ઘણી વાર એવા વિચાર આવે, કે નાનપણથી આપણને બહુ વધારે પડતા સારા સંસ્કાર
આપવામાં આવે છે. અમુક મૂળભૂત સંસ્કારો વિકસાવીને આદર્શ ઈન્સાન બનીને જીવન પુરું
કરવું એમાં બધું આવી જાય. જો બધું સરળ ચાલતું હોય તો આ ગુણો એની મેળે આપણી સાથે
સાથે ચાલતાં રહે પણ એવું દર વખતે ક્યાં બને છે? અમુક લોકો નથી ઈચ્છતાં કે આપણે
શાંતિથી રહીએ કે આપણે શ્રેષ્ઠ બનીએ! આપણામાં છુપાએલાં અવગુણો બહાર લાવવામાં એ લોકો
આપણને ખૂબ ઉશ્કેરે પરિણામે નાછૂટકે આપણે આપણું મહોરું ઉતારવું પડે. શું થાય?
અમારી સાથે આ ચાલુ વેકેશનમાં એવું જ બન્યું.
અમારે ત્યાં અચાનક જ મહેમાન આવ્યા! એટલે જાણે કે ભગવાન આવ્યા એમ જ સમજો ને. અમે
ફક્ત એમની આરતી ઉતારવાની જ બાકી રાખેલી, બાકી તો દસ વાર ઉમળકાથી ‘આવો આવો’ કહેલું
ને આવતાંની સાથે જ ચા–નાસ્તો ધરેલો. બે બે કલાકે ‘કંઈ લેશો?’ એમ પૂછ્યા કરેલું અને
રાતે તો એમનું ભાવતું ભોજન પણ જમાડેલું. એમના સામાન અને એમના વર્તનની નિરાંત જોઈને
જ અમે તો અંદાજ લગાવેલો કે આ લોકો પંદર વીસ દિવસ તો પાકા! ઠીક છે, બધું સીધું ઊતરે
તો કોઈ વાંધો નહીં. આજે મહેમાન કોના ઘરે?
અમારા અંદાજમાંથી સાતેક દિવસ તો શાંતિથી ગયા પણ
પછી એ લોકોએ રોજ રોજ મારી રસોઈમાં ખામી કાઢવા માંડી. (આ બાબતે ઘરનાંને કંઈ બોલવા ન
દઉં તો આ લોકોનું મારે સાંભળી લેવું?) તે તો ઠીક, પણ રોજ સાંજે એવણ પાસે ફિલ્મની
ટિકિટ બુક કરાવીને બહાર ખાવાનો પ્રોગ્રામ ગોઠવવા માંડ્યા. બિચારા પુરુષોને માથે
ટાલ પડવાનું આ પણ એક કારણ હશે? કોણ જાણે. બે દિવસમાં જ અમારા પાંચ હજારની ચટણી
બનતાં અમે જોઈ. હવે? આમ તો જીવનભરની બચતેય ઓછી પડે. મેં તો મારા એવણને કહ્યું, ‘આ
લોકોને આગ્રહ કરીને રાખ્યાં ને સારું સારું જમાડ્યાં તો હવે માથે પડ્યાં છે.
વહેલાં જાય એવું લાગતું નથી. શું કરીએ?’ એવણે કોઈ જવાબ ન આપ્યો પણ...
બીજી સાંજ સુધીમાં તો એમના કાકા ને કાકી બે મોટી
બૅગ સાથે હાજર થઈ ગયાં. અમે તો એમનુંય ખૂબ પ્રેમ ને ઉમળકાથી સ્વાગત કર્યું અને
ભાવતાં ભોજનથી ભગવાનને રીઝવ્યાં. એ તો સારું કે મહેમાન સમજુ નીકળ્યાં તે વડીલો
માટે એમણે (નાછૂટકે) પોતાનો રૂમ ખાલી કરી આગળ હૉલમાં મુકામ નાંખી દીધો. સ્વાભાવિક
છે કે, હૉલમાં સૂએ એની ઊંઘની પથારી ફરી જાય એટલે સવારથી જાતજાતની અવરજવર ને અવાજથી
કંટાળી જાય. એમાં અમારા કાકા ને કાકી સવારે વહેલા ઊઠવાવાળા એટલે હૉલમાં આવીને ટીવી
પર ભક્તિ ચેનલ મોટેથી ચાલુ કરીને સાથે ભજન ગાવા માંડ્યાં. મહેમાન કંટાળીને બેઠાં
થઈ ગયાં અને નિત્યકર્મ પતાવતાં થયાં તો એમને કાકા ત્યાં પણ નડ્યાં. બાથરૂમ રોકેલું
રાખીને કાકાએ મહેમાનને રડવા જેવા કરી દીધા! ખેર, સાંજ સુધીમાં તો મહેમાનની બૅગ પૅક
થઈ ગઈ ને છૂટકારાની ખુશી અનુભવતાં બંને દસ વાર, ‘આવજો...આવજો’ કહેતાં રવાના થયાં.
જોકે, એમણે અમારા ‘આવજો પાછાં...રહેવાય એમ’નો કોઈ જવાબ નહોતો આપ્યો!
હવે? આગળ શું થયું? ભલે પહેલા મહેમાનથી અમને
બચાવવામાં એમનો અજોડ ફાળો હતો તોય બીજા મહેમાન તો હજીય ઘરમાં જ હતાં ને? અમારાથી તો
કંઈ બોલાય એમ પણ નહોતું. ઉલમાંથી ચૂલમાં આને જ કહેવાય? આ કાકી તો સવારથી વહેલાં
ઊઠીને હવે ટીવીમાં કથા કે ભજન માણવાને બદલે મારી આગળપાછળ ફરવા માંડ્યાં. હું જ્યાં
જાઉં ત્યાં પૂંછડાની જેમ પાછળ પાછળ ફરે ને પોતાની ને પોતાની વાત કર્યે રાખે. મને
એમની વાતોમાં કેટલો રસ હોય? ધીરે ધીરે મારું ધ્યાન મારા કામમાંથી હટતાં રસોઈમાં
ગોટાળા થવા માંડ્યા તે એ બંનેને તો બહાનું મળી ગયું. કાકા રોજ બબડતા બબડતા કોઈ ને
કોઈ ખામી કાઢે ને કાકી એમને પ્રોત્સાહન આપતાં મને બધું સમજાવવા બેસે. ‘જો બેન, થેપલાં
બનાવે ને તો પહેલાં...ફલાણું ને ઢીકણું કરવાનું’. ‘કઢીમાં આની સાથે પેલું નાંખે ને
તો પણ ચાલે’ ને પછી પોતાની કઢીના કોણે કોણે વખાણ કરેલાં તેની કથા માંડે. રાત
સુધીમાં તો કાકી મને હૉરર ફિલ્મની ફાનસવાળી ડોસી જેવાં દેખાવા માંડે.
એક દિવસ મને તો સવારથી ધ્રુજારી ને ચક્કર ચાલુ
થયાં તોય જેમતેમ મગજ પર કાબૂ રાખતી હું લાગ જોઈને પાડોશમાં ગઈ ને જતાં વેંત
પાડોશણને ખભે માથું નાંખીને, ગળગળા અવાજે મારી બધી તકલીફ જણાવી કોઈ મદદ કરવા
કહ્યું.
‘અરે, એમાં શું? તમે બિલકુલ ચિંતા ન કરો. અમે
બંને કાલે સવારથી તમારા ઘરમાં ઘરમાં ધામો નાંખી દઈએ. એમનું એવું માથું ખાઈશું ને
કે તમારા કાકા ને કાકીની સાંજ પણ નહીં પડવા દઈએ.’
મારી પાડોશણમાં ત્યારે મને સાક્ષાત્ ભગવાનનાં
દર્શન થયાં, બોલો!