મોટે ભાગે કોઈ શહેર કે દેશ, પ્લેનની બારીમાંથી નીચે
જોતાં દૂરથી બહુ રળિયામણો દેખાતો હોય. ચળકતા પાણીવાળો દરિયાકિનારો કે નદીકિનારો
દેખાય, લીલાં જંગલ અથવા પટાવાળા ખેતરો પણ સરસ દેખાય ને જો વ્યવસ્થિત પ્લાનિંગવાળી
જગ્યા હોય તો એકસરખાં ઘરો પણ જોવા મળે. નહીંતર છૂટાં છૂટાં મકાનો ને ઘરો જોવાના
મળે ખરાં. અમે કાપાડોક્યા પહોંચવા પહેલાં બારીમાંથી જેમતેમ ડોકાં લંબાવીને નીચે
નજર નાંખી તો તાજ્જુબ થઈ ગયાં. (આ ટ્રેન તો હતી નહીં કે વારાફરતી ફટાફટ સીટ બદલીને
અમે બારીમાંથી બહાર જોઈ શકીએ.) ખાડાટેકરાવાળી જમીનમાં ભાગ્યે જ કશે નદી કે દરિયો
કે જંગલ કે ખેતરોની હાર દેખાઈ ! ઓ બાપ રે! ભૂતિયા સે’રમાં ચાઈલા કે હું? છૂટક ઘરો
કે મકાનો દેખાયા ખરાં પણ વધારે વાર જોવા નીં મઈલુ. ઓહે, જે ઓહે તે. અવે ફરવા જવાના
તે કંઈ તો ઓહે ને ? છેલ્લે કંઈ નીં તો બલૂનમાં બેહવા તો મલહે ને ? બો થઈ ગ્યુ.
આખરે કાપાડોક્યા આવ્યું. એક તો નાનું એરપોર્ટ ને
ઈસ્તમ્બુલના પ્રમાણમાં ઘણા ઓછા પ્રવાસીઓ હોવાથી કોઈ ગરબડ કે ખટપટ વગર અમે ‘નેવસેહિર’
એરપોર્ટની બહાર નીકળ્યાં. બહુ જ સાદું એરપોર્ટ, ખાસ ઝાકઝમાળ કે ધાંધલધમાલ વગરનું.
અહીંથી શહેર વધારે નજીક છે જ્યારે બીજું એરપોર્ટ છે ‘કેસેરી’ જે શહેરથી બમણા અંતરે
છે. અહીં તો બહાર નીકળતાં અમારી સામે જ અંજના દેસાઈના નામનું પાટિયું દેખાઈ ગયું
ને અમને હાશ થઈ, ચાલો લેવાવાળા તો આવી ગયા છે. એક જરા પઠ્ઠો કહી શકાય તેવો ઊંચો
ટર્કિશ સજ્જન અમને પાર્કિંગ તરફ લઈ ગયો. ત્યાં બીજાં ત્રણ પ્રવાસીઓ વૅન પાસે
ઊભેલાં. પેલા પઠ્ઠાએ તો ઝડપથી બધો સામાન ગણીને પાછળ સીંચી દીધો અને અમને બધાંને આગળ
સીંચીને ગાડી ભગાવવા જ માંડી. અમે અંદરઅંદર ગુસપુસ કરી, ‘આને હાની ઉતાવર છે? કોઈ હાથે
રેસ લગાવેલી ઓ’ય તેમ ખાલી રસ્તા પર ભાગવા જ માઈન્ડો આ તો!’ પછી શીસ્ શીસ્ કરીને
ચૂપ થઈ અમે સામે બેઠેલાં ત્રણ સાથીઓ પર નજર ફેરવી. એક જરા ભરાવદાર શરીર ધરાવતો
ત્રીસેક વરસનો, ફૂલેલી પણ ઝીણી આંખ ને ચપટા નાકવાળો જુવાનિયો હતો. બહુ ગોરો નહોતો
એટલે ચીનો કે જાપાની તો નહીં જ હોય એટલે પારુએ કહ્યું કે, એ ફિલિપિનિયો ઓહે. એણે
પોતાના શરીરયંત્રને ચાર્જ કરવા પોતાના કાનમાં જ બે વાયર ખોસી દીધા ને બારીની બહાર
જોવા લાગ્યો. આ સારું. તમે કોણ? અમે કોણ? ક્યાં જવાના? જેવા સવાલો કોઈ પૂછે નહીં
ને માથાનો દુખાવો થાય નહીં.
એની બાજુમાં જર્મન કપલ હતું. બંને સિત્તેરની ઉપર
તો આરામથી હોવા જોઈએ. અમારી નજર મળતાં એમણે સ્માઈલ કર્યું. બસ, એનાથી આગળ કોઈ વાત
ન વધી. અમને બધાંને તો ગાડીમાં બેસતાંની સાથે જ કંઈક કંઈક ફાકવાની ટેવ હતી પણ આ
લોકો તો સામે જ બેઠેલાં, એટલે કંટ્રોલ કર્યો! દસેક મિનિટ થઈ હશે કે, અમારી ગાડી એક
જગ્યાએ ઊભી રહી. પેલો જાડિયો પોઈરો ઉતરી ગયો ને સામાન લઈ ચાલતો થયો. આવજો બાવજો
કંઈ નીં. ફરી અમારી સવારી ઉપડી ધમધમાટ. વળી દસેક મિનિટ પછી બીજું સ્ટોપ થયું ને
પેલું કપલ અમને બાય બાય કરતું ઉતરી ગયું. સામે એક બીજી ગાડી ઊભેલી તેમાં બેસી એ
લોકો એ લોકોના રસ્તે નીકળી ગયાં. હવે પેલા પઠ્ઠાએ અમને પણ ઉતરવા કહ્યું ને અમે
ચમક્યાં.
આખો રસ્તો સૂમસાન ને દૂર દૂર સુધી કોઈ દેખાય
નહીં. કોઈ ઘર, મકાન કે ઝૂંપડું પણ નહીં. પથરાળ જગ્યામાં કોઈ કોઈ જગ્યાએ કંઈક
ઊંચાનીચા નળાકાર જેવું કંઈ બાંધકામ કે જુનીપુરાણી ગુફાઓ જેવું દેખાતું પણ કોઈ
જીવતું જાગતું માણસ ફરકે નહીં. પેલી ગાડી ગઈ તેની ધૂળ ઊડતી દેખાતી હતી પણ તેથી
શું? અમે ગભરાયાં. અજાણી જગ્યા ને અજાણ્યો માણસ. ભાષાની મારામારી ને તેમાં અમારી
પાસેનો સામાન ને પૈસા જો ગીયા તો અં’ઈ હું કરહું ને કાં જહું? રડી–પડીને પેલાને
કંઈ કહેવાનો અર્થ નહોતો. એનો ઈરાદો જ સારો નહીં હોય તો રડવાનું પણ નકામું જાય.
હવે? અમે એકબીજા સામે જોઈ વિચારતાં બેઠાં એવામાં ક્યાંકથી સરરર કરતી એક નાનકડી કાર
આવીને ઊભી રહી ગઈ. અમે ઔર ગભરાયાં. ખલાસ. હવે ખેલ ખતમ. અજાણ્યા દેશમાં ને એકલાં
બહાદુરી બતાવવાનો પરચો મળી ગયો! બહુ હોશિયાર બનવા ગયેલાં તે લો હવે ખાઓ લાડવો.
અંજુ ફોન કાઢીને ટૂર કન્ડક્ટર સાથે વાત કરવા જ જતી હતી કે, પેલા બંને ડ્રાઈવર
અમારી સામે આવ્યા ને ટૂકડે ટૂકડે ઈંગ્લિશ બોલીને અમને સમજાવ્યું કે, હવે પછીની સફર
તમારે આ નાની ગાડીમાં કરવાની છે એટલે તમે એમાં બેસો, અમે સામાન મૂકી દઈએ.
ઓહ! હાશ બાપા, બઈચા. અમે તો ખુશી ખુશી પેલી
ગાડીમાં ગોઠવાઈ ગયાં ને એ ગાડી પણ ચાલી ફર્રર...પેલી ગાડીની જેમ જ સડસડાટ. આ તે
બલૂનનું શહેર છે કે કારની રેસ લગાવવાનું શહેર? અમારી નવાઈ વચ્ચે આખા રસ્તે ક્યાંય
કોઈ વસ્તી કે ઘર કે હૉટેલ જેવું પણ કંઈ દેખાયું નહીં. ખાલીખમ, પથરાળ ભૂતિયું શહેર
હોય તેવું જ લાગે. ટ્રાફિકના નામે પણ એકાદ રડીખડી ગાડી મળી જાય બાકી તો ગાય,
કૂતરાં, બકરાં કે કાગડા–ચકલાં પણ જોવા ન મળ્યાં. આવી ઉજ્જડ જગ્યાએ ફરવા આવ્યાં? ને
તેય બલૂનમાં બેસવા? કે ઉડવા? અમને રાહત આપવા થોડી વારમાં જ વસ્તી દેખાવા માંડી ને
બેઠા ઘાટનાં ઘરોએ અમારું સ્વાગત કર્યું. ફરફરાટ કરતી ગાડીએ આમતેમ વાંકીચૂકી
ગલીઓમાં ફરતાં ફરતાં, આખરે એક વિશાળ હૉટેલના કમ્પાઉન્ડમાં અમને સામાન સહિત ઉતારી
દીધાં. હજી તો અમારો સામાન ઉતર્યો જ કે, ટિપની આશા રાખ્યા વગર પેલી ગાડી પાછી ભાગી
ફૂર્રર...આ વાત કંઈ અમારા દિમાગમાં ઉતરી નહીં. જો એ ડ્રાઈવર શાંતિથી એક બાજુ ઊભો
રહેત ને ‘મેમસા’બ, બક્ષિસ’ જેવું કંઈક બોલત ને ત્યારે અમને સહીસલામત અહીં લાવવા
બદલ થેંક્સ કહીને અમે એને ખુશી ખુશી બક્ષિસ આપત તો પરસ્પર કેટલું સારું લાગત! જોકે,
એવું કંઈ થયું નહીં. પછીથી અમને ખબર પડેલી કે, ટુરિસ્ટોને લાવવા–લઈ જવાની હોડમાં
ને ભાડું મેળવવાની લાલચમાં આ બધા કાયમ રેસ લાગી હોય એમ જ ભાગતા હોય! ઓછી વસ્તી હોય
ને ટુરિસ્ટોનો ધસારો હોય ત્યારે બીજું શું થાય?
હૉટેલમાં જઈ બુકિંગ કન્ફર્મ કરીને અમે રૂમમાં
ગયાં. અમને પહેલી ફિકર રૂમની જ હોય પણ ચાલો રૂમ તો સારી હતી તે મોટી શાંતિ. પરવારીને
નીચે ડાઈનિંગ હૉલમાં જવા માટે તૈયાર થતાં હતાં તે દરમિયાન અંજુએ કાપાડોક્યાનું
કાગળ કાઢ્યું ને બલૂનનું બુકિંગ ચેક કરવા નજર ફેરવવા માંડી. કાગળમાં ક્યાંય બલૂનનો
કોઈ ઉલ્લેખ જ નહીં! અમે બંનેએ પણ અમારા કાગળ ચેક કર્યાં. અ’વે? આ તો બલૂનમાં બેહવા
પે’લ્લા જ અ’વા નીકરી ગઈ! આટલા પૈહા ખરચીને ને આટલી દોડાદોડી કરીને અં’ઈ હુધી આવ્વાનો
તો કોઈ અર્થ જ નીં રી’યો ને?
‘પેલીને ફોન લગાવ્વા દે. હારી ઉ’સિયારી તો બો
મારતી ઉતી તે આવુ ફસાવવાનું કામ કરે કે?’ અંજુએ મોબાઈલમાં નંબર શોધવા માંડ્યો ને અમે
લોકો હો બબડાટમાં જોડાયાં, ‘કે દા’ડનું બલૂન બલૂન કરતા ઉતા તે હું ખબર કે અં’ઈ
આવીને જ આવો ગોટારો થવાનો છે? હારીને બરાબ્બરની ખખડાવી લાખજે. પૈહાના હારુ તો જીવ
ખાઈ ગયલી તે આપણને અં’ઈ લાવીને છેતરવા હારુ કે?’ ગુસ્સો ને પસ્તાવો ને આંસુની
તૈયારી સાથેનાં અમારાં દિલ ભાંગીને ભૂક્કા થવાની અણી પર આવી ગયાં.