મોબાઈલના અમે જબરાં આદિ થઈ ચૂકેલાં એટલે હૉટલમાં
પહોંચતાં જ પોતપોતાના મોબાઈલને ચાર્જ કરવાની વેતરણમાં પડી જતાં. અંજુ એની વહુ સાથે
રોજ સવારે ગપશપ કરી લેતી. એ બહાને જાણી લેતી કે, કામવાળી આવે છે કે નહીં? વહુને કોઈ
તકલીફ તો નથી પડતી ને? પારુલને એના ફોટાની ચિંતા રહેતી ને મને તો ઘરમાંથી ફોન
કરવાની જ ના પાડેલી કે, ‘ખબરદાર! અમને શાંતિથી થોડા દિવસ રહેવા દેજે.’ તોય મારે
ફોન તો ચાર્જ કરી જ રાખવો પડતો. ઈમરજન્સીમાં તો ચાલે ને?
પણ, ‘બનવાકાળ’ શબ્દ બહુ મજાનો છે. આપણા હાથમાં કંઈ ન હોય ત્યારે એ બહુ કામ આવે. ગઈ કાલના સ્વર્ગને યાદ કરતાં વહેલી સવારે અમે અમારી હૉટલ છોડવાની તૈયારીમાં પડેલાં. બધો સામાન વહેલો વહેલો સમેટવામાં ને ખાસ તો નાસ્તાનો ટાઈમ ન ચૂકી જવાય તેની ચિંતામાં, ફટાફટ બૅગ રૂમની બહાર મૂકી, રૂમને તાળું મારી અમે નીચે ડાઈનિંગ હૉલમાં પહોંચ્યાં. (આ દોડાદોડીમાં પેલું બનવાકાળ બની ચૂકેલું, જેનો કોઈને અંદાજ નહોતો. પારુલને તો આઘાત જ લાગવાનો હતો.) ખેર, સૌથી પહેલી જ મજાની ખાન હૉટલમાં અધધધ વૅરાયટીવાળું ખાધા પછી, અમે દરેક હૉટલમાં એવા જ ભોજનની કે નાસ્તાની આશા રાખતાં પણ એવું બનતું નહીં. મનના ખજાનાથી ચોથા ભાગની વસ્તુઓમાંથી પણ પાછી વેજ વાનગીઓ શોધીને લાવવાની, એટલે આમેય અમારી ડિશ ને મન અર્ધાં જ રહેતાં. એ તો સારું કે, બે ચાર જાતની મીઠાઈ હોય એટલે ખાધાનો સંતોષ થાય. અમારી આજુબાજુ તો લોકો ડિશો ભરી ભરીને ખાવાની મજા લેતાં ને અમે જોયા કરતાં!
અમારા ગ્રૂપના ફક્ત ચાર જણ શાંતિથી ને વાતો
કરતાં કરતાં નાસ્તાનો સ્વાદ માણતાં. પેલા બે વડીલ ને પેલી બે બહેનો, બસ. પેલા ચાર
મુંબઈગરા તો રોજ ડિશ ભરીને બધું લેતાં ને મોટા ભાગે અર્ધું ખાવાનું ટેબલ પર મૂકી
ઊભા થઈ જતાં. અમે ખોરાકના બગાડનો અફસોસ કરતાં કરતાં ખાતાં. જોકે, ઘણા ટેબલો પર અમને
એવું છાંડેલું ભોજન જોવા મળતું ને અમારો જીવ બળી જતો. પણ આપણાથી હું થાય? ખાલી
થયેલી પ્લેટ્સની ટ્રોલી ફેરવતા વેઈટર્સના ચહેરા જોઈને દુ:ખ થતું. આ લોકોને
ખાવાનામાં કોણ જાણે હું મળતુ ઓહે? આ બધો બગાડ જોઈને એ લોકો હું વિચારતા ઓહે? અમે
પાછા અમારી દુનિયામાં પાછા ફરતાં. સમયના અભાવે મોટા ભાગના લોકો સફરજનની ટ્રેમાંથી
સફરજન લઈને ચાલવા માંડતા. કંઈ નીં તો, બસમાં બેહીને ખવાહે. અમારી પ્રાયવેટ બસ હતી
એટલે અમારા જાતજાતના ફાકા ચાલુ રહેતા. પેલા આગળ બેઠેલા સહપ્રવાસીઓ હો ફાકા મારતા
ઓહે? એ લોકો હું લાઈવા ઓહે? ઘેરેથી બનાવી લાઈવા ઓહે કે વેચાતું? આપણાં મનને બધાંની
ફિકર!
કાપાડોક્યાથી નીકળીને ટર્કીની બધી જગ્યાઓએ જવા અમે બસમાં જ નીકળી પડેલાં એટલે પ્લેનની દોડાદોડી, કસ્ટમ ચેકિંગ અને સમયની બરબાદીમાંથી બચી જતાં, તેની મોટામાં
મોટી શાંતિ હતી. બસમાંથી તો પાછું બેઠાં બેઠાં, રસ્તાને કિનારે આવતાં ગામડાં કે
નાનાં શહેરોને જોવાનો પણ લાભ મળતો. જોકે મોટા ભાગે રસ્તાઓ તો ખાલી જ રહેતા પણ દૂર
દૂર સુધી જાતજાતનાં ફળોના બગીચાઓ જોવા મળતા. સામાન્ય રીતે આપણે ફૂલોના બગીચાઓ જોયા
હોય. જ્યારે જ્વાળામુખી ફક્ત વિનાશ જ કરે એ ભ્રમ અહીં સદંતર ભાંગી જાય. જે અનુભવો
અમે સ્વર્ગનગરી અને પાતાળનગરીમાં કર્યા તે જોઈને તો લાગે કે, બધે જ એક એક
જ્વાળામુખી ફાટવો જોઈએ. કંઈ નહીં તો બધે જમીન તો ફળદ્રુપ થઈ જાય અને બધે
બાગબગીચામાં ફૂલો ને ફળોની બહાર આવી જાય! પાતાળમાંથી ઝરણાં ફૂટી નીકળે ને ધોધ પડે
તો લોકોનો પાણીનો પ્રશ્ન ઉકલી જાય.
આ બધાની સામે જ્વાળામુખીના વિનાશનો આંકડો દેખાય
એટલે વિચાર અટકી જાય. અમારો ગાઈડ પૂરક માહિતી આપતાં કહેતો, ‘અહીં દાડમ અમારું લકી
ફ્રૂટ ગણાય છે એટલે દાડમના બગીચા તમને ઠેર ઠેર જોવા મળશે.’ અચ્છા, એટલે જ્યાં જઈએ
ત્યાં મોટા મોટા લાલ દાડમનો રસ લોકો ટેસથી પીતાં દેખાય છે. મેં તો એક જ વાર રસ
ચાખેલો પછી બીજી વાર પીવાનું મન નહોતું થયું. કેમ? તો એ લોકો, દાડમના બે ફાડિયાં
કરીને સીધા જ મશીનમાં મૂકીને રસ કાઢતા. એટલે છાલનો કડવો રસ ને દાડમનો થોડો ખાટો રસ
ભેગા થઈને વિચિત્ર સ્વાદ લાગતો. ભઈ, એ તો જેવો જેનો ટેસ્ટ. દાડમ લકી ગણાય? વાહ. તો
પછી, અહીંના લોકો તો ગળામાં દાડમ લટકાવીને ફરતાં હશે? કે પર્સમાં, કે ખીસામાં
રાખતાં હશે? અથવા એવું બધું ફાવે નહીં એટલે દાડમના ફોટાનું લોકિટ બનાવડાવતાં હશે?
કોણ જાણે, આ લોકોની શ્રધ્ધા કે અંધશ્રધ્ધા કેવીક હશે.
અમે જઈ રહ્યાં હતાં પામુક્કલેથી કુસાદાસી કે કુસાડાસી.
(વળી ગુજરાતીનો અણસાર આવ્યો. ભૂસાદાસી કે ભૂસાડોસી. તમને આવ્યો?) વળી એક પુરાણું
શહેર, જેમાં જોવાલાયક વિશ્વપ્રસિધ્ધ ખંડેરો પણ છે અને પ્રવાસીઓને બારે માસ આકર્ષતો
લાંબો, વિશાળ દરિયાકિનારો પણ છે. સ્વાભાવિક છે કે, દરિયાને કારણે દરિયાઈ રમતો ને
ક્રૂઝની સવારી અહીંના વિશિષ્ટ આકર્ષણો છે. ભૂમધ્ય સમુદ્રની સુંદરતાને લીધે
કુસાડાસી ટર્કીનું, વધારે ટુરિસ્ટો ખેંચી લાવતું સ્થળ બની ગયું છે. દરિયાકિનારાની
ચળકતી, બારીક સોનેરી રેત પર ચાલવાનો લહાવો લેવો કે દરિયાની લહેરો સાથે મસ્તી કરતાં
લોકોને જોવામાં સમય પસાર કરવો કે પછી દરિયાના મોજાં પર ઝૂલવાની મજા લેવી એ દરેકની
પસંદ પર આધાર રાખે. આપણે કૂણા તડકાના શોખીન, જ્યારે અહીં તો ઠંડા બર્ફીલા પ્રદેશના
લોકોનો ધસારો હોય એટલે દઝાડતા તડકાની એમને ભારે નવાઈ. ભાઈ આ લોકો તો સૂરજને બરાબર
ન્યાય કરે.
અમને બસમાં બેઠાં પછી એક વાતની ભારે નવાઈ લાગતી
ને પછી તો કંટાળો પણ આવવા માંડેલો, કે પેલો ડ્રાઈવર દર બે કલાકે બસને એકાદ હૉટલ
(આપણું ધાબું) પર ઊભી રાખી દેતો ને ગાઈડ, ‘હવે આપણે નાનો બ્રેક લઈશું’ કહીને વહેલો
વહેલો ઉતરી ડ્રાઈવરની સાથે હૉટલમાં જતો રહેતો. બંને ફ્રેશ થઈને તરત જ ગરમ પીણાંનું ગ્લાસ
ને નાસ્તો લઈ બેસી જતા. અમારે પણ ભૂખ હોય કે ન હોય તોય, ઉતરીને પગ છૂટા કરવા પડતા.
ફાયદો એક જ થતો કે, નવી નવી, નાની નાની હૉટલ કમ રેસ્ટોરાં જોવા મળતી, નવા ચહેરા
જોવા મળતા ને મુખ્ય તો પેલી ફોટાશોખીનના નખરાં જોવા મળતાં. ચા પીતાં ફોટો, કદાચ
દરેક હૉટલમાં એણે પડાવ્યો હશે. ભઈ, દર વખતે ડ્રેસ તો નવો હોય કે નીં? પછી? તમે કંઈ
હમજે નીં ને, હંહ! ને એનો વર? કૅમેરા લઈને પેલીની આગળપાછળ ફઈરા કરતો! આહ, અદેખાઈ
આવી જતી!