શનિવાર, 2 મે, 2015

સાસુ, વહુ અને સૅન્ડવિચ

લગ્નની સરસ ખુશ્બોદાર મોસમ ચાલી રહી છે. વર–કન્યાએ શુભેચ્છાઓના વરસાદની સાથે સાથે થોડી ગમતી કે ન ગમતી સલાહોના વરસાદમાં પણ ભીંજાવું પડે છે. પહેલાં તો એવું કહેવાતું કે, પતિ–પત્ની સંસારરથનાં બે પૈડાંજેવાં છે. આજે રથ કેવો આવે કે ગાડું કેવું આવે તે જ કોઈને ખબર ન હોય, ત્યારે જે રથ કે ગાડું એ લોકો રોજ ચલાવવાનાં છે, તે એમના સ્કૂટરનાં બે પૈડાંની ઉપમાથી જ કામ ચલાવી લેવું પડે. ખરેખર તો, જેમ સાસુ ને વહુની કુંડળી મેળવવી જોઈએ તેમ આ સ્કૂટરનાં પૈડાંવાળી વાત પણ એમને જ સમજાવવી જોઈએ. આખો દિવસ સાથે કોણ રહેવાનું છે ? ને આખો દિવસ સાથે ન રહેવાનું થાય, તોય એકાદ કલાકમાં જ આખા દિવસનું સાટું વાળી નાંખવાની શક્તિ ધરાવનાર આ બે નારનો જ જો એકબીજા સાથે મેળ પડી ગ્યો, તો પછી પેલા સ્પેરવ્હીલ સાથે મેળ પડતાં જરાય વાર નહીં લાગે !

સાસુ–વહુનો સંબંધ જ એવો રચાયો છે કે, થોડા સમયમાં જ પેલી ત્રીજી મુખ્ય વ્યક્તિ જેને લીધે, એકને સાસુનો ને એકને વહુનો દરજ્જો મળ્યો હોય તેની હાલત સૅન્ડવિચ જેવી બનવા માંડે છે. (એવું મોટા ભાગના પુરુષો માનતા થઈ જાય છે.) ખરેખર તો, સાસુ ને વહુ બ્રેડની બે સ્લાઈસ ગણાય. મુખ્ય ભાગ તો (ફીલિંગ કહેવાય !) અંદર શું મૂક્યું છે તે ભજવે છે. ભલે ને પુરુષને એમ લાગે કે, આ બેની વચ્ચે પોતાની ચટણી બની ગઈ કે કચુંબર બની ગયું. સૅન્ડવિચ ખાવાવાળા તો ચટણી સૅન્ડવિચ પણ ખાય ને જૅમ સેન્ડવિચ પણ ખાય. મહત્વ સ્વાદનું છે–મસાલાનું છે.

મને તો પાણીપૂરી જોઉં ત્યારે હંમેશાં સાસુ–વહુની જોડી જ યાદ આવે. તીખી ને મીઠી ચટણી જેવી બન્ને હાજર હોય તો જ અસલી મજા છે. તમને થશે કે, પેલી ત્રીજી વ્યક્તિનો ઉલ્લેખ જ નહીં ? ભઈ, એના વગર તો પાણીપૂરી કેવી રીતે બને ? સ્વભાવે મૃદુ પણ કરકરી, દાંતને વાગે નહીં અને બન્ને ચટણીને સરખો ન્યાય આપીને ગળા નીચે સરર ઊતરી જાય તે કોણ ?

હવે પછી જ્યારે પણ પાઉંભાજી ખાઓ ત્યારે ? કોણ કઈ ભુમિકામાં તે વિચારવા માંડ્યા ? હવે પુરુષની ભૂમિકા તો મસ્કા–બટરની જ હોય ને ? બાકીનાં બેય પાઉં કે ભાજી બટર વગર નકામાં જ કે નહીં ? સંસારમાં રાજકારણ ના શોભે પણ ઘરની શાંતિ માટે રોજનું એક પૅકેટ પણ પોસાય. ભેટ, લાલચ ને વિનંતી બહારની દુનિયામાં ચાલે તો ઘરનાંએ શું બગાડ્યું ?

એક તો હું સુરતી ને વળી સ્ત્રી, પછી ખાવાની વાત ન આવે તો જ નવાઈ ! સાસુ ને વહુના ચટપટા સંબંધોમાં ચટપટી વાનગીઓ જ યાદ આવે ને ? જમાના પ્રમાણે પહેલાં ફાસ્ટફૂડ અજમાવી લીધું, હવે જરા પરંપરાગત વાનગીઓ યાદ કરીએ.

ખમણ–ઢોકળાં કોરાં હોય તો ગળામાં અટકે ને ડૂચા બાઝે. જ્યારે એના પર સાસુ–વહુનો વઘાર થાય ને કોપરા–કોથમીરનો છંટકાવ હોય તો ચટપટી ચટણી સાથે ઝાપટવાની કેવી મજા ? લાપસી કે કંસાર રાંધો પણ ઘી ને ખાંડ વગર  કેમ બને ? દહીંના મસ્કામાં ખાંડ અને ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ નાંખો તો જ એ શિખંડ બને. વાનગીઓ તો આપણા મેનૂમાં જોઈએ એટલી નીકળે, એટલે જો બધા રસ ભોજનમાં સમાયેલા છે તો એમાંથી જ જીવનરસ કેમ ન મળે ? છેલ્લે જમ્યા પછી, જેમ પાનની જોડી લોકો જમાવે તેમ સાસુ ને વહુની જોડી ન જામી શકે ?

જોડી ન જામવાનું મોટામાં મોટું કારણ તે, બન્નેનું રેલવેના પાટાની જેમ સાથે જ ને એક જ દિશામાં પણ સમ–અંતર રાખીને રહેવું તે જ. એકેય વાત પર ક્યારેય એક થવાનું નહીં. જો ભૂલમાં થઈ પણ ગયાં તો, ટ્રેક બદલવા જેટલું મળીને પાછાં પોતાને રસ્તે. હવે ગાડીએ તો બન્ને પાટાને સાથે રાખીને જ ચાલવું પડે, નહીં તો ગાડી ચાલે જ કેમ ? એના માટે તો બન્ને પાટા સરખા.

જોકે, એક વાત નવાઈ પમાડે તે એ કે, સૅન્ડવિચમાં ભલે મહત્વ મસાલાનું હોય પણ બન્ને સ્લાઈસ મસાલાને વળગી રહે ખરી. બન્ને, મસાલાના વખાણ પણ કરાવશે ને એબ પણ ઢાંકશે. એવું જ બાકીની વાનગીઓમાં પણ સમજી લેવું.

ભલે ને કન્યાને લગ્ન વખતે પૂછાતું હોય કે, ‘સાસુ છે કે ? સાથે રહેવાનાં કે જુદાં ?’ અને જવાબો ભલે કદાચ આનંદ કે દુ:ખ આપનારા હોય પણ મારા મતે દરેક સાસુ–વહુએ એકબીજા સાથે ઓછામાં ઓછાં પાંચ વરસ તો રહેવું જ જોઈએ. એકબીજાની સેવા કરવાનો કે લેવાનો મોકો વારંવાર નથી મળતો.

આપણે તો ‘સાસુ, વહુ ને સાજિશ’ કે ‘સાસુ, વહુ ને સનસની’ને બદલે ‘સાસુ, વહુ ને સૅન્ડવિચ’વાળો સરળ ને સમજદારીભર્યો રસ્તો જ રાખવો સારો. આપણે ક્યાં ટીવીમાં જમાવે તેમ જમાવવું છે ? ખરી વાત ને ?

5 ટિપ્પણીઓ:

  1. ગાડીએ તો બન્ને પાટાને સાથે રાખીને જ ચાલવું પડે, નહીં તો ગાડી ચાલે જ કેમ ? એના માટે તો બન્ને પાટા સરખા.
    Wah wah!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. સૅન્ડવિચમાં ભલે મહત્વ મસાલાનું હોય પણ બન્ને સ્લાઈસ મસાલાને વળગી રહે ખરી. બન્ને, મસાલાના વખાણ પણ કરાવશે ને એબ પણ ઢાંકશે. એવું જ બાકીની વાનગીઓમાં પણ સમજી લેવું. તમતમતી પણ ટેસ્ટી વાનગી બનાવી તમે તો કલ્પનાબેન.

    જવાબ આપોકાઢી નાખો
  3. સાસુ,વહુ ને સેન્ડવીચ....આસ્વાદ્ય...મજેદાર...લજ્જતદાર...આવી વાનગી પિરસતા રહો...

    જવાબ આપોકાઢી નાખો