મંગળવાર, 31 ડિસેમ્બર, 2019

ચાલવા જવાનું મુરત


દરેક નાની કે મોટી, સારી કે ખરાબ વાતમાં મુરત જોવાની ટેવ(કુટેવ) હોવાને કારણે હું દર શિયાળામાં ચાલવા જવાનું પણ સારું મુરત જોઈ જ લઉં. ક્યાંક એવું ન થાય કે હું કમુરતામાં ચાલવા નીકળી પડું ને રસ્તામાં મારી સાથે કોઈના અથડાવાનું મુરત પણ ગોઠવાયેલું તૈયાર જ હોય! આ કોઈ એટલે કોઈ કૂતરું, ગાય કે વાહન સિવાય કોઈ માણસ પણ હોઈ શકે. વળી ચાલવા માટે તો સવારનું કે સાંજનું જ મુરત જોવું પડે કારણકે બપોરની ને રાતની વૉકનો ‘ચાલશાસ્ત્ર’માં તો ક્યાંય ઉલ્લેખ નથી. આ એક જ કસરત ગણો તો કસરત ને લહેર કે મજબૂરી ગણો તો તેમ, એવી છે જેમાં સીધા ઘરની બહાર નીકળીને આમતેમ ગયા વગર સીધા ઘેર પાછા ફરો તો એમાં એક પૈસાનોય ખરચ થતો નથી.

એવું ને કે શિયાળો આવતાં જ અમને એમ થાય કે સાલું, વજન બહુ વધી ગયું છે. હવે ઉતારવા માટે તો ચાલવું જ પડવાનું પણ કોણ પહેલાં ચાલવા જાય? જાતજાતનાં બહાનાં બંને પક્ષે ચાલે પણ ચાલે એ બીજા!
એટલે અમારા ઘરમાં તો દર શિયાળામાં આવા સંવાદો જ ચાલતા હોય.
‘તું હવે ચાલવા માંડે તો સારું.’
‘હું શું કામ ચાલવા માંડું? તમે જ ચાલવા માંડો ને એના કરતાં.’
‘મારા મનમાં આવશે ત્યારે ચાલવા જ માંડીશ, તારા કહેવાની રાહ નહીં જોઉં.’
‘બસ તો પછી, હું પણ મારી મરજીમાં આવશે ને ત્યારે ચાલતી થઈ જઈશ સમજ્યા ને?’ વાતાવરણમાં ગરમી વધે તે પહેલાં મેં ત્યાંથી ચાલતી પકડી.

આખરે ઠંડીના ચમકારાએ મને મુરત કાઢી આપ્યું ને મેં નક્કી કરી લીધું કે કાલની સવાર ચાલવા માટે બેસ્ટ! અંતરિક્ષમાં જવા જેવી તૈયારી તો કરવાની નહોતી એટલે સવારમાં દૂધવાળો આવે તે પહેલાં ચાલી આવવાનું નક્કી કરીને હું ઘરમાંથી નીકળી ગઈ. બહાર તો ખુશનુમા મોસમ ને ઉત્સાહી વૉકરોને જોઈને મારો ચાલવાનો ઉત્સાહ વધ્યો. થોડે પહોંચી કે અપશુકન થયાં! દૂધવાળો સામે જ ભટકાયો! મોટરસાઈકલ ઊભી રાખી, ‘બેન, બેન, બે..ન...ઊભાં રો’, સવારમાં ક્યાં ચાલ્યાં? દૂધ નથી લેવાનું આજે?’
ન તો મારા હાથમાં કોઈ તપેલી હતી કે ન કોઈ બરણી. શું હું આમ એની સામે દૂધ લેવા નીકળેલી? ખરો છે આ ભાઈ.
‘હું તો બસ ચાલવા નીકળી છું(હું ક્યાં મારું કોઈ કામ કરવા નીકળી છું?) ભાઈ ઘરે જ છે. એ દૂધ લઈ લેશે.’(ને પછી પાછા સૂઈ જશે.)
‘પણ ભાઈ તો એટલા વહેલા ઊઠતા નથી. નકામી ભાઈની ઊંઘ બગાડવાની ને? એના કરતાં પછી ચાલવા નીકળતે તો?’ બાપ રે! આને દોઢડહાપણ કરવાનું કોણે કહ્યું? જો કે, દોઢડહાપણમાં ક્યાં મગજ ચલાવવાનું હોય? મેં મારું મગજ ચલાવીને એને જવાબ ન આપ્યો ને ચાલવા માંડ્યું. હવે આ રીતે તો સવારમાં કેવી રીતે કોઈ પ્રસન્ન મને ચાલી શકે? મેં મનમાં ને મનમાં એનો હિસાબ ગણી કાઢ્યો.

ખેર, બીજે દિવસે સાંજનું મુરત કાઢ્યું. એ સમયે ઘરનું કોઈ ઘરમાં આવે કે ઘરમાંથી કોઈ બહાર જાય–મારા સિવાય એવી કોઈ શક્યતા નહોતી. હું ગીત ગણગણતી પ્રસન્ન મને ઘર બંધ કરતી હતી કે પાડોશણ જોઈ ગઈ.(કાયમ હાજર ને હાજર!)
‘બજાર જાઓ છો?’ (બધ્ધી પંચાત!)
‘ના, આંટો મારવા.’
‘એકલાં જ?’ (આંટો મારવા પણ જો એને સાથે લઈ જાઉં તો શાંતિ મેળવવા ક્યાં જાઉં?)
‘બજાર તરફ જવાનાં?’
‘કંઈ નક્કી નહીં.’ મને ખાતરી કે એને જેના વગર ચાલે જ નહીં એવું એ સમજતી હતી અને ચાલી જાય કે ચલાવી લેવાય એવું હું સમજતી હતી તે, આદુ–મરચાં–કોથમીર કે રવો–મેંદો–બેસન જેવું જ કંઈ મગાવવું હશે. મેં જવાબો ટુંકાવીને વહેલી તકે ત્યાંથી ચાલતી પકડી.

હવે? શું કરું? ક્યારે ચાલવા નીકળું? આ તે કંઈ જાલિમ જમાનાની રીત છે? કોઈ સ્ત્રી અડધો કલાક–કલાક ચાલવા ધારે તેય ન ચાલી શકે? આ બધાં ચાલવા નીકળે, તે લોકોને આવા લોકો આમ જ હેરાન કરતાં હશે? હું નિરાશાના વિચારોમાં ચાલતી રહી ત્યાં મારા નામની બૂમ મેં સાંભળી. હાય હાય! હવે કોણ દુશ્મન નીકળ્યું જે મારી રાહ જોઈને બેઠું છે?
‘‘બે...ન, આ બાજુ આવો. આમ જુઓ, હા હું જ બોલાવું છું.’
મેં એક સ્ત્રીને હરખની મારી, મારા તરફ આવતી જોઈ.
‘બેન, મારા ઘરે પાંચ મિનિટ પણ ચાલો જ. હું તમારા બધા લેખો બહુ ધ્યાનથી વાંચું છું.’
ખલાસ! મારે કંઈ બોલવાનું રહ્યું જ નહીં. લાખો નિરાશામાં આ એક આશા છુપાયેલી હતી? વાહ!
હજી તો મારા આનંદમાં વધારો થવાનો હતો કારણકે મારી સામે જ એણે સમોસાં ને આઈસક્રીમનો આર્ડર આપ્યો, ખાસ મારા માટે! હવે મારાથી કેવી રીતે આગળ ચલાય? હું એમના ઘરના ઓટલે બેસી ગઈ. હવે તો ચાલે એ બીજા ને ચાલવાનું જાય ભાડમાં.

શનિવાર, 2 નવેમ્બર, 2019

સજોડે ફોટો પડાવો


લગ્ન પછી જ્યારથી સજોડે ફોટા પડાવવાની પ્રથા અમલમાં આવી હશે, ત્યારથી આજ સુધીમાં જમાના પ્રમાણે એમાં અધધ ફેરફારો આવી ગયા. અસલ તો જાહેરમાં સજોડે ફોટા પડતા નહીં એટલે શોખીન જીવડાંઓના જોડાંઓ બિચારા ખાસ પડદાવાળા સ્ટુડિયોમાં જઈને ફોટા પડાવતા. એ જમાનાના સ્ટુડિયોમાં તો શું હોય? એકાદ સારામાંની ખુરસી હોય તો ભયો ભયો. બાજુમાં એકાદ ટિપોય ઉપર, એકાદ નાનકડા ફ્લાવરવાઝમાં રંગીન પ્લાસ્ટિકના ફૂલો સજાવીને મૂક્યા હોય તો સોનેપે સુહાગા. ફોટોગ્રાફરને જેવી જોઈએ કે જેવી સમજાય તેવી લાઈટ્સ હોય ને સામે ગંભીર ચહેરાવાળા ગ્રાહક હોય જેમને છેલ્લી ઘડીએ, એ લોકો કરે કે ન કરે તોય ‘સ્માઈ...લ’ કહેવાનું હોય.

ખાલીખમ સ્ટુડિયોને ભારેખમ બનાવતા પતિ પત્ની આમતેમ ફાંફાં મારતા ફોટોગ્રાફરના હુકમની રાહ જોતાં હોય. ‘અહીં બેસો’ના આગ્રહ પછી ખુરસી પર વટથી બેસતા પતિની પાછળ ક્યાં ઊભા રહેવું ને કેમ ઊભા રહેવું તે મૂંઝારો અનુભવતી પત્ની ફોટોગ્રાફર સામે જોતી હોય. હવે એ જમાનામાં તો ફોટોગ્રાફરો સ્ત્રીઓને હાથ લગાવતા નહોતા! એટલે સ્ત્રીના માથે હાથ મૂકીને એનું માથું ફેરવી નહોતા શકતા. ન તો એ બહેનની દાઢી પકડીને ઊંચીનીચી કરી શકતા. જમાદાર જેવો પતિ પણ ત્યાં બેઠો હોય પાછો, એટલે કહે તો પણ શું કહે? ‘આમ જુઓ બેન, આ કૅમેરા સામે જુઓ. થોડું ઊંચે...નહીં થોડી ડાબી બાજુ ડોકી ફેરવો. બસ બસ બસ. આટલી બધી નહીં. હવે થો...ડી જમણી બાજુ...હંઅઅ...બસ. હવે નજર સ્થિર રાખજો ને સાહેબ તમે ડોક થોડી ટટાર કરજો.’ આ સાંભળતાં જ, એક તો ભાઈની ડોક પહેલેથી ટટાર હોય તેમાં બે ઈંચ વધારે ઊંચી થઈને અકડી જાય.

ભાઈ તો ફોટો પડાવવા જાણે જંગમાં ગયા હોય એમ પહેલેથી જ અપટુડેટ થઈને ગયા હોય એટલે સ્ટુડિયોમાં ટાંગેલો કોટ કે ત્યાંની ગંધાતી ટોપી પહેરવાનો પ્રશ્ન જ ઊભો ન થતો. આખી બાંયના સફેદ ખમીસની ઉપર મોટે ભાગે કાળો કોટ ને સરસ પાટલી વાળેલું ધોતિયું, માથે સફેદ કે કાળી ટોપી અને મોં પર મણનો ભાર હોય એવી ગંભીર મુખમુદ્રાવાળો પતિ એક ખુરસી ઉપર ગોઠવાતો! એની બરાબર જમણી બાજુએ સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતી પણ ગંભીર દેખાતી, સુઘડ ને વ્યવસ્થિત રીતે માથે પાલવ ઢાંકીને પહેરેલા ગુજરાતી સાડલાવાળી ને અંબોડાવાળી કે બે ચોટલાવાળી પત્ની ગોઠવાતી. ભૂલમાંય કોઈનાય ખભે કોઈનોય હાથ દેખાતો નહીં. ફોટોગ્રાફર ભૂલમાં જ ‘સ્માઈલ પ્લીઝ’ બોલી કાઢતો. (જો હસવું ન હોય તો આવા લોકો ફોટા કેમ પડાવતા હશે?)

પછી જમાનો થોડો બદલાયો. પત્નીના માથેથી પાલવ ગયો ને પતિના ધોતીયા અને શર્ટ વત્તા કોટની જગ્યાએ શર્ટ પૅન્ટ આવી ગયા. પત્ની ખુરશી પર બેસતી થઈ ને પતિ ખુરશીના ટેકે ઊભેલો દેખાયો. (સ્ટુડિયોમાં કે ફોટોમાં બે ખુરસીનું ચલણ કેમ નહોતું?) તોય બન્નેના ચહેરાના હાવભાવ તો જૈસે થે–ગંભીર જ. શું ત્યારે પણ ફોટોગ્રાફરે એમને ‘સ્માઈલ પ્લી...ઝ’ જેવું કંઈ કહ્યું નહીં હોય? કોણ જાણે. અરે! કોઈના કહેવાનીય શી જરૂર? ફોટો પડાવતી વખતે તો ફોટામાંય બતાવવું જરૂરી હોય કે અમે એકબીજા પ્રત્યે બહુ ગંભીર છીએ.

વળી જમાનો થોડો બદલાયો અને ફોટામાં પતિ પત્નીના ખભે હાથ મૂકતો થયો. એવા ફોટા બહુ સહેલાઈથી પડતા નહીં હોય એવું બન્નેના મોં પરથી જ જણાઈ જાય. કાં તો પત્નીના ખભા પર ઢાઈ કિલોનો હાથ પડતો હશે તે પત્ની ખભો ઊતરી જવાની બીકમાં રડું રડું થઈ રહી હોય ને પેલો અણઘડ ફોટોગ્રાફર કારણ જાણ્યા મૂક્યા વગર વારંવાર, ‘સ્માઈલ પ્લીઝ...સ્માઈલ પ્લીઝ’ કર્યે રાખતો હોય અથવા તો પતિને એમ થતું હશે કે ‘મારે ક્યાં સુધી આનો ટેકો લેવો?’ ઘણા ફોટામાં તો પત્ની શરમાતી હોય ને પતિએ પત્નીને ખભેથી જોરમાં પકડી રાખી હશે એવું સ્પષ્ટ જણાઈ આવે. ‘બેસ હવે, ક્યાંય નથી જવાનું.’ અથવા તો, ‘પ્લીઝ બેસી રહેજે મારી મા.’ ખેર, બહુ માથાકૂટ વગર ભારેખમ ફોટા પડી જતા.

ત્યાર પછી વળી કંઈ થોડો સુધારો થયો હશે તે ફોટામાંથી ખુરસી નીકળી ગઈ અને જોડું–સજોડું સાવધાનની મુદ્રામાં ફોટા પડાવતું થયું. કોઈ વાર પતિનો હાથ પત્નીના નજીકના બદલે દૂરના ખભે વીંટળાઈ રહેતો. કોઈક ફોટોગ્રાફર વળી રોમેન્ટિક મૂડમાં હોય તો પતિને કહેતો, ‘સર, તમે બંને આમ સામસામે ઊભા રહો. હવે મેડમના એક ખભે અથવા બંને ખભે હાથ રાખો, મેડમની સામે પ્યારથી જોતા હો એમ ફોટો પડાવો ને.’ જેમતેમ એકબીજાની આંખો ભેગી થતી ત્યારે શરમાતા શરમાતા એવો એકાદ ફોટો પડી રહેતો ને ફોટોગ્રાફર વળી એવા જ બીજા કોઈ ફોટાની ફરમાઈશ કરતો!

આખરે જમાનો બદલાતા બદલાતા ફિલ્મોની અસર નીચે આવીને રહ્યો. બસ ત્યારથી ફોટોગ્રાફરોના માથાનો દુખાવો અને કામ બેય વધી ગયાં. લગ્નપ્રસંગે પડતા ફોટાઓમાં વિવિધતા આવતી રહી. વિવાહ પ્રસંગેથી ચાલુ થયેલા ફોટો સેશન લગ્ન ને રિસેપ્શન સુધી પહોંચ્યા. જોડાં અધધ ફોટા પડાવતા થયા અને એમને બહાને લગ્નમાં આવનાર બીજાં જોડાંઓ પણ ફોટોગ્રાફરોની ફરતે ફરતાં થયાં. એ તો આલ્બમોમાં જ ભાંડા ફૂટતા કે ઘરનાં જોડાં સિવાય બહારના કયા જોડાં ખાનગીમાં કેટલા ફોટા પડાવી ગયાં! ખેર, ફોટાની સ્ટાઈલો બદલાતી રહી અને સ્થળો બદલાતાં રહ્યાં પણ સજોડે ફોટા પડાવવાનું ચલણ તો ચાલુ જ રહ્યું.

પછી તો, જ્યારથી મોબાઈલમાં કૅમેરાની સુવિધા આવી ત્યારથી ફોટો પાડવાવાળાઓએ કે ફોટો પડાવનારાઓએ પાછું ફરીને જોયું નથી. રસ્તે ચાલતાંનેય ઊભા રાખીને એક ફોટો ખેંચી લેવાની પેલા હરખપદુડાઓની ફરમાઈશો થતી. પેલા અજાણ્યાઓ પણ અચાનક જ મહત્વ મળતાં હોંશે હોંશે ફોટો પાડીને બે ઘડી ખુશ થઈ જતા. વળી ધીરેથી સેલ્ફી નામના જાદુએ સૌ પર જાદુ જ કર્યું અને સજોડે ફોટો પડાવવા પછી તો કોઈનીય જરૂર ન રહી. અપની સેલ્ફીસ્ટિક ઝિંદાબાદ!

ઘરમાં બેઠાં હોય ને ટીવી જોતાં હોય તોય ક્લિક! જમવા બેઠાં? ક્લિક! કશે ફરવા કે ફિલ્મ જોવા જવા માટે નવાં કપડાં સોહાવ્યાં? કલિક! ગાડીમાં કે બાઈક પર બેઠાં? ક્લિક! રેસ્ટોરાંમાં જમવા ગયાં? રેસ્ટોરાંની બહાર પણ ક્લિક અને અંદર જઈને ટેબલ પર પાણીના ગ્લાસ, નેપકિન વગેરે આવે તોય ક્લિક! હજી જમવાનું તો બાકી ને હાથ ધોવાના ફોટા? ને મુખવાસ લેતાં કે ખાતાં હોય તેની ક્લિક ક્લિક? હા ભઈ હા...ધીરજ ધરો. હજી તો શરૂઆત થઈ છે. જોડું ક્યાં નાસી જવાનું છે ફોટા પડાવ્યા વગર? હજી તો કેટલીય મિનિટો ને કેટલીય સેકંડોના ફોટા પડશે અને તેય સજોડે! સજોડે ફોટા કંઈ એમ ને એમ પડે છે?

ગુરુવાર, 17 ઑક્ટોબર, 2019

આપણને કોઈ સાંભળે છે?

આ સવાલ આપણને બોલવા પહેલાં થવો જોઈએ પણ મોટે ભાગે આપણને બોલ્યા પછી થાય એટલે પસ્તાવાનો પાર રહેતો નથી. આમાં આપણને એટલે 'મને' સમજવું કારણકે આપણને જરા વટથી વાત કરવાની ટેવ છે. મને આમ ને મને તેમ કહું તો વાતમાં એટલું વજન ન પડે, જેટલું આપણને તો આમ જ ને આપણને તો તેમ જ બોલવામાં પડે. એમ તો જાણે કે, વાતવાતમાં આપણને બોલવાથી સામેવાળા/સામેવાળી ને પણ જે કહેવું હોય તે કહી દેવાય.

ખેર, સવાલ એ છે કે મને કોઈ સાંભળે છે કે નથી સાંભળતું એ કઈ રીતે ખબર પડે? મને ઘણી વાર કહેવામાં આવે કે , 'તું બો બોલે બાપા, માથું ખાઈ જાય.' ત્યારે મને ઝાટકો લાગે ને પછી ખોટું લાગે એટલે હું ચૂપ તો થઈ જાઉં પણ પછી કલાક સુધી એક જગ્યાએ બેસીને ગહન સોચમાં ડૂબી જાઉં. એવું તે હું શું બોલી કે એમના માથામાં ગાબડું પડ્યું? ને આ હું બહુ બોલી? હજી તો વાત શરૂ જ કરેલી એટલામાં એ કંટાળી પણ ગયા? ક્યાંક મને ત્યાંથી રવાના કરવા તો એવું નથી બોલ્યા ને? સારી રીતે જાણે કે, આવો છણકો કરશું તો જ આ બોલતી બંધ થશે.

મને તો એટલું દુઃખ થાય ને દુઃખ થાય એટલે એટલું રડવું આવે કે, એવું તે હું શું બોલી? હવે તો બોલવું જ નથીનો મક્કમ નિર્ધાર કરું ને એમના ધાર્યા મુજબ કલાક તો ફુંગરાઈને વિતાવી દઉં. જોકે જેમતેમ કલાક નીકળે કે વળી મનમાં ચટપટી ચાલુ થાય કે એ આવું કેમ બોલ્યા? પૂછવું તો પડે જ ને એટલે ચોખવટ પણ કરવી જ પડે. બસ, તરત જ ચોખવટ કરવા પહોંચી જાઉં.

'હું બહુ બોલું છું એમ? ને તમારું માથું ખાઉં છું એમ ને? જરા કહો તો એવું તે હું શું બોલી? હજી તો મેં વાત શરુ પણ નહોતી કરી ને તમે મારું આવું હળહળતું અપમાન કર્યું? (તમને ખબર છે ને કે હવે હું કેટલું બોલીશ?) આજકાલ તમે ક્યાં મારી વાત બરાબર સાંભળો જ છો? એ તો હું સારી કે  જ્યારે કોઈ વાત કરવા આવું ત્યારે પહેલાં તમને પૂછું કે , 'એક વાત કહું?' ત્યારે તમે હા તો કહો છો પણ કહીને તરત જ હાથમાં છાપું કે મોબાઈલ લઈ લો છો તે હું નથી સમજતી એમ તમે સમજો છો? તોય તમે મારી વાત સાંભળો છો એમ સમજીને હું બબડ્યા કરું. મને ખોટું ન લાગે કરતાંય હું રિસાઈ ન જાઉં કે ગુસ્સો ન કરું ને પછી તમારા કહેવા મુજબ લવારા ન કરું એટલે જ તમે વચ્ચે વચ્ચે હં....હા...એમ?...ઓહો....અચ્છા....' બોલ્યા કરો છો તે હું નથી સમજતી એમ તમે સમજો છો? હું બધું સમજું છું ને એટલે જ સમજીને ચૂપ રહું છું સમજ્યા ને?

કોઈ વાર મારી વાતો પણ ધ્યાનથી સાંભળો તો મને ગમે ને મને પણ લાગે કે કોઈ તો છે જે મને સાંભળે છે! આ તો મને એવું લાગે કે જાણે હું ટીવી સાથે, કબાટ સાથે, ફ્રિજ સાથે કે રસોડાનાં વાસણ સાથે વાત કરું છું. તમે જ કહો કે આ યોગ્ય કહેવાય? હમણાં હું તમારી સાથે એવું કરું તો તમને કેવું લાગે? મારી જગ્યાએ તમે હો તો શું કરો? (હજી મારા  ટવરવાને તો વાર છે. જો આંહુડા પાડવા માંડા ને તો ગભરાઈ જહો.)

ચાલો જવા દો. આ બધું તમને કહેવાનો કોઈ જ અર્થ નથી. આ તો આપણી વાત જે સાંભળતું હોય તેને જ કહેવાય. હું જ ભૂલી જાઉં કે તમે તો મતલબી બહેરા છો . હમણાં તમારા કામની કોઈ વાત હશે તો મારી પાસે ચાર વાર બોલાવડાવશો તે  કોઈ વાર મારી વાત ધ્યાનથી સાંભળતાં તમને પેટમાં કેમ દુઃખે છેે? મોટામાં મોટું દુઃખ જ એ વાતનું છે કે હવે તો કોઈ આપણને સાંભળતું જ નથી. જો તમને મોબાઈલમાં મેસેજ કરું તો મને ખબર જ ન પડે કે તમે મારો મેસેજ જોયો  કે નહીં! ફોન કરવાનો વિચાર આવે પણ ઘરમાં ને ઘરમાં ફોન પર વાત કરવાની? કેવું લાગે? એમાં હો પાછો ફોન બાજુએ મૂકી દેઓ તો મને હું ખબર પડે? જવા દેઓ બધી વાત.

કેવા દા'ડા આઈવા આપણા? છેક આવું નીં ધારેલું કે એક દા'ડો એવો હો આવહે કે આપણને કોઈ હાંભરહે જ નીં!


મંગળવાર, 3 સપ્ટેમ્બર, 2019

વાટકીવ્યવહારની વાટકી


‘આપણા આ નવા પાડોશીમાં કંઈ અક્કલ જ નથી.’
‘અરે! હજી ચાર દિવસ થયા એમને આવ્યાને અને તેં એમની અક્કલ માપી પણ લીધી? ગ્રેટ છે હં બાકી તું.’
‘તે ગ્રેટ જ છું. સાવ આવા પાડોશી મળશે એવું નહોતું ધાર્યું. તદ્દન વ્યવહાર વગરના. આના કરતાં તો જુના પાડોશી સારા હતા. વ્યવહારમાં તો સમજતા હતા.’
‘આ તું છે ને, લોટમાં બરાબર મોણ નાંખે ને તે સમજાય પણ એમ વાતમાં મોણ નાંખવાની ને પછી લોટ સમજીને એને ગુંદ્યા કરવાની તારી ટેવ મને બિલકુલ પસંદ નથી. જે વાત હોય તે સીધેસીધી કહી દેવાની. આમ શું ગોળગોળ ફેરવીને વાત કરે છે? શું કર્યું નવા પાડોશીએ? તારી સાથે બરાબર બોલ્યાં તો ખરાં ને?’
‘હા તે બોલે જ ને, ક્યાં જાય બોલ્યા વગર? પાડોશી બન્યા છે તે બોલવું જ પડે ને? સાજે માંદે કામ કોણ લાગશે આપણે કે એમના કાકાના કીકા?’
‘ઓહ્હો! તું મૂળ વાત પર આવવાનું શું લઈશ?’
‘મારે કંઈ નથી જોઈતું, આ તો એમના વ્યવહારની વાત કરું છું. પેલી આટલી કમઅક્કલ હશે એ નહોતી ખબર. માન્યું કે જમાનો બદલાયો છે ને લોકો હવે પોતાનામાં જ મશગૂલ રહે છે પણ પાડોશી બનવાનાય કોઈ સંસ્કાર હોય એ આનામાં બિલકુલ નથી લાગતા.’
‘....’ (પેલી?)
‘કેમ કંઈ બોલતા નથી? બીજાની વાત આવે એટલે ચૂપ થઈ જાઓ ને મારો વાંક હોય તો આખો દિવસ સંભળાવી સંભળાવીને મારો જીવ લઈ લો.’
‘ભઈ તું ક્યારની એક જ વાતે અટકી છે તે શું બોલું? તું આગળ કંઈ બોલે તો કહું કે કોનો વાંક છે.’
‘લો, એટલે એમાં પણ તમે કાયમની જેમ મારો જ વાંક શોધવાના એમ ને?’
‘.....’
‘હવે કહું છું શું વાત છે તે, એમ મનમાં બબડો નહીં. આપણાં પાડોશી આવ્યાં ને તો હું બીજે જ દિવસે સવારે એક વાટકીમાં ગરમાગરમ શીરો લઈને આપવા ગયેલી. પેલીએ(નવી પાડોશણે) વાટકી લીધી ને મારા ‘કેમ છો...કેમ નહીં’નો ખાલી સ્માઈલથી જવાબ આપીને થેન્ક્સ કહીને બારણું મારા મોં પર બંધ કરી દીધું! મને તો ત્યારે જ બહુ ખરાબ લાગેલું પણ ઉતાવળમાં હશે એમ સમજીને હું પાછી વળેલી.’
‘હા, હોઈ શકે એ ઉતાવળમાં. જો કે તેં તો શીરો આપીને સારું જ કર્યું પણ એમ સવારમાં કોઈને ત્યાં...’
‘હવે સવારમાં આઠ વાગે કંઈ વહેલું કહેવાય? એનો વર તો સવારમાં સાત વાગે જ જતો રહેલો ને છોકરાંઓને પણ સાથે જ લેતો ગયેલો પછી એને શાની ઉતાવળ? આરામથી પથારીમાં પડીને મોબાઈલ પર મંડી હશે, બીજું શું?’
‘હવે એના ઘરમાં એણે જે કરવું હોય તે કરે, આપણે શું?’
‘તે આપણે કંઈ જ નહીં ને પણ મને એમ થાય કે આટલા દિવસમાં એને યાદ જ નહીં આવી હોય?’
‘વળી પાછું મોણ નાંખ્યું? કોની યાદ ને શેની યાદ? ભઈ તું આજે મને બહુ ગુંચવે છે હં. પ્લીઝ, હવે વાત જલદી પતાવ, મારે બહુ કામ છે.’
‘લે, તે હું કંઈ નવરી છુ. જવા દો, બીજાની ફરિયાદમાં તમને શાનો રસ પડે? હમણાં કોઈ મારી ફરિયાદ કરશે તો...’
‘ઓહ્હો! છેલ્લા કલ્લાકથી તું મગનું નામ મરી નથી પાડતી તો મારે શું કરવું? ચાલ બોલ હવે શું થયું છે? શું કર્યું નવી પાડોશણે?’ (ફરી નવેસરથી શરૂ થશે?)
‘કંઈ નહીં. એક તો ટેસથી શીરો ખાઈ લીધો હશે ને પછી વાટકી પડી રહી હશે રસોડાના કોઈ ખૂણે તે હજી પાછી નથી આવી! હું જેટલી વાર એના ઘરનું બારણું ખૂલે કે આપણા ઘરની ઘંટડી પર કાન માંડીને બેસું પણ હરામ બરાબર જો કોઈ વાર એણે ડોકિયુંય કર્યું હોય તો. વાટકી યાદ હોય તો આવે ને? શીરો તો કેવો ચાટી ચાટીને ખાધો હશે! હંહ! આવા પાડોશી શું કામના?’
‘ઓહો આટલી જ વાત છે?’
‘લે, આ તમને આટલી વાત લાગી? વાટકીની ને મારા વ્યવહારની કોઈ કિંમત નહીં? હા, તમે શું જાણો વાટકીવ્યવહાર? તમને તો જાણે કોઈ વાર કોઈ જરૂર જ નહીં પડવાની પાડોશીની. એ તો અમે બૈરાં જ બધા વ્યવહાર સાચવીએ તે તમને લોકોનેય કામ લાગે, બાકી તો તમે તમારામાં જ મસ્ત હો. ઓળખાણ– વ્યવહાર રાખેલા કામના સમજ્યા ને?’
‘પણ એક વાટકી માટે આટલો ઉત્પાત કરવાનો?’
‘આ એક વાટકીનો સવાલ નથી. આગલા જેટલા પાડોશીઓ ગયા તે બધા જ કંઈ ને કંઈ લેતા ગયા છે. એવી તો કેટલીય વાટકીઓ ને ડિશો ને ચમચીઓ જા ખાતે જ ગયાં જ છે ને?’
‘તો પછી? શું કરવું છે? કસમ ખા કે, ‘આજ પછી વાટકીવ્યવહાર બંધ.’
‘હા હવે તો એવું જ ને, પણ પેલી વાટકી...’

રવિવાર, 18 ઑગસ્ટ, 2019

મિડ મોન્સૂન પ્લાન!

આપણા દેશમાં વરસોથી ચોમાસા પહેલાં પ્રિ–મોન્સૂન પ્લાનની ઢોલ વગાડીને જાહેરાતો થાય છે. આપણને લાગે, કે ચાલો આ વરસે તો આપણને આખું ચોમાસું લીલાલહેર જ છે. રસ્તામાં એકાદ નાનકુડો ખાડોય નહીં હોય, એટલે આપણું કે બીજાનું વાહન ઉછળવાનો સવાલ જ નહીં આવે. વાહન નહીં ઊછળે એટલે રસ્તે ચાલતાં લોકોનાં કપડાં કાદવથી ખરડાવાનો પણ કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. કપડાં કાદવથી નહીં ખરડાય એટલે વૉશિંગ પાઉડરની જાહેરાત જોવાનીય જરૂર નહીં પડે. પરિણામે મોટા ખર્ચામાંથી પણ બચી જવાશે. વળી પાણી ને કાદવ જવા માટે તો શહેરની બધી ગટરોને ઢાંકણ વગરની ખુલ્લી કરી દેવાઈ હશે. પરિણામે ઘુંટણ સમાણાં પાણીમાં તણાવાને બદલે લોકો એક ગટરમાંથી પ્રવેશી બીજી ગટરમાંથી નીકળી શકશે.

જો કે, ઘણી જગ્યાએ ખાળે ડૂચા મારીને દરવાજા મોકળા કરી દેવાથી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાવા માંડે છે અને ટીવીના રિપોર્ટરો એમના કૅમેરામેનો સાથે દોડતા થઈ જાય છે. હાથમાં સદાય મોબાઈલ કૅમેરા લઈને ઘૂમતાં લોકો, ટીવીના રિપોર્ટરો કરતાં પણ વધુ ઝડપી ને વધુ સરસ તસવીરો વાઈરલ કરતાં થઈ જાય છે. મુનસીપાલ્ટી કે પાલિકાવાળા માથું ખંજવાળતાં રહી જાય કે આપણે ચોમાસા પહેલાં જ–મેના અંતમાં કે જૂનની શરૂઆતમાં જ તો પ્રિ–મોન્સૂન પ્લાન બનાવ્યો ને એની જાહેરાત પણ કરી તોય આમ કેમ? દર વરસે આ પ્લાન કેમ અમારા માથે માછલાં ધોવડાવે? એવી તે શી કમી–ખામી રહી જાય છે કે દર વરસે જ પુલમાં તિરાડો પડે? ચેક ડેમ ધોવાઈ જાય? પાળા તૂટી જાય? અમારા ઈજનેરો નિપૂણ છે, કર્મચારીઓ રાતદિવસની મહેનત કરે છે તોય દર વરસે પ્રિ–મોન્સૂન પ્લાનના ધજાગરા કેમ ઊડે છે?

પાલિકાની ને મુનસીપાલટીની બદનામીની ચર્ચા ઘેર ઘેર થતા જોઈ અમનેય એમની દયા આવી ગઈ. અમે પાલિકાની ઓફિસે ફોન લગાવ્યો. સામેથી હલો સાંભળતાં અમે બોલ્યાં,
‘હલો કોણ બોલે?’
‘તમારે કોનું કામ?’
‘ભાઈ, અમારે તમારા સાહેબ સાથે વાત કરવી છે. સાહેબને ફોન આપો. ઉકાઈ ડેમ ખતરામાં છે.’
તરત જ સાહેબ ફોન પર આવ્યા.
‘બોલો બહેન, શું કહેવું છે? ને કોણ બોલો છો? ક્યાંથી બોલો છો?’
‘સાહેબ, આ તમારા પ્રિ–મોન્સૂન પ્લાન વિશે વાત કરવી છે.’
‘તમે ઉકાઈ ડેમનું કંઈ કહ્યું ને?’
‘ના સાહેબ, ડેમને કંઈ નથી થયું પણ એના વગર તમે ફોન પર ન આવત.’
‘ઠીક છે પણ એમાં તમે શું કરવાનાં? અમારું કામ પ્લાન મુજબ ચાલે જ છે. અમને ડિસ્ટર્બ ન કરો, મૂકી દો ફોન.’
‘અરે સાહેબ, મૂળે આ તમારો પ્રિ–મોન્સૂન પ્લાન જ ખોટો. એને મિડ–મોન્સૂન પ્લાન બનાવી દો. પછી જુઓ શહેર કે ગામડાંની હાલત.’
‘એટલે તમે કહેવા શું માગો છો? બધું નુકસાન થાય, બધું ધોવાઈ જાય પછી પ્લાન બનાવવા બેસીએ? તમે પ્લીઝ, ફોન મૂકી દો. મારી પાસે તમારી ફાલતુ વાતો સાંભળવાનો બિલકુલ ટાઈમ નથી, પ્લીઝ.’
‘અરે સાહેબ, એક વાર પ્લાન સાંભળવામાં શું જાય?’
‘ભલે બોલો, પણ બે મિનિટથી વધારે નહીં. ચાલો બોલો જોઉં.’
‘જુઓ સાહેબ, તમે છેક છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરો ને એટલે જ દર વરસે લોચા થાય છે. બે મહિના પહેલાં જો તમે રસ્તાથી માંડીને નાળાં ને ચેકડેમ ને ગટર–બટર બધું એક માથેથી જોવડાવી લો તો અચ્છામાં અચ્છો ચમરબંદ આ વરસાદ પણ કંઈ કરી શકે નહીં. પ્લાસ્ટિક છ મહિનાથી બૅન નહોતું કરાતું? પ્રિ–મોન્સૂન પ્લાન એટલે મોન્સૂન પહેલાં જ પ્લાન કરવાનો? આખું વરસ પરીક્ષાની તૈયારી કરો ને તો તમારો ટૉપ ગ્રેડ આવે એમાં કોઈ શક નહીં. પછી મજાલ છે કોઈની કે તમને છડેચોક ટીવીમાં ભાંડે ને છાપે ચડાવે?

હવે જે થયું તે ભૂલીને નવેસરથી એક મિડ–મોન્સૂન પ્લાન ફટાફટ બનાવી લો. જરાક ઉઘાડ નીકળે ને એટલે રસ્તાના ગાબડાં પૂરાવી દો, ગટર જોવડાવી લો, પેલા ખાળના ડૂચા કઢાવી લો ને સાફસફાઈમાં પ્રજાને પણ જોડો. એમને ઈનામ આપો. આપમેળે લોકો પોતાની કાળજી રાખતાં થશે. લોકોનેય ખબર પડવી જોઈએ કે તમારા તંત્રનું કામ કેવું અઘરું છે! દર વરસે જ કેમ તમારા આવા પ્લાનની ધજ્જિયાં ઊડે? લાગે છે કે તમને પણ વરસાદની ખોટી આગાહીઓ પર ભારે વિશ્વાસ બેસે છે. સાહેબ, અમે તો અમારાં સીઝનનાં કામ ટાઈમે ટાઈમે કરી જ લઈએ નહીં તો અથાણાંય બગડે ને અનાજેય બગડે તો આખું વરસ બગડે કે નહીં? હવેથી નાગરિકો પાસે પ્લાન મગાવજો તો આવતા વરસથી તમારું શહેર ને ગામડાં પણ સલામત રહેશે. ચાલો હવે વહેલી તકે મેં કહ્યું તે મિડ–મોન્સૂન પ્લાન બનાવીને કામે લાગી જાઓ. બે મહિના ભારે વરસાદની આગાહી છે.’

રવિવાર, 21 જુલાઈ, 2019

હર હર ગંગે


*‘તમને કોઈ જાતનું વ્યસન છે?’
કેમ? આજે વ્યસનમુક્તિ દિવસ છે?’
*‘પહેલાં મેં પૂછ્યું તેનો જવાબ આપો કે તમને કોઈ વ્યસન છે?’
મને કોઈ જાતનું નહીં ઘણી જાતનાં વ્યસન છે. હવે બોલો શું કહેવું છે તમારે?’
*‘મેં સાંભળ્યું કે તમે બનારસ જવાના છો, તો ત્યાં તમે ગંગાસ્નાન તો કરશો જ ને?’
હા હા, એના માટે જ તો જઈએ છીએ. જે પાપ ઓછાં થયાં તે.’
*‘એમ કંઈ પાપ ઓછાં થઈ જાય?’
નહીં તો શું? લોકો કંઈ મૂરખા છે કે ઠેઠ ગંગા સુધી નાહવા જાય?’
*‘એ તો મન ચંગા તો કથરોટમેં ગંગા.’
એટલે?’
*‘કેમ આ કહેવત નથી ખબર કે મન સાફ હોય તો કથરોટમાં જ ગંગા છે.’
અરે પણ, કથરોટ એટલે શું? ને ચંગા એટલે શું?’
*‘હે ભગવાન! તમારી સામે તો નવેસરથી રામાયણ માંડવી પડવાની.’
હા, તે જેને બધું જ ખબર હોય કે જે સર્વગુણસંપન્ન હોય એવું કોઈ છે તમારા ધ્યાનમાં?’
*‘કાન પકડ્યા ભાઈ. મારા કહેવાનો અર્થ એ જ કે જો માણસનું મન સાફ હોય, સારું હોય તો એણે પાપ ધોવા માટે ગંગાસ્નાનને બહાને બનારસ સુધી લાંબા થવાની જરૂર નથી. ઘરમાં જે પાણી હોય તેને જ ગંગાજળ સમજીને શુધ્ધ થઈ જવાનું. અસલ તો બાથટબની અવેજીમાં કથરોટમાં બેસી સ્નાન કરતા હશે એટલે આવી કહેવત પડી હશે.’
*‘તે આ બધું તમે મને કેમ કહો છો? મેં એવા તે કયા પાપ કર્યા છે તે તમારે મને આમ કહેવત કહેવી પડી?’
*‘તમે ધાર્મિક પ્રવાસે જવાની વાત કરતા હતા તે ઉપરથી મને થયું કે બાથરૂમમાં જે પાણી આવે તે ગંગાના પાણી કરતાં તો ચોખ્ખું જ હશે.’
ના ના, છેક જ એવું તો નહીં હોય. આ હજારો ને લાખો લોકો વરસોથી ગંગાસ્નાન કરવા જાય છે તે મૂરખા હશે?’
*‘ભાઈ, તમારી લાગણીની ને ભાવનાની હું કદર કરું છું પણ ગંગામાં શરીરશુધ્ધિ’, ‘શહેરશુધ્ધિને ધનશુધ્ધિને બહાને જે નૈવેદ્ય ધરાવાય છે ને તે જોઈને મને ગંગાજળની ટબુડી પણ કોઈ પાસે મગાવવાનું મન નથી થતું.’
ઓહ! ખરેખર? જરા કહો તો મને કે એવું તે તમે શું જોઈ લીધું ગંગામાં?’
*‘ભાઈ, કહેવા જેવું નથી ને તોય દુનિયા આખી જાણે છે કે...’
બોલો ને, કેમ અટકી ગયા?’
*‘લોકોના શરીરની અંદરબહારનો બધો જ કચરો બિચારી ગંગા સ્વીકારે છે, જેમ મા પોતાના ખોળામાં બાળકની ગંદકી જરાય રિસાયા વગર સ્વીકારી લે એમ.’
છી છી!’
*‘હા તે બધું છી જ હોય. અરે શહેરની ગટરો પણ, પછી તે ફેક્ટરીઓમાંથી છોડાયેલા લાલ કે કાળા પાણીની ગટરો હોય કે પછી મળમૂત્રની ગટરો હોય, બધું વિના કોઈ સંકોચે ને તદ્દન વગર વિચાર્યે આંખ બંધ કરીને ગંગાને અર્પણ દેવાય! એની સામે વળી આંખ મીંચનારા કે આંખ આડા કાન કરનારાય બેઠા હોય એટલે ગંગા પવિત્ર હોવા છતાં શુધ્ધ નથી થતી!’
બસ, બસ. વધુ કંઈ નહીં કહેતા.’
*‘આ તો ગંગા નદીને લોકો પવિત્ર માનીને જે રીતે પૂજા કરે છે ને જાતજાતની ભેટ ધરે છે, તેના ઉપરથી ને ખાસ તો તમે જવાના એટલે આજે આ કહેવત યાદ આવી ગઈ. લોકોની ગંગામાતાપ્રત્યેની લાગણીમાં પણ જરાય ફેર નથી પડ્યો એટલે થયું કે લોકો આજેય એને એટલો જ પ્રેમ કરે છે. એના સ્નાન, પાન ને દર્શનથી ધન્ય થવા ત્યાં પહોંચી જ જાય. ત્યાં જઈને પોતાનાં પાપ ધોવાયાનો સંતોષ માને પણ મોટામાં મોટું પાપ કરી આવે તે તો ધ્યાનમાં જ ન આવે! તમારા જેવા વ્યસનીઓ તો નદિકિનારે પણ પડીકીઓના ડુંગરો ખડકી આવે, સિગારેટબીડીનાં ઠૂંઠાં ને ખોખાં ને નાની મોટી બાટલીઓ કે કૅનની તો ટ્રકો ભરવામાં પણ ફાળો નોંધાવે! અધૂરામાં પૂરું અમારા જેવા લોકોના કચરાફાળાની તો વાત જ નિરાળી છે.’
તમારી શીરા જેવી વાત મારા ગળે ઊતરી છે ને હવે મેં જવાનું માંડવાળ કર્યું છે પણ સાથે સાથે તમારા જેવાની ભૂલો વિશે પણ જાણવું મને ગમશે.’
*‘અમે તો ફૂલ, હાર, નાળિયેર, ઘી દૂધના અભિષેક ને સાથે લાડવા કે પેંડાના પ્રસાદ વગર કોઈ પૂજા આરંભ કે સમાપ્ત કરતાં જ નથી. આ બધું પાછું પ્લાસ્ટિકની કોથળી ને બાટલીઓ વગર કેમ સચવાય? લાંબી પૂજા હોય એટલે નાસ્તાપાણીની સગવડ સાથે રાખવી પડે તે બધું પતે એટલે નદીમાં પધરાવીને સારી રીતે પૂજા થયાના ને પાપ ધોવાયાના સંતોષ સાથે પાછા ફરીએ. આંખો મીંચીને બસ જે સામે મળે તેને હર હર ગંગે કરી આવીએ. અમે જનારાઓ જેટલો કચરો ત્યાં નાંખી આવીએ, એના કરતાં ત્યાંનો થોડો ઘણો કચરો જો સાફ કરીને આવીએ ને તોય અમારું ગંગાસ્નાન વસૂલ થઈ જાય.’
તમે આજે બહુ ગુસ્સામાં લાગો છો!’
*ફક્ત એક જ વરસ, જો ગંગાસ્નાને જનારા લોકો ત્યાં જઈને પોતાનો અમૂલ્ય ફાળો નદીમાં ન આપે ને નદીશુધ્ધિ કે નદીકિનારાશુધ્ધિ માટે કંઈક કામ કરે ને તો આહાહા! રાજકારણીઓને પણ શરમાવી દે ને જશ ખાટવા એ લોકોય પોતાનાં પાપ ધોવા ખરેખરી સફાઈ ચાલુ કરી દે તો કંઈ કહેવાય નહીં. જનતાનો પૈસો આમ બચાવાય તે ખબર પડે. ખાલી ટૅક્સ ભરીને છૂટી જવાથી કે પેટ ભરીને જેને તેને ગાળો આપ્યે રાખવાથી ગંગા કે કોઈ પણ નદી શુધ્ધ થવાની છે?’
તમે એક કામ કરો. તમારા વિચારો બહુ ઉચ્ચ છે, મહાન છે. તમે નદીશુધ્ધિ અભિયાનમાં જોડાઈ જાઓ.’
*‘હું નદીમાં નાહવા ન જઈને કે નદીમાં કચરો ન નાંખીને નદીશુધ્ધિમાં આડકતરી મદદ કરું જ છું. મારું બીજું કામ આવી રીતે નદીસ્નાને પવિત્રથવાને બહાને નદીને ગટર બનાવનારાઓને ગમે તે રીતે ઉશ્કેરવાનું છે. એ લોકો કેવા પાણીનું આચમન કરે છે, કેવા પાણીને બાટલીમાં ભરી લાવે છે કે ત્યાં વેચાતું પાણી અંતિમ ઘડીએ કામ આવે એમ સમજીને વરસો સુધી એને સાચવી મૂકે છે એમને આ કહેવત ચોપડાવું છું. જો ન જ સમજે તો પછી ભલે થોડું પુણ્યનું કામ કરી આવે, કારણકે આવા પુણ્યાત્માઓ વગર તો નદીઓ પણ સૂકાઈ જશે.’
ભાઈ, તમારી વાતોથી મારા મનની શુધ્ધિ તો અહીં જ થઈ ગઈ. મેં માંડી વાળ્યું ગંગાકિનારે જવાનું ને ગંગાસ્નાન હવે તો ત્યારે જ કરીશ જ્યારે ગંગા એકદમ ચોખ્ખી થઈ જશે.’
*‘એટલે મારા બોલેલા પર તો તમે નદી જ વહાવી દીધી ને? આટલા લવારાનો શો મતલબ રહ્યો? તમે નદીના દર્શને ભલે જાઓ પણ એમાંથી ખોબામાં માય તેટલું પાણી લઈને શરીરે છંટકાવ કરી દેજો. નદી પણ તમને મનોમન આશીર્વાદ આપશે કે આવ્યો કોઈ મારો હિતેચ્છુ. કોઈ વાર ચોખ્ખી નદી કેવી આવે તે તો જોજો.’
હવે તમે આવી બધી વાતો કરી એટલે મારા મનની એક ઈચ્છા તો અધૂરી જ રહેવાની.’
*‘કઈ ઈચ્છા? હું કોઈ મદદ કરી શકું?’
તમારી વાતો જાણ્યા પછી હવે તો એ ઈચ્છા ક્યારેય પૂરી જ નહીં થાય. વરસોથી અમારા કુટુંબના પિતૃઓનું ખાસ નદીકિનારે શ્રાધ્ધ કરવાનું નક્કી થયા કરે છે પણ હવે માંડી વાળવું પડશે.’
*‘હું સમજી ગયો પણ જો ત્યાંનું વર્ણન કરું ને તો તમને થાય કે હવે પિતૃઓના શ્રાધ્ધને બહાને કોઈને હેરાન નથી કરવા. ત્યાં જેટલી ગંદકી એક જ દિવસમાં થાય ને એટલી તો કદાચ મહિનામાં પણ નહીં થતી હોય. એક જ ખાસ તિથિએ થતા શ્રાધ્ધને બહાને ભીડ અને ભીડને ખવડાવવાપીવડાવવા લાગતા અધધ સ્ટૉલ્સ. પૂજાને બહાને વહેતી દૂધ, પાણી ને ઘીની નદીઓ ને કીચડમાં ચાલીને વારંવાર નાહવા જતા ને આવતા અર્ધવસ્ત્રધારી વારસોભાઈઓ ને બહેનો, પિતૃઓના આત્માની શાંતિને બદલે કદાચ એમને દુ:ખ જ પહોંચાડતા હશે. બ્રાહ્મણોને તગડી ફી ચૂકવીને, લાઉડ સ્પીકરની હોહામાં સંભળાયા તેવા શ્લોકો બોલીને પૂજા પૂરી થયાના હાશકારા પછી નદીકિનારાને પોતે કઈ હાલતમાં છોડી રહ્યા છે એની લેશમાત્ર ચિંતા ન કરનારા સુખી અને સમૃધ્ધ લોકો, કોઈને પહેરવા પણ કામ ન લાગે એવા ગંદા વસ્ત્રોનો ઉકરડો ત્યાં છોડી જાય ત્યારે નદીની દયા આવી જાય. હું તો આવા શ્રાધ્ધને કે તર્પણને માનતો જ નથી. પૈસા હોય તો સારે રસ્તે ખર્ચવાના બહુ રસ્તા છે. અરે, નદીઓ સૂકાય નહીં ને ગંદી ન થાય એવા કોઈ કામમાં ખર્ચવાનું પસંદ કરું.’
તો હવે મને કોઈ અફસોસ નથી. મેં ભેગા કરેલા શ્રાધ્ધના પૈસા નદીના શુધ્ધિકરણમાં વાપરીશ.’
વાહ ભાઈ! મને લાગે છે કે મારે ગામેગામ નદીકથા માંડવી પડશે.’
મને કહેવડાવજો. બંદા હાજર થઈ જશે.’
હા તો પછી, બોલો હર હર ગંગે.’
હર હર ગંગે.’