રવિવાર, 27 મે, 2018

પાંડવગુફા જોવા જેવી ખરી?


જ્યાં સુધી પાંડવગુફા જોવા નહોતા ગયાં ત્યાં સુધી અમને રસ્તામાં કોઈ ટુરિસ્ટે કે ત્યાંના રહેવાસીએ પણ નહોતું કહ્યું કે…, કે પાંડવગુફા જોવા ધક્કો નહીં ખાતાં. અમે જ્યાં મુકામ કરેલો ત્યાં રિસેપ્શન પર પૂછેલું તો એમણે પણ જોવા જેવી જગ્યાઓનું લિસ્ટ પકડાવી દીધેલું. પાંડવગુફાનું નામ એમાં ચમકે! અમારી પાસે પેલી એમ પીની, મોસ્ટ આઈ એમ પી જેવી ગાઈડ હતી, તેમાં પણ સુંદર ફોટા પાંડવગુફા જોવા લલચાવે! સામાન્ય રીતે ફરવા નીકળીએ એટલે જેટલી વધારે જગ્યા જોવાય એટલી જોઈ કાઢવાનો આપણા સૌનો સામાન્ય સ્વભાવ. ‘અહીં સુધી આવ્યાં છીએ તો...’ અને ‘હવે પાછા થોડા અહીં આવવાના?’ આ બે વાક્યો ભલભલાને સવારથી દોડતાં કરી દે. એ તો જે લોકો બીજી વાર ફક્ત આરામ કરવા જ આવી જગ્યાઓએ જતાં હોય એ લોકોને બધી વાતે શાંતિ હોય. વરસો પહેલાં બધા ડુંગરા ખૂંદી વળ્યાં હોય ને બધા મંદિરોમાં ભગવાનને નમી ચૂક્યા હોય. એમને કોઈ વાતની નવાઈ પણ ના હોય ને કોઈ વાતની હાયવોય પણ નહીં. બસ આરામથી મોસમને માણો ને શરીરમાં બને તેટલી શુધ્ધ હવા ને તાજું તૈયાર ભોજન ઓરીને પડ્યા રહો. મન થયું તો સવારની અને સાંજની સેર ને બહાને ફરવા નીકળો નહીં તો ગપ્પાં તો છે જ હાંકવા માટે.

ખેર, અમે તો પૈસા વસૂલ ટૂર કરવા નીકળેલાં એટલે, ‘હવે ક્યાં? ને હવે શું બાકી?’ જેવા સવાલોને ખૂબ મહત્વ આપતાં.
‘પાંડવગુફા જોવા જેવી છે એટલે ત્યાં જઈએ.’ પ્રસ્તાવ મુકાતા જ પાસ થઈ ગયો ને અમારી ગાડી ઉપડી પાંડવોના વનવાસ દરમિયાનના વસવાટને જોવા. બિચારા પાંડવોને કેવી કેવી જગ્યાઓએ અથડાતા, કૂટાતા ભટકવું પડેલું! ખાવાપીવાનાં ઠેકાણાં ના હોય, જંગલી ને હિંસક જાનવરોની બીક તો ખરી જ, સામાનમાં તો ત્યારના લોકો તીર–કામઠાં કે કમંડળ સિવાય ક્યાં કંઈ લઈ જતાં? પહેરેલાં કપડે જ નીકળી પડ્યાં હોય એટલે બૅગ–બિસ્તરાની કે જાતજાતનાં નાસ્તાપાણી અને નવાં લીધેલાં ચંપલ કે બૂટની ઝંઝટ જ નહીં. પ્રવાસમાં જેટલાં હળવાં રહીએ એટલો જ પ્રવાસ સુગમ બને એ સત્ય એ લોકોએ ગીતાજ્ઞાનની જેમ ઘેર ઘેર પહોંચાડવા જેવું હતું. અમેય એકાદ થેલો લઈને જ નીકળત ને?

પાંડવગુફા આપણને દૂરથી ને બહારથી કંઈ ખાસ આકર્ષે એવું નહીં. પચાસેક પગથિયાં ચડીને જઈએ ત્યારે પાંચ ઝુંપડી–પાંચ ગુફા જોવા મળે. તદ્દન સાદી ગુફા. અસ્સલ અંદર થોડાં પેન્ટિંગ્સ હતાં એવું કહેવાય છે પણ ખાસ નજરે પડતાં નથી. જે કોઈ યાત્રી પગથિયાં ચડીને આવે તે પાંડવગુફા જોઈને નિરાશ થતાં બોલે, ‘નક્કામો ધક્કો થયો. આમાં શું છે જોવા જેવું?’ લોકોને ગુફામાં પણ શું જોવા જેવું જોઈતું હશે કોણ જાણે. વળી, આ ગુફા બાબતે પણ બે મત ચાલે છે.

મોટે ભાગના લોકો તો ના પાડે છે કે, ‘આ તો બૌધ્ધ ગુફા છે. ગુફાની આજુબાજુ સ્તૂપના અવશેષો પણ પડ્યા છે. બૌધ્ધ સાધુઓએ અહીં રહેઠાણ અર્થે આવી ગુફાઓ બનાવેલી. આ ગુફાઓ કંઈ પાંડવોના જમાના જેટલી જૂની નથી લાગતી.’

જ્યારે અવારનવાર અહીં ભીમના પગલાં દેખાવાની પુષ્ટિ કરતાં લોકો કહે છે કે આ પાંડવોની ગુફા જ છે. અહીં એક ખાસ ગુફા દ્રૌપદીની પણ છે જે થોડી વધારે સારી હાલતમાં છે. ભીમની ગુફા જરા વધારે અંધારી અને સાંકડી છે. તે જમાનામાં પણ બિચારાને ભીમ હોવાનું ઘણું નુકસાન વેઠવું પડ્યું હશે. જે હોય તે, બહાર કંઈ ને અંદર કંઈ એવી વાતો ધરાવતી આ ગુફાઓ પાંડવગુફા નામે જ ઓળખાય છે એટલું આપણે જાણીએ. વધારે લપછપ કરવાનું કામ શું? જો કે, આપણે બહુ પંચાત ન કરીએ પણ ત્યાં ઊભેલો ગાઈડ જો કોઈને આ ગુફાઓની વાર્તા કહેતો સંભળાય તો કંઈ કાન બંધ થોડા કરી દેવાય? ઉલટાના આપણે તો જાણે એને નથી સાંભળતાં પણ ધ્યાનથી ગુફા જોઈએ છીએ એવો ડોળ કરીને કાનને બને તેટલા ધારદાર બનાવવા મંડી પડીએ. દૂરથી ગુફા જોઈને જ ગાઈડની મદદ લેવાનું અમે તો માંડી વાળેલું પણ છેલ્લે છેલ્લે વાર્તા જાણવાની લાલચ રોકાઈ નહીં.

પાંચ પાંડવોમાં કોણ વધારે ચતુર હતું તે તો મહાભારત જાણનારા જ કહી શકે પણ દરેકના નામે  જાતજાતના કિસ્સાઓ નોંધાયેલા તે આવી જગ્યાએ જ ખબર પડે. અર્જુનને જંગલવાસ દરમિયાન એક નાગકન્યા ગમી ગઈ! શું એને નહોતી ખબર કે એ નાગિન છે? ગમે ત્યારે ડસી લેશે? જીવનું જોખમ તો ચોવીસે કલાકનું રહેવાનું? ને તોય નાગણના પ્રેમમાં પડ્યો! હવે એ વીર અર્જુને નાગકન્યાને પરણવા માટે કેવો ખેલ રચ્યો? સૌ પહેલાં તો પિતાને મસ્કા મારવા પડે. એણે તો નાગરાજ વાસુને પૂછ્યા વગર જ સંગીત શીખવવા ખાતર કિન્નરનો કપટવેશ ધર્યો! શું પેલી નાગકન્યાએ શરત મૂકી હશે કે, ‘મારા પપ્પાને સંગીત શીખવે તો જ તારી સાથે પરણું?’ નાગલોકમાં કિન્નર શું કે પુરુષ શું કે સ્ત્રી શું? એમનામાં થોડા એવા કોઈ ભેદભાવ હોય? કોણ જાણે અર્જુનને શું સૂઝ્યું તે એણે કિન્નરનો વેશ ધર્યો અને નાગરાજ પ્રસન્ન થતાં નાગકન્યા સાથે લગ્ન કર્યાં. પંચમઢીથી પંદર કિલોમીટર દૂર નાગદ્વારી છે જ્યાં અર્જુનનું સાસરું હતું. આજે તો આપણને આવી વાતો ગપ્પાં જ લાગે. મનોરંજન મળે એટલે ચાલ્યે રાખે. એમ પણ આવા બધા ગાઈડમાંથી સાચા ને અભ્યાસુ જાણકાર કેટલા?

પાંડવગુફા જોયા બાદ કોઈને અફસોસ ન થાય એટલે ટેકરીની ફરતે સરસ મજાનો જોવાલાયક બગીચો બનાવીને અને બગીચાની બહાર ખાણીપીણીના સ્ટોલ્સ રાખીને પ્રવાસીઓને થોડી રાહત આપવાનો ત્યાંની સરકારનો પ્રયાસ સારો છે. થોડી નિરાશા સાથે અમે સમય બગડ્યાની વાતો કરતાં ગાડીમાં ગોઠવાયાં. હવે? એવી કઈ જગ્યા જોવા જઈએ તો દિલ ખુશ થઈ જાય? ગુપ્ત મહાદેવ અને બડા મહાદેવ. ઓહો! પંચમઢી તો વિવિધ નામધારી શિવાલયોથી સમૃધ્ધ છે ને કંઈ! આ તો જાણે ચાર ધામની જાત્રા જ થઈ જવાની. હેંડો ત્યારે બમ ભોલેને મળવા.

‘અમે લોકો દિલ્હી ગયેલાં ને ત્યારે ખાસ અમે પરાઠા ખાવા બહુ વખણાયેલી ‘પરાઠેવાલી ગલી’ ગયેલાં, ત્યાં પણ આવો જ ફિયાસ્કો થયેલો.’ મેં પારુલને યાદ કરાવ્યું.
‘અરે હા, એના કરતાં તો રાજમા ચાવલ કે છોલે ભટૂરે ખાતે તો હારુ થતે. એ તો આપણે ખાવાના હો રહી જ ગયેલા.’ પારુલના અવાજમાં પણ ખાસ્સો અફસોસ. ને કેમ ન હોય? દિલમાં કેટલી આશાઓ ને કેટલાં અરમાનો લઈને પરાઠા ખાવા ગયાં હોઈએ અને મન નારાજ થઈ જાય તો શું થાય? હવે તો ખાસ ખાવા માટે પણ દિલ્હીનો પ્રવાસ ગોઠવવો જ પડશે.
(તસવીરોની મહેરબાની– ગૂગલ)



2 ટિપ્પણીઓ: