મંગળવાર, 2 જાન્યુઆરી, 2018

મોબાઈલ ઉઠાવો, સમસ્યા ભગાવો


એક જાહેરાત. ‘તમારી દરેક સમસ્યાના ઉકેલ માટે હાજર છે હવે, સરકારશ્રીની એક અદ્ભૂત સેવા–ફક્ત તમારા માટે જ અને ફક્ત આંગળીના ટેરવે–મોબાઈલ ઉઠાવો, સમસ્યા ભગાવો’

‘અરે ભઈ, દરેક સમસ્યા એટલે દરેક સમસ્યા? તો તો બહુ સારું કહેવાય. પણ આ આંગળીના ટેરવે સેવા મળે તે કોની આંગળીના ટેરવે? કંઈ સમજાયું નહીં.’
‘અરે ભાઈ, તમે તો બહુ ભોળા.(એક નંબરના બુડથલ!) હવે તો દરેકના હાથમાં કે ખિચ્ચામાં મોબાઈલ હોય, એટલે કોઈ બી સમસ્યા ઊભી થઈ નથી કે ખિચામાંથી મોબાઈલ કાઢ્યો નથી. સરકાર એમ કહેવા માગે છે, કે તમે એક જ ફોન કરશો કે તમારી સમસ્યાનો હલ અમે બતાવી દઈશું.’
‘લ્યો, આ માળું નવું. આ સેવા તો બઉ હારી કે’વાય! ને આંગળીને ટેરવે? તો ચાલો ને, આપણે શરૂઆત કરી જ દઈએ. લો આ મારો ફોન ને લગાવો સરકારને ફોન.’
‘ભાઈ, એમ સીધો સેરકારને ફોન ના કરાય. જે સમસ્યા હોય,તેને લાગતવળગતા વિભાગનો નંબર આપ્યો હોય તે શોધીને તેને ફોન કરવાનો. ધારો કે, તમારા ઘરમાં પાણી કે વીજળી કે ફોન બંધ થઈ ગયા અથવા તમારા એરિયામાં ગંદકી વધી ગઈ છે, રસ્તા નથી સારા કે વાંદરા–કૂતરાનો ત્રાસ વધી ગયો છે વગેરે તકલીફો માટે જુદા જુદા નંબર આપ્યા હોય, ત્યાં ફોન કરો એટલે તમને તરત જવાબ મળે.’

‘તરત જવાબ મળે? સાચો કે ખોટો? આ તો એટલા માટે પૂછું, કે એ લોકો અમસ્તી તો હા નહીં કહે ને?’
‘અરે ના ના. લોકોની સાથે રહેવા માટે જ તો સરકાર એમની સમસ્યાઓ જાણીને એ બધી સમસ્યાઓ દૂર કરવા માગે છે. લોકોએ એમને ઈવીએમના ડબ્બા ભરી ભરીને મત આપ્યા છે તો તેનો બદલો વાળવાનો કે નહીં?’
‘વાહ ભઈ! ચાલો ત્યારે મારી તો બહુ બધી સમસ્યાઓ છે. હું એક પછી એક ફોન લગાવવા જ માંડું.’
‘ભાઈ ભાઈ, જરા ધીરજ ધરો. એમ ફોન કરશો એટલે આજે ને આજે બધી સમસ્યાઓ દૂર થઈ જ જશે એવું રખે માનતા. હજી તો તમારી સમસ્યા એ લોકો સાંભળે, પછી નોંધે, પછી તમને સમસ્યા દૂર થવાની બાંહેધરી આપે ને એકાદ નંબર આપે. જ્યારે તમારો નંબર આવે ત્યારે તમારી સમસ્યા દૂર થવાનો નંબર લાગશે. આટલી બધી વસતી છે તે વાર તો લાગે ને?’
‘ભલે ત્યારે, તમે બોલો પહેલાં કોને ફોન કરું?’
‘તમારી મોટામાં મોટી સમસ્યા કઈ છે?’
‘એમ જોવા જાઓ તો ઘણી છે ને બધી મોટી જ છે પણ તોય સાલી મોંઘવારી બહુ વધી ગઈ છે. આજે કમાઉં ને કાલે પૂરું, એવું થઈ ગયું છે. કહો તો, કયો નંબર લગાવું?’
‘યાર, આ તો બધાંની જ ને સરકારની પણ બહુ મોટી સમસ્યા છે. મોંઘવારી તો દૂર થશે ત્યારે થશે પણ તમારી પોતાની એટલે ઘરને લગતી કે તમારા વિસ્તારને લગતી સમસ્યા હોય તો બોલો.‘
‘ઓહો એમ ને? તો ઘરમાં તો મારે રંગ કરાવવાનો થઈ ગયો છે, તમારા ભાભીને ઘુંટણનું ઓપરેશન કરાવવાનું છે ને અમારા પાડોશી અમારા કહ્યામાં નથી. પાડોશી તો ઠીક મારાં છોકરાં પણ...હવે જવા દો ને, શું વાત કરવી? છોકરો તો એ હદ સુધી આવી ગયો, કે ‘બાપા, તમે મોબાઈલ લઈને વૉટ્સેપ વૉટ્સેપ રમ્યા કરો ને. અમારામાં માથાં નહીં મારો!’ લો હવે આ મોટામાં મોટી સમસ્યા છે. કોને કહેવા જાઉં? તમારી પાસે કોઈ નંબર હોય તો બોલો.’

‘સૉરી ભાઈ, આવી સમસ્યા તો જાતે જ ઊભી કરેલી હોય એટલે જાતે જ સુલઝાવવી પડે પણ તમારા એરિયામાં ચોવીસ કલાક વીજળી કે પાણી ન આવતાં હોય તો હું એક નંબર કહું ત્યાં ફોન લગાવો અને ઓપરેટર જેમ બોલતી જાય તેમ કરતાં જજો.
‘આ લ્યો લગાવ્યો નંબર, હવે?’
‘હવે ધ્યાનથી સાંભળો ને ફોનમાં જેમ કહે તેમ કરો. મારી સાથે હવે વાત નહીં કરતા.’
‘એમાં તો પહેલાં એક નંબર દબાવવા કીધો. એક નંબર દબાવ્યો તો કહે કે તમારી ફલાણી સમસ્યા માટે બે નંબર દબાવો, બે નંબર દબાવ્યો તો કહે કે તમારે એ સમસ્યાનો ઉકેલ કોની પાસે જોઈએ છે? ‘અ’ પાસે જોઈએ તો ચાર નંબર, ‘બ’ પાસે જોઈએ તો પાંચ નંબર ને ‘ક’ પાસે જોઈએ તો છ નંબર દબાવો. ભાઈ, હું તો ગોથું ખાઈ ગયો. આવું બધું આપણને કેવી રીતે યાદ રહે ને આપણે ક્યાં પેલા અ, બ કે ક ને ઓળખતા હોઈએ? જવા દો, મારી સમસ્યા હું જ જેમ ફાવે તેમ ઉકેલી દઈશ. આ તો ‘મોબાઈલ ઉઠાવો ને સમસ્યા વધારો’ હોવું જોઈએ. શું કે’વુ તમારું?’
'hmmm...'

2 ટિપ્પણીઓ: