‘આથી જાહેર જનતાને જણાવતાં અમને હાશકારાની લાગણી
થાય છે કે થોડા દિવસથી ડચકાં ખાતાં, સૌના લાડકા વૉટ્સ એપનું અચાનક જ દિવાળીના મેસેજોનો
ભરાવો થતાં કોલેપ્સ થવાથી અવસાન થયું છે. ખરેખર તો, અમારા માટે એ માથાનો દુખાવો
બની ગયેલું એટલે અમને એના જવાનો કોઈ અફસોસ નથી પણ સમાજના ડરે ને રિવાજને કારણે નવા
વરસના છેલ્લા સોમવારે અમે વૉટ્સ એપનું બેસણું રાખ્યું છે. જે લોકો વૉટ્સ એપ
વાપરતાં હોય તેમને આઘાત લાગશે સ્વાભાવિક
છે અને થોડો સમય પૂરતી તો (અમારા સિવાય) એની ખોટ સૌને લાગવાની જ છે એટલે નાછૂટકે
અમે એનું બેસણું રાખ્યું છે. બેસણાંની વિગત નીચે જણાવી છે. એના સ્થાને હવે કોને
રાજગાદી સોંપવી તે અમારા ફૅમિલીમાં કંકાસનું કારણ બન્યું છે. એમ કંઈ કોઈને પણ સિરે
તાજ પહેરાવી દેવાય તો શું થાય, તેનો અનુભવ અમને સારી પેઠે થઈ ગયો હોવાથી, હવે તો
રાજગાદી માટે યોગ્ય ઉમેદવાર ન મળે ત્યાં સુધી અમે બેસણાંની વિધી પતાવી લેવા માગીએ
છીએ. જે ઉમળકાથી તમે એને અવારનવાર મેસેજોથી છલકાવી ને છકાવી દેતાં તેવો જ ઉમળકો આ
છેલ્લી વાર બતાવીને અમારા ફૅમિલી પર એક વધારાનો ઉપકાર કરશો એ આશા ને વિનંતી.’
મોબાઈલની દુનિયામાં અચાનક જ આ મેસેજથી અફડાતફડી
મચી ગઈ. લોકો એકબીજાને મેસેજ કરીને, ફોન કરીને વૉટ્સ
એપના અવસાનની ખરાઈ કરવા માંડ્યાં. લોકોને લાગેલો આઘાત એટલો તો જબરદસ્ત હતો કે અડધા
લોકોના તો રોંગ નંબર લાગ્યા ને અડધા લોકોને તો ઈમોજીસની ટેવ પડેલી તે મેસેજ
લખવામાં પણ બહુ લોચા પડ્યા! આખરે જેમતેમ લોકોને ખાતરી થઈ પણ આઘાત ઓછો ન થયો. હવે?
હવે શું કરશું? આપણું શું થશે? આપણી સવાર કેમ પડશે? જો સવાર પડશે તો સવાર મેસેજ
મોકલ્યા વગર ને મેસેજ જોયા વગર ને એ બધા મેસેજ ફોરવર્ડ કે ડિલિટ કર્યા વગર સારી
કેમ જશે? હવે તો સવારની ચા પણ નહીં ભાવે ને ખાવાનું? અરે! ગળે કોળિયા નહીં ઊતરે. આ
તો ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં ને જાગતાંની સાથે જ દિલમાં સમાઈ જતું તેના વગર હવે
કેમ જીવાશે? હે ભગવાન! આ તેં શું કર્યું? અમારા અમૂલ્ય ટાઈમ પાસનો સહારો છીનવી
લીધો. હવે અમારા મનોરંજનનું શું? અમારા હજ્જારો (સાચા/ખોટા) સંબંધોનું શું? અમારી
કેટલીય વિકસેલી કે વિકસવા માગતી કળાઓનું શું? આ તો અમારા સુખદુ:ખનો સહારો તેં
છીનવી લીધો.
અરે! તદ્દન તાજેતાજા (સાચા/ખોટા, નવા/જૂના)સમાચારોનું
શું? હવે અમને કોણ બધા સમાચાર આપશે? અમારો તો ગૃહઉદ્યોગ જ ભાંગી પડ્યો. હવે આખો
દિવસ ઘરમાં બેસીને અમે શું કરશું? કેટલાય નવા સંબંધોનો આમ એકી ધડાકે ખાત્મો બોલી
જશે એવું તો અમે સ્વપ્નેય વિચાર્યું નહોતું. અરે, વૉટ્સ એપને લીધે તો અમને જોક્સ
સમજાતા થયેલા, શેરોશાયરીનો શોખ જાગેલો, આ નાટક ને પેલી ફિલમ ને ફલાણા ડાયરા ને
ઢીંકણા પ્રોગ્રામની રજેરજ માહિતી મળતી તો મળતી પણ ઘેર બેઠાં જોવાય મળી જતા બોલો!
હવે શું? ગયું જ ને એ બધું? વૉટ્સ એપ બકા! આમ જતા રહેવાય? સાવ અચાનક? કંઈ નહીં તો
આ ભારતની જો ત્રીસ બાદ કરીએ તોય સો કરોડ જનતાનો તો વિચાર કરવો હતો!
કઈ નવી ફિલ્મ જોવી કે ન જોવી તેનો રિપોર્ટ તે જ
દિવસે કોણ બતાવતું? ક્રિકેટનો લેટેસ્ટ સ્કોર હોય કે ઈલેક્શનની હાર જીત હોય,
જાતજાતની વાનગીઓ હોય કે નવી નવી રેસ્ટોરાં કે લારી કે ઈવન રેંકડીનીય માહિતી કોને લીધે અમને ખબર
પડતી? આ ઝોમેટો ને સ્વિગીનો રસ્તો અમને કોણે બતાવેલો? અરે, ઘેર બેઠાં શોપિંગ
કરવાનું કોણે ચાલુ કરાવેલું? ઘેર બેઠાં થતાં કામનો તો કોઈ હિસાબ જ ગણાય એવો નથી. આ
બધું હવે કોના ભરોસે ને કોણ કરશે? જેની ખબર કાઢવી હોય કે જેના વિશે જાણવું હોય તે
ઘરમાં હોય કે શહેરમાં, બહારગામ હોય કે પરદેશમાં હોય...એક મીનિટની અંદર અમને બધી
માહિતી મળી જતી અને પાછા વિડીયો કૉલ? ઓહોહો! કેટલી મજા આવતી? આ તો વૉટ્સ એપની સાથે
એ મજા પણ ગઈ?
અચાનક જ બાળકથી માંડીને બુઢ્ઢાના ભેદ ભુલાયા,
સ્ત્રી–પુરુષમાં સમાનતા આવી, લોકો ધાર્મિક બન્યા, બધી વાતે જાણકાર ને હોશિયાર
બન્યા એ બધું જે વરસોમાં કોઈ ન કરી શક્યું તે એક આ મોબાઈલ એપે કરેલું તેય આજે આમ
બધાથી રિસાઈને બેઠું? હવે અમે કોના સહારે? હે નોધારાના આધાર, કાં તો સંજીવની છાંટી
ફરી એને સજીવન કર અથવા તો એના જેવા જ કોઈ એપનું નિર્માણ કર એ જ અમારી આ બેસણે
પ્રાર્થના છે.