રવિવાર, 4 ઑક્ટોબર, 2015

એરપોર્ટ પર અફડાતફડી !

‘મેરી ટિકિટ નહીં મિલ રહી.’ મારો અવાજ અત્યંત ગળગળો.
‘અરે આપ કોઈ ટેન્શન મત લો. મૈં અભી વિન્ડો પરસે કૉપી નિકાલકે લાતા હૂં. આપકા નામ બતાઈયે.’

મને ડૂબતીને આ તણખલું પણ મોટી હોડી જેવું લાગ્યું ને મેં મારું નામ કહ્યું એટલે બે જ મિનિટમાં મારી ટિકિટ મારા હાથમાં ! ઓહ ! ઓનલાઈન સેવા ! મને કેમ ક્યારનું યાદ ન આવ્યું ? હા, પણ ક્યાંથી યાદ આવે ? આ બધી ટિકિટ કઢાવવાનું કામ અમારું થોડું છે ? અમે તો તૈયાર ભાણે જમવાવાળાં ! પેલા ભાઈને સો વરસનો થવાના આશીર્વાદ આપીને હું દરવાજામાં દાખલ થઈ ને પલ્લવીબેનના જીવમાં પણ જીવ આવ્યો.

જ્યારે મોટી બૅગનું વજન કરાવવા હું ઊભેલી ત્યારે અમારી સહયાત્રીઓમાંની એક બહેન મારી પાસે આવી. ‘તમારી બેગનું વજન દસ કિલો જ થાય છે.’ અરે ! આને કેવી રીતે ખબર ? એ તો ક્યારની સામાનનું વજન કરાવીને નીકળી ગયેલી !
‘હા, તો ? શું થયું ?’ મને ડર લાગ્યો, શું બૅગનું ઓછું વજન પણ ગુનો બનતો હશે ? આ એરપોર્ટવાળાનું કંઈ કહેવાય નહીં.
‘ના, કંઈ નથી થયું પણ મારી પાસે વજન વધી ગયું છે તો તમારા સામાનના બાકી રહેતા વજનમાં હું મારા સામાનનું વજન ઉમેરી દઉં.’ વાહ ! ભરપેટ શૉપિંગ કરવાનું ને પછી આવી રીતે વજન વહેંચીને મન પરનો ને પૈસા પરનો બોજ પણ હળવો કરી લેવાનો ! વાહ ! આને દિમાગ કહેવાય. મને તો શું વાંધો હોય ? કોઈનો બોજ હળવો કરવામાં નિમિત્ત બનીએ તો ભલાઈનું કામ કહેવાય ! જોકે,મનમાં તરત જ અભિમાન આવી જાય તો એ ભલાઈનો કોઈ અર્થ નહીં ! બધા મનના આટાપાટા.

ત્યાંથી મોટી બૅગને લગેજમાં જવા દઈ અમે પર્સ ને પર્સનલ ચેકિંગની લાઈનમાં જઈ ઊભાં ને ટિકિટની માથાકૂટની વાતે લાગ્યાં. જોકે,  ત્યારે મેં મારા દિમાગ પર બહુ જોર આપ્યું કે, ‘ટિકિટ ક્યાં મૂકાઈ ગઈ ? જો પલ્લવીબેને મને આપેલી તો મેં ક્યાં મૂકી હશે ? બૅગમાં મૂકાઈ ગઈ હશે કે કોઈ ચોપડીમાં રહી ગઈ હશે ?’ મને મારી વાંચવાની ટેવ પર ગુસ્સો આવ્યો. આવા સમયે ભલભલા વિચારો આવે.
‘ચાલો જવા દો, હવે ટિકિટ હાથમાં છે ને, ચિંતા છોડો.’ પલ્લવીબેને દિલાસો આપ્યો. નાની મોટી પર્સ જ ચેક કરવાની હતી ને પરચુરણ બીજો સામાન જોવાનો હતો તોય, પેલા ચેકિંગવાળા બહુ ઝીણવટથી બધું તપાસતા હતા. અમે તો નિરાંતે ઊભેલાં પણ અમારી આગળ ઊભેલી બે સ્ત્રીઓની હૅન્ડબૅગમાંથી તેલની ચાર બાટલીઓ બાજુ પર કઢાવી લધેલી તેની માથાકૂટ ચાલી રહી હતી. માથામાં નાંખવાનું તેલ. લાંબા, કાળા ઘટાદાર વાળ પેલા સ્પાઈસ ગાર્ડનવાળી ગાઈડના જેવા કરવાની હોંશમાં ત્યાંની જ દુકાનમાંથી લીધેલું ! અહીં જ મૂકી જવું પડશે ? બન્ને બહેનોના મોં પર ચિંતા ને અફસોસ.

અમે તો મુંબઈ એરપોર્ટ પર કાતરની રામાયણ થયેલી તે યાદ કરીને ખૂબ હસ્યાં. ‘જોજો, આ વખતે તો કંઈ નથી ને પર્સમાં ?’ પલ્લવીબેને યાદ કરાવ્યું. ‘ના રે, પર્સમાં તો મેં બે વાર ચેક કર્યું છે. સેફ્ટી પિન પણ કાઢી લીધેલી. કંઈ નથી હવે.’ અમે નિરાંતનો શ્વાસ લીધો.

એરપોર્ટ પર તો આ રોજના જ દ્રશ્યો હશે કે, થોડા યાત્રીઓ હેમખેમ પસાર થઈ જાય એટલે બે–ચાર યાત્રીઓ દયામણાં ચહેરા કરીને કાકલૂદી કરતા ઊભા હોય. એમાંથી એકાદનો કેસ લાંબો ચાલે તો કલાક કે બે કલાક પણ લાગે અથવા તો એનો સામાન ને એ, બેય બાજુએ મૂકાઈ જાય. લાંબી પૂછપરછને અંતે એનો છૂટકારો થાય ને સામાનનો છૂટકારો ભારે દંડ ભરીને થાય ! અમારામાંથી ખાસ કોઈ એવું પકડાયું નહોતું કારણકે અમે જ છેલ્લાં હતાં અને અમારી આગળ પેલી તેલની બાટલીવાળાં બેન, ઓફિસર તરફ આશાભરી નજરે જોતાં હતાં. ઓફિસરને પણ દયા આવી હશે, તે કોઈ રસ્તો કાઢવાનું વિચારતા હોય એવું લાગ્યું.

પલ્લવીબેનની પર્સ ને હૅન્ડબૅગ ચેક થઈ ગયા એટલે મારો સામાન મુકાવ્યો. મારી તો પર્સ ને સાડીની બે–ત્રણ થેલીઓ હતી તે એમને સોંપી મેં આમતેમ જોવા માંડ્યું. ઓફિસરે તો થેલીમાંથી લાડવાના બે પેકેટ કાઢ્યા ને ખોલીને પાસે રહેલી ટ્રેમાં કાઢ્યા. એ લોકોને તો ખબર જ હોય ને કે, એ શું છે ? તોય અજાણ્યા થઈને મને પૂછ્યું, ‘યે ક્યા હૈ ?’ મેં કહ્યું કે, ‘લડ્ડૂ. આપકો તો પતા હી હોગા કિ ક્યા હૈ. હમને કલ હી બાઝારમેંસે લિયે. દો મૈંને ઔર દો ઈન્હોંને લિયે. હમને તો પહેલી બાર હી ઐસે લડ્ડૂ દેખે. કલ દુકાનમેં ટેસ્ટ ભી કિયે. બહોત મસ્ત હૈ. જ્યાદા તો કુછ નહીં લિયા પર યહ કુછ નોવેલ્ટી લગી હમકો, તો હમને સોચા કે લે લેતે હૈં.’

પેલા ઓફિસર તો બાજુમાં ઊભેલી લેડી ઓફિસરની સામે જોઈ જ રહ્યા. આ બેન એક સાદા સીધા સવાલનો આટલો લાંબો જવાબ કેમ આપે છે ? હવે બીજું કંઈ પૂછું કે પછી તમે પૂછો છો ? પલ્લવીબેન તો હસવું ખાળતાં ને તાલ જોતાં ઊભેલાં. આમાં તો કોઈની તરફદારી પણ ન કરાય, એમને જ પકડી લે તો ? આતો જાણે બૉક્સ ભરીને બૉંબ મળ્યા હોય એમ બધાં મારી સામે જોવા માંડ્યાં. એકાદ બે લાડવાની ઉપરથી કેળનું પાન ખોલીને પેલા ભાઈએ ખાતરી કરી લીધી ને નાક પાસે લાડવો લઈ જઈ લાડવાની સુગંધ પણ લઈ લીધી. એમના મોં પરના હાવભાવ જોઈને મને એમની દયા આવી. પેસેન્જરનો સામાન–ખાસ તો આવી કોઈ ભાવતી વસ્તુ આમ જોઈને ને સૂંઘીને મૂકી દેવામાં એમના દિલ પર શું શું વીતતું હશે ? લાડવાના બે જ પૅકેટ હતાં નહીં તો હું એમને એક પૅકેટ આપી પણ દેત ! ખેર લાડવા તો પાછા મૂકાઈ ગયા. મને હાશ થઈ. પલ્લવીબેને તો લાડવાના પૅકેટ બૅગમાં જવા દીધેલા ને મેં વળી ખાવાનું મન  થાય તો પ્લેનમાં ખાઈશું, એમ વિચારીને થેલીમાં જ મૂકેલા. ચાલો પત્યું.

હજી બાજુમાં પેલી તેલની ખટપટ ચાલતી જ હતી કે, પેલા ઓફિસરે મારી થેલીમાંથી લાઈટર કાઢ્યું ! હત્તેરી ! આ વળી કેવી રીતે થેલીમાં આવી ગયું ? ઓહ ! છેલ્લી ઘડીની ખરીદી ! બૅગ પૅક થઈ ગયેલી ને બજારમાંથી પાછા ફર્યાં ત્યારે થેલીમાં લાઈટર છે તે કંઈ યાદ રહ્યું નહીં. જમવાની ને હૉટેલ છોડવાની ઉતાવળમાં થેલી ચેક ન કરી કે, હજી તો એરપોર્ટ પર ચેકિંગ થશે તો હાથમાં રાખવાનો સામાન એક વાર ચેક કરી લઉં ! ચાલો, હવે બીજા સવાલોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. પલ્લવીબેનને પણ થયું કે, બીજી વાર કલ્પનાબેનનો સામાન મારે જ પહેલેથી ચેક કરી લેવો પડશે. એરપોર્ટ પર આવી રીતે કંઈ ન કર્યું હોવા છતાં ગુનેગારની જેમ એમને ઉભા રહેલાં જોઈને મારો તો જીવ નીકળી જાય. હવે બિચારાં દસ વાર સૉરી કહેશે, ત્યારે એમને છોડશે. અમને બન્નેને સરખો જ વિચાર આવ્યો કે, આ લાઈટરથી કંઈ સળગવાનું નથી ને કોઈ પેસેન્જરનો જાન પણ જોખમમાં નથી તો, આ લોકો કેમ નકામી માથાકૂટ કરતાં હશે ?

‘પલ્લવીબેન, લાઈટર ગીયુ.’
‘જવા દેઓ. બીજુ લઈ લેજો.’ પલ્લવીબેને લાઈટરની માયામાંથી મને મુક્ત થવા કહ્યું. મને બહુ મન નહોતું લાઈટરનું દાન કરવાનું પણ એવામાં એક ઓફિસરે રસ્તો કાઢ્યો. પેલાં બેનની તેલની બાટલીઓ અને મારા લાઈટરનું એક પૅકેટ બનાવીને સીલ કરીને કાર્ગોમાં જવા દીધું. અમને બન્નેને જણાવ્યું કે, ‘મુંબઈ ઊતરીને આ પૅકેટ તમારે યાદ રાખીને લઈ લેવાનું, ભૂલ્યા વગર.’
‘થેંક્યૂ સર, આપને બહોત અચ્છા રાસ્તા નિકાલા. નહીં તો મુજે સુરત તક લાઈટર લેનેકો જાના પડતા. ક્યા હૈ કે, હમારે ઉચ્છલમેં લાઈટર નહીં મિલતા ઔર ઈધરકી બાજારમેં જૈસા મૈંને લાઈટર દેખા તો લે લિયા. અચ્છા કામ હો ગયા સમજી થી પર આપને લાઈટર અટકાયા તો મેરા તો મૂડ બિગડ ગયા થા. પર કોઈ બાત નહીં. અભી મૈં યાદ કરકે મુંબઈસે લાઈટર લે લૂંગી. થૅંકયૂ સર. આપકે ઘરમેં ભી સબકો મેરી યાદ કહેના.’

‘હવે ચાલો... કલ્પનાબેન. પ્લેનનો ટાઈમ થવાનો.’ ને અમે ભાગ્યાં. પહેલાં કાતર ને હવે લાઈટર ! કેમ વારંવાર આવી ભૂલ થાય છે મારાથી ? અમે બન્ને તો પ્લેનમાં બેઠાં ત્યાં સુધી બધી વાતો મમળાવીને ખૂબ હસ્યાં. આખરે આ જ તો બધી મજા છે. મેં નક્કી કર્યું કે, જ્યારે પણ પ્લેનમાં જવાનું થાય ત્યારે આવી નાની નાની ભૂલ કરતી રહીશ. તો જ પ્રવાસ કંઈક યાદગાર બને ને ? બાકી સીધા સીધા જઈને આવી જવામાં શી મજા ?

4 ટિપ્પણીઓ: