એમ તો, એ વાત કંઈ એવા ભેદભરમવાળી કે ખાનગી
રહસ્યોવાળી કે કોઈ મહત્વના દસ્તાવેજોની અથવા તો કોઈ અમૂલ્ય ખજાનાની ગુપ્ત બાતમી
જેવી રોમાંચક તો નહોતી જ. ન તો એ વાત જાહેર થઈ જવાથી કોઈ ભૂકંપ આવી જવાનો હતો કે
નદીઓ ગાંડીતૂર બનીને આમતેમ દોડવા માંડવાની હતી. ન તો એ વાત જાણીને ડુંગરો સમાધિ
છોડીને નાચવા માંડવાના હતા કે વૃક્ષો પોતપોતાની મિલકતની અદલાબદલી કરી નાંખવાના
હતાં ! પક્ષીઓ પોતાની ચાંચ એવી ક્ષુલ્લક વાતમાં ડુબાડવા નહોતા માંગતાં અને પશુઓને
તો એ વાત દીઠીય ના ગમત. તો પછી એવું તે શું હતું એ વાતમાં કે, એને તદ્દન ખાનગી
રાખવાની હતી ?
મને જ્યારથી જણાવવામાં આવ્યું કે, આ વાત ફક્ત ને
ફક્ત તમને જ જણાવવામાં આવે છે ત્યારથી તો....(ઓહો...! આહા....! વાહ વા...હ ! મારા
પર એમને કેટલો બધો વિશ્વાસ ? થૅન્ક યુ..થૅન્ક યુ. વિશ્વાસ મૂકનારનો આભાર.) બસ,
ત્યારથી મારા મનમાં ચટપટી શરૂ ! કોને જણાવું ? આ વાત જ એવી છે કે જણાવવી તો પડે જ.
આટલી સરસ – ખુશીની વાત ને કોઈને ન જણાવું તે કેમ ચાલે ? સુખ ને આનંદ તો વહેંચવાની
વસ્તુ છે, જેમ વહેંચે તેમ વધે ને આ લોકો.....? ખાનગી રાખવાનું કહે છે ! કંઈ નહીં.
ઘરમાં તો મારે બધાંને જણાવવું જ પડે. એ લોકો તો આ વાત જાણીને કેટલાં ખુશ થશે ? મને
શાબાશી તો મળશે સાથે મારો થોડો વટ વધી જશે એ નફામાં. અને ઘરનાં તો કોને કહેવા
જવાના ? મેં તો બહુ થોડો સમય મન પર કાબૂ રાખીને, વાતને ખાનગી રાખી ને પછી ઘરમાં
જાહેર કરી દીધી. જો કે, ગભરાતાં ગભરાતાં જ. દિવાલોને પણ કાન હોય છે તે હું જાણું
ને ?
મને શાબાશી મળી, બદલામાં ખુશી મળી અને આપણો તો
ભઈ જોરદાર વટ પડી ગયો. હાશ ! વાત જો મનમાં જ રહેત તો કેટલી ગૂંગળામણ થાત ? ઓહ !
યાદ આવ્યું. મેં તરત જ સૌને તાકીદ કરી દીધી, ‘હમણાં કોઈને કહેતાં નહીં હં. વાત
એકદમ ખાનગી રાખવાની છે. ઘરમાં ચાલે, વાંધો નહીં.’ જોયું ? એકે ખાનગી રાખવાની વાત
પાંચ જણે જાણી એટલે હવે પાંચેયના મનમાં ચટપટી શરૂ ! કોને જણાવીએ ?
પછી તો ભઈ, થોડી થોડી વારે મારા નામની બૂમો પડવા
માંડી.
‘આને જણાવું તો ચાલે કે નહીં ? એ કોઈને નહીં
કહે.’
‘ભલે, જણાવો પણ ખાસ કહેજો કે હમણાં કોઈને
પ્લીઝ...કહે નહીં.’
‘હા હા એ વાતે બેફિકર.’ (પોતાના નામે સૌએ બીજાની
ગૅરન્ટી આપી !)
બીતાં બીતાં ને કહેતાં કહેતાં વાત વહેતી થઈ ગઈ.
મેં તો ખાસ યાદ કરીને વિશ્વાસ મૂકવા લાયક લોકોને ફોન કરવા માંડ્યા.
‘એક ખાસ વાત છે પણ તમને જ જણાવું છું. કોઈને
હમણાં કહેતાં નહીં.’
‘અરે, ના ના. હોય કંઈ ? કોઈને નહીં કહું પણ વાત
શી છે તે તો કહો.’
‘........’
‘અરે વાહ ! કહેવું પડે.’
પછી બીજો ફોન લગાવ્યો.
‘એક ખાસ વાત કહેવા તમને ફોન કર્યો છે પણ વાત
ફક્ત તમારા પૂરતી જ રાખજો.’
‘અરે ! એ વાતે બિલકુલ બેફિકર રહો. આ તમે વાત કરી
ને હું ભૂલી પણ જઈશ જોજો ને. કોઈને કાનોકાન ખબર પણ નહીં પડે. બોલો શી વાત છે ?’
‘.......’
‘શું વાત કરો છો ?’
‘હંમ્....’
‘વાહ ! શાબ્બાશ !’
(આટલાં બધાં ખુશ થાય છે તે વાતને પેટમાં રાખી
શકશે ? કોણ જાણે.)
ત્રીજો ફોન.
‘તમને જો હું એક વાત કહું તો...’
‘હા મને ખબર છે.’
‘હેં ? એટલી વારમાં ખબર પણ પડી ગઈ ? તમને કોણે
કહ્યું ?’
‘અરે ના ભઈ. તમારી વાતની શરૂઆત પરથી જ મેં
અનુમાન લગાવી દીધું કે, મારે વાત ખાનગી રાખવાની છે, બરાબર ?’
‘કહેવું પડે બાકી તમને. ચાલો તો પછી તમારા તરફથી
વાત બહાર નહીં જાય એની મને ખાતરી થઈ ગઈ.’
‘પણ હવે તમે વાત કહેશો તો ખરાં ને ? બોલો જલદી.’
‘.......’
‘મને હતું જ કે, આવી જ કોઈ વાત હશે. વાહ વાહ !
બહુ ખુશીની વાત કહેવાય. અભિનંદન.’
એક બહેન તો રિસાઈ ગયાં.
‘રે’વા દો, તમને વિશ્વાસ ન હોય તો વાત જ શા માટે
કરો છો ?’
‘ના ના, (છેક) એવું નથી પણ આતો શું છે કે, વાત
તદ્દન ખાનગી રાખવાની છે. તમે તો અંગત મિત્ર એટલે જ તમને જણાવ્યા વગર મારાથી
રહેવાયું નહીં.’ (આવી વાતમાં કોઈ રિસાય તે કેમ ચાલે ?)
વાત તો હું જ બધાંને કહેતી ગઈ કારણકે મારાથી જ
ચૂપ ના મરાયું (રે’વાયું). પણ શું કરું ? વાત જ એવી હતી ને કે, પેલી ખાસ તાકીદ
છતાં અમુક ખાસ ખાસ લોકોમાં તો મેં વાત વહેતી કરી જ દીધી ! મનમાં સતત ફફડાટ સાથે !
એક બહેનનો ફોન આવ્યો.
‘તમે મને પારકી ગણો છો ?’
‘ના, કેમ ?’
‘તો પછી, એવી તે કઈ વાત છે કે તમે મને કહેતાં પણ
ડરો છો ? શું હું કોઈને કહી દેવાની હતી ? મારા પર એટલો પણ વિશ્વાસ નહીં ? હું તો
તમને મારી બધી વાત કરતી હોઉં છું.’
‘કઈ વાત પણ ? મેં તમારાથી ક્યારે કોઈ વાત છુપાવી
?’
‘પેલાં ઢીંકણાંબહેન કહેતાં હતાં કે, તમારી એવી
કોઈ વાત છે જે હમણાં ખાનગી રાખવાની છે.’
‘ઓહ ! એ વાત ? સૉરી હં. તમને કહેવાની જ રહી ગઈ.’
‘કંઈ વાંધો નહીં. થાય કોઈ વાર એવું પણ હવે તો
કહેશો ને ?’
મારી ખાનગી વાતે તો ગજબનો જાહેર તમાશો કર્યો !
ચટપટી....ચટપટી...ચારેકોર ચટપટી !
એક બહેને તો ખાસ જણાવ્યું, ‘સારું થયું કે, તમે
વાતને ખાનગી રાખવાનું જણાવ્યું. બાકી તો, મારાથી કોઈ વાત ખાનગી રખાય જ નહીં ને.
મને જો ભોંયમાં દાટો ને તો પણ, હું વાત કહેવા બહાર નીકળીને પાછી ભોંયમાં દટાઈ જાઉં
બોલો.’
હવે મારી વાત જાહેર થવામાં મને કોઈ શંકા રહી
નહીં. તમારા સુધી પણ એ વાત બસ આવી જ સમજો.