રવિવાર, 10 મે, 2015

ઘર જેવું મરચું

ઘણા દિવસોથી છાપામાં, આંખે ઊડીને વળગે એવી એક જાહેરાત આવે છે. ‘ઘર જેવું મરચું’. સારું કે, જાહેરાત જ આંખે ઊડી બાકી મરચું ઊડતે તો ? જાહેરાત જોતાં જ મનમાં સવાલ થાય કે, હેં ? ઘર જેવું મરચું ? એ વળી કેવું મરચું ? રામદેવ, શામદેવ કે કામદેવ મરચું તો જાણે કે સમજ્યા, પણ ઘર જેવું ? તેય મરચું ? ઓહો ! એ તો મસાલાની તમતમતી ને મઘમઘતી સીઝન શરૂ થઈ છે  તેની જાહેરાત છે એમ ને ? ગમે ત્યારે આંખમાંથી પાણી કાઢે કે વગર શરદીએ છીંકાવી દે એવા મસાલા બજારમાં આવી ગયા છે ત્યારે આપણને તો એ જ વિચાર આવે ને કે, આ ઘર જેવું મરચું એટલે શું ?

ઘણાં વર્ષો પહેલાં જોયેલી એક ફિલ્મની હીરોઈન હીરોને પોતાના ઘરે એમ કહીને નિમંત્રે છે કે, ‘મૈં કૉફી બહુત અચ્છી બનાતી હૂં.’ (કહેવાનો અર્થ એમ હશે કે, હૉટેલ કરતાં મારા ઘરની કૉફી સારી.) જ્યારે હીરો, ‘એમાં કઈ મોટી ધાડ મારી?’ એવું મનમાં બબડતો નાછૂટકે કૉફી પીવા જાય છે. જો આજનો હીરો હોત તો કહેત કે, ‘એના કરતાં ‘સીસીડી’માં મસ્ત કૉફી મળે છે, ત્યાં જ જઈએ.’ (જોકે, આજની હીરોઈન તો કૉફી બનાવતાં જાણતી હોત, તો આમંત્રણ આપત ને ?) ખેર, ત્યારના જમાનામાં ઘરના ભોજનનો મહિમા હતો. દરેકને પોતાની માના હાથની અમુકતમુક વાનગીઓ બહુ ભાવતી જેનો તેઓ પ્રચાર પણ ખૂબ કરતા. પરિણામે સ્ત્રીઓ બીજી ત્રીજી વાનગી બનાવવામાંથી બચી જતી. વરસોથી એક જ વાનગી બનાવ્યે રાખવાની. પછી તો માસ્ટરી આવી જ જાય ને ? ‘ફલાણા બેનની તો દાળ રસોઈયાને પણ ટક્કર મારે.’ ‘ ખમણઢોકળાં તો અમારાં ઢીકણાંબેનના જ.’ એ જ બેન નાતમાં જમવા ગયાં હોય ત્યારે રસોઈયાના હાથની દાળ ટેસથી ઝાપટતાં દેખાય ને ખમણ તો જેટલી વાર આવે તેટલી વાર પીરસાવે. 

આ ઘરનાં જેવું–ઘરનાં જેવું તો એટલું ચાલેલું કે, અમુક ખાસ માણસ ઘરનાં માણસ ગણાય ! હોય બહારના પણ સંબંધમાં કે કામકાજમાં ઘરનાં લોકો જેવું જ, કે ઘણી વાર તો હોંશે હોંશે એમના કરતાંય વધારે કામ કરતા હોય. ઘરમાં બધાં એમને સારી રીતે ઓળખતાં હોય, ને એ ખાસ ઘરનાં માણસ, ઘરનાં બધા સભ્યોનું કામ ઉલટભેર કરતા હોય. બદલામાં એમને શું મળતું હોય ? ‘આ તો અમારા ઘરનાં માણસ છે. એકદમ વિશ્વાસુ. પોતાના ઘરનું પછી, પણ અમારા ઘરનું કામ પહેલાં કરે !’ બસ આટલી વાતમાં તો એ ફરી બમણા જોશમાં કામ કરે. (એમના ઘરે એમની શી હાલત હશે ? કે શી કિંમત હશે ? કોણ જાણે.) ઘણાં એવા ઘરનાં માણસ બૅંકના બધા વ્યવહાર પણ કરતા હોય ને બજારના સઘળાં ચકરડાં પણ મારતા હોય. એ તો ભઈ, ‘ઘરનાં જેવા માણસ’ પર જેવો વિશ્વાસ.

ઘણી જગ્યાએ ઘરમાં કામ કરનાર કામવાળા ભાઈ કે બહેન ઘરનાં માણસ કહેવાતા હોય. ‘આ અમારે ત્યાં પચીસ વરસથી કામ કરે છે. હવે તો અમને લાગતું જ નથી કે એ કોઈ બહારનાં છે. બિલકુલ ઘરનાં સભ્યની જેમ જ અમે એમને રાખીએ. એ પણ અમારા ઘરને એમનું જ ઘર ગણે.’ પોતાની મોટાઈ બતાવવાનો પણ આ બહાને મોકો મળે. પછી તો, ‘ઘરના પ્રસંગોમાં એમને દાગીનાની બૅગ સાચવવા આપેલી ને અમારી દીકરીના લગનમાં તે ચાર દિવસ સુધી રડેલાં ને ખાધું પણ નહોતું’ની વાર્તાઓ વરસોનાં વરસો ચાલે ! બહુ સારી વાત છે એમને ઘરનાં જેવાં જ ગણવાની પણ એક મર્યાદાની અંદર જ એ લોકો ઘરનાં ગણાય. એમનાં ચાનાં કપ ને જમવાનાં જુદાં વાસણ આપણે ક્યાં નથી જાણતાં ?

ઘરની ખાણીપીણીનો વિશિષ્ટ મહિમા આપણે બધાં ગાઈએ છીએ. તોય બધાના ઘરમાં કંઈ સ્વાદની દ્રષ્ટિએ ઊત્તમ ભોજન બનતું હોય ને વેઠ ન ઉતારાતી હોય એવું તો બનતું નથી. એ તો બધા બધું ચલાવી લે ને તેરી બી ચૂપ ને મેરી બી ચૂપવાળો અભિગમ રાખે, એટલે ગાડું ગબડ્યે રાખે. તે સિવાય ગલીએ ગલીએ આટલી લારીઓ ને હૉટેલો ચાલ્યા કરે ? પણ લોકોને એવું બોલવાની ટેવ કે, ફલાણી હૉટેલ કે લૉજનું ખાવાનું તો ઘરના જેવું જ. જો ઘરમાં જ હૉટેલ જેવું બનતું હોય તો સ્ત્રીઓ પણ કેમ રસોડાં બંધ રાખવા માંડી ? જોકે, બહાર પણ બધી જગ્યાએ સારું જ ખાવાનું મળે એની ખાતરી નહીં. જ્યારે પૈસા પડી ગયેલા લાગે ને ભૂખ્યા રહેવાનો વારો આવે ત્યારે બધા એકી અવાજે બોલે, ‘આના કરતાં તો મમ્મી ઘરે સારું મન્ચુરિયન બનાવે. તે દિવસે ચાઈનીઝ કેવું મસ્ત બનાવેલું ? મમ્મી હવે તો ચાઈનીઝ તું જ ઘરે બનાવજે. આપણે બીજી કોઈ વાર અહીં આવવું નહીં.’ આહાહા.. ! મમ્મીનો લખચોરાસીનો ફેરો સફળ. બીજા દિવસથી જ ચાઈનીઝની સાથે પંજાબી ને સાઉથ ઈંડિયન ને ઈટાલિયન ફૂડના પ્રયોગો ચાલુ થઈ જાય. ભઈ, ઘરનું ખાવાનું તે ઘરનું ખાવાનું. ચોખ્ખું તો ખરું. માના કે પત્નીના હાથનો પ્રેમ પણ ભળેલો હોય એટલે કશે જઈને બોલવું જ ના પડે કે, ઘરનાં જેવું જ.

આ બધી વાતોથી પ્રેરણા લઈને જ પેલા મરચાંની જાહેરાત આવી હશે એવો આપણને ભ્રમ થાય. ઘરે મરચાં ખાંડવા–ચાળવાના વરસો તો ક્યારનાય વીતી ગયેલા. તોય ‘ઘર જેવું’ કહ્યું હોય તો ફેર પડે. ચોખ્ખાઈ કે ગુણવત્તા પર વિશ્વાસ બેસે ને વેચાણમાં ફેર પડે. મને ધ્યાન છે ત્યાં સુધી બહેનો લીલાં મરચાં ઘરે તૈયાર કરે છે, બાકી લાલ મરચાં ઘરે ખાંડવાની હિંમત તો મરચાં સામે પણ બાથ ભીડી શકે એવી સ્ત્રીઓ જ કરતી હશે. કદાચ એમનાં માટે બહાર કહેવાતું પણ હોય કે, ‘એ બહેન તો તીખું મરચું છે. એ બોલે તો આપણને મરચાં લાગી જાય. એમને છેડવાની હિંમત કોણ કરે ?’ કોઈ જગ્યાએ કોઈ પુરૂષને પણ આવો ખિતાબ મળ્યો હોય ! માણસના સ્વભાવને બીજા કોઈ મસાલા સાથે નથી સરખાવાતો, ફક્ત મરચાં સાથે જ કેમ ? કંઈક તો કારણ હશે ને ? કદાચ એટલે પેલી જાહેરાતવાળાએ આ સંદર્ભમાં તો નહીં કહ્યું હોય ને કે, ‘ઘર જેવું મરચું ?’ કોણ જાણે !


13 ટિપ્પણીઓ:

  1. તમારી તમામ અટકળોથી તીખો તમતમતો લેખ બન્યો તેનુ શું?!

    જવાબ આપોકાઢી નાખો
  2. ગોળની ગાંગડી સિવાય તો મરચાંનું મારણ મૌન જ છે !

    જવાબ આપોકાઢી નાખો
  3. આ વાંચીને આંખ બળવા લાગી.. ‘ઘરના જેવાં મરચાં’થી..
    ઉત્તમ ગજ્જર

    જવાબ આપોકાઢી નાખો
  4. આમાં બહારથી કોઈ મદદની અપેક્ષા ન રાખવી.

    જવાબ આપોકાઢી નાખો
  5. આભાર.for a good story.
    રજનીકાન્ત શાહ

    જવાબ આપોકાઢી નાખો
  6. પ્રિય કલ્પનાબહેન
    આજે વળી તમારા બ્લોગમાં જઈને આખું (મરચું !) વાંચી ગયો -- મરચાની મને ભારે બીક, પણ તમારો લેખાંક સ્વાદિષ્ટ લાગ્યો ભાઈ !
    રમણ સોની

    જવાબ આપોકાઢી નાખો
  7. જાહેરમાં કબૂલ કરવા બદલ સૌનો આભાર.

    જવાબ આપોકાઢી નાખો

  8. ઘર જેવું મરચું–ઘરના દૂધ જેવું આવે.

    જવાબ આપોકાઢી નાખો
  9. Advertise ghanivar saras hasya puru pade chhe. Ghar na jevu marchun evi j ek jaherat. Saras lekh. Pallavi.

    જવાબ આપોકાઢી નાખો