જ્યારે કોઈ સ્ત્રી સાથે પ્રવાસ શબ્દ જોડાય,
ત્યારે કાં તો એના પિયરગમનની વાત હોય ને કાં તો એના સાસરાગમનની વાત હોય. બહુ બહુ
તો વહુના આવ્યા બાદ, એ ચાર ધામની જાત્રાનું વિચારતી થઈ જાય. જોકે, પ્રવાસમાં
સ્ત્રી એટલે, ઘરનાંનું ઘરની જેમ જ ધ્યાન રાખતી એક કૅરટૅકર માત્ર ! બાકી હોય તેમ,
થેપલાં, ખાખરા, ગાંઠિયા ને ગોળપાપડીના ડબ્બા એટલે સ્ત્રીની અદ્રશ્ય હાજરી. બસ, આથી
વિશેષ પ્રવાસ સંદર્ભે સ્ત્રી વિશે કોઈ કંઈ વિચારતું જ નહોતું–આજ સુધી. હવે જોયું
ને, જમાનો કેટલો બદલાઈ ગયો છે તે ? ઘરની સ્ત્રી નક્કી કરે કે ક્યાં જવું ? ક્યારે
જવું ? બુકિંગની બધી માથાકૂટ પણ એ કરી લે અને શોપિંગ પણ ચાલુ કરી દે ! સ્ત્રીના
પ્રવાસના અર્થો બદલાવાની સાથે સ્થળો પણ બદલાયાં અને સૌની માનસિકતા પણ બદલાઈ. પ્રવાસીઓ
વધવા માંડતા એમને માર્ગદર્શન આપતા લેખો લખાવા માંડ્યા. પ્રવાસમાં આટલી વસ્તુઓ સાથે
રાખવી ને તેટલી વસ્તુઓ બીજાની વાપરવી, આમ કરવું ને તેમ ન કરવું જેવી સામાન્ય
સુચનાઓ તો ખરી જ. અને છેલ્લે, ખાસ છટકબારી–‘કોઈને કંઈ થાય તો અમારી જવાબદારી
નહીં.’ (!)
મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે, વહુના
આવતાં જ ચાર ધામની જાત્રાએ નીકળી પડીશ. જોકે, અચાનક જ નવરાશ મળતાં, હવે શું કરવું
? ના જવાબમાં કશેક જવું જોઈએ એવો વિચાર ઝબકી ગયેલો ખરો. એક તરફ મને આ વિચાર સતાવતો
હતો જ્યારે બીજી તરફ મિત્ર પલ્લવીબહેન પણ ઘરની એકધારી દોડાદોડમાંથી કશેક છટકવાનું
વિચારતાં હતાં. ફોન પર અમારા વિચારો મળતાં જ ઘરનાં સૌને માનસિક શાંતિ આપવાના બહાના હેઠળ મેં
અને મારી મિત્ર પલ્લવીબહેને એક અઠવાડિયાની બૅંગકૉકની ટૂરમાં અમારું નામ નોંધાવી
દીધું. એમના ઘરનાંએ ખાનગીમાં મારો અને મારા ઘરનાંએ એમનો આભાર માની લીધો. બંને
ઘરમાં પ્રવાસની પૂર જોશમાં તૈયારીઓ શરુ થઈ ગઈ. સ્ત્રીઓ પ્રવાસની તૈયારી કરે અને તે
પણ પૂંછડાં વગર(!), ત્યારનો એમનો ઉત્સાહ ને આનંદ દિલમાં માતો ન હોવાથી ઘડી ઘડી
બહાર ઊછળી આવે. ઘરમાંથી બધી વાતે સહકાર મળતો હોય ને બધી સગવડ પણ સચવાતી હોય તોય,
જવાબદારી વગરના પ્રવાસની મજા જ કંઈ જુદી હોય.
મેં જેને પણ જણાવ્યું કે, ‘અમે તો બૅંગકૉક ને
પટાયા જવાના’, તેણે આઘાતમિશ્રિત આશ્ચર્યથી પાંચ મિનિટ તો વગર કંઈ બોલ્યે મારી સામે
જોયે જ રાખ્યું.
‘તમે બૈરાં લોકો બૅંગકૉક ને પટાયા જઈને શું
કરવાના ? તમને બીજી કોઈ જગ્યા નહીં મળી ?
એ તે કંઈ તમારે જવાની જગ્યા છે ?’ ઘરમાંથી પહેલો પ્રતિભાવ આ જ મળવાનો હતો
તે અમને ખબર હતી.
‘તમારા એકતરફી, નિમ્ન કક્ષાના વિચારોની મને દયા
આવે છે. દરેક દેશ કે દરેક શહેરને મેલી બાજુની સાથે ઊજળી બાજુ પણ હોય છે તે કેમ
ભૂલી જાઓ છો ? કોઈ દેશ વધારે બદનામ થાય એટલું જ. બીજા દેશોમાં જાણે બધાં ભજન કરવા
જતાં હશે. ’
‘જાઓ ત્યારે બૅંગકૉક ફરી આવો, બીજું શું ?’ હથિયાર ઝટ હેઠાં પડ્યાં.
વાહ રે ! એમ એમને ન ગમે એટલે અમારે ન જવું ? હંહ!
બોલનાર કે ટીકા કરનારને ચૂપ કરીને મેં તો, મને
ટૂર માટે ઉશ્કેરનાર પલ્લવીબહેનનો મનોમન આભાર માન્યો. મને તો વાર્ષિક વૅકેશન જોઈતું
હતું, પછી તે બૅંગકૉક હોય કે બૅંગલોર ! અને પલ્લવીબહેનને એકવાર પરદેશ જોવાની ઈચ્છા
હતી. મારા સિવાય સારી કંપની એમને મળી નહીં હોય, કોણ જાણે ! જે ટ્રાવેલ કંપનીમાં
એમણે તપાસ કરી હતી તેની, ફક્ત સ્ત્રીઓ માટેની એક ટૂર બે મહિનામાં જ બૅંગકૉક–પટાયા
જતી હતી. પછી તો દિવાળી અને નાતાલ અને ઉતરાણના તહેવારો આવતા હતા. તહેવારોમાં તો
પાછું ઘરને, વરના ભરોસે મૂકીને ઉપડી ના જવાય
એ સનાતન નિયમ અનુસાર અમારું બૅંગકૉક–પટાયાની ટૂરનું ગોઠવાઈ ગયું. બૅંગકૉક
ને પટાયાની છાપ ખરાબ છે એવું જાણતે તો કદાચ પલ્લવીબહેન માંડી વાળતે. (કે નહીં ?)
જે હોય તે, પ્રવાસનો એકડો તો ઘુંટાઈ ગયો. મારા
મનમાં તો થોડી થોડી વારે ખુશીના એટેક આવવા શરૂ થઈ ગયા. ‘ઓન્લી ફોર લેડીઝ ? અરે વાહ
! એનો અર્થ કે, નો પિતા, નો પતિ, નો બેટા ને નો ભાઈ ! વાહ ! પૂંછડાં વગરનો પ્રવાસ
? જીવનમાં પહેલી વાર જવાબદારી વગરનો ને પૂંછડાં વગરના પ્રવાસનો મોકો મળે છે તો
છોડવા જેવો નહીં. ભલું થજો આ ટ્રાવેલ કંપનીનું જેણે સ્ત્રીઓનો પણ વિચાર કર્યો.
જોગન બનીને બધે ફરતી ફરે એના કરતાં તો સારું ને કે, આમ ગ્રૂપમાં ભોજન, મનોરંજન ને
પ્રવાસ કરે ?
કોઈ પણ દેશની, કોઈ પણ રીતે ખરાબ છાપ હોવાથી તે દેશનો ઈતિહાસ બદલાઈ જતો નથી. તે દેશના રીતરિવાજ અને સંસ્કારના મૂળિયાં એટલાં ઊંડાં હોય ને કે રાતોરાત બધું અદ્રશ્ય નથી થઈ જતું. ઉલટાની સંસ્કૃતિ અકબંધ રહેવાને લીધે જ દર વર્ષે પ્રવાસીઓનાં ધાડેધાડાં એ દેશમાં ઊતરી પડે છે. અમારી તો ફ્કત સ્ત્રીઓની જ ટૂર હતી. સ્વાભાવિક છે કે, બધાંને નવો દેશ જોવામાં અને એની જોવાલાયક જગ્યાઓએ ફરવામાં ને ખાસ તો બૅંગકૉક જેના માટે પ્રખ્યાત છે તે શૉપિંગમાં પણ એટલો જ રસ હોવાનો–કદાચ વધારે પણ હોય ! તો શું થયું ? અમારા પ્રવાસમાં તો આડીતેડી કોઈ વાતને કે વિચારોને બિલકુલ સ્થાન નહોતું. પલ્લવીબહેન તો થોડા થોડા દિવસે મને ફોન કરીને યાદ કરાવતાં રહેતાં,
‘ કલ્પનાબહેન, હવે પંદર દિવસ બાકી રહ્યા.’
‘ હવે દસ જ દિવસ બાકી.’
‘ આવતા શનિવારે તો આ ટાઈમે આપણે એરપોર્ટ પર.’
એમ એમના ફોને ફોને હું જવાના દિવસ સુધી પહોંચી ગઈ.
અમને કહેવામાં આવેલું કે, અઢીસો સ્ત્રીઓનું
ગ્રુપ છે. એ જાણીને જ હું તો ઊછળી પડેલી. ‘અરે વાહ! મજા આવવાની.’ કારણ મને તો ફરવા
કરતાં પણ વધારે, આટલી બધી સ્ત્રીઓની ખાસિયતો સાત સાત દિવસ સુધી નજીકથી જોવા મળવાની
હતી, એનો જ રોમાંચ હતો. સરખા રસના વિષયો ધરાવતી બે–ત્રણ સ્ત્રીઓ જ ભેગી થઈ હોય
ત્યારે ટોળાનો આભાસ કરાવતી હોય, ત્યારે આ તો અઢી..સો!! કોઈક લશ્કર આવી ચડ્યું હોય,
કે પછી નાનકડા ગામની સ્ત્રીઓ કોઈ પ્રસંગે ભેગી મળી હોય, કે પછી મેળે મહાલવા આવી હોય
એવું લાગે. એક વાર તો મને એમ થઈ ગયું, જાણે હમણાં લગ્નનાં ગીતો ગવાવા માંડશે !
એરપોર્ટ પર કદાચ પહેલી વાર જ, સ્ત્રીઓનું આવું મધુર મધુર આક્રમણ થયેલું મેં જોયું.
વળી, મા–બહેન–પત્ની કે સાસુને વળાવવા આવનારની
સંખ્યા પણ અધધધ ! કોણ જવાનું છે અને કોણ આવજો કરવાનું છે તે કળી ન શકાય. ઘણાં તો
ટોળું જોઈને જ બીકના માર્યાં દૂરથી જ આવજો કહીને પાછા વળી ગયેલાં. જોઈ લીધું હશે
કે, આમાં તો બધીઓ જ એકબીજીને સાચવી લે એવી દેખાય છે અને બાકી હશે તે ટૂરવાળા માથાં
ફોડી લેશે. હા...શ ! સાત દિવસ માટે છૂટ્યા ! ઓમ શાંતિ શાંતિ શાંતિ: ! નવાઈ તો મને
એ વાતે લાગતી હતી કે, આમાંની અડધોઅડધ કે
કદાચ વધારે સ્ત્રીઓ પહેલી વાર જ પરદેશ જતી હતી અને તોય કોઈની આંખમાં આંસુનું એક
ટીપું સુધ્ધાં દેખાયું નહોતું–છેલ્લે સુધી ! વળાવનારની આંખમાં પણ નહીં ! શું જમાનો
આવ્યો છે ? કોઈએ ધાર્યું પણ નહીં હોય કે, જમાનો આ હદે બદલાઈ જશે. જો કે, આ રીતે
શુભ શરુઆત થતી હોય તો ખોટું નહીં. સૌ રાજી તો આપણે રાજી.
અમને બંનેને તો સુરતથી જ વળાવી દીધેલાં એટલે
એરપોર્ટ પર દુ:ખદ દ્રશ્યની કોઈ સંભાવના જ નહોતી.
મુંબઈ રહેતાં દીકરો–વહુ અમને મૂકવા આવેલાં પણ અઠવાડિયાની ટૂરમાં ગયાં શું ને
આવ્યાં શું ? શાનો હરખ શોક કરવાનો ? એટલે ‘હૅપ્પી એન્ડ સેઈફ જર્ની’ની શુભેચ્છા
પાઠવીને એ લોકો તો પાછા વળી ગયેલાં.
ટૂર ઓપરેટર તરફથી અમને સૌને અગાઉથી એક લિસ્ટ
અપાયેલું જેમાં કેટલી વસ્તુઓ હૅન્ડબૅગમાં રાખવી અને કઈ કઈ વસ્તુઓ મોટી બૅગમાં જવા
દેવી, તે સિવાય અઠવાડિયાની ટૂરની વિગતો જણાવેલી અને જરુર પડે તો બે ચાર ફોન નંબર
પણ લખેલા. જેથી નાની નાની વાતે ફરિયાદ કરવી હોય કે પ્રશ્નો પૂછવા હોય તો એ લોકોનું
માથું ખાઈ શકાય. એરપોર્ટ પર પહોંચવાના સમય કરતાં એક કલાક વહેલા જ બધાં પહોંચી
ગયેલાં. સ્ત્રીઓ મોડી પહોંચવા બદલ હંમેશાં ઘરનાંની નારાજગી વહોરતી હોય છે પણ અહીં
તો ઊંધું જ દ્રશ્ય જોવા મળ્યું.
શૉપિંગમૉલમાં ટ્રૉલી લઈને ફરવાની આદત સૌને અહીં
સારી કામ આવી. ટ્રૉલી પર ફટાફટ બધો સામાન ગોઠવીને બધી સુંદરીઓ દરવાજેથી દાખલ થઈ
પાસપોર્ટ અને સામાન ચેક કરાવવાની લાઈન તરફ ટ્રૉલી ધકેલતી આગળ વધી ગઈ. (પરદેશગમન
કરનાર દરેક સ્ત્રી સુંદર તૈયાર થઈને જ જવાની એ તો સમજવાની જ વાત હોય. તેમાં પણ
સ્ત્રીઓનું ગ્રૂપ હોય પછી પૂછવાનું શું?) પરદેશમાં કોઈ ઓળખીતું ન હોય ને ફક્ત ફરવા
કે શૉપિંગ કરવા જ જવાનું હોય, ત્યારે અહીંથી જનારની
બૅગમાં ખાસ ખાંખાંખોળા કરવા જેવું હોતું નથી, એ કસ્ટમવાળાઓ સારી
પેઠે જાણતા હોવાથી કામ વહેલું પત્યું. પણ.....
કમનસીબે સૌના જવાના ઉત્સાહ પર બે ત્રણ કલાકની
નવરાશનું ટાઢું પાણી રેડાયું. વેઈટિંગ એરીયામાં સૌએ પોતપોતાની જ્ગ્યા શોધી બેઠક
જમાવી દીધી. હવે બધાંને બોલાવે ત્યારે પ્લેનમાં બેસવાની દોટ લગાવવાની હતી. ત્યાં
સુધી શું કરવું પણ ? માખી કે મચ્છરની તો સદંતર ગેરહાજરી હતી, નહીં તો થોડો સમય
એમાં પણ જાત. હવે ? ગપો કે ઝોકો–તમારી મરજી. હજી તો પાંચ વગાડવાના હતા–કોણ જાણે ક્યારે વાગશે?
a big surprise of the new year ! so far heard stories of
જવાબ આપોકાઢી નાખો' char male chotla to bhange gharna otla ' but now looking forward for interesting angle of women regarding bangkok!
- ashvin desai australia
મને પણ આ પ્રવાસમાં એનો જ વિશેષ આનંદ આવ્યો. બહુ નજીકથી ને ઝીણવટથી, સમૂહમાં સ્ત્રીઓનો સ્વભાવ ને વર્તન જોવા–જાણવાની મજા પડી.
કાઢી નાખો'જ્યારે કોઈ સ્ત્રી સાથે પ્રવાસ શબ્દ જોડાય, ત્યારે કાં તો એના પિયરગમનની વાત હોય ને કાં તો એના સાસરાગમનની વાત હોય. બહુ બહુ તો વહુના આવ્યા બાદ, એ ચાર ધામની જાત્રાનું વિચારતી થઈ જાય.' કલ્પનાબેન, આ લેખની શરૂઆત જ સીક્સરથી થઇ, અને રજૂઆત ખુબ જ રસમય રીતે થઇ. વાંચવાની મજા આવી ગઈ. બાકીના લેખોની લીન્ક મોકલતા રહેજો.
જવાબ આપોકાઢી નાખોતમને લેખ ગમ્યો ને મને આનંદ. તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે.
જવાબ આપોકાઢી નાખોAs Pallaviben said, sixer per sixer, thorugh out the article. Sharuat jo atli hasya thi bharbur to I am sure, agal maza padvani. I have been to Bankgok and Pataya....but it will be interesting to see/read those cities from your eyes.
જવાબ આપોકાઢી નાખોHarsha/Toronto
તમે સાથે જોડાવાના એટલે મને વધુ મજા પડવાની. આભાર.
કાઢી નાખોવધુ આવતા અંકમાં..? તીવ્ર રસભંગ થયો.
જવાબ આપોકાઢી નાખોમફતમાં જવાનું થયું એટલે હું પાંચ વાર બેંગ્કોક-પટાયા ગયો છું.મારી સાથે ૧૦૦ જુવાનિયા અને સાંઠી ઉપરના હું અને બીજા એક-એમ બે જ..! શું દશા થઇ હશે,બોલો.
તમારી દશા કલ્પી શકું છું પણ અમારી કથા નિરાળી છે. રસ પણ પડશે ને રસભંગ પણ થશે. આભાર.
જવાબ આપોકાઢી નાખોલેખની પ્રવાહીતા નદી જેવી નહીં પણ ઝરણાં જેવી છે.સડસડાટ વહે છે.આગળની વાત વાંચવાની ઉત્કંઠા જાગૃત થઇ જાય છે.બધા મનોભાવોને સરસ ઉજાગર કર્યા છે.અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોઆભાર મનહરભાઈ.
કાઢી નાખો