નામની વિવિધતા મને હમેશાં આકર્ષતી રહી છે.
અટપટાં નામ હોય, બોલવામાં તકલીફ પડે એવાં નામ હોય, એક જ નામમાં બે–ત્રણ ભાષાના
ભણકારા થતા હોય કે કોઈ નામના જુદા જ અર્થો નીકળતા હોય એવાં નામો મને બહુ ગમે.
નવાઈનાં નામ સાંભળતાંની સાથે જ મનમાં કંઈ ખટપટ ચાલુ થઈ જાય. પહેલાં પામુક્કલે
ગયેલા–(Pamukkale)– ત્યારે મનમાં પા–મૂક–કાલે/કલે ને હવે –કનક્કલે–(Canakkale)–જવાની વાત ગાઈડે કરવા માંડી કે કનકની યાદ આવી. કનક
કાલે કે કનક લે! કનક સાથે જો લતા હોય, એટલે કે કનકલતા તો એ છોકરીનું
નામ, ને ખાલી કનક હોય તો છોકરાનું નામ હોય એવું મને યાદ છે. નામમાં આવા ગોટાળા થતા
હોય તો એવાં નામ પાડવા જ ન જોઈએ ને? હશે હવે, જેવી જેની મરજી.
આ ટર્કીમાં પણ અમે જ્યાં જ્યાં ગયાં, ત્યાં
ત્યાં જાતજાતનાં નામ સાથે અને હાલતાં ને ચાલતાં ખંડેરો સાથે જ પનારો પડ્યા કર્યો. બીજું
થાય પણ શું? તે જમાનામાં બનતું જ એવું કે, જેમ તેમ કોઈ રાજાએ મજાનું સામ્રાજ્ય
ઉભું કર્યું હોય કે બીજા અદેખા રાજા એના પર હુમલો કરવા હાજર જ થઈ જતા. આમાં ને
આમાં જ ટર્કીના ઈતિહાસમાં આપણને, રાજાઓ ને લડાઈઓ ને જીવ બળી જાય એવી જગ્યાઓના
ખંડેરો જ વધારે જોવા મળે. શિક્ષણપ્રેમી, રમતગમતપ્રેમી ને પ્રજાપ્રેમી રાજાઓની બધી
મહેનત પર, બીજા લાલચી રાજાઓ એવું પાણી ફેરવી દેતા કે, આપણા જેવા ટુરિસ્ટોએ ખાસ બધા
પથરા ને તુટેલા થાંભલા કે મોટા મોટા સ્ટેડિયમોના પગથિયા જોવા લાંબા થવું પડે. આવું
જોકે દુનિયા આખીમાં બન્યું છે ને હજીય બને છે તે દુ:ખની વાત છે. કુદરત વિનાશ વેરે
તે તો પાછો અલગ! ખેર, ગાઈડે તો અમને કનક્કલે જતી વખતે રસ્તામાં જ બધો ઈતિહાસ એની
આદત કે ફરજ રૂપે કહેવા માંડેલો, એટલે રસપ્રદ નામો કાન પર પડ્યા કરતા હતા ને સાથે સાથે
બધી વાર્તા પણ.
એના કહેવા મજબ કનક્કલેમાં જોવાનું તો ઘણું છે,
પણ જો ઓછો સમય હોય તો ખાસ બે જગ્યાની મુલાકાત લીધા વગર લોકો પાછા ન જાય. એના આગ્રહ
મુજબ, એ બે જગ્યા તો દરેક ટુરિસ્ટે જોવી જ જોઈએ. પહેલી તો ટ્રોય અને બીજી પરગમમ(Pergamon), આપણા ઉચ્ચાર મુજબ પરગેમોન કે પરગમન. ગાઈડ તો
એવું બોલે, ને પછી કોઈ ત્રીજી જગ્યાએ પણ લઈ જાય તેની અમને ખાતરી, કારણકે ટર્કી એનો
દેશ હતો. સ્વાભાવિક છે કે, એને પણ મન થાય, કે ઓછા સમયમાં વધારે ને વધારે જગ્યાઓ
બતાવાય તો સારું, પરદેશીઓ ખુશ થઈને તો જાય. જરાય કંટાળ્યા વગર કે ઈતિહાસમાં લોચા
માર્યા વગર એ ખૂબ જ રસપૂર્વક, દરેક જગ્યાએ ઊભો રહી, બધાં ભેગાં થઈ જાય પછી જ એનો પ્રિય
ખજાનો ખાલી કરવા માંડતો. પેલી બે જાપનીઝ બહેનો તો કાનમાં હેડફોન લગાવીને ફરતી,
કારણકે એ લોકોને ઈંગ્લિશના ફાંફાં હતા! આપણે તો અમસ્તાં જ ગુજરાતી બોલવાથી ગભરાઈએ. આગળથી જો
અમે કે’તે તો હું અમારા હારુ હો ગુજરાતી હંભરાવતા હેડફોનની વેવસ્થા થતે? કોણ જાણે.
ગાઈડને હો ઘણી વાર ઈંગ્લિસમાં વાતચીતના ફાંફાં પડતાં એવું એની હાથેની વાતચીતમાં
અમને ઘણી વાર લાઈગુ. તો હું આખો દા’ડો આ બધા લવારા તે ગોખણપટ્ટીને આભારી? ખરેખર
એવું ઓહે? જે ઓહે તે, બધાંનું કામ ચાલતુ છે ને બધાંને મજા પડતી છે તે મહત્વનું છે.
સૌથી પહેલાં અમને બહુચર્ચિત અને જેના પરથી ફિલ્મ
પણ બનેલી તે પુરાણા નગર ટ્રોયમાં ઉતાર્યા. ત્યાં દાખલ થતાં જ એક મોટો લાકડાનો ઘોડો
દેખાયો(Trojan horse), જે દસ વર્ષ ચાલેલી લડાઈની યાદમાં ત્યાં મુકાયેલો. વાર્તા એવી છે કે,
ટ્રોયના રાજા પ્રિઆમ(પ્રિયમ હોવું જોઈએ)ના દીકરા પેરિસ(!)ને સ્પાર્ટા દેશની રાણી
ગમી ગઈ. ગમી તેનું કંઈ નહીં પણ એ પોતાના દેશ અને દેશના લશ્કરના ભોગે ભોગવિલાસમાં
રાચવાનો થયો! રાણીનં અપહરણ કરી લાવ્યો. હવે પેલો ગ્રીક રાજા આગામેમન કંઈ ચુપચાપ
બેસવાનો હતો? દસ વર્ષ સુધી ટ્રોયને ઘેરીને લડાઈ ચાલુ રાખી, જેમાં છેલ્લા ઉપાય રૂપે
એના સૈનિકો એક મોટા લાકડાના ઘોડામાં ભરાઈને છુપાઈ ગયેલા અને ટ્રોયના સૈનિકો એ
ઘોડાને નવાઈથી જોતાં જોતાં પોતાના શહેરમાં ખેંચી લાવ્યા! પછી તો કલ્પી શકાય કે શું
થયું હશે. આપણને નવાઈ લાગે કે, એ ઘોડાને પૈડાં પણ મૂક્યા હશે? ને એવો તે કેવોક
ઘોડો બનાવ્યો, કે શસ્ત્રસરંજામ સાથે હજારો સૈનિકો અંદર સમાઈ ગયા? કંઈ પચાસ–સો
સૈનિકો થોડા ત્યાં જવાના હતા? મગજમાં ન ઉતરે પણ વાંચીને કે સાંભળીને અને ફિલ્મમાં
જોઈને મજા પડે એવી આ વાર્તા ખરી.
એ જગ્યા પર બીજું કંઈ જ નહીં, એટલે મોટા ભાગે
બધા ટુરિસ્ટો કુતૂહલ ખાતર કે પછી આવ્યાં છીએ તો જોતાં જઈએ એમ કરીને પણ ધીરે ધીરે
સીડી પર એક માળ ચડીને ઘોડાની અંદર ફરી આવે ખરા. ઈતિહાસપ્રેમીઓને તો એ ઘોડાની અંદર
દાખલ થતાં જ કોઈ અજબ લાગણી કે ધ્રુજારી થતી હશે. જ્યારે મારા જેવા તો, ‘આમાં હું?
નક્કામો ધક્કો થીયો’ બોલીને નિરાશ થઈ જાય. હા, એક મજાની વાત ત્યાં એ હતી કે, દરેક
ટુરિસ્ટ સ્પોટ પર હોય તેવા ધંધાદારી ફોટોગ્રાફર અહીં ફરતા રહેતા. એમની પાસે રાજાના
કે સીપાઈના બખ્તર, ભાલા, મોટો ચાંચવાળો ટોપો અને પેલી ગોળ ઢાલ જેવું રક્ષણાત્મક
નકલી પતરું હોય. એ પહેરીને તમે બે ઘડી માટે રાજા કે સીપાઈ બનવાનો લહાવો લઈ શકો.
બધા પાસે મોબાઈલ અને કૅમેરા હોય પણ આ બધા શણગારની શોભા કંઈક જુદી જ. અમારી સાથે
પેલા ખુશમિજાજ કાકા–કાકી(અંકલ–આન્ટી) હતા તેમાંથી કાકાએ રાજાનો વેશ સજીને ફોટો
પડાવી લીધો. ખરેખર બે ઘડી તો, કોઈ વૃધ્ધ રાજા ત્યાં આવી ગયો હોય એવું લાગ્યું.
કાકાની બાકી જોરદાર પર્સનાલિટી હતી, હં કે! તે સમયના એમના બંનેના ચહેરાના હાવભાવ
દિલમાં એક કાયમી છાપ છોડી ગયા, તો એમનો ફોટો ન લેવાનો અફસોસ પણ રહી ગયો.
ત્યાંથી ફરી એક વાર ખંડેર નગરી ટ્રોયમાં ફરી
લીધું પણ ઈતિહાસવિદોના કહેવા મુજબ ટ્રોય હજારો વર્ષોથી અસ્તિત્વમાં હતું. પહેલાં
એને હિસાર્લિક કહેતા. જેવું ખંડેર થાય, કે એના પર ફરી નગર વસી જતું ને એવા તો દસ
ટ્રોય બન્યા! બાપ રે! આખી દુનિયામાં આવા વિનાશ અને નવનિર્માણનાં કામો ચાલુ જ રહે
ને એ બહાને કેટલાય લોકોને રોજીરોટી મળતી રહે, ઈતિહાસવિદોને ચોપડા ભરાય એવા ખજાના
મળે ને પેલા ભૂસ્તરશાસ્ત્રીઓને પણ કામ મળ્યા કરે. આમેય નવરા બેસી કરવાનાય શું? ચાલો
અ’વે હું બાકી રી’યુ જોવાનું? ભઈ બધુ જોહું પણ જોતા પે’લ્લા કૉફી નીં તો દાડમનો રસ
પીવો પડવાનો, બો થાકી ગીયા
તસવીરો ગુગલની મહેરબાનીથી. |