શિવજીએ કરાવ્યો નર્મદામાં નૌકાવિહાર!
******************************
******************************
ખરેખર તો ઓમકારેશ્વર હનુમાનજીનું નિવાસસ્થાન
હોવું જોઈએ, એવું જ્યાં ને ત્યાં પ્રગટ થતા વાંદરા જોઈને સતત આપણને લાગ્યા કરે.
અરે! એ કપિરાજોનો ત્રાસ તો એટલો બધો કે અમારે રૂમની બહાર ગેલેરીમાં ઊભા રહીને
સવારની ચા પીતાં પીતાં મા નર્મદા સાથે વાતો કરવી હોય તોય શક્ય નહોતી. દરેક બારીને
મજબૂત જાળી હતી અને બારણાં ખોલવાની અમને મનાઈ હતી. ખેર, બે દિવસ બારી ઉપર આવીને
બેસી જતાં વાંદર–ફેમિલીની લીલા જોઈ અમે ખુશ થતાં, બીજું શું? હૉટેલ તો સારી હતી ને
ખાવાનુંય સરસ, પણ સજાવટના નામે ત્યાં મોટું મીડું હતું. કોઈ હૉસ્પિટલ જેવી એની
સફેદ, નિરાશ ને સુસ્ત દિવાલો! અમે સવારનો ચા નાસ્તો કરવા બેઠેલાં ત્યાં બાજુના
ટેબલ પર પચાસેક વરસનો એક સ્માર્ટ ને હૅન્ડસમ યુવાન આવીને ગોઠવાયો.
એ તરફ એક અછડતી નજર નાંખી અમે ફરી અમારી વાતે
વળગ્યાં. ત્યાં સામેથી જ એણે પૂછપરછ ચાલુ કરી, ‘(એ હેલો...માતાઓ/બહેનો) તમે ક્યાંથી
આવો છો?’
એનો દેખાવ તો ભરોસો કરવા જેવો હતો પણ તોય ભાઈ,
આજકાલ કોઈનોય ભરોસો નહીં! અમે એકબીજા સામે જોયું એટલે તરત જ એણે પોતાની ઓળખાણ આપી,
‘હું આ હૉટેલનો મેનેજર છું અને તમને કોઈ વાતે અહીં અગવડ તો નથી ને, એ પૂછવા આવ્યો
છું.’ (તો એમ ત્યાં બેઠા બેઠા પૂછાય?)
‘ઓહ! અમે મુંબઈ અને સુરતથી આવીએ છીએ અને એમ પીની
નાનકડી ટૂર પર નીકળ્યાં છીએ. પંચમઢી ને ભોપાલથી ફરતાં ફરતાં હવે અહીં ફરીને પછી
ઈંદોર જઈશું.’
‘અચ્છા.’
અમે તો શરૂ કરી દીધું ‘અહીં બધું સરસ છે પણ આ
વાંદરાંનો ત્રાસ! ને સૉરી પણ આ હૉટેલ કેમ આટલી સાદી છે? થોડી સાજસજાવટ કે
પેઈન્ટિંગ્સ કે રંગીન પડદા જેવું કંઈક લાઈવ લાગે એવું કેમ નથી?’
અમારા હુમલાથી નક્કી બિચારાને થયું જ હશે કે,
પોતાની ઓળખાણ મેનેજર તરીકે નહોતી આપવી જોઈતી. આ બધીઓ તો ઘરની આદત મુજબ જ ફરિયાદ
કરવા મંડી પડી.
‘તમારી વાત સાચી છે પણ અહીં ભેજવાળું વાતાવરણ
અને વધુ પડતો વરસાદ કંઈ ટકવા નથી દેતો. પુરનાં પાણી ફરી વળે તો સાચવવું ભારી પડે.
તમે જોજો મંદિરના પગથિયાં પણ તૂટેલાં હશે.’
‘ઓકે. થેન્ક યુ. ફરી મળીએ.’ કહી અમે મંદિર જોવા
નીકળી ગયાં.
મેનેજરની વાત સાચી હતી. મંદિર જવાના બે રસ્તા
હતા. એક પુલ પરથી ચાલીને જવાનો અને બીજો હોડીમાં સહેલ કરતાં કરતાં જવાનો. અમે તો
નૌકાવિહાર પર જ મત્તું માર્યું હોય ને? હોડી સુધી જવા માટે ભીનાં ને તુટેલાં
પગથિયાં સાચવીને ઉતરતાં હતાં, ત્યારે ત્યાંના રહેવાસીઓને દોડીને પગથિયાં ચડઉતર
કરતાં જોયાં! હોડીવાળા સાથે ભાવની માથાકૂટ કર્યા વગર નૌકાવિહારના રોમાંચમાં અમે હોડીમાં
ડગમગ થતાં ગોઠવાયાં. આ રીતે સાવ અચાનક જ નર્મદામૈયાના ખોળામાં ઝુલવાનો મોકો મળશે
એવું તો સપનેય નહોતું વિચાર્યું. સરકતી હોડી સાથે અમારી નજરો પણ બન્ને કિનારે
સરકતી રહી. નાના બાળક જેવા વિસ્મયથી રેવાના વિશાળ પટને નજર પહોંચે ત્યાં સુધી જોયા
કર્યો. સતત પસાર થતી હોડીઓમાં શ્રધ્ધાળુઓની આવજાવ ચાલુ હતી. થોડે દૂર જ ટેકરી પર
ઓમકારેશ્વર મંદિરની ધજા લહેરાતી હતી. ઘડીક તો થયું કે કશે જવું નથી ને કંઈ જોવું
નથી. મા રેવાના લહેરાતા આંચલમાં જોવા મળેલો આ અદ્ભૂત નજારો ને એવી જ અવર્ણનીય
અનુભૂતિ એ ઓમકારેશ્વરનાં દર્શન નથી? હોડીવાળાએ તો ઓફર કરી કે તમને બે કલાકમાં
ઓમકારેશ્વરની પરિક્રમા કરાવી દઉં પણ અમે તો વી આઈ પી હતાં ને? બધે નિરાંતે ફરવાનો
સમય ક્યાંથી મળે? ખેર, જે લહાવો મળ્યો તેનો પૂરો લાભ ઊઠાવવા અમે અડધા કલાકનો આનંદદાયક
ને અવિસ્મરણીય નૌકાવિહાર જ મંજૂર કર્યો.
અમારો નાવિક સફર દરમિયાન બધી માહિતી આપતો રહ્યો.
કાવેરી અને નર્મદાનો પવિત્ર સંગમ પણ આ ટાપુને એક કિનારે થતો હોવાથી, ભક્તો ઘાટ
પાસે સંગમસ્નાન કરીને પછી મમલેશ્વર મંદિરથી પ્રદક્ષિણા ચાલુ કરે. નર્મદાપરિક્રમાનું
વિશેષ માહાત્મ્ય હોવાથી આ સ્થાન અને સ્નાન લોકપ્રિય છે. આ મંદિર પાંચ માળનું છે
અને તેની ઉપર દૂરથી પણ જોઈ શકાતો સફેદ ઘુમ્મટ છે. અમે હોડીવાળાની વાતોમાં હોંકારો
પુરાવતાં મંદિર તરફ જોઈ રહ્યાં હતાં. મનમાં પાપ ને પુણ્યનાં લેખાંજોખાં થવા
માંડ્યાં. શિવલિંગનાં દર્શન કરીને શું અમે કોઈ પુણ્ય કમાવા જઈ રહ્યાં હતાં? શું
અમારાં પાપ ધોવા જેવાં છે કે ચાલી જશે? શું આ કેવટે કેટલાય લોકોને રામ સમજીને જ
પાર ઉતાર્યા હશે? એની આ અણમોલ સેવાનું એને કેટલું પુણ્ય મળશે? કોણ જાણે. મારા મનને
મારે બહુ કાબૂમાં રાખવું પડતું. મારું ભવિષ્ય જાણીને આ લોકો સામે બધા વિચારો પાછા
મારાથી જાહેર પણ કરાતા નહીં. કેવટને કે દિનેશને તો શું સમજ પડે?
ખેર, અમને કિનારે ઉતારતાં નાવિક બોલ્યો, ‘માંજી,
મૈં બૈઠા હૂં યહાં. આપ લોગ આરામસે દરસન કરકે આઓ. કોઈ જલદી નહીં.’ મારી આંખમાં પાણી
આવી ગયાં. હવે હું માજી જેવી લાગવા માંડી? કેમ આ ત્રણમાંથી કોઈને નહીં ને મને જ
કહ્યું? હે મા રેવા, મારા હારુ કંઈ બાકી નો રે’વા દેતી તું.’ મારી આંખમાંથી બે
અશ્રુબિંદુ પડ્યાં ને રેવામાં સમાઈ ગયાં. જેમતેમ મંદિરના દરસનમાં ધ્યાન પરોવ્યુ. મંદિરની નીચેના પહેલા માળ પર દુ:ખહર, પાપહર ને સંકટહર ઓમકારેશ્વર
જ્યોતિર્લિંગ! મંદિરમાં દાખલ થતાં જ વિશાળ સભામંડપ કે પ્રાર્થનાનો હૉલ. અંદરના
ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગ જેના દર્શન હૉલમાંથી પણ થઈ શકે. આ હૉલમાં ધાર્મિક
પ્રસંગોની કોતરણી ધરાવતા ચાર મીટર ઊંચા પથ્થરના સાંઈઠ થાંભલા છે. બીજા માળે
મહાકાલેશ્વર બિરાજે છે. ત્રીજા માળે સિધ્ધનાથ, ચોથા અને પાંચમા માળે ગુપ્તેશ્વર
અને ધ્વજેશ્વર બિરાજમાન છે.
બહુ જ સ્વાભાવિક છે, કે આટલા પ્રસિધ્ધ મંદિરને
રસ્તે જતાં દરેક પગથિયે ફળ, ફૂલ ને પ્રસાદની દુકાનો, ચા ને નાસ્તાની હાટડીઓ તો
હોવાની જ. શંકર ભગવાન કે કોઈ પણ ભગવાન ભાવનાના ભૂખ્યા છે, એ બધા ભક્તો સમજતાં હોવા
છતાં પણ આ બધી દુકાનોમાં ઘટાડો થાય કે પૂજા–પ્રસાદનો કોઈ નિયમ બનાવાય તો ભક્તોને જ
તકલીફ ઓછી પડે ને આ સ્થાન વધુ સ્વચ્છ ને રળિયામણું બને. આવી જગ્યાઓએ પુણ્યને બદલે
પૈસા કમાનાર પૂજારીઓની કોઈ ખોટ નથી હોતી. જબરદસ્તી ના ન કહીએ ત્યાં સુધી માથું
ખાનારા લાલચુઓ અહીં ઘાટથી જ સાથે ચાલવા માંડે. અમારે ફક્ત દર્શન જ કરવાનાં હોઈ અમે
ખાલી હાથે જ મંદિરમાં ગયેલાં અને મનમાં સંતોષ ભરીને ફરી કેવટને સહારે નર્મદા પાર
કરવા નીકળી પડેલાં. જેનાં દર્શનથી જ પાપ દૂર થાય એવી રેવાને કે શિવને વળી બાહરી
પૂજાપાની શી જરૂર? સૌથી આનંદદાયક અનુભવને દિલમાં સંઘરી અમે ગામમાં લટાર મારવા
નીકળી પડ્યાં.
મિનિ મુંબઈ ઈંદોર!
મિનિ મુંબઈ ઈંદોર!
**************
આપણે જ્યારે પણ પ્રવાસમાં નીકળ્યાં હોઈએ ત્યારે આપણને
અમસ્તી અમસ્તી ભૂખ બહુ લાગે, એમાં સાચી ભૂખનો તો વારો જ ન આવે! થોડી થોડી વારે, રસ્તામાં
ફાકા મારવા લીધેલાં પડીકાં ફંફોસીએ અને જો કશે દસ પંદર મિનિટનો વિરામ લઈએ તો ચા
પીવાની ઈચ્છા થઈ આવે. હવે ચા એકલી તો પીવાય જ નહીં એટલે ત્યાં જે મળતું હોય તે
પેટમાં ઓરાય. બસ, કોઈ પણ હિસાબે ચક્કી ચાલુ રહેવી જોઈએ. હજી તો જ્યાં જવાનાં હોઈએ
ત્યાંની ખાસ–ખાસ ને અવનવી વાનગીઓ લલચાવે તે તો પાછી જુદી. અમને હોટેલના મેનેજરે
કહેલું કે ઈંદોર જાઓ તો ત્યાંની છપ્પન ભોગ ધરાવતી ‘છપ્પન દુકાન’ની મુલાકાતે અને
‘સરાફા બજાર‘ જરૂર જજો. શું એણે અમને ખાઉધરાં જાણીને જ કહ્યું હશે? કે ખરેખર ત્યાં
જવા જેવું હશે? ચલો જો ભી હો, દેખા જાયેગા.
ઓમકારેશ્વરથી અમારે બે જગ્યાએ જવાનું હતું, ઈંદોર
અને મહેશ્વર. મહેશ્વરને તો સ્વાભાવિક છે કે સાડીના શૉપિંગ માટે જ પસંદ કરેલું.
બાકી ત્યાં કંઈ જોવા જેવું હોય તો પછી જોઈ લઈશું એવું નક્કી થયા પછી અવઢવ થઈ કે
પહેલાં ક્યાં જવું? જો પહેલાં ઈંદોર જઈએ તો સાડીના શૉપિંગ માટેની ઘડીઓ કાલ પર
ઠેલવી પડે એમ હતું. શૉપિંગની શુભ ઘડીઓ તો નજીક આવી આવીને જાણે દૂર જઈ રહી હતી. વળી
ઈંદોર ગયા પછી તો છપ્પન ભોગ આરોગવાની ચટપટી રોકાય જ નહીં! ખેર, ગાડીમાં જગ્યાનો
વિચાર કરીને પહેલાં ફરવાનું, ખાવાનું અને છેલ્લે શૉપિંગ એવું નક્કી થતાં અમે ઈંદોર
તરફ રવાના થયાં. એમ પણ અમારા ચારમાંથી અંજુએ મહેશ્વર જોયેલું હતું એટલે એ મહેશ્વર
નહોતી આવવાની. શૉપિંગમાં એક સાથીની ખોટ પડશે એ વિચારે અમે થોડી વાર માટે ગમગીન
થયાં ને પછી (સાડીની વાતમાં) ભૂલી પણ ગયાં!
બે કલાક તો ક્યાંય નીકળી ગયા અને અમે દેશના
પહેલા ટોલ રોડ(ટોલ નાકું)ના શહેર ઈંદોરની નજીક નજીક પહોંચી ગયાં. આખરે હોલકર
પરિવારના ભવ્ય ઈતિહાસ ધરાવતા અને ઝળહળતા વર્તમાનથી શોભતા, ભારતની સૌથી સ્વચ્છ
નગરીનું છોગું ધરાવતા, સુતરાઉ કાપડ ઉદ્યોગનું મહત્વનું
કેન્દ્ર બનેલા અને ખાણીપીણી માટે મુંબઈની હારોહાર ઊભા રહેનાર મધ્ય પ્રદેશના
મોટામાં મોટા અને ચુડીઓથી રણકતા શહેર ઈંદોરમાં પ્રવેશ્યાં. કાચનું જૈન મંદિર જેની
શોભા છે અને હોલકરના રાજ્ય દરમિયાનના મશહૂર, અદ્ભૂત મહેલો જેનો વારસો છે તે
ઈંદોરના નામની પણ એક નાનકડી કહાણી છે. (આપણા નામની આગળ કે પાછળ તો કોઈ કહાણી જ ન
હોય! એના માટે તો કોઈ તોપ ફોડવી પડે. અમસ્તું કંઈ નામ ન થાય.) ખેર, સરસ્વતી અને કાન્હ(!)
નામે બે નાની નદીઓના સંગમ પર અઢારમી સદીમાં સંગમનાથ કે ઈંદ્રેશ્વર નામે નાનું
મંદિર હતું તેના નામ પરથી ઈંદોર નામ પડ્યું. દુનિયામાં નદી કે પર્વત ન હોત તો શહેર
કે ગામનાં અડધાં નામ શુષ્ક ને રસહીન જ હોત ને?
‘છપ્પન દુકાન’ મનમાં સાચવીને રાખીને અમે સૌથી
પહેલાં કાચનું જૈન મંદિર જોવા ઉપડ્યાં. યુરોપિયન અને ભારતીય શૈલીની મિશ્ર શિલ્પકળાથી
ચળકતું–ઝગમગતું ફક્ત રંગીન કાચ ને અરીસાઓનું જ બનેલું આ મંદિર છે. કાચની છત, કાચની
દિવાલો અને થાંભલા સહિત જેના દરવાજાના કાચના ડટ્ટા પણ કલાત્મક એવા મંદિરમાં સુંદર
ચિત્રો પણ કાચ પર બનાવેલાં જોયાં. શેઠ હુકમચંદ નામે એક
જૈન શ્રેષ્ઠી હતા. ભારતના વેપારઉદ્યોગના પ્રણેતા એવા એ શેઠે અહીં ઈટારવામાં જયપુર
અને ઈરાનથી કારીગરોને બોલાવીને એક ‘શીશ મહેલ’ ઊભો કર્યો. નજીકમાં પૂજાર્થે આ
કાચનું મંદિર પણ બનાવડાવ્યું. શણગારમાં પ્રાચીન અને મધ્યયુગની જૈન કલાનો સમન્વય
કર્યો. મંદિરના ગર્ભગૃહમાં તીર્થંકર ભગવાનની ફરતે અરીસાઓ એ રીતે ગોઠવ્યા કે ભાવકને
અસંખ્ય ભગવાનનાં દર્શન થાય!
દર વરસે સોનાની પાલખીમાં થતી રથયાત્રાનો આરંભ આ
મંદિરથી થાય છે. ‘સુગંધદશમી’ જેવા તહેવારો અને સામુહિક ક્ષમાવાણી પણ અહીં યોજવામાં
આવે છે. મંદિરના વ્યવસ્થાપક ભાઈ અમને મંદિરની વિસ્તારથી માહિતી આપી રહ્યા હતા.
ખરેખર, આંખને આંજી નાંખે એવી કારીગરી જોવા જેવી તો ખરી. ‘શીશ મહેલ’ કોઈક કારણસર અમને જોવા ન મળ્યો એટલે અમે જૂના
રાજમહેલની નજીક કૃષ્ણપુરામાં આવેલી પ્રસિધ્ધ છત્રીઓ જોવા ગયાં.
આ છત્રીઓ એટલે હોલકર રાજઘરાનાના મૃતકોની યાદમાં
બંધાયેલાં સ્મારકો. સુંદર કોતરણીવાળા થાંભલા અને નજરમાં સમાય એવી શિલ્પકળાથી
શોભતાં આ સ્મારકો ‘છત્રી’ નામે જ પ્રખ્યાત છે. સૌથી પહેલી છત્રી મહારાણી કૃષ્ણાબાઈ
હોલકરના માનમાં બંધાઈ. જેમના નામ પરથી કૃષ્ણપુરા નામ પડેલું. હોલકર રાજા અને
રાણીઓના પ્રજાલક્ષી કાર્યોથી જ ઈંદોર જોવાલાયક, પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ છે.
હવે પેલી ખાઉગલીની બહુ રાહ નહીં જોવાય એમ લાગતાં
જ અમે એકબીજા આગળ પ્રસ્તાવ મૂક્યો, જે સર્વાનુમતે પાસ થઈ ગયો અને અમે બહુ ઉત્સુકતાથી
પહોંચ્યાં ઈંદોરની અતિ અતિ અતિ પ્રખ્યાત, ‘છપ્પન દુકાન’! જ્યારથી છપ્પન દુકાનનું
નામ સાંભળેલું ત્યારથી મનમાં અવઢવ તો હતી જ, કે આપણે આટલી બધી દુકાનો ક્યારે ગણી
રહીશું? જો દુકાન ગણવા જઈશું તો ખાધા વગર રહી જઈશું? આટલી બધી દુકાનોમાંથી કઈ
દુકાનમાં મસ્ત ખાવાનું મળે તે કોને પૂછશું? કેવી રીતે ખબર પડે કે ક્યાં ખાવાનું?
જેને પૂછશું તેના ટેસ્ટનું ખાવાનું? એને તીખું ભાવતું હશે તો? અમને એ વિસ્તારની
ગલીઓની દૂર દૂર સુધી ને સામસામે સુગંધ ફેલાવતી, એકબીજાના ધંધાને ટક્કર મારતી
કેટલીય દુકાનોની આવકારતી સુગંધોએ લલચાવ્યાં. પહેલાં કયાં જઈએ ને પહેલું શું ખાઈએ? હત્તેરીની!
આના કરતાં એક જ જાણીતી જગ્યા હોત તો સીધા ત્યાં જ પહોંચી જાત ને? પછી વિચાર આવ્યો,
સાડીની દુકાનમાં સાડીના ઢગલામાંથી ગમતી સાડી પસંદ કરવાની વિધિ કેટલી મજાની હોય છે?
બસ એમ જ, બધી દુકાનોની સામે એક લટાર મારી લઈએ ને જ્યાંથી મસ્ત સુગંધ આવે અથવા તો
જ્યાં વધારે લોકો દડિયા પકડીને ઊભેલા દેખાય ત્યાં જ પાણીપૂરીથી શરૂઆત કરીએ.
હાશ! આઈડિયા ખોટો નહીં. ચલો હો જાઓ સબ શુરૂ. પછી
તો, પહેલી પાણીપૂરી મોંમાં મૂકતાં જે અદ્ભૂત અહેસાસ થયો! આહાહા! જીવનની ધન્ય પળો
હોય તો તે આજ છે, આ જ છે ને આ જ છે. વધુ રસભરી વાનગીઓ આવતા હપ્તે. (રાહ તો જોશો જ એની
મને ખાતરી છે.)
(તસવીરો માટે ગૂગલનો સહારો)