રવિવાર, 29 માર્ચ, 2015

મગજમારી કરવાની મજા

જાત સાથે અને લોકો સાથે મગજમારી કરતાં કરતાં, આપણે ક્યારે શબ્દોની મગજમારી કરવા માંડીએ છીએ તેનો આપણને ખ્યાલ રહેતો નથી. શબ્દોની મગજમારી કરવાથી આપણું સ્વાસ્થ્ય  સુધરે છે એવું ડૉક્ટરોનું કહેવું છે. આપણને તો આમેય શબ્દોની હેરાફેરી ગમતી જ હોય, એટલે જ્યાં લાગ મળે ત્યાં ઝુકાવી જ દેવાનું. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું કે, બોલવાવાળાને કોઈ વાર અટકાવવાના નહીં કે ટોકવાના નહીં. મજા કિરકિરી થઈ જશે.

મોટા ભાગે લોકોને એક વાક્યમાં, કોઈ એક શબ્દને બે વાર બોલવાની ટેવ હોય છે. બીજી વાર બોલાતો કે રિપીટ થતો શબ્દ ‘બ’થી શરૂ થતો હોય, એ જ કાનો–માત્રા કે હ્રસ્વૈ–દીર્ઘઈ સાથે ! ભૂલમાં પણ, લખતી વખતે કોઈ આ રીતે શબ્દને રિપીટ નથી કરતું તે પણ નવાઈની વાત છે. ‘બ’થી બનતા શબ્દોના અર્થ–અનર્થ શાંતિથી મમળાવવા જેવા ને એમાંથી બનતા હિન્દી કે અંગ્રેજી શબ્દો પણ જાણવા જેવા હોય છે.

શરૂઆત કરીએ સવારની ચાથી ને માતાને પ્રણામથી.
‘ચાલ લાવ, કંઈ ચા–બા પા.’
‘નાનપણમાં ‘બા ચા પા’ એવું ભણતાં તેનું તમે તો ઊંધું કરી નાંખ્યું.’
‘અરે ભઈ, ચા પીવી છે બસ ? સાથે કંઈ ચેવડો–બેવડો હોય તો લાવજે.’
‘અરેરે ! તમે ક્યારથી બેવડો પીતા થયા ? ચા સાથે બેવડો ? દુનિયામાં ગાંડાઓની ખરેખર કમી નથી.’
‘તારામાં કંઈ અક્કલ–બક્કલ છે કે નહીં ? હું કંઈ ગાંડો–બાંડો નથી. સવારમાં જો મજાક કરતી હોય તો સાંભળી લે, મને છેડવા–બેડવાની કોશિશ નહીં કરતી. તને બીજું કંઈ કામ–બામ છે કે નહીં ?’
‘મારામાં અક્કલ તો બહુ છે પણ હાલ એના પર બક્કલ લગાવી દીધું છે. નકામું માથું દુખવવાનું ને  વગર કામનો બામ લગાવવો પડે પાછો.’
‘ હું એક બોલું તો તું ચાર બોલે કેમ ? ચાલ લાવ, એના કરતાં કંઈ ખાવાનું–બાવાનું હોય તો આપી જા.’
‘તમારું ખાવાનું લાવું કે બાવાનું ઢાંક્યું છે તે ?’
‘તેં આજે કંઈ ભાંગ–બાંગ પીધી છે કે શું ? કેમ લવારા કરે છે ?’
‘ભાંગ પીધી હોત તો સારું થાત. મરઘાની બાંગ સાંભળીને હું તો કંટાળી ગઈ. મોડું પણ બહુ થઈ ગયું. રાંધવા–બાંધવામાંથી પરવારું તો ને ? જો તમને તરસ–બરસ લાગી હોય તો કહી દેજો, સાથે પાણી પણ આપી દઉં. પછી દસ ધક્કા નહીં ખવડાવતા. ને જુઓ, રોજની જેમ અહીં કંઈ ઢોળતા–બોળતા નહીં. જમવાનું પણ આજે સાદું જ મળશે. તળવા–બળવાનું આજે માંડી વાળ્યું છે.’
(સારું થયું માંડવાળ કર્યું તે, બાકી તું તો મને બાળીને બળે એવી છે.)
‘તમે કંઈ બોલ્યા ? મને તમારા હોઠ ફફડતા હોય એવું લાગ્યું.’
‘મને તારી જેમ બબડાટ–ફફડાટ કરવાની ટેવ નથી. ખાલી ફફડવાની જ ટેવ છે. ચાલ, હવે કંઈ દાળભાત–બાળભાતની પણ તૈયારી કરવા માંડજે. ફ્રિજ–બ્રિજમાં જો કંઈ વાસી પડ્યું હોય તો પછી આરામ કરજે. કેરી–બેરી હોય તો છરી–બરી ને કાંટો–બાંટો તૈયાર કરી મૂકજે. ભૂખ લાગશે ત્યારે ખાઈ–બાઈ લઈશ. ને જો, આજે નીચે પલાંઠી લગાવીને બેસવાની મારી ઈચ્છા છે તો પાટલો–બાટલો પણ કાઢી મૂકજે.’
‘આજે તમને કંઈ ભૂત–બૂત ભરાયું છે કે શું ? કેમ આમ અગડમ–બગડમ બોલ્યે રાખો છો ? સવારથી સતત ઑર્ડર–બૉર્ડર ચાલુ જ છે, તે ટેબલ છોડીને પાટલા પર બેસવાના ? કે બાટલા પર ? નાહવા–બાહવાના કે રોજની જેમ હાથ–બાથ ને પગ–બગ ધોઈને જ જમવા બેસી જવાના ?’
‘ભૂત મને નહીં, તને ભરાયું છે. જો, તું જ કેવું બબ્બે વાર બધું બોલે છે. હજી તારું લિસ્ટ તો અડધે પહોંચ્યું. બોલ ને કે, કાન–બાન, કોણી–બોણી, એડી–બેડી ને માથું–બાથું ધોવાના કે નહીં ?’

હવે ડ્રામામાં વળાંક ! સંવાદો સાથે રેડિયોની જુગલબંદી. મોટા અવાજે રાગડા ચાલુ.

‘બંધ કર તારો આ રેડિયો. કંઈ ગીત–બીતમાં સમજ પડે કે ? રાગ–બાગનાં ઠેકાણાં નહીં, તાલ–બાલમાં સમજે નહીં ને રેડિયો જ મચડવા બેસી ગઈ. કોઈ દા’ડો વાજુ–બાજુ જોયેલું કે ? આ માઈક–બાઈક ને સ્ટેજ–બેજ(આમાં ટ કેવી રીતે જોડે ?) તો અહીં આવીને જોયાં. ફોન–બોન આવતા તો બાઘાની જેમ જોયા કરતી.’
‘તમે જો બહુ હોશિયાર હો તો જરા કહો તો, કોઈ દા’ડો જર્સી ગાય–બાય જોયેલી કે ? પાડો–બાડો કોને કહેવાય ? ગાડું–બાડું એટલે ? ગાડામાં બેઠેલા કોઈ વાર ? ખરી–બરી, નાથ–બાથ, હળ–બળ, ખેડ–બેડ, છાણ–બાણ, માટી–બાટી, ચાર–બાર જેવા શબ્દો કોઈ વાર સાંભળેલા ? તમારા બાપાને ત્યાં કોઈ દા’ડો કેરી–બેરીનો ઢગલો–બગલો જોયેલો કે ? બોલો બોલો. હવે કેમ ચૂપ થઈ ગયા ?’
‘હા ભઈ હા. બધું તેં જ જોયેલું. તારી તો પૂજા–બૂજા કરવી જોઈએ. લાવો કોઈ દીવો–બીવો લાવો. મારે કોઈ ધૂન–બૂન પણ ગાવી પડશે કે ? કે પછી, મંગલા–બંગલા ને સાંધ્ય–બાંધ્ય આરતીનો કાર્યક્રમ ગોઠવીએ ?’
‘ભૂલ થઈ ગઈ બાપા... !  હવે બસ.’
‘હા... ખબરદાર જો મારું નામ–બામ લીધું તો !’

આ કથા કે નાટક તો જેટલું લંબાવાય(કે ન લંબાવાય–બંબાવાય !) તેટલું ઓછું. પછી જ્યારે ભડકા થવાની શક્યતા લાગે ત્યારે બાની પર પાની રેડી દેવું.

મંગળવાર, 24 માર્ચ, 2015

રસોઈકલા એટલે ?

આજકાલ પરીક્ષા અને ક્રિકેટના ટેન્શન કે તણાવને કારણે, સુંદર અને સ્વાદિષ્ટ રસોઈકલા વેઠ ઉતારવાની કલા બની ગઈ હોય તો કોઈ નવાઈ ન પામશો. થોડા દિવસ સુખે–દુ:ખે કાઢી નાંખશો તો આ કલાની અંદરની વાતો તમને જાણવા ને સમજવા મળશે. મેં આ કલાને કેટલાક રસપ્રદ ખાનામાં ગોઠવી છે. તમે પણ સરખાવી જોજો કે, તમે આ કલા વિશે શું ધારો છો ?


રસોઈકલા એટલે પાકકલા. બત્રીસ જાતનાં ભોજન ને તેત્રીસ જાતનાં પકવાન ખાવા–ખવડાવવાની એ પાક એટલે પવિત્ર કલા છે.

રસોઈકલા એટલે શાકકલા. શાક વગર તમારું ભોજન અધૂરું ગણાય. આજે તમે ચારમાંથી ચારસો શાક બનાવી શકો એટલી રેસિપી તમને મળી રહે, એટલે જ નવા નામે જૂના શાકને પધરાવવાની કલાનો આમાં વિકાસ થાય છે.

રસોઈકલા મુખ્યત્વે નાક પર આધાર રાખે છે. જેની રસોઈની સુગંધ આખા ઘરમાં ને પાડોશમાં પણ પહોંચી જાય તેની રસોઈ ચાખવા કે ખાવા બોલાવવાની રાહ નથી જોવી પડતી. જોકે, રસોઈ બળી જાય ત્યારે નાક કપાવાની વેદના થાય ખરી.

આળસુ લોકો માટે તો રસોઈકલા થાકકલા સિવાય કશું નથી. બજારમાં બધું તૈયાર મળતું હોય તો કોણ ઝંઝટ કરે ? જોકે, ઘણા ઘરોમાં આ કલા ખરેખર થાકકલા જ બની જાય છે.

જ્યારે રસોઈ બગડે ને બધી મહેનત ખાકમાં મળી જાય ત્યારે એ કલા ખાકકલાથી વિશેષ કંઈ નથી.

અસલના જમાનામાં તો દીકરીઓને ધાકમાં રાખીને આ કલા શિખવાતી. તો ઘણી જગ્યાએ પોતાની ધાક જમાવવા માટે પણ સ્ત્રીઓ આ કલાનો ઉપયોગ(!) કરતી. એટલે આ કલા બની ધાકકલા.

વર્ષો પહેલાં પાડોશણો માટે તો આ કલા તાક–ઝાંકકલા જ બની રહેતી. બીજાનાં ઘરોમાં નાકના જોરે વાનગી જાણવાની તાલાવેલી, નફ્ફટ બનીને ઝટપટ તપેલાં ઊઘાડીને ડોકિયું કરવા સુધી એમને દોરી જતી. ‘આજે શાનું શાક બનાવ્યું ?’ એ એમનો પ્રિય પ્રશ્ન રહેતો.

એમ તો, રસોઈકલા એટલે ડાકકલા. રસોઈ શો નહોતા તે જમાનામાં પણ વાનગીઓની આપ–લે થતી ને હરીફાઈઓ પણ થતી. ફક્ત ડાકને એટલે કે ટપાલને આધારે થતી એટલે એ ડાકકલા.

રસોઈકલા એટલે ઢાંકકલા. રસોડામાં ઢાંકવાની કલા મહત્વની કલા ગણાય છે. જો ભોજન વ્યવસ્થિત રીતે ઢાંક્યું હોય તો જમનારના મનમાં કુતૂહલ અકબંધ રહે છે. રસોઈની વધઘટની જાણકારી ફક્ત સ્ત્રીને જ હોવાથી, સાચવીને ઢાંકેલું ને કલાત્મક રીતે સજાવેલું સવારનું ભોજન સાંજે અપાય તોય ઘરનાંને એની ગંધ આવતી નથી ! કદાચ કોઈને ગંધ આવી પણ જાય તોય ધાકના માર્યા કોઈથી બોલાતું નથી.

ફાકકલા ! રસોઈકલા એટલે ફાકવાની કલા. રસોઈમાં ઠેકાણાં ન હોય ત્યારે ફાકા મારવાની અદ્ભૂત કલાનો આપોઆપ વિકાસ થાય છે.

રાંકકલા. ઘણી વાર ખાનારને અને ઘણી વાર ખવડાવનારને આ કલા રાંક બનાવી દે છે !

વાંકકલા ! આ કલા રસોઈને શ્રેષ્ઠ બનાવવામાં ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. ભલભલી કોન્ટેસ્ટમાં જીતીને આવતી સ્ત્રીની રસોઈમાં, ઘરમાં કોઈ ખામી ન નીકળે એવું કઈ રીતે બને ? જોકે, એમાં જીભને કેળવવી ખૂબ જરૂરી હોય છે–ખાવામાં અને બોલવામાં પણ ! ઘણાંનું એવું માનવું હોય છે કે, અવારનવાર વાંક કાઢતાં રહેવાથી, રાંધનાર ધ્યાનથીરાંધે છે ને વેઠ નથી ઉતારતું ! પોતાને મનગમતી વાનગી મળતી રહે તે નફામાં. વાંકકલામાં રાંકકલા ને ધાકકલાનું મિશ્રણ જોઈ શકાય છે.

વર્ષોથી રસોઈની મહારાણી બની ચૂકેલી સ્ત્રી જોકે વાંકકલાને બહુ પ્રોત્સાહન નથી આપતી. ટીકાના અંગારા પર ઠંડું પાણી રેડવાનો એને બહોળો અનુભવ હોય છે. એની પાસે દરેક પ્રશ્નનો જવાબ તેયાર હોય છે. એની રસોઈની ખામીમાં કોઈ વાર તબિયતનો વાંક (કે બહાનું !) હોય તો કોઈ વાર નોકરનો વાંક. કોઈ વાર ભેળસેળના જમાનાનો કે દવા છાંટેલી અથવા કસ વગરની શાકભાજીનો વાંક પણ નીકળી શકે.

બન્ને પક્ષે વાંકકલાના નમુના જોઈએ.
‘દાળમાં કેમ મીઠું વધારે છે ? ખવાય તેવી તો બનાવ.’
‘આજકાલ મને યાદ નથી રહેતું.’
‘શાક તો ભાઈ બહુ તીખું છે. મને એટલે જ એસિડિટી થઈ ગઈ છે. જરા મારા પર મહેરબાની કરે તો સારું.’
‘અરે, તમે વાત જ જવા દો ને. આજકાલ મરચાંમાં પણ કોઈ કસ નથી રહ્યો. કોઈ વાર તીખાં હોય તો કોઈ વાર સાવ મોળાં !’
‘આજે ભાત બહુ ચીકણો થઈ ગયો.’
‘નવા ચોખા છે ને ? બહુ સાચવીને રાંધવા પડે.’
‘રોટલી રબર જેવી છે.’
‘કેટલા મોંઘા ઘઉં લીધા તે આવી રોટલી માટે ? કાલે જ કરિયાણાની દુકાને ફોન કરીને એને ખખડાવી નાંખું.’

બસ. આવા ઘરોમાં વાંકકલાનો વિકાસ થતો નથી. જે વાંક કાઢ્યા વગર જમી લે છે તે પાંચ આંગળીએ પૂજાય તેવો બની જાય છે.

હાકકલા તો જાણતાં જ હશો. રસોઈ કરતી વખતે શાંતિથી રસોઈ કેવી રીતે બનાવાય ? રસોઈ પાંચની હોય કે પચાસની, બૂમાબૂમ ને ધમાલ કર્યા વગર ઘણાં રાંધી  નથી શકતાં તો ઘણાં રાંધેલું ખાઈ નથી શકતાં.

રસોઈકલા એવી અદ્ભૂત કલા છે જેમાં અવનવી કલાઓ છુપાયેલી છે. એ જોવા–જાણવા–માણવા–શીખવા ને શીખવવા સિવાય પણ મેળવવા–ગુમાવવા કે કમાવા–ખર્ચવાની પણ મસ્ત કળા છે. જે જાણે તે જ માણે.

શનિવાર, 14 માર્ચ, 2015

દસમા–બારમાનાં માબાપો

માર્ચ મહિનામાં લેખનું શીર્ષક જો આવું રાખ્યું હોય તો અમુક ટકા વાચકો મળી રહેવાની ગૅરન્ટી ! દસમા–બારમાના વીતી ચૂકેલા માબાપો એટલે કે, જેઓ પોતાનાં બાળકોનું દસમું–બારમું સારી કે ખરાબ રીતે પસાર કરી ચૂક્યા છે, એમનો કપરો સમય વીતી ચૂક્યો છે અને એમના પર પણ જાતજાતનું વીતી ચૂક્યું છે. (શું ? તે એ લોકો સિવાય કોણ સારી રીતે જાણે ?) આ ભૂત માબાપો, જેમને મન દસમું–બારમું હવે ભૂતકાળથી વિશેષ કંઈ નથી તેઓ તો, ‘આપણે કંઈ કામ નથી વાંચવાનું’ બબડી આ લેખ પર નજર પણ નહીં નાંખે.

પ....ણ, જેમનાં બાળકો હાલ કોના ભરોસે છે એની જ જેમને નથી ખબર અને પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પછી, એમનાં બાળકોના ને પોતાના શા હાલ થવાના છે તે પણ જે નથી જાણતાં, તેવાં માબાપો તો આવા શીર્ષકવાળા લેખોને માથે ચડાવશે. કદાચ લેખમાંથી પણ કોઈ ‘MOST IMP’ મળી જાય ! વર્ષની શરૂઆતથી તે અંત સુધી આવા લેખો માબાપોનો પીછો નથી છોડતા. બાળકો તો પછી ભણશે, પહેલાં માબાપોને ભણાવી લો. એમની અક્કલ ઠેકાણે લાવો, એમને શિસ્ત શીખવો, એમને ઉજાગરા કરાવો, એમને ભૂખા રાખો, એમની ઊંઘ હરામ કરીને એમને બેચેન બનાવો, નોકરીમાં રજા પડાવો, ઉપવાસ કરાવો, એમને અર્ધપાગલ અવસ્થામાં બબડાટ કરતા કરી દો ને દાંતિયા કરતાં કે વડચકાં ભરતાં કરી નાંખો. લેખો દ્વારા એમનો ઉધ્ધાર નહીં કરો પણ એ લોકો ઉધાર કરીને, ઉધારની જિંદગી જીવે છે તેનો સતત અહેસાસ કરાવતા રહો.

લેખક તરીકે મારી પણ ફરજ છે કે, ચાલતી ગાડીમાં બેસી જવું. બધા લખે છે તો મારે પણ એક લેખ લખી, માર્ચ મહિનાના કપરા કાળ વિશે કંઈક ફટકારી દેવું એવું નક્કી કર્યું. ને ફટકારવા માટે દસમા–બારમાના માબાપ સિવાય બીજું કોણ મળવાનું ? છોકરાંઓને તો આંગળી અડાડી જુઓ કે એમની સામે ડોળા કાઢી જુઓ. છે કોઈનામાં એટલી તાકાત ? સવા શેર સૂંઠ ખાધેલી માના દીકરા પણ આ મામલે પાણીમાં બેસી જશે. આખરે બાળકોના ભવિષ્યનો સવાલ છે.

તો પછી, શરૂઆત કરીએ આપણે અધૂરા મૂકેલા શીર્ષકથી. દસમા–બારમાના માબાપો....શું ? કોણ ? ક્યારે ? કેવી રીતે ? ક્યાં ? જેવા અઢળક પ્રશ્નોથી ઘેરાયેલા  રહે છે. વર્ષ દરમિયાન એમના માથે સલાહોનો મારો ચાલુ રહે છે. જેમ કે....

દસમા–બારમાના માબાપે શું કરવું ને શું ન કરવું ? કપરું વર્ષ શરૂ થાય તે પહેલાં, તે પછી, તે દરમિયાન અને તે પૂરું થાય ત્યારે, ઘરમાં એકબીજા સાથે, બાળકો સાથે–વીઆઈપી બાળકો સિવાયનાં બાળકો સાથે પણ, શિક્ષકો સાથે–એમાં ટ્યુશનિયા શિક્ષકો પણ આવી ગયા(માફ કરજો, ટ્યુશનને બદી ગણનારાંને પણ એના વગર ચાલતું નથી એટલે આ શબ્દ વપરાઈ ગયો) અને ઘરના કામવાળા કે વાળી સાથે પણ કેવો વ્યવહાર કરવો તેના લેખો વાંચવા અને તેમાં જણાવ્યા મુજબ કરવું.

દસમા–બારમાનાં માબાપો કોણ ? તો, જેના ભોગ લાગ્યા છે, જેમનું નસીબ બે ડગલાં આગળ છે, આ એક વર્ષ દરમિયાન જેમનાં કોઈ સગાં નથી ને કોઈ વહાલાં પણ નથી તો મિત્રો તો ક્યાંથી હોવાના ? જેમને ત્યાં ટીવી નથી, જેમના મોબાઈલ ઘરમાં સાઈલન્ટ રહે છે અને જેમનાં ઘરમાં દુનિયાભરના દેવોના ફોટાઓ, આશિષો અને પ્રસાદોનો મારો થતો રહે છે તેવા કમનસીબ, ઉતરેલા ચહેરાવાળા અને સતત નિરાશાના બોજ નીચે દબાયેલાં માબાપોને ઓળખવા અઘરાં નથી.

દસમા–બારમાનાં માબાપો ક્યારે ? આમાં ક્યારે શબ્દના આપણે બે–ત્રણ અર્થો જોઈશું. ક્યારે બનાય ? ક્યારે છૂટકારો પામે ? ક્યારે પાર્ટી કરે અથવા સત્યનારાયણની કથા કરે અથવા ક્યારે ફરવા ઊપડી જાય ? બાળક આઠમા ધોરણમાં આવે કે ત્યારથી જ, માબાપનું નિશાન દસમા ધોરણ પર તકાઈ જાય ને બાળકને બીવડાવવાનું શરૂ ! અંદરખાને પોતે બીતાં હોય પણ બદલો તો બાળક સાથે જ લેવાય ને ? છૂટકારો પામવાનું તો જાણે કોઈના નસીબમાં હોતું જ નથી. બારમાના રિઝલ્ટ પછી એડમિશનની ચિંતા અને જો જોઈતી જગ્યાએ એડમિશન ના મળ્યું તો દીકરા/દીકરીને સારી નોકરી મળ્યા પછી પણ અને ઘણી વાર તો દાદા/દાદી બન્યા પછી પણ સારી જગ્યાએ એડમિશન નહોતું મળ્યું તેની વાર્તા પૌત્રોને સંભળાવતાં અફસોસ કરી લેવાય ! આમ સંપૂર્ણ છુટકારો તો આવા માબાપના ભાગે ક્યારેય હોતો જ નથી. જોકે, પરીક્ષા અને રિઝલ્ટની વચ્ચે કશેક ફરવા ઊપડી જવાની છૂટ છે પણ તોય, પાર્ટી કે કથા તો ગમતા રિઝલ્ટની જ હોય ને ?

દસમા–બારમાના માબાપે એમના (મુદતી) લાડકાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો ? કેવી રીતે પોતાનું ને બધાંનું મગજ શાંત રાખવું ? કેવી રીતે ઘરના વાદવિવાદ ટાળવા ? કેવી રીતે મહેમાનોને ટાળવા ? કેવી રીતે ફાલતુ ખર્ચા ટાળવા ? પાડોશીઓને કેવી રીતે કાબૂમાં રાખવા ? વગેર વગેરે વગેરે... ઓહોહો ! કેટલા બધા પ્રશ્નો ! પણ ચિંતા નહીં. આવા જ બધા પ્રશ્નોના ઉકેલ તો જાતજાતના લેખોમાંથી મળી રહે છે અને એટલે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની આશા બંધાય છે.

એમ તો સવાલો ઘણા છે પણ આપણે છેલ્લા એક સવાલથી, ક્યારેય પૂરી ન થનારી આજની વાત પૂરી કરશું. દસમા–બારમાના માબાપો ક્યાં ? ખરી વાત છે. ટ્યુશન ક્લાસીસને દસમા–બારમાના ગરજવાન માબાપો ક્યાં મળે ? કાઉન્સેલિંગને નામે ધૂતી ખાનારાઓને આવા માબાપો ક્યાં મળે ? ભારત સિવાય આવા માબાપો ક્યાં ? નિર્દોષ બાળકોના નસીબમાં આવા માબાપો ક્યાં ? ખરેખર તો, જેમને પોતાને જ કંઈ ખબર નથી કે, પોતે ક્યાં છે ? તો એવા માબાપોને શોધવા ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પણ શહેરમાં એકાદ લટાર મારી આવો. થોકબંધ માબાપો, વગર જેલે જેલમાં પુરાયેલા કેદીની હાલતમાં મળી આવશે.

આપણે સૌ આશા રાખીએ અને એમના માટે શુભેચ્છાઓ કરીએ કે, એમનો જલદી છૂટકારો થાય અને એમનાં બાળકો પરીક્ષાનો ભવસાગર તરી જાય.

આપ સૌની સાથે છેલ્લા એક વરસથી  ‘લપ્પન–છપ્પન’ કરવાની મને તો બહુ મજા આવી.
આપ સૌનો સહકાર અને સૌની શુભેચ્છાઓ આ જ રીતે મળતી રહેશે તો વધુ ‘લપ્પન–છપ્પન’
મજેથી ચાલુ રહેશે. સૌનો આભાર. (વારંવાર ‘આપ–આપ’ લખવામાં ગેરસમજ ઊભી થવાનો ડર છે.)


રવિવાર, 8 માર્ચ, 2015

કાંદાનાં ભજિયાંનું સપનું

આજે મળસ્કે મને કાંદાનાં ભજિયાંનું સપનું આવ્યું !

નવાઈ લાગી ને ? મને પણ ઊઠતાં વેંત જ સપનું યાદ આવતાં એટલી જ નવાઈ લાગી જેટલી તમને લાગી, પણ ખરેખર એ કાંદાનાં ભજિયાં જ હતાં. કહેવાય છે કે, મળસ્કેનું સપનું સાચું પડે છે.  એ હિસાબે આજે રાત સુધીમાં કાંદાનાં ભજિયાંનો મેળ ચોક્કસ પડવાનો. મારું મન બેહદ પ્રસન્ન છે. કશેથી નહીં પડે તો હું જાતમહેનતે પણ મેળ પાડી દઈશ પણ સપનાને ખોટું નહીં પડવા દઉં. કેટલે વખતે ભજિયાં ખાઈશ ને તે પણ કાંદાનાં ! વાહ !

સપનું પણ પાછું કેટલું લલચામણું હતું. એક ભજિયું મારા મોંમાં, એક ડાબા હાથમાં, ત્રણ–ચાર ભજિયાં ગરમાગરમ તેલમાં દાઝવાને કારણે ડાન્સ કરતાં હતાં અને ત્રણ–ચાર ભજિયાં શહીદ થવાની રાહ જોતાં લોટનો લેપ લગાવીને તૈયાર હતાં. ડિશ ભરી...ને ભજિયાં ! આજે તો જલસા. ભજિયાં સાથે ડિશમાં ચટણી પણ હતી. જોકે શેની હતી તે કળાયું નહોતું પણ ભજિયાં હતાં એટલે તીખી તીખી લીલી કે ખાટીમીઠી ચટણી જ હોવી જોઈએ. જે હોય તે, ભજિયાં તો નક્કી ને સો ટકા કાંદાનાં જ હતાં. ભજિયાં સાથે જલેબી હતી કે શું હતું કંઈ બરાબર દેખાયું નહોતું. (સપનાની પ્રિન્ટ થોડી ઝાંખી હતી.)

જ્યારથી કાંદાના ભાવ વધવા માંડ્યા છે ત્યારથી જાણે અજાણે કાંદા પ્રત્યે વધુ ને વધુ ભાવ જાગવા માંડ્યો છે. અભાવમાં પણ ભાવ જુએ તે જ ખરો માનવી ! (કાંદા શું શું નથી શીખવતાં ? કે મોંઘવારી બધું શીખવે છે ?) જૈનો શા માટે ને કેવી રીતે આજનમ કાંદાના વેરી બનીને જીવી શકે છે તે જ મને તો સમજાતું નથી. બાકી તો, કાંદા વગરની રસોઈ ? વિચાર જ મનને ધ્રુજાવી દેનારો છે. દરેક ગૃહિણી ઘરમાં કાંદા ને બટાકા હાજર રાખીને પોતાની જાતને આદર્શ ગૃહિણી સાબિત કરી શકે છે. (તેથી જૈન સ્ત્રી આદર્શ ગૃહિણી નથી એવું ન સમજવું. કાંદા–બટાકા વગરની રસોઈ બનાવવાની એમની કુશળતાને સલામ કરવી પડે.) પણ અચાનક આવી પડતાં મહેમાનને જો કાંદાનાં ભજિયાં ખવડાવાય તો ? અથવા હેલ્થ કૉન્શિયસ મહેમાનને બટાકાપૌંઆ ખવડાવ્યા હોય તો ? મહેમાનના મનમાં કેટલો આદરભાવ પેદા કરી શકાય ?

કાંદાનાં સો પડ હોય છે એવું સાંભળ્યું છે. એ હિસાબે ભવિષ્યમાં કાંદાના ભાવ સો રૂપિયે કિલો થવાની પૂરી શક્યતા છે. શક્યતા એટલા માટે કે, આજે ગરીબીની રેખા નીચે કોઈ નથી, બધા મોંઘવારીની રેખા નીચે છે. એ રેખાને નાકનું ટીચકું ચડાવેલું જ રાખવાની ટેવ છે. જવા દો, આ બધા ભાવ–અભાવની વાતોમાં ક્યાંક મારું ભજિયાંનું સપનું અટવાઈ ન જાય.

સપનાં આપણને ત્રણ–ચાર પ્રકારનાં આવે છે. એમાંથી ઊંઘમાં આવતું સપનું એની જાતે આવે છે. એને લાવવું નથી પડતું. એવું મનાય છે કે, અતૃપ્ત આત્માની કોઈ અતૃપ્ત ઈચ્છા સપના તરીકે આવતી રહે છે ! હોઈ શકે, આ વાત કદાચ સો ટકા સાચી હોઈ શકે છે. કારણ કે આજકાલ જ્યાં ને ત્યાં મોંઘવારીની ચર્ચા ને મોંઘવારીનો માર. માણસ આખો દિવસ એની એ જ વાત ને એના એ જ વિચારમાં અટવાઈને આખરે, અધરાત–મધરાત (બન્ને એક જ નહીં ?) કે મળસ્કે પણ સપનું જુએ તો શાનું જુએ ? આજે કાંદાનાં ભજિયાંનું સપનું આવ્યું. શક્ય છે કે, કાલે વેઢમી સપનામાં આવે ને પરમ દિવસે ગુલાબજાંબુ કે રબડી પણ સપનામાં આવી શકે. કોઈ કાબૂ રાખીને પણ જીભ પર કેટલોક કાબૂ રાખી શકે ? વર્ષો સોંઘવારીમાં ખાઈ–પીને જલસા કર્યા હોય તે બધું મોંઘવારીમાં યાદ ન આવે એવું કેમ બને ? જોકે, યાદ આવે એટલે બધી વસ્તુના ભાવ યાદ આવે ને ભાવ યાદ આવે એટલે પરાણે અભાવ પેદા કરવો પડે ને આ પરાણે પેદા કરેલો અભાવ આખરે સપનામાં ત્રાટકે ત્યારે ? જીવ બળી જાય કે નીં ?

એમ રોજ રોજ સપનાં જોઈને જીવ બાળીને બેસી રહેવા કરતાં મેં તો નક્કી કરી લીધું છે કે, રોજ કંઈ એક જ વાનગીનું સપનું તો આવવાનું નથી. જે મળસ્કે જે વાનગી દેખાઈ તે દિવસે તે વાનગી બનાવીને ખાઈ નાંખવાની. સપનું પણ સાચું પડશે, ઈચ્છા પણ પૂરી થશે ને આત્મા પણ પ્રસન્ન થશે. એટલે આજે તો કાંદાનાં ભજિયાંનો વારો આવી ગયો પણ કાલે કે પરમ દિવસે શાનો વારો હશે કોણ જાણે ! એવું કરું કે, જે ખાવાનું મન થાય તેના જ વિચારો આખો દિવસ કરતી રહું ને તેનાં જ દિવાસ્વપ્નો આખો દિવસ જોયા કરું...જાણે કે મેં મોંએ બાસુદીનો વાટકો માંડ્યો છે ને...


બસ. આમ જ તમે પણ સપનાં જોતાં થઈ જાઓ. મળસ્કે સપનું આવી જાય તો કોને ખબર, સાચું પણ પડી જાય !

રવિવાર, 1 માર્ચ, 2015

ચાલો, ગુજરાતી ભાસાની ખબર કાઢવા !

‘આજે સાંજે અમે ગુજરાતી ભાસાની ખબર કાઢવા જવાના છીએ. તમે આવસો ને ?’
‘કેમ વળી, અચાનક જ ગુજરાતી ભાષાને શું થઈ ગયું ?’
‘તમને નથી ખબર ? ગુજરાતી ભાસા તો મરવા પડી છે ને એકદમ સિરિયસ છે.’
‘એમ ? મને કેમ ખબર ના પડી ? તમે મને આટલા દિવસ સુધી કહ્યું કેમ નહીં ? હવે જ્યારે મરવાની અણી પર આવી ગઈ ત્યારે એની ખબર કાઢવાનું સૂઝ્યું ? આપણે આટલાં મોડાં ખબર કાઢવા જઈશું તો કેવું લાગશે ?’
‘ના, ના. એવું કંઈ નથી. બધાંને પણ હમણાં જ, મોડા મોડા જ સમાચાર મળ્યા છે. રોજ રોજ બધાં એની ખબર કાઢવા ટોળે વળીને જઈ રહ્યાં છે. તો મે’કુ, ચાલો આપણે પણ જઈ આવીએ.’
‘કઈ હૉસ્પિટલમાં છે ?’
‘લગભગ તો સરકારી હૉસ્પિટલમાં જ છે.’
‘મરવાની અણી પર આવી ગઈ એટલે મને લાગે છે કે, આઈ.સી.યુમાં જ હશે.’
‘ના, ના. કોઈ કે’તું ’તું કે એને તો જનરલ વૉર્ડમાં જ રાખી છે. બધાં મળવા જઈ સકે ને ?’
‘પણ, જનરલ વૉર્ડમાં તો એની સારવાર કેવીક થાય ?’
‘તે એને ક્યાં વધારે સારવારની જરૂર પણ છે ? એને તો, બધાં એને જોવા જાય ને મળવા જાય તેમાં જ બધું મળી જાય એમ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આમ જ જો બધાં એને મળતાં રે’સે ને તો થોડા દિવસોમાં તો એ પાછી બેઠી પણ થઈ જસે. નવાઈની વાત કહેવાય નહીં ? હૉસ્પિટલમાં તો વધારે લોકોને મળવાની ડૉક્ટર કાયમ ના કહેતા હોય કે, પેસન્ટ માંદા પડી જાય ! પણ આ તો ઊલટી ગંગા જણાય છે ! જેમ ખબર કાઢવાવાળા વધારે જાય તેમ પેસન્ટ વહેલા સારા થાય !’
‘ખબર કાઢવા જઈએ છીએ તો કંઈ ફ્રૂટ કે એવું કંઈ લઈ જવું પડશે ને ?’
‘અરે, ના ના. એને એવી બધી કોઈ જરૂર નથી. બૌ સાદી છે એ તો. મળવા જઈસું તેમાં જ બૌ ખુસ થઈ જસે જોજો ને.’
‘તમે તો એને બહુ સારી રીતે ઓળખતાં હો એમ વાત કરો છો !’
‘લો.. ઓળખું કેમ નહીં ? મારા ગામની જ છે. હું બૌ નાની હતી ત્યારની એને ઓળખું છું. સ્વભાવે એકદમ સરળ અને મળતાવડી. બધાંમાં ભળી જાય ને પોતાનામાં સહેલાઈથી બધાંને સમાવી લે તેવી.’
‘એનાં કોઈ સગાંવહાલાં નથી ?’
‘છે ને...અરે...એના કાકા–મામા–માસીની દીકરીઓ જ કેટલી બધી છે ! એને જોતાં જ ઓળખી જનારાનો ને પોતાની ગણનારાનો તો પાછો પાર નહીં. દેસ–વિદેસમાં એને માનવાવાળા કેટલાય પડ્યા છે ! એમ તો એનો વટ ભારે છે. માનપાન પણ બૌ મળે. અચાનક જ સું થઈ ગયું ખબર નહીં, તે સીધી હૉસ્પિટલમાં જ દાખલ કરવી પડી ને વાત ફેલાઈ ગઈ કે એ મરવા પડી ! મને ચિંતા થઈ એટલે એની ખબર કાઢવા જવાનું નક્કી કર્યું. તમને પણ એના માટે લાગણી છે, મને ખબર છે તે મને થયું કે, તમને પૂછી જોઉં. ચાલો આવતા હો તો.’
‘હા, હા, ચાલો. હું પણ આવું જ છું. ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી તો મને પણ તમારા જેટલી જ છે પણ શું થાય કે, આજકાલ બધે ફરવામાં ને મોબાઈલમાં ને પરચુરણ પંચાતમાં મારાથી એને જરા સાઈડ પર મુકાઈ ગયેલી. વચ્ચે વચ્ચે જોકે, ઘણી વાર યાદ આવતી ત્યારે થતું કે, એ કેમ હશે ? મજામાં તો હશે ને ? એકલી તો નહીં પડી ગઈ હોય ને ? થોડી વાર ચિંતા થતી, વળી કામમાં ભુલાઈ જતી. આ તો સારું થયું કે, તમે મળી ગયાં. એ બહાને એને મળી લઈશ. બૌ વખતે મને જોઈને એને પણ આનંદ જ થશે.’
‘તમારાં બાળકોને પણ સાથે લઈ લો ને ! એ બહાને એમને ફરવાનું મળસે ને માતૃભાસાને મળવાથી કેટલો આનંદ મળે તે પણ જોવા મળસે. ગુજરાતી તો બાળકોને જોઈને ખુસ ખુસ થઈ જસે. મારાં બાળકોને પણ સંગાથ મળસે. ચાલો.’
‘અરે ! તમે કે’તાં હો તો વારાફરતી ઘરનાં બધાંને ગુજરાતીને મળવા મોકલી આપીશ. પણ એ તો કહો, કયા ડૉક્ટરની સારવાર ચાલે છે ? કોઈ સારા ડૉક્ટરને બતાવ્યું કે પછી જનરલ વૉર્ડ ને સરકારી હૉસ્પિટલ, એટલે ન મરતી હોય તોય મરી જાય, એવું તો નથી ને ?’
‘ના ભાઈ ના. મેં તમને પહેલાં જ કહ્યું કે, સરકારીમાં રહે કે જનરલમાં, એને તો લોકોનો પ્રેમ જોઈએ છે. લોકો એને યાદ રાખે ને ભૂલી ન જાય એટલું જ એ ઈચ્છે છે. બીજું કંઈ નહીં.’

હૉસ્પિટલ તરફ રસ્તે જતાં જોયું તો, હૉસ્પિટલની આજુબાજુના દરેક રસ્તે લાંબી લાંબી લાઈનો લાગેલી. હૉસ્પિટલનું કમ્પાઉન્ડ ગુજરાતી ભાષાની ખબર કાઢવા જનારાઓથી ખીચોખીચ ભરેલું. શહેરમાં તો જ્યાં ને ત્યાં ગુજરાતી ભાષાની તબિયતની ગુજરાતીમાં જ ચર્ચા ને બોલબાલા ! આટલો પ્રમ ને આદર મેળવનારી ‘ગુજરાતી ભાસા’ ભલા શી રીતે મરી શકે ? સો વરસ પછીની વાત પછી.