રવિવાર, 27 ડિસેમ્બર, 2015

તમે યાદ આવ્યા

આજથી બરાબર ચાલીસ વરસ પહેલાં, આ જ દિવસે આપણે મળ્યાં હતાં યાદ છે ? મારા ઉપર બધાંની પસંદગીની મહોર લાગી ગઈ હતી પણ જ્યાં સુધી તમે મન ભરીને મને જુઓ નહીં ને પસંદ કરો નહીં ત્યાં સુધી આપણા સંબંધ પર મંજૂરીની મહોર ક્યાંથી લાગવાની હતી ? બધાં સાથે તો હું ઘણી સ્વસ્થ રહી શકી પણ તમારી સમક્ષ હાજર થવાની ઘડી આવી પહોંચી કે, મારા પગ પાણી પાણી થવા માંડ્યા. હૃદયની ધડકન ડબલ ફાસ્ટ ટ્રેન બની ગઈ હોય એવું લાગ્યું. આંખોની આગળ અંધારાં આવું આવું કરવા લાગ્યાં(મને અંધારાં બોલાવે...જેવું થવા માંડ્યું.) કાનમાં તમારા નામની ધાક પડી ગઈ. વિચારો થંભી ગયા. જીભ અંદર–બહાર જવાને બદલે તાળવે ચોંટી ગઈ. બસ, આ જ એ ઘડી હતી જેનો તમને ઇંતજાર હતો.(મને નહોતો ?)

ખબર નહીં કોણે તે ઘડીએ સહારો આપીને મને તમારી સમક્ષ હાજર કરી દીધી. મેં તો નજરો ઢાળેલી રાખીને પગના અંગૂઠાથી લીંપણ ઉખેડવાની કોશિશ કરવા માંડી કે, તમે (જાણી જોઈને) કરડા અવાજે બોલ્યા, ‘રે’વા દે, હજી કાલે જ લીંપાવ્યું છે.’ મેં ગભરાઈને પગ સીધો કરી લીધો. લીંપણની ડિઝાઈન પર અમસ્તી નજર ફેરવતી રહી. ‘અહીં પાસે આવ’ કહી તમે મને તમારી નજીક બોલાવી. મને લાગ્યું કે, હું બેભાન જ થઈ જઈશ. પણ તમે કેવો સવાલ પૂછેલો ? ‘રસોઈ આવડે છે ?’ આવો સવાલ પૂછવા નજીક બોલાવી ?

જોકે, આ જ પ્રશ્નની મને બીક હતી. મા કેટલા સમયથી કહેવા માંડેલી, ‘દીકરીની જાત છે, રસોઈ શીખી લે. એ શું આખો દિવસ ચોપડું પકડીને બેસી રહેવાનું. સાસરામાં બધાં મશ્કરી કરશે ત્યારે મા યાદ આવશે.’ ખરેખર, તમારા સવાલ પર મને મા...મા... કહીને ભેંકડો તાણવાનું મન થઈ ગયેલું. ધર્મસંકટ આવી પડ્યું. સાચું બોલું કે જૂઠું ? રાજા હરિશ્ચંદ્ર અને ગાંધીજીના સત્યના પ્રયોગો યાદ આવી ગયા. સાચું બોલું તો ઈજ્જત જાય ને બધાંની વચ્ચે ફજેતો થાય. ને જો જૂઠું બોલું તો ? ‘ચાલો, રસોડામાંથી બધા બહાર નીકળો. આજની રસોઈ આજના મુખ્ય મહેમાન બનાવશે.’ આવો ઓર્ડર જો છૂટે તો તો મારી ઈજ્જતનો ફાલુદો કે કચરો જ થઈ જાય ! મેં તો કહી દીધું, ‘આવડે છે, પણ તમારા જેવી નહીં.’

આવા સમયે વહેવારડાહ્યાઓ કે ડાહીઓ હાજર જ હોય. તરત જ મધ ટપકેલું, ‘કંઈ નહીં, એમાં શું ? અમે પણ કંઈ શીખીને આવેલાં કે ? ને કમુબહેન છે પછી જોવાનું જ શું ? તું તો આમ થોડા દિવસોમાં ઘડાઈ જશે, જોજે ને.’ એ સાંભળીને તમારું બોખું મોં મરક મરક થઈ રહેલું.
બસ, ત્યાર પછી તો આપણો સંબંધ પાંચ જ વરસનો રહ્યો પણ તે પછીનાં લાં....બાં પાંત્રીસ વરસો વીતી જવા છતાંય, આજે પણ તમે મને દરેક વાર તહેવારે ને સારે નરસે પ્રસંગે અચૂક યાદ આવો જ છો. શું આપણો સંબંધ એવો જ હોતો હશે ? યાદ છે ? મને પાપડ શીખવવા માટે જ, ખાસ વગર સીઝને પણ તમે પાપડનો લોટ બંધાવેલો ?

‘પાપડ લીલા જોયા ને તમે યાદ આવ્યાં,
જાણે સીઝનના પહેલા પાપડ વણ્યા હો માત !’

સવારના પહોરમાં એ બધાંનું છ વાગ્યે ઊઠી જવું ને આખા ઘરમાં લગ્નપ્રસંગ જેવી ધમાલ મચાવવી. ‘આજે પાપડ કરવાના છે’ની ધમકી હેઠળ પુરુષવર્ગને ઘર બહાર ધકેલી, સ્ત્રીવર્ગે યુધ્ધના ધોરણે વાડામાં મોરચો માંડવો. ખરું કહું તો, મને તો આ બધું બહુ વિચિત્ર લાગતું હતું. આ લોકો વેચાતા પાપડ લઈ લે તો શું થાય ? આ બધી ધમાલ કરીને, કચકચ કરીને, ઘરનાંનાં મન દુભવીને અને બાળકોને રડાવીને પાપડ કરવાનો શો અર્થ ? પણ નવી વહુએ જીભને વશમાં રાખવાની હોય ને હાથપગની કમાલ(કામ કરીને) બતાવવાની હોય. સારું હતું કે, મને રોટલી વણતાં આવડતી હતી એટલે આજુબાજુ પાપડ વણતી સ્ત્રીઓની કૉપી તો મેં કરી લીધી પણ તમે તો વહુને ટ્રેઈન કરવાની હોંશમાં ને હોંશમાં, સાંજ પડી ગઈ ને આજુબાજુની સ્રીઓ બહાનાં કાઢીને છટકી ગઈ તોય, એક કિલો પાપડનો લોટ બીજો બંધાવી દીધો ! મારા તો મોતિયા જ મરી ગયા. તે રાત્રે મારા સપનામાં તો પાપડનો લોટ ને ગુલ્લા, પાટલા ને વેલણ ને સતત ચાલેલી તમારી પાપડ–કૉમેન્ટ્રી જ છવાયેલી રહી. બીજી સવારે તો ચા મૂકુંને બદલે કેટલીય વાર, ‘પાપડ મૂકું ?’ બોલાયેલું.

બીજા દિવસે તો, આગલા દિવસને એક ભયાનક સપનું સમજીને ભૂલવા બહુ કોશિશો કરેલી પણ આજ સુધી પાપડ દર્શને જ, મને એ પહેલી સીઝનના પહેલા પાપડ યાદ આવી જ જાય ને સાથે મનમાં ગવાઈ જ જાય,

‘પાપડ વણું તો થાકી થાકી જાઉં ને,
પાપડ સૂકવું તો ઊડી ઊડી જાય.’

કવિ કલાપીએ કદાચ વર્ષો પહેલાં પોતાની સાસુ માટે જ (૧૦૦ ટકા) અથવા તો સ્ત્રીહૃદયની વેદના વ્યક્ત કરવા જ આ પંક્તિઓ રચી હશે. ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપની.’ એક નજર ઠરે ત્યાં એકલી એક જ યાદ નથી હોતી–આખી ને આખી યાદી(લિસ્ટ) જ હોય છે. દરેક વસ્તુ, જગ્યા કે જણ સાથે કોઈ ને કોઈ યાદગાર(!) પ્રસંગ તો સંકળાયેલો જ હોય.

ગૅસનો ચૂલો સાંભળું કે, (તમે) મને પહેલી વાર ચૂલે ચડાવેલી તે(તપેલી) અચૂક યાદ આવી જ જાય. પહેલી વાર ફૂંકણી લઈને ચૂલામાં ફૂંક મારવાને બદલે મેં બહારની રાખ પર ફૂંક મારેલી ને બધે રાખ રાખ થઈ ગયેલું–યાદ છે ? એ તો સારું કે, હજી રસોઈ બની નહોતી નહીં તો, તમે તો ડાયલૉગ જ મારત ને કે, ‘મેરી સારી મેહનત ખાકમેં મિલા દી.’

આજે તો પરિસ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે પણ વર્ષો સુધી દરેક વહુ ‘સાસુ’ નામના કાલ્પનિક પ્રાણીથી ગભરાતી. કદાચ એટલે જ તમે મારી સામે ચશ્માંમાંથી જોતાં ત્યારે મને ડરાવતાં હો એવું જ લાગતું ને આજેય તમારા ફોટા સામે પણ નજર કરવાની મારી હિંમત નથી ચાલતી ! તમારી યાદને કારણે તમારી હાજરી આટલે વરસેય સતત અનુભવું છું. મેં તમને ક્યાં કહ્યું હતું કે,

‘જાવ છો તો જાવ, ભલે દૂર તમે જાજો,
બીજું કશું નહીં, બસ યાદ તમારી મૂકતાં જાજો.’

સોમવાર, 7 ડિસેમ્બર, 2015

૧૫ મિનિટમાં કરવાનાં કામ

૧૫ મિનિટમાં તમે શું શું કરી શકો ?

આમ જોવા જાઓ તો આ પ્રશ્ન ઘણો વિકટ છે અને તેમ જોવા જાઓ તો આના જેવો સહેલો પ્રશ્ન કોઈ નથી. વિકટ એટલા માટે કે, ૧૫ મિનિટમાં કયાં કામ કરી શકાય તેનું જુદું લિસ્ટ બનાવવાનું ને તે બધાં કામ પંદર મિનિટમાં જ થાય છે કે નહીં તે જોવાનું અને ન થાય તો અફસોસ કરવાનો...અને એમાં જ પંદરના ગુણાકારમાં મિનિટો બગાડવી એ આપણને પાલવે ? નહીં જ વળી. એકાદ કામ કરવાનો કોઈ વાર નિર્ણય તો લઈ જુઓ–ફક્ત પંદર જ મિનિટમાં !

આ પ્રશ્ન સરળ એટલા માટે છે કે, આપણા મનમાં તરત જ સામે સવાલ ઊઠે કે, ‘ઓહો ! એમાં શું ? પંદર જ મિનિટમાં ને ? તમે ધારો તે કામ આપણે કરી આપીએ, બોલો.’ જાણે કે, પંદર જ મિનિટમાં ટ્રેન પકડી લઈએ, ધારેલા સ્થળે પહોંચી જઈએ, રાતે આકાશના તારા તોડી લાવીએ ને દિવસે હવામાંથી પ્રદુષણ ઝીરો કરી નાંખીએ ! કદાચ પંદર મિનિટમાં સરકારને ઉથલાવી નાંખવાની તાકાત પણ આવી જાય ! કરનારા તો પંદર મિનિટમાંય ઘણાં કામ કરી નાંખે પણ પણ માન્યામાં ન આવે, એટલે ચર્ચા કરીને ખાતરી કરવામાં પંદર મિનિટ બગાડવી પડે.

મારા વાંચવામાં હાલમાં જ એક આવું, પંદર મિનિટમાં શું શું કરી શકાય તેનું લિસ્ટ આવ્યું. લખનારે કે વિકટ પ્રશ્નનો ઉત્તર શોધનારે કેટલી શાં...તિથી સમય કાઢીને આ લિસ્ટ તૈયાર કર્યું હશે ?

ફક્ત પંદર મિનિટમાં....

સામાન્ય ઝડપે સવા કિ.મી. ચલાય. પેલા સવા રૂપિયાની જેમ શુકનનું સવા કિ.મી. ચાલવું ? એના કરતાં આખા આંકડા ગણવા સહેલા પડે કે નહીં ? દર પંદર મિનિટે સવા કિ.મી. ઉમેરતાં જવાનું કેટલું અઘરું પડે ? ચાલવામાં ધયાન આપવું કે સવા ને દોઢના સરવાળામાં ?

સામાન્ય ઝડપે ન ચાલવું હોય ને કંટાળો આવતો હોય તો, સાઈકલ ચલાવો. પંદર મિનિટમાં તમે ત્રણ કિ. મી. સુધી સાઈકલ પર ફરી શકો. જોકે, સાઈકલ ચલાવતાં પહેલાં તેમાં હવા ભરવી, સાઈકલને ઝાપટવી ને બબડતાં–કંટાળતાં તેની ચેઈન ને ઓઈલ ચેક કરવામાં કેટલો સમય જાય ? ફક્ત પંદર મિનિટ માટે આ મજૂરી કરવા કોઈ નવરું છે ?

ચાલવું નથી ? સાઈકલ પણ નથી ચલાવવી ? તો પછી વાંચવા બેસી જાઓ. પંદર મિનિટમાં તમે પાંચ પાનાં વાંચી શકશો. શા માટે પંદર મિનિટમાં પાંચ પાનાંની દાદાગીરી ? આજે વાંચવાનો ટાઈમ જ કોની પાસે છે ? એટલે જ તો આ લેખ બે જ મિનિટમાં વંચાઈ જાય એટલો જ લખ્યો છે. એટલી બે મિનિટ તો તમારી પાસે...

વાંચવાનું બિલકુલ નથી ગમતું ? તો પછી, ફક્ત પંદર મિનિટમાં તમે થોડી કસરત કરી શકો, પ્રાર્થના કરી શકો, કોઈનું ધ્યાન પણ ધરી શકો ! આ બધાં કામ પંદર જ મિનિટમાં કરવાં એટલે દેખીતી વેઠ ઉતારવી. જો તમે આ બધા પ્રયોગોમાંથી એકાદ પણ કરી ચૂકયા હો અથવા કરવાના હો તો, પંદર મિનિટ પર ધ્યાન રાખીને કરી જોજો. એકેયમાં તમને ધારી સફળતા નહીં મળે, બાકી તો જેવી તમારી મરજી.

આ બધાં વિચિત્ર કે નવાં કામને હાથ લગાવવાની બિલકુલ ઈચ્છા ન હોય તો તમને આવડતાં ને હાથે ચડી ગયેલાં કામ પંદર તો શું પચાસ મિનિટ સુધી પણ તમે કરી શકો છો. એ છે, ઘરની સાફસફાઈ, વાસણ માંજવાં, કપડાં ધોવાં, રસોડામાં કે ઘરકામમાં મદદ કરવી. તમે ચાહો તો, દરેક કામને પંદર પંદર મિનિટ પણ ફાળવી શકો અથવા ફક્ત પંદર જ મિનિટ મદદ કરવાનું નાટક કરીને ઘરનાંને ઈમ્પ્રેસ કરી શકો. ન કરવું હોય તો, પંદર જ મિનિટમાં બધું ઉથલપાથલ કરીને કાયમ માટેની કામકાજની મદદ પર ચોકડી મુકાવી શકો. જેવી તમારી આવડત !

છેલ્લું એક જ કામ બાકી રહે છે. તમે પંદર મિનિટમાં ડાયરીનું એક પાનું લખી શકો જો શોખ કે ડાયરી બચ્યાં હોય તો. એમાં પછી રોજના ખર્ચનો હિસાબ લખી શકો અથવા ભૂલાઈ ગયેલા પત્રલેખનની શરૂઆત ફરીથી કરી શકો. આ બધું લખ્યા પછી તેને વાંચવામાં બીજી પંદર મિનિટ બગાડી શકો. ચાલો, આ બધાંમાંથી કોઈ કામ નથી કરવું ? તો કરવું શું ?


મોબાઈલ, ટીવી અથવા પંચાતની સ્વિચ ઑન કરી દો. ‘પંદર મિનિટ’ શબ્દો જ તમે ભૂલી જશો એની ગૅરન્ટી.