આપણા દેશના મોટે ભાગના વિમાન મથકો ઉર્ફ હવાઈ
અડ્ડાઓ ઉર્ફ એરપોર્ટ્સ વર્ષો સુધી ફરવાનાં સ્થળ તરીકે ગણાતાં. વિમાનોને લાઈનમાં
ઊભેલાં કે હવામાં ઊડતાં જોવાનો રોમાંચ યાદગાર બની રહેતો. એરપોર્ટ પર ત્યારે ‘સલામતીમાં
છીંડાં’ જેવો શબ્દ વપરાતો નહીં. કારણકે ત્યારે સલામતીના નામે કોઈ જાપ્તો નહોતો રહેતો કે નહોતી કોઈની બીક રાખવી પડતી.
એરપોર્ટ પર ત્યારે એક જ બીકની આણ વર્તાતી અને તે કસ્ટમ ઓફિસરની! પરદેશથી આવનાર
પ્રવાસીનો સામાન આ ઓફિસરો અચૂક તપાસતા અને નાની નાની વાતે પ્રવાસીઓને હેરાન કરવા
માટે એ લોકો ખાસ્સા બદનામ પણ હતા.
થોડાં વર્ષોથી આતંકવાદને કારણે પ્રવાસીઓની
હેરાનગતિ ઔર વધી ગઈ છે પણ મોટામાં મોટો ગેરફાયદો દેશની આમજનતાને થયો છે. મોટા મોટા
જોવાલાયક એરપોર્ટ જોવાની એમને મનાઈ ફરમાવાઈ! પહેલાં તો અમુક રૂપિયાની ફી લઈને પણ
લોકોને જવા દેવાતા પણ આતંકવાદીઓ એટલી
મામૂલી ફી ભરીને એરપોર્ટ પર ફરી ગયા તો? બૉંબ ગોઠવી કે ફોડી ગયા તો? એટલે પ્રવાસીઓ
સિવાયના રખડુ લોકોને એરપોર્ટ જોવાની મનાઈ! કફોડી સ્થિતિ થાય પ્રવાસીઓને વળાવવા
જનાર કે લેવા જનારની. દરવાજાની બહાર ટોળામાં ઊભા રહી, આંસુભરી આંખે પગના પંજા પર
ઊંચા થઈ થઈને હાથનો પંજો હલાવી આવજો કહેવાની વ્યર્થ ચેષ્ટા કર્યે રાખવાની અને એ
આવજો પેલા જનારે જોઈ લીધું એનો મનોમન સંતોષ માની લેવાનો ને ઢીલી ચાલે ચાલતા થવાનું!
લેવા જનારા તો બિચારા પ્રવાસીઓની ભીડમાં ‘પોતાના
માણસ’ને ઊંચાનીચા–વાંકાચૂકા થઈ શોધ્યા કરે. ‘એ આવ્યા..એ દેખાયા...’ના વહેમમાં બે
ડગલાં ડાબી બાજુ ને બે ડગલાં જમણી બાજુ ચાલ્યા કરે. જેમતેમ પેલા દેખાય તો એમનું
ધ્યાન આમતેમ હોય! પોતાનાં સગાને શોધતાં શોધતાં એ બધી ભીડ પર નજર ફેરવ્યે જતાં હોય
ત્યારે આખરે ‘ આ બાજુ...આ બાજુ...’ સંભળાય ને ચહેરા પર હરખ છલકાય! એટલે પહેલાં
જેમ લોકો નિરાંતે એરપોર્ટ પર ફરતાં ને ટાઈમપાસ કરતાં તેમ હવે ફક્ત લેવા ને મૂકવા
જવાવાળા જ ઊંચા જીવે જેમતેમ ટાઈમપાસ કરે છે. અમસ્તું ફરવા હવે કોઈ જતું નથી. તેનું મુખ્ય કારણ એરપોર્ટ શહેરથી દૂ..ર હોય, ટ્રાફિકની મગજમારી હોય અને ભીડમાં અટવાઈને
પૈસા પડી ગયાનો અફસોસ કરવાનો હોય.
એરપોર્ટ પર ટાઈમ પાસ કરવાનો પ્રશ્ન તો અંદર દાખલ
થતા પ્રવાસીને પણ એટલો જ સતાવે છે. એક વાર સામાન ચેક થઈ ગયો, પોતે ‘ચેક’ થઈ ગયા
પછી વિમાનમાં બેસવા બોલાવે ત્યાં સુધી કરવું શું? પહેલી વાત તો સામાન( જે કંઈ
સાથે હોય તે) લઈને જ્યાં ને ત્યાં ફરવાનો શો અર્થ? ધારો કે, એરપોર્ટ જોવા જેવું
હોય ને અંદરથી ફરીને જોવું હોય તો વાત જુદી છે–કદાચ સમય ઓછો પણ પડે. જો થાકેલાં હો
ને બેસી રહેવું હોય તો પછી મળેલી સીટ છોડવા જેવી નહીં. પછી બેઠાં બેઠાં ઝોકાં ખાઓ
કે પુસ્તક વાંચો કે પછી આજુબાજુ ફાંફાં મારો. જોકે, આ બે–ત્રણ કલાક કાઢવા બહુ જ
કંટાળાજનક હોય છે. એમ પણ એક વાર પ્લેનમાં બેઠાં પછી કંઈ ધાડ મારવાની હોતી નથી પણ
ત્યાં એક પછી એક કાર્યક્રમને લીધે ખાસ્સો સમય જોતજોતામાં નીકળી જતો હોય છે.
આ બધી પંચાત કરવાનું કારણ અમારો બૅંગકૉકનો
પ્રવાસ. અમે બધી સ્ત્રીઓ–માતાઓ અને બહેનો–એરપોર્ટના આરામકક્ષમાં મોટાભાગની ખુરશીઓ
રોકીને બેસી ગયેલી. ત્રણ કલાક કાઢવાના હતા! ટાઈમ પાસ કરવાનો હતો કે કિલ કરવાનો
હતો. ઓળખીતીઓ તો એકબીજી સાથે વાતે લાગી ગયેલી ને એકબીજીના ફોટા પાડીને ખુશ થઈ રહી
હતી. થાકેલી સ્ત્રીઓ હથેળીમાં ગાલ ટેકવીને, આંખ બંધ કરીને ઊંઘવાની કોશિશ કરી રહી
હતી. અડધી રાતથી મળસ્કા સુધી જાગવાનું હોઈ પલ્લવીબહેન અમારી કૉફી લઈ આવ્યાં. જો ઊંઘી
ગયાં તો અહીં જ રહી જઈશું એ બીકે અમને ઊંઘ
નહોતી આવતી.
‘ કંઈ ખાવું છે ? થેલીમાં નાસ્તો છે.’
પલ્લવીબહેને મને યાદ કરાવ્યું.
‘અત્યારથી ?’
‘અત્યારથી જ ને વળી. આપણો પ્રવાસ તો શરૂ થઈ જ
ગયો સમજો.’
વાહ! આને કહેવાય ઉત્સાહ. ભૂખ નહોતી તોય....ખેર,
અડધી રાતે ખાય તે રાક્ષસ કહેવાય એવું કંઈક મા કહેતી તે યાદ આવ્યું. મેં ના પાડી.
‘તમારે ખાવું હોય તો એકાદ પૅકેટ ખોલું.’ (કોઈને અડધી રાતે ખાવાની ઓફર કરે તે ચાલે?)
એમની ઈચ્છા જોઈ મેં મારી પાસેની નાસ્તાની
થેલીમાં હાથ નાંખ્યો. હાથને તો કોઈ જુદા જ પૅકેટનો સ્પર્શ થતાં મેં થેલી હાથમાં
લઈને ખોલી, પૅકેટ બહાર કાઢ્યું. ‘અરે! આ કોનું પૅકેટ?’ આશ્ચર્યથી મેં એ પૅકેટને
હાથમાં ફેરવી જોયું. પલ્લવીબહેન પણ ચમક્યાં.
‘ આ તમારું પૅકેટ નથી? ’
‘ ના રે....આ તો ખબર નહીં આ થેલીમાં ક્યાંથી
આવ્યું! હમણાં આપણને બધાંને નાસ્તાની થેલી અપાઈ ને, તે છે. એમાં વળી આ પૅકેટ કોણ
મૂકી ગયું? ’
વર્ષોથી કેટલીય જાહેરાતો અને મનાઈઓ વાંચેલી કે,
અજાણ્યા કોઈ પણ પૅકેટને ખોલવાની કોશિશ કરવી નહીં, એને સીધું જ પોલીસને સોંપવું. તે
છતાં ગભરાટ અને જાણવાની જિજ્ઞાસાએ મેં એ પૅકેટની ચેઈન ખોલીને અંદર જોયું. હું
સ્તબ્ધ થઈ ગઈ! શ્વાસ ગળામાં આવીને અટકી ગયો. બૉંબ હતો કે શું? ના, એમાં તો અડધા
કલાક પછી જ જે પ્લેન ઉપડવાનું હતું, તેના કોઈ પ્રવાસીની ત્રણ ટિકિટ અને ખૂ..બ બધા
ડૉલરની થોકડી! હું તો ઉભી થઈ ગઈ. પલ્લવીબહેન પણ સ્થિર! વગર ગુનાએ ધ્રુજતી ધ્રુજતી
હું તો પલ્લવીબહેનને સામાન સોંપી, ઊપડી નજીક દેખાયેલા ઓફિસર
પાસે. એમને પૅકેટ સોંપવા ગઈ તો એમણે જણાવ્યું કે, મારે જ કસ્ટમ ઓફિસરને એ સોંપવું
પડશે કારણકે એ પૅકેટ મને મળ્યું છે! હું વહેલી વહેલી રડમસ ચહેરે, જે ફ્લાઈટની
ટિકિટ હતી તેના કાઉન્ટર પાસે ગઈ અને ઓફિસરને વિગત સમજાવી પૅકેટ સોંપી દીધું. જેમની
ટિકિટ ખોવાયેલી તે ભાઈ પાંચ મિનિટ પહેલાં જ ત્યાં તપાસ કરી ગયેલા એટલે મારી મુસીબત
ટળી.
‘હાશ’ કહેતાં મેં નિરાંત જીવે મારી જગ્યા તરફ
જવા માંડ્યું. પણ એમ કંઈ નિરાંત મળે? અમારી આજુબાજુ, ‘કયા હુઆ? ક્યા હુઆ?’ કરતી
દયાની દેવીઓ અમને ઘેરી વળી. વાત જાણી કે તરત જ સલાહોનો મારો ચાલ્યો.
‘તમે ડૉલર ગણેલા કે? કેટલા હતા? ગણીને આપ્યા
ને?’
‘તમે મૂળ માલિકને જ પાઉચ સોંપ્યું ને? આજકાલ
જમાનો આપણા જેવાનો નથી.’
હેં? આપણા જેવા એટલે? ચોર કે શાહુકાર?
‘તમને કંઈ બક્ષિસ મળી કે નહીં? થોડા ડૉલર માંગી
લેવાના હતા ને!’
‘અરે, માંગવાના શું? પહેલેથી જ કાઢી લેવાના
હતા.’ (!)
‘તમે ભૂલ કરી. ભલે પૅકેટ પાછું આપ્યું, પણ
પેલાને બરાબર ખખડાવી નાંખવાનો હતો. આટલો બેજવાબદાર? કંઈ ભાન છે? બીજાને કેટલી
તકલીફ પડે છે તે? આ તો તમે સારાં તે ચૂપચાપ આપી આવ્યાં. હું હોત ને તો એને બરાબર
ટટળાવીને જ આપત.’ મેં મારી જાતને પેલા બેજવાબદાર પ્રવાસીની જગ્યાએ મૂકી જોઈ ને
જોતાં જ મને ધ્રુજારી છૂટી ગઈ. બાપ રે! મારે શું કરવું જોઈતું હતું? પલ્લવીબહેન
તો અવાચક! આવું પણ બને? પ્રવાસની શરુઆત આવી રીતે થઈ? ધીરે ધીરે સ્વસ્થ થઈને અમે
બન્ને વાતે લાગ્યાં. ‘એક વાર આમ થયેલું ને એક વાર તેમ થયેલું’ કરતાં ઘણા પ્રસંગો
મમળાવી લીધા. ખાસ્સો કલાક નીકળી ગયો અને અમારા જવાનો સમય પણ થઈ ગયો. આવું કંઈક બને
તો કશે પણ સમય પસાર કરવો અઘરો નથી ખરું?
(મને એમ કે, મારી ઈમાનદારીની
વિગત બીજે દિવસે છાપામાં ફોટો સહિત આવશે
અથવા પેલા પૅકેટવાળા ભાઈ તરફથી કંઈ બક્ષિસ કે શાબાશી મળશે! પણ.....? જવા
દો, પૅકેટ પાછું આપ્યું ત્યારે આ વિચાર થોડો આવેલો?)
very very interesting expereance !looking forward for more like this ! bangkok may be more different than expected ! keep it up
જવાબ આપોકાઢી નાખો- ashvin desai australia
Thanks Ashvinbhai. Yes, Bangkok is very nice place to explore.
જવાબ આપોકાઢી નાખોખૂબ રસપ્રદ અને જકડી રાખે તેવું. સસ્પેન્સ વાર્તા પર હાથ અજમાવ્યો ? હવાઇ મથક પરની હાલની સ્થિતિનો સુંદર ચિતાર.
જવાબ આપોકાઢી નાખોભઈ, પ્રવાસમાં જો વાર્તા નીં ઓ’ય તો મજા હું આવે? હવાઈ મથક પર કંઈ નીં બને તો મને નવાઈ લાગે.
કાઢી નાખોઘણી જ સરસ રજૂઆત કલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોમુંબઈના એરપોર્ટનો અનુભવ કેનેડા આવતા જતા તમારા વર્ણન મુજબ જ થાય છે. અહીં ટોરોન્ટો આવો તો એરપોર્ટ ફરવાની મઝા આવે. તમે બસમાં પણ ટર્મીનલ સુધી પહોંચી શકો. અંદર સિકયોરીટીમાં દાખલ ન થવાય પણ બાકીની જગાએ છૂટથી ફરી શકો. એક ટર્મીનલથી બીજા ટર્મીનલ જવા માટે નાની કોમ્પ્યુટરાઇઝ્ડ મીની ટ્રેન ફ્રી રાઈડ.
મને તો આવા અટપટા અનુભવો લેવા પણ થાય, કે બધે ફરવું જોઈએ.
કાઢી નાખોઆભાર ધનેશભાઈ.
ઘટનાનું ખૂબ સરસ અને રસમય વર્ણન કર્યું છે.
જવાબ આપોકાઢી નાખોઆભાર પલ્લવીબહેન.
કાઢી નાખો