બુધવાર, 3 ઑગસ્ટ, 2016

‘પતલી ગલીથી પોલી ગલી–ગલ્લીપોલી’



ગલ્લીપોલી જતી વખતે તો નામ સાંભળીને જ મને હસવું આવી ગયેલું. આપણને તો સાંકડી ગલી ખબર, પહોળી ગલીય ખબર, ક્રિકેટની ભાષામાં કંઈ ગલી શબ્દ પણ ઘણી વાર સાંભળેલો, હવે વળી આ પોલી ગલી કેવીક આવતી હશે? એ તો પછી ખબર પડી કે, નામનો ઈતિહાસ તો કંઈક અલગ જ હતો.

ટ્રોયનો ઘોડો બતાવ્યા પછી ગાઈડ થોડો ગંભીર થઈ ગયેલો. ટર્કિશ લોકોના દિલોદિમાગ પર છવાયેલા, અને એમના ઈતિહાસમાં એમને ગોખાવાતા પહેલા વિશ્વયુધ્ધની દુ:ખદ યાદોને, ફરી ફરી કોતરવાનું ને ટુરિસ્ટોને પણ થોડા દુ:ખી કરવાનું કદાચ એને નહીં ગમતું હોય. તોય, યુધ્ધ દરમિયાન લાખો સિપાહીઓની કુરબાનીને અંજલિ આપવાની જગ્યા બતાવવામાં એ સ્વાભાવિકપણે જ ગર્વની લાગણી અનુભવતો. સૈકાઓ સુધી સમૃધ્ધિમાં લીલાલહેર કરતા ટર્કીની કૅનાલ પર કબજો જમાવવાની ખોરી દાનતે એકઠા થઈને ન્યુઝીલેન્ડે, ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન, આયર્લેન્ડ અને બીજા અહીંથી–ત્યાંથી સૈનિકો ભેગા કરીને, ટર્કીનો દરિયાઈ માર્ગ કબજે કરવા હુમલો કર્યો હતો. ચાર વર્ષ સુધી ચાલેલા એ ‘ગલ્લીપોલી’ નામે ઓળખાતા યુધ્ધમાં બંને પક્ષના લાખો સૈનિકો માર્યા ગયા અને તેટલા જ ઘાયલ પણ થયા. એ બધાની યાદમાં એ જગ્યાએ, દરિયાકિનારે લાઈનસર સ્મૃતિચિન્હો બનાવવામાં આવ્યા છે અને મોટી દિવાલો પર નામ પણ કોતરાયાં છે.

યુધ્ધમાં તો કેવું હોય? મહિનાઓ સુધી એક જ જગ્યાએ ને એક જ પરિસ્થિતિમાં, ખાવાપીવાની પરવા કર્યા વગર લડવાની ને જીતવાની જ ચિંતા કરવાની હોય. પછી તે, બરફના ડુંગરો હોય કે દરિયાઈ ખડકોની આડશમાં બનેલી ખાઈઓમાં, ગંદા પાણીની વચ્ચે જાતજાતનાં જીવડાં કે જળચરોથી ને એમનાથી ફેલાતા રોગોથી બેહાલ થઈને પણ લડવાનો જુસ્સો જાળવી રાખવાનો હોય! ઈતિહાસ ન ગમવાનું કારણ આ પણ ખરું. વિજયના આનંદની પાછળ કેટકેટલી દુ:ખદ કહાણીઓ છુપાયેલી હોય! આપણી સાથે પણ જીવનમાં આવી હાર ને જીતની રમત ચાલુ જ રહેતી હોય ને? આપણે તો ઘરમાં બેસીને, બધું ખાતાં–પીતાં, સગવડો ભોગવતાં યુધ્ધનાં નગારાં વગાડવાનાં હોય. ઘણી વાર જીતવાનો આનંદ ઉછાળા મારે પણ હારવાનું દુ:ખ ન ખમાય એટલે ફરી યુધ્ધના નગારાં વાગવા માંડે. જ્યાં સુલેહ કે સંધિમાં પતતું હોય ત્યાં યુધ્ધ બહુ ઓછાં ટકે, પણ આપણા સિવાય કોણ આ બધું સમજે? ખેર, યુધ્ધની બહુ વાતો થઈ, હવે ફરી ગાડીમાં.

મેં પહેલી એવી જગ્યા જોઈ, જ્યાં એકદમ શાંત વાતાવરણમાં કોઈ અવરજવર કે કોઈ જાતના બીજા ઘોંઘાટ કે અવાજોની ગેરહાજરી હતી. હતો ફક્ત દરિયાના મોજાંનો ધીરગંભીર અવાજ. ગાડીમાં પાછા ફરતાં અમને ત્રણેયને એક જ વાત ખટકી અને કદાચ બધાને જ ખટકી હશે. પેલી ફોટાઘેલી જ્યાં ને ત્યાં દોડી દોડીને એના ઘેલાને, પોતાના અવનવા પોઝના ફોટા ખેંચવા બોલાવતી રહેતી. સ્થળનું મહત્વ કે ગાઈડની ગંભીરતા એને ક્યાંથી સ્પર્શે? બાકી તો, જેટલા ટુરિસ્ટો આવતા તે બધા ખૂબ જ રસપૂર્વક ફરી ફરીને બધું જોતા ને વાંચતા પણ ખરા. વર્ષ દરમિયાન લાખો લોકો ટર્કીની મુલાકાતે આવતા એટલે સ્વાભાવિક છે કે, અહીં પણ આવતા જ. ખાસ કરીને જે દેશોએ લડાઈમાં ભાગ લીધો હતો તે દેશના લોકોને તો ખાસ રસ પડે. જેવો આપણને જલિયાંવાલા બાગ જોવામાં રસ હોય.

હવે બાકી રહ્યું પરગમમ. પરગમમ શબ્દમાં કેટલા બધા શબ્દો છુપાયેલા છે! પર, મર, ગર, રગ, મગ, પગ, ગમ, મમ, રમ, પરમ, ગરમ, મરમ...આહાહા! મજા જ પડી જાય ને? હવે ‘પરગમમ’નો અર્થ વળી શું થતો હશે? પરગમમ એટલે ગઢ કે કિલ્લો. કિલ્લામાં દાખલ થતાં જ, રાજાઓની કબરોના અવશેષો જોવા મળે. જે શેષ નથી તેના નામે પણ અવશેષો! ખેર, ખાસ તો અહીં જોવા જેવું હતું પરગમમ થિએટર. દસ હજાર લોકોને સમાવતું દુનિયાનું એક માત્ર કપરા ચઢાણવાળું થિએટર! લગભગ અઢીસો મીટર લાંબું અને સોળ મીટર પહોળું તો એનું છાપરું બનાવેલું, હા ભઈ, પોર્ટિકો! એ જોઈને નવાઈ લાગે કે, એક બાજુ રાજાએ હજારો લોકોને થિએટરમાં કાર્યક્રમ જોવાની સગવડ કરી આપી અને પછી એમના જ તમાશા થઈ જાય એવું થિએટર કેમ બાંધ્યું હશે? એક પગથિયું ચૂક્યા તો સીધા નીચે. તોય એને જોવા ટુરિસ્ટોનાં ધાડેધાડાં! કેમ નહીં? દુનિયાની અજાયબીઓ જોવા તો નીકળ્યાં હોઈએ, ઘરની છોડીને.

પરગમમનું હજી એક આકર્ષણ હતું–ડાયોનાઈસસ ટેમ્પલ–રોમન ભગવાન ડાયોનાઈસસ–બૅકસ(બાકસ)નું મંદિર. પેલા થિએટરનો રસ્તો મંદિર તરફ જતો હતો. આ ભગવાન ખેતીવાડીના, વાઈનના ભગવાન હતા. દ્રાક્ષના મબલખ પાકે ત્યાં વાઈનની રેલમછેલ હતી. હિંદુઓમાં પણ દેવો સોમરસનું પાન કરતા તે આ હશે? કોણ જાણે. મંદિર પછીથી આરસના પથ્થરોથી બનેલું. જેવા સુંદર ગ્રીક ગૉડ, એવું જ સુંદર જોવાલાયક મંદિર. અહીં એવું કંઈ નહીં કે, મંદિરે દર્શન કરવા આવ્યાં, એટલે ઘરેથી કંઈ પૂજાનો સામાન કે ભેટસોગાદ લાવીને કે વસ્ત્રદાન કરવા જેવી કોઈ વિધિ કરવી પડે. ધારો કે, કંઈ ન લવાય ને ભૂલી ગયાં હોઈએ તો બહાર સજાવેલી ભીડભાડવાળી બજારમાંથી કંઈક ખરીદીને પણ ભગવાનને ભેટ ચડાવવાની એવો કોઈ નિયમ નહીં. જ્યાં નિયમ નહીં ત્યાં બંધન નહીં, એટલે દુકાનોની સદંતર ગેરહાજરી ત્યાં જોવા મળી. બસ, તમારી ફુરસદે મંદિરને, પ્રદક્ષિણા ન સમજીને એની ફરતે ફરી ફરીને જ્યાં સુધી મન ભરાય કે ગાઈડ બોલાવે ત્યાં સુધી જુઓ અને ખુશ થાઓ.

સવારથી સાંજ સુધીમાં ટર્કીના ઈતિહાસનું ભરપૂર પાન કરીને સાંજે સૌ હોટેલ ભેગાં થઈ ગયાં, બીજા દિવસે નવી જગ્યા જોવાની તૈયારી સાથે.
‘અ’વે કાલે કાં લઈ જહે? જરા કાગળ ખોલીને જોઈ તો લઈએ.’
‘ઓહ ઈસ્તમ્બુલ! આવી ગ્યુ છેલ્લુ સ્ટોપ?’ નામ સાંભળીને અમે ત્રણેય ઉદાસ થઈ ગયાં. કેટલી મજા આવતી છે આ ટૂરમાં! અ’વે બે દા’ડામાં ઘેરે પાછા! અ’જુ એકાદ બે દા’ડા લંબાઈ જાય તો કેટલુ હારુ!



 (તસવીરો ગુગલ પરથી લીધી છે.)

6 ટિપ્પણીઓ: