રવિવાર, 26 ફેબ્રુઆરી, 2017

પટાયા કેટલું ખરાબ ? કેટલું સારું ?––(૭)


ભારતમાં બધા રાજ્યોની સરખામણીએ ગુજરાતના રસ્તા ખાસ્સા વખાણવા લાયક હોય છે. તોય, ખબર નહીં કેમ ગુજરાતીઓ પણ બધાની સાથે પરદેશના રસ્તા જોઈને બાઘા બની જાય ! ‘આપણી બસ તો આમ પાણીના રેલાની જેમ લસરે છે. જરાય ખબર પડે છે ? ને ચોખ્ખાઈ તો જુઓ !’ જાણે કે આપણે ખાસ રસ્તા જોવા જ આવ્યાં હોઇએ એમ રસ્તા પરથી નજર જ ના હટે. તેમાંય મનમોહક ફ્લોરેસન્ટ રંગોવાળી ટેક્સીઓ તો જાણે જાતજાતની રંગોળી પૂરતી રહે. ગુલાબી–લીલી અને ભૂરી ટૅક્સીઓની આજુબાજુ સરકતી બસોની સાથે સાથે, ટ્રાફિકના નિયમો પાળતી અવનવી ગાડીઓ પણ ખરી. જોવા જેવી તો ત્યાંની બાઈકસવાર લલનાઓ. ભયંકર તાપમાં પણ બુકાની વગર ને હાથે લાંબા સફેદ મોજાં પહેર્યા વગર, ફક્ત હેલ્મેટથી સજ્જ થઈને ઝૂ...મ કરતી જે નીકળે તે જોઈને થાય કે, વાહ ! આ લોકોની ચામડીમાં એવું તે કયું લોહી વહે છે, જે આ છોકરીઓ કાળી નથી પડતી ?

અમારી બસ તો બૅંગકૉકથી પટાયા જવા ઊપડી ચૂકી હતી. અમે રસ્તા જોઈને પરવાર્યાં, એટલે અમારી બસમાં આગળ બેઠેલી બે છોકરીઓએ પોતાની ઓળખાણ આપી, ‘હલો....નમસ્કા....ર. હું ગૌરી ગોખલે, પટાયા–બૅંગકૉકની આ સુહાની સફરમાં તમારું સ્વાગત કરું છું. હવે થોડી વારમાં જ ‘શ્રી રાંચા ઝૂ’ નામની જગ્યાએ આપણે લંચ લેવા થોભશું. ત્યાંથી પટાયા પહોંચ્યા બાદ સૌને પોતાના રૂમની ચાવી અપાશે.  સૌએ પોતાનો સામાન મૂકી ફ્રેશ થઈ એક કલાકમાં જ નીચે હૉલમાં ભેગાં થવાનું છે. આગળનો કાર્યક્રમ તમને ત્યાં જ જણાવાશે. આ એક અઠવાડિયું આપણે સાથે રહીશું. મારું નામ અને બસનું નામ કાજોલ છે તે યાદ રાખજો. તમારી પાસેના કાર્ડમાં અમારા ફોન નંબર અને હૉટેલના નંબર પણ છે. રોજ સમયસર હાજર થઈ જશો તો તમને જ ફાયદો છે. તમારે લીધે બીજાની ટૂર ન બગડે તે ધ્યાન રાખજો. શુભ યાત્રા. આભાર. ’

‘હલો....સવાદી ખા...’ થાઈલૅન્ડની ગાઈડે બત્રીસી બતાવતી સ્માઈલ સાથે ઝીણી આંખોને વધુ ઝીણી કરતાં બધાને સલામ કરી. ‘નમસ્કાર. માય નેમ ઈઝ ઓ....’ કહેતાં એણે આખી બસમાં એક તોફાની નજર ફેરવી.
‘ઓ... !’ સમૂહ આશ્ચર્યનો પડઘો પડ્યો.
‘યસ.. ઓ. ’ ફરી એ જ શરારતી મુસ્કાન.
‘ઓહ !’
એવું જાણવા મળ્યું કે, બધાનાં લાંબાં નામ હોય તે બોલવાનું કદાચ ટુરિસ્ટોને ના ફાવે તે બીકે જ બધાંનાં નામ આવાં ટૂંકાક્ષરી ! મારી ધારણા સાચી જ પડી. બીજી બસની ગાઈડનું નામ ઉ હતું ! આપણું અ, આ, ઇ, ઈ આ રીતે વપરાતું જોઈને આનંદ થયો. થોડી વારમાં ઝૂના વિશાળ કમ્પાઉન્ડમાં બધી બસ ઊભી રહી અને કલબલાટ કરતી નાની–મોટી અને ‘મોટી’ કાબરો ડાઈનિંગ હૉલ પર હલ્લો લઈ ગઈ. ખરેખર તો ત્યાં જમવાનું જ હતું. ઝૂ જોવાનું કાર્યક્રમમાં સામેલ નહોતું. ધારો કે હોત, તો પણ બધાં તો જમવા જ પહેલાં ભાગત ને ? એમ પણ ઝૂ તો બધે જ સરખાં એમ સમજીને કોઈએ જીવ ના બાળ્યો. હમણાં ઝૂની જગ્યાએ કોઈ મોટો મૉલ કે માર્કેટ હોત તો ? જવા દો, અમે પણ જીવ બાળ્યા વગર જમવામાં જીવ પરોવી રહ્યાં.

ટૂરવાળા ભારતીયોની નબળાઈઓનો ભરપૂર લાભ ઊઠાવતા હોય છે. એટલે ભારતીય ભોજનની વ્યવસ્થા એ લોકો પહેલાં કરે ને બીજી શૉપિંગની. ફરવાનાં બે સ્થળ ઓછાં બતાવશે તો કોઈ કંઈ નહીં બોલે, પણ જો ભોજનમાં ભારતીય ટચ ના મળ્યો તો એમનું આવી બને ! અહીંથી જ, દિલ ખુશ થઈ જાય એવા ખાણાંની શરુઆત થઈ ચૂકી હતી. આખા પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં જમ્યાં, ત્યાં ત્યાં કોઈ લગ્નના ભોજનસમારંભમાં જમ્યાં હોઈએ એવું જ લાગ્યું. એ જ બૂફે સ્ટાઈલ, એ જ લાઈનો અને એ જ કકળાટ ! અને સાથે સાથે, ‘આ સારું ને પેલું ઠીક ને આ તો ખાધું જ નહીં ને પેલું ક્યાં છે ?’ની વાતો.

અમે હાથમાં ડિશ લઈને એક તરફ ઊભા હતાં, ત્યારે બારીની બહાર નજર જતાં  જ અમારું દિલ એક થડકારો ચૂકી ગયું. પંદર–વીસ ફૂટની દૂરી પર જ ત્રણ–ચાર અલમસ્ત વાઘ અને વાઘણ આંટા મારતા દેખાયા ! મનમાં વિચારતાં હશે, ‘ખાઓ ખાઓ. અલમસ્ત બનો. પછી અમને અહીંથી છોડતાં જ વાર.તમારા જેવું સ્વાદિષ્ટ ભોજન અમને ક્યાં મળશે ?’ જોકે, આટલી નજીકથી ને આટલા તંદુરસ્ત વાઘ મેં ઘણે વખતે જોયા. બાકી આપણે ત્યાં તો જંગલમાં વાઘદર્શનને નામે ઘરડા ને નબળા વાઘનાં જ દર્શન કરાવવામાં આવે છે. પરદેશના તો વાઘ પણ.......!

ઠીક. જમીને સૌ વળી બસમાં ઉપડયાં પટાયા તરફ. પટાયાના રસ્તે કે પટાયામાં ટુરિસ્ટો માટેની હૉટેલો ગગનચૂંબી કહી શકાય એવી ખરી, બાકી પટાયા ગામ જેવું વધારે લાગે. નીચાં છુટાછવાયાં મકાનો–દુકાનો–ખેતરો–ટેકરીઓ અને દરિયો. પટાયાનું મુખ્ય આકર્ષણ જ દરિયો ને દરિયાના વિવિધ નામધારી કિનારા. દરિયાઈ રમતો અને દરિયાઈ જળચરસૃષ્ટિ ! દરિયાપ્રેમી લોકો તો અહીં રીતસરના ધામા જ નાંખે. પણ જો વધારેમાં વધારે બદનામ અહીં કંઈ હોય તો તે છે, પટાયાની નાઈટલાઈફ ને મસાજ પાર્લર્સ. તોય ધસારો ? બારેમાસ !

અમને તો બેતાલીસ માળની હજાર રૂમવાળી ઊં..ચ્ચી હૉટેલમાં લઈ ગયા એટલે પહેલી નજરે જ બધાં ઘાયલ ! ‘આહ્હા...વાહ વાહ ! મસ્ત હૉટેલ છે ને કંઈ ! ને સામે જ દરિયો ? આપણું તો કામ જ થઈ ગયું. હા...શ ! ચાલો ત્યારે હવે ફટાફટ ફ્રેશ થઈને ઉપડીએ ફરવા. ’ બધાં તો ચાવી લઈને પોતપોતાના રૂમમાં પહોંચ્યાં પણ ખરો ખેલ તો હવે શરૂ થયો ! હૉટેલના રીસેપ્શન કાઉન્ટર પર જે બેઠેલાં તેમના સિવાય આખી હૉટેલના સ્ટાફમાં કોઈ ઈંગ્લિશ સમજે નહીં ને સમજે તો બોલે ને ?  તો કંઈ મદદ કરે ને ? અમે તો ઈશારાની ભાષા ચાલુ કરી. તેમાં વચ્ચે વચ્ચે આદત પ્રમાણે બોલાઈ જાય હિન્દી ને ગુજરાતી ! ઈંગ્લિશ તો ખરું જ પણ કોઈ સમજે ? ખેર, રૂમ અટેન્ડન્ટને એક વસ્તુ સમજાવતાં પાંચ દસ મિનિટ સહેજે નીકળી જતી, પણ મજા પડતી. હસી હસીને આંખમાં પાણી ધસી આવતાં.

ખરી મજા તો હજી આવવાની બાકી હતી. સામાન ગોઠવી, ફ્રેશ થઈ અમે તો તૈયાર થઈ ગયાં નીચે હૉલમાં જવા માટે. પણ રૂમમાંથી નીકળતાં પહેલાં પલ્લવીબહેન એમની બૅગની ફરતે કંઈક શોધતાં જણાયાં.
‘શું શોધો છો ?’
‘મારી બૅગની ચાવી કશે દેખાતી નથી. બૅગ બંધ કરીને ચાવી પર્સમાં મૂકવા જાઉં પણ ક્યારની ચાવી મળતી નથી. લાગે છે કે, ચાવી બૅગમાં જ રહી ગઈ. ’ એમના મોં પર ચિંતા ફરી વળી. (હમણાં નીતિનભાઈ હોત તો ? સારું થયું નથી. શાંતિથી કોઈ રસ્તો નીકળશે. નકામું મારે કોઈ છમકલાના સાક્ષી બનવું પડત.)

ઓહ ! આ તો મોટી તકલીફ થઈ. પહેરેલે કપડે કોઈ અઠવાડિયું ખેંચી પણ નાંખે, પણ પછી દિવસોની આટલી બધી તૈયારીનું શું ? નવા નવા કપડાંનો ખર્ચો તો માથે જ પડે ને ? વળી, આટલી બધી સ્ત્રીઓ પર ઈમ્પ્રેશન કેવી પડે ? બધાંને થોડું કહેવાય કે, બૅગની ચાવી ખોવાઈ ગઈ. પહેરેલે કપડે જ સાત સાત દિવસ પરદેશની સફર ? આખો મૂડ જ મરી જાય કે નહીં ? ને મારો મૂડ પણ ઠેકાણે રહે ? આવું જાણત તો, હું સાત જોડી કપડાં વધારે નાંખી લાવત. પણ હવે શું ? કંઈક તો કરવું જ પડશે. અમને શું ખબર કે, પટાયામાં આવો કોઈ તાળા તોડવાનો પ્રસંગ ઊભો થવાનો છે ? નહીં તો, તાળું તોડવાનો સામાન પણ બૅગમાં નાંખી લાવત. બૅગમાં તો પાછો મેકઅપનો સામાન, ચાલવાના કૅનવાસના બૂટ, થોડાં નકલી ઘરેણાં અને અસલી ડૉલર ! સ્ત્રી થઈને જાતજાતનાં કપડાં ને ઘરેણાં જો ન બદલીએ તો ફિટકાર છે આપણાં પર !

આખરે હૉટેલના રિસેપ્શન પર જેમતેમ બધું સમજાવ્યું, ત્યારે એક અટેન્ડન્ટ આવ્યો. જેવો એ આવ્યો એવું જ અમે બન્ને બોલ્યાં, ‘દેખો ન ભાઈ, યે બૅગકા ચાબી ગૂમ હો ગયા હૈ. ’ પેલો શૂન્ય નજરે અમને તાકી રહ્યો ત્યારે અમે હસી પડતાં ઈશારાથી બૅગ બતાવી અને એણે એક મિનિટમાં તાળું તોડી નાંખ્યું. અમે રાહતનો શ્વાસ લીધો.

બૅગના તાળાની વાતે યાદ આવી અમારાં પાડોશી શાંતાબહેનની તાળાકહાણી !

શનિવાર, 18 ફેબ્રુઆરી, 2017

સુવર્ણભૂમિ એરપોર્ટ–––(૬)


ભારતના લગભગ દરેક નાના કે મોટા શહેરમાં આપણને ગાંધીજીના રસ્તે ચાલવાના મોકા મળે છે. એ રસ્તા શહેરના મુખ્ય માર્ગ ગણાતા હોવાથી, એ રસ્તે ઘણાને અનિચ્છાએ પણ જવું પડતું હશે. ગાંધીજીનું આટલું મોટું નામ અને આટલું માન હોવા છતાં અને ભગવાન પછીના સ્થાને બિરાજેલા હોવા છતાં, નવાઈ એ વાતની છે કે, એમના નામે ગલીએ ગલીએ હૉટેલ નથી ! શંકર વિલાસ કે જલારામ નામધારી કોઈ હૉટેલ જેવી છે તમારા ધ્યાનમાં ? એ તો જવા દો, આટલા મોટા શહેરોના હવાઈમથકો પણ ગાંધી નામથી દૂર જ રહ્યાં ! મુંબઈમાં છત્રપતિ શિવાજીનું રાજ ! દિલ્હીમાં રાજીવ ગાંધી ! (એ બહાને ગાંધી છે ખરા !) કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ અને ચેન્નાઈમાં મીનામ્બક્કમ નામવાળા આંતરરાષ્ટ્રીય હવાઈમથકો છે.

બૅંગકૉકના હવાઈમથકે ઊતરતાં વેંત જ અમારી નજર ગઈ એના નામ પર. આજ સુધી તો આપણને એમ કે; લંકામાં સોનું સસ્તું મળે, જ્યારે અહીં તો બૅંગકૉકના હવાઈઅડ્ડાનું નામ જ ‘સુવર્ણભૂમિ એરપોર્ટ’ ! ચાલો, આપણું તો કામ જ થઈ ગયું. સોનાના ભાવે કે અભાવે તો ખાવાનું ના ભાવે એવા હાલ થઈ ગયા છે, ત્યારે આ સુવર્ણભૂમિ સુધી આવ્યાં છીએ તો આવેલું કંઈક સાર્થક કરશું. મારા વિચારોની પુષ્ટિ કરતી હોય તેમ મારી સાથે ચાલતી બહેને પૂછ્યું, ‘યહાં ભી સોના સસ્તા મિલતા હૈ ?’
‘યહાં ભી મતલબ ?’ મેં નવાઈથી પૂછ્યું. આમને વળી બીજે ક્યાં સોનું સસ્તું મળી ગયું ? ‘મતલબ, હમ લોગ દુબઈ ગયે થે ન, વહાં ભી સોના અપને યહાંસે સસ્તા થા. ’ નક્કી આ લોકો દુબઈથી બે–ચાર કિલો સોનું લઈ આવ્યાં હશે ને અહીં પણ જો સોનું સસ્તું મળે તો લઈ લેવાનાં હશે ! આ સોનાઘેલીનું ભલું પૂછવું. હવે આનું ધ્યાન ફરવા કરતાં સોનામાં જ રહેશે. હશે, મારે શું ? પાછાં ફરતી વખતે કસ્ટમવાળા એને પકડશે તો શું થશે, તેના વિચારમાં હું સુવર્ણભૂમિ પર ડગ માંડતી ગઈ.

આમ પણ બૅંગકૉક શૉપિંગરસિયાઓ માટે તો સ્વર્ગ ગણાય છે. સુવર્ણભૂમિ નામ પાછળ પણ નક્કી કોઈક તો વાર્તા હશે જ અથવા કોઈ ભવ્ય ઈતિહાસ પણ હોય, શી ખબર ? જાણવું પડશે. પણ ઈતિહાસની વાત પછી, તે પહેલાં થોડી અમારી વાત.

ભારતની વસ્તીને હિસાબે સૌને ઘેર ઘેર સ્વચ્છ શૌચાલયની સગવડ નથી એ તો જગજાહેર વાત છે. વળી જેટલા જાહેર શૌચાલયો છે, એટલા જાહેર જનતા માટે હોવા છતાં એમને કામ ન આવે એવી હાલતમાં હોય છે. મજબૂરીએ જવાવાળા કોઈ ને કોઈ રોગના શિકાર ન બને તો જ નવાઈ. આ બહુ મોટો પ્રશ્ન હોવા છતાં, આપણે ત્યાં પેટ્રોલ–ડિઝલ ને મોંઘવારીના મુદ્દે ભારત બંધ રહે છે ! ( જોકે, આપણને લાગેવળગે છે ત્યાં સુધી આપણાથી આમાં કંઈ થઈ ના શકે. ને હવે ફરવા નીકળ્યા ત્યાં દેશના પ્રશ્નોને ક્યાં વચ્ચે લાવવાના ? જવા દો, બીજી કોઈ વાર આ મુદ્દો હાથમાં લઈશું. ) પણ આપણો સ્વભાવ કેવો હોય કે, સતત બે વસ્તુ કે બે જગ્યા કે બે માણસની વચ્ચે જાણેઅજાણે સરખામણી શરુ જ કરી દઈએ ! અહીં એરપોર્ટ પર શૌચાલયનું પાટિયું જોઈ ભારતના વિવિધ શૌચાલયોની યાદ આવી ગઈ !

ટ્રેનની લાંબી મુસાફરીમાં સૌને અનુભવ હશે કે, ટ્રેનના શૌચાલયો ભાગ્યે જ ખાલી રહેતાં હોય છે. જગ્યાના અભાવે લાંબી લાઈનો નથી લાગતી એટલું જ. જ્યારે બસમાં તો શૌચાલયની સગવડ આપવાનું પણ કોઈ વિચારી ના શકે. જ્યાં બસની હાલત જ નાજુક હોય ત્યાં એના પર વધુ બોજો ક્યાં નાંખવો ? એટલે જ ભારતભરના હાઈવે પર જે નાના મોટા ધાબા કે હૉટેલો ફૂટી નીકળી છે, ત્યાં અસ્વચ્છ શૌચાલયોની સગવડ તો એ લોકો પણ આપે છે. હવે બધે જ ચોખ્ખા ટૉઈલેટ્સ ક્યાં લેવા જવા ? એટલે સમજી વિચારીને જ બધા બધે ચલાવ્યે રાખે છે ને બધે ચાલ્યે રાખે છે.  વર્ષોથી આવી બધી હાડમારીઓ વેઠીને પ્રવાસો કર્યા હોય અને અચાનક જ બધે સ્વચ્છ સ્વચ્છ ટૉઈલેટ્સની સગવડ જોવા મળે તો ?

આટલી બધી સ્ત્રીઓને  કારણે બધે લાઈન લાગવી સ્વાભાવિક છે. જોકે, પ્લેનમાં લાઈન લગાવવાનું ફાવે તેમ નહોતું અને મને ખાતરી છે કે, ઘણી સ્ત્રીઓ તો ડર કે સંકોચને કારણે સીટ પરથી ઊઠી જ નહોતી. જેવા બધા એરપોર્ટ પર ઊતર્યા ને ઈમિગ્રેશનમાંથી સુખરૂપ બહાર નીકળ્યા કે, ચોખ્ખા ટૉઈલેટ્સની જાહેરાત થતાં જ ત્યાં ભીડ જામી ગઈ. જો ટૉઈલેટ ચોખ્ખું હોય તો તેને ચોખ્ખું રાખવાનું કામ બહુ આસાન છે, પણ જો ગંદું જ હોય તો નકામી મહેનત કરવાની ! એમ પણ જાહેર ટૉઈલેટ સાથે આપણે શી લેવાદેવા ? એ કંઈ આપણું કામ થોડું છે ? કેવી નવાઈની વાત હતી કે, એ જગ્યાએ એક પણ કર્મચારી ન હોવા છતાં બધે જ પૂરેપૂરી સ્વચ્છતા હતી અને ભારતીય સ્ત્રીઓએ એમાં પૂરેપૂરો સહકાર પણ આપ્યો !

ખેર, એરપોર્ટ ભવ્ય છે, વિશાળ છે, સુંદર છે ને જોવાલાયક પણ છે એ તો કહેવાનું જ રહી ગયું– આ બધી ખટપટમાં ! મુખ્ય વાત તે, પ્લેનમાંથી બહાર નીકળીને ચાલવાનું જે શરૂ થાય તે પૂરું જ ન થાય ! એક તો મસ્ત મજાની વહેલી સવારનો સમય અને પારદર્શક કાચમાંથી બહાર દેખાતું મનોહર દ્રશ્ય. દિવાલો પર નિરાંતે જોયા કરીએ એવાં સુંદર વિશાળ ચિત્રો, પ્રાચીન કથાનાં પાત્રોની જીવંત લાગે એવી ભવ્ય મૂર્તિઓ અને અવનવી ચમકતી જાહેરાતો જોતાં જોતાં કેટલું ચાલી નાંખ્યું એનો કોઈ અંદાજ ન આવે. એમ પણ પ્રવાસની શરુઆતની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે થાક ક્યાં લાગે ? કાચના મોટા બોગદામાંથી પસાર થતાં હોઈએ એવું લાગે. એક તરફ થાક ખાતાં કે ઊડવાની તૈયારી કરતાં પ્લેન ઊભેલા. બીજી તરફ અમે સૌ પ્લેનમાંથી નીકળીને હવે ક્યાં જઈશું તેના મીઠા ખયાલોમાં  ડૂબેલાં !

આખરે એ ઘડી આવી ગઈ જ્યારે; અમે સૌ સુવર્ણભૂમિની સૈર માટે તૈયાર હતાં, આખી રાતના ઉજાગરા ને પ્લેનની મુસાફરી છતાં ! ઓર્કિડનાં સુંદર ફૂલોની માળાથી અમારું સ્વાગત થયું. વેલકમ ડ્રિંક અપાયું ને પછી બહાર લાઈનબંધ ઊભેલી લક્ઝરી બસોમાં અમને સૌને ખડકી દેવાયાં ? નહીં, ધકેલી દેવાયાં ? ના રે ના, માનપૂર્વક ને પ્રેમપૂર્વક મોકલીને બેસાડી દેવાયાં. મને ને પલ્લવીબહેનને તો અહીં આવીને જાણ થઈ કે, અમે સૌ અઢીસો નહીં પણ પાંચસો જગદંબાઓ છીએ !  સૌ માતાઓ ઓર્કિડનાં ફૂલો સોહાવીને ખુશ હતી. કોઈને કાંડે તો કોઈને કાને, કોઈના ગળામાં તો ઘણાંની લટોમાં પણ ફૂલો શોભી રહ્યાં હતાં. સ્ત્રીઓને શણગારના મામલે કંઈ શીખવવું ના પડે. બાર બાર બસમાં તો અમારી જાન રવાના થઈ ! મુંબઈની ટૂર કંપની હોવાથી પ્રવાસની શરુઆત થઈ બાપ્પાના જયઘોષથી.......ગણપતિ બાપ્પા મોરિયા......

ઓહ ! એરપોર્ટના નામકરણની વાત તો રહી જ ગઈ ! જવા દો ને નામની પંચાત. સુવર્ણભૂમિ નામ જ કાફી નથી ? આપણે પ્રવાસની મજા લઈએ.

રવિવાર, 12 ફેબ્રુઆરી, 2017

સ્ત્રીઓની ફેંકમફેંક––(૫)


સહપ્રવાસી તરીકે જો સ્ત્રી હોય ને તે પાછી જો વાતગરી હોય, તો એની વાતોથી જેનું માથું દુ:ખે તેનું ભલે દુ:ખે પણ મને તો જલસા થઈ જાય. દુનિયાભરની વાતોનો ખજાનો ખૂલે તે તો ખરું જ, પણ અજબગજબના હાવભાવો ને અવાજના અવનવા આરોહ–અવરોહોનું મિશ્રણ કોના નસીબમાં ? અમારા પ્રવાસમાં તો ફક્ત સ્ત્રીઓ જ હતી અને પ્લેનમાં કોઈએ વાત ન કરવી એવો કોઈ નિયમ પણ નહોતો. બસ, પછી શું જોઈએ ? ભલે ને પ્લેનમાં ટ્રેનના ડબ્બા જેવો ઈકોનોમી ક્લાસ હોય, પણ બેસવાનું તો બધાએ સીટ નંબર મુજબ જ. સિવાય કે, કોઈ સીટની અદલાબદલી સ્વીકારવા તૈયાર થાય તો જોઈતી સીટ મળે. અમારું પ્લેન તો અડધી રાતે ઉપડવાનું હતું અને બારીની બહાર તો કંઈ દેખાવાનું નહોતું, તોય આદત મુજબ બારી પાસેની સીટ માટે આજીજીઓ ચાલુ હતી. જ્યારે સામે પક્ષે, ‘અમારી સીટ છે, અમે શું કામ છોડીએ ?’ જેવી નારાજગી દેખાતી હતી.

મારી ને પલ્લવીબહેનની સીટ વચ્ચે ખાસ્સી દૂરી હતી. અમે બન્નેએ અમારી પાડોશણોને વિનંતી કરી જોઈ, પણ ડોળા ફરતાં અમે એકબીજાથી દૂર બેસવાનું પસંદ કર્યું. જવા દો, ચાર કલાકનો જ સવાલ છે, સમજી મન વાળ્યું. મૂળ કારણ તો પછીથી ખબર પડી કે, એક વાર સીટમાં બેસી ગયા પછી (ફસાઈ ગયા પછી), ફરીથી જેમતેમ ઊભા થવાનું અને બીજી સીટમાં ગોઠવાવાનું દુષ્કર ને કંટાળાજનક કામ કરવા કોઈ તૈયાર નહોતું. અમે સહપ્રવાસીઓએ પરસ્પર સમજી લીધું કે, આપણે એકબીજાને સહન કરવાનાં છે.

દરેકના મનમાં શું હશે તે કેમ ખબર પડે ? કોઈને પહેલી વાર પ્લેનમાં બેસવાનો ડર હશે, તો કોઈને રોમાંચ હશે. કોઈને કસ્ટમ ઓફિસરની બીક હશે, તો કોઈને એર હોસ્ટેસને જોવાનો ને મળવાનો ઉમળકો હશે. (જાણે કે સ્વર્ગની અપ્સરાનાં દર્શન કરવાનાં હોય !) કોઈને પોતાના સામાનની ચિંતા હશે, તો કોઈને પ્લેનમાં મળતાં ભોજનની ફિકર હશે. સ્ત્રી અને ચિંતા શબ્દોનો વધુ વિસ્તાર કરું, એના કરતાં પ્લેનમાં દાખલ થતી દરેક સુંદરીને જરા ધ્યાનથી જોઉં તો મને વધુ આનંદ મળશે, એમ વિચારી મેં મારું સમગ્ર ધ્યાન આગંતુક બહેનો–માતાઓ તરફ વાળ્યું. જેને બારી પાસે જગ્યા નહોતી મળી તે સૌ ઢીલી ચાલે પોતાની સીટ તરફ આગળ વધતી. (આખું પ્લેન જ પારદર્શક કાચ/પ્લાસ્ટિકનું બનાવે તો કાયમનો ઝઘડો જ ખતમ !) જોકે સંતોષી સ્ત્રીઓ તો જ્યાં સીટ નંબર હતો, ત્યાં ડાહીડમરી થઈને ગોઠવાઈ ગયેલી. ભલભલા રાજાઓની ગાદી ગઈ ને ભલભલા પ્રધાનોની ખુરશીઓ ગઈ, ત્યાં બે–ચાર કલાકની મુસાફરીમાં જગ્યાનો શો હરખ શોક કરવો ?

પ્લેનમાં પણ શાંતિ નહોતી. ગણગણાટે શોરબકોરનું સ્થાન થોડી જ પળોમાં લઈ લીધું અને પાયલટે માઈકમાં જાહેરાત કરવી પડી, ‘બહેનો, દીકરીઓ અને માતાઓ, તમે જો શાંતિ રાખો ને પેટે પાટો બાંધીને પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો હું વિમાન ઉડાડવાની તૈયારી કરું. ધન્યવાદ. ’ બે જ મિનિટમાં શાંત થયેલું પ્લેન હવામાં ઊંચકાયું અને બૅંગકૉક તરફ રવાના થયું. અમુક સ્ત્રીઓએ આંખો બંધ કરી દીધી હશે ને અમુકે જીવનરક્ષા મંત્રનો જાપ ચાલુ કરી દીધો હશે એની મને ખાત્રી હતી. મારે સાબિતી શોધવા બહુ ફાંફાં ન મારવા પડ્યા. મારી સહપ્રવાસીમાંથી એકે મારું કાંડું જોરમાં પકડી લીધું અને બીજી તો કાનમાં આંગળાં નાંખી આંખો મીંચીને ટટાર બેસી ગઈ ! અને હું ? બન્નેને જોવાનો આનંદ માણી રહી. આ જ તો મજા છે, આપણને બીજું શું જોઈએ ?

સ્વાભાવિક છે કે, એક જ જગ્યાએ અને એક જ ગ્રૂપમાં જવાની હોવાથી, ચાર ચાર કલાક સુધી તો કોઈ જ ચૂપચાપ ન બેસી શકે ને ? પોતાની ઈમેજ બગાડવામાં કોઈને રસ નહોતો, એટલે ધીરે ધીરે આજુબાજુવાળી સાથે સૌએ વાતોની શરુઆત કરવા માંડી. ‘તમારું નામ શું ?’ અને ‘તમે ક્યાંથી આવો ?’ જેવા સામાન્ય સવાલો પૂછાયા. ‘ક્યાં જવાના ?’ એવું ટ્રેનમાં ચાલે, અહીં તો બધાને ખબર જ હતી ! પછી તો, ‘તમે ગુજરાતી ને અમે મરાઠી ને પેલાં બહેન બંગાળી ને ઓલાં બહેન મદ્રાસી’ જેવી ઓળખાણો ચાલી. મેં ધારી લીધું કે, હવે પછીના સવાલોમાં શહેરની ગલીઓથી માંડીને દીકરા–દીકરીના સાસરાવાળા પણ સમાઈ જવાના છે. ખેર, ચાર કલાક એક જ બેઠક પર પસાર કરવા કંઈ સહેલી વાત છે ? અહીં કોઈ રોજ પ્લેનમાં અપ–ડાઉન નહોતું કરતું કે, બેસતાં વેંત જ વટાણા છોલવા માંડે કે પછી ભરતગૂંથણના સોયા કાઢીને બેસી જાય ! અહીં તો અજાણી જગ્યા અને અજાણ્યા લોકો સાથે મૈત્રી કરવાની પહેલ કરવાની હતી. કેમ કોઈ પાછળ રહે ? હું પણ નહીં.

જો મારી આજુબાજુમાં કોઈ મોટાઈ મારતું હોય, સાચી કે ખોટી– તો મને ગુસ્સો આવતો નથી. ન તો હું એને મારી મોટાઈ બતાવી દેવાના કોઈ ખોટા ખયાલોમાં રાચવા માંડું. ચૂપચાપ એમની વાતો સાંભળ્યા કરું ને ખુશ થયા કરું. આપણે કેટલા ટકા ? મારી બાજુમાં પાંત્રીસેક વર્ષની એક સુંદર યુવતી બેઠેલી. મુંબઈની કોઈ મોટી બૅંકમાં સીનિયર મૅનેજર હતી. વરસમાં ચાર વાર ફોરેન ટૂર મારતી. આ વખતે ફક્ત ચેઈન્જ ખાતર લેડીઝ ગૃપમાં જોડાયેલી. એની બાજુમાં જે બહેન બેઠેલાં, તે એકદમ સાદાસીધાં લાગે. બહુ ઠઠારો નહીં. મેં અનુમાન લગાવ્યું કે, પહેલી વાર બિચારાં પરદેશ જતાં લાગે છે. (જાણે કે, હું તો દર અઠવાડિયે.......હંહ !) પતિના રિટાયરમેન્ટનો સીધો ફાયદો ઊઠાવી લીધો લાગે છે. અથવા તો, બાળકો સારું કમાતા હશે તે એમણે મમ્મીને જાતરા કરાવવાને બદલે બૅંગકૉકની ટૂરમાં મોકલી આપી ! (મન ક્યાં ક્યાં દોડે છે !) એમની વાતોથી જાણ્યું કે, છેલ્લાં બાર વર્ષોથી એ આ ગૃપ સાથે પરદેશની ટૂરોમાં ફરતાં રહે છે ! યુરોપ, અમેરિકા ને જાપાન તો બબ્બે વખત જઈ આવ્યાં ! મારું માથું ચકરાઈ ગયું. મારું જીવતર ધૂળમાં જ ગયું ને ? જીવ્યા કરતાં જોયું ભલું, એ વાત આ બહેને કેટલી સરળતાથી પચાવી હશે ? ને આપણે બીજાની પંચાત કરતાં જ રહી ગયાં. મેં આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવા શરુ કર્યા કે, પેલી મૅનેજરે પૂછ્યું, ‘ગભરાટ થાય છે ? એર હૉસ્ટેસને બોલાવું ?’ મેં હસીને ના પાડી. મારી બેચેનીનું કારણ કેવી રીતે કહું ?

આ બે જણી સાચું બોલે છે ? મને કેમ વિશ્વાસ નથી બેસતો ? એરપોર્ટ પર સાંભળ્યા મુજબ તો, કોઈ ટીવી સિરિયલમાં કામ કરતી હતી, તો કોઈ બહુ મોટો બિઝનેસ સંભાળતી હતી ! કોઈ રેડિયો સિંગર હતી, તો કોઈ એક્સપર્ટ સ્વિમર હતી. કોઈ હૉટેલમાં હેડ શેફ હતી, તો કોઈ ટ્રૅકિંગની શોખીન. આ બધામાંથી, અડધા ઉપરની સ્ત્રીઓ તો આ ટૂરવાળાઓની કાયમી ગ્રાહક હતી. આ બધું જાણીને કોઈને બી ચક્કર આવી જાય કે નહીં ?

શું સ્ત્રીઓ આટલી બધી હોશિયાર છે ? એ વળી ક્યારથી થઈ ગઈ ? આ બધી તદ્દન ગપોડી છે કે પછી, સ્ત્રીઓની દુનિયામાં મારા પહેલા પ્રવેશે મને ચોંકાવી દીધી છે ? આ બધીઓ તો પાછી એકલી જ બધે ફરે છે ! સાથ છે તો, બહેનપણી કે કોઈ કુટુંબીનો. આને કે’વાય ખરો પૂંછડા વગરનો પ્રવાસ ! વાહ વાહ ! ન માનવાનું કોઈ કારણ જ નથી. ભલે ને થોડાં વધારે ગપ્પાં બી મારી લેતી. ભલે ને મારા જેવીને જલાવતી ને ખુશ થતી. હમણાં જો હું એમ કહેત કે, ‘હું લેખક છું. મેં ૩–૪ પુસ્તકો લખ્યાં છે ને મારી છાપામાં કૉલમ ચાલે છે ને મૅગેઝિનોમાં પણ લેખો આવે છે. ’ (મારી બીજી સિધ્ધિઓ મને ત્યારે યાદ ન આવી, નહીં તો લિસ્ટ હજી લાંબું થાત.) તો શું એ લોકો મારી વાતને ગપ્પું માનત ? બહુ બહુ તો એમ કહેત કે, ‘તમે લખતાં હશો માની લઈએ, પણ તમે હાસ્યલેખક છો એટલું મોટું ગપ્પું નહીં મારો તો ચાલશે. તમને જોઈને તો બિલકુલ માનવામાં નથી આવતું કે......’ (!) તો શું એમની વાતો મારે માની લેવી ? હું ને ગપ્પીદાસ ? એમ તો પલ્લવીબહેન પણ ડૉક્ટર છે; તો શું એમને જોઈને કોઈ ના પાડશે કે, ‘પ્લીઝ, આવડું મોટું ગપ્પું નહીં મારો. ’

એટલે, મારે પણ મન સાથે સમાધાન કરવું જ પડ્યું કે, આ બધી ભારતીય, સાહસિક નારીઓ ફેંકમફેંક નહોતી કરતી. બધી સાચી જ હતી !

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2017

સહપ્રવાસી–––(૪)

(ભૂલથી આ જ લેખની લિન્ક ફરી મોકલાઈ હોવાથી હવે પછીના લેખની લિન્ક છે–
http://kalpanadesai-in.blogspot.in/2017/02/blog-post_12.html અથવા બ્લૉગ પર જ જમણી બાજુ લિસ્ટમાં જુઓ લેખ, ‘સ્ત્રીઓની ફેંકમફેંક’)
પ્રવાસમાં આપણા સહપ્રવાસી બે જાતના હોય. આપણે પસંદ કરેલા એટલે કે, પ્રવાસના વિચારમાત્રથી મનમાં ગોઠવાઈ જનારા, પહેલેથી છેલ્લે સુધી સાથે રહેનારા અને સુખદુ:ખમાં પણ સાથ ન છોડનારા એવા જાણીતા થઈ ગયેલા મિત્રો કે સ્નેહીઓ હોય. બીજા સહપ્રવાસીઓ તદ્દન અજાણ્યા હોય, પણ પ્રવાસમાં ફક્ત સીટ નંબરને કારણે આપણા સહપ્રવાસી બનવાનો લાભ મેળવી જનારા હોય !

પ્રવાસ નાનો હોય કે મોટો, બે કલાકનો હોય કે બાર દિવસનો હોય, સહપ્રવાસી બાબતે હું બહુ ઊંચા જીવે રહું. બાજુમાં કોણ જાણે કોણ આવશે ! કોઈ ભાઈ ન આવે તો સારું. બાઈ આવે તો નિરાંત. (પુરુષો પણ આવું જ વિચારે કે......). ખેર, બધા જ કંઈ ચોર કે ખરાબ હોય એવું નહીં પણ જ્યાં ને ત્યાં પ્રવાસીઓ માટે ચેતવણી લખેલી હોવાથી હું સાવધાન ને સતર્ક રહું છું. જમાનો ઘણો બદલાઈ ગયો છે. દયા–માયા કે ભલમનસાઈના દિવસો હવે રહ્યા નથી. તેમાં પણ જ્યારથી મેં ઘેનવાળી બિસ્કીટ ખવડાવીને મુસાફરોને લૂંટનારાની વાતો સાંભળેલી, ત્યારથી તો કોઈના બિસ્કીટના પૅકેટ સામે પણ જોવાનું મેં છોડી દીધેલું. જેવું મારી આજુબાજુ કોઈ બિસ્કીટનું પૅકેટ કાઢે કે હું બારીની બહાર જોવા માંડું. એટલે એમ નહીં સમજતા કે, એ લોકો બટાકાવડાં કે સમોસાં ખાતાં હોય તો હું એમને આશાભરી આંખે જોયા કરું. ભૂખે બેભાન બનવા હું તૈયાર પણ બિસ્કીટ ખાઈને નહીં.

સહપ્રવાસી બાબતે બીજી ચિંતા મને બીડી–સિગારેટ પીવાવાળાથી થતી. ઘણાં વર્ષોથી જાહેરમાં ધુમ્રપાન પર પ્રતિબંધ હોવાથી, હવે મને ટ્રેન કે બસમાં ઉધરસ આવતી નથી કે ગુસ્સો નથી આવતો. જોકે બકરું કાઢતાં ઊંટ પેઠું છે તે, લોકો માવો ખાઈને જ્યાં બેઠાં હોય ત્યાં જ મજેથી થૂંકી દે છે અથવા બારીમાંથી પીચકારી છોડે છે. બસમાં જો હું પાછળની સીટ પર બેઠી હોઉં તો, ઊભી થઈને થૂંકનારના માથે બૅગ પછાડીને એને બેભાન કરવાનો જુસ્સો ચડીજાય, પણ ‘એય ! જોઈને થૂંકો. (પાછળ કોણ બેઠું છે, ખબર છે ?) અહીં અમારા પર બધું ઉડે છે.’ બસ, વધારે કંઈ નહીં. ને જો બાજુવાળા માવો ચગળતા હોય તો ? કંઈ નહીં. મોંએ રૂમાલ દાબીને બેસી રહું. એમ થોડું કહેવાય કે, ‘એ.....ય ! કેમ માવો ખાઓ છો ? તમારું મોં ગંધાય છે.’ (એ રીતે જોવા જઈએ તો; બીડી–સિગારેટવાળાની નિરાંત હતી કે, જેવું કોઈ કહે કે તરત બીડી ફેંકી દેતા.

ખેર, કોઈ પણ પ્રવાસે નીકળ્યાં હોઈએ ત્યારે મગજમાં આગલા પ્રવાસોના જાતજાતના અનુભવોની ફિલ્મ ફરતી હોય. મારા મનમાં દિલ્હીના પ્રવાસની વાતો ઘુમરાતી હતી ! ઘણી વાર એવું બને કે, સ્ત્રીઓને અઠવાડિયા– દસ દિવસની છુટ્ટી મળી જાય ને આકાશવાણી થાય કે, ‘જા બચ્ચી, થોડા દિવસ તું બધી જવાબદારીમાંથી મુક્ત છે. તારે જે ખાવુંપીવું હોય તે ખાઈ–પી લે. જ્યાં ફરવું હોય ત્યાં ફરી લે. (ભટકી લે.) કોઈ તારા માથા પર નહીં બેસે એની સો ટકા ગૅરંટી અને તારે કોઈનું ટેન્શન નહીં લેવું પડે એની બસો ટકા ગૅરંટી.’ આવું વરદાન અચાનક જ મળી જાય તો ? મળેલું, મને જ મળેલું ! અને વરદાન મળતાં જ હું તો આભી બની ગયેલી. કહો કે, ગૂંગી ને બહેરી જ બની ગયેલી. શું કરવું ને ક્યાં જવું (ભટકવા) તે સમજાયું નહોતું. યાદ આવે તો ને ? ત્યારે તરત જ હેમાબહેનની યાદ મદદે આવેલી.

ગયે વરસે અમે દિલ્હી ગયેલાં ત્યારની વાતો હજી દિમાગમાંથી નીકળી નહોતી. અમે એટલે હું અને હેમાબહેન. હેમાબહેન સ્વભાવે વાતગરાં. એમને વાત કરવાની સારી ફાવટ. કોઈની પણ સાથે વાતે લાગી જાય ! એમ બીજી કોઈ ખટપટ નહીં એટલે એ બોલ્યા કરે ને મારે સાંભળ્યા કરવાનું અથવા વાતની મજા લેવાની અથવા ઊંઘી જવાનું ! હેમાબહેનને એનું જરાય ખરાબ પણ ન લાગે. મારા પૂછતાં જ એ તો સહપ્રવાસી બનવા તેયાર થઈ ગયાં. સફરમાં જો કે મને એમના કારણે ફાયદો પણ થયો. અમારા સામાનની સઘળી જવાબદારી હેમાબહેન પોતાને માથે લઈ લેતાં. કૂલી સાથે રકઝક કરવાથી માંડીને, એની પાસે ટ્રેનમાં સામાન મુકાવવાથી લઈને પાછો પહોંચવાના સ્ટેશને પણ સામાન ગણીને વ્યવસ્થિત ઉતારવાનું માથાકૂટિયું કામ હેમાબહેન હોંશે હોંશે પાર પાડતાં ને તેય વાતવાતમાં ! (એટલે કે, વાત કરતાં કરતાં !) સાચું કહું તો, હું તો એવા સમયે તદ્દન બાઘી જ સાબિત થતી. પણ એનો શો રંજ કરવાનો ?

તે રાત્રે તો, સૂરતથી રાજધાનીમાં દાખલ થતાં જ વાર. હેમાબહેનમાં તો માતા પ્રવેશ્યાં હોય એમ એમનામાં અનેરું જોશ પ્રગટ્યું. રસ્તામાં આવતા દરેક અંતરાયને બબડતાં ને હાથના ધક્કાથી બાજુએ ખસેડતાં, એ તો કોઈ રણચંડીની અદાથી સીટ સુધી પહોંચી ગયાં. ઝપાટાભેર પોતાનું પર્સ બારી પાસેની ખાલી સીટ પર મૂકી અમારા સામાનને સીટ નીચે ગોઠવવાની મથામણ કરતાં રહ્યાં. જેમતેમ બધો સામાન સીંચીને વિજયીની અદાથી બે હાથ કમર પર ગોઠવી એમણે મારી સામે જોઈ સ્માઈલ આપ્યું. ‘ચાલો, પત્યું. ’ ને ફરી એક નજર સામાન પર ને આજુબાજુ, ઉપરનીચે નાંખી સંતોષનો શ્વાસ લીધો. અચાનક બેબાકળાં બની એમણે ચીસ પાડી, ‘હાય હાય ! મારું પર્સ ?’ કોઈ પણ સ્ત્રીનું પર્સ ગુમ થાય એટલે એનો આત્મા થોડી જ વારમાં ક્યાંનો ક્યાં ભટકી આવે ! મેં હેમાબહેનના ભટકતા આત્માને બીજી સીટ પર પડેલા પર્સ પર સ્થિર કર્યો. ‘ આ અહીં કોણે મૂક્યું ?’ મેં ગભરાતાં એક ભાઈ તરફ ઈશારો કર્યો. પેલા ભાઈ તો વગર કારણે તોબરો ચડાવીને દુનિયાભરનો ભાર પોતાના માથે લઈ બેઠેલા તે બોલ્યા, ‘ આ મારી સીટ છે. ’

ખલાસ ! આવી બન્યું ! ‘ હા, તે મેં ક્યાં ના પાડી ? તમે જોઈએ તો તમારી સીટ પર બેસજો, સૂઈ જજો, નાચજો, કૂદજો ને ઘરે પણ લઈ જજો. મેં બે ઘડી પર્સ મૂક્યું તો કયો દલ્લો લૂટાઈ ગયો ?’ હેમાબહેનનો આત્મા બેકાબૂ બન્યો. પરિસ્થિતિ બેકાબૂ ન બને એટલે મેં હેમાબહેનનો હાથ દાબ્યો. પેલા ભાઈ પણ સીટ બાબતે કંઈ સાંભળવા તૈયાર નહોતા.
‘મેં બે મહિના પહેલાં સીટ બુક કરાવેલી. ’
‘અમે તો આખી બોગી જ બુક કરવાના હતાં. અમને હતું જ કે, તમારા જેવા કોઈ ને કોઈ તો ભટકાવાના જ છે પણ આ બહેને ના પાડી. ’ હેમાબહેને તો ઝઘડામાં મને સંડોવી. હું તો ગભરાઈને આમતેમ ફાંફાં મારવા લાગી. આખરે પેલા ભાઈના પાડોશીએ એમને સમજાવી શાંત પાડ્યા, ‘હવે બેસી ગયા ને ? જવા દો, બહેનો સાથે ક્યાં જીભાજોડી કરો છો ?’ (‘પહોંચી નહીં વળાય, માંડી વાળો. ’ બોલવાનું એમણે ટાળ્યું એવું મને કેમ લાગ્યું ?) ખેર, વાત પતી ગઈ આખરે.

થોડી વારમાં ટ્રેન શરુ થઈ અને બધાંએ એકબીજાની સામે ને સીટની ઉપરનીચે ને આજુબાજુ જોવાનું શરુ કર્યું. કામ તો કંઈ હતું નહીં. પેલા સીટવાળા ભાઈ સિવાય બધા પોતપોતાની વાતે લાગ્યા. ગંભીર ચહેરે એ ભાઈએ તો શર્ટ ને પૅંટના ખિસામાંથી વારાફરતી ત્રણ મોબાઈલ કાઢી, એક પછી એક મોબાઈલ પર નંબર લગાવી મોટેમોટેથી મોટીમોટી વાતો ફેંકવા માંડી. (કદાચ એ સાચો હોય તો પણ પરિસ્થિતિ અને એનું મોં એવું હતું કે, એ હેમાબહેન પર રુઆબ છાંટવા માંગતો હોય એવું જ લાગે.) હેમાબહેનના ચહેરાની રેખાઓ તંગ થવા માંડતાં મેં મારા સ્વભાવ વિરુદ્ધ પેલા ભાઈને અમસ્તું જ પૂછ્યું, ‘ક્યાં જવાના– દિલ્હી ?’

એ ભાઈ પણ હેમાબહેન જેવા જ નીકળ્યા ! વાતમાં શૂરા ! એક જ સવાલનો એક જ જવાબ અને તે પણ એક જ અક્ષરમાં કે ડોકું ધુણાવીને આપવામાં એ નો’તા માનતા ! લાંબા પ્રવાસમાં આવી ટુંકાક્ષરી રમતમાં મજા ન આવે,  એ મને અંતાક્ષરી જેવી લાંબી લાંબી વાતોમાં જાણવા મળ્યું. એ ભાઈ સૂરતની કોઈ ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા હતા. પત્યું ? હેમાબહેનનો આખો મિજાજ બદલાઈ ગયો.

‘સૂરતની કઈ માર્કેટમાં તમારી સાડીની દુકાન છે ?’ જાણે કંઈ બન્યું જ ન હોય એમ હસતાં હસતાં (!) ઉમેર્યું, ‘અમે આવીએ તો અમને સસ્તામાં સાડી મળે ? (‘તમને તો નહીં જ આપું.’ એવું પેલા ભાઈએ વિચાર્યું હશે.) અમારી સાથે પાડોશણોને, મિત્રોને, સગાંઓને લાવીએ તો બધાંને તમે સસ્તી સાડી આપો ? સાડી ન ગમે તો બદલી આપો ? કેટલાથી કેટલા સુધીની રેઈન્જ છે ? વર્કવાળી રાખો કે ? ડેઈલી વેરની પણ મળે ? (કોની સાથે વેર વાળવું છે ?) સૂટનું કાપડ બીજે કેવું મળે ?........’ એમના પ્રશ્નોનો છેડો પકડવામાં મને સરિયામ નિષ્ફળતા જ મળી. પેલા ભાઈ તો હેમાબહેનને ટપે તેવા નીકળ્યા ! પોતાની દુકાન ને માર્કેટ ને સૂરત ને દિલ્હીની વાતે જે લાગ્યા....લાગ્યા....લાગ્યા.... તે ઠે....ઠ દિલ્હી આવ્યું ત્યાં સુધી એ લોકોની વાતો ચાલી. વચ્ચે વચ્ચે જો કે બાકીના સહપ્રવાસીઓ પણ સગવડ ને રસ મુજબ વાતોમાં આવ–જા કરતા રહ્યા. એ દરમિયાન મેં તો શાંતિથી મારું જમવાનું, ઊંઘવાનું ને વાંચવાનું પતાવ્યું. ટિકિટના પૈસા પણ વસૂલ કરવાના કે નહીં ? એમ તો એ લોકો પણ જમ્યા, પણ શું જમ્યા તે એ લોકો જ જાણે !

ટ્રેનની સફરનો મજાનો અનુભવ લીધા પછી સ્વાભાવિક છે કે, હવાઈ સફરની મજા માણવાનું મન થાય. ને કેમ નહીં ? જો બગાસું ખાતાં મોંમાં પતાસું જ પડવાનું હોય તો હવાઈ સફરમાં શું ખોટું ? અને સફરમાં સહપ્રવાસી વગર શી મજા ? જોકે, સહપ્રવાસી પસંદથી નથી મળતાં, સગાંવહાલાંની જેમ ! આપણો પ્રવાસ આપણા હાથમાં હોય છે. પંખીના માળાને યાદ રાખીએ તો બહુ તકલીફ પડતી નથી. જોઈએ કોણ આવે છે, હેરાન થવા કે કરવા ?