને શું મજા આવતી હશે ? વિચાર એમ પણ આવે કે, ડોસો જો પોતાની વસ્તુનું પોતે જ ધ્યાન રાખતો હોત તો પોતાની આ સાહ્યબી કે ડોસીના નૉન–સ્ટૉપ સવાલનો, સવાલ જ ના ઊભો થાત ને ? જોકે, આ તો ‘તો’નો સવાલ છે એટલે જ ડોસી ડોસાને હજી સવાલ કર્યે જ જાય છે, કર્યે જ જાય છે.

8 ટિપ્પણીઓ:

  1. कल्पनाबेन,
    डोसी-डोसाना व्यवहारनो आ लेख घणो ज हास्यप्रद छतां मारी ७५नी उम्मरे वास्तविक लागे छे. सदनशीबे हजी दाँत सहकार आपे छे पण अन्य घणी बाबतोमां आपनी मजाकनी अनुभूति थाय छे अने रोमांचित थई जवाय छे. आपनी कल्पनाने धन्यवाद.

    જવાબ આપોકાઢી નાખો
  2. એકદમ સાચી વાત. જો કે, અમેરિકી માહોલમાં ચપટીક ફરક હોય છે.
    તમારી જાણ સારૂ મારી ઈવડી એ મારો બનાવેલો ઊકાળો પીધા પછી જ કોઈ પણ કામ હાથમાં લે છે.
    બાકી સવાલો બધા એનો જ વિશેષાધિકાર! ન્યાં કણે તો જવાબો જ અને મોટા ભાગે....
    ગુનાઓની કબૂલાતો જ !
    મારા સ્ટાન્ડર્ડ જવાબો...
    મારી મિસ્ટેક થઈ ગઈ.
    તમે કહો તે ફાઈનલ.

    જવાબ આપોકાઢી નાખો
  3. સરસ. આ બહાને ભવિષ્યના ડોસા–ડોસીઓ માટે ઉપયોગી માહિતી મળતી રહેશે.
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  4. ધન્યવાદ...
    કલ્પનાબહેન,

    તમે તો તમારા હાસ્યલેખમાં, જગતભરનાં બધાં ડોસા–ડોસીને ઝપટમાં લઈ લીધા..

    મઝા આવી..

    લખતા રહેજો..

    ..ઉ.મ..

    જવાબ આપોકાઢી નાખો
  5. HAHAHAHAAAA.....
    GOOD ONE!!!!! :))
    SHARED WITH FRIENDS....
    THANKS...KEEP US JOYOUS!!!!
    REGARDS....
    BHUPENDRA.

    જવાબ આપોકાઢી નાખો
  6. મઝા પડી..જમાનો બદલાશે તો પણ આ બધા સંવાદ તો સનાતન જ રહેશે એમ લાગે છે! તમારી સંવાદકળાને ધન્યવાદ....

    જવાબ આપોકાઢી નાખો