‘આપણે ઉચ્છલ ભેગાં થઈને જ જઈશું કારણકે ઉચ્છલથી મહારાષ્ટ્રનું
નવાપુર ફક્ત બે જ કિલોમીટર દૂર છે અને નવાપુરનો હાઈવે સીધો નેશનલ હાઈવેને જોડતો લઈ
જાય ઈંદોર. અંતર છે સાડા ત્રણસો કિલોમીટર અને ટાઈમ લાગે સાડા છથી સાત કલાક. એમ તો
ઉચ્છલથી પણ જે હાઈવે જાય તે સીધો ઈંદોર પહોંચાડે પણ એ રસ્તો બહુ સારો નથી.’ આવી
ચોક્કસ માહિતી પારુલે શોધી કાઢી એટલે નક્કી થયું કે સવારે બને તેટલાં વહેલાં નીકળી
જવું.
‘અરે પણ ડ્રાઈવરનું કંઈ નક્કી કર્યું? આપણે
આપણાં પૂંછડાં તો ઘેરે મૂકીને જવાનાં એટલે કોઈ સારો ડ્રાઈવર શોધી રાખજો.’
‘અરે, અમારા દિનેશભાઈ ઝિંદાબાદ.’ મેં નક્કી
રાખેલું નામ જણાવ્યું.
‘એ વળી કોણ? ભાઈ, આપણે એકલાં જ જવાનાં છીએ એટલે
કોઈ સારો ને વિશ્વાસુ ડ્રાઈવર જ શોધજો હં. રસ્તે કોઈ માથાકૂટ નહીં જોઈએ.’ એકલી
સ્ત્રીઓ જ જવાની હોય ત્યારે હજાર સવાલ ને હજાર તકેદારીની વાતો ઉમેરાતી જ રહે.
ઉંમરમાં પાછી વીસ પચીસ વરસની કોઈ નહીં કે બધે દોડતી ને ફુદકતી પહોંચી જાય. એમ તો
અમારા બધાનો ઉત્સાહ પણ કમ તો નહોતો જ પણ એક જૉલી સિવાય સૌએ દવા, ચશ્માં, ચોકઠાં ને
લાકડી, નીકેપ જેવા કંઈ મોજાં ને પાટાપિંડી તો ભૂલ્યા વગર લેવાનાં હતાં. કદાચ
નાસ્તાના થેલા જેવો જ આ દવાદારુનો થેલો થવાનો હતો કે શું? સહીસલામત પાછા ફરવાની
ગૅરંટી અમે ઘરનાંને આપેલી પણ એમને અમારા ઉપર વિશ્વાસ કેટલો? વારે વારે એકની એક
સલાહોથી અમને થતું કે હવે ક્યારે ભાગીએ! તેમાં બધા તરફથી દિનેશભાઈની જાંચપડતાલ
ચાલુ થઈ.
દિનેશભાઈ એટલે આમ તો મારા દીકરા જેવડો જ પણ એને
ભાઈ કે દીકરા કહીએ એટલે એના મનમાં અમારા માટે પૂજ્યભાવ કાયમ રહે. મારા ઘરની નજીક જ
રહે એટલે વરસોથી એને ઓળખીએ તે મોટામાં મોટું સુખ. એણે તો કાયમ માટે જ કહી રાખેલું,
‘અરધી રાતે પણ કામ પડે તો મને એક ફોન કરી દેજો.’ ને આ વાત એ સાચા દિલથી કહેતો તેની
અમને ઘણી વાર ખાતરી પણ થયેલી. દિનેશ એમ તો ઊંચો ને હટ્ટોકટ્ટો કહેવાય એવો પણ
જોનારની પહેલી નજર એના સીસમ જેવા રંગ ને એના મોટા પેટ ઉપર જ પડે. સ્વભાવે તદ્દન
નિર્દોષ બાળક જેવો ભોળો દિનેશ એક જ વાર કહેતામાં અમારો સારથિ બનવા તૈયાર થઈ ગયો.
ડ્રાઈવિંગમાં સોમાંથી સો માર્ક્સ મળે એટલી શાંતિ ને સલામતીથી ગાડી ચલાવે. જેના ખભા
પર ચાર ચાર મા–બહેનોની જવાબદારી હોય તે બિચારો ક્યાંથી ગમે તેમ ગાડી ભગાવવાની
હિંમત પણ કરે? વ્યસનમાં તો એને દારૂ કે સિગરેટ પર સખત નફરત હતી પણ અમારી સાથે
વધારે વાત કરવી ના પડે એટલે એ સતત મોંમાં માવો મૂકી રાખતો! અમે અસમંજસમાં. માવો
છોડવા કહેશું ને આખે રસ્તે વાત કરીને માથું ખાઈ ગયો તો? એમ પણ અમારા કહેવાથી કંઈ એ
માવો છોડવાનો નહોતો. જોઈશું, પાછા ફરતી વખતે સાણસામાં લઈ જોઈશું. આટલો જુવાન છોકરો
એમ વ્યસનમાં બરબાદ થાય તે કેમ ચાલે? હજી બીજા પ્રવાસો પણ અમારે કરવા કે નહીં?
ખાસ વાત તો એ, કે એ મનમોજીલો પ્રવાસી પણ હતો.
જવાબદારી વગરનું એનું જીવન ઈર્ષા ઉપજાવે તેવું હતું. કોઈ એને દોસ્તીદાવે ડ્રાઈવર
તરીકે લઈ જાય ને પૈસા આપે તો ઠીક નહીં તો કંઈ નહીં. લોકો એનો ગેરલાભ પણ લેતાં તોય
દિનેશ તો નિજાનંદમાં મસ્ત. ઉચ્છલ અને નજીકનાં ગામોની નદીઓ ને ટેકરીઓ તથા જંગલોનો
પણ ખાસ્સો માહિતગાર. દિનેશ કુશળ તરવૈયો પણ છે જાણીને અમને હાશ થઈ. હવે એમ પીનાં
જંગલો, નદીઓ, ડુંગરા કે ધોધની ચિંતા નહીં, દિનેશ છે ને? લેટેસ્ટ મોબાઈલ લઈને ફરતો
દિનેશ કમ્પ્યુટર એક્સપર્ટ હોવાને લીધે અમારા કરતાં પહેલાં જ જગ્યાની માહિતી એ ગૂગલ
પર મેળવી લેશે! ચાલો, રસ્તે અમારે દિનેશ સાથે માથાં નથી દુ:ખવવાનાં તેની સૌને હાશ
થઈ.
આખરે એક મજાની સવારે, ‘અમારો પ્રવાસ આનંદદાયક
રહે’ એવી શુભેચ્છાઓના ફોન રણકતા થયા અને અમે ચાર ચોટલાએ ‘જય મધ્ય પ્રદેશ’ના નારા
સાથે ઉચ્છલ છોડ્યું. દુ:ખ તો કોને હોય? અમે જનારાં તો ફરવાના ને થોડા દિવસ
જવાબદારી વગરના, સ્વતંત્ર હોવાના અહેસાસે વધારે પડતાં જ ખુશ હતાં, જ્યારે ઘરનાં સૌ
થોડા દિવસ ઘરમાં શાંતિથી રહેવા મળશેના વિચારે મોજમાં હતાં. હા, અમારી ચિંતા જરૂર
હશે પણ એ તો હવે અમે ના પાડેલી એટલે અમારું કહ્યું માન્યું હશે એવું અમે માની
લીધેલું.
પ્રવાસ નામ જ મારા મનમાં અજબ રોમાંચ પ્રેરે. પછી
તે, ગમે તે વાહનમાં ને કંઈ નહીં તો પગપાળા પણ કેમ ન હોય! દરેક વાહનની અલગ જ મજા
છે. આજકાલ તો ટ્રેન ને બસના પ્રવાસ ઓછા થઈ ગયા છે પણ એમાંય મજા તો એટલી જ આવે,
જેટલી આપણે ગાડી લઈને નીકળ્યાં હોઈએ ને આવે. આ અનોખા પ્રવાસમાં તો અમે ધારીએ તે
જગ્યાએ ગાડી ઊભી રાખવાની આઝાદી ધરાવતાં હતાં, કોઈનીય રોકટોક વગર! વાહ! હજી તો,
ઉચ્છલથી સવારની મસ્ત મોસમમાં નીકળ્યાં ને દસેક મિનિટમાં નવાપુરની બહાર જ નીકળ્યાં
કે રસ્તે એક નાનકડા ધોધે અમને ઊભા રાખી દીધાં. ગાડી બાજુએ લઈ બ્રિજ ક્રોસ કરી અમે
પહોંચ્યાં મોતીઝરાના ફોટા પાડવા!
દસ પંદર મિનિટ એમ જ નીકળી ગઈ. ઓહ! હજી તો શરૂઆત
જ થઈ ને આમ જ જો આપણે રસ્તે ઉતરતાં રહીશું તો પહોંચતાં રાત પડશે ને એમ પીમાં રાતે
પ્રવેશ? ના બાબા ના! ખાસ કોઈ કારણ વગર હવે ગાડી ઊભી નથી રાખવી એવું નક્કી કરી અમે
ફરી ટ્રકોની ચિચિયારીઓ વચ્ચે ગાડીમાં ગોઠવાઈ ગયાં. મનમાં અમને જોઈને અકળાતા
દિનેશને પણ હાશ જ થઈ હશે ને?