રવિવાર, 28 સપ્ટેમ્બર, 2014

આપ મહાન છો

કોઈ પણ સ્ત્રી જ્યારે ગૃહિણી બનીને ઘર માંડે છે, ત્યારે સૌ પ્રથમ આપને યાદ કરે છે. આપનું ધ્યાન ધરે છે અને વટભેર– હોંશભેર આપના સ્વાગતની તૈયારી કરે છે. આપના વિના કોઈ પણ ગૃહિણી અધૂરી છે. એનો સાચો સંસાર, એની ખરી ગૃહસ્થી તો આપની સહાયથી જ શરૂ થાય છે. આપને કારણે તો એનું ઘર ચમકે છે, એનું મોં ચમકે છે, એના સંસ્કાર ચમકે છે અને એના ઘરમાં શાંતિ રહે છે. ખરેખર, આપ મહાન છો.


ઘરમાં પ્રવેશતાં જ બધા આપની કમાલ જોઈ શકે પણ આપને ના જોઈ શકે, એટલે તો ગૃહિણી આપને એક ખૂણામાં સંતાડી રાખે છે. સંતાડવાની જગ્યા ખરી પણ જલદી નજરે પડે એવી ! એવું નહીં પાછું કે, જ્યારે આપની જરૂર પડે ત્યારે જ આપ ના દેખાઓ. અને ઘરનાં સૌને પાછી એ જગ્યા ખબર ! આપ કાયમ સેવામાં હાજર રહો છો એ આપની મહાનતા છે. બસ, ગૃહિણીનો ને આપનો નાતો જ એવો છે–જનમજનમનો અને અતૂટ. તેમાંય, વાર તહેવારે તો આપના એકાદ સગાને પણ ગૃહિણી હોંશે હોંશે આવકારે ! આપને પણ મદદ થાય અને એને પણ, બીજું કંઈ નહીં.

આપ સવારે અને સાંજે ઘરમાં બધે ફરી વળો છો, ખૂણેખાંચરે પણ. વળી, થોડે થોડે દિવસે તો સ્પાઈડરમૅનની જેમ દિવાલો પર અને છત ઉપર તમારી કમાલ બતાવીને ગૃહિણીને ખુશ કરી દો છો. આપના વગર કોણ આવી હિંમત કરે ? આવી તાકાત બતાવે ? છે એવું કોઈ જે એક જ ફટકામાં ફુવડ ગૃહિણીને સુઘડ ગૃહિણી બનાવી શકે ? એટલે જ ગૃહિણીને આપના પ્રત્યે લાગણી છે, પ્રેમ છે અને માન છે. આપનો વાળ પણ વાંકો ન થાય એની એ સતત કાળજી રાખે છે. ખરેખર, આપ મહાન છો.

ગૃહિણી ફક્ત ઘરની સાફસફાઈના મામલે જ આપનો સહકાર નથી ચાહતી, પણ એ તો ઈચ્છે છે કે, એના સંકટ સમયે પણ આપ સુપરમૅન બનીને એની રક્ષા કરો. ઘરમાંથી ધૂળ ને જાળાં દૂર કરવાની સાથે સાથે આપ એના મનનો ડર પણ દૂર કરવાની અલૌકિક શક્તિ ધરાવો છો. જ્યારે જ્યારે ઘરમાં વાંદા, ઉંદર કે ગરોળીનાં દર્શન થાય છે, ગૃહિણીને એના પતિ કે બાળકોની હાજરીમાં પણ આપની યાદ જ પહેલાં આવે છે. જો એ એકલી હોય તો દોડીને તમને  પહેલાં સાહી લે છે ને પતિ કે બાળકોની હાજરી હોય તો એમને તમારો સહારો લેવા મજબૂર કરે છે ! એને ખાતરી છે કે, આપ જ એના ડરને અને દુશ્મનને દૂર કરી શકશો. ખરેખર, આપ મહાન છો.

બીજાની નજરમાં આપની કોઈ કિંમત ભલે ને ના હોય પણ ગૃહિણી આપનું મૂલ્ય સારી પેઠે જાણે છે. એટલે જ, એ ઈચ્છે છે કે, આપ ચોવીસ કલાક ઘરમાં જ રહો. આપની કાળજી લેવામાં કોઈ સમય કે ધનની બરબાદી થતી નથી. તમારી હાજરી માત્રથી ગૃહિણી સ્વસ્થ અને શાંત રહીને ઘરનાં કામ કરી શકે છે. એનાથી વધારે કોઈને શું જોઈએ ? આપને કદાચ ખબર નહીં હોય, પણ ફિલ્મી ગીતોમાં આડકતરી રીતે એણે આપને માનભેર સ્થાન અપાવ્યું છે. માનવામાં નથી આવતું ? જોઈ લો ત્યારે કેટલાંક ગીતોની ઝલક. આપ પણ કહેશો કે, ‘વાહ વાહ ! ક્યા બાત હૈ ?’

દિવાળીના દિવસો પહેલાં ઘરની સાફસફાઈના મામલે ગૃહિણીની બેચેની શરૂ થઈ જાય તે એ હદે કે, એની ઊંઘ પણ વેરણ બની જાય. રાતની રાત પડખાં ઘસતાં એ ગાતી રહે, ‘કરવટેં બદલતે રહે સારી રાત હમ...આપકી કસમ...’(ત્યારે આપે સામેથી ગાવું જોઈ કે, ‘ગમ ન કરો દિન સફાઈકે બહોત હૈં કમ....આપકી કસમ...’)

આપના ગૃહપ્રવેશ વખતે તો એણે ગાયું હતું તે આપને યાદ છે ? ‘આપ જૈસા કોઈ મેરી જિંદગીમેં આયે, તો બાત બન જાયે.....હાં બાત બન જાયે...’ જોયું, આપના માટે એના દિલમાં કેટલી જગ્યા છે ?

આપની શક્તિ અને આપના પરચા તો અપરંપાર છે. આપમાં આટલી બધી તાકાત હશે એનો તો કોઈને અંદાજ જ નહોતો. આપ ફક્ત ખુરશીને હલાવીને ખુરશી નીચેથી કચરો નથી કાઢતા, પણ ખુરશીને ઊથલાવીને બેસનારને ગબડાવી પાડવાની પણ તાકાત ધરાવો છો. ખરેખર, આપ મહાન છો. આપ તો વખત આવ્યે મોટી મોટી હસ્તીઓના હાથમાં પણ ગોઠવાઈને ફોટા પડાવો છો, ટીવી પર ચમકો છો અને ધારકોને કમરેથી વાંકા પણ વાળી દો છો. ખરેખર, આપ મહાન છો. આપનાં ગુણગાન ગાઈએ એટલાં ઓછાં.

3 ટિપ્પણીઓ:

  1. Vah...hamna chalela saptahma netaoni sathe aape pan aa lekh dwara yogdan aapyu...aapni mahanta!

    જવાબ આપોકાઢી નાખો
  2. ગમ ન કરો દિન સફાઈકે બહોત હૈં કમ..
    સારું થયું યાદ કરાવ્યું. એ 'મહાન' આત્માને (કમરેથી વળીને) વંદન.

    જવાબ આપોકાઢી નાખો