ગમે તેટલા પૈસા ખર્ચીને કે ગમે તેટલી મહેનત કરીને આપણે ફ્લૅટ લીધો હોય કે નાનકડો તોય બંગલો બનાવ્યો હોય, પણ પાડોશીઓ વગર આપણને ચાલતું નથી. (એ લોકોને પણ ક્યાં આપણા વગર ચાલે છે?) લોકો સારા પાડોશી જ એટલા માટે ઈચ્છે, કે ગમે ત્યારે, એટલે કે સુખ–દુ:ખમાં, અધરાત–મધરાત ગમે ત્યારે કામ આવી શકે! લોકો સ્વાર્થી ન કહેવાય? કે આ જ ભારતીય સંસ્કાર છે? પરંપરા છે? જે હોય તે, પણ જ્યારે મને પાડોશી હોવાના ફાયદા ને ગેરફાયદા બંને યાદ આવે ત્યારે પહેલાં મેળવણ જ યાદ આવે! ફક્ત એક ચમચી દહીંનું મેળવણ મેળવવા માટે કેટલાં દયામણાં બનવું પડે? ને મેળવણ મળે તો કેટલી હાશ થાય? મેળવણથી શરૂ થયેલી આપ–લેની સફર કેટકેટલા અનુભવોનું ભાથું બાંધી આપે? આ જ સંસ્કાર કે આદત આપણને, કોઈ પણ સફરમાં સહપ્રવાસીઓ સાથે પણ બહુ કામ આવે છે. જેમ પાડોશીઓ આપણી મરજીના નથી હોતા તેમ સહપ્રવાસીઓ પણ આપણી મરજી પ્રમાણે નથી મળતા. પરસ્પર સ્વભાવ કે શોખ મળતા આવે તો જ સુહાની સફરનો અનુભવ થાય, બાકી તો કડવી યાદો જીવનભરના બીજા પ્રવાસોમાં પણ બીવડાવે.
જોકે, લોકોને પાડોશીધર્મની યાદ ના આવે ને એમને
ત્યાં મહેમાન બન્યા પછી, કોઈએ શરમમાં ના પડવું પડે એટલે હવે તો મોટા ભાગની હૉટેલો,
લોકોને જે જે વસ્તુઓ ભૂલી જવાની ટેવ હોય છે તે તે વસ્તુઓ ગ્રાહકોના ખર્ચે જ, સગવડના
નામે પૂરી પાડે છે. નહીં તો કેવાં દ્રશ્યો ઊભાં થાય? જેમનું મોં પણ જોયું ન હોય કે
જેમને ઓળખતાં પણ ન હોઈએ તેમના રૂમનું બારણું સવારે ઠોકીને પૂછવાનું, ‘તમારી પાસે
ટુથપેસ્ટ છે? મારે લાવવાની જ રહી ગઈ. છેલ્લી ઘડીએ મારી પત્ની પણ લેવાનું ભૂલી ગઈ.’
ને પછી થોડો સામાન્ય વહેવાર, ‘માફ કરજો હં, તમને ડિસ્ટર્બ કર્યા. થેન્ક યુ હં.’
હવે સામે પેલા પાડોશી પણ જો એમ કહે કે, ‘ભાઈ, મારી પણ એ જ રામાયણ છે. કેટલી વાર
મેં એને યાદ કરાવ્યું તો પણ, ‘હા ભઈ હા’ કરીને છણકા કર્યા પણ એમ નહીં કે ટુથપેસ્ટ
મૂકી દે.’ તો પછી શું કરવું? વીલે મોંએ બેય ભેગા થઈને શું ત્રીજાને ત્યાં જાય? કોણ
જાણે. આવી શક્યતા પરથી જ પેલો સુવિચાર કોઈ હૉટેલવાળાને આવ્યો હશે, તે પરંપરા બનીને
બધી હૉટેલોમાં આપણા લાભાર્થે ચાલુ રહ્યો.
પારુલના મોબાઈલનું ચાર્જર રહી ગયું તે મને સહેજ
વિચાર આવ્યો કે, હૉટેલવાળાએ બધી સગવડની સાથે બધી કંપનીના ચાર્જર પણ રાખવા જોઈએ કે
નીં? બેઉ બેનો ખીજવાય એટલે મેં જાહેર નીં કઈરુ પણ વિચાર ખોટો નીં મલે, હું કે’ઓ?
હવે સ્વાભાવિક છે કે, જ્યારથી ચાર્જર રહી ગયાની ખબર પડેલી ત્યારથી પારુલનો જીવ તો
એમાં જ હોવાનો ને? એની બધી વાતોમાં પણ ચાર્જર આવી જ જતું. અમે બે બનતી મદદ કરી
ચૂક્યાં, પણ પછી તો બજાર કે મોબાઈલની કોઈ દુકાન વગર પત્તો નથી પડવાનો તે જાણતાં
હોવાથી અમે બીજે મન પરોવેલું. સવારે નાસ્તો કરવા નીચે હૉલમાં ગયાં, તો ત્યાં પણ
રોજની જેમ નાસ્તામાં ધ્યાન આપવાને બદલે પારુલનું ધ્યાન બધાના હાથમાંના મોબાઈલ પર!
ખાસ તો, અમારા ગ્રુપના જેટલા સભ્યો નાસ્તો કરવા બેઠેલા તેમની પાસે જઈને પારુલે આદર
સહિત પૂછપરછ આદરી. ‘તમારી પાસે કયો મોબાઈલ છે? મારું ચાર્જર પેલી હૉટેલમાં રહી
ગયું ને હવે મારો મોબાઈલ બંધ થઈ ગયો છે. તમારા મોબાઈલનું ચાર્જર જો મને કામ લાગે
તો થોડો સમય માટે આપશો?’ સૌએ પોતપોતાનાં મોબાઈલ બતાવ્યા પણ કોઈનો મોબાઈલ કામ ન
લાગ્યો, સિવાય એકનો!
પેલું મુંબઈવાળું સિંધી કપલ હતું તેમાંથી ભાઈનો
મોબાઈલ પારુલના મોબાઈલ જેવો જ હતો. પણ તેથી શું? ચાર્જર તો એને પણ જોઈએ જ ને?
જોકે, ભાઈ બહુ દુરંદેશીવાળા નીકળ્યા તે એમની પાસે બે ચાર્જર હતાં! ત્રણ મોબાઈલ ને
છ ચાર્જર! એ ભાઈ જે ધંધો કરતા હશે તે પણ એમનો ધંધો બહુ જોરમાં ચાલતો હશે. તે સિવાય
આખો વખત કોઈ મોબાઈલમાં જ માથું ખોસીને બેસી રહે? બસમાં તો ભાઈ, પત્ની સાથે પણ ખાસ
વાતો કરતા નહીં. પત્નીની વાતોના જવાબમાં પણ ‘હું, હાં, હેં? અચ્છા, ઠીક હૈ’થી વધુ
કંઈ નહીં! જે હોય તે, પણ એ ભાઈ તો પારુલ માટે દેવદૂતથી કમ નહોતા. ‘આપ યે ચાર્જર રખ
લો, મેરે પાસ દૂસરા ચાર્જર હૈ.’ પારુલના ચહેરા પર તો રોનક આવી ગઈ! પેલા ભાઈને
આપેલા પારુલના થેન્ક યુ મારે ગણવાના ર’ઈ ગ્યા પણ અમનેય હાશ થઈ ગઈ. બીજી હાશ તો, એ
ભાઈની પત્નીએ પોતાના પતિની સામે કે પારુલની સામે ડોળા ન કાઢ્યા કે મોં વાંકું ન
કર્યું તેની થઈ. એમની જગ્યાએ પેલા બીજા દિવેલિયા ભાઈ પાસે વધારાનું ચાર્જર હોત તો?
મન મારીને ને બંધ મોબાઈલ લઈને બેસી રહેવું પડત. એની પત્ની પણ અમારી સામે લાચારીનું
ખોટું સ્મિત કરતે. બાકી તો, આપણી સાથે રહેનારનો મૂડ બગડે તો આપણો મૂડ પણ ઠેકાણે
થોડો રહે? એક સાદુ સીધું ચાર્જર પણ કેવા ખેલ કરી શકે?
ત્યાર પછી તો, અમે જ્યારે જ્યારે બસમાં બેસતાં
ને ફાકા મારવા પડીકાં ખોલતાં, ત્યારે ત્યારે પહેલો પ્રસાદ પારુલ પેલા ભાઈને ઓફર
કરતી. એ લોકોના થેલામાં પણ પડીકાં હશે જ, એટલે દર વખતે એ લોકો નમ્રતાથી ના કહેતાં
તો કોઈ વાર વળી પારુલને ખોટું ન લાગે એટલે એકાદ ટૂકડો લઈને એને આભારી કરતાં.
ચાર્જર મળ્યું તો બાકીની સફરની યાદગાર તસવીરો પડી, બાકી તો ગુગલ પર ક્યાં નથી મળતી
તસવીરો? પોતે પાડેલી તસવીરોનો આનંદ અલગ જ હોય તે પારુલના ને અંજુના ચહેરા પર દરેક
તસવીરે દેખાઈ આવતો. મારે તો નજરથી ને શબ્દોથી તસવીર ખેંચવાની હોઈ, હું કૅમેરાની કે
મોબાઈલથી તસવીરો ખેંચવાની ઝંઝટમાં પડી જ નહોતી. બાકી તો, પેલો દિવેલિયા મોંવાળો
મને નિરાંતે જોવા થોડો મળવાનો હતો? ફરવામાં એનું બિલકુલ ધ્યાન નહોતું. બસ,
જાતજાતના પોઝ આપીને નાચતી–કૂદતી રહેતી એની પ્રિય પત્નીમાં જ એનું સમગ્ર ધ્યાન
રહેતું ને જો ક્યારેક બે ચાર મિનિટ વધારાની ખાલી મળી જતી તો આજુબાજુનું એકાદ
દ્રશ્ય એ કૅમેરામાં ઝીલી લેતો! આ લોકો ઘરે જઈને શું વાગોળશે? મિત્રો સાથે કે ઘરનાં
સાથે વાતો કરવામાં શું ઉકાળશે? ફરવાની મજા આવી તે કે ફોટા પાડવા–પડાવવાની મજા આવી
તે? કોણ જાણે!
khub j naankdi vaat maathi kataax yukt vyang nipjaavvaani tamari kaabeliyat kaabile - dad chhe , samagr lekhmalanu sampadan karine - aavaa naankdaa pan sharp muddaone taarvine taiyaar karo to ek saras vyang - katax lekh tayaar kari shako evu mane laage chhe - ashvin desai australia
જવાબ આપોકાઢી નાખોચોક્કસ થાય. વિચાર સારો છે. નાની વાતો જ ચમકારા મારે.
કાઢી નાખોબીજી હાશ તો, એ ભાઈની પત્નીએ પોતાના પતિની સામે કે પારુલની સામે ડોળા ન કાઢ્યા કે મોં વાંકું ન કર્યું
જવાબ આપોકાઢી નાખોતેની થઈ. :):):)
રજનીકાન્ત શાહ
હા, એ ધ્યાન પહેલાં રાખવું પડે!
કાઢી નાખો