‘આપણા આ નવા પાડોશીમાં કંઈ અક્કલ જ નથી.’
‘અરે! હજી ચાર દિવસ થયા એમને આવ્યાને અને તેં
એમની અક્કલ માપી પણ લીધી? ગ્રેટ છે હં બાકી તું.’
‘તે ગ્રેટ જ છું. સાવ આવા પાડોશી મળશે એવું
નહોતું ધાર્યું. તદ્દન વ્યવહાર વગરના. આના કરતાં તો જુના પાડોશી સારા હતા.
વ્યવહારમાં તો સમજતા હતા.’
‘આ તું છે ને, લોટમાં બરાબર મોણ નાંખે ને તે
સમજાય પણ એમ વાતમાં મોણ નાંખવાની ને પછી લોટ સમજીને એને ગુંદ્યા કરવાની તારી ટેવ
મને બિલકુલ પસંદ નથી. જે વાત હોય તે સીધેસીધી કહી દેવાની. આમ શું ગોળગોળ ફેરવીને
વાત કરે છે? શું કર્યું નવા પાડોશીએ? તારી સાથે બરાબર બોલ્યાં તો ખરાં ને?’
‘હા તે બોલે જ ને, ક્યાં જાય બોલ્યા વગર? પાડોશી
બન્યા છે તે બોલવું જ પડે ને? સાજે માંદે કામ કોણ લાગશે આપણે કે એમના કાકાના
કીકા?’
‘ઓહ્હો! તું મૂળ વાત પર આવવાનું શું લઈશ?’
‘મારે કંઈ નથી જોઈતું, આ તો એમના વ્યવહારની વાત
કરું છું. પેલી આટલી કમઅક્કલ હશે એ નહોતી ખબર. માન્યું કે જમાનો બદલાયો છે ને લોકો
હવે પોતાનામાં જ મશગૂલ રહે છે પણ પાડોશી બનવાનાય કોઈ સંસ્કાર હોય એ આનામાં બિલકુલ નથી
લાગતા.’
‘....’ (પેલી?)
‘કેમ કંઈ બોલતા નથી? બીજાની વાત આવે એટલે ચૂપ થઈ
જાઓ ને મારો વાંક હોય તો આખો દિવસ સંભળાવી સંભળાવીને મારો જીવ લઈ લો.’
‘ભઈ તું ક્યારની એક જ વાતે અટકી છે તે શું
બોલું? તું આગળ કંઈ બોલે તો કહું કે કોનો વાંક છે.’
‘લો, એટલે એમાં પણ તમે કાયમની જેમ મારો જ વાંક
શોધવાના એમ ને?’
‘.....’
‘હવે કહું છું શું વાત છે તે, એમ મનમાં બબડો
નહીં. આપણાં પાડોશી આવ્યાં ને તો હું બીજે જ દિવસે સવારે એક વાટકીમાં ગરમાગરમ શીરો
લઈને આપવા ગયેલી. પેલીએ(નવી પાડોશણે) વાટકી લીધી ને મારા ‘કેમ છો...કેમ નહીં’નો
ખાલી સ્માઈલથી જવાબ આપીને થેન્ક્સ કહીને બારણું મારા મોં પર બંધ કરી દીધું! મને તો
ત્યારે જ બહુ ખરાબ લાગેલું પણ ઉતાવળમાં હશે એમ સમજીને હું પાછી વળેલી.’
‘હા, હોઈ શકે એ ઉતાવળમાં. જો કે તેં તો શીરો
આપીને સારું જ કર્યું પણ એમ સવારમાં કોઈને ત્યાં...’
‘હવે સવારમાં આઠ વાગે કંઈ વહેલું કહેવાય? એનો વર
તો સવારમાં સાત વાગે જ જતો રહેલો ને છોકરાંઓને પણ સાથે જ લેતો ગયેલો પછી એને શાની
ઉતાવળ? આરામથી પથારીમાં પડીને મોબાઈલ પર મંડી હશે, બીજું શું?’
‘હવે એના ઘરમાં એણે જે કરવું હોય તે કરે, આપણે
શું?’
‘તે આપણે કંઈ જ નહીં ને પણ મને એમ થાય કે આટલા
દિવસમાં એને યાદ જ નહીં આવી હોય?’
‘વળી પાછું મોણ નાંખ્યું? કોની યાદ ને શેની યાદ?
ભઈ તું આજે મને બહુ ગુંચવે છે હં. પ્લીઝ, હવે વાત જલદી પતાવ, મારે બહુ કામ છે.’
‘લે, તે હું કંઈ નવરી છુ. જવા દો, બીજાની
ફરિયાદમાં તમને શાનો રસ પડે? હમણાં કોઈ મારી ફરિયાદ કરશે તો...’
‘ઓહ્હો! છેલ્લા કલ્લાકથી તું મગનું નામ મરી નથી
પાડતી તો મારે શું કરવું? ચાલ બોલ હવે શું થયું છે? શું કર્યું નવી પાડોશણે?’ (ફરી
નવેસરથી શરૂ થશે?)
‘કંઈ નહીં. એક તો ટેસથી શીરો ખાઈ લીધો હશે ને
પછી વાટકી પડી રહી હશે રસોડાના કોઈ ખૂણે તે હજી પાછી નથી આવી! હું જેટલી વાર એના
ઘરનું બારણું ખૂલે કે આપણા ઘરની ઘંટડી પર કાન માંડીને બેસું પણ હરામ બરાબર જો કોઈ
વાર એણે ડોકિયુંય કર્યું હોય તો. વાટકી યાદ હોય તો આવે ને? શીરો તો કેવો ચાટી
ચાટીને ખાધો હશે! હંહ! આવા પાડોશી શું કામના?’
‘ઓહો આટલી જ વાત છે?’
‘લે, આ તમને આટલી વાત લાગી? વાટકીની ને મારા
વ્યવહારની કોઈ કિંમત નહીં? હા, તમે શું જાણો વાટકીવ્યવહાર? તમને તો જાણે કોઈ વાર
કોઈ જરૂર જ નહીં પડવાની પાડોશીની. એ તો અમે બૈરાં જ બધા વ્યવહાર સાચવીએ તે તમને
લોકોનેય કામ લાગે, બાકી તો તમે તમારામાં જ મસ્ત હો. ઓળખાણ– વ્યવહાર રાખેલા કામના
સમજ્યા ને?’
‘પણ એક વાટકી માટે આટલો ઉત્પાત કરવાનો?’
‘આ એક વાટકીનો સવાલ નથી. આગલા જેટલા પાડોશીઓ ગયા
તે બધા જ કંઈ ને કંઈ લેતા ગયા છે. એવી તો કેટલીય વાટકીઓ ને ડિશો ને ચમચીઓ જા ખાતે
જ ગયાં જ છે ને?’
‘તો પછી? શું કરવું છે? કસમ ખા કે, ‘આજ પછી
વાટકીવ્યવહાર બંધ.’
‘હા હવે તો એવું જ ને, પણ પેલી વાટકી...’
વાટકી પાછી આપવાના વ્યવહાર વિશે વિચારેલું નહીં..તમારા લેખથી વાટકી વ્યવહારની બરાબર સમજ પડી...સરસ લેખ..!
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કાઢી નાખોકોઈ વાર આનંદ ને ઘણી વાર તાણ આપતો વ્યવહાર.:)