રવિવાર, 12 જૂન, 2016

સ્વર્ગનગરી તરફ

કયા કારણસર ખબર નહીં પણ અમારો પ્રવાસ બહુ અજબ રીતે ગોઠવાયેલો. કોઇ એક સ્થિતિમાં શરીર અને મન હજી તો સ્થિર થાય અને તેની અસરમાંથી ધીરે ધીરે બહાર નીકળે તે પહેલાં તો, તદ્દન વિરુધ્ધ સ્થિતિમાં પહોંચી જાય! ગાઈડે એક દિવસ અમને પાતાળમાં ઘુમાવ્યા તો બીજી સવારે બલુનમાં ઉડાડ્યા ને ત્યાંથી પાછા સ્વર્ગમાં પહોંચાડી દીધાં! હા, અમે આવી પહોંચ્યાં હતાં અદ્ભૂત કાપાડોક્યાને બાય બાય કરીને ‘પામુક્કલે’ નામની સ્વર્ગનગરીમાં. કોઈ મદ્રાસી(!) નામ જેવા લાગતાં આ નામને ‘કોટન કાસલ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળને જોતાં વેંત જ ખરેખર ફિલ્મોમાં જોયેલી સ્વર્ગનગરીની યાદ આવી ગઈ. અમે તો વગર મર્યે ને વગર પુણ્યના પોટલે સીધા જ સ્વર્ગમાં! ભઈ વાહ! હવે બધાંને કહેવું પડશે કે, હવે ગંગામાં નાહવા જેવું નથી રહ્યું એટલે તમારે જો પુણ્ય કમાઈને સીધા સ્વર્ગવાસી થવું હોય તો અહીં આંટો મારી જજો.


જાણે કે,અમારી આખી બસ જોતજોતામાં એક મોટું સફેદ હંસ–યાન બની ગઈ અને એ હંસ–યાન ધીમે ધીમે, ઊડતું ઊડતું, સફેદ વાદળોના ઢગલામાંથી પસાર થતું થતું એક મોટા પાણીના તળાવ પાસે આવીને ધીરેથી ગોઠવાઈ ગયું. સૌથી પહેલાં સ્વર્ગના રાજાના સિપાઈના ભવ્ય વેશમાં દરવાન(ડ્રાઈવર) ઉતર્યો. એની પાછળ એક ઊંચો, જાડો ને પઠ્ઠો પણ સુંદર પાંખાળાં કપડાંમાં સજ્જ ને બાળક જેવો નિર્દોષ દેખાતો, હાથમાં નાનકડી લાકડી ઘુમાવતો ઘુમાવતો માર્ગદર્શક(ગાઈડ) ઉતર્યો. એની પાછળ અમે સ્ત્રીઓ, સુંદર પરીઓના વેશમાં માથે તારા મઢીને, અમારા પાંખાળા ગાઉન પકડીને અને પગમાં ચમકતી મોજડી સોહાવીને ધીરે ધીરે ઉતરી. સૌથી છેલ્લે, પુરુષો દેવદૂતોના વેશમાં હાથમાં મોબાઈલ લઈને ઉતર્યા. મોબાઈલ તો સ્ત્રીઓ પાસે પણ હતા પણ પરીઓના વેશ સજવાના ઉત્સાહમાં સૌએ પર્સમાં મૂકી રાખેલા. પેલો દરવાન, હંસને ખવડાવવા–પીવડાવવામાં ને એની સાથે પોતે પણ ખાઈ–પીને ગપ્પાં મારતો, આરામ કરવામાં પડ્યો. સ્વર્ગના આંટાફેરા તો એના રોજના હતા એટલે સ્વાભાવિક છે કે, એનો સ્વર્ગમાં ઈન્ટરેસ્ટ જરા ઓછો.

સ્વર્ગમાં તો ચારે બાજુ દૂર દૂર સુધી ઊંચી શ્વેત ટેકરીઓ અને એ ટેકરીઓ પરથી વહી આવતા ગરમ પાણીના નાના મોટા અસંખ્ય ઝરા. કેટલેય ઠેકાણે કુદરતી રીતે જ બનેલા ગરમ પાણીના નાના મોટા કુંડ અને ઉબડખાબડ જમીનની સાથે સાથે, જાણે કે વ્યવસ્થિત રીતે બનાવી હોય એવી મોટી મોટી પગથિયાંની થપ્પીઓ! કહેવાય છે કે, જ્વાળામુખીનો પ્રદેશ હોવાને કારણે ગરમ પાણીના ઝરા સદીઓથી વહેતા રહ્યા ને આવી ટેકરીઓ બનતી ગઈ ને આ પાણી જાતજાતની ખનિજસંપત્તિથી સમૃધ્ધ હોવાને કારણે અહીંના પાણીનું મહત્વ ખૂબ વધી ગયું. કૅલ્શ્યમથી ભરપૂર આ પાણી જ્યાં જ્યાં કૅલ્શ્યમના ક્ષાર પાથરતું ગયું ત્યાં ત્યાં શુધ્ધ, સફેદ વાદળોના ઢગ જેવી ટેકરીઓ બનતી રહી ને પહેલાં રાજા–મહારાજાઓને અને પછીથી દુનિયાભરના ટુરિસ્ટોને સ્વર્ગની સહેલગાહ કરાવતી રહી. પહેલાંના રાજા કે રાણીઓને આર્થ્રાઈટીસના દુખાવા, માથાના દુખાવા, ભારેખમ શરીરના જાતજાતના સવાલો, પેટના કે ચામડીના કોઈ રોગ હતા કે નહીં તે જાણમાં નથી પણ એ લોકોએ ખાસ પોતાના નાહવાના ભવ્ય કુંડ બનાવડાવેલા તેથી એવું લાગે કે, એ લોકોને પણ ઘુંટણના ને કમરના દુખાવા રહ્યા હશે, વધેલી ચરબીને ઓગાળવા કે તંદુરસ્તી મેળવવા એ લોકો પણ કુંડમાં પડી રહેતાં હશે. (રોમન રાજાઓ નાહતા એ કુંડમાં હવે પ્રજાએ–ટુરિસ્ટોએ નાહવાના પૈસા આપવા પડે છે!)

ખેર, અમે તો બે કલાક માટે અહીં ઉડતી મુલાકાતે જ આવેલાં એટલે, એક બાજુએ મોજડી ઉતારીને ધીરે ધીરે પગથિયાં ઉતરીને બીજી પરીઓ, દેવદૂતો, રાજાઓ ને રાણીઓને જોતાં જોતાં એક ઝરણાંને કિનારે બેસી ગયાં. થોડી વારમાં જ, વહેતા હુંફાળા પાણીમાં પગ બોળવાથી, બસમાં બેસી રહેવાનો થાક ઉતરી ગયો. મનમાં એવો જાપ ચાલુ રાખ્યો કે, ‘હે પામુક્કલેના પવિત્ર ને જાદુઈ પાણી, અમે બહુ દૂર દેશાવરથી ખાસ તારા પાણીમાં પગ બોળવા ને હાથ મોં ધોવા અહીં આવ્યાં છીએ. અમારા શરીરની અંદર ને બહારના સઘળા રોગોનો નાશ કરજે ને એમને તારા પાણીમાં વહાવી દેજે. એમ તો અમારા ભવ્ય આવાસમાં પણ નાનકડી ટેકરી ને ગરમ પાણીનો ઝરો અમને દેખાયો છે, પણ સમયના અભાવે ને કંઈક સંકોચથી અમે એમ જાહેરમાં ત્યાં જવાનાં નથી એટલે અહીં જ બેસીને તારા અમૂલ્ય પાણીનો જેટલો લાભ લેવાય એટલો લઈ લઈશું.’

ફરતાં ફરતાં સાથે લાવેલા ફળફળાદિથી અમારી ક્ષુધા શાંત કરી અમે સૌ ફરીથી પેલા માર્ગદર્શકની આંગળી પકડીને નીકળી પડ્યાં, સ્વર્ગની બીજી ગલીકુંચીઓમાં. જ્યાં હાયરઅપોલીસ નામ અમને કંઈક વિચિત્ર લાગ્યું. જાણે કે, કોઈ પોલીસને હાયર કરવાનો હોય! પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ શહેરમાં જોવા જેવી ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં સ્વાભાવિક છે કે, પાંખો હોવાથી અમે ઉડતાં ઉડતાં જ બધું જોયું. પંદર હજાર લોકોને સમાવતું વિશાળ હાયરઅપોલીસ થિએટર એક જમાનામાં બહુ પ્રવૃત્તિઓથી ધમધમતું હશે. આજે પણ અહીં જાહેર કાર્યક્રમો થાય છે પણ આવી જગમશહૂર જગ્યા હજી જળવાઈ રહી છે તે જ મહત્વનું છે. આવી કોઈ પણ જગ્યાએ જતાં જ મન તે જમાનામાં પહોંચી ન જાય તો જ નવાઈ. મને તો ઘોડાની તબડાટી ને તાળીઓના ગડગડાટ પણ સંભળાયા. મેં બંને બેનોને કહ્યું, ‘કેટલી જોરમાં તાળી પડતી છે, હેં ને?’
‘તુ સપનામાંથી બા’ર આવ. આપણે ખંડેરમાં ઊભેલા છે, હું?’

ખંડેર તો ખંડેર પણ મને તો, કોણ જાણે કેમ બધે રોમન રાજાઓ ને રાણીઓ ને સૈનિકો જ દેખાતા હતા! અહીં નેક્રોપોલીસ નામનું વિશાળ કબ્રસ્તાન છે જ્યાં ચાર જુદી જુદી જાતની પ્રખ્યાત કબર છે જે મુખ્યત્વે ચૂનાના પથ્થરમાંથી જ બની છે. (હવે સ્વર્ગથી થોડાં દૂર હતાં એટલે કબ્રસ્તાન બતાવ્યું હશે!) સ્વર્ગમાં સૂર્યોદય ને સૂર્યાસ્તની તો શી જરૂર પડે? પણ અહીંનો સૂર્યાસ્ત જોવા જેવો હોય છે ને કેમ ન હોય? સુંદર, શ્વેત ટેકરીઓ પર સૂર્યનાં કિરણો બહુ અદ્ભૂત દ્રશ્ય ઊભું કરતાં હશે. ને રાતની તો વાત જ શું કરવી? ચાંદની રાતે ચળકતી ટેકરીઓ? અમે બસમાંથી જોઈ અને બેભાન થતાં બચ્યાં.

રાતે ઓ’ટલમાં જમીને આંટો મારવા નીકઈરા તો, અમારા તોણ ને પેલા બે વડીલ મિત્રો સિવાય બાકીનાં બધ્ધા, ઓ’ટલના સ્વિમિંગ પૂલમાં પાણીના ઝરા નીચે પવિત્ર થઈ ર’યલા ઊતા! અમે તણ્ણેવ એકબીજા હામું જોઈને જીવ બારતા રૂમમાં જતા રી’યા. બીજુ હું થાય?

તસવીર નેટ પરથી.  

2 ટિપ્પણીઓ:

  1. હેંડો લ્યા! સ્વર્ગવાસી થઈએ!

    'નર્કસ્થ' થવું હોય તો આ દિશામાં બલૂન પ્રવાસ કરજો....
    https://dhavalrajgeera.wordpress.com/2013/03/13/narkasth/

    જવાબ આપોકાઢી નાખો