*‘તમને કોઈ જાતનું વ્યસન છે?’
‘કેમ? આજે વ્યસનમુક્તિ
દિવસ છે?’
*‘પહેલાં મેં પૂછ્યું તેનો જવાબ આપો કે તમને કોઈ વ્યસન છે?’
‘મને કોઈ જાતનું નહીં ઘણી જાતનાં વ્યસન છે. હવે બોલો શું કહેવું છે તમારે?’
*‘મેં સાંભળ્યું કે તમે બનારસ જવાના છો, તો ત્યાં તમે ગંગાસ્નાન તો કરશો જ ને?’
‘હા હા, એના માટે જ તો
જઈએ છીએ. જે પાપ ઓછાં થયાં તે.’
*‘એમ કંઈ પાપ ઓછાં થઈ જાય?’
‘નહીં તો શું? લોકો કંઈ મૂરખા
છે કે ઠેઠ ગંગા સુધી નાહવા જાય?’
*‘એ તો મન ચંગા તો કથરોટમેં ગંગા.’
‘એટલે?’
*‘કેમ આ કહેવત નથી ખબર કે મન સાફ હોય તો કથરોટમાં જ ગંગા છે.’
‘અરે પણ, કથરોટ એટલે શું? ને ચંગા એટલે શું?’
*‘હે ભગવાન! તમારી સામે તો
નવેસરથી રામાયણ માંડવી પડવાની.’
‘હા, તે જેને બધું જ
ખબર હોય કે જે સર્વગુણસંપન્ન હોય એવું કોઈ છે તમારા ધ્યાનમાં?’
*‘કાન પકડ્યા ભાઈ. મારા કહેવાનો
અર્થ એ જ કે જો માણસનું મન સાફ હોય, સારું હોય તો એણે
પાપ ધોવા માટે ગંગાસ્નાનને બહાને બનારસ સુધી લાંબા થવાની જરૂર નથી. ઘરમાં જે પાણી હોય તેને જ ગંગાજળ સમજીને શુધ્ધ થઈ જવાનું. અસલ તો બાથટબની અવેજીમાં કથરોટમાં બેસી સ્નાન કરતા હશે એટલે
આવી કહેવત પડી હશે.’
*‘તે આ બધું તમે મને કેમ કહો છો? મેં એવા તે કયા પાપ કર્યા છે તે તમારે મને આમ કહેવત કહેવી
પડી?’
*‘તમે ધાર્મિક પ્રવાસે જવાની વાત કરતા હતા તે ઉપરથી મને થયું
કે બાથરૂમમાં જે પાણી આવે તે ગંગાના પાણી કરતાં તો ચોખ્ખું જ હશે.’
‘ના ના, છેક જ એવું તો
નહીં હોય. આ હજારો ને લાખો લોકો
વરસોથી ગંગાસ્નાન કરવા જાય છે તે મૂરખા હશે?’
*‘ભાઈ, તમારી લાગણીની ને
ભાવનાની હું કદર કરું છું પણ ગંગામાં ‘શરીરશુધ્ધિ’, ‘શહેરશુધ્ધિ’ ને ‘ધનશુધ્ધિ’ને બહાને જે નૈવેદ્ય ધરાવાય છે ને તે જોઈને મને ગંગાજળની
ટબુડી પણ કોઈ પાસે મગાવવાનું મન નથી થતું.’
‘ઓહ! ખરેખર? જરા કહો તો મને કે એવું તે તમે શું જોઈ લીધું ગંગામાં?’
*‘ભાઈ, કહેવા જેવું નથી
ને તોય દુનિયા આખી જાણે છે કે...’
‘બોલો ને, કેમ અટકી ગયા?’
*‘લોકોના શરીરની અંદર–બહારનો બધો જ
કચરો બિચારી ગંગા સ્વીકારે છે, જેમ મા પોતાના
ખોળામાં બાળકની ગંદકી જરાય રિસાયા વગર સ્વીકારી લે એમ.’
‘છી છી!’
*‘હા તે બધું છી જ હોય. અરે શહેરની ગટરો
પણ, પછી તે ફેક્ટરીઓમાંથી
છોડાયેલા લાલ કે કાળા પાણીની ગટરો હોય કે પછી મળ–મૂત્રની ગટરો હોય, બધું વિના કોઈ
સંકોચે ને તદ્દન વગર વિચાર્યે આંખ બંધ કરીને ગંગાને અર્પણ દેવાય! એની સામે વળી આંખ મીંચનારા કે આંખ આડા કાન કરનારાય બેઠા હોય
એટલે ગંગા પવિત્ર હોવા છતાં શુધ્ધ નથી થતી!’
‘બસ, બસ. વધુ કંઈ નહીં કહેતા.’
*‘આ તો ગંગા નદીને લોકો પવિત્ર માનીને જે રીતે પૂજા કરે છે ને
જાતજાતની ભેટ ધરે છે, તેના ઉપરથી ને ખાસ તો તમે
જવાના એટલે આજે આ કહેવત યાદ આવી ગઈ. લોકોની ‘ગંગામાતા’ પ્રત્યેની
લાગણીમાં પણ જરાય ફેર નથી પડ્યો એટલે થયું કે લોકો આજેય એને એટલો જ પ્રેમ કરે છે. એના સ્નાન, પાન ને દર્શનથી
ધન્ય થવા ત્યાં પહોંચી જ જાય. ત્યાં જઈને
પોતાનાં પાપ ધોવાયાનો સંતોષ માને પણ મોટામાં મોટું પાપ કરી આવે તે તો ધ્યાનમાં જ ન
આવે! તમારા જેવા વ્યસનીઓ તો
નદિકિનારે પણ પડીકીઓના ડુંગરો ખડકી આવે, સિગારેટ–બીડીનાં ઠૂંઠાં ને ખોખાં ને નાની મોટી બાટલીઓ કે કૅનની તો
ટ્રકો ભરવામાં પણ ફાળો નોંધાવે! અધૂરામાં પૂરું
અમારા જેવા લોકોના કચરાફાળાની તો વાત જ નિરાળી છે.’
‘તમારી શીરા જેવી વાત મારા ગળે ઊતરી છે ને હવે મેં જવાનું
માંડવાળ કર્યું છે પણ સાથે સાથે તમારા જેવાની ભૂલો વિશે પણ જાણવું મને ગમશે.’
*‘અમે તો ફૂલ, હાર, નાળિયેર, ઘી દૂધના અભિષેક
ને સાથે લાડવા કે પેંડાના પ્રસાદ વગર કોઈ પૂજા આરંભ કે સમાપ્ત કરતાં જ નથી. આ બધું પાછું પ્લાસ્ટિકની કોથળી ને બાટલીઓ વગર કેમ સચવાય? લાંબી પૂજા હોય એટલે નાસ્તાપાણીની સગવડ સાથે રાખવી પડે તે બધું પતે એટલે નદીમાં પધરાવીને સારી રીતે પૂજા થયાના ને પાપ ધોવાયાના સંતોષ સાથે પાછા ફરીએ. આંખો મીંચીને બસ જે સામે મળે તેને હર હર ગંગે કરી આવીએ. અમે જનારાઓ જેટલો કચરો ત્યાં નાંખી આવીએ, એના કરતાં ત્યાંનો થોડો ઘણો કચરો જો સાફ કરીને આવીએ ને તોય અમારું ગંગાસ્નાન વસૂલ થઈ જાય.’
‘તમે આજે બહુ ગુસ્સામાં લાગો છો!’
*ફક્ત એક જ વરસ, જો ગંગાસ્નાને
જનારા લોકો ત્યાં જઈને પોતાનો અમૂલ્ય ફાળો નદીમાં ન આપે ને નદીશુધ્ધિ કે
નદીકિનારાશુધ્ધિ માટે કંઈક કામ કરે ને તો આહાહા! રાજકારણીઓને પણ શરમાવી દે ને જશ ખાટવા એ લોકોય પોતાનાં પાપ
ધોવા ખરેખરી સફાઈ ચાલુ કરી દે તો કંઈ કહેવાય નહીં. જનતાનો પૈસો આમ બચાવાય તે ખબર પડે. ખાલી ટૅક્સ ભરીને છૂટી જવાથી કે પેટ ભરીને જેને તેને ગાળો
આપ્યે રાખવાથી ગંગા કે કોઈ પણ નદી શુધ્ધ થવાની છે?’
‘તમે એક કામ કરો. તમારા વિચારો બહુ
ઉચ્ચ છે, મહાન છે. તમે નદીશુધ્ધિ અભિયાનમાં જોડાઈ જાઓ.’
*‘હું નદીમાં નાહવા ન જઈને કે નદીમાં કચરો ન નાંખીને
નદીશુધ્ધિમાં આડકતરી મદદ કરું જ છું. મારું બીજું કામ
આવી રીતે નદીસ્નાને ‘પવિત્ર’ થવાને બહાને નદીને ગટર બનાવનારાઓને ગમે તે રીતે ઉશ્કેરવાનું
છે. એ લોકો કેવા પાણીનું આચમન
કરે છે, કેવા પાણીને બાટલીમાં ભરી
લાવે છે કે ત્યાં વેચાતું પાણી અંતિમ ઘડીએ કામ આવે એમ સમજીને વરસો સુધી એને સાચવી
મૂકે છે એમને આ કહેવત ચોપડાવું છું. જો ન જ સમજે તો પછી
ભલે થોડું પુણ્યનું કામ કરી આવે, કારણકે આવા
પુણ્યાત્માઓ વગર તો નદીઓ પણ સૂકાઈ જશે.’
‘ભાઈ, તમારી વાતોથી
મારા મનની શુધ્ધિ તો અહીં જ થઈ ગઈ. મેં માંડી
વાળ્યું ગંગાકિનારે જવાનું ને ગંગાસ્નાન હવે તો ત્યારે જ કરીશ જ્યારે ગંગા એકદમ
ચોખ્ખી થઈ જશે.’
*‘એટલે મારા બોલેલા પર તો તમે નદી જ વહાવી દીધી ને? આટલા લવારાનો શો મતલબ રહ્યો? તમે નદીના દર્શને ભલે જાઓ પણ એમાંથી ખોબામાં માય તેટલું
પાણી લઈને શરીરે છંટકાવ કરી દેજો. નદી પણ તમને
મનોમન આશીર્વાદ આપશે કે આવ્યો કોઈ મારો હિતેચ્છુ. કોઈ વાર ચોખ્ખી નદી કેવી આવે તે તો જોજો.’
‘હવે તમે આવી બધી વાતો કરી એટલે મારા મનની એક ઈચ્છા તો અધૂરી
જ રહેવાની.’
*‘કઈ ઈચ્છા? હું કોઈ મદદ કરી
શકું?’
‘તમારી વાતો જાણ્યા પછી હવે તો એ ઈચ્છા ક્યારેય પૂરી જ નહીં
થાય. વરસોથી અમારા કુટુંબના
પિતૃઓનું ખાસ નદીકિનારે શ્રાધ્ધ કરવાનું નક્કી થયા કરે છે પણ હવે માંડી વાળવું
પડશે.’
*‘હું સમજી ગયો પણ જો ત્યાંનું વર્ણન કરું ને તો તમને થાય કે
હવે પિતૃઓના શ્રાધ્ધને બહાને કોઈને હેરાન નથી કરવા. ત્યાં જેટલી ગંદકી એક જ દિવસમાં થાય ને એટલી તો કદાચ
મહિનામાં પણ નહીં થતી હોય. એક જ ખાસ તિથિએ
થતા શ્રાધ્ધને બહાને ભીડ અને ભીડને ખવડાવવા–પીવડાવવા લાગતા
અધધ સ્ટૉલ્સ. પૂજાને બહાને વહેતી દૂધ, પાણી ને ઘીની નદીઓ ને કીચડમાં ચાલીને વારંવાર નાહવા જતા ને
આવતા અર્ધવસ્ત્રધારી વારસો–ભાઈઓ ને બહેનો, પિતૃઓના આત્માની શાંતિને બદલે કદાચ એમને દુ:ખ જ પહોંચાડતા હશે. બ્રાહ્મણોને તગડી
ફી ચૂકવીને, લાઉડ સ્પીકરની હોહામાં
સંભળાયા તેવા શ્લોકો બોલીને પૂજા પૂરી થયાના હાશકારા પછી નદીકિનારાને પોતે કઈ
હાલતમાં છોડી રહ્યા છે એની લેશમાત્ર ચિંતા ન કરનારા સુખી અને સમૃધ્ધ લોકો, કોઈને પહેરવા પણ કામ ન લાગે એવા ગંદા વસ્ત્રોનો ઉકરડો
ત્યાં છોડી જાય ત્યારે નદીની દયા આવી જાય. હું તો આવા
શ્રાધ્ધને કે તર્પણને માનતો જ નથી. પૈસા હોય તો સારે
રસ્તે ખર્ચવાના બહુ રસ્તા છે. અરે, નદીઓ સૂકાય નહીં ને ગંદી ન થાય એવા કોઈ કામમાં ખર્ચવાનું
પસંદ કરું.’
‘તો હવે મને કોઈ અફસોસ નથી. મેં ભેગા કરેલા શ્રાધ્ધના પૈસા નદીના શુધ્ધિકરણમાં વાપરીશ.’
‘વાહ ભાઈ! મને લાગે છે કે
મારે ગામેગામ નદીકથા માંડવી પડશે.’
‘મને કહેવડાવજો. બંદા હાજર થઈ જશે.’
‘હા તો પછી, બોલો હર હર ગંગે.’
‘હર હર ગંગે.’