રવિવાર, 26 ફેબ્રુઆરી, 2017

પટાયા કેટલું ખરાબ ? કેટલું સારું ?––(૭)


ભારતમાં બધા રાજ્યોની સરખામણીએ ગુજરાતના રસ્તા ખાસ્સા વખાણવા લાયક હોય છે. તોય, ખબર નહીં કેમ ગુજરાતીઓ પણ બધાની સાથે પરદેશના રસ્તા જોઈને બાઘા બની જાય ! ‘આપણી બસ તો આમ પાણીના રેલાની જેમ લસરે છે. જરાય ખબર પડે છે ? ને ચોખ્ખાઈ તો જુઓ !’ જાણે કે આપણે ખાસ રસ્તા જોવા જ આવ્યાં હોઇએ એમ રસ્તા પરથી નજર જ ના હટે. તેમાંય મનમોહક ફ્લોરેસન્ટ રંગોવાળી ટેક્સીઓ તો જાણે જાતજાતની રંગોળી પૂરતી રહે. ગુલાબી–લીલી અને ભૂરી ટૅક્સીઓની આજુબાજુ સરકતી બસોની સાથે સાથે, ટ્રાફિકના નિયમો પાળતી અવનવી ગાડીઓ પણ ખરી. જોવા જેવી તો ત્યાંની બાઈકસવાર લલનાઓ. ભયંકર તાપમાં પણ બુકાની વગર ને હાથે લાંબા સફેદ મોજાં પહેર્યા વગર, ફક્ત હેલ્મેટથી સજ્જ થઈને ઝૂ...મ કરતી જે નીકળે તે જોઈને થાય કે, વાહ ! આ લોકોની ચામડીમાં એવું તે કયું લોહી વહે છે, જે આ છોકરીઓ કાળી નથી પડતી ?

અમારી બસ તો બૅંગકૉકથી પટાયા જવા ઊપડી ચૂકી હતી. અમે રસ્તા જોઈને પરવાર્યાં, એટલે અમારી બસમાં આગળ બેઠેલી બે છોકરીઓએ પોતાની ઓળખાણ આપી, ‘હલો....નમસ્કા....ર. હું ગૌરી ગોખલે, પટાયા–બૅંગકૉકની આ સુહાની સફરમાં તમારું સ્વાગત કરું છું. હવે થોડી વારમાં જ ‘શ્રી રાંચા ઝૂ’ નામની જગ્યાએ આપણે લંચ લેવા થોભશું. ત્યાંથી પટાયા પહોંચ્યા બાદ સૌને પોતાના રૂમની ચાવી અપાશે.  સૌએ પોતાનો સામાન મૂકી ફ્રેશ થઈ એક કલાકમાં જ નીચે હૉલમાં ભેગાં થવાનું છે. આગળનો કાર્યક્રમ તમને ત્યાં જ જણાવાશે. આ એક અઠવાડિયું આપણે સાથે રહીશું. મારું નામ અને બસનું નામ કાજોલ છે તે યાદ રાખજો. તમારી પાસેના કાર્ડમાં અમારા ફોન નંબર અને હૉટેલના નંબર પણ છે. રોજ સમયસર હાજર થઈ જશો તો તમને જ ફાયદો છે. તમારે લીધે બીજાની ટૂર ન બગડે તે ધ્યાન રાખજો. શુભ યાત્રા. આભાર. ’

‘હલો....સવાદી ખા...’ થાઈલૅન્ડની ગાઈડે બત્રીસી બતાવતી સ્માઈલ સાથે ઝીણી આંખોને વધુ ઝીણી કરતાં બધાને સલામ કરી. ‘નમસ્કાર. માય નેમ ઈઝ ઓ....’ કહેતાં એણે આખી બસમાં એક તોફાની નજર ફેરવી.
‘ઓ... !’ સમૂહ આશ્ચર્યનો પડઘો પડ્યો.
‘યસ.. ઓ. ’ ફરી એ જ શરારતી મુસ્કાન.
‘ઓહ !’
એવું જાણવા મળ્યું કે, બધાનાં લાંબાં નામ હોય તે બોલવાનું કદાચ ટુરિસ્ટોને ના ફાવે તે બીકે જ બધાંનાં નામ આવાં ટૂંકાક્ષરી ! મારી ધારણા સાચી જ પડી. બીજી બસની ગાઈડનું નામ ઉ હતું ! આપણું અ, આ, ઇ, ઈ આ રીતે વપરાતું જોઈને આનંદ થયો. થોડી વારમાં ઝૂના વિશાળ કમ્પાઉન્ડમાં બધી બસ ઊભી રહી અને કલબલાટ કરતી નાની–મોટી અને ‘મોટી’ કાબરો ડાઈનિંગ હૉલ પર હલ્લો લઈ ગઈ. ખરેખર તો ત્યાં જમવાનું જ હતું. ઝૂ જોવાનું કાર્યક્રમમાં સામેલ નહોતું. ધારો કે હોત, તો પણ બધાં તો જમવા જ પહેલાં ભાગત ને ? એમ પણ ઝૂ તો બધે જ સરખાં એમ સમજીને કોઈએ જીવ ના બાળ્યો. હમણાં ઝૂની જગ્યાએ કોઈ મોટો મૉલ કે માર્કેટ હોત તો ? જવા દો, અમે પણ જીવ બાળ્યા વગર જમવામાં જીવ પરોવી રહ્યાં.

ટૂરવાળા ભારતીયોની નબળાઈઓનો ભરપૂર લાભ ઊઠાવતા હોય છે. એટલે ભારતીય ભોજનની વ્યવસ્થા એ લોકો પહેલાં કરે ને બીજી શૉપિંગની. ફરવાનાં બે સ્થળ ઓછાં બતાવશે તો કોઈ કંઈ નહીં બોલે, પણ જો ભોજનમાં ભારતીય ટચ ના મળ્યો તો એમનું આવી બને ! અહીંથી જ, દિલ ખુશ થઈ જાય એવા ખાણાંની શરુઆત થઈ ચૂકી હતી. આખા પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં જમ્યાં, ત્યાં ત્યાં કોઈ લગ્નના ભોજનસમારંભમાં જમ્યાં હોઈએ એવું જ લાગ્યું. એ જ બૂફે સ્ટાઈલ, એ જ લાઈનો અને એ જ કકળાટ ! અને સાથે સાથે, ‘આ સારું ને પેલું ઠીક ને આ તો ખાધું જ નહીં ને પેલું ક્યાં છે ?’ની વાતો.

અમે હાથમાં ડિશ લઈને એક તરફ ઊભા હતાં, ત્યારે બારીની બહાર નજર જતાં  જ અમારું દિલ એક થડકારો ચૂકી ગયું. પંદર–વીસ ફૂટની દૂરી પર જ ત્રણ–ચાર અલમસ્ત વાઘ અને વાઘણ આંટા મારતા દેખાયા ! મનમાં વિચારતાં હશે, ‘ખાઓ ખાઓ. અલમસ્ત બનો. પછી અમને અહીંથી છોડતાં જ વાર.તમારા જેવું સ્વાદિષ્ટ ભોજન અમને ક્યાં મળશે ?’ જોકે, આટલી નજીકથી ને આટલા તંદુરસ્ત વાઘ મેં ઘણે વખતે જોયા. બાકી આપણે ત્યાં તો જંગલમાં વાઘદર્શનને નામે ઘરડા ને નબળા વાઘનાં જ દર્શન કરાવવામાં આવે છે. પરદેશના તો વાઘ પણ.......!

ઠીક. જમીને સૌ વળી બસમાં ઉપડયાં પટાયા તરફ. પટાયાના રસ્તે કે પટાયામાં ટુરિસ્ટો માટેની હૉટેલો ગગનચૂંબી કહી શકાય એવી ખરી, બાકી પટાયા ગામ જેવું વધારે લાગે. નીચાં છુટાછવાયાં મકાનો–દુકાનો–ખેતરો–ટેકરીઓ અને દરિયો. પટાયાનું મુખ્ય આકર્ષણ જ દરિયો ને દરિયાના વિવિધ નામધારી કિનારા. દરિયાઈ રમતો અને દરિયાઈ જળચરસૃષ્ટિ ! દરિયાપ્રેમી લોકો તો અહીં રીતસરના ધામા જ નાંખે. પણ જો વધારેમાં વધારે બદનામ અહીં કંઈ હોય તો તે છે, પટાયાની નાઈટલાઈફ ને મસાજ પાર્લર્સ. તોય ધસારો ? બારેમાસ !

અમને તો બેતાલીસ માળની હજાર રૂમવાળી ઊં..ચ્ચી હૉટેલમાં લઈ ગયા એટલે પહેલી નજરે જ બધાં ઘાયલ ! ‘આહ્હા...વાહ વાહ ! મસ્ત હૉટેલ છે ને કંઈ ! ને સામે જ દરિયો ? આપણું તો કામ જ થઈ ગયું. હા...શ ! ચાલો ત્યારે હવે ફટાફટ ફ્રેશ થઈને ઉપડીએ ફરવા. ’ બધાં તો ચાવી લઈને પોતપોતાના રૂમમાં પહોંચ્યાં પણ ખરો ખેલ તો હવે શરૂ થયો ! હૉટેલના રીસેપ્શન કાઉન્ટર પર જે બેઠેલાં તેમના સિવાય આખી હૉટેલના સ્ટાફમાં કોઈ ઈંગ્લિશ સમજે નહીં ને સમજે તો બોલે ને ?  તો કંઈ મદદ કરે ને ? અમે તો ઈશારાની ભાષા ચાલુ કરી. તેમાં વચ્ચે વચ્ચે આદત પ્રમાણે બોલાઈ જાય હિન્દી ને ગુજરાતી ! ઈંગ્લિશ તો ખરું જ પણ કોઈ સમજે ? ખેર, રૂમ અટેન્ડન્ટને એક વસ્તુ સમજાવતાં પાંચ દસ મિનિટ સહેજે નીકળી જતી, પણ મજા પડતી. હસી હસીને આંખમાં પાણી ધસી આવતાં.

ખરી મજા તો હજી આવવાની બાકી હતી. સામાન ગોઠવી, ફ્રેશ થઈ અમે તો તૈયાર થઈ ગયાં નીચે હૉલમાં જવા માટે. પણ રૂમમાંથી નીકળતાં પહેલાં પલ્લવીબહેન એમની બૅગની ફરતે કંઈક શોધતાં જણાયાં.
‘શું શોધો છો ?’
‘મારી બૅગની ચાવી કશે દેખાતી નથી. બૅગ બંધ કરીને ચાવી પર્સમાં મૂકવા જાઉં પણ ક્યારની ચાવી મળતી નથી. લાગે છે કે, ચાવી બૅગમાં જ રહી ગઈ. ’ એમના મોં પર ચિંતા ફરી વળી. (હમણાં નીતિનભાઈ હોત તો ? સારું થયું નથી. શાંતિથી કોઈ રસ્તો નીકળશે. નકામું મારે કોઈ છમકલાના સાક્ષી બનવું પડત.)

ઓહ ! આ તો મોટી તકલીફ થઈ. પહેરેલે કપડે કોઈ અઠવાડિયું ખેંચી પણ નાંખે, પણ પછી દિવસોની આટલી બધી તૈયારીનું શું ? નવા નવા કપડાંનો ખર્ચો તો માથે જ પડે ને ? વળી, આટલી બધી સ્ત્રીઓ પર ઈમ્પ્રેશન કેવી પડે ? બધાંને થોડું કહેવાય કે, બૅગની ચાવી ખોવાઈ ગઈ. પહેરેલે કપડે જ સાત સાત દિવસ પરદેશની સફર ? આખો મૂડ જ મરી જાય કે નહીં ? ને મારો મૂડ પણ ઠેકાણે રહે ? આવું જાણત તો, હું સાત જોડી કપડાં વધારે નાંખી લાવત. પણ હવે શું ? કંઈક તો કરવું જ પડશે. અમને શું ખબર કે, પટાયામાં આવો કોઈ તાળા તોડવાનો પ્રસંગ ઊભો થવાનો છે ? નહીં તો, તાળું તોડવાનો સામાન પણ બૅગમાં નાંખી લાવત. બૅગમાં તો પાછો મેકઅપનો સામાન, ચાલવાના કૅનવાસના બૂટ, થોડાં નકલી ઘરેણાં અને અસલી ડૉલર ! સ્ત્રી થઈને જાતજાતનાં કપડાં ને ઘરેણાં જો ન બદલીએ તો ફિટકાર છે આપણાં પર !

આખરે હૉટેલના રિસેપ્શન પર જેમતેમ બધું સમજાવ્યું, ત્યારે એક અટેન્ડન્ટ આવ્યો. જેવો એ આવ્યો એવું જ અમે બન્ને બોલ્યાં, ‘દેખો ન ભાઈ, યે બૅગકા ચાબી ગૂમ હો ગયા હૈ. ’ પેલો શૂન્ય નજરે અમને તાકી રહ્યો ત્યારે અમે હસી પડતાં ઈશારાથી બૅગ બતાવી અને એણે એક મિનિટમાં તાળું તોડી નાંખ્યું. અમે રાહતનો શ્વાસ લીધો.

બૅગના તાળાની વાતે યાદ આવી અમારાં પાડોશી શાંતાબહેનની તાળાકહાણી !

9 ટિપ્પણીઓ:

  1. i read patayas name in gujarati ads before your article , so now
    it should be interesting to visit pataya , womens obsession of
    keys is also interesting , carry pn - a d australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર અશ્વિનભાઈ. જાતે જગ્યા જોવામાં આ જ ફરક પડે.

      કાઢી નાખો
  2. તમારા ઉત્તમ લેખોમાંનો એક .આ બન્યો છે. આપણી ટેવો અને રસ્તાઓ–ખાવાની વાનગીઓ વિગેરે સરસ રીતે લખાયું છે. અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર હરનિશભાઈ,
      પ્રવાસમાં આ બધું બહુ બારીકીથી જોવા જાણવા મળે તેની જ મજા.

      કાઢી નાખો
  3. ખૂબ મજા આવી..! મેં પાંચ વાર બેંગ્કોક-પટાયાનો મફતિયા પ્રવાસ કર્યો છે.હૉટલમાં,ટેક્ષી,રીક્ષા કે સસ્તા ભાડામાં ગંતવ્ય સ્થાને લઇ બાઇકવાળા સાથે સંવાદના જે લોચા પડે છે એની મજા કાંઇ ઓર-તમે કહી એવી-જ છે.સરસ લેખ.મુસ્કુરાવાની મજા પડી.

    જવાબ આપોકાઢી નાખો
  4. જવાબો
    1. ખરેખર,એમ થાય કે આવા લોચા માર્યા જ કરીએ☺ તમારા તો પાંચગણા અનુભવો હશે.

      કાઢી નાખો
  5. ટૂરવાળા ભારતીયોની નબળાઈઓનો ભરપૂર લાભ ઊઠાવતા હોય છે. એટલે ભારતીય ભોજનની વ્યવસ્થા એ લોકો પહેલાં કરે ને બીજી શૉપિંગની. ફરવાનાં બે સ્થળ ઓછાં બતાવશે તો કોઈ કંઈ નહીં બોલે, પણ જો ભોજનમાં ભારતીય ટચ ના મળ્યો તો એમનું આવી બને ! નબળી નસ બરાબર પકડી, કલ્પનાબેન.

    જવાબ આપોકાઢી નાખો
  6. પૈસા ભરીએ એટલે બધું જોઈને આંખ મીંચી દેવાની.

    જવાબ આપોકાઢી નાખો