અહમદનગરના સાવ અજાણ્યા ગામ ચોંડીના એક મંદિરમાં,
સહેલીઓ સાથે રમવાની ઉંમરે આઠેક વર્ષની એક નાનકડી છોકરી ગરીબ ને ભૂખ્યાં લોકોને ખૂબ
પ્રેમથી જમાડતી હતી. ગામે ગામ કર ઉઘરાવવા નીકળેલા માળવાના રાજા મલ્હારરાવ હોળકર એ બાળાને
જોઈને ચકિત થઈ ગયા. તે જ ઘડીએ અહિલ્યાનું ભવિષ્યની મહારાણી બનવાનું નક્કી થઈ
ગયું.(જો કે, આ બાળવિવાહ ઈંદોર માટે લાભદાયી નીવડ્યાં.) રાજાએ ત્યારે ને ત્યારે જ
અહિલ્યાના પિતા પાસે પોતાના દીકરા ખંડેરાવ માટે અહિલ્યાનો હાથ ને સાથ માગ્યો. ગદગદ
થયેલા પિતા માણકોજી શિંદેએ ના કહેવાનું તો કોઈ કારણ જ નહોતું. પોતાના ધાર્મિક સંસ્કારો
પર અને ગામમાં કોઈ જ સ્કૂલ ન હોવાથી ઘરમાં જ આપેલા શિક્ષણ પર પિતાને પૂરો ભરોસો
હતો. એમણે ખુશી ખુશી દીકરી વિદાય કરી.
ખંડેરાવ એક નંબરનો લંપટ પતિ હોવા છતાં પતિને
પરમેશ્વર માનતી ઉચ્ચ સંસ્કારોવાળી અહિલ્યાએ એને સુધારવામાં કોઈ કસર ન છોડી. સસરાએ દીકરાનાં
લક્ષણ પારખીને પહેલેથી જ વહુને બિચારી ન રહેવા દેતાં રાજકાજમાં નિપૂણ બનાવવા
માંડેલી. અહિલ્યાને વહુ ન ગણતાં એને દીકરીની જેમ જ મોટી કરી અને દરેક વિદ્યામાં
પારંગત કરી. ઘોડેસવારીથી માંડીને અવ્વલ દરજ્જાની તીરંદાજી પણ શીખવી. અહિલ્યા જેવા
કાચા હીરાને ફક્ત ચમકાવવાની જ જરૂર હતી. બાકી હતું તે એની અદ્ભુત ગ્રહણશક્તિએ
પૂરું કર્યું. પિતાતુલ્ય સસરા જેટલી જ કાબેલ બનેલી અહિલ્યાએ પતિ અને સસરાના મૃત્યુ
પછી રાજનિયમાનુસાર પોતાના દીકરાને ગાદી પર બેઠેલો જોયો પણ એ સૌભાગ્ય એના નસીબમાં
નહોતું. બાપના સંસ્કારો પચાવી ચૂકેલો માલેરાવ થોડા જ સમયમાં મોતને ભેટ્યો. એકના એક
દીકરી–જમાઈને સાથે રાખ્યાં તો જમાઈનો જુવાનીમાં જ સ્વર્ગવાસ થયો અને દીકરી એની
પાછળ સતી થઈ ગઈ. કોઈ માને આઘાતથી ભાંગી પડવા માટે આનાથી વધારે શું જોઈએ?
હવે, કોઈ સ્ત્રી શું રાજ્ય ચલાવવાની? એવા
ભ્રમમાં રહેલા અમુક સુબેદારો ને સેનાપતિઓએ બળવો કર્યો પણ સમય પારખી ગયેલી અહિલ્યાએ
રાજ્યની ધુરા કુશળતાપૂર્વક સંભાળી લીધી. જ્યારે સતીપ્રથા અમલમાં હતી તે જમાનામાં
ખંડેરાવ પાછળ સતી થવાની સસરાએ અહિલ્યાને પરવાનગી નહોતી આપી, કારણકે એ સારી રીતે
જાણતા હતા કે એક અહિલ્યા જ છે જે પોતાના રાજ્યને ખંડેરાવ કરતાં પણ વધુ કુનેહ ને
કાળજીથી સાચવી લેશે. એવું જ બન્યું. ચુનંદા લોકોને સાથે રાખીને કામ કરનારી
અહિલ્યાને પછીથી એના દરેક કામમાં સારો સહકાર મળતો ગયો. લશ્કરની ઝીણામાં ઝીણી ખબર
રાખતી અહિલ્યા શસ્ત્રો બનાવનારા નિપૂણ કારીગરોની પણ કાળજી રાખતી. અહિલ્યાના કુશળ
વહીવટ અને સદાચારી વર્તનથી પ્રજાએ એને પોતાના દિલોની મહારાણી બનાવી દીધી.
ઘરની વડીલ સ્ત્રીઓનું માન રાખતી અહિલ્યા ધાર્મિક
સંસ્કારો ભૂલી નહોતી. વહેલી સવારથી પૂજા પતાવીને એ સાસુને તથા અન્ય સ્ત્રીઓને
ધાર્મિક ગ્રંથો વાંચી સંભળાવતી. મંદિરે પગપાળા જનારી મહારાણીના મનમાં પદની ગરિમા
હતી પણ અભિમાન લગીરે નહોતું. ત્રણસો લોકોને એના ઘરે નિત્ય ભોજન મળતું. કેટલાય
લહિયાઓ રોકીને એણે સેંકડો પુસ્તકો લખાવ્યાં અને કેટલાય વિદ્વાનોને ભેટ આપ્યા.
શિવભક્ત હોવાથી અસંખ્ય શિવ મંદિરોનો જિર્ણોધ્ધાર તો કરાવ્યો જ પણ યાત્રાળુઓ માટે
પણ સગવડો વધારી. જંગલના રસ્તે લોકોને હેરાન કરતા ચોર લૂટારાને ઠેકાણે લાવવામાં અને
પ્રજાનું રક્ષણ કરવામાં અવ્વલ રાણી દાનપુણ્યનાં કામો પણ દિલ ખોલીને કરતી.
ઠેકઠેકાણે મંદિરો, અન્નક્ષેત્રો, ધર્મશાળાઓ બાંધવામાં એના ખાનગી ખજાનામાંથી સતત
દાનનો પ્રવાહ વહેતો જ રહેતો. વંશપરંપરાગત મિલકતો ખાનગી ગણાતી એટલે એણે મિલકતના પણ
બે ભાગ કરેલા. સદાચારી રાણીના રાજ્યની આવક
પણ દિનપ્રતિદિન વધતી જ રહી અને પ્રજાનાં કામો થતાં રહ્યાં.
ધમાલિયા શહેર ઈંદોરને બદલે કોઈ શાંત તીર્થસ્થળે
રાજધાની હોવાનો વિચાર આવતાં એણે જ્યોતિષીઓની સલાહથી રાજધાની તરીકે મહેશ્વરની
પસંદગી કરી. મહેશ્વરમાં પછી તો, મોટા મહેલોની સાથે મોટા મંદિરો અને ઘાટોનું પણ
નિર્માણ થયું. અહલ્યેશ્વરનું મોટું મંદિર પણ બન્યું. રાજવહીવટ દરમિયાન ગુનેગારોને
થતી સજાની અસર એના કુટુંબીઓ પર ન પડે એ ખાતર રાણી એ કુટુંબોનો ભાર પોતે લઈ લેતી.
જેથી કોઈ નવા અપરાધીનો જન્મ ન થાય! કેટલા ઉચ્ચ વિચાર! કોઈ અમીર માણસની વિધવા
પત્નીની મિલકત ખાલસા થતી પણ એને રાજ્ય તરફથી યોગ્ય વળતર મળતું જેમાંથી એ આરામથી
રહી શકતી. રાણી અહિલ્યાની કીર્તિ ઠેર ઠેર પ્રસરેલી અને લોકોના દિલોમાં એના માનનો કોઈ
ઉત્તમ નમૂનો હોય તો તે પણ જાણવા જેવો છે. સંગમનેરનો એક કવિ રાણીને પોતાની કવિતા
સંભળાવવા મહેશ્વર જતો હતો તે દરમિયાન રસ્તામાં ભીલોએ એને લૂંટી લીધો. જ્યારે ખબર
પડી કે આ તો મહારાણીને મળવા જાય છે, ત્યારે તરત જ કવિને લૂંટેલી રકમ પરત કરીને હેમખેમ
જવા દીધો. પ્રજાના દિલોમાં કોઈ રાજા કે રાણીનું આનાથી વધારે વળી કેવું સ્થાન હોઈ
શકે?
સાહિત્યકારો ને કળાકારોનું એના દિલમાં ઉંચું
સ્થાન હોવાથી પોતાના રાજ્યમાં એણે છુટ્ટા હાથે દાનનો ધોધ વહાવ્યો અને કલાકારોને
ઉત્તેજન આપ્યું. મહેશ્વરનો કાપડઉદ્યોગ આજે જગપ્રસિધ્ધ છે. એક સંપૂર્ણ સ્ત્રી હોવા
સાથે એક ઉત્તમ વહીવટદાર સાબિત થયેલી અહિલ્યાએ માળવાનો ઉધ્ધાર કરવામાં કોઈ કસર ન
છોડી. આજે પણ દરેક વિદ્યામંદિરો, મહેલો, મકાનો, ધર્મશાળાઓ કે તીર્થસ્થાનોમાં રાણી
અહિલ્યાનો આત્મા વસે છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. ખુદ અંગ્રેજો પણ જેના
રાજકાજથી અંજાઈ ગયેલા અને પોતાના પુસ્તકોમાં મહારાણી અહિલ્યાબાઈના ભરપેટ વખાણ
કરેલાં તે રાણી અહિલ્યાનું સિત્તેર વર્ષની ઉંમરે માંદગીને લીધે અવસાન થયું. જતાં
જતાં પણ સૌને બોલાવીને ગૌચર જમીન અને ગોદાનની કેટલીય જમીનોની જાહેરાત કરી જીવનને
સાર્થક કર્યું.
આ સંગ્રહાલયમાં ફરીને મહારાણી અહલ્યાબાઈ વિશે
જાણીને મારું મસ્તક તો શરમથી ઝૂકી ગયું. (બાકીનાંનું ખબર નહીં.) નાની નાની વાતે
ઓછું લાવતાં ને બધી સગવડેય અધુરપ અનુભવતાં આપણે ક્યારે આમાંથી કંઈ જીવનમાં
ઉતારશું? કે બસ ખાલી ફરિયાદ ને ફરિયાદ જ કરશું?(પસ્તાવો બહુવચનમાં કરવાનો.) આખરે
ઘણા અહોભાવ અને ખૂબ આનંદ (અને થોડા પસ્તાવા) સાથે અમે મહારાણીની વિદાય લીધી.
. મહેશ્વરની વિદાય લેતાં પહેલાં અમારે મહારાણીની
વિદાય લેવી જરૂરી હતી. સાડી તો ભેટ મળવાની કોઈ ઉમીદ નહોતી પણ હવે એમને મળવા તો
એમના મહેલમાં જ જવું પડે જે ‘અહિલ્યા કિલ્લા’ની અંદર આવ્યો છે. આ કિલ્લો અઢીસો ચોરસ
મીટરના વિસ્તારમાં અને પાંચસો ફીટ ઊંચી મજબૂત દિવાલો વડે સુરક્ષિત છે. આજે એટલો
ભવ્ય ન લાગે પણ એના ભવ્ય ઈતિહાસની ગાથાઓ તો અમર જ રહેશે ને? આ કિલ્લાની અંદર
મહારાણીનો મહેલ ‘રાજવાડા’ છે, ભગવાન માટે સોનાના હીંચકાવાળો પૂજાનો રૂમ છે અને
રાજરાજેશ્વર મંદિર છે.
‘અહિલ્યા દ્વાર’માંથી કિલ્લામાં
પ્રવેશ્યાં તો સામે જ ‘રાજવાડા મહેલ’ દેખાયો જે અમને તો કોઈ ભવ્ય મહેલ જેવો બિલકુલ
ન લાગ્યો! જ્યાંથી મહારાણી રાજવહીવટ સંભાળતાં તે બેઠક પર એમની સુંદર પ્રતિમા છે.
વાહ! અહીંથી જ મહારાણીએ મોટા મોટા નિર્ણયો લીધા હશે, દાનદક્ષિણા આપી હશે અને યોગ્ય
ન્યાય કરીને કંઈ કેટલાયની દુઆઓ પણ લીધી હશે. સૈન્યના અધિકારીઓને પણ ફરજપરસ્ત
અહીંથી જ રાખ્યા હશે! આવી વિભૂતિના જીવનમાંથી જો એકાદ ગુણ પણ આપણે અપનાવ્યો તો
આપણું તો કલ્યાણ જ થઈ જાય ને? ખેર, આ રાજવાડાની સામે જ મહારાષ્ટ્રના એક કલાકારે
બનાવેલી તેર ફીટ ઊંચી મહારાણીની સુંદર પ્રતિમા છે. આપણને સ્વાભાવિક જ થાય કે,
મહારાણીને જ જ્યાં લોકો દેવી માનતાં હોય ત્યાં એ દેવીએ કોઈ દેવીદેવતાઓની પૂજા
કરવાની જરૂર રહે ખરી? આ તો ભગવાનની સાચી ભક્ત હતી એટલે કિલ્લામાં જ બધા દેવોને
સાથે રાખીને રહેતી. લોકોના અને પોતાના સમયનો કેટલો બધો ખ્યાલ એણે રાખ્યો હશે?
જમાનો વીતી ગયો પણ મહારાણીની યાદો હજીય એટલી જ
તાજી છે એનો એક દાખલો તે ‘રેવા સોસાયટી.’ મહારાણીના કુટુંબનો જ એક વારસ રિચર્ડ હોલકર,
જે વર્ષોથી પરદેશ સ્થાયી થયેલો એણે એક વાર મહેશ્વરમાં આવીને વણકરોની સ્થિતિ જોઈ
અને તરત જ એક મોટો નિર્ણય લઈ લીધો, મહેશ્વરમાં ડેરા નાંખવાનો. પત્ની સૅલી સાથે એણે
મહેશ્વરી સાડીઓના ગૃહઉદ્યોગને ફરીથી જીવંત કરવા કમર કસી અને ‘રેવા સોસાયટી’ની
સ્થાપના કરી. અહીં ફક્ત મહેશ્વરી સાડીઓ જ બને અને તે પણ અહીંના જ વણકરોના હાથે. જે
કમાણી થાય તે વણકરોની! મહેશ્વરના જ રહેવાસીઓને કામ અને યોગ્ય વળતર મળી રહે એ શુભ
ભાવનાથી ચાલુ રહેલી આ સોસાયટીથી દેવી અહિલ્યાબાઈના આત્માને જરૂર શાંતિ મળી હશે.
આટલા એક જ મહત્વના નિર્ણયે તો ગામના લોકોનું
જીવન બદલી નાંખ્યું. લૂમો ધમધમતી થઈ, રંગીન દોરાઓ સુંદર સાડીઓમાં પરિવર્તન પામવા
માંડ્યા અને દેશ પરદેશથી સાડીચાહકો સાડીઓ જોવાના આનંદની સાથે ખરીદીનો આનંદ પણ
માણતાં થયાં. રેવા સોસાયટી જોઈને બહાર નીકળ્યાં કે અમે એ જ પરિસરમાં આવેલું
રાજરાજેશ્વર મંદિર જોવા ઉપડ્યાં. છેલ્લે છેલ્લે તો શંભુકૃપા મેળવી લઈએ. આ આખી
સફરમાં શિવજીનો જ દબદબો રહ્યો હતો અને એમની કૃપાએ જ પ્રવાસ સફળ રહ્યો હતો. વળી એ
સફળતામાં સાડીઓએ ચાર ચાંદ લગાવી દીધા હતા.
‘રેવા’ જોઈ બહાર નીકળ્યાં બાદ થોડે દૂર ઘણાં પગથિયાં ઊતર્યા પછી નીચે મંદિરનાં દર્શન થયાં. અહીં સદીઓથી અગિયાર અખંડ દીવાઓ જલે છે. એવું કહેવાય છે કે, સોમવંશીય સહસ્રાર્જુન કાર્તવીર્ય અર્જુન(કેટલું અઘરું નામ, આખરે તો અર્જુન જ કહેવાયું!) માટે આ સમાધિ–સ્થળ હતું. એટલે જ એમનો જન્મદિવસ અહીં ત્રણ દિવસ સુધી બહુ ધામધુમથી ઉજવાય છે! છેલ્લે દિવસે સૌ ભક્તો માટે અહીં મોટા ભંડારાની પણ વ્યવસ્થા હોય છે. ભક્તોને પણ ભોજન તો કરાવવું જ પડે ને? ખાલી પેટે ભક્તિ કેમ કરીને થાય?
બસ. હવે અમારા પ્રવાસનો અહીં અંત આવતો હતો. સૌનો
જીવ બળતો હતો કે હવે ઘરે જવાનું! ઘણી બધી જગ્યાઓ બાકી પણ રહી ગઈ! પછી જીવને એ
વિચારીને ટાઢો કર્યો કે બાકી રહી ગયું જોવાનું તો શું થયું? હવે તો આપણે વરસમાં
એકાદ વાર સાડી ખરીદીને બહાને અહીં આવી જ જઈશું ને? આપણી નહીં ને કોઈની સાડીઓ
લેવાને બહાને પણ આવશું ખરાં. હા કહેવાનું રહી ગયું કે, અમે સૌએ મહેશ્વરની યાદ
તરીકે દિનેશની મિસિસ માટે પણ એક સાડી લઈ જ લીધી હતી. એ બહાને મહારાણીના આશીર્વાદ
તો મળે ઘેરબેઠાં!
મહેશ્વરથી ઉચ્છલ સુધીનો પ્રવાસ બહુ ઉત્સાહવર્ધક
તો ન કહેવાય પણ કોઈ તકલીફ વગરનો રહ્યો. ફરી એક વાર કોઈ નવા પ્રવાસનું નક્કી કરવાની
શરતે અમે સૌ ઘેરભેગાં થઈ ગયાં.
(આ પ્રવાસમાં સાથે રહેવા બદલ આપ સૌ વાચકોનો
દિલથી આભાર. ફરી કોઈ નવી પ્રવાસકથા સાથે હાજર થવાનો લહાવો મળશે તો આનંદ થશે.)
(ગૂગલની મહેરબાનીથી થોડા ફોટા જોઈએ)