ગુરુવાર, 25 એપ્રિલ, 2019

ડૉક્ટરની ફાઈલ


એક દવાખાનામાં પચાસેક વર્ષની ફરતે ફરતું એક યુગલ પ્રવેશ્યું. બેનના હાથમાં બે મોટા થેલા હતા તે એમણે સાથે રાખતાં એક તરફ બેઠક લીધી. સાદા દવાખાનામાં તો કમ્પાઉન્ડર નામ નોંધી લે ને વારો આવે ત્યારે બોલાવે, એટલે કમ્પાઉન્ડરની સામે ઘડી ઘડી જોતાં એ લોકો ઊંચા જીવે બેઠાં. આખરે એમનો વારો આવ્યો એટલે પેલા થેલા સાથે એ લોકો ડૉક્ટરની કૅબિનમાં જવા માંડ્યાં.
‘અરે કાકી, આ તમારા થેલા અહીં બહાર જ મૂકી જાઓ. કોઈ નહીં લઈ જાય.’
‘ભાઈ, આમાં તો મોટા ડૉક્ટરની ફાઈલો છે તે સાહેબને બતાવવાની છે.’ કમ્પાઉન્ડરે થેલા સામે જોતા કમને ડોકું ધુણાવ્યું.

‘આવો બેસો અહીં. બોલો શું થાય છે?’ ડૉક્ટરે ભાઈને પૂછ્યું.
ઢીલા બેઠેલા ને તદ્દન નંખાઈ ગયેલા અવાજે ભાઈ બોલ્યા, ‘કાલે રાતે છાતીમાં દુખાવો થયેલો.’ ને પછી પાછા ઢીલા થઈને બેસી ગયા.
‘અરે, બધી વાત કરોને શું થયેલું તે.’ એમના પત્નીએ ઘરમાં બોલે તેવા અવાજે કહ્યું ને જવાબની રાહ જોયા વગર ફરિયાદ ચાલુ કરી, ‘ડૉક્ટરસાહેબ એ તો કંઈ નહીં બોલે. પેલ્લેથી જ મૂંજી જેવા છે. કાલે સાંજથી એમને છાતીમાં દુખવા માંડેલું તો બોલતાં શું થતું હતું? સાંજે જ અહીં આવી જાત કે નહીં? દસ વરસ પહેલાં પણ મોટો એટેક આવેલો ત્યારે પણ એવું જ. બોલેલા જ નહીં. આજે તો મેં કીધું કે ચાલો ત્યારે આવ્યા. એમ કહે કે, હવે તો સારું છે. પથરા સારું છે! તમે જ જોઈ લો એમને બરાબર ને આ બધી ફાઈલ પણ છે તે પણ જોઈ લેજો.’
‘ફાઈલ? શાની ફાઈલ?’ ડૉક્ટર ચમક્યા. એમને થયું આ લોકો ભૂલમાં ઈન્કમટેક્સની બધી ફાઈલ લઈને તો અહીં નથી આવી ગયાં ને?

પેલા પેશન્ટના મિસીસે તો થેલા ખોલીને એક પછી એક ફાઈલ બતાવતાં ફાઈલનો ઈતિહાસ કહેવા માંડ્યો.
‘જુઓ સાહેબ, આ ફાઈલ ડૉ. દિલધડકની. તમે તો ઓળખતા જ હશો. મોટામાં મોટા ડૉક્ટરને બતાવેલું ને હાર્ટનું ઓપરેશન પણ એમની પાસે જ કરાવેલું, તોય પાછો એટેક આવ્યો બોલો!’
ડૉક્ટરે ‘સાંભળું છું’ એવું બતાવતા મોબાઈલમાં મેસેજ જોવા માંડ્યા.
કથા આગળ ચાલી.
‘સાહેબ, આ ફાઈલ ડૉ. મારફાડની. એમણે તો આમને તપાસ્યા વગર જ મોટા સાહેબની ફાઈલ જોઈને કહ્યું કે, બધું બરાબર છે. આ જ દવા ચાલુ રાખો.’ ને પછી પોતાની બે દવા બીજી લખી આપી ને હજાર રુપિયા ખંખેરી લીધા!’
ડૉક્ટરનું મગજ તો ફરવા માંડ્યું. અરે! હદ થાય છે હવે. આ બેન તો મારી જમાતની ઘોર ખોદવા માંડ્યાં! કંઈક કરવું પડશે.
‘બેન, તમારી પાસે આમાં બીજા કોની કોની ફાઈલ છે?’
બેન તો હરખાયાં. ડૉક્ટર હોય તો આવા. પેશન્ટ તો પેશન્ટ, પેશન્ટની ફાઈલોમાં પણ કેટલા પેશન્ટ બનીને રસ લે છે! વાહ! આ જ ડૉક્ટર સારા. નક્કામા બીજે બધે રખડ્યાં. હવે તો કંઈ પણ થાય, મરીએ ત્યાં સુધી આમની પાસે જ આવવું. હરખમાં ને હરખમાં બેને તો પહેલો થેલો ખાલી કરવા માંડ્યો.
‘આ ડૉક્ટર કાતરિયાની ફાઈલ, આ ઝાટકિયાની, આ બંદૂકવાલાની, આ ડૉ. ગોલીબારની. તમે માનશો નહીં સાહેબ પણ એટેક આવ્યા પછીના એક વરસમાં તો બધાના કહેવાથી સેક્ન્ડ ઓપિનિયન માટે અમે આ શહેરના તો ઠીક, બીજા શહેરોના મોટા ડૉક્ટરોના પણ ઓપિનિયન લઈ લીધા. બે થેલા ભરીને ફાઈલો થઈ પણ થવાનું થઈને જ રહ્યું તે કાલે પાછો એમને એટેક આવ્યો.’

ડૉક્ટર વિચારમાં પડ્યા. આ બેન વાત તો બધી સાચી કરે છે. આવા બેકાળજીવાળા પતિની ચિંતામાં, પતિને લઈને ડૉક્ટરે ડૉક્ટરે બધે ફરવાથી બબડાટની આદતેય પડે ને અવાજ પણ ઊંચો થઈ જાય એમાં એનો કોઈ વાંક નથી. ઘર સાચવે કે વરની તબિયત સાચવે? પણ આ ફાઈલોના થેલા? એનું હું શું કરવાનો? આચાર ડાલું કે ચટની બનાઉં?
‘એક કામ કરો બેન. તમે આ બધી ફાઈલો અહીં મૂકી જાઓ. હું નિરાંતે જોઈ લઈશ. હાલ તો એમનો કાર્ડિયોગ્રામ કાઢવો પડશે. પછી એ જોઈને કંઈ સલાહ આપી શકું.’

ખુશ થયેલાં બેનના બહાર જતાં જ ડૉક્ટરે કમ્પાઉન્ડરને બોલાવ્યો, ‘આ બે થેલા હમણાં માળિયે ચડાવી દે. મહિના પછી આ લોકો પાછા આવશે ત્યારે પાછી આપવાનું યાદ કરાવજે.’

કાર્ડિયોગ્રામમાં ખાસ કોઈ દેશના નકશા ન દેખાયા એટલે દવા ચાલુ રાખવા જણાવી ડૉક્ટર મફતિયાએ એ યુગલને વિદાય કર્યું.

2 ટિપ્પણીઓ: