સાસરામાં મારા શરૂઆતના દિવસો હતા. મારા મોટા જેઠ
એક દિવસ બધાં બાળકોને ભગાં કરીને જાદુના ખેલ બતાવતા હતા. એ થોડી થોડી વારે
‘ઈસ્તમ્બુલ ગુલાબકા પાની છૂઉઉઉ...!’ બોલતા ને ગ્લાસમાંનું પાણી બધા પર છાંટતા, ત્યારે
બાળકો ખુશ થઈ જતાં. મને પણ એ રમત જોઈને હસવું આવેલું પણ સાથે સાથે એ વાક્ય મગજમાં
એવું ચોંટી ગયેલું તે, ઈસ્તમ્બુલનું નામ લેતાં આજે પણ એને શીર્ષક તરીકે મૂકવાનું
મન થઈ ગયું. (કદાચ તમારા મગજમાં પણ હવે ભરાઈ જાય તો કહેવાય નહીં.)
ખેર, ઈસ્તમ્બુલ વિશે બધાંની એક જ ફરિયાદ હોય કે,
‘આટલા ઓછા ટાઈમમાં તો ઈસ્તમ્બુલ અડધું પણ ના જોવાય!’ એક જ શહેરમાં જ્યારે બધો જ
ખજાનો ભર્યો પડ્યો હોય, ત્યારે આ બહુ સ્વાભાવિક છે. જો ફક્ત શૉપિંગમાં જ
ટુરિસ્ટોને આખો દિવસ ઓછો પડતો હોય, તો બધી જગ્યાઓને ન્યાય આપવા, કંઈ નહીં તો એકાદ
અઠવાડિયું તો જોઈએ જ. હવે એવા અલગારી મુસાફરો તો અલગ જ હોય, જે નિરાંતે બધે ફરે ને
મન થાય ત્યાં ગાડું છોડે. અમારે તો અલગારી થઈને બધે રખડવું હતું, પણ મજબૂરીઓનું
લિસ્ટ લાંબું હોવાથી ગાઈડ જ્યાં લઈ ગયો ત્યાં ફર્યા કર્યું. જોકે, જેટલું ફર્યાં
ને જેટલું જોયું એટલું તો વરસો સુધી મમળાવવા માટે કાફી હતું. એક એક ઈમારતની
કારીગરી બેનમૂન હતી, તો દરેક ઈમારતની અંદર ઊભા રહીને જે તે સમયને અનુભવવાની અદ્ભૂત
પળો, ગાઈડના સતત ચાલતા પ્રવચનને લીધે શક્ય બનતી.
અમુક વાતો–ખાસ કરીને ખાસ નામો, મારા કાનમાં
પડતાં જ મગજમાં ખળભળાટ મચાવતાં ને દિવસો સુધી યાદ રહેવાની કે મમળાવવાની મજાની ખાતરી
પણ આપતાં. જ્યારે મોટા ભાગના નામો, કે એમની લાંબી લાંબી વાતો એક કાનથી ભરાઈને બીજા
કાનમાંથી નીકળવાની પણ તસદી લેતાં નહીં. બહુ લોકોને મેં એક એક વસ્તુ, જેવી કે
મહેલમાં તલવાર, ભાલા કે ઢાલની સામે બૂત બનીને ઊભાં રહેલાં જોયેલાં. ભાઈ, આ બધાં
મ્યુઝિયમ ને મહેલ કંઈ નિરાંતે જોવાની વસ્તુ છે? આમ સરસર સરસર ચાલતાં ને સરસરી નજર
નાંખતાં નીકળી જવાનું, ત્યાં વળી સ્થિર થઈને અચંબો પામીને બધું જોવાનું ને તેની
ચર્ચા કરવાની! હવે આખી દુનિયામાંથી લોકો જ્યારે આ જ બધું જોવા ને માણવા આવતાં હોય
ત્યારે મારે તો, મનમાં જ બધું સમજ્યા વગર કે બબડ્યા વગર છૂટકો જ નહોતો.
ઈસ્તમ્બુલની પહેલી ને વહેલી સવારે, નાસ્તોપાણી
પતાવીને અમે પહોંચ્યાં, પંદરથી ઓગણીસમી સદી સુધી રાજ કરનારા ઓટોમન રાજ્યના
સુલતાનોના ભવ્ય મહેલમાં. વહેલી સવારે જવાનું એક જ કારણ હતું–ભીડને લીધે થતી લાં...બી
લાઈન અને એને લીધે થતા કંટાળા કે થાકથી બચી જવાય. સદીઓ સુધી આ મહેલમાં રહેનારા
સુલતાનો કેવા ઠાઠથી રહેતા તે જોવા આ મહેલ જોવો જ પડે. સુલતાનએહમત વિસ્તારમાં આવેલો
ટૉપકાપી મહેલ! મહેલની ચારે બાજુ વિશાળ આંગણ ને ફુવારાથી શોભતા બગીચાઓમાં ફરવાની
મજા લેતાં લેતાં ગાઈડ અમને, સુલતાનોની પત્નીઓ માટે બનાવેલા ખાસ ભવ્ય અંત:પુર કે
જનાનખાના બતાવવા લઈ ગયો. સુલતાનો ખાસ મહેમાનોનું પણ ખાસ ધ્યાન રાખતા, એટલે એમની
સાથે બેઠક જમાવવાનો ખાસ ઓરડો રહેતો. આપણે ડ્રોઈંગરૂમ કે દિવાનખંડ કે હૉલ કહીએ તે
જ. આપણે તો કંઈ ખાનગી વાતો કરવાની ના હોય એટલે ઘરમાં દાખલ થતાં જ મહેમાનકક્ષ
રાખીએ. મહેમાન ના હોય ત્યારે, એ જ આપણો ભોજનખંડ કે સોફાશયનખંડ કે બાળકોનો
અભ્યાસખંડ અને સ્ત્રીઓનો દૂરદર્શન ઉર્ફ મનોરંજનખંડ!
આપણે તો આપણાં ઘરનાં સુલતાન એટલે અસ્ત્ર–શસ્ત્ર
સરંજામમાં જે કહો તે, રસોડામાં જ બધાં શસ્ત્રો સજાવી મૂકેલાં ને વધારાની કાતિલ કે
મીઠી છૂરી કહેવાય તેને મોંમાં! બાકી તો, આપણી પાસે આખા ને આખા પટારા ભરાય ને મોટા
ઓરડાઓમાં શોભામાં મૂકાય એવાં શસ્ત્રો ક્યાંથી હોય? અહીં તો લોકો, દરેક ઓરડામાં
ધરાઈ ધરાઈને જોતાં હતાં, કાચના કબાટોમાં ને કાચની પેટીઓમાં ગોઠવેલાં ને ભીંતે
ટાંગેલાં, અજબગજબના શસ્ત્રો! દરેકની નીચે સ્વાભાવિક છે કે, બધી વિગતો પણ હોય કે આ
તલવાર ફલાણા સુલતાને, ફલાણી સાલમાં ચાર વાર હવામાં વીંઝેલી. આ ઢાલનો ઉપયોગ મોટા
ભાગના સુલતાનો, એમની બેગમોએ ફેંકેલા વેલણોનો ઘા બચાવવા કરતા. મારા મનમાં તો આ બધાં
શસ્ત્રો જોઈને આવા જ વિચારો આવતા હતા.
હા, રાજા–મહારાજા હોય કે સુલતાન હોય(બધા એક જ,
ફક્ત નામ જુદાં), એટલે એમના શાહી ખજાના પણ હોવાના. અહીંનો ખજાનો જગતભરની સ્ત્રીઓને
વધુ લલચાવતો એ કહેવાની જરૂર ખરી? ખજાનો જોયા પછી તો, આંખ સામે કલાકો સુધી અંધારું છવાયેલું
રહે અથવા તો જાતજાતના રંગીન ઝબકારા જ દેખાયા કરે એમાં કોઈ નવાઈ નહીં. ઝવેરાતમાં જે
કોઈ પથ્થરની, મોતીની, નીલમ ને માણેકની ગણના થતી હોય તે બધું જ અહીં જુદા જુદા
સ્વરૂપે મોજુદ હતું. શરીરે સજાવવાના તો ખરાં જ પણ શસ્ત્રોને પણ હીરા–માણેકથી
સજાવેલાં! આપણે છાપામાં સોના–ચાંદીના રોજ વધઘટ થતા ભાવોને જોતાં જ રહીએ ને આ અણમોલ
ખજાનાઓ જોઈને તો બેભાન બનવાનું જ બાકી રાખીએ એવો ઝગઝગ ખજાનો.
આ ખજાનાનું મુખ્ય આકર્ષણ તે છ્યાંસી કૅરેટનો જમરૂખ
કે પેર આકારનો નાયાબ હીરો! દુનિયાના કેટલાક શ્રેષ્ઠ ને કિમતી હીરામાં એની ગણના થાય
છે. હવે આવો હીરો હોય એટલે એની પાછળ એની અજબગજબની વાર્તાઓ કે વાયકાઓ પણ હોવાની. એક
વાર્તા મુજબ, મદ્રાસના કોઈ મહારાજા પાસેથી ફ્રાન્સના કોઈ ઓફિસરે એ હીરો વેચાતો લીધો હતો.
(એટલે મૂળ તો એ હીરો આપણો જ કહેવાય, જે હાલ ઈસ્તમ્બુલના શાહી ખજાનાની શોભા છે!)
જુદા જુદા હાથોમાંથી ફરતાં ફરતાં એ હીરો નેપોલિઅનની માએ ખરીદી લીધો. ને એણે ઘણો
સમય એ હીરાને ડોકે સોહાવ્યો. નેપોલિઅન જ્યારે લડાઈમાં હાર્યો ત્યારે એને છોડાવવા
માએ હીરો વેચવા કાઢ્યો. એક લાખ સોનામહોરો આપીને અલી પાસાના માણસે એ હીરો ખરીદી
લીધો, ખજાનામાં જમા કરાવવા માટે પણ એની રાજદ્રોહના ગુનાસર કતલ થઈ અને એનો ખજાનો ઓટોમન
સામ્રાજ્યમાં જમા કરાયો. આ બધી ચમકદમક પાછળ કેટલાં ખૂનખરાબા ને કેટલા નિ:સાસાઓ!
આ હીરાને પાછો ચમચી બનાવવાવાળાના હીરા તરીકે પણ
ઓળખાય છે. ‘સ્પૂનમેકર્સ ડાયમંડ’. આ નામ પાછળ પણ વાર્તા તો હોવી જ જોઈએ ને? તો એક વાર્તા મુજબ, ઈસ્તમ્બુલનો એક માછીમાર યેનીકાપી નામની જગ્યાએ, કોઈ કામકાજ વગર જ દરિયાકિનારે ભટકતો હતો, ત્યારે એના એક હાથે આ કિમતી હીરો રેતીમાંથી ઉઠાવીને એના ખીસામાં મૂકી દીધો. થોડા દિવસ અજાણપણે બાદશાહી માણ્યા બાદ, હીરાની કિંમતથી બેખબર એ કોઈ ઝવેરીની દુકાને એ હીરો વેચવા લઈ ગયો. ઝવેરીએ એને હીરાની કિંમત ઝીરો બતાવી! વળતામાં ઉપકાર કરતો હોય તેમ કહ્યું, ‘હું તને ત્રણ ચમચી આ હીરાના બદલામાં આપું.’ માછીમાર હીરાના બદલામાં ત્રણ ચમચી લઈ ખુશ થતો ગયો. જ્યારે બીજી વાર્તામાં બહુ દમ નથી. કોઈ ચમચી બનાવવાવાળાને આ હીરો મળેલો એટલે એવું નામ અથવા હીરાનો આકાર ચમચી મૂકવાના વાટકા જેવો દેખાય એટલે આવું નવાઈનું નામ.
જે હોય તે, ત્રણેક કલાક મહેલમાં ચક્કર માર્યા પછી ને ખાસ તો ખજાનાથી અંજાયા પછી, પેટની ભૂખ સંતોષ્યા સિવાય છૂટકો નહોતો. અમે પહોંચ્યાં ટર્કિશ ફૂડની એક સુંદર જગ્યાએ, જ્યાંનું ભોજન? લાજવાબ! સુંદર ટર્કિશ ડેકોરેશનવાળા મકાનમાં ડાઈનિંગ ટેબલો પર ગોઠવાઈને મેનૂકાર્ડમાંથી જોઈને અમારે પહેલી વાર ઓર્ડર નોંધાવવાના હતા. રોજ રોજ બૂફેની એકની એક વાનગીઓથી કંટાળેલાં એટલે પહેલાં મેનૂ ને પછી ભોજન પર અમે રીતસરનાં તૂટી જ પડેલાં. બાસ્કેટમાં ગરમ ગરમ બ્રેડ, જાતજાતનાં સેલડ, બે–ત્રણ જાતનાં દહીં, પનીર ને ચીઝની છ–સાત વેરાયટી ને દાળ, ભાત સાથે બાફેલી પાલક, બાફેલા બટાકા ને વટાણા પણ પીરસાયાં. અમે પાલક મટર પનીર ને આલુ મટર પનીર મિક્સ કરીને બે શાક બનાવી કાઢ્યાં. ઉપર મસાલા છાંટીને સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી–બહુ દિવસે.
છેલ્લે, બધા ટેબલ પર ટર્કિશ મીઠાઈ બકલાવાની ડિશ સાથે, એક એક નાની વાટકી પણ બધાંની સામે મૂકાઈ. બકલાવા તો ખાન હૉટેલમાં ચાખેલી પણ વાટકીમાં શીરા જેવું શું હતું? એ તો ઘઉંના લોટનો શીરો હતો, જેમાં ખાંડની જગ્યાએ મીઠી દ્રાક્ષનો રસ નાંખેલો! અદ્ભૂત! અદ્ભૂત! આજ પહેલાં ક્યારેય આવો શીરો બનાવવાનુંય નહોતું વિચાર્યું કે કશે એનું નામેય નહોતું સાંભળ્યું, એટલે અમે તો શીરો ખાઈને તૃપ્ત, સંતૃપ્ત કે પરિતૃપ્ત જે ગણો તે થઈ ગયાં. ‘આવો સીરો તો આપણે બાપજિંદગીમાં હો કોઈ દા’ડો ખાધો નથી. આ લોકો હો સીરો બનાવે કે? નવાઈ કે’વાય! કેટલો મસ્ત!’ બીજી વાટકી મળે એની રાહમાં થોડી વાર અમે બેઠાં પણ શીરો તો લિમિટેડ જ હતો! ચાલો કંઈ વાંધો નહીં. નવી નવાઈના શીરાની એક મીઠી યાદ તો ઘરે લઈ જવાનાં તેના સંતોષ સાથે ઉઠ્યાં. એ શીરો ટર્કિશ ડીલાઈટ–‘લોકમ’ તરીકે ઓળખાય. જાતજાતનાં સીરપ ભેળવીને જુદા જુદા સ્વાદવાળી આવી કેટલીય સ્વાદિષ્ટ મીઠાઈઓ બને. વાહ! મજા આવી ગઈ. નામ જ એનું લોકમ, પછી ઓછી જ મળે ને?
તસવીરો ગુગલની મહેરબાની.