આ વરસે એક અજબ કંકોતરી આવી. ‘ફલાણાં ઢીંકણાંના
અમુક તમુક ભણેલા સુપુત્ર સાથે, ફલાણાં ઢીંકણાંની (અમુક તમુકમાં એકાદ ડિગ્રી વધારે
કે ઓછીવાળી) સુપુત્રીનાં લગ્નમાં અમારા આમંત્રણને માન આપી શોભામાં અભિવૃધ્ધિ કરવા
જરૂરથી પધારશો. યાદ રાખીને કુટુંબદીઠ ચાર જણનું ભોજન ભરાય એવું ટિફિન લેતા આવશો.
હજાર રુપિયા ચાંદલો ફરજિયાત છે. ખાસ નોંધ–ચાંદલાની રસીદ આપનારને જ ટિફિન ભરી
આપવામાં આવશે.’
આદત મુજબ ઘરમાં અમે પહેલાં આશ્ચર્ય અને પછી આનંદ
સાથે કંકોત્રીની ચર્ચા કરી અને હિસાબ માંડ્યો. ધારો કે, હજાર રુપિયામાં ચાર જણ જમી
આવે અને ચાર જણનું ટિફિન ભરતાં આવીએ તો જલસા જ જલસા થઈ જાય. પાર્ટી જોરદાર છે એટલે
આવું એમને હજાર રુપિયામાંય પોસાય. બાકી આજે તો હજાર હજારની એક એક ડિશ થઈ ગઈ છે
ત્યાં આવા ઉદાર બનવું આમને જ પોસાય. પહેલાં વિચાર કર્યો કે બહારગામથી એકાદ બે
સગાંને પણ બોલાવી લઈએ, પછી માંડવાળ કર્યું કે મીઠા ઝાડનાં મૂળિયાં ન ઉખેડાય. જોકે,
સરસ ભપકાદાર કપડાં સોહાવીને હાથમાં ટિફિન લઈને જમવા જવાનું જચ્યું નહીં પણ સામે બે
ટાઈમના જમણની લાલચ હતી એટલે ટિફિનને એક સરસ ડિઝાઈનર થેલીમાં લઈને અમે તો ગયાં ભવ્ય
લગ્નના ભવ્ય જમણવારમાં.
મોટા શણગારેલા પાર્ટી પ્લોટમાં આદત મુજબ અમે
સમયસર જ પહોંચી ગયા. (ક્યાંક ખાલી ટિફિન લઈને પાછા ન ફરવું પડે!) દૂરથી જોયું તો
સ્ટેજ પર લાંબી લાઈન લાગેલી. અરેરે! આપણાંથી વહેલા આવવાવાળા પણ છે? બધાના હાથમાં જ
મોટા ડિઝાઈનર થેલા દેખાયા. હજાર રુપિયા ચાંદલો ફરજિયાત હતો એટલે ગિફ્ટ કે બૂકેની
ઝંઝટમાં કોણ પડે? સગાંવહાલાં કે મિત્રોને નજરઅંદાજ કરીને અમે તો લાઈનમાં જઈ ઊભા.
સૌને ઉતાવળ હોવાથી સ્ટેજ પર તો ઝપાટામાં શુભેચ્છાઓ સાથે કવર અપાઈ જતા ને ઝપાટામાં
સ્માઈલના ખડકલા થતા ને ફટાફટ ફોટા ખેંચાવીને સૌ રવાના થતા. અમે પણ ઉતાવળમાં જ હતાં
ને?
સ્ટેજ પરથી ઊતરીને હોંશે હોંશે જમવા ને ટિફિન
ભરાવવા ગયાં તો ત્યાં અમારી ને કદાચ સૌની નવાઈ વચ્ચે ફક્ત ભોજનની વિવિધ વાનગીઓના
લાઈનસર ટેબલ અને પીરસણિયા જ હાજર હતા. ત્યાં જમવા બેસવાની કોઈ વ્યવસ્થા જ નહોતી!
લોકો પણ લાઈનમાં ડિશ લેવા કે ડિશ લઈને કે
પછી ઊભા રહીને જમતાં કે આમતેમ ફાંફાં મારતાં પણ ન દેખાયા! પાણીની વ્યવસ્થા પણ કશે
નજરે ન ચડી. કચરાપેટીઓ પણ ગાયબ! શું હજી જમણવાર ચાલુ નથી થયો? તો લોકો જમશે ક્યારે
ને ટિફિન ભરાવીને લઈ ક્યારે જશે? અમારી જેમ જ બીજા મહેમાનો પણ આમતેમ ફાંફાં મારતાં
દેખાયા. પૂછે પણ કોને?
આખરે થોડી હિંમત ભેગી કરીને એક ટેબલે અમે
પહોંચ્યાં.
‘ભાઈ, અહીં જમવાનું ક્યારે શરૂ થશે?’
‘સર, અહીં જમવાનું નથી રાખ્યું. ખાલી ટિફિન
ભરીને જ લઈ જવાનું છે. તમે કોઈ પણ ટેબલે જઈને તમને જે જોઈએ તે ટિફિનમાં ભરાવી લો.’
ઓહ! આ નવું! ગજબ કે’વાય! ધીરે ધીરે મગજમાં ટિફિન
ને હજારના ચાંદલાનો તાળો બેઠો. અચ્છા એમ વાત છે ત્યારે. અહીં જમવાનું નહીં એટલે
એનો સીધો અર્થ એ થાય કે હજારમાં ચાર જણે જ જમવાનું છે! આ તો યજમાનને અને મહેમાનને
પણ બહુ બધી ઝંઝટમાંથી મુક્તિ. ન કોઈએ ડિશ માટે, ભોજન માટે કે આઈસક્રીમ ને મુખવાસ
માટેની લાઈનમાં ઊભા રહેવું પડે, ન કોઈનાં કપડાં બગડે, ન કોઈ વચ્ચે ટપાટપી થાય કે ન
કોઈ ઝુંટમઝુંટ થાય કે ન અંદરઅંદર પંચાત કે બોલાચાલી થાય. ટિફિન ભરાવો ને ચાલતાં
થાઓ. દિવસોના થાકેલા યજમાને પણ અમસ્તાં અમસ્તાં લોકોને ‘આ લો ને પેલું લીધું કે
નહીં? અરે ઓ ભાઈ, આમને માટે રસમલાઈ લઈ આવ તો જલદી.’ એવા કોઈ આગ્રહ કરવા ચકરડાં
મારીને થાકવાનુંય નહીં.
ન તો પ્લોટમાં ટીશ્યૂ પેપરના ડૂચા ને પ્લાસ્ટિક
ગ્લાસનું વધારાનું ડેકોરેશન થાય, ન વેરાયેલી વાનગીઓની ગંદકી થાય, ન કીચડ થાય કે ન
કોઈ જાતનો શોરબકોર થાય. ઓછા માણસોમાં કામ પણ ઝડપથી થાય અને મહેમાનો પણ ગરમ ગરમ
ખાવાની ઉતાવળમાં વહેલા જ ઘરભેગા થઈ જાય. માન્યું કે, હજાર રુપિયામાં આ ટિફિન મફત જ
કહેવાય પણ એની સામે ફાયદા ગણ્યા કે નહીં તમે? જે ભોજનસમારંભમાં મહેમાનો આવતા જ
રહે, આવતા જ રહે અને યજમાનો કંકોતરીના વાયદા મુજબ રાહ જોતા જ રહે...જોતા જ રહે તે
સારું કહેવાય? મહિનાઓની તૈયારીથી થાકેલા લોકો રાહ જોતાં હોય કે, ‘હાશ આજે પત્યું
હવે.’ ત્યારે એક જ દિવસમાં એમને ફક્ત જમવા ખાતર અધમુઆ કરવા એ તો ખોટું કહેવાય. ઘરે
જઈને પણ આરામથી જમાય ને?
અમને તો આ ટિફિન સર્વિસ ગમી ગઈ, તમને?
lo....aa navu? idea ajmavava jevo kharo.
જવાબ આપોકાઢી નાખો(kharekhar avta varso ma avu jarur thashe J)
Harsha Mehta
Toronto
'અમને તો આ ટિફિન સર્વિસ ગમી ગઈ, તમને?' અમને પણ :) હવે આવા આમન્ત્રણનીરાહ જોઉં છું.
જવાબ આપોકાઢી નાખો😊👍 નજીકના ભવિષ્યમાં ચાલુ થશે.
કાઢી નાખોvery good satire
જવાબ આપોકાઢી નાખો